માનવધર્મના પ્રણેતા પોપ ફ્રાન્સિસ

આજે સમગ્ર દુનિયામાં સૌથી વધારે પ્રખ્યાત માણસ કોણ છે? આ પ્રશ્ન લઈને આખા વિશ્વમાં મોજણી કરવામાં આવે તો મને ખાતરી છે કે, સૌથી વધારે લોકો એક જ નામ પસંદ કરશે. તે નામ છે પોપ ફ્રાન્સિસ. તેમના ટિ્વટ્ટર અકાઉન્ટ (@pontifex_in)માં એક અહેવાલ મુજબ ૩૫૦ લાખ અનુયાયીઓ છે. જે દુનિયાભરમાં કોઈ પણ આગેવાન કરતાં સૌથી વધારે છે.

આમ તો પોપ ફ્રાન્સિસ દુનિયાભરના 1.200,000,000 (1.2 billion) કૅથલિક ખ્રિસ્તીઓના આધ્યાત્મિક વડા છે. પરંતુ છેલ્લા ચારેક વર્ષની પોપ ફ્રાન્સિસની આગેવાની પૂરવાર કરે છે કે, એમને માટે ખ્રિસ્તીધર્મનો કે કોઈ પણ ધર્મનો વાડો નથી. વિશ્વભરમાં લોકો એમને માનવધર્મના પ્રણેતા તરીકે પોંખે છે.

માનવધર્મના પ્રણેતા તરીકે પોપ ફ્રાન્સિસમાં આપણે કેટલાંક વિશિષ્ટ ગુણો ખાસ જોઈ શકીએ. અહીં હું પાંચેક ગુણોની વાત કરવા ઇચ્છું છું. એક, પોપ ફ્રાન્સિસનું સાદગીભર્યું જીવન તથા ઉચ્ચ વિચાર; બે, ગરીબો માટેની એમની પરવા અને કાળજી; ત્રણ, શાંતિના દૂત તરીકેનો એમનો ફાળો; ચાર, પર્યાવરણનું પ્રદૂષણ અને અસમાનતા જેવા વૈશ્વિક પ્રશ્નોનો પોપ ફ્રાન્સિસની સભાનતા; અને પાંચ, અપ્રમાણિકતા અને અનૈતિકતા સામે સુધારાનાં હિંમતભર્યાં પગલાં.

એક, પોપ ફ્રાન્સિસનું સાદગીભર્યાં જીવન અને ઉચ્ચ વિચાર. જયારે ૧૩ માર્ચ ૨૦૧૩માં કાર્ડિનલ જોર્જ બરગોલિયાની વડાધર્મગુરુ તરીકે વરણી થઈ ત્યારે તેમણે સાદગીભર્યાં જીવન અને ઉચ્ચ વિચાર માટે જાણીતા સંત ફ્રાન્સિસનું નામ ધારણ કર્યું. વળી, વૅટિકન ખાતે પોપ માટેના રાજમહેલમાં રહેવાને બદલે તેઓ એક ગેસ્ટ હાઉસ (મહેમાનોનું ઘર) પોતાના રહેઠાણ તરીકે પસંદ કરીને રહેવા લાગ્યા. પોતાની ચૂટણી થઈ ત્યારે પોપ ફ્રાન્સિસ વૅટિકનના વિશાળ પટાંગણમાં વડાધર્મગુરુના પ્રથમ દર્શન માટે ભેગા મળેલા લાખો લોકોને આશીર્વાદ આપવાને બદલે સૌપ્રથમ નતમસ્તકે લોકોની પ્રાર્થના અને આશીર્વાદ માગ્યાં. પછી સૌને આત્મીયતાથી “મારાં ભાઈઓ અને બહેનો”નું સંબોધન કરીને તેમને આશીર્વાદ આપ્યા. વડાધર્મગુરુ તરીકેના છેલ્લાં ચાર વર્ષ દરમિયાન પોપ ફ્રાન્સિસનું જીવન તથા તેમનાં સંદેશો અને લખાણો પુરવાર કરે છે કે, તેઓ સમગ્ર દુનિયા માટે ઉચ્ચ કોટિના વિચાર સેવે છે અને પોતાના સંદેશ મુજબ અનુકરણીય સાદગીભર્યું જીવન ગાળે છે.

