સુખ તમને શોધે છે!

બધાં લોકો પોતાના જીવનમાં સુખને શોધે છે. ઘણાં માણસો પોતાના જીવનમાં સુખ મેળવવા માટે મરણિયો પ્રવાસ કરે છે. સુખ પાછળની દોડમાં કેટલાક લોકો ખૂબ નાણાં એકઠાં કરે છે. સત્તા મેળવે છે. ઘણાં બધાં માણસો ઉપર પોતાનો અધિકાર જમાવે છે. સારાખોટા સંબંધો બાંધે છે. પણ આવાં બધાં લોકો પાસેથી સુખ દૂર ભાગે છે. તેઓ અઢળક નાણાં, સાધન-સંપત્તિ અને ‘વાહ-વાહ’ કરનારા લોકો વચ્ચે પણ સુખથી વંચિત રહે છે. સુખશાંતિના બાહ્ય દેખાવ પાછળ આવાં લોકો એકલવાયાપણું અનુભવે છે. બેચેની અનુભવે છે. દિલની શાંતિ, અંતરનો આનંદ ઝંખ્યા કરે છે.

પણ ઘણાં બધાં લોકોને ખબર નથી કે, સુખ તેમને શોધતું શોધતું આવે છે. કારણ, સુખ દરેક માણસનો હક્ક છે. ઈશ્વરમાં આસ્થા રાખનાર માનવી તરીકે મારી શ્રદ્ધા છે કે, ઈશ્વરે દરેક માણસને સુખી થવા, સુખી જીવન ગાળવા માટે સર્જ્યો છે. એટલે જ હું કહું છું કે, સુખ દરેક માણસને શોધીશોધીને આવે છે. એટલે જ સંત પાઉલ કહે છે કે, “પ્રભુના સાન્નિધ્યમાં તમે સદા આનંદમાં રહો; ફરી કહું છું કે, આનંદમાં રહો.”

સુખ આપણો જન્મસિદ્ધ હક્ક હોય, સુખ આપણને શોધતું શોધતું આવતું હોય તો પ્રશ્ન થાય છે કે, કેવી રીતે સુખને મેળવી શકાય? મારો જવાબ છે કે, સુખને મેળવવાનું જ ન હોય. પણ સુખને આપણા પોતાના જીવનમાં અનુભવવાનું હોય છે. કારણ, ખરા સુખથી આપણે દિલની શાંતિ અનુભવીએ છીએ. અંતરનો આનંદ માણી શકીએ છીએ.

આપણે સુખ બજારમાંથી ખરીદી ન શકીએ. આપણે જાતે સુખ પેદા પણ કરી ન શકીએ. સુખ આડપેદાશ છે. પોતાના વતન આર્જેન્ટિનાના એક અઠવાડિક સામયિકને આપેલી મુલાકાતમાં પોપ ફ્રાન્સિસે સુખ અનુભવવા તરફનાં આઠ પગલાં ચીંધ્યાં છે. વડાધર્મગુરુ પોપ તો કૅથલિક ખ્રિસ્તી આલમના આધ્યાત્મિક વડા છે. પણ હાલના વડાધર્મગુરુ પોપ ફ્રાન્સિસ તો એવા ધાર્મિક વડા છે કે, આખી દુનિયા કાન દઈને એમને સાંભળે છે. એમની વૈશ્વિક આગેવાનીની કદર કરે છે. “સુખ માટેની પોપ ફ્રાન્સિસની વ્યૂહરચના” (Pope Francis’ Strategies for Happiness) નામે લેખક ફા. હેડવિક લૂઇસે વડાધર્મગુરુ ફ્રાન્સિસે નિર્દેશેલાં દસ પગલાંઓની ટૂંકમાં વાત કરી છે. મેં લૂઇસના લેખ ચેન્નાઈથી પ્રકાશિત થતા પાક્ષિક ‘ન્યૂ લીડર’ના જુલાઈ ૧૬, ૨૦૧૭ના અંકમાં વાંચ્યો.

