આજે ઈસુનું પુનરુત્થાન

થોડા વખત પહેલાં મને દક્ષિણ અમેરિકાના પનામા શહેરથી જિસેલ ચાન્ગ નામે એક બહેનનો પત્ર મળ્યો. ઈમેલ દ્વારા મને પાઠવેલા પત્રમાં જિસેલબહેને લખ્યું, “ફાધર વર્ગીસ, આજે સવારે ઉઠી ત્યારે મને સૌ પ્રથમ બાઇબલ વાંચવાનું મન થયું. મેં જોયું તો મારી પથારી પાસેના ટેબલ પર આપની પુસ્તિકા ‘ઈસુ મારી-તમારી નજરે’ (What Does Jesus Mean to You & Me?) મળી. મેં એનાં થોડાં પાનાં વાંચ્યાં. મને લાગ્યું કે આપે મારા માટે જ એનાં પાનાં નંબર ૩૬-૩૭ની વાત લખી છે.”
જિસેલબહેનનો પત્ર વાંચીને મને ખૂબ આનંદ થયો. છાપાં-સામયિકોમાં છાપેલા મારા લેખો કે મારું કોઈ પુસ્તક વાંચીને વાંચક મિત્રો મને પત્ર લખે, મારાં લખાણની કદર કરે, મારા સાહિત્યના વખાણ કરે, ત્યારે મને ખૂબ સારું લાગે. મારી મહેનતનું ફળ મને સોગણું મળ્યાની સંતૃપ્તિ થાય. લખવાના અઘરા કામમાં મંડ્યા રહેવાની મને ચાનક ચડે છે.

જિસેલબહેનને વિશેષ રીતે પ્રભાવિત કરનાર મારું લખાણ નવેસરથી વાંચવાનું મને મન થયું. મેં ‘ઈસુ મારી-તમારી નજરે’ની અંગ્રેજીમાં અનુવાદના પાના નંબર ૩૮-૩૯ ખોલીને વાંચવા માંડ્યું. મેં ઈસુના પુનરુત્થાન વિશે લખેલી વાત પર મારી નજર ઠરી. ત્યાં મેં લખ્યું છે કે, બે હજાર વર્ષ પહેલાં બનેલી બે ઘટનાઓ, એટલે ક્રૂસ પરના ઈસુનું મૃત્યુ અને એના ત્રીજા દિવસે થયેલું ઈસુનું પુનરુત્થાન, બંને વચ્ચે અભેદ્ય સંબંધ છે; એટલું જ નહિ, પણ એ બે ઘટનાઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એટલે ખ્રિસ્તી લોકો ઈસુના મૃત્યુ અને પુનરુત્થાનને આજે પણ દૈનિક જીવનના અનુભવો તરીકે ઉજવે છે, આટલું લખ્યા પછી મેં વધુમાં ઉમેર્યુંઃ

“દરેક વખતે આપણા પ્રેમને ધિક્કારવામાં આવે છતાં આપણને ધિક્કારનાર ઉપર આપણે પ્રેમ રાખીએ છીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. દરેક વખતે આપણા વિશ્વાસને દગો દેવામાં આવે છતાં આપણે વિશ્વાસ રાખીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ.
“દરેક વખતે આપણે નિષ્ફળ જઈએ, હારી જઈએ છતાં આપણે હતાશા પામ્યા વગર ફરીથી નવો પ્રયાસ કરીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. દરેક વખતે આપણી આશાને ઠુકરાવવામાં આવ્યા પછી પણ આપણે માણસો પર આશા બાંધીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. “આ દૃષ્ટિએ ગુડ ફ્રાઇડેના ઈસુના ક્રૂસ પરનું મૃત્યુ અને એના ત્રીજા દિવસે એટલે પુનરુત્થાનના રવિવારે ઈસુનું નવજીવન વચ્ચે નિકટનો સંબંધ છે. તો આપણા જીવનના ગુડ ફ્રાઇડે પછી પણ પુનરુત્થાનનો રવિવાર છે એવી શ્રદ્ધા અને આશાથી આપણા દૈનિક જીવનને ઉદાત્ત અને ઉત્કૃષ્ટ બનાવીએ.” (ઈસુ મારી-તમારી નજરે, પૃ. ૩૮-૩૯)

