જ્યારે મારા મિત્ર સાયમનના અણધાર્યા મૃત્યુના સમાચાર મને ૨૦૧૮ની જૂનની પહેલી તારીખે મળ્યા ત્યારે હું કેરળમાં મારે ઘરે રજા માણતો હતો. મેં તરત જ સાયમનના દીકરો જોસેફને ફોન કરીને સમાચારની ખાતરી કરી અને જોસેફ તથા સાયમનનાં બીજાં સંતાનોને દિલાસાના શબ્દો કહ્યા. તે વખતે વર્ષો પહેલાં મેં સાયમન વિશે લખેલો એક પ્રશસ્તિ-લેખની યાદ આવી. એ લેખનો પ્રેરણારૂપ પ્રસંગ અહીં પ્રસ્તુત છે.
થોડાં વર્ષો પહેલાં મારા મિત્ર ફાધર પાડી માએ મને પોતાના વતન ઓસ્ટ્રેલિયા ગયાની વાત કરી. તેઓ પોતાના કુટુંજનો સાથે રજા માણવા પોતાના ઘરે ગયા હતા. એમની રજા દરમિયાન એક સાંજે ફાધર પાડીએ પોતાના પિતાજીને કરેલી વાત મને ખાસ સ્પર્શી ગઈ.
ફાધર પાડીએ પોતાના વિધુર પિતાજીને કહ્યું, “પિતાજી, થોડાં વર્ષ પછી આપ અમારી સાથે ના હો. તમારાં બાળકો, તમારાં પૌત્ર-પૌત્રીઓ તથા આપણાં બધાં સગાંસંબંધીઓ અને મિત્રો આપની કફનપેટી પાસે ભેગાં થશે. એમાં ઘણાં આપના વિશે ઘણી સારી વાતો કરશે. તેઓ તમારાં કુટુંબ-પ્રેમ વિશે, કુટુંબીજનો અને સગાંસંબંધીઓ માટે આપની સેવા વિશે, આપની સફળતાઓ અને સિધ્ધિઓ વિશે વાત કરશે…”
“એ બધું ખરું, પાડી, આ તો સામાન્ય રિવાજ છે. પણ પાડી, આવી બધી વાતો તું અત્યારે મને કેમ કરે છે?” ફાધર પાડીના પિતાજીએ એમને પૂછ્યું.
“પિતાજી, જ્યારે લોકો આ બધું કહેશે ત્યારે આપ કફનપેટીમાં પોઢેલા હશો. આપ કશું જ સાંભળી ન શકો! એટલે આજે અત્યારે હું એવી કેટલીક વાતો આપને સંભળાવવા ઇચ્છું છું,” પાડીએ કહ્યું.
પછી ફાધર પાડીએ પોતાના પિતાજી વિશે ઘણીબધી સારી બાબતો કહી સંભળાવી. એમના પિતાજીએ ખુદ પાડી માટે તેમ જ તેમનાં બધાં સંતાનો માટે શું શું કર્યું, એ કહ્યું. પછી ફાધર પાડીએ પોતાના પિતાજીને એક પતિ અને કુટુંબના વડીલ તરીકે શું શું કર્યું, એ વર્ણવ્યું. ત્યાર બાદ ફાધર પાડીએ પોતાના પિતાજીએ આડોશપડોશીઓ માટે, સગાંસંબંધીઓ માટે, સમાજ અને ધર્મસભા માટે શું શું કર્યું, તે બધું વર્ણવ્યું. વધુમાં તેમણે કેવી રીતે બીજાને માટે જીવીને પોતાની જાતને ન્યોછાવર કરી, એ બધું કહી સંભળાવ્યું. વળી પિતાજીએ પોતાના જીવનમાં શું શું સિધ્ધ કર્યું એ બધું પણ તેમણે વર્ણવ્યું. છેલ્લે એક પિતા, તેમ જ એક ધાર્મિક અને સામાજિક આગેવાન તરીકે પોતાના પિતાજીનાં ગુણો અને સિધ્ધિઓ ફાધર પાડીએ ગણગણ્યાં.
