ઘર વાપસીના મુખવટો પાછળ

ઘર વાપસીના મુખવટો પાછળ

ફાધર વર્ગીસ પૉલ

‘ઘરવાપસી’ એ હુલામણુ નામ છે. પરંતુ એની પાછળની ભાવનાઓ અને ઘટનાઓ તપાસીએ તો ઘરવાપસી એક છેતરામણું નામ પણ પૂરવાર થાય છે!

ઘરવાપસી એટલે પોતાના ઘરમાં પાછા આવવું. પોતાના ઘરમાં પરત ફરવું. પોતાના ઘરમાં પાછા જવાની વાત કોઈ પણ માણસ માટે ખુશીની વાત છે. સ્વાભાવિક વાત છે. નોકરી માટે કે અન્ય કારણને લઈને ઘરથી દૂર રહેતો માણસ વખતોવખત પોતાના ઘરે પરત આવે છે. માણસ માટે તેમ જ ઘરના બધાને માટે પણ તે ખૂબ ખુશી મજાનો અવસર છે. દિવાળી, ક્રિસમસ કે અન્ય વિશેષ તહેવારો ને ખાસ પ્રસંગોમાં ઘરથી દૂર રહેતો માણસ આતુરતાથી પોતાના ઘરે પાછો જાય છે. ઘરના બધા સભ્યો એને ઉમળકાથી આવકારે છે. આ પ્રકારનો ઘરવાપસી સૌ આનંદથી માણે છે.

બાઇબલમાં ‘ઉડાઉ દીકરો’ કે ‘ખોવાયેલો દીકરો’ નામે પ્રભુ ઈસુનો એક જાણીતો દૃષ્ટાંતબોધ છે. એમાં એક બાપનો નાનો દીકરો બાપ પાસેથી પોતાના ભાગની મિલકત લઈ લે છે અને પોતાની બધી મિલકત વેચી સારા પૈસા લઈને દૂર દેશાવર જાય છે. ત્યાં તેણે પોતાની બધી મિલકત અમનચમનમાં ઉડાવી મૂકે છે. પોતાના બધા પૈસા ખર્ચી પરવાર્યા પછી એને ભૂખે મરવાનો વારો આવે છે. આ ભીડમાં તેને પોતાના બાપ અને ઘર યાદ આવે છે. “મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતાં વધે એટલું બધું ખાવાનું મળે છે, અને હું અહીં ભૂખે મરું છું!” તેને પોતાના અપરાધનો ખ્યાલ આવે છે, પસ્તાવો કરે છે. તે એક નોકરની જેમ પોતાના બાપને ઘેર રહેવા માટે તૈયાર થઈને બાપની પાસે પાછા ફરે છે. બાપ તો દૂરથી એને આવતા જોઈને એને મળવા દોડે છે. એને ભેટી પડીને આવકારે છે અને બાપ નોકરોને કહે છે, “જલ્દી કરો, સારામાં સારો ઝભ્ભો કાઢી લાવી એને પહેરાવો.” દીકરાની ઘરવાપસીના આનંદમાં બાપ અને નોકરો જાફત ઉડાવી આનંદ કરે છે. (જુઓ લૂક ૧પઃ ૧૧-ર૪)

પરંતુ મનુસ્મૃતિમાં માનતા સંઘ પરિવારના હિન્દુત્વવાદીઓ માટે ‘ઘરવાપસી’ એટલે અહીં ઉપર જણાવેલા કોઈ પ્રકારની ઘરવાપસી નહિ. મનુસ્મૃતિ અને વેદો ભારપૂર્વક જણાવે છે કે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણના લોકો જ હિન્દુઓ છે. પણ આદિવાસીઓ અને અનુસૂચિત જાતિના લોકો હિન્દુઓ નથી. એમને હિન્દુ મંદિરમાં પ્રવેશ નથી. આજે પણ કહેવાતા ઉચ્ચ વર્ણના ચુસ્ત હિન્દુઓ આદિવાસીઓ અને અનુસૂચિત જાતિના લોકો સાથે છૂત-અછૂતનો વ્યવહાર રાખે છે!

ઇતિહાસ પુરવાર કરે છે કે ભારતમાં છેલ્લી કેટલીક સદીઓથી ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોને અપનાવનાર અને પોતે સ્વીકારેલા ધર્મ મુજબ જીવન ગાળનાર લોકો મોટા ભાગે આ આદિવાસીઓ અને અનુસૂચિત લોકો હતા. હિન્દુ ધર્મમાંથી ધર્મપલટો કરી ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામ ધર્મને અપનાવનાર સવર્ણ લોકોની સંખ્યા અલ્પ પ્રમાણમાં છે. સવર્ણ લોકોમાંથી ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામ ધર્મ અપનાવેલા લોકો પાછા મુળ હિન્દુ ધર્મમાં પરત જાય તો એને ખરેખર ‘ઘરવાપસી’ કહી શકાય.

એક આંતરરાષ્ટ્રીય અખબાર પરિષદના કારોબારી સભ્ય હોવાને નાતે હું યુરોપ, અમેરિકા અને આફ્રિકા ખંડોમાં ખૂબ ફર્યો છું. એટલે ઘણા દેશોના સ્થાનિક લોકો સાથે હળીમળીને દેશવિદેશની વાતો કરવાની મને ઘણી તકો મળી છે. હિન્દુ ધર્મ વિશે પરદેશના લોકોનો વિભિન્ન મતો પ્રવર્તે છે. અમુક લોકો કહે છે કે “કહેવાતા હિન્દુ ધર્મ કોઈ ધર્મ જ નહિ, પણ એક સંસ્કૃતિ છે.”

હિન્દુ ધર્મની વ્યાખ્યા વિશે વાલજીભાઈ પટેલે નયા માર્ગના જાન્યુઆરી ૧૬, ર૦૧પના અંકમાં આપેલી ગાંધીજીની વ્યાખ્યા અહીં પ્રસ્તુત છે. ગાંધીજીને ટાંકતાં વાલજીભાઈ પટેલ લખે છે, “હિન્દુની કોઈ વ્યાખ્યા નથી, એટલે હિન્દુની વ્યાખ્યા હું જાતે જ બનાવું છું… ગાંધીજીની હિન્દુ ધર્મની વ્યાખ્યાઃ ‘જે વર્ણવ્યવસ્થા (બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર), પૂનર્જન્મ, આત્મ-પરમાત્મા અને સ્વર્ગ-નર્કમાં માનતા હોય તે હિન્દુ ગણાય.’ (શુદ્ર એટલે અન્ય પછાત વર્ગ ર્(ંમ્ઝ્ર), અસપૃશ્ય-દલિતો શુદ્રમાં પણ ન આવે)”.

હું ‘દૂત’ના તંત્રી હતો ત્યારે ગુજરાતના ગામડે ગામ ફરવાનો મને લહાવો મળ્યો છે. એ વખતે શરૂઆતમાં એક વાત મને સમજાતી નહોતી. ગામડે ગામડે ખ્રિસ્તી મહોલ્લો કાં તો ગામની શરૂઆતમાં હોય કાં તો ગામની છેક છેડે હોય. પછી મને સમજાયું કે, મોટા ભાગનાં ગામમાં તો વર્ણવ્યવસ્થા પ્રમાણે ચાર વર્ણનો લોકો રહે છે. પરંતુ અસ્પૃશ્ય ગણાતા દલિતોને ગામ બહાર એટલે ગામને છેક છેડે રહેવાનું હતું. પરંતુ ખ્રિસ્તી મિશનરીઓ આ દલિતો લોકો વચ્ચે કામ કરવા લાગ્યા ત્યારે દલિતો મહોલ્લોમાં બળદગાડી, મોટર સાઈકલ ને પછી જીપગાડીમાં પહોંચવા માટે રસ્તો બંધાવ્યો. એટલે એ નવો રસ્તો સીધો ખ્રિસ્તી મહોલ્લો કે દલિત-ફળિયામાં જતો. પાછળથી રસ્તો પાક્કો બાંધવામાં આવ્યો ત્યારે આ દલિત ફળિયાનો રસ્તો જ ગામનો મુખ્ય રસ્તો બન્યો અને ગામના છેડે આવેલું દલિત ફળિયું ગામની શરૂઆતમાં ફેરવાઈ ગયું!

મિશનરીઓ લાવેલાં શિક્ષણ, સામાજિક કલ્યાણ અને તબીબી સેવાને કારણે વર્ણવ્યવસ્થાના બહાર રહેલા અસ્પૃશ્ય દલિતો તેમ જ આદિવાસીઓમાં ઝડપી પ્રગતી આવી; છૂત-અછૂતનો વ્યવહાર નષ્ઠ પામવા લાગ્યો. હજી પણ ઘણાં ગામોમાં દલિતવાસ કે ખ્રિસ્તી મહોલ્લો ગામ બહાર ઊકરડા પાસે જોવા મળે છે! આમ ગામની શરૂઆતમાં કે ગામની છેડે રહેતા ખ્રિસ્તીઓ, મુસ્લિમો કે અન્ય દલિતોનાં રહેઠાણ જ પૂરવાર કરે છે કે તેઓ ચતુરવર્ણમાં, હિન્દુ ધર્મના વર્તુળમાં આવતા જ નથી, એટલે તેઓ હિન્દુઓ છે જ નહિ.

છેલ્લે કેટલાંક દાયકાઓથી દલિતો અને આદિવાસી લોકોને હિન્દુ ધર્મમાં સમાવી લેવા જોરશોરથી પ્રયત્ન થયા કરે છે. આદિવાસીઓને ‘આદિવાસી’ કહેવાને બદલે એમને ‘વનવાસી’ કહેવામાં આવે છે! કારણ, ‘આદિવાસી’ કહેવામાં આવે છે તો એમાં એમને જે તે વિસ્તારમાં મૂળ નિવાસી તરીકે એકરાર થાય છે. આદિવાસીઓને ત્યાંના મૂળ નિવાસીઓ તરીકે સ્વીકારવા હિન્દુત્વવાદી હિન્દુઓ તૈયાર નથી. એટલે શાળાઓમાં આદિવાસી બાળકનું નામ ‘હિન્દુ વનવાસી/આદિવાસી’ લખાવડાવે છે. હિન્દુ લોકો આદિવાસી ગામોમાં હિન્દુ મંદિર બાંધી આપે છે. હિન્દુ તહેવારો ઉજવવા માટે આદિવાસીઓ વચ્ચે નાણાં વેરાય છે. આવા બધા પ્રયત્ન જ પુરવાર કરે છે કે મૂળભૂત રીતે આદિવાસીઓ હિન્દુઓ જ નથી.

આવા દલિતોએ અને આદિવાસી લોકોએ સદીઓથી કે દાયકાઓથી ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ કે ઇસ્લામ ધર્મને અપનાવ્યો છે. એમને ‘ઘરવાપસી’ને નામે હિન્દુ ધર્મમાં લાવવા માટે જાતજાતના અને ભાતભાતના લાલચો અને પ્રલોભનો આપવામાં આવે છે. હિન્દુધર્મમાં ધર્મપલટાની પ્રથા નથી. છતાં શુદ્ધિકરણના વિધિથી ખ્રિસ્તીઓ અને મુસ્લિમોમાંથી હિન્દુ ધર્મમાં લાવતા હોય તો તેને શુદ્ધ ભાષામાં બળજબરી અને લાલચથી કરતો ધર્મપલટો જ કહેવામાં સચાઈ છે, વાસ્તવિકતા છે. એને ‘ઘરવાપસી’નું હુલામણું નામ આપવામાં જુઠ્ઠાણું છે. નર્યો દંભ છે. સાચી વાત તો એ છે કે ‘ઘરવાપસી’ની વાત કરનાર, એમાં નેતૃત્વ પૂરું પાડનાર કે ઘરવાપસી કરાવનાર બરાબર જાણે છે કે ઘરવાપસીમાં કોઈ ઘર્મ નથી. ઘર્મની ભાવના નથી. કોઈ પ્રકારની આધ્યાત્મિકતા નથી. ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામ ધર્મમાંથી ‘ઘરવાપસી’ની વિધિ કરીને હિન્દુ ધર્મમાં જનાર લોકોને હિન્દુ ધર્મના ચતુર્વર્ણોમાં કોઈ પણ વર્ણ સાથે સમાવી લેવામાં આવતા નથી. ચતુર્વર્ણોના લોકો તેમની સાથે રોટી બેટીનો વ્યવહાર રાખતા નથી.

ખરેખર તો ઘરવાપસી પાછળ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કારણો છે. એટલે તેઓ ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મ અપનાવેલા લોકો પર આરોપ મૂકે છે કે તેઓ હિન્દુ આચાર્યોને માનતા નથી; ઊલટું તેમનો દેશપ્રેમ ભારત પ્રત્યે નથી પણ રોમ કે મક્કા પ્રત્યે છે! ‘ઘરવાપસી’ને નામે ધર્મપલટો કરી હિન્દુ ધર્મ અપનાવનાર લોકોને સાંપત્તિક લાભનો લોભ છે. ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મમાંથી ધર્મપલટો કરી દલિત અને આદિવાસી લોકો હિન્દુ ધર્મમાં આવે તો તેમને શિક્ષણમાં ને નોકરીમાં અનામતનો વિશેષ લાભ મળે છે. પરંતુ કોઈ વિશેષ લાભ કે લાલચ આપીને કોઈને ધર્મપલટો કરાવવામાં ભારતીય બંધારણનું ચોખું ઉલ્લંઘન છે. આખરે ઘરવાપસી એટલે આપણા બિનસંપ્રદાયિક બંધારણને નેવે મૂકીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે રાષ્ટ્રીય હિન્દુત્વવાદીઓનો ઉઘાડો અને ગોપનીય પ્રયત્ન છે.

