એને ક્રૂસે ચડાવો

ગુડ ફ્રાઈડે કે શુભ શુક્રવારનો દિવસ એટલે પ્રભુ ઈસુના મૃત્યુનો દિવસ. બેએક હજાર વર્ષ પહેલાં આખા રોમન સામ્રાજ્યમાં સૌથી વધારે નામોશીભરી રીતે ઈસુને ક્રૂસે ચડાવીને મારી નાખવામાં આવ્યા છે. ખરેખર ઈસુનું મૃત્યુ થયું નથી; પણ ઈસુનું ખૂન જ થયું છે! હત્યા થઈ છે! કદાચ આખા પેલેસ્ટાઈન પ્રાંતમાં સૌનું ભલું કરીને ફરનાર ઈસુ જેવા સાધુ પુરુષનું ધોળે દહાડે ખૂન કરવામાં આવ્યું છે, એવું આપણે માની ન શકીએ. છતાં એ નર્યું સત્ય છે, ખરી વાસ્તવિક્તા છે. અહીં આપણે ઈસુના ખૂન પાછળનાં પરિબળો અને મુખ્યત્વે એ ખૂન સાથે સંકળાયેલા ત્રણ પાત્રો તપાસીએ.

એમાંનું એક પાત્ર યહૂદા ઇશ્કરિયોત છે. યહૂદા ઈસુએ પોતાના અંતેવાસી તરીકે પસંદ કરેલા બાર શિષ્યોમાં એક છે. ઈસુના ત્રણ વર્ષના જાહેરજીવન દરમિયાન ઈસુ સાથે રહ્યા છે. ઈસુએ અસંખ્ય લોકોનું ભલું કર્યું છે. ભૂખ્યા-તરસ્યા હજારો લોકોને ખવડાવ્યું છે. આંધળા માણસોને દેખતા કર્યા છે. કુષ્ઠ રોગીઓને સાજા કર્યા છે. અપંગ માણસોને ચાલતા-કૂદતા કર્યા છે. ઈસુએ શબ્દમાત્રથી દરિયાઈ તોફાનને શાંત કર્યું છે. યહૂદા બીજા શિષ્યો સાથે રહીને ઈસુના બધા ચમત્કારોના દઢસાક્ષી બન્યા છે.

ઈસુ અને બીજા શિષ્યોને યહૂદા પર વિશેસ ભરોસો હતો. એટલે યહૂદા ઈસુ અને એમના શિષ્યોની ટૂકડીનો ખજાનચી હતા. બાઇબલ કહે છે કે, “યહૂદા પાસે પૈસાની પેટી રહે છે.” ઉત્સવ જેવા પ્રસંગે કંઈક ખરીદવાનું હોય કે, ગરીબોને કંઈક આપવાનું હોય, એવા પ્રસંગે પૈસાનો વ્યવહાર યહૂદાને જ કરવાનો હતો.

યહૂદાને પૈસાનો મોહ હતો. શુભસંદેશકારે નોંધ્યું છે કે, યહૂદા ચોર હતો. ઈસુની ટૂકડીના પૈસાની પેટી યહૂદા પાસે હતી અને યહૂદા એમાંથી પૈસા ચોરી લેતા! બાર શિષ્યોની યાદીમાં યહૂદાનું નામ હંમેશાં “ઈસુને દગો દીધો હતો તે યહૂદા ઇશ્કરિયોત” કે “વિશ્વાસઘાતી નીવડ્યો હતો તે યહૂદા ઇશ્કરિયોત” છે.

યહૂદાએ મુખ્ય પુરોહિતો પાસે જઈને ઈસુને પકડાવી દેવાનો સોદો કર્યો. તે લોકોએ તેને ત્રીસ ચાંદીના સિક્કા તોલી આપ્યા. ત્યારથી યહૂદા ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો. શિષ્યો સાથે છેલ્લા ભોજન પછી ઈસુ રાબેતા મુજબ ગેથસેમાને નામની જગ્યાએ પ્રાર્થના કરવા ગયા. યહૂદાને એની ખબર હતી. એટલે યહૂદા મુખ્ય પુરોહિતો અને પ્રજાના આગેવાનોએ મોકલેલા માણસોનું મોટું ટોળું લઈને ત્યાં આવ્યો. તેણે ટોળાના લોકોને કહ્યું હતું કે, જેને હું ચુંબન કરું તે જ તમારો માણસ. એટલે યહૂદાને ઈસુની પાસે આવીને પ્રણામ ગુરુદેવ!કહીને ચુંબન કર્યું.

પછી શુભસંદેશકાર માથ્થી જણાવે છે તેમ, જ્યારે યહૂદાને ખબર પડી કે, ઈસુને મોતની સજા થઈ છે ત્યારે તેને પસ્તાવો થયો અને પેલા ત્રીસ ચાંદીના સિક્કા મુખ્ય પુરોહિતો અને આગેવાનોને પાછા આપીને બોલી ઊઠ્યો, મેં પાપ કર્યું છે! નિર્દોષ માણસને મોતને હવાલે કર્યો! તે પૈસા મંદિરમાં ફેંકી દઈને ચાલી નીકળ્યો અને ઘોર નિરાશામાં ફાંસો ખાધો!

