આમ જનતાનું પુનરુત્થાન ક્યારે?

આમ જનતાનું પુનરુત્થાન ક્યારે?
રાજદ્રોહના કાયદા હેઠળ જેએનયુ (JNU) સ્ટુડન્ટસ યુનિયનના અધ્યક્ષ કનૈયાકુમાર, ઉમર ખાલિદ અને અનિરબાન ભટ્ટાચાર્યને યુનિવર્સિટીમાંથી ધરપકડ કરીને જેલમાં પૂર્યાની વાત આજે જગજાહેર છે. તેમની સામેનો આક્ષેપ છે કે તેઓએ ૨૦૧૬ ફેબ્રુઆરી ૯મીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ભારતવિરોધી નારાબાજી પોકારી છે! અંગ્રેજી અને ગુજરાતી છાપાંઓમાં આવતા અહેવાલો મુજબ પુરાવારૂપે કોર્ટમાં રજૂ કરેલા અસ્પષ્ટ ફોટાઓમાં કેસના આરોપીઓ જ નહિ પણ સાક્ષીઓ પણ દેખાય છે અને કાર્યક્રમના વીડીયો ફિલ્મમાં ભેળસેળ થયાની વાત ફોરેન્સિક લેબોરેટરીની ચકાસણીમાં બહાર આવી છે.
જેએનયુના વિદ્યાર્થીઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા સામે દેશવિદેશમાંથી વિરોધનો અવાજ સંભળાયો છે. ફેબ્રુઆરીની ૧૭મીએ ૯૩ પ્રાધ્યાપકો અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધિકોએ એક જાહેર નિવેદન બહાર પાડ્યું છે. એમાં જેએનયુના વિદ્યાર્થીઓ સામે મોદી સરકારે રજૂ કરેલા રાષ્ટ્રદ્રોહના ગુનાને શરમજનક કાર્યવાહી (Shameful Act) કહીને વખોડી કાઢવામાં આવી છે.

સ્ટુડન્ટસ યુનિયન લીડર કનૈયાની જેમ જ ભાજપની સરકાર એટલે શિક્ષણ પ્રધાન સ્મૃતિ ઈરાનીના ચાર-પાંચ પત્રો દ્વારા હૈદરાબાદ ખાતે કેન્દ્રીય યુનિવર્સિટીએ દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા પર આદરેલી કોમી દબાણ અને સતામણી રોહિતની દુઃખદ આત્મહત્યામાં પરિણમી છે. છાપાં અને સામયિકોમાં આવેલા અહેવાલો બતાવે છે કે વિધાર્થી રોહિતની આત્મહત્યા પાછળ ભારતીય જનતા પાર્ટીના વિધાર્થી-જૂથના અને મોદી સરકારના શિક્ષણ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હાથ સ્પષ્ટ દેખાય છે. છેલ્લા ત્રણેક દાયકાઓથી લઘુમતીઓ પ્રત્યે આરંભેલા અસહિષ્ણુતા અને સતામણીનાં પગલાં હવે દેશભરના ગરીબો, દલિતો, બુદ્ધિજીવીઓ અને આખરે પરિવાર સાથે ન હોય એવા સૌ સામે લેવામાં આવે છે કે, સત્તાવાળાનો પોકાર્યા વગરનો સિંહનાદ છે કે, “અમારી સાથે ભળો કે નાશવંત બનો.” દેખીતી રીતે ગુજરાતમાં અજમાયેલા ‘સામ, દામ, દંડ અને ભેદ’નો અખતરો હવે દેશભરમાં અજમાવવા માંડ્યો છ

આ પરિસ્થિતિને સમજવા માટે સામ્યવાદી એવા દેશ રશિયાનો એક પ્રસંગ આપણને મદદરૂપ થઈ શકે છે. રશિયામાં લેનીનના મૃત્યુ (૧૯૨૪) પછી જોસેફ સ્ટૅલિન સત્તા પર આવ્યો. લેનીન સામે અવાજ ઉઠાવનાર અસંખ્ય લોકોને યાંત્રિક તોપોથી મૃત્યુના હવાલે કરનાર સ્ટૅલિન આજે રશિયામાં પણ વગોવાય છે. ક્રૂરતાના મૂર્તિમંતરૂપ વર્ણવાયેલા સ્ટૅલિનના શિષ્ય અને એક સહકાર્યકર હતા નિકિતા ક્રુશ્ચોફ.સ્ટૅલિન ૧૯૫૩માં મરી ગયા પછી સત્તામાં આવેલા ક્રુશ્ચોફ સામ્યવાદી પક્ષના જ નેતા હતા. તેમણે વીસમી કૅાગ્રેસમાં સ્ટૅલિનની જુલમી અને અસહિષ્ણુ નીતિની ટીકા કરી તેને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તે વખતે પાર્ટીમાંથી એક જણે પ્રશ્ન ઉઠાવ્યો. “હવે આપ સ્ટૅલિનની ટીકા કરો છો. પરંતુ તે વખતે આપે કેમ વિરોધ કર્યો નહિ? અવાજ ઉઠાવ્યો નહિ?”

જોસેફ સ્ટૅલિનનો ખરો શિષ્ય ક્રુશ્ચોફ ગુસ્સે ભરાયો. તેમણે પગ પછાડીને મોટે અવાજે ગર્જના કરી. “આ પ્રશ્ન કોણે પૂછ્યો છે? ઊભો થા. હું તેને જવાબ આપું!” પ્રતિનિધિઓની ભરસભામાં ટાંકણી પડે તો પણ સંભળાય એવી નિ:શબ્દતા વ્યાપી ગઈ. ભયથી ભરેલો કોઈ પ્રતિનિધિ હાલ્યો નહીં. ઊભો થવા કોઈ હિંમત કરી શક્યો નહીં.

હસતા હસતા ક્રુશ્ચોફે કહ્યું, “મિત્રો, તે વખતે આવું જ થયું છે. મેં વિરોધ કર્યો હોત તો આજે હું તમારી આગળ ઊભો રહ્યો ન હોત!”
મિત્રો, આપણા બંધારણ અને બંધારણના દીર્ધર્દષ્ટિવાળા ડૉ. આંબેડકર જેવા ઘડવૈયાઓનો આભાર માનીએ કે, ભારતભરમાં આવી ભયાનક પરિસ્થિતિ ઊભી ન થઈ શકે. છતાં પણ સામાન્ય લોકો વચ્ચે ફરનારને ખબર પડશે કે ભારતમાં ભયનું વાતાવરણ તો સવર્ત્ર છે. વિરોધીઓની વાત શી કરવી પણ પક્ષના નાના કાર્યકરો અને ટેકેદારોથી માંડી મંત્રીઓ સુધ્ધાં વિશિષ્ટ ઢબછબથી દુનિયા ખેડતી વ્યક્તિ સામે વિરોધનો અવાજ પણ ઉઠાવી ન શકે! લોકો જાણે છે કે, ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ સામે ગુજરાતમાં અવાજ ઉઠાવનારાઓને પછાડવામાં કશુંય બાકી રાખવામાં આવ્યું નહોતું. આજે પણ એ પરેશાની, એ સત્તામણી ચાલુ જ છે!

છતાં આ ભયભર્યા વાતાવરણમાં અને અસહિષ્ણુતાની પરિસ્થિતિમાં ઓન આશાનું કિરણ દેખાય છે. પારિતોષિકો પરત કરનાર અને અસહિષ્ણુતા સામે અવાજ ઉઠાવનાર ઘણા લોકો આપણી વચ્ચે છે.

મારી ર્દષ્ટિએ આ બધા લોકો ઈસુએ ચીંધેલાં ક્રૂસ પરના મૃત્યુ અને પુનરુત્થાનના રસ્તે ચાલનારા માણસો છે. આવા લોકોને યાદ કરું છું ત્યારે મને કેરળના એક હાસ્યસમ્રાટ કુન્જન નમ્બ્યારની વાત યાદ આવે છે. કુન્જન નમ્બ્યાર કેરળના જાણીતા રાજા મારતાન્ડવર્મા ૧૭૫૮માં મરી ગયા ત્યારે તેમના અનુગામી તરીકે સત્તા પર આવેલા મહારાજા રામવર્માની પ્રશંસાકરનારાઓના મિત્રવર્તુળનો એક સભ્ય હતો. એક દિવસ મહારાજા રામવર્માએ પોતાના પ્રશંસકોની વફાદારીની કસોટી કરવા નક્કી કર્યું. બધાને માટે ભોજન પીરસવામાં આવ્યું. એમાં ‘પાયસમ્’ (એક મીઠી વાનગી) ચાખી જોઈને મહારાજાએ કહ્યું કે, “આ પાયસમ્ ખાટું છે.” પછી ‘પાયસમ્’ને બાજુમાં મુકીને તેઓ ઊભા થયા. મહારાજા સાથે “પાયસમ્ ખાટું છે”, “પાયસમ્ ખાટું છે” એમ કહીને એમના બધા પ્રશંસકો પણ ઊભા થયા. પરંતુ કુન્જન નમ્બ્યાર ‘પાયસમ્’ ખાતો રહ્યો. એટલે મહારાજાએ પાછળ જોઈને કુન્જન નમ્બ્યારને પૂછ્યું, “કેમ, કુન્જન નમ્બ્યાર, પાયસમ્ ખાટું નથી?”

કુન્જન નમ્બ્યારે કહ્યું કે, “મહારાજા, આપના સેવકને આ ખાટું પાયસમ્ ગમે છે” અને તેમણે પોતાને માટે પીરસેલું બધું પાયસમ્ ખાધું.
મહારાજા રામવર્મા ખોટું બોલ્યા છે અને પાયસમ્ ખાટું નહોતું એમ એમના બધા પ્રશંસકોને ખબર હતી. છતાં મહારાજાને સાચી વાત કહેવાની કોઈની હિંમત ચાલી નહોતી! એટલે દરેક જણ મહારાજા સાથે આ “પાયસમ્ ખાટું છે” એમ કહીને એક પછી એક ઊભા થયા હતા. પરંતુ હાસ્યસમ્રાટ કુન્જન નમ્બ્યારે હિંમતથી પોતાના સાથીદાર પ્રશંસકોને એમની ખુશામતપણાનો ખ્યાલ આપ્યો અને સાથે મહારાજાને પણ આડકતરી રીતે ગમ્મતથી સત્ય વાતનું ભાન કરાવ્યું.

આજે ‘સત્યમેવ જયતે’ની વાત કરનાર પણ સત્યથી વેગળા રહીને અર્ધસત્ય અને નર્યા અસત્યની ઘોષણા કરનાર નેતાઓ સામે સત્યને જ વળગી રહીને ‘ભારતમાં જ મુક્તિ’ મેળવવા કમર કસેલા વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર અને સાથીદારો મેદાને પડ્યા છે ત્યારે મૃત્યુમાંથી આપણે પુનરુત્થાનની આશા સેવી શકીએ.

ખ્રિસ્તી ધર્મના પાયામાં પ્રભુ ઈસુનું પુનરુત્થાન છે. મૃત્યુમાંથી નવજીવન પામેલા ઈસુનો સંદેશ પ્રેમનો છે. શાંતિનો છે. આનંદનો છે. આશાનો છે. સેવાચાકરીનો છે. અને આખરે શ્રદ્ધાનો છે. પ્રભુ ઈસુ આવા બધા સંદેશ પોતાના અનુયાયીઓ અને ધર્મગ્રંથો દ્વારા સમગ્ર માનવજાતને પાઠવે છે. ઇસ્ટર કે પાસ્ખા પર્વ ઉજવવા પાછળનો હેતુ પણ અનુયાયીઓને ઈસુના સંદેશથી સભર બનાવવાનો છે. પોતાના સંદેશથી સભર બનેલા શિષ્યોને ઈસુએ આદેશ આપ્યો છે કે, તેઓ દુનિયાના છેડા સુધી જઈને પોતાના સંદેશનો પ્રચારપ્રસાર કરે.

પુનર્જીવન પામેલા ઈસુનો સંદેશ પ્રેમનો છે. પુનરુત્થાનના દિવસથી ઈસુ પોતાના શિષ્યોને ચાલીસ દિવસ સુધી વિવિધ રૂપે ખૂબ પ્રેમ અને ઉમળકાથી મળતા રહ્યા હતા. ઈસુ સજીવન થયા છે, એ સમાચાર સૌ પ્રથમ ઈસુની કબરે ગયેલી સ્ત્રીઓને જ મળ્યા. ઈસુએ એમને રસ્તામાં દર્શન પણ દીધાં. અને તેમને પોતાના પુનર્જીવનના સમાચાર બધા શિષ્યોને આપવાની મોટી જવાબદારી પણ સોંપી!

પુનરુત્થાન પામેલા ઈસુનાં દર્શનથી શિષ્યોમાં ધરમૂળથી પરિવર્તન આવે છે. એકાએક શિષ્યો માટે માનવજીવનનો અર્થ ધરમૂળથી બદલાઈ જાય છે. ઈસુએ પોતાના જીવન દરમિયાન એમને આપેલા બધા ઉપદેશ તેઓ બરાબર સમજવા માંડે છે. શિષ્યોનાં સુખદુ:ખ અને આશા-અભિલાષાઓ – એ બધું જ તેમને માટે નવો અર્થ ધારણ કરે છે. ઈસુના પુનરુત્થાન સાથે શિષ્યોને પણ નવું જીવન મળ્યું. નવી શાંતિ મળી. નવી શક્તિ મળી. નવો આનંદ મળ્યો. ટૂંકમાં એમને સજીવન થયેલા ઈસુ મળ્યા અને એ ઈસુની અર્દશ્ય હાજરી તેઓ હમેશાં અનુભવતા રહ્યા. જીવનની બધી પરિસ્થિતિને પહોંચી વળવાની એમનામાં હિંમત આવી. અને ઈસુનો સંદેશ લઈને તેઓ દુનિયાના છેડા સુધી ખૂંદી વળ્યા.

ટૂંકમાં કહીએ તો ઈસુએ પોતાના ક્રૂસ પરના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા આમ જનતાને માટે એટલે આપણા સૌને માટે પાપનું ફળ મૃત્યુમાંથી મુક્તિ અને નવું જીવન બક્ષ્યું છે. હેપ્પી ઈસ્ટર. (શબ્દો ૧૦૩૬)