સુખ માટેની પ્રથમ વ્યૂહરચનામાં “જીવો અને જીવવા દો”ની વાત છે. દરેક માણસને પોતાની ર્દઢ માન્યતાઓ મુજબ જીવવાનું છે. એ જ રીતે બીજાને એમની પોતાની ર્દઢ માન્યતાઓ મુજબ જીવવા દેવાનો છે. દરેક જણ પોતાની માન્યતાઓ અને શ્રદ્ધા મુજબ જીવવા સો ટકા સ્વતંત્ર હોવો જોઈએ. પ્રભુ ઈસુ કહે છે કે, “કોઈનો ન્યાય તોળશો નહિ, જેથી તમારો પણ ન્યાય નહિ તોળાય.” પછી ઈસુ પ્રશ્ન પૂછે છે, “તું તારા ભાઈની આંખમાંની રજ શા માટે જુએ છે અને પોતાની આંખમાંનો ભારટિયો કેમ જોતો નથી?” “જીવો અને જીવવા દો”માં એકબીજા પ્રત્યે આદરમાન છે. એકબીજાની સ્વતંત્રતાની કદર છે.

સુખ માટેની બીજી વ્યૂહરચના બીજાને માટે જીવવામાં છે. નિ:સ્વાર્થપણે આપણા જીવનને બીજાને માટે ખર્ચી નાખવામાં આનંદ છે. સુખ છે. બીજાને માટે જીવવામાં આપણે પ્રભુ ઈસુએ ચીંધેલા રસ્તે ચાલી શકીએ. પ્રભુ ઈસુએ કહ્યું છે કે, “આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે.” પ્રતિફળની આશાથી કરેલા કામનું વળતર મળે ત્યારે કદાચ આપણને તૃપ્તિ મળે. પરંતુ નિ:સ્વાર્થપણે કોઈ પ્રતિફળની આશા વિના કરેલી સેવાથી આપણને અંતરનો આનંદ અને સુખ મળે છે.

ત્રીજી વ્યૂહરચના સ્વસ્થતાપૂર્વક જીવવામાં છે. આપણા ઘરના સભ્ય સાથે તેમ જ આપણા જીવનના રસ્તે આવતાં દરેક ભાઈબહેન જોડે સ્વસ્થતા-પ્રેરક સારો સંબંધ બાંધીએ, નાતજાત, ભાષા-સંસ્કૃતિ, ધર્મ-સંપ્રદાય, કોમ-વંશ જેવી બાબતોથી ભાગલા પાડવાને બદલે વૈવિધ્યમાં એકતા માણીએ. જેટ-રૉકેટના વેગીલા જીવનમાં પ્રવાહ સામે તરીને પણ સ્વસ્થતા અને શાંતિના પ્રણેતાઓ બનીએ. બધાને માટે નમ્રતા અને કરુણાના માર્ગો ચીંધીએ.

ચોથી વ્યૂહરચના સ્વસ્થતાભરી નવરાશ માણવામાં છે. નોકરીના ક્ષેત્રે કે ઘરમાં પણ બધા માણસો તણાવ અનુભવે છે. બધાં માણસો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. આરામ માટે કોઈની પાસે સમય નથી. બધા ભાગંભાગ કરે છે. પણ માણસને વ્યસ્ત જિંદગી વચ્ચે પણ કલા અને સાહિત્ય માણવા માટે, બાળકો સાથે રમવા માટે, વડીલોને સાંભળવા માટે, કુટુંબના બધાં સભ્યો સાથે નિરાંતે સમય ગાળવા માટે સમય ફાળવવાની જરૂર છે. પોપ ફ્રાન્સિસ કહે છે કે, આપણી ઉપભોગી સંસ્કૃતિમાં આવી બધી બાબતોમાં આપણા કુટુંબના સભ્યો સાથે સમય ગાળી શકતા નથી. પણ હવે સ્વસ્થતાભરી નવરાશનાં ‘કામકાજો’માં સમય રોકીને જ આપણે જીવવાનાં આનંદ અને સુખ માણી શકીએ.

સુખ માટેની પાંચમી વ્યૂહરચના દર રવિવારે કે અઠવાડિયાના કોઈ એક દિવસે ‘કૌટુંબિક દિન’ તરીકે ઉજવવામાં છે. સાંપ્રત સમયમાં ઘણા માણસોને રવિવારે પણ કામ કે નોકરી કરવા પડે છે. આવા સંદર્ભમાં અઠવાડિયામાં બીજા કોઈ એક દિવસ આપણને ગમતી બાબતોમાં તથા ગમતા લોકો સાથે નિરાંતનો સમય વ્યતિત કરવો જોઈએ. કૌટુંબિક દિનમાં કુટુંબના બધાં સભ્યો સાથે હળીમળીને નિરાંતનું સુખ માણી શકીએ.

