ગુજરાતના વિકાસમાં મિશનરીઓનો વારસો

ફક્ત ગુજરાતના જ નહિ પણ સમ્રગ ભારતવર્ષના વિકાસમાં મિશનરીઓના પ્રભાવ અંગે એક બોલતું ચિત્ર છે. ‘સાધના’ માસિક માર્ચ ૧૯૯૯ના અંકના એક રંગીન મુખપૃષ્ઠમાં ચિત્રકારે અનંતનાગ જેવા અજગર અને ભારતમાતાને દોર્યા છે. એમાં એક બાજુ ભારતીય પ્રજાના સમગ્ર જીવનમાં મિશનરીઓનો પ્રભાવનો સ્વીકાર છે. તો બીજી બાજુ સમગ્ર દેશના વિકાસમાં મિશનરીઓના નિર્ણાયક ફાળાને ધિક્કારતા ચિત્રકારે રાક્ષસી અજગરના ભરડામાં ગૂંગળાઈ જવાથી ચીસ પાડતી ભારતમાતાને ચીતરી છે. એટલું જ નહિ પણ અબુદ્ધ માણસ પણ સમગ્ર ચિત્રને બરાબર સમજે એટલા માટે ચિત્રકારે અજગરની વિકરાળ જીભને એક ક્રૉસરૂપે ચિતરી છે અને રાક્ષસી અજગર પર મોટા અક્ષરે લખ્યું છે: ‘મિશનરી’.

દેખીતી રીતે ચિત્રકાર ભારત અને ગુજરાતના વિકાસમાં મિશનરીઓના પ્રભાવથી બરાબર વાકેફ છે. પરંતુ મિશનરીઓના પ્રભાવને ધિક્કારતા ચિત્રકારે ગુજરાતના વિકાસમાં મિશનરીઓના ફાળા પાછળનો મર્મ સમજતા નથી. કારણ, પ્રભુ ઈસુના શિષ્ય હોવાને નાતે એક મિશનરી બીજાની વિશેષ તો ગરીબો ને દલિતોની નિ:સ્વાર્થ સેવા કરવા પ્રતિબદ્ધ છે. કારણ, જાત જેટલો બીજા પર અને દુશ્મનો પર પણ પ્રેમ રાખવાનો સંદેશ આપીને ક્રૉસ પર મૃત્યુ પામનાર પ્રભુ ઈસુને મિશનરીઓ અનુસરે છે.

પરંતુ ઈસુએ ચીધેલા રસ્તે ચાલવા મથનાર મિશનરીઓને પેલા ચિત્રકાર અને એમના જેવા અણસમજુ લોકો સ્વીકારી શકતા નથી. પરંતુ આપણું સદભાગ્ય છે કે નાતજાતના ભેદભાવ વિના મોટા ભાગની ભારતીય પ્રજા મિશનરીઓના વારસાની કદર કરનાર છે અને એ જ પ્રેમ અને સેવાને રસ્તે ચાલવામાં મિશનરીઓના અનુકરણ કરનાર લોકો પણ આપણી વચ્ચે છે. અહીં આપણે ફક્ત ગુજરાતમાં મિશનરીઓના વારસાની વાત કરીએ.

ગુજરાતના વિકાસમાં મિશનરીઓનો વારસો મુખ્યત્વે પાંચ ક્ષેત્રોમાં જોઈ શકાય છે. ગુજરાતના સર્વાંગી વિકાસમાં શૈક્ષણિક, તબીબી, સામાજિક, સાહિત્યિક અને ધાર્મિક એમ પાંચ ક્ષેત્રોમાં મિશનરીઓનો વારસો આંખે વળગે એવો છે. મેં મારા પત્રકાર મિત્ર નવીન મેકવાન સાથે “વિકાસના હમસફર: ગુજરતના વિકાસમાં ખ્રિસ્તીઓનું પ્રદાન” નામે એક દળદાર ગ્રંથનું ૨૦૧૧માં ગુજરાતી સાહિત્ય પ્રકાશન, આણંદ દ્વારા સંપાદન કર્યું છે. એમાં મિશનરીઓ તરફથી વિવિધ ક્ષેત્રે ગુજરાતને મળેલા વારસાની સવિસ્તર રૂપરેખા જોઈ શકાય છે.