દિવાળી અને આત્મપ્રકાશ

દિવાળી અને આત્મપ્રકાશ
ફાધર વર્ગીસ પૅાલ, એસ.જે.
દિવાળી પ્રકાશનો તહેવાર છે. દિવાળીને આપણે દીપાવલિ અને દીપોત્સવ પણ કહીએ છીએ. દીપાવલિ એટલે દીવાઓની હાર. દિવાળીના પ્રસંગે આપણે દીવાઓ પેટાવીને ઘરને શણકારીએ છીએ. ઘરને જ્યોતિર્મય બનાવીએ છીએ. હું માનું છું કે બહારના આ ભૌતિક પ્રકાશ કે જ્યોતિ માણસમાત્રના અંતરના પ્રકાશ કે આત્મપ્રકાશના પ્રતીક તરીકે પણ આપણે લઈ શકીએ.
દિવાળીના દિવસોમાં આપણે નવા ભભકાદાર કપડાં પહેરીને, મિત્રો ને સંબંધી સાથે ભેટની આપલે કરીને, જાતજાતની મીઠાઈઓ અને વૈભવસંપન્ન ખોરાકનું ભોજન તૈયાર કરીને અને આરોગીને દીપોત્સવ માણીએ છીએ. સર્વત્ર જીવનનો આનંદોલ્લાસ ફેલાય છે. આપણું જીવન આનંદમય અને પ્રકાશરૂપ લાગે છે.
ગાંધીજીએ ઈશ્વરને સત્ય કહ્યા છે. આપણે ઈશ્વરને પ્રકાશ કહીએ તો એમાં કોઈને વાંધો ન હોય. દીવાનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, વીજળીનો પ્રકાશ; આમ જાતજાતના પ્રકાશ હોય છે. ઈશ્વરને આપણે પ્રકાશ કહીએ ત્યારે બીજા બધા પ્રકાશોથી અલગ તારવવા માટે આપણે દિવ્ય પ્રકાશ કે દૈવી પ્રકાશ પણ કહી શકીએ. બધા જ પ્રકારના પ્રકાશો દિવ્ય પ્રકાશનાં બિંબ-પ્રતિબિંબો છે. એમાં માણસના અંતરને ઝળહળતા પ્રકાશને આપણે આત્મપ્રકાશ કહીએ.
આ આત્મપ્રકાશ ઘણી વાર માણસના ચહેરા પર પ્રતિબિંબત થાય છે. માણસના ચહેરા પર પ્રભાવક દેખાવ હોય છે. એ દેખાવ સત્તા કે અધિકારનો દેખાવ નથી; ઉચ્ચ હોદ્દાનો ગર્વભર્યો દેખાવ પણ નથી. પણ આત્મપ્રકાશ માણસના ચહેરા પર દેદીપ્યમાન હોય છે. દૈવી પ્રકાશના પ્રતીકરૂપ આત્મપ્રકાશને માણસ પોતાના જીવનમાં કેળવી શકે છે.
સત્યને વરીને આત્મપ્રકાશ કેળવેલા એક માનવ છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. એમની આત્મકથા “સત્યના પ્રયોગો”માં એમણે પોતાના આત્મપ્રકાશના એક પ્રસંગની વાત કરી છે. એક દિવસ ભોજનખંડમાં એક નવજુવાન મિ. પોલાક ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ જોહાનિસબર્ગમાં ભારતીઓ વચ્ચે ફાટી નીકળેલી મરકી વિશે “ઇન્ડીયન ઓપિનિયન”માં લખેલા પત્રથી પ્રભાવિત થઈને પોલાક ગાંધીજીને મળ્યા હતા. ગાંધીજી પોલાકની નિખાલસતાથી પ્રભાવિત થયા. બંને નિકટના મિત્રો બન્યા. નાતાલ (શહેર) જતા ગાંધીજીને સ્ટેશન ઉપર મૂકવા માટે પોલાક ગયો અને એણે ગાંધીજીને એક પુસ્તક આપ્યું. “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય એવું છે… તમને ગમશે,” – એમ કહીને પોલાકે જ્હોન રસ્કિન (૧૮૧૯-૧૯૦૦)નું “અનટુ ધિસ લાસ્ટ” પુસ્તક ગાંધીજીના હાથમાં મૂક્યું.
ગાંધીજી રસ્કિનના “અનટુ ધિસ લાસ્ટ”થી એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે પાછળથી “સર્વોદયા” નામે તરજુમો કરીને ગુજરાતી અવતાર આપ્યો. ગાંધીજીએ “સર્વોદય”માંથી ત્રણ સિદ્ધાંતો તારવ્યા છે:
૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
૨) વકીલ તેમ જ વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એક સરખો છે.
૩) સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.
“સર્વોદય” (અનટુ ધિસ લાસ્ટ) વાંચ્યા પછીની સવારથી ગાંધીજીએ એના વિચારોને આત્મપ્રકાશથી અમલમાં મૂકવાનો પ્રયત્ન ચાલુ કર્યો. ગાંધીજીનો આત્મપ્રકાશ એટલે “બધાના ભલામાં આપણું ભલું રહેલું છે”. સમગ્ર ગાંધી વિચારમાં આપણે એમનો આ આત્મપ્રકાશ જોઈ શકીએ છીએ.
પ્રકાશનું પર્વ દિવાળી ઊજવતાં આપણે ગાંધીજીના આત્મપ્રકાશની વાત કરી છે તેમ આપણે મધર ટેરેસાના આત્મપ્રકાશની પણ નોંધ લઈ શકીએ. “વિશ્વવિભૂતિ: મધર ટેરેસા” નામે ૨૦૧૪માં પ્રકાશિત થયેલા મારા પુસ્તકમાં મેં નોંધ્યું છે તેમ દેશવિદેશમાં “વીસમી સદીમાં સંદેશાવ્યવહારનાં માધ્યમોમાં સૌથી વધારે છવાયેલી એક વ્યક્તિ છે મધર ટેરેસા”. એમના દેદીપ્યમાન આત્મપ્રકાશના દાખલાઓ ડગલે ને પગલે આપણને મળે છે.
મેં અનુવાદ કરીને મારા પુસ્તકના પરિશિષ્ટમાં “નોબેલ પીસ પ્રાઇઝ પ્રસંગે મધર ટેરેસાએ કરેલું સંબોધન” આપ્યું છે. એમાંથી અહીં એક-બે દાખલાઓ લઈએ. ‘યુનો’ની ચાલીસમી સભામાં મધર ટેરેસાનો પરિચય આપતાં સેક્રેટરી જનરલ પેરેઝ ડી કુલ્લરે કહ્યું હતું કે “મધર ટેરેસા વિશ્વનાં સૌથી શક્તિશાળી નારી છે.” એના પ્રતિભાવરૂપે પોતાના પ્રવચનમાં મધર ટેરેસાએ કહ્યું કે, “યુનો સંસ્થા દુનિયાભરમાં શાંતિ લાવવા માટે સ્થાપવામાં આવી છે. પણ આજે દુનિયામાં શાંતિ નથી.” પછી યુનોના બધા જ પ્રતિનિધિઓને પ્રાર્થનામાં દોરી જઈને મધર ટેરેસાએ સંત ફ્રાન્સિસ અસિસીની શાંતિ માટેની પ્રાર્થના કરાવી.
“હે ભગવાન!
તવ શાંતિનું ઝરણ બનું હું
એવું દે વરદાન!
એવું દે વરદાન!

વેરઝેર ત્યાં તારો પ્રેમ વહાવું,
અન્યાય જોઈ, તારો ન્યાય પ્રસારું,
કુશંકાઓ શ્રદ્ધાદીપથી બાળું,
હોય હતાસા ત્યાં આશા પ્રગટાવું,
એવું દે વરદાન!

અન્ય પાસથી દિલાસો છો નવ મળતો,
તો પણ સહુને રહું દિલાસો ધરતો;
ભલે ન કોઈ ચાહે-સમજે મુજને,
મથું સમજવા-ચાહવા હું તો સહુને,
એવું દે વરદાન!

આપી આપીને બેવડ થાય કમાણી,
ક્ષમા આપતાં મળે ક્ષમાની લહાણી,
મૃત્યુમાં મળે અમર જીવનનું દાન,
પ્રભુજી, એનું રહેજો અમને ધ્યાન,
એવું દે વરદાન!
(પ્રાર્થનાનો કાવ્યાનુવાદ: યૅાસેફ મેકવાન)

મધર ટેરેસા આત્મપ્રકાશથી પ્રેરિત થઈને નોબેલ પીસ પ્રાઇઝ સ્વીકારતી વખતે પણ મંડપ અને સભામાં હાજર રહેલા સૌ લોકો સાથે તેમણે સંત ફ્રાન્સિસ અસિસીની આ જ શાંતિ માટેની પ્રાર્થના કરી હતી અને કરાવી હતી. એટલું જ નહિ પણ તેમણે પોતાના પ્રવચનમાં ખૂબ હિંમત અને નીડરતાથી વિશ્વ શાંતિના દુશ્મન તરીકે ભ્રૂણહત્યા સખત વિરોધ નોંધાવ્યો હતો.
તેમણે કહ્યું: “હું માનું છું કે, શાંતિનો વિનાશ કરનાર સૌથી મોટી બાબત ભ્રૂણહત્યા છે. કારણ, એ સીધેસીધું યુદ્ધ છે, સીધેસીધી હત્યા છે, ખુદ માતા દ્ધારા થતું સીધેસીધું ખૂન છે. …આજે શાંતિનો મોટામાં મોટો વિનાશ ભ્રૂણહત્યા છે. અને આપણે અહીં ઊભાં રહીએ છીએ. આપણાં માબાપે ભ્રૂણહત્યા કરી હોત તો આપણે અહીં ઊભાં રહ્યાં નહોત.” એમના શ્રોતાજનો સાંભળવા ઈચ્છતા ન હોય એવી ભ્રૂણહત્યાની વાત કરવામાં મધર ટેરેસાને કોઈ શેહશરમ નહોતી. કારણ, તેઓ જાણતાં હતાં કે, એમાં ખુદ પોતાનો કોઈ સ્વાર્થ નથી, પણ ઊલટું એમાં સમગ્ર માનવજાતની ભલાઈ છે.
દિવાળી જેવા પ્રસંગે આપણે આનંદોલ્લાસમાં હોઈએ ત્યારે ગાંધીજી અને મધર ટેરેસા જેવાં વિશ્વવિભૂતિઓ પાસેથી આત્મપ્રકાશની પ્રેરણા લઈ શકીએ. એમણે ચીંધેલાં સત્ય, પ્રેમ અને સેવા જેવાં આત્મપ્રકાશનાં ઉદાત્ત મૂલ્યો આપણા જીવનમાં કેળવી શકીએ.
“બધાના ભલામાં આપણું ભલું રહેલું છે” સિદ્ધાંતવાળું “સર્વોદય” છપાવ્યા પછી, આઠેક દાયકા પહેલાં ગાંધીજીએ ૧૯૨૭માં પોતાની આત્મકથા છપાવી અને એમાં પણ “બધાના ભલામાં આપણું ભલું રહેલું છે”ના સિદ્ધાંતો સમજાવ્યા.
હું માનું છું કે આ જ “સર્વોદય”ની ભાવનાને ધ્યાનમાં લઈને વર્ણવ્યવસ્થાના છેડે રહેલા ગરીબ દલિત લોકો અને આદિવાસી પ્રજા માટે આપણા બંધારણમાં અનામતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે રાજકીય સત્તા પર રહેલા નેતાઓએ અને કહેવાતા ઉચ્ચ વર્ણના અમલદાર લોકોએ કદી નિષ્ઠાથી અનામતનો પૂરેપૂરો લાભ ગરીબ દલિત લોકોને આપ્યો નથી. પરિણામે આજે પણ આપણી વસતિના ૩૫-૪૦ ટકાના લોકો એટલે સમગ્ર વિશ્વના ૨૫ ટકા ગરીબ લોકો આપણા ભારત દેશમાં છે! છતાં આપણે આપણા દેશને ‘મહાન’ કહેવાની ગુસ્તાખી કરીએ છીએ!
જયારે દિવાળી ઉજવતા સૌ લોકોને “બધાના ભલામાં આપણું ભલું રહેલું છે” એ વાતનો આત્મપ્રકાશ થાય અને તેઓ પોતાના ભલાને બાજુમાં રાખીને બીજા બધા લોકોના ભલા માટે કામ કરતા થાય ત્યારે આપણી વચ્ચે એક નવી દુનિયાનું સર્જન થશે. એ નવી દુનિયામાં બીજા બધા માણસો માટે પ્રેમ અને આદરમાન હોય; બધા લોકો વચ્ચે સમાનતા અને ભાઈચારા કે બંધુત્વ ભાવ હોય. આ દિવાળીમાં બીજા બધાના ભલા માટે ખરા અચ્છે દિન માટે આપણે શું કરી શકીએ?
છેલ્લે સમગ્ર દુનિયાની વસતિના ૨૫ ટકા ગરીબ લોકો આપણા ભારત દેશમાં છે, એ વાતને ધ્યાનમાં લઈને સર્વોદયનો પ્રથમ સિદ્ધાંત સુધારીને મારી રીતે રજૂ કરવા ઈચ્છું છું. “બધાના ભલામાં, વિશેષ તો બધા ગરીબોના ભલામાં, આપણું ભલું રહેલું છે”.
અહીં ગરીબોની વાત કરું છું ત્યારે મને દક્ષિણ કોરિયાના કવિ કીમ ચી હાની વાત યાદ આવે છે. આપણી સરકારની જેમ કીમ ચી હાની દક્ષિણ કોરિયન સરકાર પણ ગરીબોની ઉપેક્ષા કરતા હતા અને સરકારની ગરીબો વિરોધી નીતિ સામે કીમ ચી હા એ ઘણાં કાવ્યો લખ્યાં અને સરકારે કીમને આજીવન કેદમાં શિક્ષા કરી, પણ જેલમાંય પણ કીમ પોતાના “ગુના” માટે પશ્વાતાપ કરવાને બદલે ખુશમિજાજમાં જીવ્યા. કીમની બેદરકાર વલણથી જજ ઉશ્કેરાયા અને કીમને આજીવન શિક્ષા સાથે વધુ સાત વર્ષની શિક્ષા કરી. બધા જ સંયોગોમાં ખુશાલ રહેતા કીમે મળવા આવેલાં પોતાનાં માને કહ્યું, “બા, દેખીતી રીતે જજ સાહેબ ઈચ્છે છે કે, મારા મૃત્યુ પછી મારે વધુ સાત વર્ષ જેલમાં રહેવું પડશે!”
પોતાના દીકરાને દિલાસો આપતાં કીમનાં બાએ કહ્યું, “બેટા એક સંપૂર્ણ માણસ ગરીબો અને દલિતોનો પક્ષ લઈને આ દુનિયાના પટ પર ચાલ્યા છે. આપણે પણ એના પગલે ગરીબો અને દલિતોને ભલું કરીને આપણા આત્મપ્રકાશને દેદીપ્યમાન કરીએ.”

છેલ્લે બદલ્યાની તારીખ: ૧૬-૧૧-૨૦૧૫
ફરી બદલવાની તારીખ: ૦૧-૧૨-૨૦૧૫
કોપીરાઈટ ફાધર વર્ગીસ પૅાલ એસ.જે, ૨૦૧૫

