સ્મિત કરીને આનંદ ફેલાવો

હું સ્કૂલમાં હતો ત્યારે મારા મિત્રો અને અપરિચિત લોકો પણ મને ‘ચિરીકુટુકકા’ કહીને બોલાવતા હતા. હું વર્ગમાં કે બહાર પણ કોઈ ભૂલ કરું અને તરત જ મને મારી ભૂલનો ખ્યાલ આવે ત્યારે હું અનાયાસે સ્મિત કરતો. એટલે જ લોકો મને ‘ચિરીકુટુકકા’ એટલે ‘સ્મિત વેરતું બાળક’ કહેતા. ‘ચિરી’ એટલે સ્મિત, હાસ્ય અને ‘કુટુકકા’ એટલે નાનું મોં વાળું ગોળ વાસણ.

હું અમદાવાદ ખાતે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાયો ત્યારે મેં લખેલો મારો પ્રથમ નિબંધ સ્મિત વિશે હતો. અનુભવે હું જાણું છું કે, નાનીસૂની ભૂલો અને ગેરસમજ વચ્ચે પણ નિખાલસ સ્મિત દિલને શાંતિ આપે છે. સવારે હું કોઈને સામે મળું ત્યારે સ્મિત સાથે ગુડ મોર્નિંગ કહું છું. ઘણી વાર સ્મિતમાંથી મળતો દિલનો આનંદ સામેવાળાના સ્મિત અને નમસ્કારથી બમણો થાય છે.

સ્મિત કરીને સામેવાળાને આનંદ આપવા સાથે જાતે આનંદ માણવાની મારી બાળપણની ટેવ હજી મારી પાસે છે. ચાર રસ્તાની લાલબત્તી સામે હું ગાડી ઊભી રાખું છું અને મને ખ્યાલ આવે છે કે, પાસેનો માણસ મારી સામે જુએ છે તો હું તરત જ સ્મિત કરીને મારા આનંદમાં એને ભાગીદાર બનાવું છું.

એક વાર અમદાવાદના ઈન્ક્મટેક્ષના ચાર રસ્તા પાસે લાલબત્તી સામે મેં મારી ગાડી ઊભી રાખી. મારી ગાડીની બિલકુલ પાસે ત્રણ યુવાનોની સવારીવાળી મોટરસાઇકલ ઊભી રહી. અનોખી રીતે વાળ કપાવેલા એક યુવાનની હેરસ્ટાઇલથી મારું સ્મિત એમને વિચિત્ર લાગ્યું હશે. એટલે એક યુવાને મને પૂછ્યું, “કાકા, કેમ હસો છો?” મેં કહ્યું, “જુઓ ભગવાને કેવો અન્યાય કર્યો છે! બે પૈડાંવાળા બાઈક પણ આપ ત્રણ જણ છો અને ચાર પૈડાંવાળી મારી ગાડીમાં હું એકલો સવારી કરું છું! એ અન્યાય નથી તો શું?”

મારા જવાબથી ખુશ થયા હોય તેમ હસતા હસતા તેઓ જતા રહ્યા. મને લાગ્યું કે, મારું સ્મિત અને અમારી વચ્ચેના ટૂંકા સંવાદથી અમે ચોમેર ખુશીનો રેલો ફેલાવ્યો.

સામાન્ય રીતે તમે સ્મિત કરો ત્યારે સામેવાળો માણસ પણ સ્મિત વેરે. પણ એક વાર સ્ટેડિયમ છ રસ્તાની લાલબત્તી આગળ મારી ગાડી પાસે એક ઓટોરિક્ષા આવી ઊભી. હું સ્મિત સાથે પેલા રિક્ષાવાળાની સામે જોતો રહ્યો. ખૂબ ગંભીર દેખાતા એ ભાઈએ મને પૂછ્યું, “સાહેબ, શું જુઓ છો? કેમ હસો છો?” મેં કહ્યું, “ભાઈસાહેબ, આપ આપની રિક્ષા ખૂબ સ્વચ્છ અને સાફ રાખો છો. મુસાફરોને આપની રિક્ષામાં બેસવાનું ગમશે.” એ રિક્ષાવાળાની ભારેખમ મુખછાયા તરત જ બદલાઈ ગઈ અને જાણે એમના મોં પર ખુશીનું પતંગિયું આવીને બેઠું. સાચે જ સ્મિતથી માણસનો દેખાવ વધુ પ્રભાવશાળી બને છે.

આધ્યાત્મિક ગુરુઓ કહે છે કે, સ્મિતથી તમારી અને તમારી આસપાસની દુનિયા બદલી શકાય છે. ઉપર જણાવેલા મારા અનુભવના પ્રસંગો આ વાતને પુરાવારૂપ ગણી શકાય છે. મોં પરના સ્મિતથી તમે સામેવાળાને આકર્ષક લાગશો. તમે સ્મિત વેરો ત્યારે ખુશીનો રેલો જ ફેલાય છે. તમારા શરીર અને મન પર ‘બધું સારું’ હોવાની અસર થાય. તમારી નાનીસૂની ભૂલ સામે ગુસ્સે થયેલા માણસનો ગુસ્સો તમારા સ્મિતથી આપોઆપ ઊતરી જાય છે. તમે સ્મિત કરો ત્યારે સામેનો માણસ પણ આપોઆપ સ્મિત કરવા પ્રેરાય છે.

ખુશીથી જીવવા માટેનો એક ટૂંકો રસ્તો છે દિલનું એક સરળ સ્મિત. સામેવાળાનું સ્મિત તમને નિઃશબ્દપણે જણાવે છે કે તમે પ્રેમાળ છો; પ્રીતિપાત્ર છો. તમારા સ્મિતથી તમે સામેવાળી વ્યક્તિને એ જ વાત જણાવો છો કે, તેઓ પ્રેમાળ છે; પ્રીતિપાત્ર છે. એટલે સ્મિતથી સંબંધ બંધાય છે; સંબંધ પોષાય છે. દિલથી સ્મિત કરીએ ત્યારે આપણે આપણાં દુઃખો, ચિંતાઓ ભૂલી જઈએ છીએ; જીવનનો આનંદ માણીએ છીએ.