પારંપારિક માન્યતા અને ઈસવીસન ત્રીજી સદીથી મળતો લેખિત ઈતિહાસ મુજબ પ્રથમ સદીથી એટલે ઈસવીસન પર (બાવન)થી ઈસુના એક શિષ્ય થોમસ દક્ષિણ ભારતમાં આવી ઈસુના પ્રેમ-સેવાના સંદેશની ઘોષણા કર્યાની ભરોસાપાત્ર માહિતી મળે છે. પણ ગુજરાતમાં ખ્રિસ્તીઓનું આગમન અને ઈસુના સંદેશના પ્રચારની માહિતી ૧૪મી સદીથી જોવા મળે છે.

ગુજરાતી લોકો પહેલેથી જ સાહસિક અને પ્રવાસપ્રેમી વેપારી પ્રજા છે. એટલે જયારથી વિદેશી પ્રજા વેપારઅર્થે ભારતના પશ્ચિમ કિનારે મુખ્ય બંદર અને વેપારકેન્દ્ર ખંભાત અને ભરૂચમાં તજ, લવિંગ, મરી, ઈલાયચી, આદુ જેવા મસાલાઓના ધંધા માટે આવ્યા ત્યારથી ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનું મંડાણ થયું છે. પણ ઈતિહાસની ર્દષ્ટિએ Christian Encyclopediaના આધારે ડૉ. ઈશાનંદ વેમ્પેની “વિકાસના હમસફર…”માં લખે છે: “જોર્ડન કઠાલા ડે સેવરાંક નામના ફ્રેન્ચ ડોમિનિકન સંઘના સંન્યાસી મિશનરી ૧૩૨૧માં મુંબઈ પાસે થાણે, ભરૂચ, ખંભાત જેવા શહેરોમાંની ખ્રિસ્તી મંડળીઓનો ઉલ્લેખ કરે છે અને તેમની શિખામણથી ઓગણીસ લોકો ખ્રિસ્તી બન્યાં એવું પણ કહે છે” (વિકાસના હમસફર…પૃ.૧૭). “અંગ્રેજ પ્રવાસી વિલિયમ હેડજસ (William Hedges) ગુજરાત ઘણી જાતના અને સંપ્રદાયના ખ્રિસ્તી પુરોહિતો વિશે ૧૬૬૬માં પોતાની ડાયરીમાં લખ્યું છે.” (વિકાસના હમસફર…પૃ.૧૭)

ટૂંકમાં કહીએ તો, ગૌરાંગ જાની એમની કટાર ‘સમાજ દર્પણ’માં કહે છે તેમ, “ખ્રિસ્તી ધર્મનો ગુજરાતનો સંપર્ક ખ્રિસ્તી ધર્મ જેટલો જ જૂનો છે.” (‘સંદેશ’, ૨૧ ડિસેમ્બર ૨૦૦૭)

ખ્રિસ્તી ધર્મના મુખત્વે બે ફાંટા છે: રોમન કૅથલિક અને પ્રોટેસ્ટન્ટ. સોળમી સદીમાં ખ્રિસ્તી ધર્મમાં પેઠેલા સડા સામે માર્ટિન લ્યૂથર (૧૪૮૩-૧૫૪૬) નામે એક કૅથલિક ધર્મગુરુ બંડ પોકારી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના સ્થાપક બન્યા.