મારી નહિ, તારી ઇચ્છા પૂર્ણ થાવ

“મારી નહિ, તારી ઇચ્છા પૂર્ણ થાવ”
ફાધર વર્ગીસ પૅાલ

મુંબઈથી એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો. સામેની વ્યક્તિએ પોતાનો પરિચય આપતાં કહ્યું કે પોતે સોનિયા છે. વ્યવસાયે વકીલ અને ધર્મે હિન્દુ છે. પરંતુ તેઓ રોજેરોજ બાઇબલ વાંચે છે. તેમને ગોવાથી મારી પુસ્તિકા What Does Jesus Means to You & Me? (ઈસુ મારી-તમારી નજરે) મળી છે અને વાંચી છે. એમાં આપેલા ફોન નંબર જોડીને તેમણે મારો સંપર્ક સાધ્યો છે.
હવે સોનિયાબહેનનો પ્રશ્ન હતો કે, બાઇબલ માણસને ઈશ્વરની ઇચ્છા મુજબ જીવવા કહે છે. તો બીજું બાજુ, ઈશ્વરે માણસને સ્વતંત્ર સર્જ્યો છે અને સ્વતંત્ર માણસની ઇચ્છા સ્વતંત્ર હોય છે. સ્વતંત્ર ઇચ્છાવાળો માણસ કેવી રીતે સ્વતંત્ર રહીને ઈશ્વરની ઇચ્છા મુજબ જીવી શકે? ઈશ્વરની ઇચ્છાને અનુસરવું હોય અને માણસને પોતાની ઇચ્છાનો ત્યાગ કરવો પડે તો ત્યાં માણસની સ્વતંત્રતા ક્યાં છે? તો સોનિયાબહેનને જાણવું છે કે સ્વતંત્ર માણસની ઇચ્છા અને ઈશ્વરની ઇચ્છા વચ્ચે કેવી રીતે મેળ થાય? સ્વતંત્ર ઇચ્છાવાળો માણસ કેવી રીતે ઈશ્વરની ઇચ્છા મુજબ ચાલી શકે? અટપટો પ્રશ્ન છે. ખરું ને?
હું માનું છું કે માણસની સ્વતંત્ર ઇચ્છા વગર નીતિમત્તા શક્ય નથી. ઈશ્વરનો રસ્તો કે ઈશ્વરની ઇચ્છાનો માર્ગ તો નીતિમત્તાનો છે, સદાચારનો છે. છતાં આપણે અનુભવે જાણીએ છીએ કે, માણસ હંમેશાં પોતાની ઇચ્છા અને ઈશ્વરની ઇચ્છા વચ્ચે આંતરિક દ્ધંદ્ધ યુદ્ધ અનુભવે છે. સંત પાઉલે આ વાતને સુપેરે વાચા આપી છે. રોમના ધર્મસંઘ પ્રત્યેના એમના પત્રમાં આપણે વાંચી શકીએ: “હું જે ઇચ્છું છું તે સારું કાર્ય હું કરતો નથી, પણ હું જે નથી ઇચ્છતો તે બુરું કાર્ય હું કરતો હોઉં છું”. (રોમ ૭:૧૯). અહીં પાઉલ પોતાની જાતને જેમ છે તેમ આપણી આગળ ખુલ્લી કરે છે. પોતાના અંતરાત્માનો અવાજ આપણને જણાવે છે.
પાઉલની જેવી જ વાત રોમના પૌરાણિક કવિ ઓવિડે પણ કરી છે. “હું વધારે સારી બાબતોને જોઉં છું અને એને માન્ય પણ રાખું છું છતાં હું ખરાબ બાબતોને અનુસરું છું” (“I see the better things, and I approve them, but I follow the worse”- Ovid).
બાઇબલના પંડિત વિલિયમ બારકલે પાઉલની વાતની ટીકાટિપ્પણી કરતાં કહ્યું છે કે, આ પ્રશ્ન સૌથી સારી રીતે સમજનાર યહૂદી લોકો છે. યહૂદી લોકો દરેક માણસમાં બે પ્રકૃતિ કે યેતસેર હતોબ અને યેતસેર હરા (Yetser hatob and Yester hara) નામે બે મૂળ સ્વરૂપ જુએ છે. યહૂદી લોકો ર્દઢપણે માનતા હતા કે, ઈશ્વરે માણસને બંને સારા વલણ કે આવેશ અને ખરાબ વલણ કે આવેશ સાથે સર્જ્યો છે. યહૂદી લોકો માનતા હતા કે, માણસને એનામાં રહેલા ખરાબ વલણ કે આવેશને તાબે થવાની જરૂર નથી. પ્રશ્ન બંને વલણો વચ્ચેની પસંદગીનો છે. આવી વાત બાઇબલના ‘ઉપદેશમાળા’ ગ્રંથમાં કરવામાં આવી છે.
“એવું ન કહીશ કે, ‘મારા પાપ માટે પ્રભુ જવાબદાર છે,’ કારણ, પોતાને જે ગમતું નથી તે તે કરાવતો નથી.
એવું ન કહીશ કે, ‘મને આડે માર્ગે ચડાવનાર તે હતો,’ કારણ, પાપી તેને કશા કામનો નથી.
પ્રભુ બધી બદીઓને ધિક્કારે છે, અને પ્રભુથી ડરી ચાલનારને પણ તે ગમતી નથી.
સૃષ્ટિ સમયે ઈશ્વરે માણસને બનાવીને તેને નિર્ણય કરવાની છૂટ આપી છે.
તું ઇચ્છે તો આજ્ઞાનું પાલન કરી શકે છે; વફાદારી જાળવવી કે ન જાળવવી એ તારી પસંદગીની વાત છે.” ( ઉપદેશમાળા ૧૫: ૧૧-૧૫)
યહૂદી લોકો માનતા હતા કે, માણસ પોતાનામાં રહેલા ખરાબ વલણ કે આવેશને તાબે ન થાય એટલા માટે ઈશ્વરે એમને આજ્ઞાઓ આપી છે. એટલે માણસ બંને બાજુ ખેંચાય છે ત્યારે ઈશ્વરે બક્ષેલા બૌદ્ધિક મનથી વિવેક કરીને માણસે ઈશ્વરની આજ્ઞાઓને અનુસરવી જોઈએ. કારણ, ઈશ્વરની ઇચ્છા આપણે માણસજાતને આપેલી એમની આજ્ઞાઓમાં પારખી શકીએ.
ઈશ્વરની ઇચ્છા અને માણસની ઇચ્છા બે અલગ બાબતો છે. પણ જયારે માણસની ઇચ્છા ઈશ્વરની ઇચ્છામાં ભળે ત્યારે તે એક બની શકે છે. પરંતુ માણસની સ્વતંત્ર ઇચ્છા અને એ ઇચ્છા મુજબનું વર્તન માણસને ઈશ્વરની ઇચ્છાને અનુસરવાથી દૂર રાખે છે. કારણ, આપણે આપણામાં બે ભિન્ન શક્તિ કે બે ભિન્ન વલણની ખેંચાખેંચ અનુભવીએ છીએ. તદ્દન ઊલટી દિશાની તાણંતાણનો જાણે ભોગ બનીએ છીએ. પ્રશ્ન છે કે, આવા સંદર્ભ કે અનુભવમાં આપણે શું કરી શકીએ? માણસ પોતાની સ્વતંત્રતા ગુમાવ્યા વિના ઈશ્વરની ઇચ્છાને કેવી રીતે અનુસરી શકે?
હું માનું છું કે, ઈશ્વરે બક્ષેલી સ્વતંત્રતા ગુમાવ્યા વિના માણસ ત્રણ પગલાં લઈને ઈશ્વરની ઇચ્છાને અનુસરી શકે છે. એક, માણસે પોતાની જાતને બરાબર ઓળખવી; બે, માણસ ઈશ્વરની ઇચ્છાને એટલે એમની આજ્ઞાઓને ઓળખવી; અને ત્રણ, ખરાખોટાને સમજવાની માણસની વિવેકબુદ્ધિને નિ:સ્વાર્થપણે કામે લગાડવી. આ ત્રણ પગલાંને અંતે બૌદ્ધિક માણસને ખબર પડશે કે, પોતાની ઇચ્છાને ઈશ્વરની ઇચ્છા સાથે મેળવવામાં માણસની ખરી સ્વતંત્રતા છે. આ બાબતો આપણે થોડી વિગતવાર સમજવા પ્રયત્ન કરીએ.
એક, માણસની જાતની ઓળખ. જવાહરલાલ નહેરુએ પોતાના રાજકીય કારાવાસ દરમિયાન “ઇન્ડિયાની શોધ” (Discovery of India) નામે એક દળદાર ગ્રંથ લખ્યો છે. દરેક માણસ પોતાની જાતને શોધવા બેસે તો તે એક પુસ્તક લખવા જેટલી નવીન વસ્તુઓ પોતાનામાં શોધી શકશે. માણસમાં – મારા અને તમારામાં – ઘણી સુષુપ્ત શક્તિઓ છે. પોતાના સમયસંયોગ પ્રમાણે માણસે પોતાની શક્તિઓ અને ક્ષમતાઓને વિકસાવવી જોઈએ. એમાં સૌથી અગત્યની બાબત પોતાની જાતની ઓળખ છે.
માણસમાં રહેલી એક અનોખી શક્તિ છે એની બુદ્ધિ. માણસ પોતાની બુદ્ધિને પ્રતાપે પોતાનું જ્ઞાન વિકસાવી શકે, ઘણુંબધું મેળવી શકે છે. પણ જાતની ઓળખમાં માણસે બરાબર જાણવું જોઈએ કે, પોતે મેળવેલું જ્ઞાન પૂરતું નથી. દાખલા તરીકે, માણસ સૈદ્ધાંતિક રીતે બરાબર જાણે છે કે નદીમાં કે તળાવના પાણીમાં કેવી રીતે તરવું. પરંતુ માણસનું એ જ્ઞાન અનુભવ-સિદ્ધ ન હોય, પાણીમાં ઝંપલાવીને અને તરવાનું કસરત કરીને શીખ્યા ન હોય તો માણસ નદીના ઊંડા પાણીમાં પડશે તો ડૂબી મરશે. માણસને પોતાની જાતની ઓળખમાં વિવિધ ક્ષેત્રનું જ્ઞાન પૂરતું નથી. પણ સારાં-નરસાંને પારખવાની વિવેકબુદ્ધિને કેળવવાની પણ જરૂર છે.
બે, ઈશ્વરની ઇચ્છાને અનુસરવા માટે સૌ પ્રથમ એમની આજ્ઞાઓ જાણવી જોઈએ. ઈશ્વરની ઇચ્છા જાણવા માટે બાઇબલનું વાંચન કરી શકીએ. ઈસુ ખ્રિસ્તના જીવન અને સંદેશ પરનું ધ્યાનમનન પણ ઈશ્વરની ઇચ્છાને જાણવામાં મદદરૂપ હોય છે. ટૂંકમાં કહીએ તો, બાઇબલનું ધ્યાનમગ્ન વાંચન, પ્રભુ ઈસુના જીવન અને સંદેશનું ચિંતનમનન, ઈશ્વરની આજ્ઞાઓની ઓળખ જેવી બાબતો દ્ધારા માણસ ઈશ્વરની ઇચ્છા જાણી શકે છે. વળી, ઈશ્વર પોતાની સમગ્ર સૃષ્ટિમાં એટલે તમારા-મારામાં પણ કાર્યરત છે એ જાણવા-પારખવાની પણ જરૂર છે. આપણા અંતરાત્માના અવાજ દ્ધારા આપણે સારાંનરસાંને પારખી શકીએ, ઈશ્વરની ઇચ્છાને ઓળખી શકીએ.
ત્રણ, માણસની જાતની ઓળખ અને ઈશ્વરની ઇચ્છાની જાણ સાથે માણસને પોતાની વિવેકબુદ્ધિને કેળવવાની પણ જરૂર છે. માણસમાં વિવેકબુદ્ધિ કેળવવા માટે ધર્મ, નીતિમત્તા, સદાચાર જેવી બાબતોની ઊંડી સમજણ માણસને મદદરૂપ થઈ શકે છે.
ભલે માણસમાં પોતાની જાતની ઓળખ હોય, ઈશ્વરની આજ્ઞાઓનો ખ્યાલ હોય અને ખરાખોટાને સમજવાની વિવેકબુદ્ધિ હોય તો પણ આ ત્રિવેણીસંગમથી ઈશ્વરની ઇચ્છાનો અને માણસની સ્વતંત્ર ઇચ્છાનો આપોઆપ મેળ થતો નથી. એ માટે માણસમાં ઈશ્વરને અનુસરવાનો ર્દઢ નિર્ણય જોઈએ. આપણી પાસે બધું જ્ઞાન હોય, ઈશ્વરની ઇચ્છાને અનુસરવાનો ર્દઢ નિર્ણય હોય, છતાં પણ આપણું વર્તન ઘણી વાર ઈશ્વરની ઇચ્છાની વિરુદ્ધ હોય છે. આપણે ઈશ્વરે આપેલી આજ્ઞાઓ મુજબ ચાલતા નથી પણ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીએ છીએ. આવું બને ત્યારે ઈશ્વર આગળ પસ્તાવાથી અને નમ્રતાથી આપણી નબળાઈનો એકરાર કરીએ અને સતત ઈશ્વરની ઇચ્છા જાણવા અને એને અનુસરવાનો પ્રયત્ન ચાલુ રાખીએ. એમાં ઈશ્વરની ઇચ્છા અને માણસની ઇચ્છાનો મેળ હોય છે. (શબ્દો ૧૦૪૭)

અનુત્તર પ્રશ્નો

મારા એક લેખના પ્રતિભાવરૂપે મારા એક વાચકમિત્રે વિનય ત્રિવેદીએ લખ્યું: “આપના શબ્દો ઘાવ પરના મલમરૂપ હોય છે. આપના પદેથી આપ પરંપરાપૂર્વક શબ્દફરજ બજાવી રહ્યા છો. વધુ સાહસપૂર્ણ વિચારો અને કાર્યક્રમો દ્વારા લોકસેવાનાં કાર્ય બજાવી શકો તેવી અભ્યર્થના.” મારા વાચકમિત્રના મારી ટીકા-સલાહનો પત્ર મને ગમ્યો. કારણ, એ જ પત્રમાં તેમણે એક સ્વરચિત કાવ્ય પણ લખી-મોકલીને પુરવાર કર્યું કે તેઓ પોતે પોતાની સલાહ મુજબ સાહસપૂર્ણ વિચાર કરનાર વ્યક્તિ ને કવિ છે.
પોસ્ટકાર્ડ ઉપર આલેખાયેલા મારા વાચકમિત્ર વિનય ત્રિવેદીના કાવ્યે મને ખૂબ વિચારતો કરી મૂક્યો. કાવ્યની શરૂઆતમાં તેમણે એક પ્રશ્ન ઉઠાવ્યો છે. જુઓ:
“મને ભૂખ લાગી છે –
પણ મારા હાથમાં રોટલી નથી,
એ તો વિતરણકર્તાના હાથમાં છે;
પચાસ રોટલીઓ તો હશે જ,
એના હાથમાં.
એનું મુખ તો ધરાયેલું હાસ્ય દર્શાવે છે,
ને બેફિકરી પણ!
તો એ ભૂખ્યાંજનોને શા માટે
રોટલી વહેંચીને
પોતાની ફરજ નથી બજાવતો?”

ચીલાચાલુ જીવન ગાળનાર સૌ માણસોએ આવો પ્રશ્ન પૂછવો જોઈએ. અહીં કવિએ એક વાસ્તવિક પણ અન્યાયી પરિસ્થિતિની વાત કરી છે. એક જણને ભૂખ લાગી છે, પણ એની પાસે રોટલી નથી. પરંતુ ખાઈને ધરાઈ ગયેલા બીજા માણસ પાસે પચાસ રોટલી છે. પણ તે રોટલી વહેંચીને ભૂખ્યાને ખવડાવતો નથી! કવિ સામાજિક સભાનતા ધરાવે છે. વળી, તેમનામાં ન્યાયની ભાવના છે. એટલે જ કવિ ભૂખ્યાને ખવડાવવું, એ જ પચાસ રોટલીવાળાની ફરજ સમજે છે.

કદાચ, તમે અને હું પણ આવો વિચાર કરી શકીશું, આવો પ્રશ્ન ઉઠાવી શકીશું. પરંતુ મારા કવિ વિનય વધુ સાહસપૂર્વક વિચાર કરતાં વધુ પ્રશ્નો પૂછે છે:
“નિયતિએ ન્યાયીના હાથમાં એ પચાસ રોટલીની થપ્પી કેમ ન પકડાવી?
હજારો ચક્ષુઓ ધરાવતી નિયતિને ભૂખ્યાઓનાં વલખાં અને રુદન નીરખવાં ગમતાં હશે, શું?
વંચિતોને જ ચીત કરી દઈને અનુચિતોને જ તે કેમ જિતાડે છે?”

જેમને રોટલીની જરૂર છે તેવા ભૂખ્યાઓ અને વંચિતો પાસે નહિ પણ રોટલી તો બીજા ધરાઈને ખાધેલા પાસે છે. આ અનિષ્ઠ પરિસ્થિતિ અંગે કવિ વધુ ત્રણ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નો પાછળ કવિની માન્યતા સ્પષ્ટ છે. આ અન્યાયી પરિસ્થિતિ માટે હજારો ચક્ષુઓ ધરાવતી નિયતિ એટલે સર્વશક્તિમાન ઈશ્વર જ જવાબદાર છે. પરંતુ આ સર્વશક્તિમાન નિયતિ પારકાના દુઃખે ખુશી માણતા માનવથી ખાસ ભિન્ન નથી! એટલે જ કવિ પ્રશ્નો પૂછી બેસે છે કે, “નિયતિને ભૂખ્યાઓનાં વલખાં અને રુદન નીરખવાં ગમતાં હશે શું?”

ઉમાશંકર જોશીએ કવિને “સ્વર્ગનો જાસૂસ” કહ્યો છે. પણ અહીં કવિ કેવળ સ્વર્ગનો જાસૂસ નહિ પણ સ્વર્ગપતિ કે ખુદ ઈશ્વર બને છે. સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈસુ કે ઈશ્વર બનીને કવિ પોતાના કાવ્યના છેલ્લા ભાગમાં જાણે કહે છે કે, આ ઈસુ કે ઈશ્વર એક ભલમનસાઈવાળા માનવ કરતા કાંઈક વિશેષ નથી. જુઓ કાવ્યનો છેલ્લો ભાગ:
સવાલ એ છે કે,

ઈસુ/ઈશ્વર પાસે સાંત્વના છે,દિલાસાના શબ્દો છે, પ્રેમપૂર્ણ આશિષ છે;પણ,સલામત, સૌહાર્દપૂર્ણ, પ્રેમાળ અને સહકારપૂર્ણ બે (કે ઘણાં) વરદહસ્તની ખાતરી નથી.

ખચીત તે પક્ષપાતી જણાય છે;
પીડાકારી, નમકલિપ્ત કોરડાઓ વીંઝી
પણ વંચિતોનાં ઘર, કૂબા અને
નિર્દોષ તન-મન પર જ તે કહેર વેરે છે.
કુદરતી ન્યાયનું પ્રતિક છે ત્રાજવું
તો ફરક કેમ છે તોલ ને માપમાં?

જીવવા ખાતર જીવે છે પ્રાણી,
જેનું જીવન જ પ્રશ્નરૂપ છે.