—————————————-

ઇસ્ટર એટલે સર્વાંગી પરિવર્તન

ઇસ્ટર એટલે સર્વાંગી પરિવર્તન

ફાધર વર્ગીસ પૉલ
એક પ્રેમાળ પિતા અને વહાલસોયા પુત્રની આ વાર્તા છે. પણ હું માનું છું કે આ કોઈ કલ્પનિક વાર્તા નથી; પણ જીવાતા જીવનની સાચુકલી વાર્તા છે. આપણને ઊંડાણથી સ્પર્શે એવી આ વાર્તામાં રશિયાના આલ્ફ્રેટ અને એમનો એકનો એક દિકરો ગ્રેકની વાત છે. યુવાન પાણીદાર ગ્રેક રશિયાના સૈન્યમાં જોડાયા.

એના બે વર્ષ પછી આલ્ફ્રેટને દીકરા ગ્રેકના સેનાપતિનો પત્ર મળ્યો. “હું દિલગીર છું કે મારે આપને દુઃખના સમાચાર આપવા પડે છે. આપનો પાણીદાર દિકરો યુદ્ધમાં મરી ગયા છે. ગ્રેક ઉત્તમ કોટિના સૈનિક હતા. અમે બધા એમની ખૂબ કદર કરતા હતા. તેમણે ખૂબ હિંમતથી લડત આપીને મરી ગયા છે. એ શૂરવીર લડવૈયા માટે આપ ગૌરવ લઈ શકો છો.”

પોતાના વહાલસોયા દીકરાના અકાળ મૃત્યુના સમાચારથી આલ્ફ્રેડ પડી ભાગ્યા. થોડા જ દિવસમાં જાણે એમની ઉંમર ખૂબ વધી ગઈ. રાતોરાત એમના બધા વાળ ધોળા થઈ ગયા. એમની યાદશક્તિ પણ ઘટવા માંડી. તનમનથી તેઓ માંદા અને નબળા પડી ગયા. તેઓ પોતાના દીકરા માટે પોતાનું આખું જીવન જીવતા હતા.હવે તો તેઓ વધુ જીવનની આશા પણ ખોઈ બેઠા. તેમણે પોતાના બધાં સંબંધીઓ અને મિત્રો સાથે મૃત દીકરાની સદ્‌ગતિ માટે દફનવિધિની પ્રાર્થનાઓ કરી. પણ એમને કોઈ સાંત્વન મળતું નહોતું. તેમનું જીવન માનસિક, શારિરીક અને બધી રીતે દુઃખમય બન્યું હતું.

દીકરાના મૃત્યુના સમાચાર મળ્યાના તેરમા દિવસે ફરી એક વાર દીકરાના સેનાપતિનો બીજો પત્ર મળ્યો. એમાં એક અદ્‌ભુત સમાચાર હતા. “તમારો દીકરો મરી ગયો નથી; પણ જીવે છે. યુદ્ધમાં ખૂબ ઘવાયેલો દીકરો મરી ગયા છે એમ માનવામાં આવ્યું હતું. પરંતુ ગ્રેક ઘતકી જખમથી બેભાન થયા હતા. પણ સભાન થતાં તેઓ પોતાના એક જખમી સૈનિકને લઈને પૂરા ચાર કિલોમીટર જેમતેમ ઘસડતાંધસડતાં સૈનિક છાવણીમાં આવી પહોંચ્યા અને હવે તેઓ સૈનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખરેખર તમારો દીકરો શૂરવીર છે અને એમને રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ અવૉર્ડ ‘સેન્ટ જોર્જનો ક્રોસ’ આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સાજોનરવો થઈને તેઓ પોતાના કુટુંબમાં પાછા આવશે.”

વહાલસોયા દીકરો જીવતો છેના સમાચારથી પિતા આલ્ફ્રેટમાં નોંધપાત્ર પરિવર્તન આવવા માડ્યું. એમણે એ પત્ર શહેરના મુખ્ય ચોક પર લઈ જઈને બધાને વાંચી સંભળાવા માડ્યું. તેમણે બૂમ પાડીને બધાને કહ્યું, “સાંભળો, મારો દીકરો ગ્રેક જીવતો છે. તેમને બહાદૂરી માટેના રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ અવૉર્ડ આપવામાં આવ્યો છે.”

મૃત્યુના મોંમાંથી પાછા આવવાની ગ્રેકની વાત સાથે ઈસુના પુનરુત્થાનની વાતને સરખાવી ન શકાય. છતાં એને એક ફિકા પ્રતિક તરીકે લઈ શકાય. ગ્રેક મરી ગયા નહોતા પણ બેભાન અવસ્થામાંથી જીવતા થયા હતા. જ્યારે ઈસુ ક્રૂસ પર મરી જઈને એને દફનાવ્યામાં આવ્યા હતા અને ત્રીજા દિવસે તેઓ સજીવન થયા હતા. ખરેખર મૃત્યુમાંથી ત્રીજા દિવસે એમનું પુનરુત્થાન થયું હતું. ઈસુનું પુનરુત્થાન ખરેખર ચમત્કારોનો ચમત્કાર કહેવાય છે. મૃત બનેલો પોતાનો દીકરો ખરેખર મરી ગયા નથી, એવા સમાચારથી એમના પિતા આલ્ફ્રેટમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું.

અઠવાડિયાના પહેલા દિવસે ઈસુના શબને લગાડવા માટે સુગંથ દ્રવ્યો સાથે મગ્દલાની મરિયમ અને બીજી સ્ત્રીઓ કબર આગળ આવીને જુએ છે તો એમને ઈસુની કબર ખાલી જોવા મળી! મરિયમ સાથેની બીજી સ્ત્રીઓ ખાલી કબરની વાત કરવા માટે ઈસુના શિષ્યો પાસે દોડી ગઈ હશે. પણ સંત યોહાન કહે છે તેમ, “મગ્દલાની મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી.” (યોહાન ર૦ઃ ૧૧) ત્યાં પુનરુત્થાન પામેલા ઈસુએ મરિયમને દર્શન દીધાં અને કહ્યુંઃ “મારા ભાઈઓને જઈને કહેજે કે, હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે જઈ રહ્યો છું.” (યોહાન ર૦ઃ ૧૭) પણ “ઈસુની કબર ખાલી છે”, “ઈસુ પુનર્જીવન પામ્યા છે”, એવી મગ્દલાની મરિયમ અને બીજી સ્ત્રીઓની વાત ઈસુના શિષ્યોને “અક્કલ વગરની લાગી અને તેમણે માની નહિ.” (લૂક ર૪: ૧૧)

ઈસુને પકડીને ક્રૂસે ચડાવી મારી નાખવામાં આવ્યા ત્યારે એમના બધા શિષ્યો જીવ લઈને નાસી ગયા હતા. પણ પુનરુત્થાન પછી બંધ બારણા પાછળ સંતાઈ રહેલા શિષ્યોને ઈસુએ દર્શન દઈને શાંતિની શુભેચ્છા પાઠવી અને શિષ્યોના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું. તેઓ હિંમતથી પુનર્જીવન થયેલા ઈસુનાં જીવન અને સંદેશની જરુશાલેમ મંદિરથી માંડી સર્વત્ર ઘોષણા કરવા લાગ્યા.

ઈસુના ક્રૂસ પરના મૃત્યુથી હતાશ થઈને બે શિષ્યો જરુશાલેમથી પોતાના ગામ એમ્માઉસ જતા હતા. ઈસુ અજાણ્યા પ્રવાસીરૂપે તેમની સાથે રસ્તામાં જોડાયા અને બંને શિષ્યોના આગ્રહથી ઈસુ તેમની સાથે ગામમાં જઈને જમવા બેઠા. ઈસુએ રોટલીના “ટુકડા કરીને તેમને આપ્યા ત્યારે તે લોકોની આંખ ઊઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા.” (લૂક ર૪ઃ ૩૧)

હતાશામાં ડૂબેલા શિષ્યોમાં ઈસુને મળવાથી અનેરું પરિવર્તન આવ્યું. તેઓ તાબડતોબ ઊઠીને પુનર્જીવન પામેલા ઈસુને મળ્યાના સમાચાર બીજા શિષ્યોને આપવા માટે રાતોરાત યરુશાલેમ પાછા ફર્યા. ત્યાં તેમને ખબર પડી કે ઈસુએ બીજા કેટલાક શિષ્યોને અને અનુયાયીઓને પણ દર્શન દીધાં છે. ઈસુના પુનરુત્થાનથી તેઓ બધામાં અમૂલ પરિવર્તન આવ્યું છે. તેઓ બધાં ખૂબ હિંમતવાન બન્યા અને ઉત્સાહ અને ઉમંગથી ઈસુની ઘોષણા કરવા લાગ્યા.

એક ચુસ્ત ફરોશી પાઉલ ઈસુના અનુયાયીઓને કેદ કરવા અને તેમના પંથનો સર્વનાશ કરવા નીકળી પડ્યા હતા. પરંતુ દમસ્કના રસ્તા પર પાઉલને પુનરુત્થાન પામેલા ઈસુનો ભેટો થયો.

ઈસુએ પાઉલને પોતાની ઓળખ આપતા કહ્યુંઃ “હું ઈસુ છું, જેને તુ રંજાડે છે.” (પ્રેષિતોનાં ચરિતો ૯ઃ પ) ઈસુ સાથેના એ મેળાપથી પાઉલ એકદમ નવા માણસ બની ગયા.

ઈસુના અનુયાયીઓને રંજાડનાર અને સતામણી કરનાર પાઉલ ઈસુપંથના કટ્ટર વિરોધીમાંથી ઈસુના સંદેશને દેશવિદેશમાં ફેલાવનાર ઈસુના શિષ્ય બન્યા. પાઉલ લાંબી લાંબી મુસાફરીઓ અને અનેક હાડમારીઓ વેઠીને ખ્રિસ્તી બનેલા લોકોના ઘણા ધર્મસંઘો સ્થાપનાર પ્રથમ પંક્તિના પ્રેષિત બની ગયા! એમાં એમને પારાવાર દુઃખો અને મુશ્કેલીઓના સામના કરવા પડ્યા છે. પરંતુ પાઉલે ઈસુને ઓળખવાના લાભ ખાતર પોતાની બીજી બધી સિદ્ધિઓને અને હાડમારીઓને તૃણ સમાન ગણી છે.

ઈસુનું પુનરુત્થાન ફક્ત એમના શિષ્યો અને અનુયાયીઓમાં જ નહિ પણ સમગ્ર દુનિયાના પરિવર્તનનું નિમિત્ત કે કારણ બન્યું છે. ઈસુના મહિમાવંત પુનરુત્થાનથી સમગ્ર દુનિયાનાં બધાં કોમના અને નાતજાતના તથા બધાં વંશો અને દેશોના લોકોમાં જડમૂળથી પરિવર્તન આવ્યું છે. અને આ પરિવર્તન આજે પણ ચાલુ છે. એટલે જ ઘણા બધા લોકો ઈસુનાં મૂલ્યો અને આદર્શોને અનુસરવામાં અને એમના સંદેશની ઘોષણા કરવામાં પોતાની જાતની આહુતિ આપવા પણ તૈયાર થાય છે. ઈસુને પગલે ચાલવા માટે પોતાનાં સગાંસંબંધીઓ અને દેશને પણ છોડી દે છે અને ગરીબ-ગુરબાની સેવાચાકરીમાં પોતાની જાતને સમર્પી દે છે.

આજે પણ પુનરુત્થાન પામેલા ઈસુ સાથે લોકોનો મેળાપ થાય છે. લોકો ઈસુ સાથેના મેળાપથી અનેરો પરિવર્તન અનુભવે છે. એમાં ખાસ નોંધપાત્ર વાત એ છે કે ઈસુનો ભેટો કે ઈસુ સાથેનો મેળાપ ફક્ત એમના શિષ્યો અને અનુયાયીઓ પૂરતા મર્યાદિત નથી. પણ કોઈ ભેદભાવ વિના બધા જ યુગોના અને બધી સંસ્કૃતિના તથા બધી જ નાતજાતના લોકોને ઈસુનો ભેટો થાય છે. એટલે કોઈ પણ ધર્મ, શ્રદ્ધા, વંશ કે કોમના લોકો ઈસુથી દૂર નથી. ઈસુના પ્રેમની બહાર નથી.

આપણા સમયમાં ઈસુનાં મૂલ્યો, આદર્શો અને વલણો ઘણાબધા લોકોને દોરતા રહે છે. તેઓ પોતાની જાતને ઈસુનાં પગલે ચાલવામાં સંપૂર્ણપણે સમર્પી દે છે. તેઓ ઈસુની જેમ જ ગરીબગુરબાની સેવાચાકરીમાં મંડ્યા રહે છે. તેઓ હિંમતથી પોતાની આ સમર્પિત સેવામાં બધી મુશ્કેલીઓ અને અડચણોનો ધીરજથી સામનો કરે છે.

આનો એક બોલતો દાખલો મિશનરી ડૉ. ગ્રેગામ સ્ટેઇન્સ, એમની પત્ની એડિત અને તેમનાં ત્રણ બાળકો છે. તેઓ ઓસ્ટ્રેલિયાથી પોતાના દેશ, કુટુંબીજનો અને મિત્રોને છોડીને ભારતમાં આવ્યા. તેઓ બિહારમાં કુટુંબ અને સમાજે તરછોડેલા કુષ્ઠરોગીઓની અને અન્ય ગરીબ લોકોની ખૂબ સમર્પિત સેવા કરતાં રહ્યાં. પરંતુ ધર્માંત કોમવાદીઓએ ડૉ. ગ્રેગામ અને એમના બે માસુમ દીકરાઓ ફિલિપ (૧૦) અને તિમોથી (૬)ને આગ ચાંપીને નિર્દયપણે મારી નાખ્યા. છતાં પત્ની એડિત અને દીકરી એસ્તેર પોતાના વહાલસોયા સ્વજનોને મારી નાખનાર હત્યારાઓને દિલથી માફી આપી છે; એટલું જ નહિ પણ તેઓ ગરીબગુરબાનો પોતાની સમર્પિત સેવામાં પોતપોતાની રીતે મંડ્યા રહે છે. આમાં પુનરુત્થાન પામેલા ઈસુ જ એમની પ્રેરણા તથા શક્તિસ્ત્રોત છે.