ફાધર પાડીએ જોયું કે, આવી બધી વાતો દરમિયાન પોતાના પિતાજીની અને ખુદ પોતાની આંખોમાં આનંદના આંસુ હતા.
ફાધર પાડી માની આ અંગત અનુભવની વાત મને ઊંડાણથી સ્પર્શી ગઈ. મને લાગ્યું કે, ફાધર પાડીએ મારા માટે એક સુંદર દાખલો બેસાડ્યો છે. મેં મારા જીવન અને મારાં સેવાકાર્યો વિશે સંકળાયેલા લોકોનો વિચાર કર્યો. તે વખતે મારા મિત્ર સાયમન એફ. પરમાર પોતાની નોકરી સાથે અને સેંટ ઝેવિયર્સ લોયોલાથી નિવૃત થયા પછી પણ ‘દૂત’ના સંપાદન કામમાં મને ઘણી નિષ્ઠાથી મદદ કરતા હતા. એનો મેં વિચાર કર્યો.
અમે એકબીજાના સારા મિત્ર રહ્યા છીએ. અમે એકબીજાને ખૂબ આદરમાન આપતા હતા. એકબીજાની કદર કરતા હતા. એકબીજાને ટેકો આપતા હતા. સાયમને એકથી વધારે વાર જાહેરમાં કહ્યું છે કે, લેખન અને પત્રકારત્વની બાબતમાં હું એમનો વિશ્વાસુ સલાહકાર અને માર્ગદર્શક ગુરુ (mentor) રહ્યો છું. અહીં હું યાદ કરું છું કે, સાયમને મારા પ્રથમ પુસ્તક “જીવન પટોળામાં ધર્મની ભાત – એક પરિચય”ના શીર્ષક હેઠળ ખૂબ પ્રોત્સાહક અને પ્રેરણાત્મક પ્રસ્તાવના લખી છે.
હું ‘દૂત’નો તંત્રી હતો ત્યારે સાયમન દસેક વર્ષ એટલે અંગ્રેજી શિક્ષક તરીકેની એમની નોકરીમાંથી નિવૃત થતા પહેલાં અને પછી પણ ‘દૂત’ના સહતંત્રી તરીકે સંપાદન કામમાં સ્વૈચ્છિક સેવા કરતા હતા. એટલે મારા પછી તંત્રી તરીકે મેં એમનું નામ મારા ઈસુસંઘ ઉપરી ફાધર જોસ ચન્ગાનાશેરીને આપ્યું હતું. એટલે તે વખતે આશરે ૯૦ વર્ષના ‘દૂત’ માસિકના ઇતિહાસમાં સૌ પ્રથમ એક ધર્મજન તરીકે ‘દૂત’નું તંત્રીપદ સાયમનને સોંપવામાં આવ્યું હતું. ‘દૂત’ના ઇતિહાસમાં ઘણા કાર્યક્ષમ ધર્મજનો તંત્રી રહેલા ધર્મગુરુને સંપાદનકાર્યમાં મદદ કરતા રહ્યા છે. પરંતુ તંત્રી તરીકે સાયમન ફ્રાન્સિસ પરમાર જ ‘દૂત’ના સૌ પ્રથમ ગૃહસ્થ હતા. ગૃહસ્થ તંત્રી તરીકે સાયમનની સેવા નોંધપાત્ર રહી છે. આવી બધી બાબતોને લઈને મેં મારા મિત્ર સાયમન વિશે એક રેખાચિત્ર કે પ્રશસ્તિ લેખ તૈયાર કર્યો હતો.
મને મારો એ નિબંધ ખૂબ સારો લાગ્યો. મેં મારો લેખ સાયમનને બતાવ્યો. એમને પણ એ ગમ્યો. પરંતુ મારા પછી તંત્રીસ્થાને આવેલા સાયમનભાઈએ મારો એ લેખ ‘દૂત’માં છાપવાની ના પાડી. “ફાધર, તમે આ લેખ મારાં મૃત્યુ પછી છાપી શકો. મારા તંત્રીપણા હેઠળ ‘દૂત’માં એને છાપવાનું મને યોગ્ય નથી લાગતું,” મારો લેખ પરત કરતાં સાયમને મને કહ્યું.