મને જણાવવામાં આનંદ છે કે મેં ર૦૦૬માં ‘ઈસુ મારી-તમારી નજરે’ પુસ્તિકા સી.આઈ.એસ.એસ. દ્વારા પ્રકાશિત કરી હતી. ત્યાર પછી ટૂંક સમયમાં એ ખૂબ લોકપ્રિય બની ગઈ. અંગ્રેજી અને હિન્દીમાં પણ એનો અનુવાદ થયો. ગયા વર્ષે (૨૦૧૪) એનો મલયાલમ અનુવાદ પણ પ્રગટ થયો. આ મૂળ ગુજરાતી પુસ્તિકાની ૧૦,૦૦૦ નકલ સાથે ચાર ભાષામાં પુસ્તિકાની કુલ રર,૦૦૦ નકલ છપાઈ છે.

હું ર૦૧૩માં પત્રકારોના એક વિશ્વ સંમેલનમાં ભાગ લેવા પનામા ગયો હતો. તે પ્રસંગે મારા એક મિત્રના મિત્ર તરીકે જિસેલબહેન વિમાન મથકે મને લેવા આવ્યાં હતાં અને મેં એમને What Does Jesus Mean to You & Me? અને બીજું એક અંગ્રેજી પુસ્તક “Love is a Challenge!” ની ભેટ આપી હતી.

ખ્રિસ્તી ધર્મ અને શ્રદ્ધાના કેન્દ્રમાં પ્રભુ ઈસુનું પુનરુત્થાન છે. પોતાની શ્રદ્ધાનો એકરાર કરતાં ખ્રિસ્તી લોકો ‘શ્રદ્ધાની ઘોષણા’ની પ્રાર્થનામાં બોલે છે : ઈસુ “ત્રીજે દિવસે ફરી સજીવ ઊઠ્યા.” એટલે જ ખ્રિસ્તી લોકો પોતાની જાતને “પુનરુત્થાનના માણસો” તરીકે ઓળખાવે છે. ઈસુના પુનરુત્થાનને આધારે ખ્રિસ્તી લોકો પોતાની ‘શ્રદ્ધાની ઘોષણા’ પ્રાર્થનામાં વધુમાં એકરાર કરે છે કે, અમે “દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ.”ઈસુનું પુનરુત્થાન જ ખ્રિસ્તી શ્રદ્ધા અને ખ્રિસ્તી જીવનને અર્થવત્‌ બનાવે છે.

બાઇબલના ‘નવો કરાર’ના એક પત્રમાં સંત પાઉલે ઈસુના પુનરુત્થાનને ખ્રિસ્તી ધર્મશ્રદ્ધાનું હાર્દસમું સમજાવ્યું છે. કરિંથના ધર્મસંઘ પરના પહેલા પત્રમાં પાઉલે લખ્યું છે : “મેં તમને સૌ પ્રથમ તો પરંપરામાં મને મળેલી એ વાત પહોંચાડી હતી શાસ્ત્રો અનુસાર આપણાં પાપને માટે ખ્રિસ્તે મૃત્યુ વહોરી લીધું હતું, તેમને દફનાવવામાં આવ્યા હતા, અને શાસ્ત્રો અનુસાર તેમને ત્રીજે દિવસે ફરી સજીવન કરવામાં આવ્યા હતા” (૧ કરિંથ ૧પ, ૩-૪). “છેવટે છેવટે તેમણે મને ૫ાઉલને પણ દર્શન દીધાં હતાં” (૧ કરિંથ ૧પ, ૮).

