મોતિલાલ ગયા, મણિબહેન આવ્યાં


(મોતિયાને સ્થાને મણિ બેસાડવાનો અનુભવ)

દર નાતાલ અને નૂતન વર્ષે હું મારાં મિત્રો અને સગાંસંબંધીઓને પ્રાસંગિક પત્ર લખી મોકલું છું. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં લખેલા મારા પ્રાસંગિક પત્રમાં મારી બંને આંખોના મોતિયા માટે મેં શસ્ત્રક્રિયા કરાવવાની વાત કરી હતી.

મારી નાની બહેન લીસી પૉલે મારો પત્ર મળતાં જ મને ફોન કર્યો. તબીબી સારવારની બાબતમાં લીસી નિષ્ણાત છે. બેંગલૂર ખાતે સેન્ટ માર્થાસ નર્સિંગ કૉલેજમાં તબીબી સેવાનો અભ્યાસ કરીને કર્ણાટક રાજ્યની નર્સિંગ પરીક્ષામાં તે પ્રથમ નંબરે આવ્યાં છે. વળી, દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ વચ્ચે સિકલ સેલ એનિમિયાના દર્દીઓની વિશિષ્ટ તબીબી સારવાર માટે ગુજરાત સરકારે તેમને એવોર્ડ આપ્યો છે.

લીસીએ ફોન પર મારા મોતિયાની શસ્ત્રક્રિયાની વાત કરી. એટલે હું ખાસ સાવધાન બન્યો. એમણે કહ્યું, “મોટા ભાઈ, સારી ને સસ્તી બાબતોને અપનાવવાની તમારી ટેવને હું બરાબર જાણું છું. પરંતુ મોતિયાની શસ્ત્રક્રિયામાં કીમતી હોય તો પણ સર્વશ્રેષ્ઠ મણિ બેસાડજો.” પછી તેમણે પોતાના એક ઓળખીતા ફાધરની વાત કરી. કિંમતની ચિન્તામાં સસ્તો મણિ બેસાડ્યાનાં થોડાં વર્ષ પછી તેમને આંખોની તકલીફ પડતી હતી. પરંતુ એક વાર શસ્ત્રક્રિયા કરાવ્યા પછી હવે એમની તકલીફનો કોઈ ઉકેલ નહોતો!
મેં લીસીને કહ્યું, “લીસી, તું બિલકુલ ચિંતા ન કરીશ. હું ગયા વર્ષે આંખના નિષ્ણાત નેત્રચિકિત્સકોને મળ્યો છું. અને હવે હું એક ઓળખતા નિષ્ણાત ડૉ. સંદીપ પરમાર પાસે જવાનો છું. તમારી સલાહ હું એમને જણાવીશ.”

મારો પત્ર વાંચ્યા પછી એક વડીલ મિત્ર ડૉ. કે. ડી. પરમારનો ફોન આવ્યો. “ફાધર વર્ગીસ, આંખની શસ્ત્રક્રિયા અંગે આપ બિલકુલ ચિન્તા કરશો નહીં. દસેક વર્ષ પહેલાં મારી બંને આંખોમાં મણિ બેસાડવામાં આવ્યા છે. હવે હું સરસ રીતે વાંચી-લખી શકું છું. મારે ચશ્માંની પણ જરૂર પડતી નથી. મોતિયા ઉતારવાની શસ્ત્રક્રિયા અંગે હું લોકોને કહું છું કે, “મોતિલાલ ગયા અને મણિબહેન આવ્યાં!”

મારી તબિયત ખૂબ સારી રહે છે. હું ભાગ્યે જ કોઈ દવા લઉં છું. શરદી ને ખાંસી જેવી સામાન્ય બીમારી થાય તો ઘરગથ્થુ કે આયુર્વેદિક દવાઓનો આશરો લઉં છું. એટલે સિતોતેર વર્ષની ઉંમરે પણ મારી તબિયત ખૂબ સારી રહે છે. હું મારી તબિયતની બિલકુલ ચિન્તા કરતો નથી.