વર્ષોથી અમે બંને ‘દૂત’માં ખભેખભા મિલાવીને કામ કરતા હતા ત્યારે સતત અમારા સાથસહકાર અને મિત્રતા વધતી રહી. હું આગ્રહ કરીને સાયમનને ઇન્ડિયન કેથલિક પ્રેસ એસોસિયેશન (ICPA)ના સભ્ય બનાવ્યા અને ‘દૂત’ના ખર્ચે હું એમને ICPAની વાર્ષિક સભા અને પત્રકારત્વના સેમિનાર તથા કાર્યશાળાઓમાં લઈ ગયો હતો.
વળી, સાયમનભાઈ અને ‘દૂત’ના સેક્રેટરી આગ્નેસ મેકવાનને હું આંતરરાષ્ટ્રિય કેથલિક અખબાર પરિષદ (UCIP)ના ૧૯૮૯માં જર્મનીના રુપોલ્ડિંગ ખાતે યોજાયેલા ખ્રિસ્તી પત્રકારોના વિશ્વસંમેલનમાં ભાગ લેવા માટે લઈ ગયો હતો. ત્યાર બાદ ૨૦૦૪ ઓક્ટોબરમાં થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાયેલા ‘યુસીપ’ના વિશ્વસંમેલનમાં ગુજરાતમાંથી સાયમન અને બીજા દસેક મિત્રોને લઈ ગયો હતો. પછી યુસીપે દક્ષિણ એશિયા કક્ષાએ યોજાયેલા એક આંતરરાષ્ટ્રિય સેમિનારમાં સાયમન પરમાર અને આણંદના આલ્ફોન્સ મેકવાન સાથે ગુજરાત ક્રિશ્ચિયન પ્રેસ કાઉન્સિલ (GCPC)ના કેટલાક સભ્ય-લેખકોને હું કોલ્મબો (શ્રીલંકા)માં લઈ ગયો હતો. અહીં સ્વ. આલ્ફોન્સ મેકવાનને ખાસ યાદ કરવાનું એક કારણ છે. એ સેમિનારમાં હું એક મુખ્ય વક્તા હતો. મેં અંગ્રેજીમાં ‘પાવર પોઈન્ટ’ની મદદથી રજૂ કરેલા મારા વક્તવ્યથી આલ્ફોન્સ એટલા બધા પ્રભાવિત થયા હતા કે, તેમણે મારા વક્તવ્યનો ગુજરાતીમાં અનુવાદ કરવા માટે મારી પરવાનગી માગી હતી.
સાયમનભાઈ અંગેના મારા લેખમાં આવી કેટલીક બાબતોન ઉલ્લેખ સાથે મેં સાયમનના કેટલાક ધાર્મિક અને માનનીય ગુણોની પણ ખાસ નોંધ લીધી હતી. સાયમનભાઈના વિશિષ્ટ ગુણોમાં ઊંડી શ્રદ્ધા, મહેનતુ સ્વભાવ, નિષ્ઠાભર્યું કામ, સ્વૈચ્છિક સેવાકાર્યો કરવાની તત્પરતા, નમ્રતા, ત્યાગભાવના જેવી બાબતો મેં નોંધી હતી. વળી, મારા માટે સાયમન એક કૅથલિક કુટુંબ નાયક હતા. એટલે કૌટુંબિક બાબતોમાં હું હમેશાં સાયમનની સલાહસૂચન લેતો હતો.
