માનવજીવનનાં મૂલ્યોને અમીરસમાં ઝબોળીને પીરસવાનો અદ્દભૂત પ્રયાસ

પુસ્તક પરિચય

માનવજીવનનાં મૂલ્યોને અમીરસમાં ઝબોળીને પીરસવાનો અદ્દભૂત પ્રયાસ

ઘૂંટી ઘૂંટીને માનવજીવનાં મૂલ્યોની હિમાયત કરતું ફાધર વર્ગીસનું નવું પુસ્તક

નવીન મેકવાન (‘નયા પડકાર’, તા.૦૪-૦૧-૨૦૧૯)

 

‘જેની આંખમાં અમી તેને દુનિયા નમી’, લેખક ફાધર વર્ગીસ પૉલનું આ ૪૭મું પુસ્તક છે. પચાસ કરતાં વધુ વર્ષોથી ગુજરાતને પોતાના કર્મભૂમિ બનાવનાર કેરળના વતની ફાધર વર્ગીસ પૉલના સરળ ગુજરાતી ભાષામાં લખાયેલા લેખો અને ચિંતનાત્મક અને પ્રેરણાત્મક નિબંધોથી ચરોતરના વાચકો પરિચિત છે. અગાઉ બપોરના દૈનિક ‘મધ્યાંતર’માં તેમની કોલમ દર સપ્તાહે પ્રસિદ્ધ થતી હતી. ‘નયા પડકાર’ દૈનિકમાં પણ ફાધર વર્ગીસના પ્રેરણાના પીયૂષ પાતાં નિબંધો આપણે વાંચ્ચા છે. અનેક દેશોના પ્રવાસ કરી ચૂકેલા ફાધર વર્ગીસની પોતાની માતૃભાષા મલયાલી હોવા છતાં તેઓ ગુજરાતી ભાષામાં લખવાનું પસંદ કરે છે.

ફાધર વર્ગીસના લેખો માનવજીવનમાં નૈતિકતાનાં મૂલ્યોની મહત્તા દર્શાવી તેને મહિમામંડિત કરે છે. આ મૂલ્યો જીવન જીવવાની દિશા ચિંધે છે. કટોકટીની પળે નિર્ણય લેવાનો થાય ત્યારે પોતે કયો નિર્ણય કરશે અને શા માટે એ તેઓ તેમના લેખો અને નિબંધો સમજાવે છે.

ફાધર વર્ગીસનું ૧૦૦ પાનાંનું આ નવું પુસ્તક: “જેની આંખમાં અમી તેને દુનિયા નમી” સાચા અર્થમાં જીવનમાં આવતા વિવિધ પડાવમાં અમીરસનું સિંચન કરે છે.

પુસ્તકમાં ૨૫ લઘુનિબંધો છે. એ બધાં અગાઉ ‘કુમાર’, ‘નયા માર્ગ’, ‘દિવ્ય ભાસ્કર’,’નયા પડકાર’, ‘દૂત’ વગેરે અખબારો અને સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. લેખક પોતે એમના નિવેદનમાં જણાવે છે, અને તે સાચું પણ છે કે, આ લઘુનિબંધો જીવનમાં અમીરસ સીંચવામાં અને માણવામાં પ્રેરણા અને પ્રોત્સાહન આપવાના હેતુથી લખવામાં આવ્યા છે. વિષયવૈવિધ્ય તો એમાં છે, પણ જ્યાં સરખા વિષય જણાય ત્યાં પણ લેખકે એ લેખોના વિષયવસ્તુને પોતાના અદ્દભૂત ચિંતનથી નવા આયામ આપ્યાં છે. દા.ત. ‘સુખ તમને શોધે છે’ અને ‘તમારી જિંદગી સુખી બનાવો’. આ બન્ને નિબંધોનો વિષય સુખ છે, એમાં આવતાં જીવનમૂલ્યો બદલાતાં નથી, પણ રજૂઆત અને વાત જૂદી છે. સુખ તમને શોધે છે. તમારે સુખની શોધમાં નીકળવાની જરૂર નથી. લેખક કહે છે ઈશ્વરે દરેક માનવીને સુખી થવા સર્જ્યો છે. એટલે સુખ દરેક માણસને શોધતું આવે છે. જો તમે પરસ્પર આદરમાન રાખતા હશો અને એક બીજાની સ્વતંત્રતાની કદર કરતા હશો તો સુખ તમારી લગોલગ આવીને ઊભું હશે.

લેખક કહે છે, ફળની આશા રાખ્યા વિના નિ:સ્વાર્થપણે કરેલી સેવાથી તમને અંતરનો આનંદ અને પરમસુખ મળશે. એ વિચારધારા કે મૂલ્યો અપનાવશો તો સુખ તમને શોધતું આવશે અને તમારી સન્મુખ આવીને ઊભું રહેશે.

કુટુંબીજનો સાથે થોડો નિરાંત સમય કાઢશો તો એમાં સુખ રહેલું છે જે પ્રગટ થશે.

