એક સફળ યુવાનનું રહસ્ય

કોલગેટ નામથી આપણે પરિચિત છીએ. કારણ, કોલગેટના બ્રાંડનામની કોલગેટ કંપની અનેક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. દેશવિદેશમાં કોલગેટ બ્રાંડવાળી ચીજવસ્તુઓ વેચાય છે. આપણે રોજબરોજ કોલગેટ ટૂથપેસ્ટ, કોલગેટ શેવિંગ ક્રીમ, સાબુ વગેરે વાપરીએ છીએ. લોકો જાણે છે કે, કોલગેટ બ્રાંડ નામવાળી ચીજવસ્તુઓ ભરોસાપાત્ર છે. એમાં ભેળસેળ નથી.

કોલગેટ બ્રાંડ સર્જનાર વિલિયમ ગોલગેટને લોકો ખાસ જાણતા નથી. એટલે બહુરાષ્ટ્રિય કંપનીના સફળ માલિક વિશે જાણવાની ઇન્તેજારી તો લોકોમાં છે જ. લોકપ્રિય કોલગેટ બ્રાંડ સર્જનારની સફળતાનું રહસ્ય જાણવામાં રસ છે. ડો. પ્રા. પરમેશ્વરી અરુણનું પુસ્તક યુથ, અરાઇઝ એન્ડ શાઈન’ (યુવાનો, ઊઠો અને તેજસ્વી બનો)માં વિલિયમ કોલગેટ વિશે વાંચ્યા પછી એક પત્રકાર અને લેખક તરીકે મને એમના વિશે વધુ જાણવાની જિજ્ઞાસા થઈ. મારી શોધતપાસમાં મને ઇન્ટરનેટમાંથી ઘણુંબધું જાણવા મળ્યું.

આપણે જાણીએ છીએ કે, ઇન્ડિયાની સ્વતંત્રતાની ચળવળ કેટલાક પ્રબુદ્ધ અંગ્રેજો અને પરદેશમાં ભણીગણીને પરત આવેલા નિવાસી ભારતીય નાગરિકો દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા થઈ હતી. એ જ રીતે ૧૮મી સદીમાં અમેરિકાની સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી ત્યારે એક અંગ્રેજી નાગરિક, નામે રોબર્ટ કોલગેટ એને ટેકો આપતો હતો. એક દિવસ રાત્રે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી વિલિયમ પિટ્ટ તરફથી એક ખાસ દૂત દ્વારા રોબર્ટ કોલગેટને એક ખાનગી સંદેશ મળ્યો. એમાં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રીએ પોતાના મિત્ર રોબર્ટને જણાવ્યું હતું કે, દેશદ્રોહી તરીકે તેમને કેદ કરવાની અને મૃત્યુની શિક્ષા થવાની શક્યતા છે. એટલે વિલિયમ પિટ્ટે મિત્રને પોતાના પત્રમાં દેશ છોડી જવાની સલાહ આપી હતી.

રોબર્ટ કોલગેટ મિત્રની સલાહને આધારે પોતાના કુટુંબ સાથે અમેરિકાના બલટીમોર પ્રાંતમાં જવા માટે માર્ચ ૧૭૯૫માં જહાજમાં બેઠા. તે વખતે રોબર્ટ કોલગેટનો દીકરો વિલિયમ કોલગેટ ૧૨ વર્ષનો હતો. ગોલગેટ કુટુંબે અમેરિકામાં એક ફાર્મમાં વસાહત કરી. રોબર્ટે એક સાથીદાર રાલ્ફ મહેર સાથે ભાગીદારીમાં સાબુ અને મીણબત્તીના ઉત્પાદનમાં ઝંપલાવ્યું. દીકરો વિલિયમ પણ બંને સાથીદાર-ભાગીદારોને એમના ઉત્પાદનમાં મદદ કરતો હતો. બે વર્ષ પછી રોબર્ટે પોતાના સાથીદાર સાથેની ભાગીદારી છોડી દીધી અને પોતાના ખેતીકામમં પરત ગયા. ૧૯ વર્ષની ઉંમરના વિલિયમ પોતાનો સ્વતંત્ર ધંધોવેપાર કરવામાં માનતા હતા, પણ વિલિયમ એકાદ વર્ષમાં પોતાના ધંધામાં નિષ્ફળ ગયા. પરંતુ નિષ્ફળતાથી નિરાશ થયા વિના તેમણે ન્યૂયોર્ક શહેરમાં જઈને ધંધો શરૂ કર્યો.

વિલિયમ કોલગેટને નવો ધંધો શરૂ કરતાં પહેલાં એક મિત્રે એમને સલાહ આપી. “સારી રીતે શરૂ કરજે. તું ધંધામાં સફળતાને વરશે. ન્યૂયોર્કમાં કોઈ સાબુના ઉત્પાદનમાં આગેવાની લેજે. આગેવાની લેનાર તે સાબુ-ઉત્પાદક તું હશે! પણ નિષ્ઠાવાન માણસ રહેજે. તારા હ્રદયમાં ઈશ્વર પ્રભુને રાખજે. કોઈ ભેળસેળ વિનાનો સાબુ બનાવજે અને ઈશ્વરને યોગ્ય ફાળો આપજે.”