બીજું પાત્ર ઈસુને મોતની સજા કરનાર રોમન સત્તાના પ્રતિનિધિ પેલેસ્ટાઈનનો સૂબો પોન્તિયસ પિલાત છે. યહૂદી પુરોહિતો અને લોકોના આગેવાનો કોઈને ત્યુની સજા ન કરી શકે. એ અધિકાર ફક્ત રોમનોનો હતો. એટલે લોકોએ ઈસુને “ક્રૂસે ચડાવો, ક્રૂસે ચડાવો”ના નારા સાથે સૂબા પિલાતના મહેલમાં લઈ આવ્યા.

પિલાતે ઈસુની તપાસ કરીને લોકો આગળ એકથી વધારે વાર જાહેર કર્યું હતું કે, તમે સમજી લો કે, મને એનામાં કોઈ દોષ દેખાતો નથી. માથ્થીએ સ્પષ્ટ નોંધ્યું છે કે, “તેને (પિલાતને) ખબર હતી કે, લોકોએ કેવળ અદેખાઈને લીધે ઈસુને હવાલે કર્યા હતા.” વળી, “પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો. ત્યાં તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો કે, એ ધર્માત્માની બાબતમાં તમે પડશો નહિ.” પણ પિલાત્ને લોકોના તોફાનથી પોતાની સત્તા જતી રહેશે એવી બીક હતી. એટલે પિલાતે પાણી લઈને લોકોના દેખતા પોતાના હાથ ધોઈ નાખ્યા અને કહ્યું, “આ માણસના ખૂનની બાબતમાં હું નિર્દોષ છું. એ તમે જાણો.” પછી પિલાતે લોકોની માગણી પ્રમાણે ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધા.

પિલાતે પોતાનો હોદ્દો સાચવવા માટે રોમન સત્તાને પ્રતિનિધિ સૂબાનું સ્થાનમાં ચાલુ રહેવા માટે, નિર્દોષ ઈસુને ત્યુના હવાલે કર્યા. પરિણામ? ઇતિહાસ બતાવે છે કે, ઈસુ ક્રૂસ પર મરી ગયાના સમાચાર મળ્યા પછી પિલાત પોતાની સ્વસ્થતા ખોઈ બેઠા. તેમણે ફરી ને ફરી પોતાના હાથ ધોઈ નાખ્યા. પિલાત શાંતિથી ક્યાંય બેસી શકતા નહોતા. સૂઈ શકતા નહોતા. ફરી ને ફરી હાથ ધોઈ નાખ્યા. પણ ચેન પડતું નહોતું. તેઓ ગાંડા બની ગયા. મનની સમતુલતા ખોઈ બેઠા. સૂબાના સ્થાનથી દૂર થયા. ગેરવર્તુણક ને ખોટા વહીવટ બદલ પિલાત દેશનિકાલ થયા. અંતે ભારે નિરાશાથી ખરાખોટાનું ભાન વિના તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું.

ત્રીજું પાત્ર ઈસુને કેદ પકડ્યા પછી એમને ઓળખવાની પણ ના પાડનાર પીતર છે. પીતર ઈસુના વિશેષ પસંદ કરેલા બાર અંતેવાસી શિષ્યોમાં એક છે. છેલ્લા ભોજન વખતે છાતી ઠોકીને ઈસુને પીતરે કહ્યું હતું, પ્રભુ આપની સાથે હું જેલમાં કે ત્યુના મુખમાં પણ આવવા તૈયાર છું. તે વખતે ઈસુએ પીતરને ચેતવણી આપી હતી કે, ઓ પીતર, આજે રાતે કૂકડો બોલે તે પહેલાં તો તું મને ઓળખે છે એ વાતનો તેં ત્રણ વાર ઇન્કાર કર્યો હશે. અને બન્યું પણ એવું જ.

એક નોકરડીએ પીતરને ઈસુના સાથીદાર તરીકે ઓળખ્યા તો પીતરે કહ્યું, “બાઈ, હું તો એને ઓળખતો સુદ્ધાં નથી.” પછી ઈસુના શિષ્ય તરીકે પીતર તરફ આંગળી ચીંધનાર બીજા બે માણસો આગળ પણ પીતરે કહ્યું, “ભાઈ, તું શું કહે છે, મને કાંઈ ખબર નથી.” પીતર આમ બોલતો હતો ત્યાં કૂકડો બોલ્યો અને કેદમાં પકડાયેલા ઈસુએ ફરીને પીતર ઉપર નજર માંડી. પીતરને પ્રભુના શબ્દો યાદ આવ્યા અને તેઓ બહાર જઈને તે છાતીફાટ રોવા લાગ્યો. પીતરને પોતાના ઘોર અપરાધનો ખ્યાલ આવ્યો. પોતાનાં પાપનું ભાન થયું. સાથેસાથે ઈસુની કરુણામય, પ્રેમ નીતરતી આંખોની યાદ આવી. સાત વાર નહિ પણ સિત્તેર વખત સાત વાર માફી આપવાની પ્રભુ ઈસુના સંદેશનું પીતરને સ્મરણ થયું. ક્રૂસ પરથી આપેલી માફીના શબ્દો પીતરના કાનમાં ગુંજ્યા હશે. “હે પિતા, આ લોકોને માફ કર; પોતે શું કરે છે એનું એમને ભાન નથી.”

