યાદગાર બની રહેલી ૭૫મા જન્મદિવસની ઉજવણી

મારા ૭૫મા જન્મદિવસની ઉજવણી દર વર્ષની જેમ અમદાવાદમાં કે અપવાદરૂપે કેરળમાં મારે ઘેર ઉજવવી, એ મારા મનનો પ્રશ્ન હતો. મારાં બાના મૃત્યુની પ્રથમ પુણ્યતિથિએ હું મારા વતનના ઘરે જવાનો હતો. વળી મારા નાના ભાઈ થોમસની પૌત્રીના સ્નાનસંસ્કાર કરાવવા માટે થોમસનું તથા ભત્રીજાનું પણ મને આખરે આમંત્રણ હતું. મારા જન્મદિવસની ઉજવણી, અમેરિકામાં જન્મેલી પૌત્રીનો સ્નાનસંસ્કાર તથા બાની પુણ્યતિથિ નિમિત્તે અમે નવ ભાઈ બહેનોએ વતન કેરળમાં ભેગા થવાનું નક્કી કર્યું હતું.

મારા બાળપણમાં મેં ૨૦ વર્ષની ઉમરે ઘર છોડ્યું ત્યાં સુધી જન્મદિવસ ઉજવવાનો રીતરિવાજ નહોતો. હું ૧૯૬૩માં ગુજરાત પહોંચીને ઇસુસંઘ નામના સંન્યાસસંઘમાં જોડાયા પછી જન્મદિવસની ઉજવણીની અને જન્મદિવસ મુબારકના સુભેચ્છા-પત્રો મોકલવાની પ્રથા શરૂ થઈ. અભ્યાસ અને આંતરરાષ્ટ્રીય વિશ્વપત્રકાર સંમેલન માટે હું દેશવિદેશમાં ખૂબ ફર્યો છું. એટલે દેશના વિવિધ શહેરોમાં તેમ જ  વિવિધ દેશોમાં પણ મારો જન્મદિવસ હું ઉજવી શક્યો છું. છતાં મારાં નજીકના સગાસંબંધીઓ સાથે મેં કદી મારો જન્મદિવસ ઉજવ્યો નહોતો.

આ વર્ષે ૨૦૧૮માં મારા ઘરે પ્રથમવાર મારો જન્મદિવસ ઉજવવાની મને તક મળી. મારા જન્મનો ૭૫મો વાર્ષિક દિન બે રીતે ઉજવવાનું નક્કી થયું.  મારો જન્મદિવસ મેની ૩૧મીએ ઘરે નજીકનાં સગાસંબંધીઓ સાથે ઉજવવાનો હતો. પછી જૂનની બીજીએ મારા ભાઈ થોમસની પૌત્રી જિયાન્નાની સ્નાનસંસ્કાર વિધિ સાથે પણ મારો જન્મદિવસ ઉજવવાનો હતો.

મેની ૩૧મીએ સાંજે અમે નવ ભાઈબહેનો સાથે લગ્ન કરેલાં મારાં ત્રણ ભાઈઓ અને એક બહેનનાં બધાં કુટુંબીજનો વિન્સેન્ટને ત્યાં અમારા મૂળ ઘરમાં ભેગાં થયાં. પ્રાર્થના પછી ‘કેક કટીગ’માં ભત્રીજો સનુ વિન્સેન્ટ વ્હાઈટ ફોરેસ્ટ કેક લાવ્યા હતા.

કેક કાપતાં પહેલાં વિન્સેન્ટ, મારી મોટી બહેન મેરી ચેચ્ચી (સિસ્ટર સીસિલી), તથા મારી નાની બહેનો સેલીન અને લીસ્સીના બે બોલ હતા. મારાં ભાઈઓ અને બહેનો મારા વિશે દાખલાઓ અને પ્રસંગો સાથે સારુંસારું બોલતાં સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. ઘરના ભોજન ખંડમાં બધાને માટે ઊભા રહેવાની જગ્યા હતી. મારાં ભાઈ-બહેનોના મોઢે મારા જીવનના પ્રસગો ને સંબંધો તાજા  થયા. એક વર્ષની જિયાન્નાથી માંડી ૭૮ વર્ષ સુધીના ત્રણ ત્રણ પેઢીનાં સગાંસબંધીઓ હાજર હતાં. બાળકના નાચગાન સાથે આનંદ-ઉલ્લાસનું વાતાવરણ હતું.