સ્મિત ચેપી છે. તમે દિલથી સ્મિત કરો ત્યારે તમારી સામે હોય એવા પરિચિત અને અપરિચિત માણસ પણ સ્મિત કરશે જ અને જીવનની ખુશાલી ચોમેર ફેલાશે. સ્મિતથી અપરિચિત લોકો પણ આપણા મિત્ર બની શકશે. સામસામેનું સ્મિત બંને માણસોમાં આત્મવિશ્વાસ પેદા કરશે. બંને વ્યક્તિત્વ એકબીજા મારે આકર્ષક બનશે. બંને વચ્ચેના સંબંધની એ શરૂઆત છે. ક્રિસ્તી બ્રિનકલે નામના એક લેખક અનુરોધ કરે છે: “દુનિયાને તમારા સ્મિતના ભાગીદાર બનાવો. સ્મિત એ મિત્રતા અને શાંતિનું પ્રતીક છે.”

સ્મિત વિશે ઘણા નામી-અનામી મહાત્માઓએ ખૂબ પ્રેરણાત્મક વાતો કરી છે. વિવિધ સ્ત્રોતોથી ભેગા કરેલા કેટલાક દાખલાઓ અહીં આપું છું.

વિશ્વ વિખ્યાત ચિત્રકાર લિયોનાર્દો દા વિન્ચી કહે છે કે, “આનંદદાયક સ્મિત માનવીય નથી પણ દૈવી છે.”

સ્મિત વિશેની મધર ટેરેસાની વાતો ખૂબ જાણીતી છે:

“દરેક વખત તમે કોઈની સામે સ્મિત વેરો છો ત્યારે તે પ્રેમનું કામ કરે છે.”

“તમારું સ્મિત તમારા સામેના માણસ માટેની સુંદર ભેટ છે.”

“આપણે હંમેશાં સ્મિતથી એકબીજાને મળીએ. કારણ, પ્રેમની શરૂઆત સ્મિતથી થાય છે.”

વિલિયમ અર્થર વાર્ડ કહે છે કે, “હૂંફાળું સ્મિત દયાની વૈશ્વિક ભાષા છે.”

તિનય નાત હાના (Thinch Nhat Hanah) કહે છે કે, “તમે તમારા સ્મિતથી જીવનને વધુ સુંદર બનાવો છો.”

છેલ્લે, પરમહંસ યોગાનંદ કહે છે કે, “મારા આત્માને મારા હ્રદય દ્વારા સ્મિત કરવા દો. મારું હ્રદય તમારી આંખો દ્વારા સ્મિત કરશે કે, હું દુ:ખી હ્રદયોમાં ભવ્ય સ્મિતો વેરી શકું.”

તમારું સ્મિત ફક્ત તમારા પૂરતું સીમિત રાખશો તો તેવું સ્મિત નકામું છે. બીજાને માટે સ્મિત કરો છો ત્યારે જ તમારું સ્મિત જાણે ફળવંત બને છે. એટલે બીજાને માટે સ્મિત આપવાનું ભૂલશો નહીં. બીજાને માટે સ્મિત વેરીને જીવનનો આનંદ ફેલાવો. ગુજરાતી કહેવત છે કે, “હસો અને દુનિયા તમારી સાથે હસશે.”

#

Changed on: 01-09-2019

Next Change: 16-09-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

 

 

 

 

પર્યાવરણની સાચવણી – મારી દ્રષ્ટિએ

પર્યાવરણને બરાબર સમજવા અને સમજાવવા માટે મારી પાસે એક એનોખો ગ્રંથ છે. વિશ્વભરમાં અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલો પ્રસ્તુત ગ્રંથ એટલે વડા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના પર્યાવરણ અંગેનો વૈશ્વિક પરિપત્ર ‘લાઉડાતો સી’ અર્થાત ‘તમારી સ્તુતિ હો.’ એનું ઉપશીર્ષક પુસ્તકનો વિષય સમજવામાં મદદરૂપ છે: “આપણા સહિયારા ઘરની સંભાળ વિશે.”

પોપ ફ્રાન્સિસ કહે છે કે, લોકો ખુદ માણસ હોવાને નાતે પર્યાવરણની સંભાળ રાખવા બંધાયેલો છે. ખ્રિસ્તી લોકોને એમની શ્રદ્ધાના અવિભાજ્ય ભાગરૂપે સમગ્ર સર્જનમાં પોતાની જવાબદારી તથા પ્રકૃતિ અને સર્જક પ્રત્યેની પોતાની ફરજો સમજવાની હોય છે.

બાઇબલના પ્રથમ ગ્રંથ ‘ઉત્પત્તિ’માં સર્જનની વાત છે. સર્જનની પૌરાણિક કથાના અંતે બાઇબલે નોંધ્યું છે કે, “અને ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ જ સારું લાગ્યું” (ઉત્પત્તિ 1: 31). ઈશ્વરના સમગ્ર સર્જનમાં માણસનું વિશેષ સ્થાન છે. બાઇબલ કહે છે તેમ, ઈશ્વરે સ્ત્રી અને પુરુષને ખાસ પ્રેમથી સર્જ્યાં છે. પોતાની પ્રતિમૂર્તિરૂપ અને પોતાને મળવા આવતા હોય એવા માણસને સર્જ્યાં છે. (જુઓ ઉત્પત્તિ 1: 26). એટલે ઈશ્વર દરેક માણસને કહી શકે છે કે, “તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો” (ઈર્મિયા 1: 5).

