સુકાની બનો, કઠપૂતળી નહિ

મધર ટેરેસાને સપ્ટેમ્બર ૪, ૨૦૧૬ના રોજ રોમમાં વૅટિકન ખાતે સંત તરીકે જાહેર કરવામાં આવ્યાં. દુનિયાભરનાં છાપાં-સામાયિકો તથા અન્ય માધ્યમોમાં આ સમાચારને ચમકાવવામાં આવ્યાં. એ પ્રસંગે ઇન્ડિયાથી ભાજપ સરકારનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની આગેવાની હેઠળ ૧૨ સભ્યોના એક પ્રતિનિધિ મંડળે વૅટિકન ખાતે એ જાહેર ધર્મવિધિમાં ભાગ લીધો અને ઇન્ડિયાનાં બધાં પ્રસાર-પ્રચાર માધ્યમોએ પ્રસ્તુત સમાચાર ચમકાવ્યા.

એના પછી આના જેવા કે મારી ર્દષ્ટિએ આનાથી પણ વધારે મહત્વના એક સમાચાર ભાજપની સરકારની પ્રેસ યાદીમાં આવ્યા. તે સમાચાર કેટલાંક છાપાં-સામયિકોમાં એક ગૌણ સમાચાર તરીકે અંદરના પાનામાં છાપવામાં આવ્યા. સમાચાર છે કે, મધર ટેરેસાએ સ્થાપેલા મિશનરીઝ ઍાફ ચેરિટી મંડળનાં સાધ્વીબહેનો દ્વારા ચલાવાતા ૧૬ અનાથાશ્રમોમાંથી ૧૩ અનાથાશ્રમોની પરવાનગી ભાજપની કેન્દ્ર સરકારે રદ કરી છે.

આ સમાચારનું મહત્વ સમજવા માટે બીજી ત્રણ બાબતોની ખાસ જરૂર છે. સૌ પ્રથમ તમારે માનવપ્રેમી હોવાની જરૂર છે. બીજું, તમારે સામાજિક અસમાનતા અને માણસમાત્રની હૃદયશૂન્યતાથી તમારા વ્યથિત હૃદયમાં કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવવાની જરૂર છે. અને ત્રણ, જરૂરિયાતમંદોને મદદ કરવાના ઉત્સાહ સાથે તમારા હૃદયમાં કરુણા હોવાની જરૂર છે.

મધર ટેરેસામાં તેમ જ એમનાં સાધ્વીમંડળ મિશનરીઝ ઍાફ ચેરિટીનાં સાધ્વીબહેન સિસ્ટરોમાં આ ત્રણેય ગુણો વિપુલ પ્રમાણમાં જોવા મળશે. એટલે જ તેઓ અદનામાં અદના માનવીઓની નિ:સ્વાર્થપણે સેવાચાકરી કરી શકે છે. એમની સેવાસંસ્થાઓની મુલાકાત લેનાર અને એમને એક યા બીજી રીતે મદદ કરનાર લોકો મારી આ વાત સાથે સો ટકા સહમત થશે.

મધર ટેરેસા આ ત્રણ ગુણોથી – માનવ પ્રેમ, ગરીબગુરબાં માટે કંઈક કરી છૂટવાની તમન્ના અને કરુણાથી – સભર હતાં. એટલે જ તેમણે લોરેટો કૉન્વેન્ટની સુરક્ષા અને સેન્ટ મેરીસ સ્કૂલનાં પ્રિન્સિપાલ તરીકેની મોભાદાર નોકરી છોડીને ફક્ત ઈશ્વરના ભરોસે કોલકાતાની મોટી ઝીલ ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબગુરબાં માટે સેવાની ૧૯૪૮થી શરૂઆત કરી હતી. પછી તેમણે કદી પાછું વળીને જોયું નથી. ત્યાર પછીનાં ૪૮ વર્ષ દરમિયાન એટલે સપ્ટેમ્બર ૫, ૧૯૯૭ સુધીમાં દુનિયાભરમાં ૧૩૫થી વધારે દેશોમાં એમનાં ૫૦૦૦થી વધારે સાધ્વીબહેનો ૬૦૦થી વધુ સેવાસંસ્થાઓમાં પ્રેમ ને કરુણાથી સેવાચાકરી કરે છે. મિશનરી સિસ્ટર્સ ઍાફ ચેરિટીની સેવાસંસ્થાઓમાં રક્તપિત્ત કે કુષ્ઠરોગનાં ચિકિત્સાલયો છે, શિશુભવનો છે, વૃદ્ધાશ્રમો છે અને અનાથાશ્રમો પણ છે.

