‘ફાધર વર્ગીસના લખાણમાંથી યુવાન વાચકો પ્રેરણા મેળવી શકે છે. અને વડીલો પણ નવી પેઢીના પ્રશ્નોમાં માર્ગદર્શન પામી શકે છે.

ફાધર વાલેસ (‘પ્રેમને રસ્તે’ માં)

‘ફાધર વર્ગીસ પોલ મલયાલી હોવા છતાં એક સમર્થ ગુજરાતી બન્યા છે… ફાધર વાલેસ હવે ગુજરાતમાં ઓછું રહે છે ત્યારે એમની પરંપરા ફાધર વર્ગીસ ટકાવી રહ્યા છે, આગળ વધારી રહ્યા છે.’

રઘુવીર ચૌધરી (‘સુખની કેડીએ’ માં)

‘ફાધર વર્ગીસ હંમેશાં સારગ્રાહી અને સત્યાગ્રહી રહ્યા છે ને એમની સત્વશીલ ખોજમાં એમને જે કાંઈ સાંપડયુ તે જરાય કૃપણ બન્યા વિના તેમણે લોકહિતાર્થે સમર્પી દીધું છું’

જોસેફ મેકવાન (‘હૃદયની વાત’ માં)

‘સર્જક પાસે એક જ અનુભવ ના હોવો જોઈએ. અનુભવોનું વૈવિધ્ય પણ હોવું જોઈએ. સામસામા વિરોધી અનુભવો પણ હોવા જોઈએ. અને એ અનુભવોને ઝીલવાની તાકત પણ હોવી જોઈએ… ફાધર વર્ગીસ પાસે વિવિધ અનુભવોનો ખજાનો છે. એટલે જ તેમનો શબ્દ સજીવ બનીને કાગળ પર અવતરે છે.’

ભૂપત વડોદરિયા (‘પ્રેમની સંસ્કૃતિ’ માં)

‘નિર્મળ પ્રેમ, સત્યનું સન્માન, ઉદારતા જેવાં મૂલ્યો ફાધર વર્ગીસ પોલની કૃતિઓમાં અવારનવાર જોવા મળે છે.’

ઈન્દુકુમાર જાની (‘સંબંધનો તહેવાર’ માં)

‘જેમની માતૃભાષા મલયાલમ હોય તેવી વ્યક્તિ માતૃભાષામાં લખી ન શકે પણ ગુજરાતીમાં સરળતાથી’ સહજતાથી લખે તે પણ એક આશ્ચર્ય જ ગણાય. ફાધર વર્ગીસ પોલ આવું આશ્ચર્ય સર્જનારી વ્યક્તિ છે.’

રવીન્દ્રનાથ ઠાકોર (‘સમભાવ’ માં)

‘…હવે ફાધર વર્ગીસ પોલની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે.’

પ્રકાશ ચૌહાણ ‘જલાલ’ (‘ઉર્દેશ’ માં)

‘આ લેખો ફાધર વર્ગીસની અપાર કરુણ્યમૂલક દ્રષ્ટિ જોવા મળે છે. હારેલ-થાકેલા, દબાયેલો, કચડાયેલો સ્નેહભાવ માટે મથતો માનવ ફરી ફરી બેઠો થાય ને આગળ વધે એવી પ્રેરણાદાયી આ નિબંધ સૃષ્ટિ છે.

પ્રો..સિલાસ પટેલિયા (‘પરબ’ માં)

‘ફાધર વર્ગીસ પોલના લખાણમાં ઐતિહાસિક પ્રસંગો છે. મહાપુરુષોના દાખલા-દલીલો છે. વિશ્વસાહિત્યના પ્રેરણાદાયક અવતરણો છે. માનવસ્વભાવની લાક્ષણિકતાઓ વાચા પામી છે. સર્જનલીલાનું વર્ણન છે. ભગવાનની સ્તુતિ માટે ધ્યાનમનન છે.’

ડો. ચંપકભાઈ ર. મોદી (‘ગુજરાત ટાઈમ્સ’ માં)

‘સુખની કેડીએ’, ‘દિવ્યતાનો અનુભવ’, ‘પ્રેમની સંસ્કૃતિ’, સિદ્ધિનાં પગલાં’, પ્રેમનું ઓજસ’, ‘સંબંધનો તહેવાર’ જેવા સંગ્રહોમાં ચિંતન, મનન અને ઊર્ધ્વગામી જીવન સિદ્ધ કરવાની નેમ સાથે લખતા ફાધર વર્ગીસ પોલ ભારતીય સંસ્કૃતિ સાથે પ્રગતિશીલ વિચારોને ગૂંથતા જઈ આ નિબંધો આપે છે.

ડો. નરેશ શુકલ (‘પરબ’, માર્ચ ૨૦૦૪)

‘ફાધર વર્ગીસ પોલ સંસ્કૃત-ગુજરાતીની સ્નાતક, પૂણે પહોચી તત્વજ્ઞાન અને રોમ જઈ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી કટાર લેખક લેખે હજુ ખ્યાતિ પામી જ રહ્યા છે ત્યારે કહીએ કે સ્નેહની સશબ્દ ભાષા લેખન પ્રકાશનમાં ખરી, પણ એથી ઊંડેરી ભાષા ઈસુની નિઃશબ્દતામાં ઝળહળી રહી છે!’

રાધેશ્યામ શર્મા, (સમભાવ જૂન - ૨૦૦૨)