ઈસુને તીવ્રપણે શોધનાર બધા લોકોને ઈસુનો ભેટો થાય છે. ઈસુએ કહ્યું છે, “માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલી જશે.” (માથ્થી ૭ઃ ૭) તમે અને હું પુનરુત્થાન પામેલા ઈસુનાં મૂલ્યો, આદર્શો અને વલણો અપનાવી શકીએ. ઈસુએ ચીંધેલા ગરીબગુરબાના પ્રેમ ને સેવાને માર્ગે ચાલવામાં ઈસુનો ભેટો થયાનું પરિવર્તન અનુભવી શકીએ.

ગુડ ફ્રાઇડેનો પ્રશ્નઃ આ માણસ કોણ છે?

ગુડ ફ્રાઇડેનો પ્રશ્નઃ આ માણસ કોણ છે?
ફાધર વર્ગીસ પૉલ

ગુડ ફ્રાઇડે કે શુભ શુક્રવાર એટલે બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુએ ક્રૂસ પરના નામોશીભર્યા મૃત્યુને વરેલો દિવસ. ઈસુના જાહેર જીવનની શરૂઆતથી લોકોના મનમાં એક પ્રશ્ન હતોઃ “આ માણસ કોણ છે?” નવો કરારમાં શુભસંદેશનું એક મુખ્ય પાત્ર સ્નાનસંસ્કારક યોહાન છે. તેઓ ઈસુના માસી એલિસાબેતના પુત્ર છે. યોહાન પોતાની જાતને ઈસુના છડીદાર તરીકે ઘોષણા કરે છે અને ઈસુ વિશે કહે છે કે, “મારી પાછળ મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છેઃ હું તો નીચે નમીને તેના પગરખાંની વાધરી છોડવાને પણ લાયક નથી.” (માર્ક ૧, ૭)
વખત જતાં સ્પષ્ટબોલા યોહાને રાજા હેરોદને કહ્યું હતું કે, “તમારા ભાઈની સ્ત્રી સાથે રહો છો એ અધર્મ છે” (માર્ક ૬, ૧૮). પરિણામે હેરોદે પત્ની હેરોદિયાસને ખાતર યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યા હતા. કેદખાનાની સળીઓ પાછળ રહેલા યોહાનને કે એમના શિષ્યોને શંકા થઈ કે ઈસુ ખરેખર કોણ છે? ઈસુ ઈશ્વરના રાજ્યની ઘોષણા કરે છે. બધાનું ભલું કરતા ફરે છે. પણ ખરેખર તેઓ ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા છે?
પોતાની કે પોતાના આ શિષ્યોની શંકા દૂર કરવા યોહાને પોતાના બે શિષ્યોને ઈસુ પાસે મોકલ્યા. “જેમનું આગમન થવાનું છે તે આપ જ છો કે અમારે બીજાની રાહ જોવાની છે?” (માથ્થી ૧૧, ૩)
ઈસુ ખરેખર કોણ છે? યોહાનનો આ પ્રશ્ન વજૂદ છે. એમાં દમ છે. કારણ, ધરતી પર ઈસુના આગમન પહેલાં પણ ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા તરીકે બીજાઓ આવ્યા હતા. બાઇબલના ‘પ્રેષિતોનાં ચરિતો’ ગ્રંથમાં એવા બે માણસોની વાત છે. “થોડા સમય પહેલાં થ્યુદાસ આવ્યો હતો અને પોતે પણ કંઈક છે એમ કહેતો હતો. આશરે ચારસોક માણસો એની સાથે જોડાયા હતા, પણ તે માર્યો ગયો અને તેના અનુયાયીઓ બધા વેરવિખેર થઈ ગયા અને શૂન્યમાં મળી ગયા. એ પછી વસ્તીગણતરીના અરસામાં ગાલીલનો યહૂદા આવ્યો; તેણે કેટલાક લોકોને પોતાની પાછળ ખેંચ્યા. પણ તેનો પણ અંત આવ્યો અને તેના અનુયાયીઓ પણ બધા વેરણછેરણ થઈ ગયા.” (પ્રે.ચ. ૫, ૩પ-૩૭)
આવા સંદર્ભમાં યોહાનના શિષ્યો આગળ ઈસુ પોતે કંઈક છે એવો કોઈ દાવો કરતા નથી. પણ આવનાર મસીહ કે મુક્તિદાતા વિશે બાઇબલના જૂના કરારમાં જે કેટલાક ઉલ્લેખો છે, ભવિષ્યવાણી છે, તેના સંદર્ભમાં ઈસુ યોહાનના શિષ્યોને કહે છે, “તમે જે સાંભળો છો અને જુઓ છો તે યોહાનને જઈને કહોઃ આંઘળાં દેખતાં થાય છે, લંગડાં ચાલે છે, કોઢિયાં સાજાં થાય છે, બહેરાં સાંભળે છે, મરેલાં સજીવન થાય છે, અને દીનજનોને શુભસંદેશ સંભળાવવામાં આવે છે. અને મારે નામે જેની શ્રદ્ધા ડગતી નથી તે પરમસુખી છે.” (માથ્થી ૧૧, ૪-૬)
મુક્તિદાતાની વધામણીરૂપે જુના કરારના ‘યશાયા’ ગ્રંથમાં પયગંબરે ઈશ્વરના અભિષિક્ત અંગે લખવામાં આવ્યું છે કે, “ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે, અને બહેરાંઓના કાન ખૂલી જશે. ત્યારે લૂલાં હરણાંની જેમ ઠેકડા મારશે, અને મૂંગાંની જીભ હર્ષથી ગાવા માંડશે.” (યશાયા ૩પ, પ-૬)
ઈસુના જાહેર જીવન દરમિયાન ઘણાં લોકોએ એમના વિશે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “આ માણસ કોણ છે?” ઈસુએ કરેલા ચમત્કારો અને એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થયેલા લોકો કહેતા હતા કે, “તેઓએ લોકોના શાસ્ત્રીઓ પેઠે નહિ, પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા.” (માથ્થી ૭ઃ ર૯)
એક વાર ઈસુ અને એમના શિષ્યો હોડીમાં બેસીને તિબેરિયાસના સરોવર પાર કરી રહ્યા હતા. ત્યાં “પવનનું ભારે તોફાન જાગ્યું, અને મોજાં હોડી ઉપર એવાં પછડાવા લાગ્યાં કે હોડી ભરાઈ જવા લાગી. છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકે માથું મૂકીને ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, “ગુરુજી, અમે તો મરી ગયા! આપને એની પડી નથી?” ઈસુએ ઊઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું, “ચૂપ! શાંત થઈ જા!” તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ. આથી ભયભીત થયેલા શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા, “તો આ માણસ કોણ છે? તે વાયુ અને સાગરને સુધ્ધાં આજ્ઞા કરે છે, અને તે એનું કહ્યું કરે છે!” (માર્ક ૪, ૩પ-૪૧)
ઈસુના ટૂંકા જાહેર જીવન દરમિયાન એક બાજુ, એમના શિષ્યો અને અનુયાયીઓ હતા; તો બીજી બાજુ એમના વિરોધીઓ અને કટ્ટર દુશ્મનો પણ હતા. આ બંને તરફના લોકોની સંખ્યા સતત વધતી રહી.
શુભ શુક્રવારના આગળના રવિવારને ખ્રિસ્તી લોકો તાડપત્રનો રવિવાર તરીકે ઓળખાવે છે. એ રવિવારે ઈસુ પોતાના શિષ્યો સાથે યરુશાલેમ પહોંચ્યા ત્યારે લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઈસુની વધામણી કરી હતી. તે દિવસ અંગે પયગંબર ઝખરિયાએ ભાખ્યું હતું તેમ, “વિજયવંત થઈને આવે છે, પણ નમ્રપણે, ગઘેડા પર સવારી કરીને,” (ઝખરિયા ૮ઃ ૯) ઈસુએ યરુશાલેમ નગરમાં પ્રવેશ કર્યો હતો અને લોકોએ “દાવિદના પુત્રનો જયજયકાર હો!”, “પ્રભુને નામે આવનાર ઉપર આશીર્વાદ ઊતરો!”, “પરમ ધામમાં જયજયકાર હો!” એવા પોકારોથી ઈસુને આવકાર્યા હતા. શુભસંદેશકાર માથ્થી આ પ્રસંગનું વર્ણન કરતાં લખે છે, “ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે આખું શહેર ખળભળી ઉઠ્યું, અને લોકો પૂછવા લાગ્યા, “આ કોણ છે?’ અને ટોળાએ જવાબ આપ્યો, “એ તો ગાલીલમાંના નાસરેથના પયગંબર ઈસુ છે!” (જુઓ માથ્થી ર૧, ૧-૧૦)
આ પ્રસંગના થોડા જ દિવસ પછી શુભ શુક્રવારના દિવસે આ જ ટોળાના લોકો પોતાના ધાર્મિક આગેવાનોના ઉશ્કેરવાથી ઈસુ સામે જોરશોરથી પોકારી ઊઠશે, “એને ક્રૂસે ચડાવો!”, “એને ક્રૂસે ચડાવો!” (માથ્થી ર૭, રર-ર૩)
ઈસુના વખતમાં પોન્તિયસ પિલાત યહૂદીયાનો સૂબો હતો. ચારેય શુભસંદેશકારોએ નોંધ્યું છે તેમ, પિલાતે ઈસુની ઊલટતપાસ કરી હતી. અને “પિલાતે મુખ્ય પુરોહિતોને અને ટોળાના લોકોને કહ્યું પણ ખરું કે, ‘મને આ માણસનો (ઈસુનો) કોઈ દોષ દેખાતો નથી.’” (લૂક ર૩, ૪)
એટલું જ નહિ પણ પિલાતે ઈસુની યહૂદી આગેવાનો તથા લોકોના આાક્ષેપોમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમણે કહ્યું પણ ખરું કે, “હું તો એને (ઈસુને) થોડી સજા કરીને છોડી દઈશ” (લૂક ર૩, ૧પ-૧૬). છતાં અંતે પોતાના સ્વતંત્ર મત કે અંતરાત્માના અવાજને પણ અવગણીને, આપણા ઘણા રાજકારણીઓની જેમ જ પોતાના સ્વાર્થ સાધવા માટે, પિલાતે “ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધા.” (માથ્થી ર૭, ર૬)
રોમના કાયદા મુજબ રાજદ્રોહ, બળવો, ખૂન જેવા ભયંકર ગુનાઓ માટે જાહેરમાં કેદીઓને ક્રૂસે ચડાવીને મારી નાખવામાં આવતા હતા. પણ ઈસુએ એવો કોઈ મૃત્યુપાત્ર ગુનો કર્યો નહોતો. ઈસુને સાથે બે ગુનેગારોનો પણ ક્રૂસ પર લટકાવવામાં આવ્યા હતા. એમને ઈસુની નિર્દોષતાનો ખ્યાલ હતો. એટલે લૂકે નોંધ્યું છે તેમ, એક ગુનેગારે તેમને ટોણો માર્યો, “તું મુક્તિદાતા નથી? તો તારી જાતને અને અમને બચાવ.” પણ બીજા ગુનેગારે પહેલા ગુનેગારને ઠપકો આપીને કહ્યું, “આપણી સજામાં
પૂરો ન્યાય છે, કારણ, આપણે આપણાં કાર્યો ભોગવીએ છીએ. પણ એ માણસે તો કશું ખોટું કર્યું નથી.” (જુઓ લૂક ર૩, ૪૩)
પશ્ચાતાપ કરનાર ગુનેગારની જેમ ઈસુને ઓળખનાર અને ‘આ માણસ કોણ છે’નો જવાબ આપવા માટે એક સક્ષમ વિધર્મી માણસ પણ ત્યાં ઈસુના ક્રૂસ પાસે હતો. ઈસુને ક્રૂસ પર મરી જતા જોઈને રોમન ન સૂબેદાર ઈશ્વરની સ્તુતિ કરતાં બોલ્યા, “સાચે જ એ માણસ ધર્માત્મા હતો.” (લૂક ર૩, ૪૭)
ગુડ ફ્રાઇડેનો પ્રશ્નઃ “આ માણસ કોણ છે?”નો સ્પષ્ટ અને એકવારકો જવાબ પ્રભુ ઈસુનું પુનર્જીવન છે. એટલે જ ઈસુના શબને સુગંધી દ્રવ્યો અને અત્તર લગાડવા ગયેલી સ્ત્રીઓને ફક્ત ખાલી કબર જ જોવા મળી. પણ ત્યાં અચાનક પ્રગટ થયેલા ઝળહળતાં વસ્ત્રોમાં બે માણસોએ તેમને કહ્યું, “તમે જીવતાને મરેલાંમાં કેમ શોધો છો? તેઓ અહીં નથી. તેઓ તો સજીવન થયા છે.” (જુઓ લૂક ર૪, ૧-૬) ક્રૂસ પરનું ઈસુનું મૃત્યુ પુનરુત્થાનમાં પરિણમે છે. એટલે જ ઈસુના મૃત્યુના શુક્રવારને ગુડ ફ્રાઇડે કે શુભ શુક્રવાર કહેવામાં આવે છે.

