આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ દિન

આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ દિન દર વર્ષે ઑક્ટોબર મહિનાના બીજા ગુરુવારે ઊજવવામાં આવે છે.

મારી દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ દિન ઉજવવા પાછળ ત્રણ હેતુઓ છે. એક, અંધત્વ કે અંધાપા અંગેની વાસ્તવિક પરિસ્થિતિથી લોકોને સભાન કરવા; બે, અંધત્વને દૂર કરવા માટે દ્રષ્ટિદાન કરવા લોકોને તૈયાર કરવા અને ત્રણ, દ્રષ્ટિદાન કરનાર લોકોની ઉદારતા અને પરસ્નેહી વિશાળ મન:સ્થિતિની કદર કરવી. આ ત્રણ મુદ્દાઓની ચર્ચાવિચારણા કરતાં પહેલાં એક અંગત અનુભવની વાત કરવા હું ઈચ્છું છું.

થોડાં વર્ષ પહેલાં મેં એક દસ્તાવેજ પર સહીસિક્કા કર્યા. એમાં  મારા મૃત્યુ પછી મારી આંખો અને મારા શરીરના કેટલાક અવયવોને દાન કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ મારા અવયવનું દાન કરતાં પહેલાં મારું શરીર કે લોકોને ઉપયોગી થાય એવા મારા અવયવોને દાન અંગે બરાબર સમજવા માટે મેં એ અંગે થોડો અભ્યાસ અને સંશોધન કર્યાં. દાખલા તરીકે, દ્રષ્ટિદાન અંગેના મારા અભ્યાસ દરમિયાન મને જાણવા મળ્યું કે, ગુજરાતમાં નાનાંમોટાં શહેરોમાં આઈ બેન્કો (Eye Banks) છે. ચક્ષુદાન કરવા ઇચ્છનાર લોકો દેશભરમાં ફોન નંબર 1919 જોડીને વાત કરી શકે છે.

ચક્ષુદાન અંગેના મારા વાચનથી મને ઘણુંબધું જાણવા મળ્યું. ચક્ષુદાનના મહિમા અંગે ખૂબ પ્રભાવિત થતાં મને લાગ્યું કે, ચક્ષુદાન અંગે જાણવા જેવી સામાન્ય બાબતો પણ લોકો જાણતા નથી! એટલે લોકોને જાણ કરવા માટે મને એક વિચાર આવ્યો. લોકોને વાંચવાનું  ગમે,મનોરંજન મળે એવી એક વાર્તામાં મેં મારા એ વિચારને રજૂ કર્યો. મારી વાર્તાનું શીર્ષક છે: “નેત્રાંબુ.” મારી વાર્તાને મેં એ જ નામથી દેશવિદેશમાં હજારોની સંખ્યામાં ગ્રાહકો ધરાવનાર માસિક ‘જનકલ્યાણ’માં મોકલી અને તે એપ્રિલ 2007ના અંકમાં પ્રકાશિત થઈ. ત્યાર પછી 2014માં રન્નાદે પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલા મારા વાર્તાસંગ્રહ “લોહીનાં આંસુ”માં મારી એ વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. એક અંધાપા અંગેની વાસ્તવિક પરિસ્થિતિ. આપણે આપણી આંખોથી આસપાસની દુનિયા જોઈ શકીએ છીએ, છતાં આપણી દ્રષ્ટિની આપણને કદર નથી! પણ આંખમાં અંધાપો આવે ત્યારે આપણી આંખોની કિંમત આપણે સમજીએ છીએ. આજે દ્રષ્ટિ સાથે જન્મેલા પણ એક યા બીજા કારણથી દ્રષ્ટિ ખોઈ બેઠેલા લાખો લોકો છે, પરંતુ દ્રષ્ટિદાન કરનાર લોકોની સંખ્યા ફક્ત હજારોમાં છે. ઇન્ટરનેટમાં અંધાપો અને દ્રષ્ટિદાન અંગેની માહિતી આંકડા સાથે ઉપલબ્ધ છે. દ્રષ્ટિદાન મેળવીને ફરી જોઈ શકનાર લોકોની સંખ્યા લાખોમાં છે. પરંતુ દ્રષ્ટિદાન કરનાર માણસોના અભાવે એવા અંધાપાવાળા મોટાભાગના લોકોને આખું જીવન અંધકારમાં જીવવું પડે છે!

અંધાપા અંગે બે વાત ખાસ સમજવાની જરૂર છે. એક, બધા અંધ માણસો દ્રષ્ટિદાન મેળવીને ફરી જોઈ શકતા નથી. દરેક માણસની આંખના ડોળા ઉપર પારદર્શક સ્વચ્છ પડ છે જેને આપણે અંગ્રેજીમાં ‘કોર્નિયા’ કહીએ છીએ. આ કોર્નિયાને એક યા બીજા કારણથી નુકસાન થાય ત્યારે માણસની આંખમાં અંધાપો આવે છે. આવો અંધ માણસ ચક્ષુદાન મેળવી આંખની શસ્ત્રક્રિયા દ્વારા સ્વચ્છ ને નિર્મળ કોર્નિયાનું પ્રત્યારોપણ કરાવીને ફરી જોઈ શકે છે.