બાઇબલની આ પૌરાણિક કથા સમજાવતાં પોપ  ફ્રાન્સિસ જણાવે છે કે, માનવજીવન ત્રણ મૂળભૂત પ્રકારના સંબંધો સાથે નિકટપણે બંધાયેલું છે: ઈશ્વર સાથેનો સંબંધ, આપણા પડોશી સાથેનો સંબંધ અને ખુદ ધરતી સાથેનો સંબંધ.  આ ત્રિવિધ સંબંધની સંવાદિતાને સાચવવાને બદલે ધરતી પર – સમગ્ર સર્જન પર – હકૂમત ભોગવવાના માણસના પ્રયત્નથી સંવાદિતતાને બદલે પૃથ્વી પર સંઘર્ષ થયો.

પોપ  ફ્રાન્સિસ ‘લાઉડાતો સી’માં કહે છે તેમ, માણસે ખૂબ જવાબદારીપૂર્વક પૃથ્વીની સાધનસામગ્રીને વાપરવાની હોય છે. દરેક જીવને ઈશ્વરની દ્રષ્ટિમાં આગવું સ્થાન છે. દરેક જીવ પોતાના અસ્તિત્વ માત્રથી ઈશ્વરની સ્તુતિ ગાય  છે. બાઇબલ કહે છે કે, “સદાસર્વદા પ્રભુજી કેરો મહિમા વ્યાપી રહેજો, નિજ સૃષ્ટિમાં પ્રભુજી વિલસી રહેજો” (સ્તોત્રસંહિતા 104: 31).

ખ્રિસ્તી ધર્મના ધર્મશિક્ષણના ગ્રંથમાંથી પોપ ફ્રાન્સિસે ટાંકેલું અવતરણ અહીં ખાસ નોંધનીય છે. “દરેક પ્રાણીમાં ખુદ પોતાની આગવી ભલાઈ અને સંપૂર્ણતા સમાયેલી છે… જીવોની વૈવિધ્યસભર દુનિયામાં દરેક પ્રાણી પોતપોતાની રીતે ઈશ્વરની ભલાઈ તથા અસીમ જ્ઞાનના કિરણને પ્રતિબિંબિત કરે છે. એટલે માણસે દરેક જીવની આગવી ભલાઈનું આદરમાન કરવું જોઈએ અને એના દુરુપયોગમાંથી દૂર રહેવું જોઈએ.”

ખ્રિસ્તી ધર્મની દ્રષ્ટિએ પર્યાવરણની સાચવણીમાં ઈશ્વરસર્જિત દરેક જીવ અને અચલ વસ્તુઓ પ્રત્યે આદરમાન અને યોગ્ય એટલે જરૂર પૂરતો ઉપયોગ મહત્ત્વનો છે. એ જ રીતે આપણા પડોશી એટલે સીધી કે આડકતરી રીતે આપણને સ્પર્શતા દરેક માણસ સાથે સારો સંબંધ રાખવા અને બધાં સાથે સંપસુમેળભર્યું જીવન જીવવા આપણે હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોપ  ફ્રાન્સિસ ‘લાઉડાતો સી’માં કહે છે કે, “દરેક બાબત, દરેક ચીજવસ્તુ અરસપરસ સંબંધિત છે, અને આપણી જાત પ્રત્યે પ્રામાણિક સારસંભાળ તથા પ્રકૃતિ સાથેનાં આપણા સંબંધો બીજાંઓ પ્રત્યેની વફાદારી, નીતિન્યાય અને બંધુતા-ભાઈચારાથી અભેદ્ય છે.”

સર્જનની પૌરાણિક કથામાં ઈશ્વરે છ -છ દિવસ સર્જન કર્યા પછી સાતમે દિવસે કામ બંધ કર્યાની વાત છે. ઉત્પત્તિનો ગ્રંથ કહે છે, ઈશ્વરે “સાતમા દિવસને આશીર્વાદ આપ્યા અને તેને પવિત્ર ઠરાવ્યો. કારણ, એ દિવસે એણે સર્જનકાર્ય પતાવી કામ બંધ કર્યું હતું.” ઈશ્વર સાથેના સંબંધમાં ખ્રિસ્તી લોકો દુનિયાભરમાં સાતમા દિવસે રવિવારને કે મુસ્લિમ દેશોમાં શુક્રવારને પવિત્ર માની રજા રાખે છે. પર્યાવરણની સાચવણીમાં આ રજા  ફક્ત માણસો માટે જ નહિ પણ જાનવરો તથા સમગ્ર સર્જનને મળવા જોઈએ.

માણસના ઈશ્વર સાથેના સંબંધમાં બાઇબલ ઘણીવાર ઈશ્વરની સ્તુતિ અને આરાધનાની વાત કરે છે. સ્તોત્રસંહિતાનું પ્રકરણ 136 વારંવાર ગાય છે, “પ્રભુનો માની લો આભાર, એ છે ભલાઈનો ભંડાર, એની કરુણા શાશ્વત અપરંપાર” (સ્તોત્રસંહિતા 136: 1). સ્તોત્રસંહિતાનું પ્રકરણ 148માં પ્રભુની આરતીનું વર્ણન આ રીતે કરવામાં આવે છે: “જયજયકાર પ્રભુનો હોજો, હોજો પ્રભુનો જયજયકાર.” બાઇબલની આવી બધી વાતો આપણને સભાન બનાવે છે કે, ઈશ્વર પ્રભુના સમગ્ર સર્જનમાં પ્રભુની હાજરી છે. પ્રભુ સમગ્ર સર્જનમાં કાર્યરત છે. પ્રભુનું સમગ્ર સર્જન આપણને પ્રભુના પ્રેમની વાત કરે છે.  વિશાળ આકાશ, પાણી, પર્વતો બધું જ ઈશ્વર પ્રભુની ઘોષણા કરે છે. જ્યારે આપણે સમગ્ર પર્યાવરણમાં ઈશ્વરની હાજરી, પ્રેમ અને મહિમા પારખી શકીએ છીએ ત્યારે પર્યાવરણના સંત તરીકે જાણીતા સંત ફ્રાન્સિસ અસિસીની જેમ આપણે સમગ્ર પર્યાવરણની સાચવણીમાં મંડ્યા રહેવા સાથે ઈશ્વરનું સ્તુતિગાન કરી શકીશું.