આજે ઈસુનું પુનરુત્થાન

થોડા વખત પહેલાં મને દક્ષિણ અમેરિકાના પનામા શહેરથી જિસેલ ચાન્ગ નામે એક બહેનનો પત્ર મળ્યો. ઈમેલ દ્વારા મને પાઠવેલા પત્રમાં જિસેલબહેને લખ્યું, “ફાધર વર્ગીસ, આજે સવારે ઉઠી ત્યારે મને સૌ પ્રથમ બાઇબલ વાંચવાનું મન થયું. મેં જોયું તો મારી પથારી પાસેના ટેબલ પર આપની પુસ્તિકા ‘ઈસુ મારી-તમારી નજરે’ (What Does Jesus Mean to You & Me?) મળી. મેં એનાં થોડાં પાનાં વાંચ્યાં. મને લાગ્યું કે આપે મારા માટે જ એનાં પાનાં નંબર ૩૬-૩૭ની વાત લખી છે.”
જિસેલબહેનનો પત્ર વાંચીને મને ખૂબ આનંદ થયો. છાપાં-સામયિકોમાં છાપેલા મારા લેખો કે મારું કોઈ પુસ્તક વાંચીને વાંચક મિત્રો મને પત્ર લખે, મારાં લખાણની કદર કરે, મારા સાહિત્યના વખાણ કરે, ત્યારે મને ખૂબ સારું લાગે. મારી મહેનતનું ફળ મને સોગણું મળ્યાની સંતૃપ્તિ થાય. લખવાના અઘરા કામમાં મંડ્યા રહેવાની મને ચાનક ચડે છે.

જિસેલબહેનને વિશેષ રીતે પ્રભાવિત કરનાર મારું લખાણ નવેસરથી વાંચવાનું મને મન થયું. મેં ‘ઈસુ મારી-તમારી નજરે’ની અંગ્રેજીમાં અનુવાદના પાના નંબર ૩૮-૩૯ ખોલીને વાંચવા માંડ્યું. મેં ઈસુના પુનરુત્થાન વિશે લખેલી વાત પર મારી નજર ઠરી. ત્યાં મેં લખ્યું છે કે, બે હજાર વર્ષ પહેલાં બનેલી બે ઘટનાઓ, એટલે ક્રૂસ પરના ઈસુનું મૃત્યુ અને એના ત્રીજા દિવસે થયેલું ઈસુનું પુનરુત્થાન, બંને વચ્ચે અભેદ્ય સંબંધ છે; એટલું જ નહિ, પણ એ બે ઘટનાઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એટલે ખ્રિસ્તી લોકો ઈસુના મૃત્યુ અને પુનરુત્થાનને આજે પણ દૈનિક જીવનના અનુભવો તરીકે ઉજવે છે, આટલું લખ્યા પછી મેં વધુમાં ઉમેર્યુંઃ

“દરેક વખતે આપણા પ્રેમને ધિક્કારવામાં આવે છતાં આપણને ધિક્કારનાર ઉપર આપણે પ્રેમ રાખીએ છીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. દરેક વખતે આપણા વિશ્વાસને દગો દેવામાં આવે છતાં આપણે વિશ્વાસ રાખીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ.
“દરેક વખતે આપણે નિષ્ફળ જઈએ, હારી જઈએ છતાં આપણે હતાશા પામ્યા વગર ફરીથી નવો પ્રયાસ કરીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. દરેક વખતે આપણી આશાને ઠુકરાવવામાં આવ્યા પછી પણ આપણે માણસો પર આશા બાંધીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. “આ દૃષ્ટિએ ગુડ ફ્રાઇડેના ઈસુના ક્રૂસ પરનું મૃત્યુ અને એના ત્રીજા દિવસે એટલે પુનરુત્થાનના રવિવારે ઈસુનું નવજીવન વચ્ચે નિકટનો સંબંધ છે. તો આપણા જીવનના ગુડ ફ્રાઇડે પછી પણ પુનરુત્થાનનો રવિવાર છે એવી શ્રદ્ધા અને આશાથી આપણા દૈનિક જીવનને ઉદાત્ત અને ઉત્કૃષ્ટ બનાવીએ.” (ઈસુ મારી-તમારી નજરે, પૃ. ૩૮-૩૯)

મને જણાવવામાં આનંદ છે કે મેં ર૦૦૬માં ‘ઈસુ મારી-તમારી નજરે’ પુસ્તિકા સી.આઈ.એસ.એસ. દ્વારા પ્રકાશિત કરી હતી. ત્યાર પછી ટૂંક સમયમાં એ ખૂબ લોકપ્રિય બની ગઈ. અંગ્રેજી અને હિન્દીમાં પણ એનો અનુવાદ થયો. ગયા વર્ષે (૨૦૧૪) એનો મલયાલમ અનુવાદ પણ પ્રગટ થયો. આ મૂળ ગુજરાતી પુસ્તિકાની ૧૦,૦૦૦ નકલ સાથે ચાર ભાષામાં પુસ્તિકાની કુલ રર,૦૦૦ નકલ છપાઈ છે.

હું ર૦૧૩માં પત્રકારોના એક વિશ્વ સંમેલનમાં ભાગ લેવા પનામા ગયો હતો. તે પ્રસંગે મારા એક મિત્રના મિત્ર તરીકે જિસેલબહેન વિમાન મથકે મને લેવા આવ્યાં હતાં અને મેં એમને What Does Jesus Mean to You & Me? અને બીજું એક અંગ્રેજી પુસ્તક “Love is a Challenge!” ની ભેટ આપી હતી.

ખ્રિસ્તી ધર્મ અને શ્રદ્ધાના કેન્દ્રમાં પ્રભુ ઈસુનું પુનરુત્થાન છે. પોતાની શ્રદ્ધાનો એકરાર કરતાં ખ્રિસ્તી લોકો ‘શ્રદ્ધાની ઘોષણા’ની પ્રાર્થનામાં બોલે છે : ઈસુ “ત્રીજે દિવસે ફરી સજીવ ઊઠ્યા.” એટલે જ ખ્રિસ્તી લોકો પોતાની જાતને “પુનરુત્થાનના માણસો” તરીકે ઓળખાવે છે. ઈસુના પુનરુત્થાનને આધારે ખ્રિસ્તી લોકો પોતાની ‘શ્રદ્ધાની ઘોષણા’ પ્રાર્થનામાં વધુમાં એકરાર કરે છે કે, અમે “દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ.”ઈસુનું પુનરુત્થાન જ ખ્રિસ્તી શ્રદ્ધા અને ખ્રિસ્તી જીવનને અર્થવત્‌ બનાવે છે.

બાઇબલના ‘નવો કરાર’ના એક પત્રમાં સંત પાઉલે ઈસુના પુનરુત્થાનને ખ્રિસ્તી ધર્મશ્રદ્ધાનું હાર્દસમું સમજાવ્યું છે. કરિંથના ધર્મસંઘ પરના પહેલા પત્રમાં પાઉલે લખ્યું છે : “મેં તમને સૌ પ્રથમ તો પરંપરામાં મને મળેલી એ વાત પહોંચાડી હતી શાસ્ત્રો અનુસાર આપણાં પાપને માટે ખ્રિસ્તે મૃત્યુ વહોરી લીધું હતું, તેમને દફનાવવામાં આવ્યા હતા, અને શાસ્ત્રો અનુસાર તેમને ત્રીજે દિવસે ફરી સજીવન કરવામાં આવ્યા હતા” (૧ કરિંથ ૧પ, ૩-૪). “છેવટે છેવટે તેમણે મને ૫ાઉલને પણ દર્શન દીધાં હતાં” (૧ કરિંથ ૧પ, ૮).

ઘણા યહૂદી લોકોની જેમ કરિંથના લોકો માનતા નહોતા કે, મરેલાં માણસ ફરી સજીવન થશે. લોકોની આ માન્યતાને પડકારતાં પાઉલે ઈસુના પુનરુત્થાન અને બધા માણસનું પુનર્જીવન વિશે કરિંથના ખ્રિસ્તીઓને બરાબર સમજાવતાં લખ્યું છે કે, “હવે, અમે જો એમ ઘોષણા કરતા હોઈએ કે, ઈસુને મરેલાંમાંથી ફરી સજીવન કરવામાં આવ્યા હતા, તો તમારામાંથી કોઈ કોઈ એમ શી રીતે કહી શકે કે, મરેલાં ફરી સજીવન થતાં નથી? જો મરેલાં ફરી સજીવન ન થતાં હોય, તો ખ્રિસ્ત ફરી સજીવન થયા નથી; અને જો ખ્રિસ્ત ફરી સજીવન ન થયા હોય, તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારી શ્રદ્ધાનો પણ કશો અર્થ નથી. વળી, તો તો, અમે ઈશ્વરના જૂઠા સાક્ષી ઠરીએ; કારણ, અમે એવી સાક્ષી પૂરી છે કે, ઈશ્વરે ખ્રિસ્તને ફરી સજીવન કર્યા હતાં; પણ ખરેખર મરેલાં જો ફરી સજીવન કરવામાં આવતાં ન હોય, તો ઈશ્વરે ખ્રિસ્તને પણ સજીવન નથી કર્યા; કારણ, જો મરેલાંને સજીવન કરવામાં આવતાં ન હોય, તો ખ્રિસ્તને પણ સજીવન કરવામાં નથી આવ્યા. અને જો ખ્રિસ્તને ફરી સજીવન કરવામાં આવ્યા ન હોય, તો તમારી શ્રદ્ધા પોકળ છે, તમે હજી તમારા પાપમાં જ છો; અને તો તો જેઓ ખ્રિસ્તને ચરણે મરણ પામ્યા છે તેઓનો સર્વનાશ થયો છે.
“આપણે ખ્રિસ્ત ઉપર જે આશા રાખી છે તે ફક્ત આ જીવન પૂરતી હોય, તો તો આપણે સૌથી વધુ દયાપાત્ર માણસો છીએ. “પણ સાચી વાત એ છે કે, ખ્રિસ્તને ફરી સજીવન કરવામાં આવ્યા છે – મૃત્યુમાં પોઢેલાંઓ ફરી સજીવન થશે એની બાંયધરીરૂપે; કારણ, જેમ માનવ દ્વારા મૃત્યુ આવ્યું હતું, તેમ મરેલાંનું પુનર્જીવન પણ માનવ દ્વારા જ આવ્યું છે; જેમ આદમ સાથેના સંબંધને કારણે સૌ મૃત્યુ પામે છે, તેમ ખ્રિસ્ત સાથેના સંબંધને કારણે સૌ પુનર્જીવન પામશે. (૧ કરિંથ ૧પ, ૧ર-રર) ઈસુનું પુનરુત્થાન, બાઇબલનાં પંડિત વિલ્યમ બારકલ કહે છે તેમ, ચારેક બાબતો પુરવાર કરે છે.

એક, જુઠાણું કરતાં સત્ય વધારે જોરદાર છે. ક્રૂસ પરથી ઉતારીને ઈસુના મૃતદેહને એક નવી જ વણવાપરી કબરમાં દફનાવી દીધો હતો. એના ત્રીજા દિવસે ઈસુની કબરે પહોંચેલા બધાને ખાલી કબર જોવા મળી. કબરની ચોકી કરનાર સૈનિક ચોકીદારોએ શહેરમાં આવીને જે બન્યું હતું તે બધું મુખ્ય પુરોહિતોને જણાવ્યું. મુખ્ય પુરોહિતોએ સૈનિક ચોકીદારોને સારી એવી લાંચ આપીને સમજાવ્યું, “તમે એમ કહેજો કે, તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા… એટલે તે લોકોએ નાણાં લીધાં અને કહ્યા પ્રમાણે કર્યું. આ અફવા યહૂદીઓમાં ફેલાઈ ગઈ અને આજ સુધી ચાલુ છે” (જુઓ માથ્થી ર૮, ૧-૧પ). પરંતુ ઈસુના પુનરુત્થાન પછીના બનાવો, ખાસ કરીને એમના શિષ્યો અને અનુયાયીઓમાં આવેલું અકલ્પિત પરિવર્તનોએ પુરવાર કર્યું છે કે, ઈસુના પુનરુત્થાનની વાત સત્ય છે અને મૃતદેહની ચોરીની વાત નર્યું જુઠાણું છે.

બે, ઈસુનું પુનરુત્થાન પુરવાર કરે છે કે અત્યાચાર કરતાં ભલાઈ વધારે જોરદાર છે. ઈસુને ક્રૂસ ચઢાવીને ક્રૂર રીતે મારી નાખનારાઓએ માન્યું હતું કે એ મૃત્યુથી ઈસુનો અંત આવ્યો છે. પરંતુ ઈસુના પુનરુત્થાને પુરવાર કર્યું છે કે માનવજીવનનો પાયો અત્યાચાર કે અનિષ્ટ પર નથી પણ નૈતિકતા અને ભલાઈ પર બંધાયો છે.
ત્રણ, ઈસુનું પુનરુત્થાન પુરવાર કરે છે કે ધિક્કાર કરતાં પ્રેમ વધારે જોરદાર છે. ક્રૂસ પર લોકોના ધિક્કારનું મૃત્યુ થયું પણ ઈસુના સમગ્ર માનવજાત માટેના પ્રેમનો વિજય થયો. ન્યાયાસન પર બેઠેલો સૂબો “પિલાતને ખબર હતી કે લોકોએ કેવળ અદેખાઈને લીધે ઈસુને હવાલે કર્યા હતા” (માથ્થી ર૭, ૧૮). છતાં સાચો ન્યાય કરવાને બદલે, આપણા સમયના કેટલાક ન્યાયાધીશોની જેમ લોકોની બીકે કે સ્વાર્થ લાભ ખાતર સૂબા પિલાતે ઈસુને ક્રૂસે ચડાવવાનો ચૂકાદો આપ્યો! દેખીતી રીતે અન્યાયનો ન્યાય ઉપર વિજય થયો! પરંતુ ના. ઈસુના પુનરુત્થાનથી આખરે ધિક્કાર પર પ્રેમનો વિજય થયો.

ચાર, ઈસુનું પુનરુત્થાન પુરવાર કરે છે કે મૃત્યુ કરતાં જીવન વધારે જોરદાર છે. સંત પાઉલ કહે છે તેમ ઈસુનું પુનરુત્થાન થયું ન હોય તો જૂઠાણાનો, મૃત્યુનો વિજય થાત. પરંતુ ઈસુ મહિમાવંત પુનર્જીવન પામ્યા અને એમણે મૃત્યુ પર જીવનનો વિજય પુરવાર કર્યો.