દુનિયાભરની વિપુલ સંસ્થાઓમાંથી ભારતના ૧૩ અનાથાશ્રમોની પરવાનગી રદ કરવામાં કે એના સમાચારમાં હૃદયશૂન્ય લોકોને મન કંઈ મહત્વ ન હોય. પરંતુ મારા મનમાં અને ઘણા બધા દયાળુ હૃદયના લોકોના મનમાં એ અનાથાશ્રમોનું ખૂબ મહત્વ છે. કારણ, હું એ અનાથાશ્રમોનાં અંતેવાસી ભાઈબહેનોનો વિચાર કરું છું. તેઓ અનાથ છે. કુટુંબકબીલાઓથી તરછોડાયેલાં છે, માંદાં છે, દુઃખી છે. હૃદયથી ભાંગેલાં છે. નિરાશ્રિતો છે. મધર ટેરેસાના અનાથાશ્રમમાં એમને સાધ્વીબહેનોની નિ:સ્વાર્થ ને પ્રેમાળ સેવાશુશ્રૂષા મળે છે. એટલે આ અનાથ લોકો ત્યાં સાંત્વન અને દિલાસો અનુભવે છે. પોતપોતાની ક્ષમતા મુજબ એકબીજાની સેવા કરતાં કરતાં ખુશીમજાથી તેઓ અનાથાશ્રમોમાં રહે છે.

હવે આ ૧૩ અનાથાશ્રમોની પરવાનગી રદ કરીને ભાજપ સરકારે હજારો અંતેવાસીઓને જાહેર રસ્તાને આધારે મૂકી દીધા છે! પંચતારક સગવડ ભોગવતા રાજકારણીઓને એમાં કશુંય ખોવાનું નથી. કારણ, અનાથાશ્રમથી નિરાશ્રિત બનેલા અંતેવાસીઓને મધર ટેરેસાનાં સાધ્વીબહેનોની જેમ ખુદ પોતાનાં ભાઈબહેનો તરીકે ઓળખવાની કોઈ ક્ષમતા આ ર્દષ્ટિશૂન્ય રાજકારણીઓના હૃદયમાં નથી.

અત્યંત ગરીબાઈમાં મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહીને ભૂખતરસથી મરતાં ભારતમાતાનાં છેવાડાનાં સંતાનોની સંખ્યામાં થોડો ઉમેરો થવાથી આ હૃદયહીન રાજકારણીઓની થાળીમાં કશુંય ખૂટવાનું નથી. ઊલટું, “ધિક્કાર”ને પાત્ર મિશનરીઓને રોક્યાનો આનંદ માણશે અને એમનાં સેવાકાર્યથી પ્રભાવિત થવામાંથી લોકોને દૂર રાખ્યાની ખુશીમાં મિષ્ટાન ભોગવી શકશે.

બીજી બાજુ, “ગરીબોની માતા”, “દયાની દેવી”, “ઝૂંપડપટ્ટીનાં સંત”, “કરુણામૂર્તિ”, “ગટરની દેવી”, “અનાથોની માતા” જેવાં નામોથી જાણીતાં થયેલાં મધર ટેરેસાને સંત તરીકે જાહેર કરવાની બધી કાર્યવાહીઓ પૂર્ણ થયા પછી એક પ્રશ્ન હતો: એમને સંત તરીકે જાહેર કરવાની વિધિ શાશ્વતનગરી રોમમાં થશે કે મધર ટેરેસાની પ્રિય નગરી કોલકાતામાં.

કોલકાતામાં એ વિધિ સંપન્ન કરવા માટે ખ્રિસ્તીઓના આધ્યાત્મિક ગુરુ અને નાનકડા વૅટિકન રાજ્યના વડા પોપ ફ્રાન્સિસને ભારતની મોદી સરકારે આમંત્રણ આપવાની જરૂર હતી. દેશવિદેશમાં ભારતની પૌરાણિક સંસ્કૃતિ અને આપણી પ્રજાની સહિષ્ણુતાની ઘોષણા કરતા વડા પ્રધાન મોદી માટે આ એક મોટો પ્રશ્ન હતો. પોતે વિશ્વના મોટામાં મોટા લોકતંત્રમાં ભારતીય જનતાની બહુમતીથી ચૂંટાયેલા કાર્યક્ષમ વડા પ્રધાન છે; અને વિરોધીઓ કહે છે એવા ભાજપ સરકારના તેઓ કોઈ ‘કઠપૂતળી વડા પ્રધાન’ નથી; એ વાત દુનિયા આગળ પુરવાર કરવાની નરેન્દ્ર મોદી માટે આ એક સોનેરી તક પણ હતી.