છેલ્લે ખ્રિસ્તી ધર્મના પરિપ્રેક્ષ્યમાં પર્યાવરણને સમજવા અને સાચવવા માટે પોપ ફ્રાન્સિસનું એક પ્રવચન આપણને મદદરૂપ છે. એમણે યુનોની સામાન્ય સભામાં પ્રતિનિધિઓને 2015 સપ્ટેમ્બર 25મીએ સંબોધતા કહ્યું હતું કે, “એક વાત ખાસ નોંધવી જોઈએ કે, પર્યાવરણ પણ સાચો હક ધરાવે છે. એ હક માટે બે કારણો છે, એક, આપણે માનવજીવો પર્યાવરણનો ભાગ છે. પર્યાવરણ સાથેના સંબંધમાં આપણી હયાતી છે. ખુદ પર્યાવરણની પોતાની નીતિની મર્યાદા છે. માનવનાં બધાં કામકાજો પર્યાવરણની નીતિને માન્ય રાખવા સાથે એ મુજબ વર્તવા જોઈએ. પર્યાવરણને કરેલું નુકસાન આખરે માનવતાએ કરેલો વિનાશ છે.

“બે, દરેક સર્જન વિશેષ તો જીવનું સર્જન ખુદ પોતાની હયાતીનું અંતરગત સ્વાભાવિક મૂલ્ય છે. એનું જીવન, એનું સૌંદર્ય અને બીજાં બધાં સર્જનો સાથે અરસપરસના સંબંધોથી સંકળાયેલું છે… પ્રદૂષણની સમસ્યાઓ, વિશાળ પ્રમાણમાં જીવજંતુઓનો વિનાશ માનવજીવના અસ્તિત્વને ભયમાં મૂકી શકે છે… બધા ધર્મોમાં પર્યાવરણને મૂળભૂત રીતે ભલું ગણવામાં આવે છે…

“કોઈ માણસને આર્થિક અને સામાજિક રીતે બહાર રાખવામાં માનવબંધુત્વ ને ભાઈચારાનો નકાર છે. એમ કરવામાં પર્યાવરણ અને માનવહક સામેનો ભારે અપરાધ હોય છે. આવા અપરાધોમાં ગરીબ લોકોને જ સૌથી વધારે દુઃખ વેઠવાં પડે છે. એનાં ત્રણ કારણો છે: એક, સમાજ એમનો બહિષ્કાર કરે છે; બે, બીજાંઓએ કાઢી નાખેલી બાબતોથી તેમને જીવવું પડે છે; અને ત્રણ, પર્યાવરણને કરેલા વિનાશથી તેમને જ વધુ વેઠવું પડે છે. એટલે આજે ગરીબો જ ફેંકી દીધેલી સંસ્કૃતિનો ભોગ બને છે. ફેંકી દેવાની વ્યાપક સંસ્કૃતિમાં ગરીબોની સંખ્યા સતત વધતી રહે છે.”

#

Changed on: 16-08-2019

Next Change: 01-09-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

ઘડપણનો આશીર્વાદ

પંચ્યાસી વર્ષની પાકી ઉંમર સુધી જીવનાર કાતો (મરસીયુસ પોરસીયુસ ૨૩૪-૧૪૯ BC) નામના રોમન રાજનીતિજ્ઞ અને લેખક પોતાના ઘડપણ વિશે કરેલી વાત યાદગાર છે. તેમણે કહ્યું, “મારી વૃદ્ધાવસ્થામાં મને સૌથી વધારે દિલાસો આપનાર એક બાબત છે, જે મને સૌથી વધારે સંતોષ આપે છે. એ બાબત છે કે, મેં બીજાને માટે કરી આપેલી સુખસગવડો તથા ઉપકારોની સુખદ યાદગીરી.”

જૂના જમાનામાં સાઠ-સિત્તેર વર્ષની ઉંમરે માણસને વૃદ્ધ કે ડોસો કે બુઢ્ઢો ગણતા. પણ આજે એવું નથી. આજે સાઠ-સિત્તેર શું એંસીથી પણ વધારે ઉંમરે પહોંચેલા પોપ ફ્રાન્સિસ જેવા વડીલ માણસોને હું યુવાન જેવા સ્ફૂરતીલા જોઉં છું. દિવસ દરમિયાન આઠેક કલાક કામ કરવામાં સ્ફૂરતીલા વડીલ માણસોને કોઈ વાંધો નથી. વૃદ્ધાવસ્થા આપણા માનસિક વલણ સાથે સંકળાયેલી છે.  વૃદ્ધાવસ્થા અંગે તમારા-મારા માનસિક વલણ કે ખ્યાલ કેવા છે? હું લોકોને કહું છું કે, વડીલ માણસ જે ઉંમરમાં છે તેના દસ વર્ષ પછી વૃદ્ધાવસ્થા શરૂ થાય છે. તમે હાલ સિત્તેર વર્ષની ઉંમરે પહોંચ્યા છો તો તમારી વૃદ્ધાવસ્થા દસ વર્ષ પછી એંશીની ઉંમરે શરૂ થશે. પણ તમે એંશીમાં પહોંચ્યા છો તો તમારી વૃદ્ધાવસ્થા દસ વર્ષ પછી નેવું વર્ષે શરૂ થશે!

વૃદ્ધાવસ્થા વિશે ખાસ જાણવા જેવી બાબત એ છે કે,  તમારું હાલનું જીવન જેવું તમારી વૃદ્ધાવસ્થા હશે. આજે તમે ખુશીમજામાં જીવતા હો તો તમારી વૃદ્ધાવસ્થામાં પણ તમે એજ ખુશીમજામાં જીવશો. રાજનીતિજ્ઞ કાતો પોતાની કાર્યકીર્તિ દરમિયાન પોતાના સંપર્કમાં આવેલા લોકોની સુખસગવડનું ધ્યાન આપતા હતા. પોતાનાથી થાય એવા ઉપકારો તેઓ બીજાને ખુશીમજાથી કરી આપતા હતા. એટલે જ એમણે પોતાની વૃદ્ધાવસ્થામાં એવી બધી બાબતોની યાદગીરી એમને સૌથી વધારે સુખદ લાગણી આપનાર બની રહી.