આજે જ્યારે લોકો જૂઠાણું ચલાવે, અત્યાચારો અને અનિષ્ટોનો આશરો લે, અર્ધસત્યથી લોકોને છેતરે, માણસાઈ અને માનવતા પર હુમલો કરે, ધર્મને નામે સત્તામણી ગુજારવામાં આવે ત્યારે સત્ય, પ્રેમ અને શાંતિ સ્વરૂપ ઈસુને ક્રૂસે ચડાવવામાં આવે છે. પણ ઈસુનું પુનરુત્થાન આપણને ખાતરી આપે છે કે, વહેલોમોડો એક દિવસ સત્યનો વિજય થશે. પ્રેમની જીત થશે. શાંતિનો ફેલાવો થશે. આપણા જીવનમાં સત્ય, પ્રેમ અને શાંતિનું માધ્યમ બનીને આપણે ઈસુના પુનરુત્થાનના ભાગીદાર-સાથીદાર બનીએ.

ભગવાનના મનનો તાગ

ભગવાનના મનનો તાગ
ફાધર વર્ગીસ પૉલ
હું વિવેકબુદ્ધિવાદીઓનું મુખપત્ર ‘વિવેકપંથી’ ઘણીવાર વાંચું છું. એમાં ધર્મને નામે ચાલતા ધતિંગો અને અંધશ્રદ્ધા સામે ખૂબ પ્રેરણાત્મક લખાણો વાંચવા મળે છે. ‘વિવેકપંથી’નાં લખાણો વાંચું છું ત્યારે મને લાગે છે કે ‘વિવેકપંથી’માં ત્રણ પ્રકારનાં વિવેકબુદ્ધિવાદીઓ લખે છે. નિરીશ્વરવાદીઓ, શ્રદ્ધાવાન વિવેકપંથીઓ અને ઈશ્વર વિશે આપણને કંઈ ખબર નથી એવા મતના લોકો.

‘વિવેકપંથી’માં કેટલાક નિરીશ્વરવાદી લેખકોનાં લખાણ મને બાલિશ લાગે છે. ઈશ્વર કે એવા કોઈ તત્ત્વ કે શક્તિ સામેના એમના પડકારો અને પ્રશ્નોમાં વિવેકબુદ્ધિને બાજુમાં રાખીએ તો પણ એમનામાં તર્કબદ્ધ ઈશ્વર કે ભગવાન અંગેનો એમનો ખ્યાલ જ ભ્રમભર્યો છે. પાયાનું વિધાન ખોટું હોય, મૂળભૂત માન્યતા ભૂલભરેલી હોય ત્યાં અણીશુદ્ધ દલીલ ક્યાંથી શક્ય બને? છતાં આવા વિવેકબુદ્ધિવાદીઓ પોતે જાણે સબકુછ જાણનેવાળા જ માને છે! મારી આ વાત એક ચોક્કસ દાખલાથી પૂરવાર કરવા ઈચ્છું છું.

M Scott Peck એક અમેરિકન લેખક અને માનસશાસ્ત્રી છે. તેમના પુસ્તકનું નામ છે ‘પીપલ ઑફ ધ લી’ (People of the Lie). લેખકે ખૂબ સંશોધન કરીને લખેલા પુસ્તકમાં વિયેટનામના Lie નામના એક નાનકડા ગામના નિર્દય હત્યાકાંડની વાત કરી છે.

વિયેટનામ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈન્યની એક ટુકડી પર હુમલો થયો. અમેરિકન સૈનિક અધિકારી કમાન્ડરને મળેલી માહિતી મુજબ લી ગામથી અમેરિકન સૈન્ય પર હુમલો થયો છે અને તે ગામથી સામાન્ય નાગરિક લોકો ભાગી ગયા છે. અમેરિકન સૈન્યે લી ગામમાં પ્રવેશીને સામે મળેલા બધા લોકોને નિર્દયપણે તોપની ગોળીથી વીંધી નાખ્યા અને આખા ગામને બાળીને ભસ્મીભૂત કર્યું!

લેખક એમ. સ્કોટ પેક (M Scott Peck )ના સંશોધન દરમિયાન તેમણે જાણ્યું કે અમેરિકન સૈન્યના કમાન્ડરે હુમલા પહેલા લી ગામનું નિરીક્ષણ કર્યું હતું અને એમના અવલોકન દરમિયાન એમને મળેલી બાતમીદારની છૂપી માહિતી મુજબ વિયેટનામના યુદ્ધખોર લોકો જ ગામમાં છે અને બીજા બધા નાગરિકો ગામથી ભાગી ગયા છે. પરંતુ પાછળના અભ્યાસે પૂરવાર કર્યું હતું કે જાસુુસોએ આપેલી ગુપ્ત માહિતી ખોટી હતી. ગામમાંથી મોટાભાગના લોકા મગ્ર ગામનો વિનાશ કરવામાં ઘણા નિર્દોષ સામાન્ય નાગરિકોની પણ નિર્દય હત્યા થઈ છે. સૈન્યો માનતા હતા કે ગામમાં સામે મળેલાં બાળકો કેડે બોમ્બવાળા પટ્ટા બાંધેલા હોઈ શકે.

વિયેટનામ યુદ્ધમાંથી પરત આવેલા સૈનિકોની મુલાકાતમાંથી લેખક પેકે જાણ્યું કે લી ગામમાંથી વળતા હુમલાની કોઈ તક ન રહે એટલા માટે અમેરિકન સૈન્યે સમગ્ર લી ગામનો વિનાશ કર્યો હતો.

લેખક પેકનું સંશોધન પૂરવાર કરે છે કે પાછળથી મળેલી માહિતી મુજબ અમેરિકન સૈન્ય ઉપર કમાન્ડર (અધિકારી)નું નિરીક્ષણ અને તારણ જ ખોટું હતું. પરિણામે એમણે આપેલા હુકમનો અમલ થયો ખરો; પરંતુ એમાંનિર્દોધ નાગરિકોનો ભોગ લેખાયો.

હવે મુદ્દાની વાત પર આવીએ તો લી ગામની વાસ્તવિક પરિસ્થિતિ એક છે. એમાં સામાન્ય લોકો નિર્ભય રીતે દૈનિક જીવન ગાળતા હતા. પરંતુ અમેરિકન સૈન્યના અ મળેલી ગુપ્ત માહિતી કે એમના નિરીક્ષણનું તારણ ભિન્ન હતું. વાસ્તવિક પરિસ્થિતિથી ભિન્ન માહિતી કે તારણને આધારે લીધેલાં પગલાં ખોટાં ઠર્યાં, અને ભારે હત્યાકાંડ થયો.

હવે ઈશ્વર કે ભગવાન અંગ સહિત નિરીશ્વરવાદી વિવેકપંથીઓ પણ ભગવાન અંગે ચોક્કસ ખ્યાલ રાખે છે. નિરીશ્વરવાદીઓ ભગવાન અંગે જે વાત કરે છે એવા ભગવાનને હું પણ નકારું છું. વિવેકપંથીઓના પ્રખર બુદ્ધિના વાડામાં ભગવાન વાડામાં પણ ભગવાનને મર્યાદિત કરી ન શકાય. ભગવાન અંગેની માણસની બધી વાતોથી ભગવાન પર છે. કેવળ માણસોની વાતોથી શું, માણસની ભવ્યાધિભવ્ય કલ્પનાથી પણ ભગવાન પર છે. ભગવાન અંગે એક જ વાત આપણે કહી શકીએ કે ભગવાન વિશે આપણે ચોક્કસપણે કશુંય જાણતા નથી.

ભગવાન વિશે આપણે જે કહીએ કે લખીએ તે આપણી સીમિત બુદ્ધિથી માનવભાષામાં કરેલી વાત છે. બાઇબલમાં પયગંબર યશાયા દ્વારા પ્રભુ કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી. અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી. જેમ આકાશ ધરતી કરતાં ઊંચું છે, તેમ મારા રસ્તા અને મારા વિચારો તમારા રસ્તા અને વિચારો કરતાં ઊંચા છે” (યશાયા ૫૫, ૮-૯).

બાઇબલની આ વાત – ઈશ્વર માણસથી તદ્દન ભિન્ન છે એવી વાત – સ્વીકારવા નિરીશ્વરવાદી વિવેકબુદ્ધિવાળા માણસની તૈયારી નથી. કારણ, આત્મસંયમી ફિલસૂફ એપિક્તએ અશક્ય છે” (Stoic Epictetus). (“It is impossible for a man to know what he thinks he already knows”).

વિવેકબુદ્ધિથી પોતાને નિરીશ્વર માનતા માણસો વિવેકબુદ્ધિના ક્ષિતિજ પર એક ‘દુનિયા’ છે, એકવિવેકબુદ્ધિને જ સર્વસ્વ માનીને પોતે સબકુછ જાણનેવાળા ભગવાન બની બેસે છે.

એક યા બીજા ધર્મમાં માનનાાર બધા લોકો ઈશ્વર કે ભગવાનને પ્રેમસ્વરૂપ માને છે. ઈશ્વરને જ પ્રેમસ્વરૂપ કહીએ ત્યારે બાઇબલમાનવ પ્રત્યેના પ્રેમમાંથી માણસનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમનો જન્મ જાય છે. માણસમાત્ર ઈશ્વરના પ્રેમમાં વધારો ન કરી શકે કારણ, ઈશ્વરનો પ્રેમ અસીમ છે, અનંત છે, બિનશરતી છે. એ જ રીતે માણસ પ્રત્યેના ઈશ્વરના પ્રેમમાં પ્રત્યેના પ્રેમમાં કદી વધઘટ નથી. વધારોઘટાડો નથી. માણસ માટે ઈશ્વરનો પ્રેમ શાશ્વત છે. પણ હું માનું છું કે ગેરમાર્ગે ચડેલો દીકરો પોતાનાં પ્રેમાળમાંથી દૂર થઈ શકે છે. એ રીતે માણસ પોતાની વિ ઈશ્વરના અસીમ પ્રેમથી પોતાની જાતને દૂર કરી શકે છે. પરંતુ બીજા માણસો પ્રત્યેની એમની સદ્‌ભાવના અને એમનું સદ્‌વર્તન એમને પ્રેમસ્વરૂપ ઈશ્વર ખેંચ્યા જ કરે છે.

#

નવા વર્ષને આનંદમય બનાવીએ

નવા વર્ષને આનંદમય બનાવીએ
ફાધર વર્ગીસ પૉલ
ચાલુ વર્ષ પસાર કરનાર સૌને નવા વર્ષ ૨૦૧૫ની ભેટ મળે છે. નવા વર્ષની પ્રથમ પળથી ૩૬૫મા દિવસના છેલ્લા ફળ સુધી ઘણા બધા લોકો આપણી વચ્ચેથીહંમેશ માટે વિદાય લેશે. આખરે આપણે દરેક જણે પણ વિદાય લેવાનો એક દિવસ આવશે. આ વાતની ચિન્તા કર્યા વિના પણ એને ધ્યાનમાં રાખીને આપણે નવા વર્ષના એકેક ફળનો યોગ્ય ઉપયોગ કરીએ અને એને આનંદમય બનાવીએ.
નવા વર્ષમાં પ્રવેશવા સાથે સૌ પ્રથમ પસાર થયેલા વર્ષ પર વિહંગાવલોકન કરીએ. છેલ્લા એક વર્ષ દરમિયાન આપણે ઘણા બધા અનુભવોમાંથી પસાર થયા છીએ. એમાં આનંદના અને દુઃખના પ્રસંગો છે. વિજ તળિયે હોવાના અનુભવમાંથી આપણે પસાર થયા છીએ. આ બધા અનુભવોમાંથી નવા વર્ષને આનંદમય બનાવવા માટે યોગ્ય પ્રેરણા અને માર્ગદર્શન લઈએ. કેવળ આપણા જીવનમાંથી જ નહિ પણ બીજાના જીવનમાંથી તેમ જ ઈતિહાસમાંથી પણ જીવનને ઉદાત બનાવનાર ઘણા દાખલાઓ આપણને મળશે.
વર્ષો પહેલાં હું લૅટિન ભાષા ભણતો હતો ત્યારે રોમન ઇતિહાસમાં વાંચેલા યુદ્ધવીર જનરલ હાનીબાલ (બી.સી. ૨૪૭-૧૮૩)ની વાત યાદ આવે છે. તેમણે બી.સી.૨૧૬ના યુદ્ધમાં અજેય ગણાતા રોમન સૈન્યને હરાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો. ઉત્તર આફ્રિકાના કિનારે આવેલા કારતેજના લોકોમાં નામાંકિત શૂરવીર બનેલા હાનીબાલ અને સાથીદારો રોમન લશ્કર સામે મેળવેલા વિજયમાં ઉન્મત્ત બનીને ખાવાપીવા અને એશઆરામમાં જીવન ગાળવા માંડ્યાં. પરંતુ એ સમય દરમિયાન પરાજયથી નિરાશ થયા વિના રોમન એક વિજયના ઉન્મત્તમાં બેદરકાર બનેલા હાનીબાલ અને સૈન્યને જીવ બચાવવા માટે કારતેજથી ભાગી જવું પડ્યું.
રોમન શક્તિથી દૂર ભાગેલા હાનીબાલે પરાજય બાબતે કરેલી વાત ઇતિહાસના પાને નોંધાયેલી છે કે “રોમન સૈન્યને હરાવ્યું હતું ત્યારે હું તે સૈન્યનું ઉન્મૂલન કરી શકતો હતો પણ મેં એમનું નિકંદન કર્યું નથી. હવે એમ કરવાની ઇચ્છા છે પણ એમ હું કરી શકતો નથી.” રોમન સૈન્યનો સર્વનાશ કરવાની તક હાનીબાલ અને સાથીદારોને મળી હતી. પણ તે વખતે વિજયના ઉન્મત્તમાં એમ કર્યું નથી. પણ હવે તેઓ સમય વેડફયાના પસ્તાવામાં કશુંય કરી શકતા નહોતા.
આપણે આનંદોલ્લાસથી નવા વર્ષમાં પ્રવેશ કરીએ. નવા વર્ષે આપણને મળેલી એકેક પળની કિંમત સમજીને યોગ્ય ઉપયોગ કરવામાં સજાગ રહીએ. અંગ્રેજીમાં કોઈકે કહ્યું છે કે “હંમેશાં સાવધ રહેનાર માણસ માટે જ ઈશ્વરે સ્વતંત્રતા બક્ષી છે.” નવા વર્ષમાં આનંદથી પ્રવેશીએ ત્યારે પસાર થયેલા વર્ષ પર નજર ફેરવીએ. એમાંથી યોગ્ય પાઠ લઈએ. વીતેલા વર્ષનાં દુઃખો અને માઠા અનુભવોથી થાક્યાહાર્યા વિના રોમન સૈન્યની જેમ નવા જોમજુસ્સાથી નવા વર્ષમાં પ્રવેશીએ. જીવનનાં દુઃખો અને નિષ્ફળતાને સફળતાનું પ્રથમ પગથિયું ગણીને આગળ વધીએ.