ઘણા યહૂદી લોકોની જેમ કરિંથના લોકો માનતા નહોતા કે, મરેલાં માણસ ફરી સજીવન થશે. લોકોની આ માન્યતાને પડકારતાં પાઉલે ઈસુના પુનરુત્થાન અને બધા માણસનું પુનર્જીવન વિશે કરિંથના ખ્રિસ્તીઓને બરાબર સમજાવતાં લખ્યું છે કે, “હવે, અમે જો એમ ઘોષણા કરતા હોઈએ કે, ઈસુને મરેલાંમાંથી ફરી સજીવન કરવામાં આવ્યા હતા, તો તમારામાંથી કોઈ કોઈ એમ શી રીતે કહી શકે કે, મરેલાં ફરી સજીવન થતાં નથી? જો મરેલાં ફરી સજીવન ન થતાં હોય, તો ખ્રિસ્ત ફરી સજીવન થયા નથી; અને જો ખ્રિસ્ત ફરી સજીવન ન થયા હોય, તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારી શ્રદ્ધાનો પણ કશો અર્થ નથી. વળી, તો તો, અમે ઈશ્વરના જૂઠા સાક્ષી ઠરીએ; કારણ, અમે એવી સાક્ષી પૂરી છે કે, ઈશ્વરે ખ્રિસ્તને ફરી સજીવન કર્યા હતાં; પણ ખરેખર મરેલાં જો ફરી સજીવન કરવામાં આવતાં ન હોય, તો ઈશ્વરે ખ્રિસ્તને પણ સજીવન નથી કર્યા; કારણ, જો મરેલાંને સજીવન કરવામાં આવતાં ન હોય, તો ખ્રિસ્તને પણ સજીવન કરવામાં નથી આવ્યા. અને જો ખ્રિસ્તને ફરી સજીવન કરવામાં આવ્યા ન હોય, તો તમારી શ્રદ્ધા પોકળ છે, તમે હજી તમારા પાપમાં જ છો; અને તો તો જેઓ ખ્રિસ્તને ચરણે મરણ પામ્યા છે તેઓનો સર્વનાશ થયો છે.
“આપણે ખ્રિસ્ત ઉપર જે આશા રાખી છે તે ફક્ત આ જીવન પૂરતી હોય, તો તો આપણે સૌથી વધુ દયાપાત્ર માણસો છીએ. “પણ સાચી વાત એ છે કે, ખ્રિસ્તને ફરી સજીવન કરવામાં આવ્યા છે – મૃત્યુમાં પોઢેલાંઓ ફરી સજીવન થશે એની બાંયધરીરૂપે; કારણ, જેમ માનવ દ્વારા મૃત્યુ આવ્યું હતું, તેમ મરેલાંનું પુનર્જીવન પણ માનવ દ્વારા જ આવ્યું છે; જેમ આદમ સાથેના સંબંધને કારણે સૌ મૃત્યુ પામે છે, તેમ ખ્રિસ્ત સાથેના સંબંધને કારણે સૌ પુનર્જીવન પામશે. (૧ કરિંથ ૧પ, ૧ર-રર) ઈસુનું પુનરુત્થાન, બાઇબલનાં પંડિત વિલ્યમ બારકલ કહે છે તેમ, ચારેક બાબતો પુરવાર કરે છે.

એક, જુઠાણું કરતાં સત્ય વધારે જોરદાર છે. ક્રૂસ પરથી ઉતારીને ઈસુના મૃતદેહને એક નવી જ વણવાપરી કબરમાં દફનાવી દીધો હતો. એના ત્રીજા દિવસે ઈસુની કબરે પહોંચેલા બધાને ખાલી કબર જોવા મળી. કબરની ચોકી કરનાર સૈનિક ચોકીદારોએ શહેરમાં આવીને જે બન્યું હતું તે બધું મુખ્ય પુરોહિતોને જણાવ્યું. મુખ્ય પુરોહિતોએ સૈનિક ચોકીદારોને સારી એવી લાંચ આપીને સમજાવ્યું, “તમે એમ કહેજો કે, તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા… એટલે તે લોકોએ નાણાં લીધાં અને કહ્યા પ્રમાણે કર્યું. આ અફવા યહૂદીઓમાં ફેલાઈ ગઈ અને આજ સુધી ચાલુ છે” (જુઓ માથ્થી ર૮, ૧-૧પ). પરંતુ ઈસુના પુનરુત્થાન પછીના બનાવો, ખાસ કરીને એમના શિષ્યો અને અનુયાયીઓમાં આવેલું અકલ્પિત પરિવર્તનોએ પુરવાર કર્યું છે કે, ઈસુના પુનરુત્થાનની વાત સત્ય છે અને મૃતદેહની ચોરીની વાત નર્યું જુઠાણું છે.