બે, ગરીબો માટેની પોપ ફ્રાન્સિસની કાળજી અને પરવા. વડા ધર્મગુરુ તરીકે પોપ ફ્રાન્સિસ એક વર્ષ પૂરું કર્યું ત્યારે હાર્લી ડેવિડસન નામની કંપનીએ તેમને કંપનીએ ખાસ તૈયાર કરેલી સર્વોત્તમ હાર્લી ડેવિડસન મોટરસાઇકલ ભેટમાં આપી. પોપ ફ્રાન્સિસે એના પર સહી કરીને આશીર્વાદ આપ્યા પછી એની હરાજી કરવા આપી દીધી. હરાજીમાંથી ઉપજેલા ૩,૨૨,૦૦૦ ડોલરની રકમ તેમણે રોમ ખાતે ગરીબો માટે રાતવાસની હોસ્ટલ અને ‘સૂપક્રિશ્ચયન’ (વાળુ) ચલાવવા માટે આપી દીધી. પોપ ફ્રાન્સિસ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન દેશવિદેશના પોતાનાં સંબોધનમાં ગરીબો, નિરાશ્રિતો, આંતરિક સંઘર્ષ કે યુદ્ધને કારણે ઘર વિહોણા થયેલા સ્થળાંતર લોકને આશરો આપવા સૌને આહવાન કરતા રહ્યા છે. એટલું જ નહિ, વૅટિકન ખાતે કેટલાંક વસાહતીઓ માટે રહેવા અને કામ કરવાની વ્યવસ્થા કરી છે અને વિશ્વભરના દેવળોને પણ સ્થળાંતરિત લોકોને સહારે થવા અનુરોધ કર્યો છે.

ત્રણ, વિશ્વભરમાં શાંતિ સ્થાપવા માટે શાંતિના ‘દૂત’ તરીકે પોપ ફ્રાન્સિસનો ફાળો. હિપ્પોના સંત અગસ્તીનના સમયથી ખ્રિસ્તી ધર્મમાં “ન્યાયી યુદ્ધ” (Just war)નું શિક્ષણ હતું. ‘ન્યાયી યુદ્ધ’ માટે ચોક્કસ શરતો હતી. એમાં એક શરત છે કે, ન્યાયી યુદ્ધમાં જે અનિષ્ઠ થઈ શકે એના કરતાં યુદ્ધ દ્વારા મળવાનો ફાયદો અનેક ગણે વધારે હોવા જોઈએ. આદિ ખ્રિસ્તીઓમાં યુદ્ધની વાત જ નહોતી. આદિ ખ્રિસ્તીઓ પ્રથમ ત્રણ સદી દરમિયાન રોમન સૈન્યમાં જોડાવા અને યુદ્ધને નામે દુશ્મનોની હત્યા કરવામાંથી દૂર રહ્યા હતા. પરંતુ રોમન સમ્રાટ કોન્સટેન્ટાઈન ખ્રિસ્તી બન્યા અને ખ્રિસ્તીધર્મને સમગ્ર રોમન સામ્રાજ્યમાં મંજુરી મળી ત્યારે જ ખ્રિસ્તીઓ સૈન્યમાં જોડાવા લાગ્યા. છેલ્લાં ૧૭૦૦ વર્ષની આ પ્રથા સામે પોપ ફ્રાન્સિસે પ્રભુ ઈસુના મૂળ શિક્ષણને નિષ્ઠાથી અનુસરવા સૌને આહવાન કરે છે. જૂના કરાર અને દસ આજ્ઞાઓમાં એક આજ્ઞા છે: “ખૂન કરીશ નહિ.” પ્રભુ ઈસુનું શિક્ષણ એનાથી પણ આગળ વધે છે. નૈવેધ ધરાવતાં પહેલાં ફરિયાદી સાથે સમાધાન કરવા (માથ્થી ૫:૨૪) તેમજ તમારા શત્રુ પર પ્રેમ રાખવા તથા તમને રંજાડનાર માટે દુઆ માગવાનો (માથ્થી ૫: ૪૪) ઈસુનો આદેશ છે. બધી બાબતોને પ્રભુ ઈસુને જ પ્રેરણા અને નમૂનો ગણી ઈસુનેજ અનુસરવા પોપ ફ્રાન્સિસ વારેતહેવારે સૌને અનુરોધ કર્યા કરે છે. પોપ ફ્રાન્સિસ માને છે કે, જ્યાં પ્રેમ હોય, માફી અને સમાધાન હોય ત્યાં યુદ્ધ નહિ પણ શાંતિ પ્રવર્તશે.

