અંત:કરણના અવાજને અનુસરવાનો મારો ઠરાવ

          દરેક નવા વર્ષે આપણે જાણે ચાર રસ્તા પર ઊભા હોઈએ છીએ. એક, આળસ ને અકર્મનો રસ્તો છે. બે, અવિવેકનો અને નીતિવિહીન નેતાને અનુસરવાનો રસ્તો છે. ત્રણ, અસત્ય અને અન્યાયનો રસ્તો છે. ચાર, સત્ય અને નીતિન્યાયનો રસ્તો છે. આપણે કયો રસ્તો પસંદ કરીશું? એ એક પ્રાણપ્રશ્ન છે.

મને લાગે છે કે, હું મારા માટે પસંદ કરું છું એ રસ્તે મક્કમતાથી મંડ્યા રહેવા માટે નવા વર્ષનો એક ઠરાવ મને મદદરૂપ નીવડશે. તો વળી બીજો પ્રશ્ન છે કે, આ નૂતન વર્ષનો કયો ઠરાવ મને યોગ્ય પ્રેરણા ને પ્રોત્સાહન આપશે? નૂતન વર્ષનો મારો ઠરાવ મારા અંત:કરણના અવાજને અનુસરવાનો છે. મને ખાતરી છે કે, આ નવા વર્ષે જીવનના ચાર રસ્તે ઊભેલા મને પસંદ કરવા માટે ફક્ત એક જ રસ્તો વધુ યોગ્ય છે. મારો અંતરાત્મા મને પ્રેરે છે કે, મારા માટે યોગ્ય રસ્તો સત્ય અને નીતિન્યાય્ને અનુસરવાનો ચોથો રસ્તો છે. ભલે, બીજા રસ્તાઓ આકર્ષક લાગે તોપણ આખરે એ ત્રણેય રસ્તાઓ વિનાશના રસ્તાઓ છે. દુ:ખ અને અશાંતિના રસ્તાઓ છે.

અંત:કરણના અવાજને અનુસરવાના મારા ઠરાવ પાછળ મારી અનુભવ કથાઓ છે. ઓક્ટોબર ૨૦૧૬માં હું ન્યૂઝિલેન્ડના પ્રવાસે જઈ આવ્યો. ન્યૂઝિલેન્ડમાં રહેતા મારા ભત્રીજા ષાજુ વર્ષોથી મને એમની મુલાકાતનું આમંત્રણ આપતા હતા. પરંતુ આ વખતે મને ફિલિપાઇન્સના તગતાય ખાતે આંતરરાષ્ટ્રિય અખબાર પરિષદના વિશ્વસંમેલનમાં Resource Person તરીકે જવાનું આમંત્રણ મળ્યું હતું. આ વાત જાણીને ષાજુએ તરત જ મારે માટે ફિલિપાઇન્સ થઈને ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડ પહોંચવા ને અમદાવાદ પરત આવવાની ટિકિટ મોકલી આપી. મેં ષાજુના કુટુંબ સાથે ઓક્ટોબર ૧૬મીથી ૧૧ દિવસ ન્યૂઝિલેન્ડમાં ગાળ્યા.

ન્યૂઝિલેન્ડના મારા પ્રવાસ દરમિયાન ત્યાંના લોકોની બે બાબત મને ઊંડાણથી સ્પર્શી ગઈ અને માર નવા વર્ષના ઠરાવ માટે મને પ્રેરણા મળી. ઓકલેન્ડ ખાતે સરકારના તબીબી સેવા ડિપાર્ટમેન્ટમાં ષાજુ સામાજિકસેવા (Social Service)ના વિભાગમાં સર્વિસ કરે છે. એની પત્ની મીની પણ કેંદ્રિય સરકારી દવાખાનામાં નર્સ તરીકે નોકરી કરે છે. બંનેની વાતો તથા તેમના અનુભવોમાંથી મને ન્યૂઝિલેન્ડના લોકો વિશે બે બાબતો ખાસ જાણવા મળી. એક, માનવજીવનની કદર અને બે, લોકોની વિશ્વસનીયતા.

એક, માનવજીવનની કદર તથા જીવનને સાચવવા માટેની દરકાર અને સેવાચાકરી. થોડાં વર્ષ પહેલાં ન્યૂઝિલેન્ડમાં કોલસા ખોદવાની ખનીજની ખાણમાં અકસ્માતથી કેટલાક લોકો મરી ગયા ત્યારે આખા ન્યૂઝિલેન્ડના લોકો ખૂબ વ્યથિત થયા હતા. અકસ્માત પછીના દિવસો અને અઠવાડિયાંઓ અને મહિનાઓ પછી પણ લોકોના મુખે તેમ જ જાહેરસંચાર માધ્યમોમાં ખનીજ ખાણમાં મરી ગયેલા લોકોની જ વાત હતી. ખનીજ ખાણમાં મરણ પામેલા માણસોનાં સગાંસંબંધીઓ જ નહીં પણ સમગ્ર ન્યૂઝિલેન્ડના લોકો અત્યંત શોક પામ્યા. ષાજુના પત્રો અને ફોન-સંવાદથી મને ત્યાં માનવજીવ પ્રત્યેનું લોકોનું વલણ તથા માનવજીવનની દરકાર ને માનવજીવનને સાચવવા માટેની લોકોની સેવાચાકરી વિશે જાણવા મળ્યું.

આ વખતે ષાજુએ મને એમના એક અનુભવની વાત કહી. ષાજુની નોકરીના એક ભાગરૂપે એમના કાર્યાલયની વૅન ગાડીમાં ષાજુ માનસિક રોગમાંથી હૉસ્પિટલની સારવારથી સાજા થઈને ઘેર ગયેલા લોકોને એમના ઘરે મળવા જાય છે. દરદી નિયમિત દવા લે, શારિરીક કસરત કરે એવી બાબતોનું ધ્યાન તેઓ રાખે છે. વળી, તેમાંની આઠ-દસ વ્યક્તિઓને કાર્યાલયની વૅન ગાડીમાં લઈને રમતગમત અને અન્ય મનોરંજનના કાર્યક્રમો કરાવે છે.