મને ખ્યાલ આવ્યો કે, મારા ૭૫માં જન્મમુબારક દિવસ ઘણીબધી રીતે અનોખો છે, યાદગાર બની રહ્યો છે. એક, પંચોતેર વર્ષના લાંબા આયુષમાં પ્રથમવાર મારા નજીકનાં બધાં સગાંસબંધીઓ સાથે હું મારો જન્મદિવસ ઉજવતો હતો. બીજું, પ્રથમવાર મારાં બધાં એટલે ચાર ભાઈઓ અને ચાર બહેનો સાથે મારો જન્મદિવસ ઉજવી  શક્યો છું. ત્રણ, અત્યાર સુધી ઉજવેલી મારા બધા જન્મદિવસની વધામણીથી આ ઉજવણી ખૂબ ભિન્ન હતી. ચોથું, પ્રથમવાર મારાં ભાઈબહેનોને મારા વિશે બોલતા સાંભળવાનો લ્હાવો અનેરો હતો.

પાંચ, પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીમાં મારા બે બોલમાં મારાં નજીકના સગાંસબંધીઓને એક બે અંગત વાત કરવાની મને તક મળી. મેં કહ્યું છે, ઘરબાર છોડીને મિશન સેવાઓ માટે દૂર ગયેલાં અને  સંન્યસ્ત જીવન ગાળતાં અમે, ત્રણ બહેનો અને બે ભાઈઓને આપ સૌ તરફથી એક મોટો આનંદ અને ટેકો મળ્યા છે. લગ્ન કરેલાં અમારાં ત્રણ ભાઈઓ અને એક બહેન આદર્શ કુટુંબ જીવન ગાળવા સાથે ખૂબ સંપસુમેળ અને સાથસહકારથી જીવે છે. એટલે અમારું મૂળ ઘર અને વડીલ માબાપ કે ભાઈબહેનોનાં કુટુંબ અંગે અમને કોઈ ચિંતા નથી; ઊલટું, અંતરનો આનંદ છે અને દિલમાં ઈશ્વરનો આભાર છે. મને જણાવવાનો વિશેષ આનંદ છે કે, અમારા એક કૌટુંબિક મિત્ર ફાધર અલેક્સ તન્નીપારા  પોતાની સાધનસ-શિબિર અને ધર્મબોધમાં અમારા કુટુંબને એક આદર્શ ખ્રિસ્તી કુટુંબ તરીકે ચિતરતા હોય છે!

જૂનની બીજી તારીખે મારા ભાઈ થોમસની પૌત્રીના સ્નાનસસ્કાર મેં સેન્ટ સેબાસ્તિયન દેવળમાં કરાવ્યો અને એની સાથે મારા જન્મદિવસની ઉજવણી વધુ ભવ્ય હતી. સૌ પ્રથમ ઘણાં સંબંધીઓ, મિત્રો અને આડોશપડોશીઓ સાથે આશરે દોઢસો લોકોની હાજરીમાં આનિકાડ ખાતે સેન્ટ સેબાસ્તિયન દેવળમાં જિયાન્ના જોની સ્નાનસંસ્કારની વિધિ સાથે પરમપૂજા હતી. બને ધર્મવિધિમાં મારી સાથે વેદી પર મારા ભાઈ ફાધર મેથ્યુ અને મારા ભત્રીજા ફાધર ષાઈજુ જોસ હતા.