હું વૃદ્ધાવસ્થા કે ઘડપણને દૈવી આશીર્વાદ ગણું છું. કેટલાક અણઘડ લોકો વૃદ્ધાવસ્થાને તુચ્છકારમાં જુએ છે. એટલે એવા લોકો પોતાનાં વડીલ માબાપને કહે છે કે, તમે શાંતિથી ઘરના ખૂણામાં બેસીની માળા ફેરવ્યા કરો. તેઓ સમજતા નથી કે, માબાપને આદરમાન આપવું અને એમની સારસંભાળ રાખવી સંતાનોની નૈતિક ફરજ છે. યહૂદી-ખ્રિસ્તી ધર્મોમાં ઈશ્વરે બક્ષેલી દસ આજ્ઞાઓમાં એક આજ્ઞા માબાપને આદરમાન આપી તેમની સારસંભાળ રાખવાની છે. સંતાનો માટે ઘડપણ સુધી જીવી શકનાર માબાપ પોતે આશીર્વાદરૂપ છે.

અહીં આપણે ઘડપણના આશીર્વાદ ગણીએ. માણસને ઘડપણ સુધી જીવનદાન મળ્યું છે. તે જ ઈશ્વરનો એક મોટો આશીર્વાદ છે. દરેક માણસ લાંબું આયુષ્ય ઇચ્છે છે. માણસને ગમે ત્યારે અને ગમે ત્યાં પકડી પાડનાર યમરાજ ઘડપણ સુધી જીવનાર માણસને છોડી દીધો છે તે ખરેખર આશીર્વાદ છે.

ઘડપણ સુધી જીવનાર માણસ અનેક  નાનામોટા, સારાનરસા અનુભવોમાંથી પસાર થયા હોય છે. માણસના એકેક અનુભવ, ભલે તે સુખ આપનાર હોય કે દુ:ખ આપનાર હોય, ઈશ્વરના આશીર્વાદરૂપ છે. માણસ પોતાના સુખદ અનુભવોની કદર કરી માણતા હોય છે. પણ માણસ દુ:ખદ અનુભવોએ માણી શકતા ન હોય તો પણ એનું અનેરું મૂલ્ય છે. કારણ, આપણા સુખદ અનુભવો કરતાં આપણા દુ:ખદ અનુભવોથી આપણું વધુ સારું ઘડતર થાય છે. એટલે આપણા દુ:ખદ અનુભવો રસપ્રદ ન હોય તો પણ બાઇબલનો “સુભાષિતો” ગ્રંથ કહે છે તેમ, “અનુભવ સર્વોત્તમ શિક્ષક છે” અને “અનુભવ જ જ્ઞાનની માતા છે.” વડીલો પાસે અનુભવરૂપ ખજાનો છે. વડીલોના અનુભવના ખજાનો ફક્ત વડીલો માટે નહિ પણ વડીલોના સંપર્કમાં આવનાર સૌને માટે આશીર્વાદરૂપ છે.

માણસનું શરીર અને એની મન:સ્થિતિ કે મનોદશા બે અલગ બાબતો છે. પરંતુ બંને અભેદ્ય રીતે સંકળાયેલાં છે. માણસની કોઈ પણ અવસ્થામાં વિશેષ તો ઘડપણમાં બંનેની ખાસ સંભાળ રાખવાની જરૂર છે. માણસના ચાલીસેક વર્ષ સુધી એના શરીરમાં વિકાસ થતો રહે છે. પરંતુ માણસ ચાલીસ વટાવ્યા પછી એના શરીરમાં ફેરફાર થવા માટે માણસ ચાલીસેક વર્ષ પહેલા જે રમતગમત અને કસરતથી પોતાના શરીરને ઘડતો હતો તેવી રમતગમત અને કસરત ચાલીસ પછી ઇચ્છનીય ન હોય. છતાં માણસને પોતાની ઉંમર પ્રમાણે શારીરિક કસરતની જરૂર છે. વૃદ્ધાવસ્થામાં પણ યોગ્ય કસરતથી અને અનુભવરૂપ ખોરાક જેવી બાબતોથી પોતાના શરીરને સાચવનાર માણસ માંદગીથી દૂર રહી શકે છે.

માણસનાં શરીર અને મનોદશા એકબીજા પર અસર કરતા હોવાથી જેમ માણસ પોતાના શરીરને સાચવે છે એ રીતે માણસને પોતાની મનોદશાને પણ સાચવવાની જરૂર છે. નિરોગી શરીરની જેમ આપણી મનોદશાને પણ તંદુરસ્ત રાખવાની જરૂર છે. વૃદ્ધાવસ્થામાં ખાસ આપણી મનોદશાને તંદુરસ્ત રાખવા માટે આપણે કેટલાં પગલાં લઈ શકીએ. માનસશાસ્ત્રીઓ કહે છે કે, માનવ મન હંમેશાં કાર્યરત છે. સૂતી વખતે પણ આપણું મન સક્રિય રહે છે! તો આપણે આપણી મનોદશાને હકારાત્મક રીતે કાર્યરત રાખવાનું હોય છે. એમાં કેટલાંક ચોક્ક્સ પગલાં લઈ શકાય. સારા વિચારો અને શુભચિંતનથી મનને સક્રિય રાખો. આળસથી હંમેશાં દૂર રહો. કહેવત છે કે, “આળસ સેતાનની કાર્યશાળા છે.” ફુરસદના સમયમાં સારા પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવા કે દરેકને ગમતા શોખ માટે સમય આપવામાં ધ્યાન આપો.

