આજે ગાંધીજીની પ્રસ્તુતતા કેટલી?

મણિલાલ સુથારે સંપાદન કરેલું પુસ્તક “જો જો! ગાંધી ભુલાય ના!…” આદિથી અંત સુધી વાંચીને આ સમીક્ષા લખું છું. સોએક પાનાંના આ નાના પુસ્તકનું સંપાદન કરવાના હેતુ વિશે  મણિલાલ સુથાર “પ્રાસ્તાવિક”માં લખે છે: “કશુંક નવું વિચારભાથું આપણને પ્રાપ્ત થાય અને ગાંધીજીનાં અનેક પાસાંઓનો  ખ્યાલ આવે તે હેતુને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકનું સંપાદન કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.” (પૃ. 11)

“જો જો! ગાંધી ભુલાય ના!…” પુસ્તક દ્વારા સંપાદક સુથારે બંને હેતુઓ સુપેરે પાર પાડયા છે એમ ચોક્કસપણે કહી શકાય. સહૃદયી વાચકને આ પુસ્તકમાંથી (એક) નવું વિચારભાથું મળશે અને (બે) ગાંધીજીનાં અનેક પાસાંઓનો ખ્યાલ મળશે એમાં કોઈ શંકા નથી.

સંપાદકે ‘પ્રાસ્તાવિક’માં જણાવ્યું છે તેમ,  તેમણે પોતાના પુસ્તકને બે વિભાગમાં તૈયાર કર્યું છે. “પ્રથમ વિભાગમાં ગાંધીજી વિશેની અન્ય લેખકો દ્વારા કરવામાં આવેલી નોંધો તેમ જ સ્વયં ગાંધીજીની પોતાની કેટલીક બાબતો તથા વિચારોને મૂકવાનો પ્રયત્ન કર્યો છે” (પૃ. 10-11). બીજા વિભાગમાં “તેમના વિચારો ને તેમના આદર્શોને ચરિતાર્થ કરતા કેટલાક પ્રસંગો મૂકવામાં આવ્યા છે.” (પૃ. 41)

આ બે હેતુઓ પાર પાડવા માટે સંપાદકે બને વિભાગોમાં વિપુલ પ્રમાણમાં નામી-અનામી લેખકો, ચિંતકો, ફિલસૂફો, રાજકીય તથા સામાજિક આગેવાનોએ ગાંધીજી અંગે લખેલી બાબતો ટાંકી છે.

અહીં રજનીશ ઓશોએ ગાંધીજી વિશે  લખેલી વાતમાંથી એક અવતરણ આપું છું. “ગાંધીજી અદભુત અને અનોખા મહાપુરુષ હતા. એમણે જે કંઈ કહ્યું તેનો આપણે તેમના વ્યક્તિત્વના મહિમામાં અંજાઈને સ્વીકારી લીધો છે. ગાંધીજી સાચુકલા, ઈમાનદાર, નિયતના સાફ, દેશ માટે સર્વસ્વ ગુમાવવા તત્પર વ્યક્તિ હતા.  રોમેરોમમાં, પ્રાણપ્રાણમાં, દેશની ઉન્નતિ સિવાય બીજી કોઈ કલ્પના જ નહોતી.” (પૃ. 2)

ઓશોની જેમ રાજપુરુષ એન્ડ ચિંતક ડૉ. રાધાકૃષ્ણને ગાંધીજી વિશે  લખેલી વાત પણ ખાસ નોંધપાત્ર છે. “ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવસ્વભાવમાં મહત્વનો પલટો લાવવા મથ્યા હતા. ક્રાંતિ જડતા કે ઉદાસીનતામાંથી નથી જન્મતી પણ ધ્યેય માટેની તીવ્ર લાગણીમાંથી જન્મે છે. ગાંધીજી આપણને શસ્ત્ર વગરની દુનિયામાં રહેવાને લાયક બનાવવા માગતા હતા. આપણે ઝઘડા અને વેરઝેરભરી દુનિયામાંથી બહાર નીકળી સહકાર અને સુમેળપૂર્વક કામ કરવું જોઈએ. યુદ્ધની અવેજીમાં એમણે સત્યાગ્રહ રજૂ કર્યો હતો.” (પૃ. 3)