એક દિવસે ષાજુ વૅન ગાડીમાં એક દરદીને ત્યાં જતો હતો. ત્યાં રસ્તાની બાજુમાં આવેલા બંગલામાંથી એક ગાડી ચાલકે સ્પીડમાં આવીને ષાજુની વૅનને જોરથી અથડાવી. ષાજુની વૅન પલટી ખાઈ ગઈ. બંને ગાડીને ખૂબ નુકસાન થયું. સદભાગ્યે ષાજુ ને પેલા ગાડીચાલક આબાદ બચી ગયા. ષાજુએ તરત જ પોતાના કાર્યાલયમાં ફોન કરીને અકસ્માતની જાણ કરી.

તબીબી તપાસ પછી ષાજુના ઉપરીએ ઘરે જઈને બે-ત્રણ દિવસ આરામ કરવાનું કહ્યું. પણ ષાજુએ કહ્યું કે, મને માનસિક કે શારિરીક રીતે કોઈ નુકસાન થયું નથી. એટલે હું મારી નોકરીએ ચાલુ રહી શકું છું. તેઓ ઑફિસની બીજી ગાડી લઈને જેને મળવા જતા હતા ત્યાં ગયા. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, પેલો ડ્રાઈવર ડ્રગની અસર નીચે હતો ને એને અવિચારીપણે ગાડી ચલાવવા માટે અગાઉ બે વાર જેલની સજા થયેલી છે. આ સમગ્ર પ્રસંગમાં ષાજુએ કહ્યું કે, પોતે પરદેશની એક વ્યક્તિ ત્યાં નોકરી કરે છે, એવી કોઈ ગણતરી કે કોઈ ભેદભાવ વિના તેમના ઉપરી અને બીજા બધા લોકો પણ માણસના જીવનની કદરની સાથે એકબીજા સાથે સાથસહકારથી વર્તે છે.

કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ન્યૂઝિલૅન્ડના લોકોના જીવનની કદર સાથે મને પ્રભાવિત કરનાર બીજી બાબત ત્યાંના લોકોની વિશ્વસનીયતા છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકો સત્યનિષ્ઠ છે, સત્યભાષી છે. એક દાખલો આપું. હું ઑકલૅન્ડમાં હતો ત્યારે ષાજુના દીકરા જોબિનના જીવનમાં એક ઘટના બની હતી. ટ્રાફિક સિગ્નલ ‌– લાલબત્તી – સામે ઊભી રાખેલી તેની ગાડીને પાછળથી આવીને એક ગાડીચાલકે જોરથી અથડાવી. બંને ચાડીચાલકો બચી ગયા, બંને વાહનોને થોડું નુકસાન થયું.

ષાજુએ યુનિવર્સિટીમાં ભણતા દીકરાને કહ્યું, “ગાડીનો વીમો છે. વીમાવાળાને ફોન પર વાત કરજે.” બીજા દિવસે કૉલેજ જતી વખતે ષાજુએ જોબિનને કહ્યું કે, વીમાવાળાએ જણાવ્યા મુજબ કૉલેજ જતી વખતે ગાડી ગૅરેજમાં આપી જજો. સાંજે યુનિવર્સિટીના મુખ્ય દરવાજેથી હું તને પીક-અપ કરીશ.

ત્રીજા દિવસે ષાજુ પર વીમાવાળાનો ફોન આવ્યો. ગાડી રિપેર કરવા જેવી નથી. ગાડીના વીમાનાં પૂરાં નાણાં એના બીજા દિવસે સીધેસીધાં તમારા બેંકખાતામાં જમા થશે.

ષાજુએ મને કહ્યું, “અંકલ, કોઈપણ બાબતોમાં અહીંના લોકો કોઈ છેતરપિંડી કે કોઈ જુઠાણું ના ચલાવે. આપણે લોકોમાં અને લોકો આપણી બોલીમાં પરસ્પર વિશ્વાસ રાખે છે. અહીં ઇન્ડિયાની જેમ કોઈ વાટાઘાટો કે વાદવિવાદની જરૂર પડતી નથી.”

કોઈ શેહશરમ વગર જૂઠું બોલતા અને નિ:સંકોચ લાંચરુશ્વત આપતા ને લેતા આપણા લોકો વચ્ચે અંત:કરણના અવાજને અનુસરવાનો આ ઠરાવ મારા માટે ને બધાને માટે પડકારરૂપ છે. પણ આવા પડકારોનો સામનો કરવા માટે અને લાંબાગાળે આપણા જીવનને વધુ પ્રેમાળ, શાંતિમય અને આનંદકારી બનાવવા માટે આપણે આવો અઘરો ઠરાવ પણ કરીએ અને એને વળગી રહેવા મક્કમ નિર્ણય કરીએ. આખરે આપણને જીવનમાં શાંતિ ને એકબીજા પ્રત્યે આદરમાન જોઈએ તો આપણા અંત:કરણને અનુસર્યા વિના છૂટકો નથી.

મને ખાતરી છે કે, નવા વર્ષે અંત:કરણના અનુસરવાના આપણા ઠરાવથી, એક પૌરાણિક ગીતકારે ગાયું છે તેમ,

“થશે પ્રેમનો ભેટો સત્યની સાથે,

ન્યાય ને શાંતિ એકમેકમાં ભળી જશે સંગાથે.”

#

Changed On: 16-05-2019

Next Change: 01-06-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019