‘મૃત્યુની મારી પસંદગી’ જેવા ગંભીર વિષયને લેખક સ્પર્શે છે અને નૈતિકતાના માપદંડો આપી માનવ ગૌરવને મહિમામંડિત કરી ઈચ્છા મૃત્યુ કે મર્સી કિલીંગ (લેખક જેને દયાવધ કહે છે)નો લેખક સખત વિરોધ કરે છે. રેશનાલિસ્ટોની વિચારધારા જેવી કે રીબાઈ રીબાઈને મરવા કરતાં ગૌરવથી મરવા માટે સ્વેચ્છાએ મૃત્યુ પસંદ કરવાની વાત લેખકને પસંદ નથી. તેઓ કહે છે, સ્વેચ્છાએ મૃત્યુ પસંદ કરનારા લોકો વિવિધ દલીલો કરતા હોય છે. પરંતુ “મારું જીવન મારા માટે ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. હું મને કે કોઈને જીવનની ભેટ આપી શકતો ના હોઉં તો મને મારું જીવન લેવાનો અધિકાર નથી”, એમ લેખક કહે છે.

વેન્ટિલેટર ઉપર ૩૬ વર્ષોથી રખાયેલી મુંબઇની કેઇએમ હૉસ્પિટલની નર્સ અરુણા શાનબાગનો કિસ્સો ટાંકી એના મર્સી કિલીંગ માટે સુપ્રિમ કોર્ટમાં ચાલેલા રસપ્રદ કેસનો લેખક હવાલો આપે છે. એમાં કેઇએમ હૉસ્પિટલમાં બળત્કારનો ભોગ બનતાં વેજીટેટિવ અવસ્થામાં જીવતી અરુણાને પ્રેમથી સાચવતા હૉસ્પિટલના સ્ટાફની વાત કરતાં લેખક કહે છે કે, સ્ટાફને કોઈ સમસ્યા નથી જ્યારે જેને કોઈ નિસબત નથી એવી વ્યક્તિ અરુણાનું ઈચ્છા મૃત્યુ એટલે કે તેને રીબામણીમાંથી મુક્ત કરાવવા મર્સી કિલીંગની મંજૂરી માટે સુપ્રિમ કોર્ટનો સહારો લે છે.

લેખક કહે છે, અસહ્ય દુ:ખ કે પીડા વેઠવાની તેમની તૈયારી છે. એ બધું ખુશીથી સ્વીકારવા તેઓ રાજી છે. કારણ કે તેમને જેમાં માનવગરિમા જાળવાતી હોય તેવા મૃત્યુનો સ્વીકાર કરવો છે. માનવજીવનને કોઈ પણ કારણસર – દયાવધના કારણસર પણ કાઢી નાખવાનો કોઈને અધિકાર નથી.

આ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા લેખક રતિલાલ બોરીસાગરે લખી છે. તેઓ કહે છે, પુસ્તકના બધા જ નિબંધોમાં કોઈ મૅસેજ (બોધ) છે. આ મૅસેજ પહોંચાડવાની રીતમાં પણ ઘણું વૈવિધ્ય છે. નિબંધોમાં વ્યક્તિચરિત્ર છે, સાંપ્રત જીવનની સમાચારમાં પ્રગટ થયેલી ઘટનાઓ પર ચિંતન છે, તો કોઈકવાર પુસ્તક પરિચય સાથે  લેખક પોતાના વિચારો દ્વારા જીવનમૂલ્યોનો મૅસેજ આપે છે.

પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર અમીરસ છે. જીવનમાં અમીરસનું સિંચન કરવું અને એ સિંચનમાંથી પ્રગટ થતા આનંદને માણવો. જીવનના મૂલ્યોનો હ્રાસ થતો જોતાં ફાધર વર્ગીસને શોક થાય છે. પણ એ ‘શોક’ને ‘શ્લોક’માં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરે છે. શોક દુ:ખદાયક છે, પણ શ્લોક પોતાના અને અન્યના હ્રદયને સ્વચ્છ બનાવે છે.

૩૧મી મે, ૧૯૪૩માં એરનાકુલમ જિલ્લાના અવોલીમાં જન્મેલા ફાધર વર્ગીસ એસ.એસ.સી. (મેટ્રિક) પાસ થઈને ખ્રિસ્તી મિશનરીઓના સાધુસંઘ જેસ્યુઈટ મંડળમાં જોડાઈને ગુજરાત અમદાવાદ આવ્યા હતા. અહીં ગુજરાતી વિષય સાથે બીએ કર્યું. એ પછી પૂણેમાં ફિલસૂફી વિષયમાં અનુસ્નાતક બન્યા. સાથે સાથે ગુજરાતી ભાષામાં લખવાનો ઉપક્ર્મ શરૂ કર્યો. યુકે અને યુએસએમાં પત્રકારત્વનો અભ્યાસ કરી અને ત્યાંના એક જાણીતા કૌટુંબિક માસિકનો અનુભવ મેળવી તેઓ અમદાવાદ આવ્યા હતા અને ગુજરાતી કૅથલિકોના માસિક દૂતના સૌથી લાંબા સમય માટે તંત્રી બન્યા હતા.

લેખકના શબ્દોમાં કહીએ તો આ પુસ્તકમાં અમીરસની તાત્વિક કે દાર્શનિક વિચારણા નથી. પણ રોજબરોજ જીવાતા જીવનના પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે અમીરસ એટલે નિ:સ્વાર્થ પ્રેમની આપલેની વાત છે.

પ્રેમથી દુનિયાને નમાવવા ઇચ્છતા હોય તો આ પુસ્તક જરૂરથી વાંચજો.

“જેની આંખમાં અમી તેને દુનિયા નમી” લેખક: ફાધર વર્ગીસ પૉલ

પ્રકાશક: આર. આર. શેઠની કંપની, અમદાવાદ, ‘દ્વારકેશ’, રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૧, કિંમત: રૂ.૧૦૦/-

Changed On: 16-02-2019

Next Change: 01-03-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019