ગાંધીજીના જીવનનાં વિવિધ પાસાંઓની નોંધ સાથે ગાંધીજીને પ્રભાવિત કરનાર વ્યક્તિઓ અને વિચારો અંગે ખુદ સંપાદક લખે છે: “ગાંધીજીના જીવનમાં અને પાસાંઓ અને અનેક વ્યક્તિઓની અસર હતી. એમને જે જે સારું લાગ્યું તેને જીવનમાં ઉતાર્યું અને અનુસર્યા અને એ રીતે જીવનઘડતરનો વિકાસ થતો રહ્યો. (પૃ. 12)

ગાંધીજી ઉપર ઊંડો પ્રભાવ પાડનાર લોકોની વાત સાથે સંપાદક મણિલાલ સુથારે ગાંધીજીના પ્રભાવ નીચે આવનાર દેશ-વિદેશના ઘણા લોકોની વાત પણ પોતાના પુસ્તકમાં એકઠી કરી છે. પુસ્તકમાં ક્યાંક તો ખુદ ગાંધીજીનું અવતરણ પણ મળે છે. દાખલા તરીકે 1931માં ગાંધીજીએ કહ્યું હતું, “અસ્પૃશ્યતા જીવતી રહે એના કરતાં હિન્દુ ધર્મ મરી જાય એ હું પસંદ કરીશ! મારું જીવન એ જ મારો સંદેશ છે.” (પૃ. 25)

“જો જો! ગાંધી ભુલાય ના!…” પુસ્તકમાંથી અહીં ખાસ યાદ કરવા જેવી ઘણી વાતોમાંથી એક વાત સમાજસુધારણાની છે. સંપાદક સુથારે ગાંધીજીએ પોતાના શહીદપણાના થોડા દિવસ પહેલાં  ડૉ. સુશીલા નૈયરને કરેલી વાત ટાંકી છે. “મારી કલ્પનાનું સ્વાતંત્ર્ય હજુ આવ્યું નથી.” “…હું જો આ આગ (એટલે કે કોમી આગ)માંથી જીવતો બહાર આવ્યો તો મારું પહેલું કામ રાજકારણને સુધારવાનું રહેશે” (પૃ. 64). આ વાતને અંતે સંપાદકે ‘પ્યારેલાલ’ લખ્યું છે. એટલે હું માનું છું કે, ગાંધીજીએ સુશીલા નૈયર સાથે કરેલી વાત સંપાદકે ‘પ્યારેલાલ’ના કોઈ લખાણમાંથી લીધી હશે.

“જો જો! ગાંધી ભુલાય ના!…” પુસ્તકમાં પાને પાને ગાંધીજીનાં કે ગાંધીજી વિશે બીજાઓએ કરેલી વાતોનાં અવતરણો છે. પરંતુ ઘણી જગ્યાએ અવતરણ ચિહ્નોના અભાવે ક્યાં ગાંધીજીની વાત અને ક્યાં સંપાદક કે અન્ય વ્યક્તિઓની વાત આવે છે તે સ્પષ્ટ નથી. સમગ્ર પુસ્તકની ભાષા સાદીસીધી અને સરળ છે.

હું માનું છું કે, આ પુસ્તક સંપાદન કરવા પાછળના એક હેતુ તરીકે સંપાદક સુથારે એનું નામ “જો જો! ગાંધી ભુલાય ના!…” રાખ્યું છે. છતાં મને નામ પાછળના સંપાદકના હેતુ અંગે શંકા થાય છે.