સમય હોય તો કાને ધર એક અરજ:
પીડા, દુખ, વલવલાટને કર શૂન્ય;
કે પછી, સુખ, આનંદ, ખુશી ને વળી
ઊર્મિઓની ઓળખને કર નિર્મૂળ
તારી તસ્વીરો, મૂર્તિઓ અને
કલ્પિત સર્વ તારાં સ્વરૂપોની માફક.

માનવ ઈશ્વર નથી. પણ અમુક માણસોને ઈશ્વર બનવાનું ગમે છે. આવા માણસો જાણે પોતે સર્વજ્ઞ હોય, પોતાની પાસે માનવમાત્રના સર્વ પ્રશ્નોનો ઉત્તર હોય, તેમ વાતો કરે છે. માણસના બધા પ્રશ્નો અને બધી સમસ્યાઓનો ઉકેલ આપે છે. અહીં ઈસુ/ઈશ્વર પાસે જે છે અને જે નથી, એ બધું ઈશ્વર બનેલો કવિ જાણે છે. ઈસુ પાસે માણસમાત્ર માટે સાંત્વના છે, દિલાસાના શબ્દો છે, પ્રેમપૂર્ણ આશિષ છે; પણ “સલામત, સૌહાર્દપૂર્ણ, પ્રેમાળ અને સહકારપૂર્ણ બે કે ઘણા વરદહસ્તની ખાતરી નથી.” એટલે માણસ જીવવા ખાતર જીવનાર પ્રાણી છે. એનું જીવન જ પ્રશ્નરૂપ છે.

આપણે ઈશ્વર વિષે વાત કરીએ ત્યારે એક જ વાત આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે, આપણે ઈશ્વરને પૂરેપૂરા ઓળખતા નથી; આપણે ઈશ્વર વિશે ખાતરીપૂર્વક કશુંય કહી શકતા નથી. બીજું, ઈશ્વર વિશેની આપણી બધી વાતો માનવ-ભાષાની વાતો છે; માનવ-મર્યાદાથી કરેલી વાતો છે. ઈશ્વર માનવ-મર્યાદાની અંદર આવતા હોય તો તેવા ઈશ્વર ઈશ્વર જ નહિ, માનવ જ છે, ભલે તે કોઈ અજબગજબના માનવ હોય. પણ આપણે જાણીએ છીએ કે માનવ લૌકિક પ્રાણી છે. પણ આપણે ઈશ્વરને અલૌકિક આત્મા તરીકે ઓળખીએ છીએ.

મારી ખ્રિસ્તી શ્રદ્ધાની વાત કરું તો આપણે ઈશ્વર વિષે જે કંઈ જાણીએ છીએ, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જાણીએ છીએ. ખ્રિસ્તીઓ ર્દઢપણે માને છે કે ઈસુ ખુદ ઈશ્વરપુત્ર છે. ઈસુ સંપૂર્ણ માનવ બનેલા ઈશ્વરનું અવતારરૂપ છે.

બે હજાર વર્ષ ઉપર આ પૃથ્વીના તટ પર જીવેલા ઈસુ ખ્રિસ્ત કવિએ ચીતરેલા ઈસુ/ઈશ્વરથી ખૂબ ભિNn છે. ઈસુના સમકાલીન ઇતિહાસકારો અને એમનાં શિષ્યોએ ચીતરેલા ઈસુ મારા મિત્રકવિના ખ્યાલ મુજબના ઈસુથી અલગ છે. બાઇબલના નવો કરાર દ્વારા જાણવા મળતા ઈસુએ ભૂખ્યાંને ખવડાવ્યું છે; માંદાંઓને સાજાં કર્યાં છે; મરેલાંઓને જીવતાં કર્યાં છે. એટલું જ નહિ, પણ તેમણે પોતાના શિષ્યોને તેમ જ સૌ ભલમનસાઈવાળા માણસોને કહ્યું છે અને આજે આપણને પણ કહે છે કે, “જા, તું પણ એ પ્રમાણે કરજે.”

એક વાર એક શાસ્રીના એટલે કે કાયદાના પંડિતના મોઢે ઈસુએ કહ્યું હતું કે, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે માણસે પરમેશ્વર પ્રભુ ઉપર પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી અને પૂરા મનથી પ્રેમ રાખવો જોઈએ અને માનવબંધુ ઉપર જાત જેટલો પ્રેમ રાખવો જોઈએ.

પણ “મારો બંધુ કોણ?” એમ પ્રશ્ન પૂછનાર એ શાસ્રીને ઈસુએ એક ભલા શમરુની, એટલે યહૂદીઓ માટે એક વિદેશી માણસ શમરુનીનું ર્દષ્ટાંત કહી સંભળાવ્યું. એક મુસાફર રસ્તામાં લૂંટારુઓના હાથમાં સપડાયો. તે લોકોએ એનાં કપડાં ઉતારી લીધાં અને સારી પેઠે માર મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. હવે એ રસ્તે બે યહૂદી આગેવાનો આવ્યા અને પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યા ગયા. પણ એક શમરુની મુસાફરી કરતો કરતો એ ઠેકાણે પહોંચ્યો. પેલાને જોઈને એને દયા આવી અને એની પ્રાથમિક સારવાર કરી. એટલું જ નહિ પણ પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાઈમાં લઈ ગયો અને ત્યાં તેની સંભાળ લીધી.

હવે આ ત્રણમાંથી કોણ પેલા લૂંટારુના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય, એવા ઈસુના પ્રશ્નમાં પેલા શાસ્રીએ કહ્યું,
“જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે.”

ત્યારે ઈસુએ તેને કહ્યું, “તો જા, તું પણ એ પ્રમાણે કરજે” (જુઓ લૂક ૧૦, ૨૫-૩૭).
આવું જ એક બીજો પ્રસંગ સંત માથ્થીકૃત શુભસંદેશમાં આવે છે. એક યુવાન માણસે ઈસુ પાસે આવીને પૂછ્યું, “ગુરુજી, કયું સારું કામ હું કરું તો મને શાશ્વત જીવન મળે?” ઈસુએ એને આજ્ઞાઓ પાલન કરવા અને પોતાના માનવબંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવાનું સમજાવ્યું.

પણ પેલા યુવાને કહ્યું, “એ બધું તો હું કરતો આવ્યો છું. છતાં મારામાં શી ઊણપ છે?”

ઈસુએ તેને કહ્યું, “તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે, અને જે ઊપજે તે ગરીબોને આપી દે, એ પછી આવ, મારા પગલે ચાલ.”
પેલો યુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ, તે ભારે સંપત્તિનો ધણી હતો” (જુઓ માથ્થી ૧૯, ૧૬-૨૨)

ઘણી વાર આપણી કોઈ પરિસ્થિતિની ટીકાટીપ્પણીથી સંતોષ માનીએ છીએ પણ એને બદલે એના ઉકેલ માટે આપણે જાતે શું કરી શકીએ એનો વિચાર કરવાની જરૂર છે; ચોક્કસ પગલાં લેવાની જરૂર છે.

રાશિન સાહિત્યકાર દોસ્તોયેવેસ્કીની નવલકથા “ધ બ્રધર્સ કારામઝોવ”માં “ધ ગ્રાન્ડ ઇન્કિ્વઝિટર” નામે એક પ્રકરણ છે. એમાં સરમુખત્યાર કેદમાં પૂરાયેલા ઈસુ ખ્રિસ્તને એક પ્રશ્ન પૂછે છે: “જો અમે એક હાથમાં રોટલો અને બીજા હાથમાં સ્વતંત્રતા ધરીએ છીએ, તો લોકો શું પસંદ કરશે?”
ભૂખ્યા લોકો તો રોટલો પસંદ કરશે, એમાં શંકા નથી. ભૂખ્યા લોકો ધરાઈને ખાધા પછી જ સ્વતંત્રતાનો વિચાર કરશે. બાઇબલના શુભસંદેશમાં ચારેય શુભસંદેશકારોએ ઈસુ ઉપદેશ આપતાં ભૂખ્યા લોકોને ખવડાવ્યાની વાત કરી છે.

આમ, ઈસુએ પોતાના આચારવિચારથી, વાણીવર્તનથી સૌને માટે પોતાના જીવનનો દાખલો બેસાડ્યો છે. જરૂરિયાતમંદોની સેવાનો આદેશ આપ્યો છે. પણ ઈસુએ ચીંધેલા રસ્તે ચાલવાને બદલે તમે અને હું શું કરીએ છીએ?

ઈશ્વરે આપણને સ્વતંત્ર સર્જ્યાં છે. આપણને બુદ્ધિ આપી છે. સારુંનરસું પારખવાની વિવેકબુદ્ધિ બક્ષી છે. આ સ્વતંત્રતા અને વિવેકબુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરી પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ શોધવા-લાવવાને બદલે સ્વાર્થી માણસો એટલે આપણે ખરાબ પરિસ્થિતિનો ટોપલો ઈશ્વર ઉપર ઊંધો વાળી દઈએ છીએ અને ન્યાયાસન પર બેસીને ચુકાદો આપીએ છીએ કે, ઈશ્વર નથી. અને ઈશ્વર હોય તો ભૂખ્યાંઓનાં વલખાં અને રુદન નીરખવાં એને ગમતાં હશે. ખરાબ પરિસ્થિતિ હા, ભૂખ્યાની જઠરાગ્નિ શમાવવા માટે ઈશ્વરના વરદહસ્તની ખાતરી નથી!

ભલા માણસ, એક અન્યાયી પરિસ્થિતિને વાચા આપવાનું સુંદર કામ તમે કર્યું છે. લોકો પહેલેથી જ આવી અનિષ્ટ પરિસ્થિતિને વખોડતા આવ્યા છે. હવે આ અસામાજિક પરિસ્થિતિ બદલવા માટે બીજાઓ કે ઈસુ/ઈશ્વર કંઈ કરતાં નથી, એવી રોકકળ કરવાને બદલે તમે જાતે શું કરી શકો છો, એનો વધુ સાહસપૂર્ણ વિચાર કરો.