ચાર, પર્યાવરણની સાચવણી અને ગરીબાઈની નાબૂદી જેવા વૈશ્વિક પ્રશ્નોનો હલ કરવા પોપ ફ્રાન્સિસ પોતાનાં આચાર-વિચારથી સૌને અનુરોધ કરે છે. ઘણી ભાષાઓમાં લાખો નકલ છાપીને લોકશિક્ષણની ગરજ સારતો એમનો પર્યાવરણ અંગેનો પરિપત્ર ‘લાઉડાતો સી’ દ્વારા પોપ ફ્રાન્સિસ આજે નાતજાત, ધર્મસંપ્રદાયનો ભેદભાવ વિના વિશ્વભરના લોકોના આદરણીય આગેવાન બન્યા છે. લોકો વચ્ચેથી ગરીબાઈ અને અસમાનતા દૂર કરવા તેઓ બધા રાષ્ટ્રીય આગેવાનોને અનુરોધ કરે છે. સાથોસાથ ખુદ પોપ ફ્રાન્સિસ ચોક્કસ પગલાં દ્વારા વારેઘડીએ પોતાના જીવનનો સંદેશ સૌને આપે છે. દાખલા તરીકે ગ્રીક દ્વીપ લેસબોસ (Lesbos)ની મુલાકાત લીધી ત્યારે ત્યાં તેમણે વિસ્થાપિત લોકોને ખાસ મળ્યા; એટલું જ નહિ, પણ ૬ બાળકો સાથે કુલ ૧૨ વિસ્થાપિતોને પોતાના વિમાનમાં રોમમાં લાવ્યા અને ‘સંત ઇજિડિયો’ નામે એક ખ્રિસ્તી સંસ્થાને એમની સંભાળ રાખવાની જવાબદારી સોંપી. છાપાસામયિકોના અહેવાલ મુજબ એ બારેબાર જણ મુસ્લિમો હતા.

પાંચ, અપ્રમાણિકતા અને અનૈતિકતા સામે સુધારાના ચોક્કસ પગલાં લેવા પોપ ફ્રાન્સિસ આજે સૌને આદર્શ નમૂનો પૂરો પાડે છે. વિશ્વભરના કાર્ડિનલોમાંથી એક નાની સમિતિ સ્થાપીને પોપ ફ્રાન્સિસે પ્રથમ વર્ષે જ વૅટિકનના સમગ્ર વહીવટ તંત્રને સુધારવાની જવાબદારી સોંપી. એક ધર્મપ્રાન્તમાં ધર્મધ્યક્ષે રહેવા માટે લખલૂટ ખર્ચ કરીને રાજમહેલ બંધાવ્યો. એ ધર્માધ્યક્ષને પોપ ફ્રાન્સિસે ધર્માધ્યક્ષના હોદ્દામાંથી દૂર કર્યા.

પોપ ફ્રાન્સિસનું સમગ્રજીવન તથા છેલ્લાં ચારેક વર્ષની તેમની આગેવાની તપાસીએ તો એક વાત આપણે ચોક્કસપણે કહી શકીએ કે, તેઓ ગાંધીજી, નેલસન મંડેલા, માર્ટિન લૂથર કિંગ (જૂનિયર) જેવા વૈશ્વિક નેતાઓનાં પગલે ચાલે છે. એટલે તેઓ કોઈ એક રાજ્ય કે કોઈ એક ધર્મ કે પ્રજાને માટે નહિ પણ આખા વિશ્વ માટે પોતાના જીવન અને સંદેશથી આદર્શ અને પ્રેરણાત્મક આગેવાની પૂરી પાડી રહે છે. પોપ ફ્રાન્સિસ ગાંધીજીની જેમ કહી શકે છે કે, મારું જીવન જ મારો સંદેશ છે. છેલ્લે એમની પિતૃભૂમિ અરજેન્ટિનાની માતૃભાષામાં નહિ પણ એમના રાજ્ય વૅટિકન દેશ-ભાષા ઇટાલિયનમાં કહીએ ‘વીવ લા પાપા’ અર્થાત્ “પોપ લાંબું આયુષ્ય ભોગવે” (લેખક સાથેનો સંપર્ક: cissahd@gmail.com મો. 09428826518)

#

 

Changed On: 16-01-2018

Next Change: 01-02-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2017