હું ડૉ. સંદીપ પરમારને એમની યશવી આઈ હૉસ્પિટલમાં મળ્યો ત્યારે તેમણે મને અને મારી સાથે આવેલા મારા ઉપરી ફાધર દેવસ્યાને આંખની શસ્ત્રક્રિયા વિશે બરાબર સમજાવ્યું. સાચું કહું તો મને ડૉકટરની બધી વાતોની પૂરી સમજણ ન પડી. પરંતુ ફાધર દેવસ્યા વર્ષો પહેલાં પોતાની બંને આંખોમાં મણિ બેસાડવાના અનુભવને આધારે ડૉ. સંદીપને પ્રશ્નો પૂછતા હતા અને ડૉકટર પાસેથી સંતોષકારક ખુલાસો મેળવતા હતા.

પણ ડૉ. સંદીપની એક વાતથી મને પૂરો સંતોષ થયો. તેમણે કહ્યું, “ફાધર વર્ગીસ, મેં મારા પપ્પાની આંખોમાં બેસાડ્યા છે એ જ જર્મનીમાં બનાવેલા લેન્સ તમારી આંખોમાં બેસાડીશ.””

ઘણાં વર્ષો સુધી મિરઝાપુર ખાતે અમારી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક નિષ્ઠાવાન શિક્ષક રહીને નિવૃત્ત થયેલા ડૉ. સંદીપના પપ્પા સાયમનભાઈને હું બરાબર ઓળખું છું. એટલે એમના પપ્પા અંગેની વાતથી મારા ચિત્તમાં અભાનપણે પણ અડધીપડતી ચિન્તા હોત તો તે પણ લુપ્ત થઈ જાત.

પછી મારે સાથે આવેલા ફાધર દેવસ્યાએ મારી આંખોની શસ્ત્રક્રિયાના ખર્ચ વિશે ડૉ. સંદીપને પૂછ્યું. ડૉ.સંદીપે અમને એક આંખની શસ્ત્રક્રિયા માટે થતી રકમના સામાન્ય હિસાબની વાત કરીને કહ્યું, “મેં મારા પ્રિન્સિપાલ ફાધર સેરજિયો ડાયસની બંને આંખોની શસ્ત્રક્રિયા ફ્રીમાં કરી આપી છે. તમારી જેમ, નિસ્વાર્થ સેવા કરતાં એક સિસ્ટરની બાબતમાં પણ મેં ફક્ત શસ્ત્રક્રિયામાં વાપરેલી સાધનસામગ્રી અને હૉસ્પિટલનો ખર્ચ લીધાં છે. અને મારી ફી – એટલે બિલની ૪૦ ટકા રકમ-જતી કરી છે. તમે ફાધરો લોકોની નિસ્વાર્થ સેવા કરો છો તે વિશે હું સારી પેઠે જાણું છું.”” વાતને અંતે ડૉ. સંદીપે ઉમેર્યું, “ફાધર, આપને જે આપવા પોષાય તે આપજો.”

સામાન્ય રીતે શસ્ત્રક્રિયાના ખર્ચની પૂરી રકમ હૉસ્પિટલમાં જમા કરાવ્યા પછી ડૉક્ટરો શસ્ત્રક્રિયા કરતા હોય છે. મારી બાબતમાં મારું રહેઠાણ ‘ગુર્જરવાણી’ કે મારા કાર્યાલય સી.આઈ.એસ.એસ. પાસે આંખોની શસ્ત્રક્રિયા માટે બિલકુલ નાણાં નહોતાં. અમારી પાસે કોઈ ફાળો આપવાની પણ ક્ષમતા નથી, એ વાત જાણીને ઈસુસંઘના ઉપરીએ શસ્ત્રક્રિયાનો ખર્ચ ઉપાડ્યો.

લાંબી વાત ટૂંકમાં કહું તો, મારી બંને આંખોની શસ્ત્રક્રિયા પછી મેં ડૉ. સંદીપને કોરો ચેક આપ્યો. એમણે મને આપેલી પહોંચમાંથી મને ખ્યાલ આવ્યો કે, તેમણે ખૂબ ઉદારતાથી મને ૪૦ ટકાનું વળતર આપ્યું છે. એટલું જ નહિ, પણ મારી બંને આંખોમાં નાખવા માટે આપેલી ત્રણ પ્રકારની દવાઓ પણ તેમણે નિશુલ્ક આપી છે!
સૌ પ્રથમ મારી ડાબી આંખની શસ્ત્રક્રિયા વખતે મારી સાથે હોસ્પિટલમાં આવેલાં મારી બહેન લીસી, ફાધર દેવસ્યા અને ફાધર ફ્રાન્સિસને પોતાના મિલનખંડ (Consulting room)માં બોલાવીને ડૉક્ટર સંદીપે કમ્પ્યુટરની મદદથી મારી આંખોની શસ્ત્રક્રિયા વિશે બરાબર સમજાવ્યું. એટલે મારી આંખોની શસ્ત્રક્રિયાથી મને જ નહિ પણ લીસી સહિત બધાંને સંતોષ થયો.