મને આત્મહત્યાના રસ્તેથી બચાવો

“મને આત્મહત્યાના રસ્તેથી બચાવો”
ફાધર વર્ગીસ પૅાલ, એસ.જે.
પચીસેક વર્ષ પહેલાંની વાત છે. હું મારી મોટરસાઈકલ પર અમદાવાદથી આણંદ જતો હતો. નડિયાદ પાસે નેશનલ હાઈવે નં.૮ પર એક યુવાનને સાઈકલ પર મારી આગળ જતો જોયો. મેં એને ઓળખ્યો. એટલે રસ્તા પર મેં એને રોક્યો. ઓળખાણ-પિછાણીની થોડી વાતો કરી. મને એ પ્રસંગ બરાબર યાદ રહી ગયો. કારણ, મારી પાછળ આવેલી ટ્રક અમારી પાસે આવીને ઊભી રહી અને ડ્રાઈવરે અમને ઠપકો આપ્યો કે અમે રસ્તામાં જ ઊભા રહીને વાતો કરતા હતા.
તે અરસામાં હું કૌટુંબિક માસિક ‘દૂત’નો તંત્રી હતો. ઉનાળાની રજામાં તેમ જ દિવાળીની રજામાં હું રસ ધરાવતા યુવક-યુવતીઓ માટે પત્રકારત્વની શિબિરો તથા સમાચાર લેખન અને નાનામોટા લેખો લખવાની કળા અંગે કાર્યશાળાઓ ચલાવતો હતો. એવી એક શિબિરમાં એ યુવાને ભાગ લીધો હતો. નરોત્તમ તૃષિત એમનું અનોખું નામ. ગોળમટોળ ચહેરો. ઘઉંવર્ણા યુવાન. મજબૂત બાંધો. પણ પોતાના વિલક્ષણ નામ ‘તૃષિત’ને કારણે એ યુવાન મારા મનમાં વસી ગયો. વળી, પત્રકારત્વની કાર્યશાળામાં એમણે કરેલાં લખાણો સારાં હતાં. પત્રકારત્વની શિબિર કે લેખન કૌશલ્યની કાર્યશાળામાં ભાગ લેનાર સૌ ભાઈબહેનોને હું એક સલાહ ખાસ આપું છું કે “લખતાં લહિયો થાય.” તો તમે નિયમિત લખતા રહો. લખવા માટે અઠવાડિયા દરમિયાન ચોક્કસ સમય ફાળવજો. લેખનના અખતરાઓ કરતા કરો. હું તમને ખાતરીથી કહી શકું છું કે તમે લેખક/લેખિકા બની શકો છો. લખાણ સારું ના લાગે તો ફાડી નાખજો. પણ નિરાશ થયા વિના લખવાનું કામ નિયમિત કરતા રહો.
આ બધું ૧ જૂન ૨૦૧૪ના રવિવારે અનાયાસે યાદ આવી ગયું. કારણ, હું નડીયાદ ખાતે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગયો હતો. ત્રણેક લેખકોના પુસ્તકોનું લોકાપર્ણ હતું. એમાં નરોત્તમ તૃષિતના વાર્તાસંગ્રહ ‘એવોર્ડ’નું પણ વિમોચન કરવામાં આવ્યું.
પોતાના પ્રથમ પુસ્તકના લોકાપર્ણમાં નરોત્તમભાઈએ કહ્યું કે આજે મારું પોતાનું એક બાળક જન્મ્યું હોય એટલો બધો મને આનંદ થાય છે. પછી તેમણે વર્ષો પહેલાંની એક ચોંકાવનારી ઘટનાની વાત કરી. એક દિવસ તેઓ પોતાની આસપાસના લોકોથી અને ખુદ પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરવાના વિચારમાં સાઈકલ લઈને બહાર નીકળ્યા હતા. નેશનલ હાઈવે નં.૮ પર પહોંચ્યા. તેમના શબ્દોમાં “ત્યાં અણધારી રીતે ફાધર વર્ગીસનો ભેટો થયો. તેમણે મને પૂછ્યું, ‘નરોત્તમભાઈ, તમારું લેખન કાર્ય કેવું ચાલે છે?’ હું બધી રીતે નિરાશ થઈને આત્મહત્યા કરવા જતો હતો. પણ ફાધરના પ્રશ્નથી અને એમણે મારામાં દાખવેલા રસથી મને લાગ્યું કે મારામાં લેખનશક્તિ છે. લેખનક્ષેત્રે હું કંઈક કરી શકું છું. એટલે આપઘાતનો રસ્તો છોડીને હું લેખન તરફ વળ્યો.” આજે નરોત્તમભાઈ ‘જીવન સન્માર્ગ’, ગુજરાતી ક્રિશ્વિયન્સ’ અને ‘માર્ગ સંગિની’ જેવાં સામયિકોમાં નિયમિત લખે છે.
‘દિવ્ય ભાસ્કર’ દૈનિકના ૧૦ જૂન ૨૦૧૪ના અંકમાં આપઘાત અંગે પ્રગટ થયેલા સમાચારથી હું ચોંકી ગયો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના વર્ષ ૨૦૧૨ના આંકડા પ્રમાણે ૮૮,૭૪૫ પુરુષો અને ૪૭,૪૩૬ સ્ત્રીઓ મળીને કુલ ૧,૩૬,૧૮૧ સ્ત્રી-પુરુષોએ ભારતમાં એક વર્ષમાં આત્મહત્યા કરી છે! આ સમાચારથી મને નરોત્તમભાઈએ કરેલી વાત યાદ આવી.
આત્મહત્યા કરનાર માણસોના જીવનમાં કેટલાંક પ્રબળ પરિબળો જોઈ શકાય છે. એક, ઘોર નિરાશા. બે, જીવનમૂલ્યની અવગણના અને ત્રણ, શ્રદ્ધાનો અભાવ. સોમવાર ૨ જૂન ૨૦૧૪ના રોજ ધોરણ ૧૦નું પરિણામ આવ્યા પછી, અમદાવાદમાં શિવાઆદિ દ્રવિડ અને ઉમંગ સોલંકી નામે બે કિશોરોએ આપઘાત કર્યાના સમાચારો દૈનિક અખબારોમાં આવ્યા છે.
દેખીતી રીતે બંને યુવાનોએ ૧૦મા ધોરણના પરિણામ પર પોતાના જીવનની બધી આશાઓ રાખી હશે. પણ નાપાસના પરિણામથી ઘોર નિરાશા પામીને તેમણે આપઘાતનો રસ્તો લીધો હશે! હું માનું છું કે બંને કિશોરોએ પરીક્ષા પહેલાં સખત મહેનત કરી હશે. પરીક્ષાની સારી તૈયારી કરી હશે. પરીક્ષા પછી તેમણે સારા પરિણામની આશા બાંધી હશે. તેઓએ ૧૦મા ધોરણના સારા પરિણામ પછી પોતપોતાના જીવન અંગે સોનેરી સ્વપ્નો સેવ્યાં હશે. એટલે, અનુભવે જાણું છું કે ૧૦મા ધોરણના અણધાર્યા પરિણામે માનસિક રીતે તેમના જીવનને હચમચાવી નાખ્યું હશે. એટલે આપઘાત પહેલાં ઘોર નિરાશા જ એમને ઘેરી વળી હશે.
આવી બધી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? આપણાં બાળકોના તથા મોટેરાઓના જીવનમાં પણ આવી ઘોર હતાશાની પરિસ્થિતિ ન આવે એ માટે આપણે શું કરી શકીએ? હતાશાની પરિસ્થિતિમાં આપણે કેવી રીતે બીજામાં આશા સંકોરીએ? સૌ પ્રથમ આપણાં બાળકોને આપણા આચારવિચારથી ખાતરી આપીએ કે સારીમાઠી પરિસ્થિતિમાં આપણે એમની પડખે છીએ. નાપાસ થઈને ઘરે આવનાર બાળકને ઠપકાના શબ્દો નહીં, અવગણના કરતું વર્તન નહીં, પણ પ્રેમ અને પ્રોત્સાહનના શબ્દોથી આવકારીએ. પરીક્ષા જીવનનું સર્વસ્વ નથી. ફરી વધુ સારી તૈયારી કરીને પરીક્ષા આપી શકાય. “બેટા, તને ભણવાનું ન ફાવે તો કંઈ વાંધો નથી. આપણા જીવન આગળ ઘણા માર્ગો છે. તું હાથથી કુશળ કસબી છે. તને મિકૅનિક-યંત્રશાસ્ત્રમાં ખૂબ રસ છે. તો સ્કૂલ-કૉલેજમાં ભણવાને બદલે તું મિકૅનિકના રસ્તે જઈ શકે છે. નહિ તો ધંધાવેપારની તારી સૂઝ સારી છે. એ દિશામાં પણ આપણે વિચાર કરી શકીએ.” માઠા પરિણામથી હતાશ થયેલા બાળકને પ્રેમ અને કદરના આવા શબ્દોથી આપણે એનામાં આશા સંકોરી શકીએ છીએ.
બે, જીવનમૂલ્યોનો અભાવ પણ ઘણી વાર માણસને આત્મહત્યા તરફ દોરતો હોય છે. આપણા જીવનમાં બાળપણથી જીવન-મૂલ્યો કેળવવાની જરૂર છે. માનવજીવનનું મૂળભૂત મૂલ્ય છે પ્રેમ. આપણાં બાળકોને આપણા નિ:સ્વાર્થ પ્રેમનો અનુભવ કરાવીએ. આપણાં બાળકો સારું વર્તન કરે, સારી સિદ્ધિ મેળવે, સારો દેખાવ કરે, માબાપ ને વડીલ ગર્વ લઈ શકે એવું વર્તન બાળક કરે, એટલા માટે જ આપણે આપણાં બાળકો પર પ્રેમ ન રાખીએ, બલકે આપણાં બાળકો આપણાં છે એટલા માટે કોઈ શરત વિના એમના પર પ્રેમ રાખીએ. બાળકે ખોટું કર્યું હોય, નાપાસ થયું હોય તો પણ આપણે આપણાં બાળકોને ચાહીએ. આપણા બાળકે ખોટું કર્યું હોય તો પ્રેમથી એની ભૂલો એને સમજાવીએ. નાપાસ થયેલા બાળક ઉપર પણ અઢળક પ્રેમ રેડીયે. આપણા બાળકને બીજાં બાળકો સાથે સરખામણી કરી એને કદી ઉતારી ના પાડીએ. આપણું બાળક અજોડ છે, અનન્ય છે, અનોખું છે. ગમે તે પરિસ્થિતિમાં આપણા પ્રેમનું પાત્ર છે.
માબાપ ફક્ત પોતાનાં બાળકો ઉપર નિ:સ્વાર્થ ને અઢળક પ્રેમ રાખે એ પૂરતું નથી. માબાપે અરસપરસ પ્રેમ રાખવાની તેમ જ પોતાના સંપર્કમાં આવતા બીજા લોકો પર પણ નિ:સ્વાર્થ પ્રેમ રાખવાની જરૂર છે. કારણ, બાળકો માબાપની શિખામણ કે સલાહસૂચન કરતાં વધારે એમના દૈનિક જીવનનું વર્તન જોઈને અનુકરણ કરતાં હોય છે.
માનવજીવનનું અનોખું મૂલ્ય છે. આપણું જીવન ભગવાનની અણમોલ ભેટ છે. માણસનો આ દેહ અને આ જીવન ફરી એને ન મળે. માણસ પોતે કોઈને જીવન આપી શકતો નથી. તો કોઈ માણસને પોતાનું કે બીજાનું જીવન લેવાનો અધિકાર નથી. ભગવાને માણસને જીવન આપ્યું છે. જીવન સાથે સુખી અને આનંદમય જીવન ગાળવા માટેની બધી વ્યવસ્થાઓ પણ ભગવાને કરી આપી છે. આપણું જીવન સુખી અને આનંદમય ન હોય તો સમજવું કે આપણે હજી ખરા સુખનો રસ્તો શોધવાની જરૂર છે.
માણસના જીવનની ક્ષમતાઓ ઘણી છે. આપણા જીવનની કદર કરીને આપણે આપણી ક્ષમતાઓમાંથી યોગ્ય રસ્તો શોધવાનો છે. આપણાં બાળકોને એમાં મદદ કરવાની છે. ગમે તે હિમાલય જેવી મુશ્કેલીઓમાં જીવનને ફેંકી દેવાને બદલે એમાં છુપાયેલી તક શોધો. નવી દિશા ખોળી કાઢો. ક્ષિતિજ ભલે દૂર હોય, ધીરજ રાખો. માણસને અસીમ પ્રેમથી સર્જનાર ભગવાન એ જ પ્રેમથી જીવનનો નવો રસ્તો બતાવશે.
ભલે આપણું બાળક ભણવામાં નબળું હોય, પણ એનામાં બીજી ઘણી બધી શક્તિઓ છે. કોઈ પરીક્ષામાં નાપાસ થવાથી કે ઓછા ગુણ મેળવવાથી હતાશ થવાની જરૂર નથી. નિયમિત અને વ્યવસ્થિત રીતે ભણવામાં બાળકને મદદ કરો. એમાં એને માર્ગદર્શન આપો. ભણવાનું બિલકુલ ના ફાવે તો બાળકમાં છુપાયેલી અન્ય શક્તિઓ શોધી કાઢો. એને ફાવતા ક્ષેત્રમાં એને આગળ વધવા પ્રેરણા આપો. મદદ કરો.
ત્રણ, દરેક માનવબાળ શ્રદ્ધા અને મહેનતથી આગવી સિદ્ધિ મેળવી શકે છે. એ માટે બાળકોને નાનીનાની જવાબદારીઓ સોંપીને એમનામાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ કેળવો. જીવનમાં આવતાં નાનામોટા સંઘર્ષો અને સમસ્યાઓનો નીડરતાથી સામનો કરવા બાળકને મદદ કરો. દૈનિક જીવનનાં પ્રશ્નો, સમસ્યાઓ અને સંઘર્ષોથી બાળકને દૂર રાખવાને બદલે એને એમાં સાથીદાર-ભાગીદાર બનાવો. કૃત્રિમ રીતે બાળકનું જીવન એશઆરામનું ન બનાવો. બાળકને બચપણથી જ જીવનમાં શ્રદ્ધાથી હિંમત અને ધીરજ કેળવતાં શિખવાડો. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવા દો. ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની ધીરજ અને હિંમત બાળકમાં કેળવો.
અબ્રાહમ લિંકનમાં અડગ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ હતો. એટલે એમનો દાખલો દરેક બાળકને અને વડીલ માણસોને પણ હિંમત, પ્રેરણા અને પ્રોત્સાહન આપી શકે છે. યુવાનીમાં અબ્રાહમ લિંકન પોતાના વ્યવસાયમાં નિષ્ફળ ગયા હતા. પછી વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા. પણ હારી ગયા. ફરી ધંધો શરૂ કર્યો, પણ નિષ્ફળતા મળી. પ્રથમ વાર પચ્ચીસમાં વર્ષે તેઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. ઓગણત્રીસ વર્ષની ઉંમરે અને એકત્રીસ વર્ષની ઉંમરે બીજી અને ત્રીજી વાર તેઓ ચૂંટણીમાં ઊભા રહ્યા અને બંને વાર તેઓ હારી ગયા. સંસદની ચૂંટણીમાં પહેલી વાર હાર્યા પછી બીજી વાર સંસદની ચૂંટણીમાં તેઓ જીતી ગયા. આમ હાર-જીતની પરંપરા પછી ઓગણચાલીસમાં વર્ષે અબ્રાહમ લિંકન સંસદની ચૂંટણી લડ્યા અને એમની હાર થઈ. પછી કેટલીય ચૂંટણીમાં નિરંતર હારી ગયા પછી એકાવન વર્ષે સેનેટની ચૂંટણીમાં તેમને સફળતા વરી. અમેરિકાના પ્રમુખ બન્યા. આજે દુનિયામાં અબ્રાહમ લિંકન કેવળ અમેરિકાના જ નહિ પણ સમગ્ર દુનિયાના આગેવાનોમાં સૌથી સફળ અને યશસ્વી પ્રમુખ ગણવામાં આવે છે.
જીવનમાં મળતી હાર અને નિષ્ફળતાથી નિરાશ થઈને ભાગી જવાને બદલે અબ્રાહમ લિંકન આપણા માટે ધીરજ અને શ્રદ્ધાથી, આત્મવિશ્વાસ અને અમર આશાથી સંઘર્ષ કરવા અને આગળ વધવાનો પાઠ આપી ગયા છે. હતાશામાં અબ્રાહમ લિંકન પાસેથી પ્રેરણા લઈને આગળ વધીએ, શ્રદ્ધાથી માણસ પોતાનામાં વિશ્વાસ કેળવી શકે છે. શ્રદ્ધા માણસમાં આત્મવિશ્વાસ પેદા કરે છે.
છેલ્લે, ઉર્દૂ કવિ અસરાર ઉલ-હાર માજાઝને યાદ કરીએ. તેમણે હતાશામય અસ્તવ્યસ્ત જિંદગીને ધ્યાનમાં લઈને યાદગાર પંક્તિઓ લખી છે કે, “જીવનની ઊથલપાથલ અને વિઘ્નો હોવા છતાં મેં મારું મસ્તક હંમેશાં ઉન્ન્ત રાખ્યું છે.” સંઘર્ષથી, હા, નાપાસથી નાસીપાસ થયા વિના માથું ઊંચું રાખીને આગળ વધીએ. કોઈએ કહ્યું છે કે હાર અને નિષ્ફળતા જીત અને સફળતાનું પ્રથમ પગથિયું છે.

(શબ્દો ૧૩૯૭)

Last Changed 16-9-2015
Next Change 1-10-2015
Fr Varghese Paul SJ © copy right 2015

ઓણમ એક સાંસ્કૃતિક તહેવાર

ઓણમ એક સાંસ્કૃતિક તહેવાર
ફાધર વર્ગીસ પૅાલ
વિશ્વભરમાં જ્યાં જ્યાં મૂળ કેરળના મલયાલી (મલયાલમ ભાષાના) લોકો વસે છે ત્યાં ત્યાં દર વર્ષે ખૂબ ધામધૂમથી ઓણમનું પર્વ ઊજવવામાં આવે છે. એક સાંસ્કૃતિક તહેવાર તરીકે બધા મલયાલીઓ ધર્મ કે સંપ્રદાય, નાત કે જાત, વંશ કે કોમના કોઈ ભેદભાવ વિના ઓણમ ઊજવે છે. ઓણમનું પર્વ મલયાલમ મહિના ચિન્ગમ (ઍાગસ્ટ- સપ્ટેમ્બર)માં ઊજવાય છે. ગયા વર્ષે ઓણમ સપ્ટેમ્બરની ૭મીએ ઊજવાયો હતો. આ વર્ષે ઓગસ્ટની ૨૮મીએ ઓણમ ઊજવવામાં આવશે.

કેરળમાં પ્રાચીનકાળથી ઓણમ ઊજવાય છે. એક પ્રચલિત દંતકથા મુજબ પૌરાણિક જમાનામાં ‘મહાબલી’ નામે અસુરોના એક લોકપ્રિય રાજા હતા. રાજા મહાબલીના સમયમાં રાજ્યમાં લોકો વચ્ચે સર્વત્ર શાંતિ અને આબાદી પ્રવર્તતી હતી. રાજા ને પ્રજા એકબીજાના શુભેચ્છકો હતા. પ્રજાવત્સલ મહાબલી બધા લોકોનું કલ્યાણ કરતા હતા. લોકો રાજાથી અને રાજા પ્રજાથી ખૂબ ખુશ હતા. મહાબલીના રાજ્યકાળને કેરળનો સુવર્ણયુગ ગણવામાં આવે છે.

onam

મલયાલમમાં ઓણમ અંગેનું એક લોકપ્રિય ગીત આ વાત સ્પષ્ટ કરે છે. એ ગીતના શબ્દો છે:

જયારે મહાબલી રાજ્ય કરતા હતા
ત્યારે લોકો બધા સરખા હતા.
બધા લોકો ખુશમિજાજમાં હતા.
સૌ લોકો નિરુપદ્રવી હતા.
લોકોમાં કોઈ પ્રકારની છેતરપિંડી નહોતી.
ચિંતા અને માંદગીનું પણ નામોનિશાન નહોતું.
બાળમૃત્યુ વિશે કોઈએ સાંભળ્યું પણ નહોતું.
કોઈ માણસ જૂઠું બોલતો નહોતો.
કોઈ ચોરી કે લૂંટફાટ કરતો નહોતો.
વજન કરવામાં કે માપ લેવામાં
સો ટકા સચ્ચાઈ રાખવામાં આવતી હતી.
મહાબલીના રાજ્યકાળ દરમિયાન
ધર્મ કે કોમને નામે કોઈ ભેદભાવ નહોતો.
કારણ, સૌ માણસો સરખા ગણાતા હતા.

પૌરાણિક કથા અંગેના આ કાવ્યમાં દેખીતી રીતે આધુનિકતાના ખ્યાલો દેખાય છે. છતાં આ કાવ્યમાં એની રચનાકાળની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે. અહીં સાંપ્રત સમયના રાજા અને અન્ય સત્તાધારી માણસો આગળ ધરવા માટેના આદર્શો અને માર્ગદર્શનની વાત કરવામાં આવી હોય એવું લાગે છે. ગમે તે હોય આજે ઓણમ તહેવારની ઉજવણીમાં રાજા મહાબલીના કાળની આબાદી અને શાંતિ યાદ કરીએ ત્યારે મહાબલીના અંત વિશેની દંતકથા પણ યાદ કરીએ.

એક દંતકથા મુજબ પ્રાગૈતિહાસિક કાળમાં રાજા મહાબલીની કીર્તિ અને લોકોની આબાદીથી સ્વર્ગમાં દેવો છંછેડાયા. કારણ, લોકો દેવોને ભૂલી જઈને મહાબલી તરફ ઢળી જતા હતા. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્વર્ગમાં એક સભા ભરીને મહાબલીને નાથવાની યોજના ઘડી કાઢવામાં આવી. દેવો જાણતા હતા કે રાજા મહાબલી ખૂબ ઉદાર હતા; નિષ્કપટ હતા; અને પોતાના લોકો માટે ગમે તે ભોગ આપવા તૈયાર હતા. દેવોની યોજના મુજબ વિષ્ણુદેવ વામન સ્વરૂપ ધારણ કરીને એક નાનું બાળક બનીને પૃથ્વી પર એક બ્રાહ્મણના છૂપારૂપમાં ભિક્ષા માગવા રાજા મહાબલી પાસે પહોંચી ગયા અને માત્ર ત્રણ પગલાં ભરી શકાય એટલું દાન માગ્યું.