અદેખાઈ, વેરઝેર, વૈમનસ્ય જેવા ભાવોથી મનને મુક્ત રાખો. અદેખાઈ એક જાતની કેદ છે. અદેખાઈ એક જાતની પ્રશસ્તિ પણ છે. તો અદેખાઈના કેદખાનામાં બંદીવાન બની રહેવાને બદલે જેની અદેખાઈ આવે છે એનાં સારાં પાસાંઓ શોધી કાઢીને એની કદર કરવાના સકારાત્મક પગલાં લો.

અદેખાઈની જેમ મનમાં કોઈને પ્રત્યે દુશ્મનાવટ કે વેર રાખવાથી માણસ સૌ પ્રથમ પોતાની જાતને બહુ નુકસાન કરે છે. એટલે ચીનની એક કહેવત છે કે, દુશ્મનાવટ રાખનાર વ્યક્તિએ એક નહિ પણ બે કબર ખોદવી જોઈએ. એક કબર દુશ્મનાવટ રાખનાર વ્યક્તિ માટે અને બીજી કબર દુશ્મન માટે! અંગ્રેજી કવિ અલેકઝાન્ડર પોપ (૧૬૮૮-૧૭૪૪) કહે છે કે, “ભૂલ કરે એ માનવીય છે, પણ માફી આપવી એ દૈવી છે.” (To err is human, to forgive, divine).

હું જાણું છું કે, અવિવેકી માણસો બીજાને પોતાની સામે ગુનો કરનાર માણસને સહેલાઈથી માફી બક્ષી શકતા નથી. પણ તેઓ બદલો લેવાના વિચારથી પોતાના મનને સતત કલુષિત રાખે! આવા ભોળા માણસો સામે વિચારશીલ વિવેકી માણસો જાણે છે કે બદલો લેનાર, અદલ ઇન્સાફ કરનાર, ઈશ્વર બેઠા છે. એટલે ન્યાય-અન્યાયની વાત ઈશ્વર પર છોડીને વેરને સ્થાને સત્ વિચારોથી પોતાના મનને તંદુરસ્ત રાખી શકાય છે. હું લોકોને કહું છું કે, તમારા મનમાં કોઈ સામે ખરાબ વિચારો આવે ત્યારે તેનાથી સભાન બનીને જે તે માણસના સારા ગુણોનો વિચાર કરો. સામાન્ય રીતે વૃદ્ધ માણસો પાસે બીજા કરતાં ફુરસદનો સમય વધારે હોય છે. એટલે વડીલો પોતાના મનને ખુશ અને તંદુરસ્ત રાખવા ખાસ સાવધાન રહેવાની જરૂર છે.

વૃદ્ધાવસ્થામાં માણસ પાસે ફુરસદનો આશીર્વાદ હોય છે. વૃદ્ધ માણસ તંદુરસ્ત હોય કે માંદો હોય, તેઓ પોતાના ફુરસદના સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. સમયનો કે ફુરસદનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ એટલે બીજાના, ખાસ તો પોતાની આસપાસના લોકોને પ્રેમ આપી શકે છે. પથારીવશ વડીલ પણ પોતાના સ્મિત દ્વારા, પ્રસન્નવદન દ્વારા, આભાર અને કદરના બે શબ્દો દ્વારા પોતાનો પ્રેમ પ્રગટ કરી શકે છે . મધર ટેરેસાએ સાચું જ કહ્યું છે કે, “બીજાઓ સાથે આપણા પ્રેમની આપલે કરવાનું કામ ઈશ્વરનું મોટું કૃપાદાન છે.”

દરેક માણસના દિલમાં પ્રેમ છે. એ પ્રેમમાં આપણા સંપર્કમાં આવતા લોકોને સાથીદાર-ભાગીદાર બનાવો. પ્રેમની આપલે કરીએ ત્યારે પ્રેમ સૌને માટે આશીર્વાદરૂપ બને છે. કોઈ પણ ઉંમરમાં વિશેષ તો વૃદ્ધાવસ્થામાં રવીન્દ્રનાથ ટાગોરની જેમ મૃત્યુ સાથે દોસ્તી બાંધીને માણસ હંમેશાં ખુશી અને પ્રસન્ન રહી શકે છે. અમુક લોકો મૃત્યુથી ડરે છે, મૃત્યુની વાત એમને ગમતી નથી. પણ મૃત્યુ તો અનિવાર્ય છે. વહેલુંમોડું મૃત્યુ સૌ માણસોને ભેટે છે. મૃત્યુને ગમે ત્યારે આવકારવાની તૈયારીમાં મનની શાંતિ છે.

રવીન્દ્રનાથના અંગ્રેજી અને બંગાળીમાં મુક્તકોના પાંચ સંગ્રહો છે. એમાંથી જયંત મેઘાણીએ ‘તણખલાં’ નામે ત્રણસોએક લઘુરચનાઓનાં મુક્ત ગદ્યાન્તરોનો સંચય કર્યો છે. એમાંની એક લઘુરચના અહીં પ્રસ્તુત છે.

“મારી વિદાયનો દિવસ આવી પહોંચ્યો છે;

હું મારા હ્રદયને નવી ક્યારીમાં રોપું છું;

મારા પ્રયાણ પછી વસંત આવશે અને

પુષ્પમાં ને પલ્લવમાં મારી આશાઓ હિલોળશે.”

#

Changed on: 01-08-2019

Next Change: 16-08-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

 

 

મારા ‘પટાવાળા’ પ્રિન્સિપાલ

હું હાઇસ્કૂલમાં હતો ત્યારે અમારા પ્રિન્સિપાલ જ દસમા ધોરણમાં અમને ગણિત ભણાવતા હતા. તેઓ પ્રથમ વાર અમારા વર્ગમાં ગણિત ભણાવવા માટે આવ્યા તે દિવસનો એક પ્રસંગ મને યાદ છે. પ્રિન્સિપાલ ફાધર ઓસ્વાલ્ડનો પ્રિય વિષય ગણિત હતો. તેઓ અમને ભણાવવામાં પણ ખૂબ હોશિયાર હતા. ગણિતની અટપટી વાત બરાબર સમજાવવા માટે તેઓ પાટિયાનો પૂરો ઉપયોગ કરતા. વર્ગના અંતે પાટિયું તો લખાણોથી ભરેલું જ હોય.