નવા વર્ષની એકેક પળ, એકેક મિનિટ, એકેક કલાક, એકેક દિવસ, એકેક અઠવાડિયું ને એકેક મહિના બનીને પસાર થાય ત્યારે એને આનંદમય અને સફળ બનાવવાનો એક ટૂંકો રસ્તો છે. એક જડીબુટ્ટી છે રસ્તો હંમેશાં ખુદ પોતાનો વિચાર કરવામાં નથી. પણ એ ટૂંકો રસ્તો, એ જડીબુટ્ટી બીજાનો વિચાર કરવામાં છે, બીજાને માટે જીવવામાં છે. બીજાને માટે પોતાના જીવનને ખર્ચી નાખવામાં છે.
આપણે બીજાને માટે જીવીએ, સૌ લોકો બીજાને માટે જીવશે તો આપણી પાસે દુઃખો ના હોય. જ્યાં દુઃખ હોય ત્યાં આપણે એ દુઃખમાં ભાગીદાર બનીએ અને એમાં હમદર્દી બતાવીને દુઃખને હળવું કરી શકીએવચ્ચે સંઘર્ષ ન હોય, આપણી વચ્ચે યુદ્ધ ન હોય. હું અને તમે એકલા ભારતના ૨૫ ટકા લોકોની ગરીબાઈ દૂર ન કરી શકીએ. ગરીબી રેખા નીચે જીવતા લોકોને ગરીબી રેખા ઉપરના કાર્ડ આપવાથી ગરીબી મદાખલા તરીકે શાકભાજી અને ફળ વેચતા ફેરિયા લોકો સાથે, એક-બે રૂપિયા માટે લડવાને બદલે ખુશીથી યોગ્ય વળતર આપીને આપણી અને બીજાની ખુશી માણીએ. આપણાથી થાય એવી રીતે ગરીબીની નાબૂદી મ પણ ઓછામાં ઓછું નવા વર્ષે આપણા કુટુંબ, આડોશપાડોશ અને સમાજમાંથી સંઘર્ષ અને વિખવાદને દૂર કરવા પ્રયત્નશીલ રહી શકીએ. કુટુંબમાં શાંતિસમાધાન માટે, આપણા સંપર્કમાં આવતા સૌ લોકો સાથે સારો સંબંધ બાંધવા માટે પ્રયત્નશીલ રહીને આપણા જીવનને આનંદમય બનાવી શકીએ. બીજાની ટીકાટિપ્પણ કરવાનું મન થાય ત્યારે એમનાં સારાં પાસાંઓ, ઉદાત્ત ગુણોનો વિચાર કરીએ. બીજાની નિંદા કરવાનું મન થાય ત્યારે ખરા દિલથી પ્રશંસાને લાયક વાતો કરીએ. આપણા જીવનનો આનંદ બીજાને પછાડવામાં નથી પણ એને આગળ ધપાવવામાં, એને યોગ્ય રીતે ખુશ કરવામાં છે. પણ આપણે કદી ખુશામતિયા ન બનીએ. ખુશામત કરવાથી કદાચ આપણો સ્વાર્થ સચવાશે પણ લાંબે ગાળે આપણું જીવન આનંદમય ન બનાવી શકીએ.
સ્કોટલેન્ડ ખાતે ગ્લાસ્કો શહેરના સમયની મોટી ઘડિયાળ (સન ડાયલ) વિશે મેં અગાઉ કોઈ લેખમાં લખ્યું છે. એ મોટી ઘડિયાળ નીચે એક વાક્ય લખેલું છેઃ “સમય ખલાસ થાય તે પહેલાં સમયનો વિચાર કરજો.” આપણે શાંત ચિત્તે બેસીને થોડી મિનિટ માટે સમયનો વિચાર કરીએ. આપણા જીવન અને આપણે જાણીએ એવા લોકોના જીવન અંગે વિચાર કરીએ, ચિંતનમનન કરીએ. આપણે શું જોઈએ છીએ? ઘણા લોકો સમયનો કોઈ અંત નથી એ રીતે જીવે છે. તેઓ કદી સમયના અંતનો – હા જીવનના અંતનો – વિચાર કરતા નથી. પણ સમયનો અને જીવનને કોઈ સંબંધ નથી એ રીતે જીવે છે! સમયનો અંત આવે, જીવનનો અંત આવે ત્યારે પસ્તાવાથી દુઃખી દુઃખી થઈને વિદાય લેવી પડે છે.
આપણા જીવનમાં એવું ન બને એ માટે નવા વર્ષની પ્રથમ પળથી સમયનો યોગ્ય ઉપયોગ કરીને આપણા અને બીજાના જીવનને સુખી અને આનંદમય બનાવવા પ્રયત્નશીલ રહીએ. આપણે જાણીએ છીએ તેમ ઘણા લોકો ૨૦૧૪નું વર્ષ પસાર કરી શક્યા નથી. આપણે નવા વર્ષમાં પ્રવેશ કરતા હોઈએ તો ૨૦૧૫નાં આપણા પ્રથમ પગલાંથી ભગવાને આપણને બક્ષેલા સમયના કિંમતી ભેટનો યોગ્ય ઉપયોગ કરીએ. એ રીતે જાત પ્રત્યેની જવાબદારી નિભાવવા સાથે બીજાને માટે જીવન ગાળીને આપણા જીવનને સફળ બનાવીએ. બીજાના જીવનને આનંદમય બનાવીને ખુદ આપણા જીવનને આનંદમય બનાવીએ.
અંગ્રેજી કવિ આલ્ફ્રેડ ટેનિસન કહે છે તેમ, “ઘડિયાળના કાંટાને તમે અટકાવી શકો નહિ. પરંતુ હા, તમે પદ્ધતિસરના આયોજનથી સમયનો મહત્તમ ઉપયોગ કરી શકો. સમયનો મહત્તમ ઉપયોગ કરી જાણે છે તે સફળ છે, સુખી છે.” છેલ્લે, રિચર્ડ બ્રેથહેટની વાત યાદ રાખીએ કે, “સમય અને સમુદ્રની લહેર કોઈની વાટ નથી જોતાં.” આપણે સમય સાચવીશું તો આપણું જીવન આનંદમય બનશે. કારણ જીવન સમયના સદ્‌પયોગથી સફળ બને છે.

નાતાલઃ પ્રેમનો સંબંધ, પ્રેમનું સૌંદર્ય

નાતાલઃ પ્રેમનો સંબંધ, પ્રેમનું સૌંદર્ય

ફાધર વર્ગીસ પૉલ

નાતાલ કે ખ્રિસ્ત જયંતીમાં ખ્રિસ્તી લોકો પ્રભુ ઈસુનો જન્મ મહોત્સવ ઊજવે છે. પરંતુ આજે ફક્ત ખ્રિસ્તી લોકો જ નહિ પણ ઇતર ધર્મોના લોકો પણ નાતાલ ઊજવે છે. કોઈ ધર્મ અને નાતજાતની વાડાબંધી વિના દેશ-વિદેશના લોકો નાતાલ ઊજવે છે. એટલે નાતાલ કેવળ એક સંપ્રદાયનો કે રાષ્ટ્રનો તહેવાર જ નહિ પણ આંતરરાષ્ટ્રીય ઉત્સવ બન્યો છે.

મોટા ભાગના ખ્રિસ્તી લોકો નાતાલ દર વર્ષે ડિસેમ્બરની ૨૫મી તારીખે ઊજવે છે. તો અમુક ખ્રિસ્તી સંપ્રદાયના લોકો જાન્યુઆરીની ૬ઠ્ઠીએ નાતાલ ઊજવે છે. નાતાલ ભલે કોઈ એક દિવસ મનાય પણ એની તૈયારી અને ઉજવણી લાંબા ગાળા સુધી ચાલે છે. આ વર્ષે ‘થેન્ક્સ ગિવિંગ ડે’ (આભારનો દિવસ)ની ઉજવણી વખતે હું સાઉથ અમેરિકાથી નોર્થ અમેરિકામાં ગયો હતો. ઑક્ટોબર મહિનામાં ઊજવેલા ‘થેન્ક્સ ગિવિંગ ડે’ની ઉજવણી પછી યુએસએ અને કેનેડાના મિત્રો મને કહેતા હતા કે હવે નાતાલની તૈયારી કરવાનો સમય આવ્યો છે!

આ બધી ભવ્ય તૈયારી અને નાતાલની ઉજવણીમાં હું જોઉં છું કે જેની જન્મજયંતી ઉજવાય છે તે બાળ ઈસુને લોકો ભૂલી જાય છે! ઈસુનો જન્મ કેવળ ઉજવણી માટેનું એક નિમિત્તમાત્ર બને છે! ઉજવણી સાથે જાણે ઈસુને કોઈ લેવાદેવા

નથી! પણ મારી દ્રષ્ટિએ ખ્રિસ્ત જયંતીની બધી ઉજવણીમાં બાળ ઈસુ કેન્દ્રસ્થાને હોવા જોઈએ. નહિ તો ડિસેમ્બર ૨૫મીની અને એની આસપાસની ઉજવણીને ખ્રિસ્ત જયંતીનો મહોત્સવ કહેવાનો કોઈ અર્થ નથી.

આપણે નાતાલની ઉજવણીમાં ઈસુને કેન્દ્રમાં રાખવા માટે ઈસુના જન્મનું રહસ્ય સમજવાની જરૂર છે. બે હજાર વર્ષ પહેલાં પેલેસ્ટાઇન દેશના બેથલેહેમ ગામની એક ગમાણમાં એક તદ્દન નિઃસહાય બાળક તરીકે ઈસુનો જન્મ થયો હતો. એ નિઃસહાય બાળક ‘ઇમાનુએલ’ છે.

ઈસુના જન્મની આ વાતમાં શુભસંદેશકાર માથ્થીએ ઈસુના જન્મની આઠ સદી પહેલાં યરુશાલેમમાં થયેલ મહાન પયગંબર યશાયાએ કરેલ ભવિષ્યવાણી ટાંકી છે કે, “કુમારી કન્યાને ગર્ભ રહેશે, અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે. ઇમાનુએલ એટલે ‘ઈશ્વર આપણી સાથે છે'” (માથ્થી ૧, ૨૨-૨૩; યશાયા ૭,૧૪).

ગમાણમાં સૂતેલા બાળ ઈસુ ખરેખર ઇમાનુએલ છે. બાળ ઈસુ જાણે છાપરે ચડીને પોકારે છે કે એક નિઃસહાય બાળકના સ્વરૂપે ઈશ્વર માણસો વચ્ચે વાસ કરે છે, ઈશ્વર સૌ માણસો સાથે છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાનાં પાપથી ઈશ્વરથી

વિખૂટી પડેલી માનવજાત સાથે ફરી નવેસરથી સંબંધ બાંધવા માટે ઈશ્વરપુત્ર ઈસુ આ ધરતી પર આવ્યા છે.

ઈશ્વરે પહેલ કરીને બાળ ઈસુના રૂપમાં માનવજાત સાથે, હા, દરેક માનવી સાથે સ્થાપેલા સંબંધને સ્વીકારીને આપણે નાતાલ ભવ્ય રીતે ઊજવી શકીએ. ઈશ્વરનો માનવ સાથેનો એ સંબંધ પ્રેમનો સંબંધ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં માફી હોય છે.

એટલે પાપમાં ડૂબેલા માણસને બિનશરતી માફી આપીને ઈશ્વર દરેક માનવીને બાળ ઈસુ રૂપે પોતાની પાસે બોલાવે છે. ઈશ્વરના માણસ સાથેના પ્રેમ અને માફીના સંબંધમાં માણસ માટે આશા છે. હવે માણસને પોતાના કોઈ પણ

સંદર્ભમાં નિરાશ થવાની જરૂર નથી. કારણ, ઈશ્વરપુત્ર બાળ ઈસુ હતાશ થયેલા માણસમાં આશા સંકોરવા માટે આ ફાની દુનિયામાં આવ્યા છે.

ગમાણમાં સૂતેલા બાળ ઈસુ આગળ માણસ પોતાના માથા પરનાં પાપનો બોજો દૂર ફેંકી શકે છે. નિરાશામાં ડૂબેલો માણસ આશાથી બાળ ઈસુ પાસે આવી શકે છે. ઈશ્વરે ઈસુ દ્વારા પહેલ કરીને માણસને આપેલાં પ્રેમ અને માફીનો સ્વીકાર કરીને અડગ શ્રદ્ધાથી માણસ બાળ ઈસુ સાથે, હા, ખુદ ઈશ્વર સાથે નવો સંબંધ બાંધી શકે છે.