ઉદાર રાજા મહાબલીએ તરત જ બ્રાહ્મણના રૂપમાં આવેલા વામનને ત્રણ પગલાંનું દાન આપ્યું. એટલે વિષ્ણુદેવ પોતાનું સાચું રૂપ ધારણ કરીને પ્રથમ પગલાંથી આખી પૃથ્વી અને બીજા પગલાંથી સમગ્ર આકાશ માપી લીધાં. પછી ત્રીજું પગલું લેવા માટે રાજા મહાબલી પાસે આવ્યા. પોતાનું વચન પાળવામાં પ્રતિબદ્ધ રાજાએ વિષ્ણુદેવના ત્રીજા પગલાં માટે પોતાનું માથું ધર્યું. વિષ્ણુદેવે મહાબલીને પાતાળલોકમાં મોકલવા માટે પગ ઉપાડ્યો. પરંતુ વિષ્ણુદેવ ત્રીજું પગલું લે તે પહેલાં પ્રજાવત્સલ રાજા મહાબલીએ વિષ્ણુ પાસે એક વરદાન માગ્યું: વર્ષમાં એકાદ વાર પોતાની પ્રજાને મળવાનો અને એમના આનંદોલ્લાસમાં આવવાનો અવસર. મહાબલીને વર્ષમાં એકાદ વાર પૃથ્વીના દર્શને આવવાનું વરદાન મળ્યું. આમ, મહાબલીના પૃથ્વીસંદર્શનનો દિવસ એટલે ઓણમ.

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી લોકો કુલ ૧૦ દિવસ ઓણમ ઊજવે છે. મલયાલમ વર્ષના પ્રથમ દિવસથી ઓણમની ઊજવણી શરૂ થાય છે. ગુજરાતમાં વિશેષ પ્રસંગે ઘર કે સંસ્થાના આંગણને રંગોળીથી સજાવવામાં આવે છે. મલયાલી લોકો ઓણમનો પ્રથમ દિવસ રંગોથી નહિ, પણ રંગબેરંગી ફૂલોથી અજબગજબની રંગોળી બનાવે છે. ગુજરાતી લોકો નવરાત્રિમાં ગરબા રમે છે તેમ ઓણમની ઊજવણીમાં વિવિધ પ્રકારનાં નાચગાનનું મનોરંજન હોય છે. કેરળમાં ઓણમની એક આગવી વિશેષતા ‘બોટ-રેઈઝ’ એટલે સોએક સશક્ત માણસોની તાલબદ્ધ રીતે લાંબી હોડી ખાડીમાં ખૂબ ઝડપથી ચલાવવાની સ્પર્ધા. આ ‘બેટ રેઈઝ’ માણવા માટે દેશવિદેશના મુસાફરો આવતા હોય છે.

મહાબલી અને વિષ્ણુદેવની દંતકથામાં લોકોની ધનસંપત્તિ અને આબાદીની વાત છે. આજે પણ કેરળ શિક્ષણ, તબીબી સેવા અને સામાજિક માપદંડોની ર્દષ્ટિએ બીજાં બધાં રાજ્યો કરતાં ખૂબ આગળ છે. એટલે ભારતનાં ઘણાં બધાં રાજ્યોમાંથી તાલીમ પામેલા અને થોડીઘણી આવડતવાળા કામદારો નોકરી-મજૂરી માટે કેરળ પહોંચે છે. કારણ, આખા દેશમાં કેરળમાં સૌથી વધારે મજૂરી મળે છે. ત્યાં બહારના કામદારો પાકાં મકાનોમાં જરૂરી સગવડ સાથે ભાડે રહીને પણ વતનમાં ઘરે મોકલવા જેટલી કમાણી અને બચત કરી શકે છે. કેરળમાં કામદારોની કોઈ ઝૂંપડપટ્ટી જોવા ન મળે. ઉત્તર ભારતનાં શહેરોમાં જોવા મળતી ઝૂંપડપટ્ટી કેરળમાં નથી. જોકે કેરળની આ આબાદી સાથે ત્યાં શિક્ષિત બેકારી, દારૂનું સેવન અને આત્મહત્યા જેવાં ઘણાંબધાં દૂષણો ઘર કરી બેઠાં છે.

આ સંદર્ભમાં ઓણમનો તહેવાર ઊજવવા સાથે મહાબલી અને વિષ્ણુદેવની દંતકથામાંથી આપણે એક મોટો પાઠ ભણી શકીએ. મોટા માણસો, ખાસ તો સત્તાવાળાઓ અને રાજ્યકર્તાઓ, વિવિધ પ્રકારના દાવપેચ રમીને સાદાસીધા માણસોને અન્યાય અને અનીતિ કરતા હોય છે. એટલે આપણે ન્યાય અને સદાચારને રસ્તે હંમેશાં સાવધાન રહેવાની જરૂર છે. આજકાલ દેશમાં સર્વત્ર ઉપરથી માંડી છેક તળિયે સુધી ભ્રષ્ટાચાર આચરવામાં આવે ત્યારે એનો ભોગ બનવા સામે જાગૃત રહીએ.

આપણો દેશ બંધારણીય રીતે પ્રજાશાહી, વિવિધતામાં એકતા, બિનસાંપ્રદાયિકતા, સામાજિકતા, સમાનતા, સમાન તક ને હક્ક જેવાં મૂલ્યો અને આદર્શોને વરેલો છે. ઓણમ જેવા તહેવારોને આપણે પરસ્પર ભાઈચારાની ભાવના કેળવવા અને સમગ્ર જીવનમાં આપણાં મૂલ્યો અને આદર્શોનું જતન કરવાની અનોખી તક તરીકે ઊજવીએ. ઓણમની ઉજવણીમાં સૌના કલ્યાણ અને આબાદીના પ્રતીક સમા મહાબલીને વર્ષમાં એકાદ વાર આવકારતાં આપણી ભારતીય સંસ્કૃતિ લોકસમસ્તાય સુખીનો ભવન્તુ (બધા લોકોનું કલ્યાણ થાઓ) અને વસુધૈવ કુટુંબકમ્ (સમગ્ર વિશ્વ એક પરિવાર)ની ભાવનાઓને આપણામાં જાગ્રત કરવા પ્રયત્નશીલ રહીએ.

દાતરડું અને હથોડીના ક્રૂસે ચડાવેલો ઈસુ

દાતરડું અને હથોડીના ક્રૂસે ચડાવેલો ઈસુ
ફાધર વર્ગીસ પૅાલ
(પોપ ફ્રાન્સિસને કદાચ ગમ્યો નહોય પણ મને ગમેલા એક ક્રૂસની વાત)
sickle

‘હું દાતરડું અને હથોડીવાળા લાલ ધ્વજથી સારી પેઠે પરિચિત છું. મારી કિશોરાવસ્થામાં દાતરડું અને હથોડીવાળો સામ્યવાદી લાલ ધ્વજ કેરલમાં બધેય ફરફરતો હતો. કારણ, આખી દુનિયામાં સૌ પ્રથમ વાર પ્રજાશાહીમાં ચૂંટાઈને કેરલમાં સામ્યવાદી સરકાર ૧૯૫૬માં સત્તા પર આવી હતી.

પણ થોડા દિવસ પહેલાં ૨૦૧૫ જુલાઈની ૧૧મી તારીખે એક મિત્રે ફેસબુક દ્વારા મોકલેલા અનોખા ચિત્રથી મને ખૂબ નવાઈ લાગી! એ ચિત્રમાં દાતરડું અને હથોડીથી બનેલા ક્રૂસ પર ઈસુનું ખૂબ કલામય રીતે કોતરેલી મૂર્તિ જોઈ. એ કોતરેલા એ ક્રૂસ સાથે બે મહાનુભવોની હાજરી એને એક ઐતિહાસિક પ્રસંગનો દરજ્જો આપ્યો. બોલિવિયાના પ્રમુખ એવો મોરાલેસે ઈસુ અને દાતરડું તથા હથોડીવાળું એ ક્રૂસનું કોતરકામ વડાધર્મગુરુ પોપ ફ્રાન્સિસને ભેટમાં આપતા હતા.

મારા ફેસબુક-પાના પર મિત્રે મોકલેલા એ ઈસુની કલામય પણ વિચિત્ર મૂર્તિ જોઈને આલોચનારૂપે મેં તરત જ મારો પ્રતિભાવ આપ્યો: “નિરીશ્વરવાદી સામ્યવાદ પર ક્રૂસે ચઢાવેલા ઈસુનો વિજય થયો છે.” પછી મેં જોયું કે દાતરડું, હથોડી ને ઈસુવાળા એ કોતરેલી રચનાનું ચિત્ર ‘યુ-ટૂબ’, ઇન્ટરનેટ, છાપાં-સામયિકો ને ટેલિવિઝનમાં ખુબ ફેલાયું છે. લોકો એના વિશે જાતજાતના પ્રતિભાવો આપતા હતા. પત્રકારો એના પર ભાતભાતના અવલોકનો કરતા હતા. વળી, એ પ્રતિકાત્મક કોતરકામની રચનાએ ખૂબ ચર્ચાઓ અને વિવાદો સર્જ્યાં છે.
કેટલાક સમાચારો મુજબ બોલિવિયાના પ્રમુખ મોરાલેસે ભેટમાં ધરેલા દાતરડું ને હથોડા સાથે ઈસુનું કોતરેલો ક્રૂસ જોઇને પોપ ફ્રાન્સિસે મૂંઝાઈ ગયા હતા અને એમણે કહ્યું હતું કે, “આ તો સારું નથી.” મૂડીવાદ અને બજારી સત્તાની કડક આલોચના કરનાર પોપ ફ્રાન્સિસ સામે કેટલાક લોકોનો આરોપ છે કે પોપનું પોતાનું વલણ કે ઝુકાવ સામ્યવાદી તરફી છે. દુનિયાભરમાં એકબાજુ મૂડીવાદીઓ સત્તા ને સંપત્તિમાં આળોટે છે ત્યારે બીજી બાજુ મોટા ભાગના લોકો ગરીબી અને ભૂખમરો વેઠે છે ને મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહે છે! આ પરિસ્થિતિ સામે પોપ ફ્રાન્સિસે વારંવાર પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને તેમણે ઘણીવાર ગરીબોની તરફેણ કરી છે. એટલે પોપ ફ્રાન્સિસને સામ્યવાદી કહેનાર લોકોનો તોટો નથી.
આ સંદર્ભમાં જ બોલિવિયાના પ્રમુખ મોરાલેસની ભેટને જોવાની કે મૂલવાની હોય છે. એટલે પોપ ફ્રાન્સિસને આપેલી ભેટનો વિરોધ કરનાર કે એને અજુગતી ગણનાર પ્રતિભાવો આપણે સમજી શકીએ.

પ્રમુખે મોરાલેસે પોપ ફ્રાન્સિસને આપેલી ભેટ સામે અફસોસ વ્યક્ત કરનારાઓને ઉદ્દેશીને બોલિવિયાના સંદેશ વ્યવહારના પ્રધાન મારિયાનેલા પાકોએ કહ્યું કે, દાતરડું એ આપણા મનમાં ખેડૂતનો ખ્યાલ કરાવે છે અને હથોડો સુથારનું સ્મરણ કરાવે છે. બંને નમ્ર કામદારોનું પ્રતિનિધિત્વ કરાવે છે. એટલે સામાન્ય ઈશ્વરીય પ્રજાનો ખ્યાલ આપવા સિવાય ભેટનો અન્ય કોઈ હેતુ નથી.
અહીં એક વાત ખાસ નોંધનીય છે. દાતરડું અને હથોડા સાથેના ક્રૂસના કોતરકામનું મૂળ રચના મારા જેવા પણ એક કલાકાર ઈસુસંઘી ફાધર લ્યુઈઝ એસપિનાલે કરી હતી. તેઓ ૧૯૮૦માં બોલિવિયાના જમણેરી લશ્કરી દળના હાથે શહીદ થયા હતા. સામ્યવાદના પ્રતિકસમા દાતરડા અને હથોડાથી બનેલા ક્રૂસ પર ઈસુની કોતરકામની મૂર્તિની રચના કરવામાં આવી છે. હું માનું છું કે મારા ઈસુસંઘી બંધુ લ્યુઈસ એસપિનાલે એ અનોખી રચના કોઈ બદઇરાદાથી નહિ પણ શુભહેતુથી જ કરી હશે. ઈસુએ ચીંધેલા માર્ગે ગરીબોની પડખે રહેવામાં તેમ જ એમના હક્કો અને ન્યાયી માગણીને પોતાના આચારવિચારથી વાચા આપવામાં લ્યુઈસ મોખરે રહ્યા હતા. તેઓ એક કવિ, ફિલ્મો બનાવનાર અને પત્રકાર તરીકે બોલિવિયાના ખનીજના કામદારો વચ્ચે રહીને કામ કરતા હતા.

ગરીબ લોકો વચ્ચે એમનામાંનો એક તરીકે જીવનાર પત્રકાર, કવિ અને સિને-કલાકાર લ્યુઈસે ઊંડાં ચિંતનમનન કરીને સર્જેલા દાતરડા ને હથોડીવાળા ઈસુના ક્રૂસ પાછળ ઉદાત્ત ભાવના હશે. હું માનું છું કે, બધા માણસો માટેના ઈસુના બિનશરતી પ્રેમનો સંદેશ જ એમને એવો દાતરડું ને હથોડીવાળો ક્રૂસની રચના કરવા પ્રેર્યા હશે.

એક વાર પ્રભુ ઈસુએ પોતાના બાર શિષ્યોને કહ્યું હતું, “ખ્યાલ રાખજો! હું તમને વરુઓની વચ્ચે ઘેટાંની જેમ મોકલું છું, એટલે સાપના જેવા સાવધ અને પારેવાં જેવા ભોળા રહેજો.” (માથ્થી ૧૦: ૧૬) ઈસુસંઘી લ્યુઈસ એસપિનાલ બોલિવિયાના સરમુખત્યાર લ્યુઈસ ગારસિયા મેત્સાના સમયમાં જીવ્યા હતા. સરમુખત્યાર મેત્સાના સમયમાં બોલિવિયા લોહીલુહાણ થયું હતું. આવા સમયે સામ્યવાદી સરમુખત્યારશાહીમાં દાતરડું ને હથોડીવાળા ક્રૂસની રચના કરીને ઈસુસંઘી ફાધર લ્યુઈસે પયગંબરી કામ જ કર્યું છે. મારી ર્દષ્ટિએ એ ક્રૂસ દ્વારા ફાધર લ્યુઈસે ભવિષ્યવાણી ભાખી હતી કે, સામ્યવાદી સરમુખત્યાર સત્તાનો અંત આવશે અને ક્રૂસે ચડાવેલા ઈસુનો વિજય થશે.

ઈસુસંઘી ફાધર લ્યુઈસની ભવિષ્યવાણી બોલિવિયામાં સાચી પડી છે. ફાધર લ્યુઈસ શહીદ થયા તે ૧૯૮૦ માર્ચ ૨૧મીનો દિવસ હતો. એટલે જ ૨૦૦૭માં બોલિવિયાના હાલના પ્રમુખ એવો મોરાલેસે ફાધર લ્યુઈસના માનમાં “બોલિવિયન સિનિમા ડે” તરીકે જાહેર કર્યો છે.

કોઈકે પ્રભુ ઈસુને “સામ્યવાદી” કહ્યો છે. ઈસુએ સૌ લોકોની સમાનતા, ગરીબો ને કામદારોના હક્કો તથા અધિકારોની હિમાયત કરી છે. માનવગરિમા અને નીતિન્યાયના પડખે રહેનાર ઈસુને “સામ્યવાદી” કહેવામાં કોઈ વાંધો નથી. પણ ખરા સામ્યવાદના પંથ ભૂલી જઈને સત્તામાં રચ્યાપચ્યા રહેનાર સરમુખત્યારશાહી લોકોને ફાધર લ્યુઈસે ઘોષણા કરેલાં ઈસુનાં પ્રેમ, સેવા, માફી, સમાનતા ને માનવ-ગરિમાનો શુભસંદેશ રુચશે નહિ. એટલે જ ફાધર લ્યુઈસને શહીદ થવું પડ્યું છે. એટલે ફાધર લ્યુઈસના મૃત્યુમાં સરમુખત્યારશાહીનું મૃત્યુ થયું અને દાતરડું ને હથોડીવાળા ક્રૂસનો વિજય થયો છે.