મિત્રની સલાહથી વિલિયમ પ્રભાવિત થયા. તેમને બાઇબલમાં વાંચેલી યાકોબની વાત યાદ આવી. તેમણે ફરી બાઇબલમાં યાકોબની વાત વાંચી: “પછી યાકોબે માનતા રાખી કે, ‘જો ઈશ્વર મારી સાથે રહેશે અને આ પ્રવાસમાં મારું રક્ષણ કરશે. મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર આપશે, જેથી હું સહીસલામત મારા બાપને ઘેર પાછો આવું તો પ્રભુને હું મારા પરમેશ્વર માનીશ. આ પથ્થર, જે મેં સ્મારકસ્તંભ તરીકે ખડો કર્યો છે, તે ઈશ્વરનું મંદિર બનશે અને ઈશ્વર મને જે કંઈ આપશે તે બધાનો દસમો ભાગ હું તેને અવશ્ય ધરાવીશ.’” (ઉત્પત્તિ ૨૮: ૨૦-૨૨)

યાકોબની આ માનતા વિલિયમ માટે પડકારરૂપ હતી. વિલિયમે પોતાન જીવનમાં ઈશ્વરને પ્રાથમિકતા આપવા માંડી અને ધંધાવેપારમાં ઈશ્વરને દસમો ભાગ આપવાનો નિર્ણય કર્યો. થોડો સમય વિલિયમે મીણબત્તી બનાવતી એક કંપનીમાં નોકરી કરી. જ્યારે મીણબત્તી બનાવતી એ કંપનીએ પોતાનું ઉત્પાદન બંધ કર્યું ત્યારે વિલિયમે ખુદ પોતાની કંપની શરૂ કરી. શરૂઆતથી વિલિયમ્ને નિષ્ઠાથી કરેલા ધંધાવેપારમાં સફળતા મળતી રહી. કોલગેટ કંપની વિકસતી રહી. છ વર્ષની અંદર વિલિયમે સાબુ અને મીણબત્તી સાથે બીજી ચીજવસ્તુઓનું પણ ઉત્પાદન કર્યું.

ઈસવીસન ૧૮૧૧માં વિલિયમ મેરી ગિલબર્ટ સાથે લગ્ન કર્યું અને તેમનાં ૧૧ સંતાનો થયાં. વિલિયમ અને મેરી નિયમિત કૌટુંબિક પ્રાર્થના કરતાં અને બાઇબલનું વાચન કરતાં. એટલું જ નહીં પણ તેઓ પ્રાર્થના અને બાઇબલ વાચનને અનુરૂપ રીતે દૈવી મૂલ્યોથી સભર ધાર્મિક કુટુંબ રચવામાં પ્રયત્નશીલ રહેતાં. વળી, વિલિયમ દેવળનાં કામકાજોમાં પણ સક્રિય રહેતા. એ જ રીતે પોતાનાં બાળકોને મૂલ્યબદ્ધ શિક્ષણ આપવામાં પણ કોલગેટ યુગલ સજાગ રહેતું. તેઓ વધુમાં આસપાસની શૈક્ષણિક સંસ્થાઓને પણ આર્થિક રીતે મદદ કરતાં. ન્યૂયોર્કમાં વિલિયમે મડીસન કોલેજને પણ મદદ કરતા રહ્યા. સમય જતાં મડીસન કોલેજનો વિકાસ થયો અને વિલિયમ કોલગેટના માનમાં મડીસન કોલેજ કોલગેટ યુનિવર્સિટી બની.

વિલિયમે પોતાના મિત્રની સલાહ કદી વિસારી નહોતી; પણ તેઓ ઈશ્વરને યોગ્ય ફાળો આપવાની વાતમાં નિષ્ઠાવાન રહ્યા. કોલગેટ કંપની ખૂબ નફો કરતી રહી ત્યારે દસમા ભાગને વિલિયમ પોતાની મિલકતના દસમાને બદલે વીસમો અને ત્રીસમો ભાગ દાન આપતા રહ્યા. બાઇબલમાં પયગંબર મલાખી દ્ધારા ઈશ્વરે કરેલી વાતનો વિલિયમને અનુભવ થયો છે. “ઊપજનો પૂરો દસમો ભાગ લાવો તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે આકાશનાં દ્ધાર ખોલીને તમારા ઉપર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહીં!” (મલાખી ૩: ૧૦). સાબુના ઉત્પાદનમાં જિંદગીભર મોખરે રહેનાર વિલિયમ કોલગેટનું મૃત્યુ ૨૫ માર્ચ ૧૮૫૭માં થયું.

એક ગુજરાતી કહેવત છે: “સુખમાં સાંભરે સોની ને દુ:ખે સાંભરે રામ.” પરંતુ વિલિયમ કોલગેટના જીવનમાં સુખમાં અને દુ:ખમાં, આપત્તિમાં ને આબાદીમાં ઈશ્વરજ કેંદ્રસ્થાને રહ્યા. પરિણામે ઈશ્વર આગળ દેવળમાં જે ભક્તિ, નિષ્ઠા અને વફાદારી દાખવી હતી તેવી જ ભાવનાથી તેઓ પોતાના ધંધાવેપારમાં પણ ઈશ્વરને માથે રાખીને કામધંધો કરતા. એટલે એમના રોજબરોજના ધંધાદારી જીવનનો પ્રભાવ દેવળમાં ઈશ્વર આગળ પડતો. વિલિયમ કોલગેટ પોતે ખૂબ ઉદારતાથી મંદિરમાં અને જરૂરતમંદ લોકોને મદદ આપતા. ટૂંકમાં, વિલિયમ કોલગેટ પોતાના કૌટુંબિક અને વેપારી જીવનમાં ઈશ્વર પ્રભુના આદેશને માથે રાખીને જીવ્યા છે. પ્રભુ ઈસુનો આદેશ છે: “જે બાદશાહનું છે તે બાદશાહને આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો.”

#

Changed On: 16-03-2019

Next Change: 01-04-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019