સુખ માટેની છઠ્ઠી વ્યૂહરચના યુવક-યુવતીઓ સાથે હળવા-મળવામાં છે. આમાં, વડીલોને યુવક-યુવતીઓ સાથે જીવનની આપલે કરવાની હોય તો યુવક-યુવતીઓને પણ મોટેરાંઓ અને નાનેરાંઓ સાથે સમય વિતાવવાની જરૂર છે. આ રીતે યુવક-યુવતીઓ દારૂ જેવા કેફી પીણાના સેવનથી તેમ જ અન્ય અનિષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રહી શકે છે.

સાતમી વ્યૂહરચનામાં સમગ્ર પર્યાવરણને આદરમાન આપવાની અને એની સારસંભાળ રાખવાની સુખચેતના છે. સમગ્ર સર્જનની સાધનસંપત્તિનો અમિત વપરાશ આખરે મનુષ્યજાતને, હા આપણને જ, નુકશાન કરે છે. માનવજાતની મુક્તિ પૃથ્વીની સારસંભાળ સાથે સંકળાયેલી છે. એટલે સમગ્ર ચેતન અને અચેતન સૃષ્ટિ આપણા આદરમાનને પાત્ર છે.

નકારાત્મક બાબતોને છોડી દેવામાં સુખ માટેની આઠમી વ્યૂહરચના છે. બીજા માણસોની ટીકાથી, કાનભંભેરણીથી દૂર રહીએ. પોપ ફ્રાન્સિસ કહે છે કે, બીજાની ટીકા-ટિપ્પણીમાં આપણી લઘુતાગ્રંથિ છે. એમાં બીજાને ઉતારી પાડીને પોતાની મોટાઈને દેખાડવાનો પ્રયત્ન છે. આવી બધી નકારાત્મક બાબતોથી મુક્ત રહીને આપણે સુખ માણી શકીએ. બીજા બધાંને મોટાં ગણીને એમની સેવાચાકરી કરો, એમને આદરમાન આપો. બીજાને સુખી કરીને આપણે સુખી બની શકીએ.

શ્રદ્ધાની સાક્ષીથી આપણા જીવનને પ્રેરણાત્મક બનાવવાની નવમી વ્યૂહરચના છે. આપણાં ધર્મ અને શ્રદ્ધાને બીજા ઉપર કદી ઠોકી બેસાડવાં ન જ જોઈએ. ઈસુના સાક્ષી બનીને આપણે જીવનનાં આનંદ અને શાંતિ માણી શકીએ, પ્રગટ કરી શકીએ. પ્રભુ ઈસુના પ્રેમથી પ્રેરાયેલા આપણા જીવનની શાંતિ તથા દિલનો આનંદ બીજાને આપણા તરફ આકર્ષી શકે. બીજાઓ સાથે આપણે પ્રેમ અને આદરથી વર્તીએ ત્યારે આપણે અને બીજા વચ્ચે ઉમળકાભર્યા સંબંધમાં જીવન માણવાનું સુખ છે, આનંદ છે.

છેલ્લી વ્યૂહરચના શાંતિના પ્રણેતા બનવામાં છે. શાંતિ તો યુદ્ધ અને સંઘર્ષના અભાવમાં નથી. ઝઘડા અને તંગદિલીની પરિસ્થિતિમાં પણ માણસ અંતરની શાંતિ અને દિલનું સુખ માણી શકે છે. અનુભવી શકે છે. કારણ, શાંતિ અને સુખ હમેશાં સકારાત્મક બાબતો છે. પોપ ફ્રાન્સિસે એકવાર યુવાન લોકોને કહ્યું હતું તેમ, તમારા આનંદની કોઈ કિંમત નથી કે, તે આપણે બજારમાંથી ખરીદી શકીએ. એ ‘વોટ્સ એપ’ જેવો કોઈ પ્રોગ્રામ નથી કે, તમારા ફોન પરથી ઉતારી શકાય. એ નિ:શુલ્ક દાન છે. દૈવીકૃપા છે. પ્રેમભર્યા ખુલ્લા મનથી આપણે દિલનો આનંદ અનુભવી શકીએ.          (લેખક સાથેનો સંપર્ક: cissahd@gmail.com મો.09428826518)

 

#

Changed On: 01-07-2018

Next Change: 16-07-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018