અધ્યાપન વર્ષના પ્રથમ દિવસે વર્ગનો સમય પૂરો થતાની ઘંટડી વાગી ત્યારે પ્રિન્સિપાલ ફાધર ઓસ્વાલ્ડ પોતે પાટિયું બરાબર સાફ કરતાં કહ્યું, “હવે પછી આવનાર અધ્યાપક મારા પટાવાળો નથી કે, હું આ પાટિયું સાફ કરવાનું કામ એમને સોંપી શકું.” કોઈક વાર વર્ગ પતે ત્યારે અમુક વિદ્યાર્થીઓને પાટિયા પરના ગણિતના દાખલા કૉપી કરવાનું બાકી હોય તો, દાખલાની નકલ કર્યા પછી પાટિયું ડસ્ટર વડે બરાબર સાફ કરવાનું કામ મૉનિટર કે કોઈ વિદ્યાર્થીને ખાસ સોંપીને જ પ્રિન્સિપાલ વર્ગખંડની બહાર જતા.

ફાધર પ્રિન્સિપાલનો જાતે પાટિયું બરાબર સાફ કરવાનો દાખલો મારે માટે પ્રેરણારૂપ અને અનુકરણીય રહ્યો છે. એટલે હું પત્રકારત્વની કાર્યશાળા ચલાઉં કે કોઈ સેમિનારમાં પાટિયાનો ઉપયોગ કરું તો એને વર્ગને અંતે બરાબર સાફ કરવાનું આગ્રહ રાખું છું. વર્ગને અંતે પાટિયા પરના લખાણની નકલ કરવાનું કામ કોઈ વિદ્યાર્થી માટે બાકી હોય તો પાટિયું સાફ કરીને બરાબર સ્વચ્છ કરવાનું કામ મૉનિટર કે અન્ય કોઈને સોંપીને હું વર્ગખંડ બહાર જાઉં છું.

દેશવિદેશમાં હું પાટિયું સાફ કરવાનું કામ હું જાતે કરું કે મારા વકતવ્યનો લાભ લેનાર કોઈને પણ સોંપી શકું છું. પરંતુ ગુજરાતની કોઈ કૉલેજમાં હું પત્રકારત્વનું વક્તવ્ય આપતો હોઉં અને પાટિયું સાફ કરવાનું કામ કોઈને સોંપવું પડે તો હું ખૂબ સાવધાન બનું છું. કારણ, આપણે ત્યાં જાતિભેદ અને ઊંચનીચનો ભેદભાવ બહુ પ્રબળ હોય છે. એટલે અમુક લોકોને જાતમહેનતનાં કેટલાંક કામો કરવા સામે વાંધો છે! અમુક કામો કરવામાં એમને ઓછપનો અનુભવ થાય છે! તેઓ લઘુતાગ્રંથી અનુભવે છે!

ફાધર વાલેસને એમના કામની શરૂઆતમાં આવી બધી બાબતોનો ખ્યાલ ન હતો. ગાંધીજી વિશેના એમના એક અંગ્રેજી લેખમાં ફાધર વાલેસે આ અંગે લખ્યું છે. ‘ગાંધી’ અંગેના ફાધર વાલેસના અંગ્રેજી પુસ્તકનું એક પ્રકરણ ‘સતત કાર્યરત’નો અનુવાદ ડંકેશ ઓઝાએ કર્યો છે. ‘શાશ્વત ગાંધી’ના જુલાઈ ૨૦૧૯ના અંકમાં પ્રકટ કરેલા પ્રસ્તુત લેખમાંથી અહી ફાધર વાલેસની વાતનું અવતરણ આપું છું.

“ભારતમાં જાતે કામ કરવાની વાતને કદી સન્માનપૂર્વક જોવામાં આવી જ નથી. કામ તો નીચલા વર્ગના લોકો કરે. અંતે, તેથી પણ નીચેના વર્ગ પર કામ આવે, જેમને કામ કરવાનું કલંક લાગેલું છે. ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે મેં પહેલી વાર ગણિત ભણાવ્યું ત્યારે હું એ પાઠ શીખ્યો જેની કિંમત મારે ચૂકવવી પડી. વર્ગખંડમાં દાખલ થયો અને મેં જોયું કે પાટિયું તો લખાણથી ભરેલું છે તેથી અમારે સ્પેનમાં સ્કૂલ અને કૉલેજના શિક્ષકો આવી સ્થિતિમાં જે કરતા તેવું મેં કર્યું. સ્વાભાવિકપણે પહેલી હરોળમાં બેઠેલા વિદ્યાર્થીને ડસ્ટર પકડાવ્યું અને પાટિયું સાફ કરવા જણાવ્યું. ત્યાં તો આભ તૂટી પડ્યું! વિદ્યાર્થી શરમાઈ ગયો અને ડસ્ટર લેવાની તેણે ના પાડી. આખો વર્ગ પેલા વિદ્યાર્થીના ટેકામાં ઊભો થઈ ગયો. યુનિવર્સિટીના રેક્ટર સમક્ષ વાત પહોંચી. મારી પર આરોપ મૂકવામાં આવ્યો કે, મેં બધાની હાજરીમાં કોઈ સારા ઘરના છોકરાને આવું કામ કરવાની ફરજ પાડી. રેક્ટર ભલો હતો. એમને મારું અજ્ઞાન સમજાયું. અને ફરી આવું ન કરવા મને તેમણે ચેતવ્યો. જાતે કામ કરવું એ નીચાજોણું છે, આખા વર્ગની હાજરીમાં કોઈ વિદ્યાર્થીને પાટિયું સાફ કરવા કહેવું એ તો જાહેર અપમાન છે. જોકે અંતે તો આ અયોગ્ય મનાતું કાર્ય શિક્ષકના ફાળે જાય છે, સિવાય કે તે પટાવાળાને તે કામ માટે બોલાવવાનું શીખી ન લે. હું પણ સમય જતાં એમ જ કરતો થઈ ગયો.”

