સાસુ-વહુ સમસ્યાનો ઉકેલ

એક વડીલ મિત્રે મને સલાહ આપી. સોસિયલ મીડિયાથી દૂર રહો. નહિ તો તમને એનો નશો ચઢશે અને તમે તમારો મતી સમય વેડફી નાખશો. વાત સાચી છે. સોસિયલ મીડિયાનો નશો ચઢેલા માણસોને હું ઓળખું છું. એના માઠા પરિણામોથી હું વાકેફ છું. એટલે હું સાવધાન રહું છું. પણ સોસિયલ મીડિયાથી દૂર રહેતો નથી. કારણ, આજે સોસિયલ મીડિયાથી યુવક-યુવતીઓની દુનિયા છે. મારા લેખનકાર્યમાં યુવક-યુવતીઓ સાથે મારો નાતો છે. એમના સોસિયલ મીડિયાની દુનિયામાંથી કઈક ને કઈક હમેશા શીખતો રહું છું. સોસિયલ મીડિયાથી મને ઘણી વાર પ્રેરણાત્મક, ચિંતનીય અને માહિતીસભર વાતો જાણવા મળે છે.

અહી  મને સોસિયલ મીડિયાથી મળેલી એક પ્રેરણાત્મક વાત હું પ્રસ્તુત કરું છું. આ એક ચીની વાર્તા લાગે છે. એનું મુખ્ય પાત્ર લીલી નામની યુવતી છે. લીલીએ લગ્ન કરીને પોતાના પતિને ઘેર રહેવા આવી. પતિને ઘેર બધું જ બરાબર હતું. પણ ટૂંક સમયમાં લીલીને ખ્યાલ આવ્યો કે, તેને પોતાની સાસુમા સાથે બિલકુલ ફાવતું નહોતું. તેને લાગ્યું કે, તે પતિને ઘેર એના સાસુમા સાથે જીવી જ ન શકે. સાસુમાની ઘણી ટેવોથી તે ગુસ્સે થતી હતી. વળી, સાસુમાની ટીકાટિપ્પણીથી તેની ધીરજ ખૂટી જતી હતી. સાસુમા તેની સાથે બોલાચાલી અને જગડા કરવામાં જાણે પાવરધા હતાં.

પરીસ્થિતિ વધુ ને વધુ બગડતી જતી હતી. કારણ, તેમના સમાજમાં હમેશાં સાસુમાનું કહ્યું કરવાનું અને તેમને તાબે રહેવાનો રીતરિવાજ હતો. લીલીને પોતાનાં સાસુમાની દરેક આજ્ઞા પાળ્યા વિના છુટકો નહતો. ગુસ્સાથી અને ગમગીનીથી ત્રસ્ત લીલીને લાગ્યું કે કઈક કરવું પડશે. તે પોતાના પિતાજીના ઉત્તમ મિત્ર એક આયુર્વેદિક તબીબને મળવા ગઈ. લીલીએ આયુર્વેદિક તબીબ ડૉ. ડેવિડને બધી વાતો કરી અને પોતાના પ્રશ્નના ઉકેલ માટે કઈક દવા આપવાની વિનતી કરી.

ડૉ. ડેવિડે થોડીવાર વિચારમગ્ન રહીને લીલીને કહ્યું, “હા, હું તને મદદ કરીશ. પરંતુ તને હું જે પ્રમાણે કહું તે તારે કરવું પડશે.”

લીલીએ કહ્યું, “ડોક્ટર સાહેબ, આપ જે કઈ કહેશો તે હું ખુશીથી કરીશ.

ડૉ. ડેવિડે દવાની ઓરડીમાંથી દવાની એક શીશી લઈ આવ્યા અને લીલીને કહ્યું, “હું તો તારી સાસુમાં એકદમ મરી જાય એવું જેર ન આપી શકું. એવું કરું તો લોકો તારા પર શંકા કરશે. એટલે હું તને એવી દવા આપું છું કે, જેથી જેર શરીરમાં લાંબે ગાળે ખૂબ ધીમે ધીમે ચઢશે અને કોઈ તારા પર શંકા નહી કરે. તો તારે રોજ સાસુમા માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવાનું અને સાસુમા સાથે ખૂબ મીઠડો સંબન્ધ રાખવાનો.”

લીલી ડૉ. ડેવિડની દવા અને સલાહથી ખૂબ ખુશ થઇ. બધું જ ડૉ. ડેવિડે કહ્યાં મુજબ વ્યવ્સ્થિત રીતે કરવાની તૈયારી સાથે લીલી પોતાના ઘેર પરત પહોંચી.

દિવસો અને અઠવાડીયાઓ પસાર થવાં માંડ્યા. લીલી ડોક્ટરના કહ્યા પ્રમાણે બધું કરતી હતી. તે પોતાના ગુસ્સા પર બરાબર કબજો મેળવી શકી હતી. એટલું જ નહી પણ બધી બાબતોમાં સાસુમા સાથે ખૂબ પ્રેમ અને આદરમાનથી વર્તતી હતી. સાસુમા પણ લીલીના જીગરી દોસ્ત બની રહ્યા હતાં

જોતજોતામાં છ મહિના પસાર થયા. લીલીને હવે ગુસ્સો પણ આવતો નહતો અને સાસુમા સાથે કદી બોલાચાલી પણ થતી નહોતી. ઊલટું, લીલીને લાગ્યું કે, સાસુમા પોતાની સાથે ખૂબ ધીરજ અને પ્રેમથી વર્તે છે. હવે તો બંને એકબીજા પ્રત્યે હૂંફ અને સહાનુભૂતિથી વર્તતાં હતાં. જાણે બંને ખરા મા-દીકરી હોય.