બે, ઈસુનું પુનરુત્થાન પુરવાર કરે છે કે અત્યાચાર કરતાં ભલાઈ વધારે જોરદાર છે. ઈસુને ક્રૂસ ચઢાવીને ક્રૂર રીતે મારી નાખનારાઓએ માન્યું હતું કે એ મૃત્યુથી ઈસુનો અંત આવ્યો છે. પરંતુ ઈસુના પુનરુત્થાને પુરવાર કર્યું છે કે માનવજીવનનો પાયો અત્યાચાર કે અનિષ્ટ પર નથી પણ નૈતિકતા અને ભલાઈ પર બંધાયો છે.
ત્રણ, ઈસુનું પુનરુત્થાન પુરવાર કરે છે કે ધિક્કાર કરતાં પ્રેમ વધારે જોરદાર છે. ક્રૂસ પર લોકોના ધિક્કારનું મૃત્યુ થયું પણ ઈસુના સમગ્ર માનવજાત માટેના પ્રેમનો વિજય થયો. ન્યાયાસન પર બેઠેલો સૂબો “પિલાતને ખબર હતી કે લોકોએ કેવળ અદેખાઈને લીધે ઈસુને હવાલે કર્યા હતા” (માથ્થી ર૭, ૧૮). છતાં સાચો ન્યાય કરવાને બદલે, આપણા સમયના કેટલાક ન્યાયાધીશોની જેમ લોકોની બીકે કે સ્વાર્થ લાભ ખાતર સૂબા પિલાતે ઈસુને ક્રૂસે ચડાવવાનો ચૂકાદો આપ્યો! દેખીતી રીતે અન્યાયનો ન્યાય ઉપર વિજય થયો! પરંતુ ના. ઈસુના પુનરુત્થાનથી આખરે ધિક્કાર પર પ્રેમનો વિજય થયો.

ચાર, ઈસુનું પુનરુત્થાન પુરવાર કરે છે કે મૃત્યુ કરતાં જીવન વધારે જોરદાર છે. સંત પાઉલ કહે છે તેમ ઈસુનું પુનરુત્થાન થયું ન હોય તો જૂઠાણાનો, મૃત્યુનો વિજય થાત. પરંતુ ઈસુ મહિમાવંત પુનર્જીવન પામ્યા અને એમણે મૃત્યુ પર જીવનનો વિજય પુરવાર કર્યો.

આજે જ્યારે લોકો જૂઠાણું ચલાવે, અત્યાચારો અને અનિષ્ટોનો આશરો લે, અર્ધસત્યથી લોકોને છેતરે, માણસાઈ અને માનવતા પર હુમલો કરે, ધર્મને નામે સત્તામણી ગુજારવામાં આવે ત્યારે સત્ય, પ્રેમ અને શાંતિ સ્વરૂપ ઈસુને ક્રૂસે ચડાવવામાં આવે છે. પણ ઈસુનું પુનરુત્થાન આપણને ખાતરી આપે છે કે, વહેલોમોડો એક દિવસ સત્યનો વિજય થશે. પ્રેમની જીત થશે. શાંતિનો ફેલાવો થશે. આપણા જીવનમાં સત્ય, પ્રેમ અને શાંતિનું માધ્યમ બનીને આપણે ઈસુના પુનરુત્થાનના ભાગીદાર-સાથીદાર બનીએ.