મારા પછી સાયમન ‘દૂત’ના તંત્રી બન્યા ત્યારે પ્રથમ વર્ષે એમણે બારેય અંકમાં મારો લેખ છાપ્યો હતો. તે અરસામાં મારા બીજાં કામો સાથે દર મહિને એકાદ લેખ લખવાનું હું ખાસ ધ્યાન આપતો હતો. મારા વાંચન અને ધ્યાનમનનથી મને મળતા અવનવા વિચારોને ‘દૂત’ના વાચકો સાથે આપલે કરવાનો મને ખાસ રસ હતો. વળી, મને લાગ્યું કે, ગુજરાતી ભાષા સાથેનું મારું પ્રભુત્વ ચાલુ રાખવા માટે મારે દર મહિને એકાદ લેખ લખતા રહેવાની જરૂર લાગી. પછી એક યા બીજા કારણથી સાયમન ‘દૂત’માં મારો લેખ નિયમિત છાપતા નહોતા. તે વખતે મારા મિત્ર નવીન મેકવાન મારી મદદે આવ્યા. તેમણે મને આણંદ ખાતે જશવંત રાવલ પાસે લઈ ગયા. જશવંતભાઈએ મને એમના દૈનિક ‘મધ્યાંતર’ની રવિવારની પૂર્તિમાં નિયમિત કટ્ટાર લખવા આમંત્રણ આપ્યું. એટલે સાયમન મને આડકતરી રીતે એક કટ્ટાર લેખક બનવામાં નિમિત્ત બન્યા અને એ માટે હું હમેશાં એમનો આભાર માનતો રહ્યો છું.
જ્યારે હું ‘દૂત’નો તંત્રી હતો ત્યારે અને પછી પણ સાયમન અને ‘દૂત’ના સેક્રટરી આગ્નેસબહેન મારા લેખોના પ્રથમ વિવેચકો હતા. મારાં લખાણ વિશે બંનેના મંતવ્યો પ્રત્યે હું ખાસ ધ્યાન આપતો. બંનેને કે બંનેમાંથી એકને પણ લખાણમાં કંઈક વાંધાજનક લાગે તો હું મારા લખાણનું પુન:લેખન કરતો કે પૂરેપુરું બદલી નાખતો. ગુજરાતી લોકોની સંસ્કૃતિ અને માનસિકતાને તેમ જ સ્થાનિક ધર્મસભાના રીતરિવાજોને પારખવામાં તેઓ મારા કરતાં વધારે સક્ષમ હતા. હું મૂળ ગુજરાતનો વતની નથી, એ વાતથી હું સભાન રહેતો.
સાયમનભાઈ અને એમના પત્ની કુસુમબહેનના કૌટુંબિક મિત્ર તરીકે હું વખતોવખત એમના ઘરે મુલાકાતે જતો હતો. એટલે કુસુમબહેને તૈયાર કરેલા સ્નેહભોજન ક્યારેક ક્યારેક મેં માણ્યું છે. સાયમનનો જન્મ ૧૯૩૩ સપ્ટેમ્બરની ૧૬મીએ મુંબઈ ખાતે બાન્દ્રામાં થયો હતો. ત્યાંની જાણીતી સેન્ટ સ્તાનિસલાઉસ સ્કૂલમાં ભણીને ત્યાં જ શિક્ષક બન્યા હતા. પણ કુસુમબહેન સાથેના એમના લગ્ન પછી તેઓ અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં અંગ્રેજી શિક્ષક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાં સમર્પિત સેવા કરતા રહ્યા. હું સૌ પ્રથમવાર સાયમનને મળ્યો ત્યારે તેઓ સેન્ટ ઝેવિયર્સ લોયોલા પાસે એક ‘ફાર્મ હાઉસ’માં ભાડે રહેતા હતા.
પછી તેમણે મેમનગરમાં પોતાનું ઘર લીધું. વર્ષો પછી જમીન દલાલો વધુ વિકાસ કરવા માટે એમનું મકાન લીધું ત્યારે સાયમનભાઈએ પોતાના નાના દીકરા જોસેફ જોડે જે.કે. ફ્લેટ્સના પહેલા માળામાં વધારે સગવડવાળા પાસપાસે બે ફ્લેટ્સ લીધા અને સાયમનભાઈ અને કુસુમબહેને તેમના દીકરા જોસેફ અને કુટુંબ સાથે સારા સંબંધના પુરાવારૂપે તેમના બે ફ્લેટો ફેરફાર સાથે જોડીને બે ફ્લેટમાંથી એક સુંદર ઘર બનાવ્યુ. સાયમનભાઈ અને કુસુમબહેન તેમના દીકરા જોસેફના કુટુંબ સાથે ખૂબ સંપસુમેળથી પોત પોતાની વૃદ્ધાવસ્થા અને નિવૃત્ત જીવન માણ્યાં છે.