આજનાં સામાજિક અને રાજકીય પરિબળો ગાંધીજીએ ચીંધેલા સમાજસુધારણાના માર્ગથી વિરુદ્ધ દિશામાં પ્રયાણ કરે છે. એ જ રીતે કહેવાતાં કેટલાંક સાંસ્કૃતિક સંગઠનો, ધાર્મિક કોમવાદી આગેવાનોએ ગાંધીજીએ પ્રબોધેલા અહિંસા અને સત્યના માર્ગને તિલાંજલિ આપી છે. વળી, ગાંધીજીએ જેને માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું એવા વિચારો અને આદર્શોથી તદ્દન ભિન્ન વિચારો અને આદર્શો આજનાં બાળકો અને યુવા પેઢી પર ઠોકી બેસાડવાનો દેશવ્યાપી પ્રયત્ન થાય છે. આવી બધી બાબતોને લઈને સંપાદકના મનમાં શંકા છે કે, આજે ગાંધીજી ભુલાય છે. એટલે જ એમણે પોતાના સંપાદિત પુસ્તકનું નામ “જો જો! ગાંધી ભુલાય ના!…” રાખ્યું હશે.

પરંતુ સમગ્ર પુસ્તક છાપરે ચડીને પોકારે છે કે, ગાંધીજી અમર છે. ગાંધીજીની હત્યા 30મી જાન્યુઆરી 1948માં નથ્થુરામ વિનાયક ગોડસેની ત્રણ ગોળીઓથી થઈ હતી ત્યારે ખુદ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વને પણ સંબોધીને કહ્યું હતું:

“મેં હમણાં કહ્યું કે જ્યોતિ બુઝાઈ ગઈ છે, પણ એ મારી ભૂલ હતી. કારણ, જે જ્યોતિ આ દેશમાં જલતી હતી તે સામાન્ય જ્યોતિ નહોતી. જે જ્યોતિએ આ દેશને આટલાં બધાં વર્ષો સુધી ઉજમાળો બનાવ્યો હતો તે હજી ઘણાં વર્ષો સુધી એને ઉજમાળો બનાવતી રહેશે. અને હજાર વર્ષ પછી પણ એ જ્યોતિ આ દેશમાં જોવામાં આવશે અને આખી દુનિયા એને નિહાળશે અને એ ગણ્યાં ગણાય નહીં એટલાં હૈયાંને સાંત્વન આપશે.” (પૃ. 80)

અંતે ગાંધીજીએ 1948 જાન્યુઆરીની 26મીએ કહેલી વાત અહીં ઉતારું છે. “સ્વાતંત્ર્ય એટલે બધા જ વર્ગોની અને ધર્મોની સમાનતા પણ ખરી. અને એમાં કોઈ લઘુમતી સંખ્યાની દ્રષ્ટિએ કે લાગવગની દ્રષ્ટિએ ગમે એટલી નગણ્ય હોય તોય તેના ઉપર બહુમતી કદી પણ આધિપત્ય ચલાવી નહીં શકે.”

મારા મિત્ર મણિલાલ સુથારે સંપાદન કરેલું આ પુસ્તક નાનામોટા સૌ સહૃદયી વાચકો માટે પ્રેરણાપરબ બની રહેશે. એટલે હું આશા રાખું છું કે, સૌ કોઈ માટે સત્ય અને સમાનતાને પંથે રસ્તો ચીંધનાર દીવાદાંડીરૂપ આ પુસ્તક સૌ ઉત્કૃષ્ઠ જીવનશોધકો વાંચશે અને વંચાવશે.

સંપાદક : મણિલાલ સુથાર, જો જો! ગાંધી ભુલાય ના!…” 

પ્રથમ આવૃત્તિ: જાન્યુઆરી 2017, પ્રકાશક: રોહિત મણિલાલ સુથાર

જૂની ગૅસ ઑફિસની સામે, કિરણ ચેમ્બર્સની સામેની ગલી, ઢૂંઢિયાવાડી, પાલનપુર, જિ. બનાસકાંઠા 385 001, કિંમત રૂ.120/-

#

Changed on: 01-10-2019

Next Change: 16-10-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019