મારી એક આંખની શસ્ત્રક્રિયા પછી એક ઇન્ડિયન-ઇંગ્લિશ કવિ ને લેખકમિત્રનો ફોન આવ્યો. એમણે કહ્યું, “ફાધર વર્ગીસ, હું પણ જાણું છું કે, હવે તમને ખૂબ તકલીફ પડતી હશે. ખૂબ સાચવજો. તમે વાંચી-લખી શકતા નથી. અઠવાડિયા સુધી સ્નાન કરી શકતા નથી. ઘરથી બહાર નહિ નીકળવાનું. તમારી આંખ ભ્રષ્ટ ન થાય એ માટે કાળાં ચશ્માં પહેરીને ખાસ સાચવવાનું. બહાર ફરવાનું નહિ.”

એ લેખક-કવિ પોતાના એક સાહિત્યકાર મિત્રનો દાખલો આપીને મને ફોન પર વાત કરતા હતા. એટલે એમની વાત વચ્ચેથી કાપીને મેં કહ્યું. “સાહેબ, આપના મિત્રની વાત સાચી હશે. પરંતુ મારી આંખની શસ્ત્રક્રિયા પછી મને કોઈ તકલીફ પડતી નથી. ઊલટું, મને તો અહીં લીલાલહેર છે. મેં મારા ‘અલાર્મ’ ઘડિયાળને રજા આપી છે. એટલે પંખીઓ મને ઉઠાડે ત્યાં સુધી ઊંઘી શકું છું. સવાર-સાંજમાં સૂર્યપ્રકાશ ને તડકો માણી શકું છું. ઘર આંગણે રોપેલાં ફૂલોનાં રંગબેરંગી સૌન્દર્ય અને સુગંધ માણી શકું છું. અમારા માળી આત્મારામભાઈએ મને ખાતરી આપી છે કે, અમારા બગીચામાં ઊડાઊડ કરતાં પતંગિયાંઓ મારા માટે જ નાચે છે. પાસેની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વનસ્પતિ ઉદ્યાનનાં વૃક્ષો પર બેસીને નિરીક્ષણ કરતી કે કૂદાકૂદ કરીને મારું ધ્યાન દોરતી વાનરસેના સાથે હું પ્રેમથી વાત કરું છું…”

મારી વાત પતાવતાં પહેલાં મારા મિત્રે મને કહ્યું, “ફાધર વર્ગીસ, હું જાણું છું કે, તમે પણ મારી જેમ પ્રકૃતિ-પ્રેમી છો…”

આવા હળવા સંવાદ પછી મેં મારા મિત્રને આંખની શસ્ત્રક્રિયા વિશે સમજાવ્યું. શસ્ત્રક્રિયા કરવામાં ડૉ.સંદીપ અને એમનાં પત્ની હેતલ એટલે આંખની શસ્ત્રક્રિયાનાં બે નિષ્ણાત તબીબી સર્જનો હતાં. હૉસ્પિટલમાં આંખમાં દવા નાખવાથી માંડી ત્યાંથી બહાર નીકળતાં સુધી મને દોઢ-બે કલાક થયા હશે. શસ્ત્રક્રિયા તો ફક્ત દસેક મિનિટમાં પતી ગઈ હતી.

પ્રથમ શસ્ત્રક્રિયાના અઠવાડિયા પછી એટલે જાન્યુઆરી ૬, ૨૦૧૭માં મારી બીજી આંખમાંથી મોતિયા ઉતારીને નવો મણિ બેસાડવામાં આવ્યો. એટલે હાસ્ય નિબંધકાર મિત્ર રતિલાલ બોરીસાગરના શબ્દોમાં કહું તો, મોતિલાલ ગયા અને મણિબહેન આવ્યાં. તેનો મને સબળ અનુભવ થયો.

Last Change: 01-02-2017
Next Change: 16-02-2017
Copy right Fr. Varghese Paul, SJ – 2017