પીતરને પોતાના ગુનાનો ખ્યાલ આવતાં તેઓ પશ્ચાતાપી દિલે પ્રભુની કરુણા અને દયા પર પૂર્ણ ભરોસા સાથે ઈસુ તરફ વળ્યા. તેઓએ પોતાની જેમ ઈસુની ધરપકડ અને ક્રૂસ પરના મૃત્યુ વખતે ભાગી ગયેલા બધા શિષ્યોને હિંમત આપીને ઈસુની માતા મરિયમ સાથે ભેગા કર્યા. તેઓ બધાં પ્રાર્થના કરવા લાગ્યાં અને ઈસુએ વચન આપેલા પવિત્ર આત્માની રાહ જોવા લાગ્યા.

મૃત્યુના ત્રીજા દિવસે સજીવન થયેલા પ્રભુ ઈસુએ પીતરને અને બધા શિષ્યોને દર્શન દીધાં. એટલું જ નહિ પણ બધા શિષ્યોને દરિયાકિનારે દર્શન દીધા તે પ્રસંગે ઈસુએ પીતરને પોતાના બધા શિષ્યો અને અનુયાયીઓની સંભાળ રાખવાની મોટી જવાબદારી સોંપીને પટ્ટશિષ્ય બનાવ્યા!

આ ત્રણ પાત્રો – યહૂદા, પિલાત અને પીતર – બે હજાર વર્ષ પહેલાં જીવી ગયેલી ઐતિહાસિક વ્યક્તિઓ છે. ઈસુની મહાવ્યથા ક્રૂસ પરનું નામોશીભર્યા મૃત્યુના સંદર્ભમાં આ ત્રણ પાત્રોને યાદ કરવાનું વિશેષ કારણ છે. ઈસુના ક્રૂસ પરનું મૃત્યુ કેવળ યાદગીરી નથી. મારાતમારા અને બધા માણસોની સાંપ્રત સમયની પણ આ વાત છે. ઈસુના દુન્યવી જીવનના સમયની જેમ આજે પણ વિવિધ પ્રકુતિના, ભિન્ન ભિન્ન આચારવિચારના માણસો છે. આપત્તિ, સંધર્ષ, કટોકટી જેવા પ્રસંગે માણસ આ ત્રણ પાત્રોની જેમ વિવિધ વલણ ધરાવે છે. આ ત્રણ પાત્રોની જેમ વર્તનાર સાચા-ખોટા રસ્તે ચાલનાર ઘણા માણસો આપણી વચ્ચે છે.

આપણામાં કોઈ જણ આપત્તિ, સંધર્ષ, કટોકટી કે એક યા બીજા પ્રકારની મુશ્કેલી વખતે યહૂદાની જેમ ફાંસી ખાઈને આપણું જીવન ટૂંકું કરવા ઇચ્છ્તો નથી; કે પિલાતની જેમ ગાંડો બનીને આપઘાત કરવા માગતો નથી. પણ પોતાના ઘોર અપરાધને પાપ બદલ પશ્ચાતાપ કરનાર પીતરની જેમ જીવવા માગીએ છીએ. પીતરે પોતાના જીવનના છેલ્લાં વર્ષોમાં પ્રભુ ઈસુએ ચીંધેલા પ્રેમ, સેવા, કરુણા જેવા મૂલ્યબધ્ધ જીવન ગાળીને અને બીજાનું ભલું કરતા રહીને અને એ રીતે વિકટ પરિસ્થિતિમાં પણ ઈસુના એક શિષ્યને શોભે એવું સાદું અને સુખી જીવન જીવીને ઈસુની જેમ જ મૃત્યુને ભેટ્યા હતા.

આપણે જોઈ શકીએ કે, યહૂદા અને પિલાત ખુદ પોતાને માટે જીવ્યા અને ઘોર નિરાશામાં દારુણ મૃત્યુ પામ્યા. પણ પીતરે ઘોર પાપની વિકટ પરિસ્થિતિમાં નિરાશ થયા વિના ઈસુ તરફ વળ્યા. એમની માફી પર ભરોસો રાખ્યો અને ઈસુની જેમ સુખદમૃત્યુ પામ્યા. ગુડ ફ્રાઈડેના સંદર્ભમાં ઈસુના અનુયાયીઓ પોતાના વિતેલા જીવન તરફ નજર કરે છે અને જ્યાં જરૂર લાગે ત્યાં પશ્ચાતાપથી સુધારા કરવાના દઢ નિર્ણય સાથે ઈસુએ ચીંધેલા પ્રેમ, માફી, સેવા અને કરુણા ને શ્રેષ્ઠ જીવન ગાળવા તરફ વળે છે.

#

Changed On: 01-04-2019

Next Change: 16-04-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019