‘દૂત’ના તંત્રી તરીકેની જવાબદારીમાંથી છૂટા થયા પછી પણ સાયમનભાઈ વખતોવખત પોતાના સ્કૂટર પર મને મળવા આવતા હતા. સ્કૂટર ચલાવવાનું બંધ કર્યા પછી પણ સાયમનભાઈ ઓટોરિક્ષામાં CISS કાર્યાલયમાં આવતા અને અમે એકબીજાનાં સુખદુ:ખ, લેખન કાર્યની, સ્થાનિક ધર્મસભાના પ્રવાહોની અને ખ્રિસ્તી પત્રકારો તથા સાહિત્યની વાતો કરતા હતા. હું મારા જન્મદિવસે સાયમનભાઈને ગુર્જરવાણીમાં બોલાવતો.
ઇન્ડિયન કૅથલિક પ્રેસે સભ્યોને ૨૦૧૮ની વાર્ષિક સભા અને સેમિનારની જાણ કરી ત્યારે સાયમનભાઈએ મને માર્ચ ૨૦૧૮માં થનાર મીટિંગ માટે મારી રેલટિકિટ સાથે એમની ટિકિટનું પણ રીઝર્વવેશન કરવા જણાવ્યું હતું. એટલે મેં મારી જવા-આવવાની ટિકિટ સાથે સાયમનની પણ ટિકિટની વ્યવસ્થા કરી. મુસાફરીના આગલા દિવસે મેં સાયમનભાઈને કહ્યું કે, તમે CISS કાર્યાલયમાં આવજો અને આપણે સાથે સ્ટેશને જઈશું. પણ સાયમનભાઈએ કહ્યું કે, એમની તબિયત નબળી છે, એટલે ડૉક્ટરે એમને મુસાફરીની મનાઈ કરી છે! ઇન્દોર ખાતે યોજાયેલી મિટિંગમાં ભાગ લઈને પરત આવ્યા પછી હું સાયમનને ઘરે પહોંચ્ચો. તેમની તબિયત પ્રમાણમાં સારી હતી. તેઓ મને પવિત્રભૂમિ ઇસ્રાયેલની યાત્રાએ જવાની વાત કરતા હતા.
પણ સાયમનના દીકરા જોસેફે મને કહ્યું કે, હવે પપ્પાની યાદશક્તિ સારી રહેતી નથી. એક વાર પપ્પા શહેરમાં કોઈ મિત્રની મુલાકાતે ગયા પછી રીક્ષાવાળાને પોતઆને ઘરનો રસ્તો કે સરનામું આપી શક્યા નહોતઆ! જોસેફ અને બીજાઓની શોધખોળના અંતે ત્રણેક કલાક પછી સાયમનભાઈને તેઓ ઘેર લાવી શક્યા હતા! “ફાધર, હવે અમે ચર્ચમાં જવા માટે પણ પપ્પા સાથે કોઈકને મોકલીએ છીએ, “જોસેફે મને કહ્યું.