ગમાણમાં સૂતેલા બાળ ઈસુ દ્વારા સ્થપાયેલો ઈશ્વર અને માનવ વચ્ચેનો આ સંબંધ અસીમ પ્રેમનો સંબંધ છે. બિનશરતી માફીનો સંબંધ છે. અમર આશાનો સંબંધ છે. માણસ માત્રનાં સુખ, શાંતિ અને આનંદનું રહસ્ય ઈશ્વર સાથેના આ સંબંધમાં હું જોઈ શકું છું. ઈશ્વર અને માનવ વચ્ચેના આ સંબંધમાં શ્રદ્ધા છે. ઈશ્વરની માણસ પરની શ્રદ્ધા છે; માણસની ઈશ્વર પરની શ્રદ્ધા છે. અને માણસ આ શ્રદ્ધાથી ઈશ્વર સાથે પ્રેમનો સંબંધ બાંધી શકે છે. ઈશ્વર પરની અડગ શ્રદ્ધાને આધારે માણસ ખુદ પોતાના પર અને બીજા માણસો પર શ્રદ્ધા રાખી શકે છે.

બાળ ઈસુના રૂપમાં ગમાણમાં સૂતેલા એ નિઃસહાય બાળક, ખુદ ઈશ્વરપુત્ર ઈસુએ, માણસજાત સાથે સ્થાપેલા આ સંબંધમાં પ્રેમ છે, શ્રદ્ધા છે, આશા છે. ઈશ્વર અને માનવ વચ્ચેનો આ પ્રેમ, શ્રદ્ધા અને આશાનો સંબંધ ખૂબ સક્રિય સંબંધ છે, જીવતોજાગતો સંબંધ છે. માનવ અને ઈશ્વર વચ્ચેના આ સંબંધ સ્થાપવા અને એની ઘોષણા કરવા માટે જ બાળ ઈસુ આપણી વચ્ચે પધાર્યા છે. આ સંબંધ સ્વીકાર કરવામાં ઈસુએ પ્રબોધેલા સંદેશનો સ્વીકાર હોય છે. ઈસુએ ચીંધેલો માર્ગ અપનાવવાનો નિર્ણય છે. પણ પ્રશ્ન છે કે, આપણા દૈનિક જીવનમાં ઈસુએ ચીંધેલા માર્ગે આપણે કેવી રીતે ચાલીએ? એમનાં આદર્શો અને વલણો આપણે કેવી રીતે રોજબરોજના જીવનમાં અપનાવી શકીએ?

ઈસુના જાહેર જીવન દરમિયાન એક શાસ્ત્રીએે એટલે કાયદાના પંડિતે ખુદ ઈસુને આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હતો! “ગુરુદેવ, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા મારે શું કરવું?”

ઈસુએ પ્રતિપ્રશ્ન કરતાં શાસ્ત્રીને કહ્યું હતું કે, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે માણસે પરમેશ્વર પ્રભુ ઉપર પૂરા હ્રદયથી અને પૂરા જીવથી, પૂરી શક્તિથી અને પૂરા મનથી પ્રેમ રાખવો અને માણસે પોતાના માનવબંધુ ઉપર પોતાની

જાત જેટલો પ્રેમ રાખવો.

ઈસુના જવાબથી સંતોષ માનવાને બદલે શાસ્ત્રીએ પોતાનો મૂળ પ્રશ્ન નકામો નથી એમ બતાવવા માટે ફરી ઈસુને પૂછ્યું, “પણ મારો બંધુ કોણ્?”

ઈસુએ ફરી શાસ્ત્રીને એક દ્રષ્ટાંતરૂપે જવાબ આપતાં કહ્યું, “એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો. એવામાં તે લૂંટારુઓના હાથમાં સપડાયો. તે લોકોએ તેનાં કપડાં ઉતારી લીધાં અને સારી પેઠે માર પણ માર્યો અને તેને અધમૂઓ મૂકીને પોતે ચાલતા થયા. હવે એવું બન્યું કે, એક પુરોહિત તે રસ્તે

થઈને નીકળ્યો, પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો. આ જ રીતે એક પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો, અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો. પણ એક શમરુની મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો. અને પેલા માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી. તેણે તેની પાસે જઈ તેના ઘા ઉપર તેલ અને દ્રાક્ષાસવ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાઈમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીધી. ઉપરાંત, બીજે દિવસે બે રૂપામહોરો કાઢીને તેણે સરાઈવાળાને આપી અને કહ્યું, ‘તમે તેની સંભાળ રાખજો, અને તમે જે કંઈ વધારાનું ખર્ચ કરશો તે હું તમને વળતાં આપી દઈશ.'”

આ દ્રષ્ટાંતકથા સંભળાવીને ઈસુએ પેલા શાસ્ત્રીને પૂછ્યું, “હવે, આ ત્રણમાંથી કોણ પેલા લૂંટારુના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય? તું શું ધારે છે?” પેલાએ જવાબ આપ્યો, “જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે.”

શાસ્ત્રીના જવાબથી ખુશ થઈને ઈસુએે એમને કહ્યું, “તો જા, તું પણ એ પ્રમાણે કરજે.” (જુઓ લૂક ૧૦, ૨૫-૩૭)

માનવ-માનવ વચ્ચેના સંબંધની બાબતમાં ઈસુને માટે કોઈ ધર્મની વાડાબંધી નથી. કોઈ નાનામોટા હોદ્દાનો તફાવત નથી. માનવ-માનવ વચ્ચેનો સંબંધ કોઈ સગાંસંબંધી પૂરતો મર્યાદિત નથી. ઈશ્વર અને માનવ વચ્ચેના સંબંધમાં ઊંચનીચનો કોઈ ભેદભાવ નથી. કોઈને માટે વિશેષ પસંદગી હોય, કોઈને માટે અગ્રતા હોય, તો તે પસંદગી લૂંટારુના હાથમાં સપડાયેલા મુસાફર જેવા જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. ઈસુના જન્મનો સંદેશ સાંભળીને એમને ગમાણમાં મળવા આવેલા ભરવાડો જેવા ગરીબ લોકો માટે એમની વિશેષ પસંદગી હોય છે.

ગમાણમાં સૂતેલા બાળ ઈસુના પ્રેમાળ હૃદયમાં સૌને માટે સ્થાન છે. ઈસુ સૌને આવકારે છે. સૌને પોતાની પાસે બોલાવે છે. ઈસુના એ આવકારમાં એકબીજાને કોઈ ભેદભાવ વિના માણસ તરીકે સ્વીકારવાનું આમંત્રણ છે. એકબીજા સાથે ભાઈબહેન તરીકેનો સંબંધ રાખવાનું આમંત્રણ છે. ઈશ્વર તરફનો રસ્તો, મુક્તિનો માર્ગ, માણસ અને માણસ વચ્ચે, માણસ અને ઈશ્વર વચ્ચેના સંબંધમાં છે. એ સંબંધમાં નિઃસ્વાર્થ પ્રેમ છે, બિનશરતી માફી છે, વળતરની આશા વિનાની સેવા છે. એ પ્રેમ અને માફી અને સેવામાં દિલનો આનંદ છે. બાળ ઈસુ એ આનંદના મૂળમાં છે.

છેલ્લે, આપણને મુક્તિ બક્ષનાર ઈશ્વરના પ્રેમનું સૌન્દર્ય ગમાણમાં સૂતેલા બાળ ઈસુમાં નિહાળીને ધન્યતા અનુભવીએ. આનંદી નાતાલ.

નવા વર્ષે કયા પ્રકારના માણસ થવાની તમારી પસંદગી છે?

નવા વર્ષે કયા પ્રકારના માણસ થવાની તમારી પસંદગી છે?

ફાધર વર્ગીસ પૉલ

માણસ અખિલ બ્રહ્માંડમાં ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. દુનિયાના પટ પર અસંખ્ય પ્રકારના જીવો છે. પ્રાણીઓ છે. જીવજંતુઓ છે. પરંતુ એ બધા જીવોમાં માણસ જેવો કોઈ જીવ નથી. કોઈકે કહ્યું છે કે માણસનો જીવ એના માટેની ઈશ્વરની સર્વોત્તમ ભેટ

છે; અને માણસ પોતાના જીવથી જે બને છે, જે કરે છે, તે ઈશ્વર માટેની માણસની ભેટ છે. ઈશ્વરની માણસ માટેની ભેટ અને માણસની ઈશ્વર માટેની ભેટ બંનેને સમજવા માટે અને કદર કરવા માટે આપણે માણસને ભિન્ન પ્રકારના બે સરોવરો

જોડે સરખાવીએ. અને પોતે બે પ્રકારના માણસોમાં કયા પ્રકારમાં આવે છે તે જાણવા પ્રયત્ન કરીએ.

હું માણસને પેલેસ્ટાઇન દેશના બે સરોવરો સાથે સરખાવવા માગું છું. સરોવરોનાં નામ છે ગાલીલનું સરોવર અને મૃત સરોવર. યર્દન નદીમાં બંને બાજુના પર્વતોથી આવતી ઝરણી અને ઉપનદી પાણી ભરે છે અને યર્દન નદી એ બધું પાણી ગાલીલના સરોવરમાં અને પછી મૃત સરોવરમાં ઠાલવે છે. યર્દન નદીમાંથી સ્વચ્છ મીઠું પાણી વહીને બંને સરોવરોને મળે છે. છતાં બંને સરોવરોના પાણીમાં આભજમીનનો મોટો તફાવત છે.

અંગ્રેજીમાં ‘સી ઑફ ગાલિલી’ નામે ઓળખાતા ગાલિલીના સરોવરની વાત લઈએ. એ યર્દન નદીની જેમ ગાલિલીના સરોવરનું પાણી મીઠું છે. રંગદ્વાર પ્રકાશને ૨૦૦૬માં પ્રગટ કરેલા મારા પુસ્તક ‘યાદગાર અનુભવો’માં ‘પુણ્યભૂમિ ઇસ્રાયેલ’ નામે એક લાંબું પ્રકરણ છે. એમાં મેં નોંધ્યું છે તેમ, હ્રદયના આકારનું ગાલિલીનું સરોવર આશરે ૧૪ માઈલ લાંબું અને ૭ માઈલ પહોળું છે. ગાલિલીના સરોવરના પાણીનું સ્તર દરિયાના સ્તર કરતાં ૬૯૬ ફીટ નીચું છે અને સરોવરથી ઊંડાઈ ૧૬૫થી ૨૩૦ ફીટ છે. (પૃ. ૧૬૨-૧૯૦).

મારા જેવા પ્રકૃતિના ચાહકો અને પર્યાવરણ પ્રેમીઓને ખાસ આકર્ષનાર બાબત સરોવર કિનારાનાં છોડવાઓ અને વૃક્ષોથી વ્યાપેલી હરિયાળી છે. સરોવરનું પાણી પણ વિવિધ પ્રકારની માછલીઓથી જીવંત હોય છે. સરોવરના કાંઠા પર માછીમારો અને એમની જાળ છે તો ક્યાંક તીર્થયાત્રા કે ઉજાણી

માટે આવેલા લોકોની ટુકડી પણ નજરે પડે છે. ટૂંકમાં કહું તો, ‘સી ઑફ ગાલિલી’ એક જીવતુંજાગતું સરોવર છે. ગાલિલીનું સરોવર એક છેડે યર્દન નદીનું પાણી સ્વીકારે છે તો બીજા છેડેથી યર્દન નદીમાં પાણી છોડે છે. એટલે યર્દન નદીનું મીઠું પાણી ઉપરથી અને નીચેથી સતત વહ્યા કરે છે.

પેલેસ્ટાઇનનું બીજું સરોવર ‘ડેડ સી’ નામે ઓળખાતું મૃત સરોવર છે. ગાલિલીના સરોવરની સરખામણીમાં મૃત સરોવરનું એક તદ્દન ભિન્ન દ્રશ્ય આપણી આગળ ઊભું થાય છે. મૃત સરોવર ગાલિલીના સરોવર કરતાં ખૂબ મોટું છે. એની લંબાઈ ૫૩ માઈલ અને પહોળાઈ ૧૦ માઈલ છે અને એની ઊંડાઈ ૧૩૦૦ ફીટ છે. એના પાણીનું સ્તર

દરિયા કરતાં ૧૨૯૦ ફીટ નીચે છે!

યર્દન નદી અને ઉપનદીઓનું સ્વચ્છ ને મીઠું પાણી મૃત સરોવરમાં ઠલવાય છે. પરંતુ સરોવરનું પાણી ખારું છે; એટલું જ નહીં, પણ દરિયાઈ પાણીની ખારાઈ કરતાં મૃત સરોવરનું પાણી ૬ ગણું વધુ ખારું છે. એના પાણીનું ક્ષારપણુ કે લવણતા ૨૫ ટકા છે. એટલે મૃત સરોવરના પાણીમાં માછલી કે અન્ય કોઈ પ્રકારનો જીવ નથી. યર્દન

નદીના મીઠા પાણી સાથે કોઈ માછલી મૃત સરોવરના પાણીમાં આવે તો તરત જ મરી જાય છે! એ જ રીતે મૃત સરોવરના કિનારે કે તટપ્રદેશમાં કોઈ છોડવાં, વૃક્ષ કે કોઈ પણ પ્રકારની હરિયાળી નથી. ત્યાં કોઈ માછીમાર નથી. મૃત સરોવરમાંથી યર્દન નદીનું શુદ્ધ અને મીઠું પાણી મળે છે, પરંતુ મૃત સરોવરમાંથી ખારું કે મીઠું પાણી બહાર વહી જતું નથી!

તમે ઘણા યાત્રાળુ મુસાફરોની જેમ મૃત સરોવરના પાણીમાં જશો તો તળાવની હોડીની જેમ પાણીની સપાટી પર તરતા રહેશો. પાણીની ખારાઈના કારણે તમે ડૂબી શકતા નથી. જીવવિહોણા મૃત સરોવરની જેમ એની આસપાસના પ્રદેશમાં પણ ઝાડવાં-ઝાંખરાં નથી. હરિયાળી નથી. પણ મરુભૂમિની જેમ આખો પ્રદેશ વેરાન છે, ઉજ્જડ છે.