ગુજરાતમાં સૌ પ્રથમ ઈસુના શુભસંદેશનો પ્રચાર ફેલાવો કરનાર પ્રોટેસ્ટન્ટ મિશનરીઓ હતા. “વિકાસના હમસફર…”માં નોંધવામાં આવ્યું છે તેમ, ગુજરાતમાં પ્રોટેસ્ટન્ટ મિશનરી વિલિયમ ફાઈવીએ સુરત ખાતે ૧૮૨૦માં પહેલી પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપી. એ સાથે ગુજરાતી ભાષામાં મુદ્રણની શરૂઆત થઈ. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ છાપેલું પુસ્તક બાઇબલ ૧૮૨૦માં વિલિયમ ફાઈવીએ પ્રસિદ્ધ કર્યું. પછી સુરતના વ્રજવાલ કાલિદાસ શાસ્ત્રી પાસેથી ૧૮૬૦ના દાયકામાં રેવ. જૉસેફ વાન સોમરન ટેલરે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરીને ૧૮૬૭માં ગુજરાતી ભાષાનું વ્યાકરણ અંગ્રેજી લિપિમાં છાપ્યું, અને ૧૮૭૦માં ગુજરાતી વ્યાકરણ ગુજરાતી લિપિમાં પ્રસિદ્ધ કર્યું. (વિકાસના હમસફર… પૃ.૧૩૪-૧૩૫).

ગુજરાતી સાહિત્યના વિકાસમાં મિશનરીઓ તથા ખ્રિસ્તી ધર્મ અપનાવનાર સ્થાનિક લેખકો અને કવિઓનો અનેરો ફાળો છે. “વિકાસના હમસફર…” પુસ્તકના ‘સાહિત્ય’ વિભાગ હેઠળ આપેલા રઘુવીર ચૌધરી, કેશુભાઈ દેસાઈ અને યશવંત મહેતા જેવા પ્રખ્યાત સર્જકોના નવ લેખો ગુજરાતી સાહિત્યના વિકાસમાં મિશનરીઓ અને ખ્રિસ્તી લેખકોના પ્રદાનની ઝાંખી કરાવે છે. વળી, “ગામીત ભાષાનું વ્યાકરણ” અને “ડાંગી ભાષાનું વ્યાકરણ” નામે બે દળદાર ગ્રંથના લેખક ફાધર રેમન્ડ એ. ચૌહાણ છે. એમના “વિકાસના હમસફર…”માંનો લેખ “મૂળ નિવાસી સંસ્કૃતિનું જતન”માં આદિવાસી ભાષાઓ અને સંસ્કૃતિને ઉદ્દીપ્ત કરવામાં મિશનરીઓના પ્રદાનનો સારો ખ્યાલ મળે છે. ગુજરાતી સાહિત્યમાં નવલકથાકાર જોસેફ મેકવાન, કવિ યૉસેફ મેકવાન, નિબંધકાર ફાધર વાલેસ અને ફાધર વર્ગીસ પૉલ ખૂબ જાણીતાં અને અનેક સાહિત્યિક ઍવોર્ડોથી નવાજેલાં નામો છે.

સામાન્ય માણસ ગુજરાતી સાહિત્યમાં મિશનરીઓ અને અન્ય ખ્રિસ્તી લેખકોના પ્રદાન વિશે ખાસ જાણતા નથી. પરંતુ સૌ લોકો એમની શૈક્ષણિક સેવા વિશે સારી પેઠે જાણે છે. એનું મુખ્ય કારણ, મિશનરીઓ ગુજરાતમાં આવ્યા ત્યારથી જેમને શિક્ષણથી બાકાત રાખવામાં આવતા હતા એ દલિત લોકો માટે ગામેગામ પ્રાથમિક શાળાઓ ખોલી અને નાતજાતના ભેદભાવ વિના મિશનરીઓએ સૌને શિક્ષણ આપવા માંડ્યું. પરિણામે દાયકાઓથી સાક્ષરતાની બાબતમાં ખ્રિસ્તીઓ બીજા બધા લોકોથી આગળ રહ્યા છે.

સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદના પ્રથમ પ્રિન્સિપાલ ફાધર હર્બર્ટ ડિસોઝાને કહેતા મેં સાંભળ્યું છે કે, ૧૯૫૫માં કૉલેજની શરૂઆત થઈ ત્યારે કોઈને ન જોઈતી કૉલેજમાંથી જોતજોતામાં સેન્ટ ઝેવિયર્સ કેવળ અમદાવાદ શહેરની જ નહિ પણ સમગ્ર ગુજરાત રાજ્યની ‘નંબર વન’ કૉલેજ બની ગઈ. શિક્ષણ ક્ષેત્રે મિશનરીઓનું પ્રદાન બે બાબતમાં ખાસ નોંધપાત્ર છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર જેવા શહેરોમાં સ્થાપેલી ખ્રિસ્તી સ્કૂલોનું ઉચ્ચ ધોરણ બીજાને માટે પ્રેરણા અને પડકારરૂપ બન્યા હતા અને બીજું, શહેરોની સ્કૂલો સાથે નાનાંમોટાં ગામોમાં અને ડેડિયાપાડા, આહવા, સુબીર જેવા આદિવાસી વિસ્તારોમાં સ્કૂલો ખોલીને શિક્ષણને ફેલાવવા અને ગરીબ લોકો સુધી પહોંચાડવામાં મિશનરીઓનો અનન્ય ફાળો છે.

આદિવાસી વિસ્તારમાં કેટલીક સરકારી સ્કૂલો હતી. પરંતુ મિશનરીઓની સ્કૂલો ખોલવામાં આવી ત્યાં સુધી સરકારી સ્કૂલોમાંથી કોઈ આદિવાસી બાળક એસ.એસ.સી. પાસ કરી શક્યો નહોતો. કારણ, તે વખતના શિક્ષકો અને સરકારી અધિકારીઓના મતે આદિવાસી બાળકો ભણવા યોગ્ય નહોતા પણ જંગલમાં રખડવાની જ એમની પાત્રતા હતી. પણ અત્યારે! મને છાપાંઓમાંથી સમાચાર મળ્યા છે કે, નવસારી જિલ્લામાં ઉનાઈ ખાતે આવેલી ને મુખ્યત્વે આદિવાસી છોકરા-છોકરી ભણતી વિદ્યાકિરણ સ્કૂલ જિલ્લાની અને રાજયની સર્વશ્રેષ્ઠ સ્કૂલ તરીકે જાહેરાત થઈ છે! અને ઈનામમાં પાંચ લાખ રૂપિયા મળ્યા છે. મને આનંદ છે કે, વિદ્યાકિરણ સ્કૂલનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને એક લેખક તરીકે “શિક્ષણમાં વાંચનની ટેવ પાડવાના મહત્વ” અંગે બે વાર સંબોધવાની તક મળી છે. દાયકાઓ પહેલાં સાણંદમાં મિશનરી સ્કૂલ શરૂ થઈ ત્યારે મિશનરી સાધ્વીબહેનો ગામડેગામ જઈને પોતાની ગાડીમાં છોકરીઓને લઈ આવીને બોર્ડિગમાં રાખતી. તેઓ છોકરીઓને ભણાવવામાં ખાસ રસ દાખવતી. હવે એ જ સાણંદ સ્કૂલમાં પ્રવેશ માટે પડાપડી થાય છે.

શિક્ષણની જેમ ગામેગામ તબીબી સેવા પહોંચાડવામાં પણ મિશનરીઓનું નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતમાં એવો સમય હતો કે નર્સિંગ સેવામાં નવ્વાણું ટકા બહેનો ખ્રિસ્તીઓ હતી. જાણીતા સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈ મિશનરીઓ વિશે પોતાના “ગુજરાત અને ગુજરાતી તમારા થકી રળિયાત છે” લેખમાં કહે છે: “નર્સિંગ અને મિડવાઈફરી જેવા કન્સેપ્ટ માત્ર અને માત્ર ક્રિશ્ચિયાનિટીએ આપ્યા છે.” (વિકાસના હમસફર…પૃ.૩)