પંચ્યાસી વર્ષ સુધી સાયમનની તબિયત સારી રહેતી હતી. તેઓ પોતાના કુટુંબ સાથે, સગાંસંબંધીઓ સાથે તેમ જ મિત્રો, વિદ્યાર્થીગણો વગેરે સાથે સારો સંબંધ રાખતા. તેમના કોઈ દુશ્મન નહોતા. બધા જ પ્રકારના લોકો સાથે તેઓ સાથસહકાર રાખતા હતા. સાયમન પૂરા ૧૧ વર્ષ ‘દૂત’ના તંત્રી હતાં જ્યારે ‘દૂત’નું કાર્યાલય અમદાવાદથી આણંદ ખસેડી નાખવામાં આવ્યું ત્યારે અમદાવાદમાં રહેતા સાયમનભાઈએ એનો કોઈ વિરોધ કર્યા વિના ‘દૂત’ના સંપાદનકામ અને પ્રેસના કામ માટે નિયમિત ૯૦ કિલોમીટર દૂર આણંદ જતા અને જરૂર પડે તો ત્યાંના ઈસુસંઘી ફાધર સાથે બપોરનું ભોજન લેતા હતા.
‘દૂત’માંથી નિકળી ગયા પછી પણ સાયમન લેખનકાર્યમાં ખાસ તો અનુવાદમાં મંડ્યા રહેતા. તેમનું છેલ્લું સર્જનાત્મક કામ “ધર્મસભાનો ઇતિહાસ” લખવાનું હતું. તેમણે બેત્રણ વાર ફોન કરીને મને ફરિયાદ કરી હતી કે તેમના લખાણનું ટાઇપસેટ કરતા સ્નેહલભાઈ તેમનો ફોન ઉપાડતા નથી. સ્નેહલભાઈ મારા કાર્યાલયમાંથી રાજીનામું આપીને બીજે જતા રહ્યા હતા અને મારી સાથે પણ ખાસ સંપર્ક રાખતા નહોતા. વળી હું મારા કાર્યાલયના કામ મારા ઉત્તરાધિકારીને સોંપવાની તૈયારીમાં ખૂબ વ્યસ્ત રહેતો હતો. એટલે હું પણ સાયમનભાઈને ખાસ મદદ કરી શકતો નથી.
મારું કામકાજ મારા અનુગામીને સોંપવાની અગત્યની તૈયારી પછી હું મારાં બાની પ્રથમ પુણ્યતિથિએ હાજર રહેવા માટે કેરળમાં મારે ઘેર ગયો હતો. ત્યાં જ મને એક મિત્રે ફોન કરીને સાયમનભાઈના મૃત્યુના સમાચાર આપ્યા. મેં તરત જ જોસેફને ફોન કરીને દુ:ખદ સમાચારની ખાતરી કરી અને જોસેફભાઈ અને એમનાં ભાઈ-બહેનોને દિલાસો આપ્યો.
મને અફસોસ છે કે, સાયમનભાઈના મૃત્યુની વખતે કે એમની પ્રાર્થના-શ્રદ્ધાંજલિ-સભામાં હું હાજર રહી ન શક્યો. પણ મને આનંદ છે કે, એમના ઘણા મિત્રોએ એમને ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પી છે. હું મારા ઘેર બેઠા ICPAના કેટલાક સભ્યોને સાયમનભાઈના મૃત્યુના સમાચાર આપ્યા. આ લેખ પણ મેં અંગ્રેજીમાં મારે ઘેર બેઠાબેઠા લખ્યો હતો. ICPAના ભૂતપૂર્વ પ્રમુખ ફાધર જોર્જ પ્લોતોટ્ટમ, SDBના શબ્દોથી આ લેખની પૂર્ણાહૂતિ કરું છું. “સાયમનભાઈના આત્માને પ્રભુ શાશ્વત શાંતિ આપે. તેઓ એક અનોખા માણસ હતા. ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા. અમે બધા ખ્રિસ્તી પત્રકારો માટે તેઓ પ્રેરણારૂપ હતા. ICPAમાં હવે એમની ગેરહાજરી અમને સાલશે. એમના કુટુંબનાં સૌ સભ્યોનું હું દિલથી દિલાસો પાઠવું છું.” (શબ્દો ૧૭૫૬) (લેખક સાથે સંપર્ક: vpaulsj@jesuits.net, Mo.0948826518)
#
Changed On: 01-02-2019
Next Change: 16-02-2019
Copyright.. Fr. Varghese Paul, SJ – 2019