વળી, કોલકાતા ખાતે મધર ટેરેસાને સંત તરીકે જાહેર કરવાની વિધિ સંપન્ન કરવા માટે પોપ ફ્રાન્સિસને આમંત્રણ આપીને વડા પ્રધાન મોદી ઘણુંબધું સિદ્ધ કરી શક્યા હોત. સૌ પ્રથમ તો ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓની ધાર્મિક સતામણીની જોરશોરથી વાત કરતા વિદેશી અહેવાલો સામે “તેઓ કેવળ ભારતની પરિસ્થિતિને સમજતા નથી” એવી ભારતીય સરકારની વાતને ટેકો મળત. બીજું, સરકારમાં ને બહાર વિરોધ હોવા છતાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની વડા પ્રધાન મોદીની ક્ષમતા અને કાર્યકુશળતા પુરવાર થાત. આ પરિસ્થિતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક ખરો પડકાર હતો.

સંઘ પરિવારનો વિરોધ હોવા છતાં એક ખરા રાજનીતિજ્ઞ તરીકે તે વખતના વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ નવેમ્બર ૧૯૯૯માં પોપ (સંત) જોન પૉલ બીજાને આમંત્રણ આપ્યું હતું અને પોપ જોન પૉલ બીજાએ નવી દિલ્હી ખાતે ૦૬/૧૧/૧૯૯૯માં “એશિયાની ધર્મસભા” અંગે પ્રોત્સાહક ઘોષણા કરી હતી.

છાપાં-સામયિકોમાં આવતા અહેવાલો મુજબ ભારતના ખ્રિસ્તી ધર્મસભાના ઉચ્ચ પ્રતિનિધિઓએ વડા પ્રધાન મોદીને ખાસ મળીને પોપ ફ્રાન્સિસને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપવા અનુરોધ કર્યો હતો. પરંતુ વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને ભારત આવવા માટે આમંત્રણ આપી શક્યા નથી. કદાચ સંઘ પરિવારનો વિરોધ હશે.

હવે હું આશા રાખું છું કે, આ વર્ષે નરેન્દ્ર મોદી પોપ ફ્રાન્સિસને ભારતમાં આવવાનું આમંત્રણ આપશે. અને “સબ કે સાથ ઔર સબ કે લિયે”ની મોદીની વાત સાકાર કરશે. એટલે દુનિયાની નજરે અને ભારતની પ્રજાની નજરે પણ સારું દેખાડવા માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આગેવાની હેઠળ ભારતીય પ્રતિનિધિ મંડળ રોમ ખાતે મધર ટેરેસાને સંત જાહેર કરવાની વિધિમાં ભાગ લઈને આવ્યા. મધર ટેરેસાએ સ્થાપેલા મિશનરીઝ ઍાફ ચેરિટી મંડળનાં સાધ્વીબહેનો દ્વારા ચલાવાતા ૧૬ અનાથાશ્રમોમાંથી ૧૩ અનાથાશ્રમોની પરવાનગી રદ કરીને સંઘ પરિવાર અને મોદી સરકારે ગરીબ વિરોધી પગલાં લીધાં છે, એ નવાઈની વાત છે.

છેલ્લે, આપણા રાજકારણીઓએ જાણવું જોઈએ કે, એક જોરદાર મુક્તકમાં કવિ યાકૂબ પરમારે એમના કાવ્યસંગ્રહ “હવાનાં રૂપ””માં ભારતની હાલની ખરી પરિસ્થિતિ વિશે વર્ણન કર્યું છે:

“કોઈ પાયા લોકશાહીના હલાવે છે,
કોઈ ગુંબજ પર હથોડાઓ ચલાવે છે,
લોકશાહી બૂમ પણ પાડી નથી શક્તિ,
કોઈ એનું આંગણું ભડકે જલાવે છે.”

#
Last Changed: 16-02-2017
Next Change: 01-03-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017