નર્સિંગના અભ્યાસમાં ગુજરાતમાં પ્રથમ આવનાર મારી સગી બહેન સેલિન પૉલ એક અંતરિયાળ મિશનકેન્દ્ર બરડીપાડા અને સુબીરમાં દવાખાના સાથે મોબાઇલ ડિસ્પેન્સરી પણ ચલાવતી. તે જંગલ મધ્યે બરડીપાડામાં મિશનરી દવાખાનું ચલાવતી હતી ત્યારે મોબાઇલ દવાખાનાની જીપ લઈને અંતરિયાળ વિસ્તારના આદિવાસી ગામડાઓમાં જતી. એક વાર હું એની સાથે અંતરિયાળ વિસ્તારના આદિવાસી ગામમાં બળદગાડીના રસ્તે મોબાઇલ જીપમાં પહોંચ્યો. તે દિવસે મારી બહેને છ-સાત ગામડાંની બહેનોને પોતાના બે વર્ષ કે એથી નાની ઉંમરના બાળકોને લઈને આવવાનું કહ્યું હતું. ત્રીસેક આદિવાસી સ્ત્રીઓ પોતાનાં બાળકોને લઈને આવી હતી. મારી બહેને જાહેરાત કરી: “આજે સૌથી વધારે તંદુરસ્ત બાળકને નક્કી કરવા માટેની સ્પર્ધા છે. એમાં એક જ ધોરણથી દરેક બાળકની તપાસ કરવામાં આવશે: વાળ ને નખ સાથે શરીરની સ્વચ્છતા તેમ જ કપડાંની સ્વચ્છતા. નખ કાપેલા હોવા જોઈએ. વાળ ઓળેલા ના હોય તો વાંધો નથી. એ જ રીતે કપડાં સ્વચ્છ  હોવા જોઈએ. પણ ફાટેલાં કપડાં માટે કોઈ વાંધો નથી.” સ્પર્ધાને અંતે વિજેતાને શાબાશી આપ્યા પછી મારી બહેને દરેક બાળકને સરસ મજાનાં રંગીન કપડાં અને રમકડાં આપ્યાં અને સ્વચ્છતાનું મહત્વ વિશે બધાને સમજાવ્યા. એની મોબાઇલ જીપમાં પાછાં આવતાં મેં મારી બહેનને કહ્યું, “સેલિન, તારી લોકપ્રિયતા જોઈને મને ખબર પડે છે કે, આ લોકો તને કેમ ‘જંગલની રાણી’ કહે છે.”

આજે વડોદરા, રાજકોટ, આણંદ જેવાં જૂજ શહેરોમાં મિશનરીઓ અદ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલ ચલાવે છે. પરંતુ દવાદારૂ ક્ષેત્રે મિશનરીઓનું મુખ્ય સેવાક્ષેત્ર નાનાં ગામડાંઓ અને અંતરિયાળ વિસ્તારોમાં છે. એટલે જ “તબીબી સેવાનો ઈસાઈ યજ્ઞ” શીર્ષક હેઠળ લેખમાં ડૉ. સુરેન્દ્ર આસ્થાવાદીએ કહ્યું છે કે, “ગુજરાતના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં રસ્તા કે વીજળીની સુવિધાઓ નથી એવાં ગામડાંઓ અને આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓએ તબીબી ક્ષેત્રે અનન્ય અને અકલ્પનીય સેવાકાર્ય કર્યું છે.” (વિકાસના હમસફર…પૃ.૧૯૩)

થોડાં વર્ષ પહેલાં ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને સુરતમાં સાધ્વીબહેનો કુટુંબ અને સમાજથી પણ તરછોડાયેલા કુષ્ઠરોગીઓની સારવાર કરતાં. એટલું જ નહિ પણ સાજા થયેલા દરદીને એમની શક્તિ મુજબ સિવણ, વ્યાવસાયિક તાલીમ આપીને કે હુન્નર ઉદ્યોગો શીખવાડીને સ્વનિર્ભર કરવામાં મદદ આપતાં.