પોપ ફ્રાન્સિસે બોલિવિયાની મુલાકાત વખતે ફાધર લ્યુઈસ શહીદીને વરેલા ‘લા પાઝ’ (શાંતિ)ની સ્મારક જગ્યા પર પહોંચ્યા હતા અને ત્યાં ભેગા થયેલા લોકો સાથે ફાધર લ્યુઈસને સ્નેહાંજલિ અર્પી હતી. (શબ્દો ૭૫૪)

(લેખક સાથે સંપર્ક: vpaulsj@jesuits.net & cissahd@gmail.com)

પ્રેમાંજલિ

પ્રેમાંજલિ.
જોસેફ સર
ફાધર વર્ગીસ પૅાલ

ખૂબ પ્રેમથી, આદરથી, પૂજય ભાવથી લેવાતું હુલામણું નામ છે, ‘જોસેફ સર’. મને રસ્તામાં ૨૦૧૫ જૂનની બીજી તારીખે સાંજે ફોન મળ્યો. રડતા રડતા મારા સહકાર્ય સ્નેહલનો અવાજ સાંભળ્યો: “ફાધર, મારા પપ્પા ઈઝ નો મોર” મારા પપ્પા આ દુનિયામાં નથી. હું મણિનગરના હાટકેશ્વર તરફ ગાડી ચલાવતો હતો. “હું આવું છું” મેં સ્નેહલને કહ્યું અને મારી ગાડી વટવા તરફ ચલાવી. સાંજના ટ્રાફિકની ગિરદીમાંથી બહાર નીકળીને મેં ગાડી રસ્તાની બાજુમાં ઊભી રાખીને સ્નેહલને પુછ્યું: “પપ્પા ક્યારે ગુજરી ગયા? હું ઘરે આવું ને?” ‘ના, ફાધર. પપ્પાના મૃતદેહને વાડીલાલ હોસ્પિટલના મોર્ગમાં રાખ્યો છે. કાલે સવારે સાડા નવ વાગ્યે મૃતદેહ ઘરે લાવવામાં આવશે. તમે દફનવિધિ માટે આવજો.”
મને લાગે છે કે જોસેફ સરના બેસણા વખતે વહેચેંલા સ્મૃતિચિત્રના શબ્દો એમના જીવન વિશે ઘણું કહી જાય છે કે,

snehalfather

“જીવન એવું જીવી ગયા કે ભૂલાય નહિ,
વિદાય એવી લીધી કે વિસરાઈ નહિ,
અચાનક આપની વિદાય માની શકાય નહિ.”

જોસેફ સરનું જીવન આદર્શમય અને નમુનારૂપ હતું. ફક્ત એમના કુટુંબીજનો જ નહિ પણ એમના મિત્રો અને એમના હાથ નીચે ભણેલા છોકરા-છોકરીઓ પણ એમને હંમેશાં ખુબ પ્રેમથી અને આદરથી યાદ કરશે. જોસેફ સરની ફક્ત ૭૩ વર્ષની ઉમંર આજકાલ ખૂબ મોટી ઉંમર ના ગણાય. એકોતેર વર્ષ સુધી એમની તબિયત ખૂબ સારી રહી હતી. પરંતુ અટપટા કૌટુંબિક પ્રશ્નો અને ૨૦૧૫ના ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મોઘાં દવાદારૂ અને કુટુંબીજનોની પ્રેમાળ સારવાર જોસેફ સરને બચાવી શક્યા ના શક્યા. એટલે એમની વિદાય કદી વિસરાય નહિ એવો વાસ્મો રહ્યો. એક નિષ્ઠાવાન અને મોભાદાર વ્યક્તિ તરીકે આપણી વચ્ચે રહેલા જોસેફ સર હવે આપણી વચ્ચે એક આગવું અસ્તિત્વ ધરાવે છે. એ પ્રેરણારૂપ અસ્તિત્વ છે. આદર્શમય અસ્તિત્વ છે. જીવનનું મૂલ્યસભર અસ્તિત્વ છે.

મારી દીક્ષા પછી ૧૯૭૭માં મારી નિમણુક ‘દૂત’ના તંત્રી તરીકે થઈ ત્યારથી ‘દૂત’ના પ્રચાર-ફેલાવ માટે હું ગોમતીપુર તાબામાં અને આસપાસની ચાલીઓમાં જતો હતો. એમાં “ફાધરના માસ્ટરો” અને સ્કુલના કૅથલિક શિક્ષકો મારા માર્ગદર્શકો તરીકે મને ચાલીઓમાં અને દરેક ખ્રિસ્તી ઘરોમાં લઈ જતા.

શિવનગરના ખ્રિસ્તી મહોલ્લામાં જોસેફ સરને એમના ઘરમાં સૌ પ્રથમ મળ્યાની યાદ છે. એમનો મારો પરિચય એક પ્રેમાળ વ્યક્તિ, નિષ્ઠાવાન સેવક અને એક ઉમદા માણસ તરીકેનો છે.
એક પ્રેમાળ વ્યક્તિ તરીકે જોસેફ સરે પોતાના કુંટુંબ અને ચાલીમાં જ નહિ પણ પોતાના તાબા અને કૅથલિક સમાજના ઘણા બધા લોકો સાથે પ્રેમસંબંધ નિભાવ્યો છે. વટવામાં આજના જેવો વિકાસ થતાં પહેલા હું ૧૯૮૪થી દર રવિવારે વટવામાં પરમપુજા માટે જતો હતો અને જોસેફ સર વટવાના વેટિકન પાર્કમાં ઘર કરીને રહેવા આવ્યા ત્યારથી તેમને સંપર્કમાં રહેવાની અને એમના નિ:સ્વાર્થ પ્રેમનો અનુભવ કરવાની તક મળી છે. જોસેફ સરનો દીકરો સ્નેહલ મારા કાર્યાલયમાં ૧૯૯૭માં જોડાયો, ત્યારથી જોસેફ સર જોડે નિયમિત સંપર્કમાં રહ્યો છું. ફક્ત મારે માટે જ નહિ પણ એમના ઘરમાં આવનાર સૌને માટે પ્રેમભર્યો આવકાર મળે છે. ઓછાબોલા અને શાંત સ્વભાવના જોસેફભાઈના સસ્મિત આવકારમાં એમના એક કુટુંબીજન હોવાની અનુભૂતિ થાય.
બીજું, મારી દ્રષ્ટિએ જોસેફ સાહેબ પોતાની સમગ્ર જિંદગીમાં એક નિષ્ઠાવાન સેવક રહ્યા છે. ઇતર ધર્મોના લોકોને ખબર ન હોય કે “જોસેફ” સરનું નામ બાઇબલમાં ખૂબ જાણીતું નામ “જોસેફ કે યોસેફ” પરથી પાડવામાં આવ્યું છે. બાઇબલ “યોસેફ”ને “ધર્મિષ્ઠ માણસ” કે “નિષ્ઠાવાન સેવક” તરીકે ચિતરવમાં આવ્યું છે. એમના રક્ષક સંત “યોસેફ”ની જેમ જોસેફ સરને પણ નિ:સંકોચપણે “નિષ્ઠાવાન સેવક” કે “ધર્મિષ્ઠ માણસ” તરીકે ચિતરી શકાય. બાઇબલમાં જે રીતે યોસેફ બાળક ઈસુ અને એમની માતા મરિયમની સંભાળ રાખી છે તેવી જ નિષ્ઠા અને સમર્પણભાવથી જોસેફ સરે પોતાની બધી કૌટુંબિક, સામાજિક અને ધંધાદારી જવાબદારી અદા કરી ગયા છે.

ત્રીજું, જોસેફ સરને એક ઉમદા માણસ તરીકે ઓળખવાનું મને ગમે છે. એમની દફનવિધિમાં બીજા પુરોહિતો સાથે મેં પરમપૂજા અર્પણ કરી ત્યારે વટવાનું હોલી સ્પિરિટ ચર્ચ ભરીને જોસેફ સરનાં સબંધીઓ, મિત્રો તેમજ તેમના કદરદારો પરમપૂજામાં અને પછી સ્મશાનમાં મોટી સંખ્યામાં ભેગાં મળ્યાં હતાં. એજ રીતે, ૨૦૧૫ જૂનની ૭મીએ રવિવારે એમના બેસણામાં પણ લોકો મોટી સંખ્યામાં એમને પ્રેમાંજલિ આપવા માટે ભેગાં થયાં હતાં.

તે પ્રસંગે બોલનારા જોસેફ સરના સબંધીઓ અને મિત્રોએ એક ઉમદા માણસ તરીકે જોસેફ સરની અનોખી સેવાની ખાસ કદર કરી હતી. જિંદગીના મોટા ભાગે શિક્ષક રહેલા જોસેફ સર માટે શિક્ષકની પોતાની નોકરી કેવળ એક વ્યવસાય નહોતો, પરંતુ ખૂબ સમર્પિત સેવાની એક હાકલ કે ઉમદા તેડું હતું. એટલે જોસેફ સર ફક્ત એક ઉત્તમ શિક્ષક નહિ પણ પોતાના છોકરા-છોકરીઓમાં જીવનના ઉમદા મૂલ્યોનું ઘડતર કરનાર એક કેળવણીકાર હતાં.

ગોમતીપુર સેન્ટ જોસેફ સ્કુલમાં વર્ગ બહાર પણ જોસેફ સર એક ખાનદાની માણસ તરીકે એમનાથીય નાની ઉંમરના પ્રિન્સિપાલ ફાધરોને તેમજ એમનાં સાથીદાર શિક્ષક-શિક્ષિકોને પણ મદદ કરવામાં હંમેશાં તૈયાર રહ્યા હતા. સ્કૂલમાંથી નિવૃત્ત થયા પછી પણ તેમણે અમદાવાદ શહેરથી દુર સાણંદ જઈને ત્યાં સેન્ટ મેરીસ સ્કૂલમાં ગણિત ભણાવવામાં લાંબા સમય માટે નિષ્ઠાભરી ઉમદા સેવા કરી છે.

જોસેફ સરના દુ:ખી પરિવારમાં એમનાં પત્ની આલોઇસ્યાબહેન અને બાળકો વીણા, સ્નેહલ, મોના, સોનલ અને જેનેટ અને એમનાં કુટુંબીજનોને આપણે દિલાસો આપીએ.

લેખક સાથે સંપર્ક: cissahd@gmail.com
(Last Changed : 01-07-2015)
(Next Change : 16-07-2015)
Fr. Varghese Paul © Copyright 2015

બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સ્વતંત્રતાના પડકારો

બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સ્વતંત્રતાના પડકારો
ફાધર વર્ગીસ પૉલ, એસ.જે.

અંગ્રેજીમાં એક કહેવત કહે છે કે એક ખોરાકની ચકાસણી એને ચાખીને પુરવાર કરવામાં છે.

મોદીની સરકાર સત્તા પર આવ્યા પછી લઘુમતીઓ ઉપર, વિશેષ તો ખ્રિસ્તીઓ અને મુસ્લિમો ઉપર કોમી હિન્દુત્વવાદીઓનો હુમલો કોઈ રોકટોક વગર ચાલતા જ રહ્યા છે. ઘરવાપસીને નામે સંઘ પરિવારના લોકો ગરીબ અને દલિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ધર્મપલટો કરાવી હિન્દુ બનાવવાના કાર્યક્રમો જાહેરમાં ચલાવે છે. એમાં આપણા બંધારણ વિરુદ્ધ લાલચ આપીને, પ્રલોભનથી, લોભાવીને કે બળજબરી પણ વાપરીને આર્ય સમાજના લોકો ધાર્મિક વિધિથી હિન્દુ બનાવ્યાના અહેવાલો છે.

વળી, ખ્રિસ્તીઓને હિન્દુ બનાવવા માટે અમુક રકમ અને મુસ્લિમોને હિન્દુ ધર્મમાં લાવવા માટે બમણી રકમનું ભંડોળ જાહેરાતો દ્વારા પણ એકઠા કરવામાં આવે છે! વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખો આગળ બે જ મહિનાના ગાળામાં રાજધાની નવી દિલ્હીમાં પાંચ ખ્રિસ્તી દેવળો અને એક શૈક્ષણિક શાળા ઉપર હુમલાઓ થયા છે!

આમ તો લોકસભાની ચૂંટણીની તૈયારીના સમયથી જ ઉત્તરપ્રદેશથી માંડી દેશમાં ખાસ તો ભાજપ શાસિત રાજ્યોમાં ઠેરઠેર ‘લવ જેહાદ’નાં સૂત્રો પોકારી રહ્યાં છે. નવી દિલ્હીમાં ભાજપની મોદી સરકાર આરૂઢ થયા પછી બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધના આવાં બધાં પરિબળો અને કાર્યક્રમો દેશભરમાં જોરદાર બન્યાં છે. છતાં વડાપ્રધાન છેલ્લા નવેક મહિનામાં કુંભકર્ણની ઊંઘમાં હોય તેમ મૌન પાળી રહ્યા છે.
દ્બવડાપ્રધાન મોદીના મૌનથી હિન્દુ ધર્મના કેટલાક સાધુઓ, ધર્મગુરુઓ, સાધ્વીબહેનો તથા રાજકારણીઓને જાણે લઘુમતીઓ સામે વેર અને ધિક્કારની ઝેરીલી વાતો ઓખવાની છૂટ મળી ગઈ. તેઓ પોતપોતાના શિષ્યો અને અનુયાયીઓ દ્વારા લઘુમતીઓની સત્તામણી કરવા માટે મેદાને પડ્યા છે! આ અરાજકતા અને અસહિષ્ણુતા પ્રત્યે મોદી સરકાર આંખ આડા કાન કરે છે.

મિત્ર રાષ્ટ્ર ભારતની આવી બધી અરાજકતાના અને લઘુમતીઓની સત્તામણીના સમાચારો જાણીને અમેરિકાના પ્રમુખ બારાક ઓબામાએ સીરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે કરેલી વાત દેશવિદેશના સમાચાર-માધ્યમોમાં ચમકી છે. ઓબામાએ કહ્યું, “દરેક વ્યક્તિને કોઈ પણ પ્રકારના જુલમ, ભય કે ભેદભાવ વિના પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે અને જ્યાં સુધી ભારત ધર્મના આધારે વિભાજિત થશે નહિ ત્યાં સુધી સફળ થતું જ રહેશે…. વિવિધતામાં એકતા જ ભારત અને અમેરિકાને એકબીજા સાથે જોડતી તાકાત છે અને બન્ને દેશોએ વંશીય આધાર પર વિભાજનના પ્રયાસો સામે સતત સાવચેત રહેવાનું છે. આ બાબત જ આપણને ‘વર્લ્ડ લીડર્સ’ બનાવે છે; નહિ કે આપણા અર્થતંત્રનું કદ કે પછી આપણો શસ્ત્રસરંજામ કાફલો.” (નયા માર્ગ, ફેબ્રુઆરી ૧, ર૦૧પ)

પ્રજાસત્તાક દિન ર૦૧પમાં પ્રધાનમંત્રી મોદીની મહેમાનગીરી માણ્યા પછી પાછા અમેરિકા જઈને ઓબામાએ ફરી એક વાર ભારતની ધાર્મિક અસહિષ્ણુતા અને ખ્રિસ્તીઓની અને મુસ્લિમોની સત્તામણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગાંધીજીને લઘુમતીઓ પરના હુમલાથી આઘાત લાગ્યો હોત. ઓબામાએ ૯ દિવસની અંદર કરેલી બે ટિપ્પણીનો દેશવિદેશમાં પ્રતિભાવ થયો. પડઘો પડ્યો. ઓબામાની વાતથી ચોંકાવી જઈને પ્રધાનમંત્રી મોદીએ આખરે મૌન તોડ્યું. તેમણે ભારતના કેટલાક ધર્માધ્યક્ષો અને અન્ય ખ્રિસ્તી આગેવાનોની બેઠકમાં નવી દિલ્હી ખાતે ફેબ્રુઆરીની ૧૭મીના રોજ અંગ્રેજીમાં જાહેર વાત કરી કે, તેમની સરકાર કોઈ પણ પ્રકારની ધાર્મિક હિંસાને ક્યારેય પણ ચલાવી લેશે નહિ. આવા કૃત્યો સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. અખબારી અહેવાલો મુજબ મોદીએ વધુમાં કહ્યું કે, મારી સરકાર બધા ધર્મોને સમાન આદરમાન આપશે. બધા ધર્મો પ્રત્યે સમાન આદરમાન દરેક નાગરિકના ડ્ઢદ્ગછમાં હોવું જોઈએ. હવે પ્રધાનમંત્રી મોદીની આ કહેણી સંઘપરિવારની કરણીમાં પરિણમશે એવી આશા રાખીએ. કારણ, ખોરાકની ચકાસણી એને ચાખીને પુરવાર કરવામાં આવે છે.