એટલે લીલી ફરી એક વાર ડૉ. ડેવિડ પાસે દોડી ગઈ અને એમની મદદ માગી. “ડોક્ટર સાહેબ, મારી સાસુમાને ધીમે ધીમે જેર ચઢાવવામાંથી બચાવવા માટે કઈક દવા આપો. સાસુમા ખૂબ બદલાઈ ગયાં છે અને હું એના પર ખૂબ પ્રેમ રાખું છું. હવે હું ઈચ્છતી નથી કે, મેં આપેલા જેરથી મારી સાસુમા મરી જાય!”

ડૉ. ડેવિડે સ્મિત કરીને લીલીને કહ્યું, “લીલી, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી! મેં તને કડી જેર આપ્યું નહોતું. પણ મેં જે દવાની શીશી આપી હતી તે સાસુમાની તબિયત સુધારવા માટેની વિટામીનની દવા હતી. જેર તો તારા ગુસ્સામાં અને એમના પ્રત્યે તારા વલણમાં તથા અચાર વિચારમાં હતું. તે બધું જેર તે સાસુમાને આપેલો ઉમળકો પ્રેમ અને હુંફાળી સેવાથી ધોવાઇ ગયું છે.”

આ વાર્તા મારી ત્રણ માન્યતાને ટેકો આપે છે; એક, મારી પ્રથમ માન્યતા છે કે મારી ખુશીની ચાવી કોઈ માણસ કે ચીજવસ્તુ પર આધારિત નથી પણ ખુદ મારા પર આધારિત છે. લીલીએ માન્યું હતું કે, તેની ખુશી સાસુમાને બદલવામાં કે એને પોતાની જિદગીથી દૂર કરવામાં છે. પણ ડૉ. ડેવિડવર સલાહથી સાસુ-વહુ વચ્ચેની સંઘર્ષમય પરિસ્થીતિને સ્થાને માં-દીકરી વચ્ચેનો મીઠડો હુંફાળો સંબધ બંધાયો. લીલી સાસુમા પર ગુસ્સો કરવાને બદલે પ્રેમથી એની સેવા કરવામાં લાગી ગઈ. ફેરફાર લીલીમાં જ આવ્યો, એની સસુમાંમાં નહી. સાસુ પર ગુસ્સો કરવાને બદલે સાસુ પર પ્રેમ રાખવો અને એમની સેવા કરવાનો ફેરફાર લીલીમાં જ આવ્યો. બધા ફેરફારનો આધાર ખુદ લીલી પર જ હતો.

બે, સાસુમા અને વહુ વચ્ચે સંઘર્ષના સ્થાને બને વચ્ચે મીઠડો સંબન્ધ બંધાયો. બને વચ્ચે માં-દીકરીની મિત્રતા આવી. એમાં સાસુમા જે હતાં તે જ રહ્યાં. પરંતુ લીલીએ ડૉ. ડેવિડની સલાહ પ્રમાણે પોતાની જાતને બદલી નાખી. સાસુમાને ધિક્કારનાર અને એમના પર ગુસ્સો વરસાવનાર વહુમાંથી લીલી પોતે પ્રેમાળ અને સેવામય દીકરી બની ગઈ! આમ સાસુમાને નહિ પણ ખુદ પોતાની જાતને બદલી નાખી અને એનું સુખદ પરિણામ આવ્યુ.

ત્રણ, બીજાને ખુશ કરવામાં જ માણસની ખુદ પોતાની ખુશી છે, એ વાત લીલીએ સાસુમા પ્રત્યેના પોતાના આચારવિચારથી પુરવાર કરી છે. પોતે સાસુમા સાથે એક જ ઘરમાં વસી ન શકે એવા મનોભાવમાંથી સાસુમા મરી ન જાય, પણ મરી જવાને બદલે તેઓ લીલી સાથે ખુશીમજામાં જીવતાં રહે એવી તીરવ ઈચ્છા લીલી ડૉ. ડેવિડ આગળ પ્રગટ કરે છે. લીલીએ સ્વાનુભવે જાણ્યું કે, પ્રેમ અને કરુણામય સેવાથી સાસુમાને હમેશાં ખુશ રાખીને જ પોતે ખુશ થઇ છે.

છેલ્લે આપણે જાણીએ છીએ કે, ફક્ત મુર્ખ માણસો જ બીજાની પરવા કર્યા વિના કે બીજાને ભોગે સાધનસમ્પતિ ભેગી કરે છે. સ્વાર્થના આ રસ્તે મુર્ખ માણસોને ટુંકા ગળાનો લાભ મળતો હશે. પરંતુ લાંબા ગળે સ્વાર્થનો માર્ગ વિનાશ જ વિનાશ નોતરે છે. એમાં સ્વાર્થી મૂર્ખ માણસનો અને સ્વાર્થનો ભોગ બનનાર માણસનો જ સર્વનાશ છે.

આપણે આ સર્વનાશનો વહી પણ બધા માણસોને ખુશ કરનાર પ્રેમ અને સેવાનો માર્ગ લઈએ. આખરે ગાંધીજીએ કહ્યું છે તેમ, આપણે આપણી આસપાસની દુનિયાના માલિકો નથી પણ વહીવટદારો છીએ.

#

Changed On: 16-07-2018

Next Change: 01-08-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018