અહીં ખાસ નોંધનીય છે કે, થોડાં વર્ષ પહેલાં ગુજરાત સરકારની તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા ક્ષયરોગીઓની સારવારમાં અનોખી સેવા માટે ઝંખવાવ ખાતે “દયાસદન” દવાખાનામાં ડૉ. સિસ્ટર અનેટ ફર્નાન્ડીઝને તથા ઉનાઈ ખાતેના મિશનરી દવાખાનામાં સિકલસેલ એનિમિયા રોગીઓની અનન્ય સેવા માટે સિસ્ટર લીસી પૉલને તબીબી ઍવોર્ડોથી નવાજ્યાં છે.

મારી ર્દષ્ટિએ ગુજરાતના વિકાસમાં મિશનરીઓની સૌથી મોટી સેવા લોકોને ઘણાં કુરિવાજો અને અંધશ્રદ્ધાથી મુક્ત કરી તેમને સામાજિક ક્ષેત્રે સશક્તિકરણ કરવામાં અને ધાર્મિક ક્ષેત્રે નવજાગૃત્તિ લાવવામાં છે. દાખલા તરીકે રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ રાષ્ટ્રપતિ આર. વેંકટ રામનના હસ્તે મેળવનાર દાઉદભાઈ ઐસબભાઈ મેકવાન “વિકાસના હમસફર…” લખે છે કે, “ગુજરાતને સાચા અર્થમાં તેની અસ્મિતા પ્રદાન કરવામાં ખ્રિસ્તી મિશનરીઓએ ‘કેસરિયાં’ કર્યાં છે.” (વિકાસના હમસફર…પૃ.૯૭)

ગુજરાતને સૌ પ્રથમ દિનદલિત માટે ફાધર જોસેફ ઈડિયાકુન્નેલે “મફત કાનૂની સેવા”નો વિચાર કે આદર્શ આપ્યો. જેને પાછળથી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ભગવતી દ્વારા મફત કાનૂની સેવાને આખા દેશની કક્ષાએ અપનાવવામાં આવી છે. એટલું જ નહિ, પણ જોસેફે અને તેમના સાથીદારોએ મફત કાનૂની મદદ દ્વારા સાગબારા વિસ્તારની ગુંતાબાઈ નામે એક આદિવાસી સ્ત્રી પર બળાત્કાર કરનાર પોલીસ અધિકારીઓને સુપ્રિમ કોર્ટ સુધી લડીને જેલ ભેગા કરાવીને આદિવાસી લોકોમાં જબરદસ્ત સ્વમાન અને જાગૃતિ લાવ્યાં.

નવીન મેકવાનના શબ્દોમાં કહીએ તો “ગુજરાત એંસી લાખ આદિવાસીઓના સશક્તિકરણ માટે ખ્રિસ્તી મિશનરીઓએ પહેલ કરી છે” (વિકાસના હમસફર…પૃ.૧૬૪). આજે આદિવાસીઓ વચ્ચે શિક્ષણ, વકીલાત, તબીબી, સરકારી નોકરી, સહકારી મંડળી જેવા બધા જ ક્ષેત્રોમાં આદિવાસી લોકો વિશેષ તો આદિવાસી યુવાપેઢી નામના મેળવી રહી છે.

છેલ્લે, ધનવંત ઓઝાએ “મિશનરીઓની વિધાયક પ્રવૃત્તિ” લેખમાં દેશવિદેશના મિશનરીઓની વિધાયક પ્રવૃત્તિઓની કદરથી નોંધ લઈને ઉપસંહારમાં લખે છે, “એટલે મિશનરીઓની વિધાયક પ્રવૃત્તિનો વિરોધ ન જ હોય. ગુજરાતમાં પણ એ પ્રવૃત્તિને પરિણામે પ્રેમ અને પ્રકાશ અનેક ક્ષેત્રે પ્રસર્યા છે અને ગુજરાતના પુનરુત્થાનમાં એમણે જે ફાળો આપ્યો છે એ ઈતિહાસમાં સન્માન્ય ઉલ્લેખ પામવાનો અધિકારી છે.” (વિકાસના હમસફર…પૃ.૨૫૬)

#

Changed On: 01-03-2017

Next Change: 16-03-2017

Copyright Fr. Varghese Paul, SJ – 2017