અંધાપા અંગેની બીજી વાત એ છે કે, લોકોમાં દ્રષ્ટિદાન અંગે ખૂબ અજ્ઞાન છે અને ગેરસમજ પણ છે. અંગ્રેજીમાં કહેવત છે કે, ‘Ignorance is a bliss’ એટલે અજ્ઞાન એટલે પરમસુખ. પરંતુ આંખના અંધાપા અંગેનું અજ્ઞાન કે ગેરસમજ કદી કોઈને પરમસુખ આપી ન શકે. એટલે અંધાપો, ચક્ષુદાન જેવી બધી બાબતો અંગે બધા માણસોએ વાકેફ બનવાની તાતી જરૂર છે.

આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ દિન ઊજવવાનો બીજો હેતુ લોકોને દ્રષ્ટિદાન માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનો છે. ચક્ષુદાન અંગે જયારે લોકોની ગેરસમજ તથા અજ્ઞાન દૂર થાય ત્યારે લોકોને દ્રષ્ટિદાન દ્વારા બીજાને દ્રષ્ટિ આપવાની પ્રેરણા કે પ્રોત્સાહન મળે. ચક્ષુદાનથી બીજા લોકો જાણતા નથી કે, ચક્ષુદાન તો ફક્ત દાનવીરના મૃત્યુ પછી જ થાય છે. વળી, ચક્ષુદાન મેળવનાર વ્યક્તિની આંખમાં કોર્નિયા સિવાય જ્ઞાનતંતુ વગેરે બરાબર હોય તો જ તે વ્યક્તિ ચક્ષુદાનથી પુન:દ્રષ્ટિ મેળવી શકે. ખામીયુક્ત પોષણ, ચેપી રોગ, અકસ્માત, મધુપ્રમેહ જેવી બાબતોથી માણસ અંધ બને છે. એવો અંધાપો દૂર કરવા માટે ચક્ષુદાનનો મોટો મહિમા છે. પરંતુ ડૂબી જઈને મૃત્યુ પામેલા માણસ તેમ જ ચેપી રોગથી જીવન ગુમાવનાર માણસની આંખો ચક્ષુદાન માટે યોગ્ય નથી.

લોકોને ખાસ જાણવાની જરૂર છે કે, ચક્ષુદાનથી માણસની આંખો કે ચહેરો બેડોળ કે વિકૃત બનતાં નથી. વળી, મૃત માણસના શરીરમાંથી મૃત્યુના છ કલાકની અંદર નિષ્ણાત તબીબો દ્વારા આંખ લઈ લેવામાં આવે તો જ પ્રત્યારોપણ માટે આંખો યોગ્ય રહેશે. આંખની શસ્ત્રક્રિયામાં કોર્નિયા કામમાં આવે.

આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ દિનનો ત્રીજો હેતુ દ્રષ્ટિદાન કરતા ઉદાર દાનવીરોની કદર કરવાનો છે. યુરોપ અને અમેરિકાનાં રાષ્ટ્રોના લોકો ચક્ષુદાન વિશે બરાબર જાણે છે; એની કદર કરે છે અને ઘણાબધા લોકો ચક્ષુદાન કરે છે. પરંતુ ગુજરાત સહિત ઇન્ડિયામાં ખૂબ ઓછા લોકો ચક્ષુદાનની કદર કર છે અને એથીય ઓછા લોકો મૃત્યુ પહેલાં પોતાની આંખોનું ચક્ષુદાન કરવા માટે દસ્તાવેજો તૈયાર કરતા હોય છે. આવી પરિસ્થિતિ સામે આ વર્ષે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ દિનની ઉજવણી આપણે અર્થબદ્ધ રીતે કરીએ.

ચક્ષુદાન દ્વારા આપણે બીજા બધા માણસો માટેનાં આપણા પ્રેમ અને હમદર્દી પ્રગટ કરી શકીએ. તો આ વર્ષે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ દિનના દિવસે અને પછી આપણે આવાં સાત પગલાં લઈએ: (1) આપણી આંખો ચક્ષુદાનમાં આપવાની વાત અંગે લાગતાવળગતા લોકોને જાણ કરીને દસ્તાવેજ તૈયાર કરીએ. (2) ચક્ષુદાન કરવાના વચનબદ્ધ લોકોની કદર કરીએ. (3) ચક્ષુદાન અંગેનું સાહિત્ય વાંચીને એનો ફેલાવો કરીએ. (4) ચક્ષુદાન કરેલા મૃત માણસનાં કુટુંબીજનોને વધાવીએ. (5) ચક્ષુદાનમાં આંખોની લણણી કરનાર તબીબી નિષ્ણાતો અને દવાખાનાંઓના સંપર્કમાં રહીએ. (6) ચક્ષુદાન કરવા ભલમનસાઈવાળા લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપીએ. (7) ચક્ષુદાન અંગે લોકોમાં સભાનતા કેળવવા આપણાથી થાય એવાં બધાં પગલાં લઈએ.

#

Changed on: 01-11-2019

Next Change: 16-11-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019