‘સી ઑફ ગાલિલી’ અને ‘ડેડ સી’ – બંને મોટાં સરોવરો છે. બંને સરોવરોમાં યર્દન નદી અને ઉપનદીઓ અને નાનાંમોટાં ઝરણાઓ દ્વારા મીઠું પાણી ઠલવાય છે. પણ એકનું પાણી મીઠું છે અને બીજાનું પાણી ખારું છે. એકમાં જીવ છે, બીજામાં બિલકુલ જીવ નથી. ગાલિલીનું સરોવર યર્દન નદીનું મીઠું પાણી મેળવીને બીજે છેડેથી યર્દન

નદીને મીઠું પાણી આપે છે. એટલું જ નહીં, પણ ગાલિલીનું સરોવર અને આસપાસનો પ્રદેશ જીવજંતુઓ અને વૃક્ષલતાદિથી જીવતાં-જાગતાં રહે છે. બીજી બાજુ મૃત સરોવર મીઠું પાણી મેળવે છે પણ ખારા પાણી સાથે ભળી જઈને બીજાને કશુંય આપી શકતું નથી. મૃત સરોવરના પાણીમાં કોઈ પ્રકારનો જીવ નથી. એમાંથી પાણી બહાર

જતું નથી. એનામાં પડતું મીઠું પાણી એના ખારા પાણીમાં સમાઈ જાય છે.

બે ભિન્ન પ્રકારોના માણસોને ચીતરવા માટે ગાલિલીનું સરોવર અને મૃત સરોવર ઉત્તમ દાખલા પૂરા પાડે છે. મીઠું પાણી મેળવતાં બંને સરોવરોની જેમ બધા માણસો પોતાનાં સગાંસંબંધીઓ, મિત્રો તેમના સંપર્કમાં આવતા બધા માણસો

અને કહો કે સમગ્ર દુનિયામાંથી ઘણુ બધું મેળવે છે. બધા માણસોને ઈશ્વર પાસેથી જીવનની મહામૂલી ભેટ મળી છે. ઘરકુટુંબ અને સમાજ તથા ધર્મના સંસ્કાર મળે છે. સદાચાર અને સદ્દગુણો મળે છે. ઘણા લોકોને

વારસામાં ધનદોલત અને સાધનસંપત્તિ મળે છે. માણસો શિક્ષણથી પ્રબુદ્ધ બને છે.

ઘણા લોકો બુદ્ધિ અને મહેનતથી ધનદોલત મેળવે છે. નાનીમોટી સિદ્ધિઓ મેળવે છે.

આ બધા લોકોને બે પ્રકારના લોકોમાં જુદા પાડી શકાય છેઃ પરગજુ માણસો અને સ્વાર્થી માણસો. પરગજુ ઉદાર માણસો અને સ્વકેન્દ્રિત સ્વાર્થી માણસો. બીજાને માટે જીવનાર માણસો અને ખુદ પોતાના માટે જીવનાર માણસો. આમાં પ્રથમ પ્રકારના માણસો બીજાને માટે થઈને જીવે છે.

બીજાને માટે જે પોતાનું છે તે બધું આપવા તૈયાર છે. પોતાનાં સુખદુઃખમાં બીજાને ભાગીદાર-સાથીદાર બનાવે છે. બીજાનાં દુઃખમાં પોતાનાથી થાય એ રીતે ભાગીદાર બનીને દુઃખને હળવું કરે છે.

આ પ્રકારના પરગજુ માણસો પોતાની ધનદોલત સંગ્રહી રાખવાને બદલે એક કુશળ કારભારીની જેમ બીજાને, વિશેષ તો જરૂરિયાતમંદોને પોતાની ધનદોલતનો લાભ આપે છે. આ પ્રકારના ઉદાર માણસો ફક્ત પોતાની સાધનસંપત્તિમાં જ નહિ,

પણ પોતાની આવડત, પોતાનો સમય, પોતાનો હોદ્દો જેવી બધી બાબતોનો લાભ કોઈ ઢંઢેરો પીટ્યા

વગર નિઃસ્વાર્થ ભાવનાથી બીજાને આપે છે. ટૂંકમાં કહું તો એવા માણસો ખુદ પોતાનું જીવન બીજાને માટે જીવીને ધન્યતા અનુભવે છે.

બીજા પ્રકારના સ્વાર્થી માણસોનું જીવન તથા તેમનો આચારવિચાર – બઘું જ સ્વકેન્દ્રિત હોય છે. સ્વાર્થ માટે હોય છે. તેઓ બધી બાબતોને પોતાના માટે અને પોતાનાં નજીકનાં કુટુંબીજનો માટે વાપરવા કે સંગ્રહી રાખવામાં માને છે.

તેઓને બીજાની કોઈ પરવા નથી. આ પ્રકારના માણસો સંગ્રહખોર હોય છે, ખૂબ કંજૂસ હોય છે. તેઓ પોતાને માટે

ઘનદોલત અને સાધનસંપત્તિ ભેગાં કર્યાં કરે છે. એમાં કદી એમને સંતૃપ્તિ નથી.

હવે નવા વર્ષના પ્રશ્ન છે કે આ બે પ્રકારના માણસોમાં આપણી ગણતરી કેવા પ્રકારના માણસોમાં થાય છે? ગાલિલીના સરોવરની જેમ આપણે જીવનમાં ઘણુબધું મેળવીને એમાં બીજાને નિઃસ્વાર્થપણે સાથીદાર-ભાગીદાર બનાવીએ છીએ ખરા? આપણે બીજાને માટે થઈને જીવીએ છીએ ખરા? કે પેલા મૃત સાગરની જેમ આપણા જીવનમાં બીજાઓ પાસેથી કે બીજાઓ દ્વારા ઘણુબધું મળે છે તે બધું પોતાના હકનું માનીએ છીએ? બધું જ પોતાને માટે અને વધુમાં વધુ પોતાનાં કુટુંબીજનો

માટે વાપરીએ છીએ કે શું? શું બધું જ સંગ્રહી રાખીએ છીએ?

જેમની જન્મજયંતી આપણે ડિસેમ્બર ૨૫મીએ ઊજવીએ છીએ તે બાળ ઈસુ બીજાને માટે, એટલે આપણને માટે, જીવવા માટે આ દુનિયામાં આવ્યા છે.

આપણા દૈનિક જીવનમાં આપણે બંને પ્રકારનાં લોકોને મળીએ છીએ. એટલે નિઃસ્વાર્થપણે વિવિધ સેવાઓમાં રોકાયેલા લોકોને પ્રથમ પ્રકારના પરગજુ માણસોમાં ગણી શકાય. દાખલા તરીકે, કેળવણીમાં રોકાયેલા શિક્ષક-શિક્ષિકાઓને તેમ જ તબીબી સેવામાં મંડ્યા રહેતા લોકોને પ્રથમ પ્રકારના પરગજુ માણસોમાં ગણી શકાય. જોકે શિક્ષણ અને તબીબી ક્ષેત્રમાં પણ સેવાની ભાવના ભૂલી જઈને કેવળ નાણા કમાવવાના એક જ હેતુથી કામ કરતા સ્વાર્થી લોકો છે અને આપણે તેમને બીજા પ્રકારના લોકોમાં ગણવા જોઈએ. જાતમહેનત કર્યા વિના મળતા નાણાના મોહમાં આ પ્રકારના લોકોની સંખ્યા વધતી રહે છે તે દુઃખદ વાત છે.

સામાજિક સેવામાં પરોવાયેલા કર્મશીલો, જનકલ્યાણમાં રોકાયેલા મિશનરીઓ પ્રથમ પ્રકારના લોકોમાં આવે છે. લોકસેવાના નામે ફક્ત ખુદ પોતાને માટે ગમે તે માર્ગે ધનસંપત્તિ ભેગી કરતા રાજકારણીઓ તથા ધર્મ અને ભગવાનનું નામ લઈને યુક્તિ-પ્રયુક્તિથી ભક્તોને ગેરમાર્ગે દોરતા ઘનલોલુપ દંભી ધર્મગુરુઓ અને કહેવાતા સાધુસંતો બીજા પ્રકારના સ્વાર્થી માણસોમાં આવે. અલબત્ત, રાજકારણ અને ધર્મ-સંપ્રદાયોની સેવામાંય ખરા દિલથી લોકકલ્યાણની સેવા કરતા પરગજુ લોકો પણ આપણી વચ્ચે છે તે નિર્વિવાદ હકીકત છે.

આજે શહેરના ચાર રસ્તાઓ પર, મંદિરો અને અન્ય દેવસ્થાનો બહાર ભીખ માગતા લોકો હોય, બાળમજૂરો હોય, શહેરોના પુલો નીચે રાતવાસો કરતા ઘરવિહોણા માણસો હોય, ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો હોય તો એનું એકમાત્ર કારણ બીજા પ્રકારના સ્વાર્થી લોકો છે. આ બધા ગરીબ લોકો મહેનત કરે છે.

છતાં તેઓ મકાન, કપડાં અને રોટીથી વંચિત રહેતા હોય તો સમાજ અને દેશમાં સાધનસંપત્તિનો અભાવ નથી પણ લોકોને ગરીબ અને નિરાધાર રાખવામાં માનનારા બીજા પ્રકારના લોકોનો નર્યો સ્વાર્થ છે. ગાંધીજીએ કહ્યું છે તેમ, બધા લોકો સારી રીતે જીવી શકે એટલી બધી સાધનસંપત્તિ દુનિયામાં છે, પરંતુ માણસોનાં સ્વાર્થ અને સંગ્રહવૃત્તિને પોષવા જેટલી માલમિલકત નથી!

આ લખું છું ત્યારે ડિસેમ્બર ૭, ૨૦૧૩ના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને બીજા એક અખબારમાં વાંચેલા એક સમાચાર આપણા સમાજનો ખ્યાલ આપે છે. સમાચાર છે કે રેલવેના ટિકિટ ચૅકરોએ છેલ્લા અગિયાર મહિનામાં રૂપિયા એક કરોડથી વધારે રકમ ટિકિટ વગર મુસાફરી કરતા લોકો પાસેથી દંડરૂપે ભેગી કરી છે! હું માનું છું કે ટિકિટ વિના પકડાયેલા અસંખ્ય લોકોમાંથી સરકારને, એટલે ઉપરી અધિકારીઓને બતાવવા પૂરતી પહોંચ ફાડી આપ્યાની એ રકમ છે.

મેં કેટલીય વાર જોયું છે કે મોટા ભાગના કિસ્સાઓમાં ટીસી પકડાયેલા મુસાફરને શિક્ષાની કુલ રકમની પહોંચ ફાડી આપવાને બદલે અડધી રકમ લઈને પહોંચ આપ્યા વિના જતા હોય છે!

નવેમ્બર ૨૪, ૨૦૧૩ના રોજ હું આશ્રમ એક્સપ્રેસમાં દિલ્હી જતો હતો. મારી સામે એક યુવતી આવીને બેસી ગઈ. એની પાસે ખાસ લગેજ નહોતું.

લાંબી મુસાફરીમાં લગેજ વિના આવીને બીજાનાં લગેજ ઉઠાવી જતા ઉઠાઉગીરોની વાત મેં સાંભળી છે. એટલે હું સાવધ બન્યો. પરંતુ એ યુવતીના શાંત-સૌમ્ય ચહેરા પર એવી કોઈ શંકા કરવાની કે ખાસ સાવધાન રહેવાની મને જરૂર ન લાગી. ટીસી આવ્યા ત્યારે એની પાસે ટિકિટ નહોતી. ટીસીએ એને રૂ. ૭૦ની શિક્ષા કરી તો તેણે તરત જ

રૂ. ૭૦ કાઢી આપ્યા. રૂ. ૭૦માંથી રૂ. ૨૦ પરત આપીને ટીસીએ પૂછ્યું, “ખુશ?” એ યુવતીના ચહેરા પર કોઈ પ્રતિભાવ ન દેખાયો.

ટીસી ઊઠીને જતા હતા ત્યારે મેં એમનું ધ્યાન દોરીને કહ્યું, “સાહેબ, આપે રૂ. ૫૦ લીધા છે. પરંતુ પહોંચ આપી નથી!”

” મારે તો પાંચ ડબ્બાનું કામ કરવાનું છે, સાહેબ! મેં આ રીતે બીજાનાં પણ પૈસા લીધાં છે. બધાને અંતે પહોંચ ફાડી આપીશ,” ટીસીએ મને કહ્યું.

“તો સાહેબ, આપ પહોંચ ફાડી આપશો ત્યારે એ બહેન પાસેથી પહોંચનાં નાણા લેજો,” મેં દ્રઢતાથી કહ્યું.

એક જૂઠ છુપાવવા માટે સો જૂઠાણાનો આશરો લેવો પડે છે! જૂઠી વાતોથી ટીસીનો અવાજ વધતો રહ્યો અને હું તો બિલકુલ શાંત રહ્યો. એટલામાં બંને બાજુથી લોકોની ભીડ જામવા માંડી. પેલી છોકરી પાસેથી લીધેલા રૂ. ૫૦ એને પરત

આપીને ટીસી આગળ ગયા. પછી મેં એ છોકરી સાથે વાત કરી તો મને જાણવા મળ્યું કે તે નિયમિત

અપ-ડાઉન કરતી કૉલેજિયન છે. એનો ‘પાસ’ પૂરો થયો હતો અને બીજો પાસ કઢાવવાનો બાકી હતો. ટીસીને દર મહિને મસમોટી રકમનો પગાર મળે છે. છતાં ટીસી જેવા સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારથી મુક્ત નથી એ આપણી કમનસીબી છે.

આપણી જાતને પ્રથમ પ્રકારના પરગજુ અને ભરોસાપાત્ર માણસોની હરોળમાં મૂકવા માટે આપણે ખોટી વાત અને લાંચ આપવા કે લેવા જેવી બધી બાબતોમાંથી સંપૂર્ણપણે મુક્ત રહેવું પડશે. નવા વર્ષે બધા જ પ્રકારના સ્વાર્થથી દૂર રહીને આપણા દૈનિક આચાર-વિચારથી આપણે પ્રથમ પ્રકારના માણસો થવાની પસંદગી કરીશું.