સ્નાનસંસ્કાની વિધિ અને પરમપૂજા પછી પેરીશ હોલમાં બધાને માટે ભોજન સમારંભ હતો. મંડપના મંચ પર “જિયાન્ના  જો થોમસનું નામકરણ” અને “ફાધર વર્ગીસ પોલ, એસ.જે.નો ૭૫મો જન્મદિવસ મુબારક”નાં લખાણ તથા ફોટો હોલમાં બધા જોઈ શકતા હતા. મંચ પર એક બાજુ જિયાન્નાના ભાઈ યોહન અને માબાપ જો અને સોનિયા હતાં. તો બીજી બાજુ કેક પાછળ મારી સાથે મારા મામા ફાધર મેથ્યુ વેલ્લાન્ક્લ તથા મારી સાથે પરમપૂજામાં વેદી પર જોડાયેલા મારા ભાઈ ફાધર મેથ્યુ અને ભત્રીજો ફાધર ષાઈજુ હતા.

સૌ પ્રથમ હાથમાં માઈક સાથે મારા ભાઈ વિન્સેન્ટે બધાને જાહેરમાં આવકાર્યા. પછી તેમણે ઉજવણીના સંદર્ભ બાંધતા બંને જિયાન્ના અને ફાધર વર્ગીસનો પરિચય આપ્યો. મને ખબર નહોતી કે વિન્સેન્ટ પાસે મારી કાર્યકીર્તિ અને સિદ્ધિઓ વિશે સારી એવી માહિતી હતી! એમણે એક સારા વક્તા તરીકે મારાં સંન્યસ્ત ભાઈબહેનો પાસેથી મારા વિશેની ઘણી માહિતી ભેગી કરી હતી!

મેં સૌ સગાંસંબંધીઓ અને મિત્રોનો આભાર માન્યો. મારાં પુણ્યસ્મારણાર્હ બાને  યાદ કરતાં મેં કહ્યું કે, મારી તુટીફૂટી મલયાલમ ભાષા સાંભળીને એમણે મને ટકોર કરી હતી કે, હું રજા પર ઘેર જાઉં ત્યારે મારે ત્રણ દિવસ મારી માતૃભાષા મલયાલમ શીખવા માટે રાખવા અને પછી રાજાના દિવસો ગણવા! એ જ રીતે મારા અભ્યાસ માટે વર્ષો સુધી પરદેશમાં રહીને મારા વતન ઘેર પહોચ્યો ત્યારે મલયાલમ બોલવામાં મને પડતી તકલીફ જોઇને મારા પૂજ્ય બાપુજીએ પણ હળવાશમાં કહ્યું હતું કે, મારો બેટો એટલું બધું ભણ્યો છે કે, તેને માતૃભાષા પણ ના આવડે!

હેપ્પી બર્થડે ગીત અને કેક કટીંગ પછી બધાને જમવા માટે હોલમાં ટેબલ ખુરશીની પુરતી વ્યવસ્થા હતી. બધા આમંત્રિતોને ઈજ્જતથી જમતા જોઇને મને આનદ થયો. કેટલાક લોકોને મોઢે ભોજનની કદરના શબ્દો સાંભળીને મેં ભોજન તૈયાર કરનાર વ્યવસ્થાપકનો ખાસ આભાર માન્યો.

એકાદ વર્ષ પહેલાં મારાં બના મૃત્યુ અને દફનવિધિ વખતે મળેલાં અને મારા ઘરથી દૂર રહેલાં ઘણાં સગાંસંબંધીઓને ફરી એકવાર મળવાની મને તક મળી.

બધાં મને કહેતાં હતાં કે, “અઠવાડિયા પછી જૂનની ૯મીએ મારાં બાના મૃત્યુની પ્રથમ પુણ્યતિથિએ આપણે ફરી મળીશું.” હું બધાંને કહેતો હતો કે, આટલાં બધાં સગાંસંબંધીઓ સાથે મારો જન્મદિવસ ઉજવવાનું મેં સ્વપ્નમાં પણ વિચાર કર્યો નહોતો! આમ ૭૫ વર્ષની જન્મદિવસ ઉજવણી યાદગાર બની રહી.

 

#

 

Changed On: 16-06-2018

Next Change: 01-07-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018