સંઘ પરિવારના કેટલાક આગેવાનોનો પ્રતિભાવ હતો કે ઓબામા ભારતની આંતરિક બાબતોમાં ચંચુપાત કરવાને બદલે ખુદ અમેરિકાની શ્વેત-અશ્વેત પ્રજા વચ્ચેની અસહિષ્ણુતા અને અસમાનતા પ્રત્યે ધ્યાન આપવા જોઈએ. જેમ હાથીના દેખાડવાના અને ચાવવાના દાંતો અલગ છે, તેમ આપણા રાજકરણીઓની કહેણી અને કરણીમાં અંતર રહે છે. ઓબામાનાં અમેરિકામાં ધર્મને નામે કે વંશને નામે કોઈ ભેદભાવ નથી. ત્યાં ફક્ત અમેરિકાના શ્વેત-અશ્વેત નાગરિકોને જ નહિ પણ પરદેશમાંથી દેશાંતર કરીને અમેરિકાના નાગરિક બનેલા વિદેશોનાં ભાઈબહેનો પણ સમાન તક અને સમાન અધિકારો ભોગવે છે. કોઈક વાર આ સમાન તક અને અધિકાર સામે અપવાદરૂપ ભેદભાવ અને ગુનાઓ ત્યાં થાય છે, ખરા.

અમેરિકાથી ‘ધ એશિયન ઈરા’ નામે અંગ્રેજીમાં એક સામયિક નીકળે છે. એના ર૦૧૩ ઓક્ટોબર-નવેમ્બર અંકમાં Challenges to Journalists in Digitalized World ના શીર્ષક હેઠળ મારો એક લેખ આવ્યા પછી એના તંત્રી અજય ઘોષ મને ઈ-મેલ દ્વારા એના અંકો મોકલે છે. એમાં ભારત અને એશિયામાંથી દેશાતંર કરી અમેરિકામાં રહેતા લોકોની સિદ્ધિઓની વાત મને ખૂબ પ્રભાવિત કરી મૂકે છે.

રાજીવ ગાંધી સાથે લગ્ન કરીને ભારતના નાગરિક અને વહુ બનેલાં સોનિયા ગાંધીને ‘ઈટલીની બેટી’ કહેનાર કદી સમજી ન શકે કે કેવી રીતે મૂળ ભારતના રિચાર્ડ રાહુલ વર્મા નવી દિલ્હી ખાતે અમેરિકાના નવા એમ્બેસેડર (એલચી) બની શકે છે. વળી, મૂળ ભારતના બોબી જિન્દાલ અને નિક્કી હેઈલી યથાક્રમે અમેરિકાનાં લૂસિયાના અને સાઉથ કારોલિના રાજ્યોના ગવર્નરો (રાજ્યપાલો) બની શકે છે. હું માનું છું કે, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ઉછરેલા આ ત્રણ મહાનુભવોએ અમેરિકાના ખ્રિસ્તીઓથી પ્રભાવિત થઈને પ્રભુ ઈસુ પરની ઊંડી શ્રદ્ધાથી ધર્મપલટો કરી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હશે.
દ્બબોબી જિન્દલ અને રિચાર્ડ રાહુલ જેવા સવર્ણ હિન્દુમાંથી ધર્મપલટો કરી ખ્રિસ્તી ધર્મ અપનાવનાર ઘણા મૂળ ભારતવાસીઓ અમેરિકામાં છે. જેમ તેઓ અમેરિકાની સંસ્કૃતિ અને ખ્રિસ્તી ધર્મ સાથે ઓતપ્રોત થયા તેમ અમેરિકાના લોકોએ તેમને પોતાના ગણીને અપનાવ્યા. અમેરિકાની બહુમતી ધરાવતી ખ્રિસ્તી પ્રજાએ તેમના પ્રત્યે કોઈ ભેદભાવ રાખ્યા વિના પોતાનામાંનો જ એક નાગરિક ગણીને રાજકારણમાં પણ તેમને ઉચ્ચ હોદ્દાઓ પર ચૂંટી કાઢ્યા છે.
આવા સંદર્ભમાં ર૦૧પ પ્રજાસત્તાક દિન પહેલાં મોદી સરકારે બહાર પાડેલી એક જાહેરાતમાંથી સામાજિક સમાનતા અને બિનસાંપ્રદાયિકતા (Socialism & Secularism) શબ્દો ગુમ થયા છે, એ ખાસ નોંઘપાત્ર છે. ભારતીય બંધારણના આમુખમાંથી આ બે શબ્દો સરકાર કાઢી નાખે ત્યારે બંધારણમાં માનતા સૌ નાગરિકોને ચિંતા અને ભય થાય એ સ્વાભાવિક છે.

ખરું છે કે મૂળ બંધારણમાં આ બે શબ્દો નહોતા. પણ બંને શબ્દોની ભાવનાથી બંધારણ સભર છે. છતાં ઈમરજન્સી વખતે આ બે શબ્દો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યા. આ રીતે બંને નોંધપાત્ર શબ્દો દ્વારા બંધારણની ભાવનાને શબ્દબદ્ધ કરીને બંધારણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી અને સાથે આ બે શબ્દોમાં સમાયેલાં મૂલ્યો અને આદર્શોને પડકારનારાં પરિબળો સામે લાલબત્તી પણ ધરાવવામાં આવી. સૌ લોકો જાણે છે કે ભારતની ધાર્મિક વૈવિધ્ય, સાંસ્કૃતિક વિવિધતા અને લઘુમતીઓના હક્કોનું ખાસ સંરક્ષણ સંઘપરિવારને સ્વીકાર્ય નથી. એટલે તેઓ આ આદર્શો અને મૂલ્યોની સામે જઈને ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવવા માગે છે. તેઓ એ દિશામાં પ્રયત્નશીલ પણ છે.

હવે ભારતને એક હિન્દુત્વ રાષ્ટ્ર બનાવવાના સ્વપ્ન સેવતા લોકોએ બંધારણના આ બે શબ્દો કાઢી નાખવાના પ્રયાસ કર્યો છે. એની સામે દેશભરમાં કરવામાં આવેલા આવેલા વિરોધથી સરકારને પોતાના ગુનાનો ખ્યાલ આવ્યો છે. એટલે મોદી સરકારના અરુણ જેટલીએ વિરોધીઓને ખાતરી આપી છે કે હવે પછી બંધારણનું આમુખ આ બંને શબ્દો સાથે વાપરવામાં આવશે છતાં બંધારણનાં આવાં બધાં ઉદાત્ત મૂલ્યો અને આદર્શો સાચવવા માટે સૌ નાગરિકોને સાવચેતી રાખવાની તાતી જરૂર છે. અંગ્રેજીમાં કહેવાય છે કે શાશ્વત સાવચેતી જ સ્વતંત્રતાની કિંમત છે. (The price of freedom is eternal vigilance).

સેવા એટલે દયાધર્મ

સેવા એટલે દયાધર્મ
ફાધર વર્ગીસ પૅાલ

“આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક માત્ર ગુજરાતી બાળસામયિક” તરીકે ‘સહજ બાળઆંનદ’ જાણીતું માસિક છે. એના તંત્રીશ્રી યશવન્ત મહેતા નિરીશ્વરવાદી છે. એટલે એમના સામયિકના એપ્રિલ ૨૦૧૫ના અંકમાં ક્રૂસનું સ્પષ્ટ આકારે દોરેલું ભૂલભુલામણીનું ચિત્ર જોવાની મને નવી નવાઈ લાગી! કારણ, ક્રૂસ ખ્રિસ્તી ધર્મનું જ નિશાન છે.

ભૂલભુલામણીની એક બાજુ એક છોકરાનું ચિત્ર છે. તો બીજું બાજુ એક ગરીબ માણસનું અસ્પષ્ટ ચિત્ર છે. એની સાથેનું લખાણ કહે છે:
“આ નાનકડા દોસ્તનું નામ વિલ્સન છે. એક વાર એણે એક ગરીબ માણસને જોયો. તરત જ એને મદદ કરવાની ઇચ્છા થઇ. પરંતુ વચ્ચે અટપટો રસ્તો છે. વિલ્સનને તમે ગરીબ માણસ સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો શોધી આપો.”

ક્રૂસનું ચિત્ર, વિલ્સનનું પાત્ર તથા ગરીબને મદદ કરવાની ભાવના સ્પષ્ટ રીતે નિરીશ્વરવાદી તંત્રીશ્રીની ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની સદ્દભાવના પ્રગટ કરે છે. કારણ, ગરીબોને મદદ કરવાની ભાવનાના મૂળમાં ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ અને ખ્રિસ્તી ધર્મ છે. ઈસુ ખ્રિસ્તે પોતાના દુન્યવી જીવન દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. એટલું જ નહિ પણ ઈસુ પોતાના શિષ્યોને ગરીબોની વહારે થવાનો આદેશ આપતા ગયા છે.

ઈસુ પોતાના જાહેર જીવનની શરૂઆતમાં પોતાના જીવનકાર્ય વિશે કહે છે: “તેણે (ઈશ્વર પિતાને) મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભસંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટીદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું” (લુક ૪: ૧૮). વળી, ઈસુના સંદેશના હાર્દરૂપ ગિરિપ્રવચનમાં ઈસુ કહે છે: “અંતરના દીન પરમસુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે (માથ્થી ૫: ૩).

ગરીબોને મદદ કરવાના ઈસુના દાખલા તથા આદેશથી પ્રેરાઈને આદિખ્રિસ્તીઓથી માંડી બધા યુગોના ખ્રિસ્તીઓ ગરીબોને મદદ કરવામાં મંડ્યા રહ્યા છે.
ઈસુનો સંદેશ ફેલાવવામાં પોતાનું આખું જીવન ખર્ચી નાખનાર પ્રેષિત છે સંત પાઉલ. દેશવિદેશમાં ઈસુનો સંદેશ પહોંચાડનાર સંત પાઉલ રોમના ધર્મસંઘ પ્રત્યેના પત્રમાં લખે છે: “અત્યારે તો હું પુણ્યજનો માટે મદદ લઈને યરુશાલેમ જાઉં છું. મકદોનીયા અને અખાયાના લોકોએ યરુશાલેમના ગરીબ પુણ્યજનો માટે થોડો ફાળો ભેગો કરવાનું ઠીક માન્યું છે. તેમણે ઠીક માન્યું છે એ ખરું, પણ ખરું જોતા, તેઓ એમના ઋણી છે; કારણ, તેઓ યહૂદીઓની આધ્યાત્મિક સંપત્તિમાં ભાગીદાર થયા છે તો તેમણે ભૌતિક બાબતોમાં તેમને મદદ કરવી જ જોઈએ (રોમ ૧૫: ૨૫-૨૭).

ગરીબોને મદદ કરવાની વાત ખ્રિસ્તી ધર્મમાંથી દૂર કરવામાં આવે તો મને ખાતરી છે કે, એ ખ્રિસ્તી ધર્મ ઈસુએ સ્થાપેલો ખ્રિસ્તી ધર્મ રહેશે જ નહિ.

ગરીબોને મદદ કરવાની ખ્રિસ્તી ધર્મની ભાવનાથી પ્રેરાઈને આજે બીજા ધર્મોના લોકો તેમ જ કોઈ ધર્મમાં માનતા ન હોય એવા લોકો પણ ગરીબોની વહારે થાય છે. આ રીતે જોઈએ તો સમગ્ર માનવસમાજમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ જોઈ શકાય છે. છતાં ખ્રિસ્તી ધર્મ કેવળ સામાજિક સેવા કરતી એક સંસ્થા નથી.

ખ્રિસ્તીઓના સેવાકાર્યો પાછળ માણસ પર ઈશ્વરની દયાનો સ્વીકાર છે. આપણે કહીએ છીએ કે, ઈશ્વર દયાળુ છે. ઈશ્વર પરમ કૃપાળુ છે. બાઇબલના હોશિયાની પયગંબરી વાણીમાં ઈસુ કહે છે, “હું તો દયા ઇચ્છું, નહિ કે બલિઓ” (માથ્થી ૯: ૧૩). બાઇબલમાં ઈશ્વરની દયા કે કરુણાની વાત ઘણી વાર આવે છે. ‘રાજવૃત્તાંતો’નાં પ્રથમ ગ્રંથમાં રાજા દાવિદ કહે છે, “હું પ્રભુના હાથમાં પડુ એ સારું છે, કારણ, તેની દયાનો પાર નથી” (૧ રાજવૃત્તાંતો ૨૧:૧૩). નવા કરારમાં માતા મરિયમ ઈશ્વરની દયાનો એકરાર કરતાં બોલે છે, “જેઓ એનાથી (ઈશ્વરથી) ડરીને ચાલે છે તેમની આખી વંશપરંપરા ઉપર એની કરુણા વરસે છે” (લૂક ૧: ૫૦).

ઈસુનો દરેક અનુયાયી જાણે છે કે પોતે ઈશ્વરની દયા પામી છે, ઈશ્વરે પોતાના પર કરુણા વરસાવી છે. ખ્રિસ્તી માણસ ઈશ્વરની એ દયા અને કરુણાથી પ્રેરાઈને ગરીબોને મદદ કરે છે, સેવાકાર્યો કરે છે. એટલે ઈસુનો શિષ્ય અને ખ્રિસ્તી ધર્મ કોઈ સેવાકાર્ય કરતા હોય તો એમાં બે બાબતોનો સમાવેશ થાય છે. એક, માણસ પોતે ઈશ્વરની દયા ને કરુણાનો પાત્ર બન્યો છે એનો એકરાર; અને બે, સેવાકાર્યોમાં પોતે બીજા માણસો માટેની ઈશ્વરની દયા ને કરુણાનું માધ્યમ છે, એનો સ્વીકાર.

ઈશ્વરની માણસ માટેની દયા ને કરુણાની વાત સમજતા ન હોય એવા લોકો માટે ખ્રિસ્તી લોકોનું સેવાકાર્ય કાં તો કેવળ સામાજિક સેવા છે કે કાં તો ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ભોળા અને ગરીબ માણસોને આકર્ષવા ને વટાળવાની લાલચ છે, છેતરપિંડી છે, ષડયંત્ર છે!

ઈશ્વરની દયા અને ખ્રિસ્તીઓના સેવાકાર્યો પાછળની ભાવના સમજતા ન હોય એવા લોકો એક વાત જાણતા નથી કે, ખ્રિસ્તી લોકો ઈસુની જેમ દરેક માણસને ઈશ્વરના પ્રતિમૂર્તિરૂપ સર્જેલી વ્યક્તિ તરીકે જુએ છે. એટલે ગરીબ, દલિત, માંદા, અપંગ કે કોઈ પણ પ્રકારનો માણસ હોય તે ઈશ્વરની નજરમાં કિંમતી છે. દરેક માણસ આદરમાનને પાત્ર છે. એમાં માણસની માણસ તરીકેની ઓળખ અને સ્વીકાર છે. પણ બધી બાબતોમાં પોતાનો સ્વાર્થ શોધનાર અને બીજા માણસોને પોતાના સ્વાર્થનું સાધન બનાવનાર સ્વકેન્દ્રી માણસ બીજા માણસને સમાનતાની દ્રષ્ટિએ જોઈ શકતો નથી. બીજા માણસને દિલથી યોગ્ય આદરમાન આપી શકતો નથી.

બીજી બાજુ ખ્રિસ્તીઓ જાણે છે કે પોતાનું સેવાકાર્ય કેવળ સામાજિક સેવા નથી પણ ગરીબો અને જરૂરિયાતમંદ સૌની સેવામાં પ્રભુ ઈસુની જ સેવાચાકરી છે. એટલે માણસનું નિ:સ્વાર્થ સેવાકાર્ય ઈસુને અર્પેલો દયાધર્મ છે. ઈસુએ કહ્યું છે કે, “હું સાચું કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે’ (માથ્થી ૨૫: ૪૦). એટલે ખ્રિસ્તી માણસ ગરીબો અને જરૂરિયાતમંદોને આપતી મદદ ખરેખર સેવાધર્મ છે, દયાધર્મ છે.