માણસોને અને કામોને ઊંચનીચ ગણવાની આપણી માનસિકતા આપણા ભારત પૂરતી મર્યાદિત છે. આખા દુનિયામાં ૩૭ દેશોની મુલાકાત લેવાની અને ત્યાંના લોકોનો સંપર્ક સાધવાની મને તક મળી છે. જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં મને ગુજરાતી મિત્રોને એમના ઘરમાં અને વેપારધંધાને ક્ષેત્રે મળવાનો લહાવો માણ્યો છું. ઇંગ્લૅન્ડ, અમેરિકા અને કૅનેડામાં વસતા ગુજરાતી મિત્રો સાથે મારો સારો સંબંધ છે. એમના ઘરે જાઉં, સાથે ભોજન માણું અને સંડાસ બાથરૂમનો ઉપયોગ કરું ત્યારે હું જોઉં છું કે, ગાંધીજીના આદર્શ મુજબ ગીતા પણ વાંચી શકાય એવી રીતે સંડાસ-બાથરૂમ ચળકાટ મારે એવું સ્વચ્છ છે.

અહીંની જેમ સંડાસ-બાથરૂમની સાફસૂફી માટે કોઈ કહેવાતા નીચલા વર્ગના માણસો ત્યાં નથી. અહીં પોતાના ઘરની કે સંસ્થાનું સંડાસ-બાથરૂમ સાફ કરવામાં લજવાય, નીચું જોવું પડે એવા જ લોકો પરદેશમાં ખુશીથી પોતાના ઘરની બાથરૂમ-સંડાસની સાફસૂફી કરે, એટલું જ નહિ પણ જાહેર સંસ્થાની સાફસૂફીની નોકરી પણ સ્વીકારે. કારણ, પરદેશમાં કોઈ પણ માણસને અને કામને ઊંચનીચ ગણવાની માનસિકતા નથી. બધાં કામો સન્માનથી જોવામાં આવે છે.

મારી પાસે એક અંગ્રેજી ગ્રંથ છે. ઇન્ડિયામાં અછૂત કે અસ્પૃશ્ય તરીકે ઉછેર પામેલી અને મદ્રાસ આઈ. આઈ. ટી. સુધી ભણેલી અને જાતિભેદને કારણે ખૂબ દુ:ખો વેઠેલી સુજાતા ગિડલાએ લખેલા ગ્રંથનું નામ છે: Ants among Elephants અર્થાત ‘હાથીઓ વચ્ચે કીડીઓ’. મેં પ્રસ્તુત પુસ્તકની વાત મારા પુસ્તક “જેની આંખમાં અમી તેને દુનિયા નમી”માં કરી છે. અમેરિકામાં પ્રકાશિત થયેલા ‘હાથીઓ વચ્ચે કીડીઓ’ ગ્રંથ વાંચવાથી આપણને આપણી ઊંચનીચ ભેદભાવવાળી માનસિકતાનો ખ્યાલ આવશે. એટલું જ નહિ, પણ ઊંચનીચ ભેદભાવવાળી માનસિકતાને સમજવા સાથે એ માનસિકતાને બદલવા પ્રેરણા પણ મળશે.

મારા ‘પટાવાળા’ પ્રિન્સિપાલની વાત પર પરત આવીએ. અમારી વચ્ચે ગુરૂશિષ્ય સંબંધથી પર જઈને અમે હાઇસ્કૂલનાં તે વખતનાં ચાર વર્ષ દરમિયાન એકબીજાના ઓળખતા ને સ્વીકારતા સારા મિત્રો બન્યા હતા. એક સાધુસંઘના સભ્ય તરીકે તેઓ વિદ્યાર્થીઓ સાથે ધર્મ, નાતજાતના કોઈ ભેદભાવ વિના સમાનતા અને આદરમાનથી વર્તતા હતા. તેઓ પોતાના શિક્ષકો તેમ જ અમારી મોટી સ્કૂલની સાફસૂફી કરતા અભણ પટાવાળાઓ સાથે પ્રેમ અને આદરમાનથી કામ લેતા હતા. એટલે વર્ગખંડમાં પટાવાળાના એમના ઉલ્લેખમાં કોઈ શારીરિક મહેનતના કામને નિમ્ન ગણવાની ભાવના કે વૃત્તિ નહોતી, પરંતુ ભણવાના સમયમાં અભણ રહેનાર આળસુના પીરને કોઈ ખાસ વળતર વિના મજૂરની કે પટાવાળાની નોકરી જ કરવી પડશે, એવી જાણે અમારે માટે ચેતવણી હતી.

#

Changed on: 16-07-2019

Next Change: 01-08-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

ફાધર પરીઝા – મારા આદર્શ, પારદર્શક મિશનરી

ઈસુસંઘી પીઢ મિશનરી ફાધર પરીઝા પરમ સુખ અને શાશ્વત શાંતિ માટે ૨૦૧૯ જૂનની ૨૦મીએ ૧૦૨ વર્ષની ઉંમરે પોતાના સર્જક પાસે પહોંચી ગયા છે. લોકો એમને પવિત્ર પરીઝાના હુલામણા નામથી ઓળખાવે છે. હું મારી જાતને સદ્દભાગી ગણું છું કે, મને ફાધર પરીઝા સાથે આમોદ અને ગોઠડા ખાતે કામ કરવાની ઘણી તક મળી છે.

લન્ડનમાં પત્રકારત્વનો અભ્યાસ અને રોમ ખાતે ગ્રિગોરિયન યુનિવર્સિટીમાં ઈશ્વરવિદ્યા ને બાઇબલનો અભ્યાસ અને પુરોહિત દીક્ષા પછી હું ગુજરાતમાં પરત આવ્યો ત્યારે ૧૯૭૭માં મને ‘દૂત’ના તંત્રી તરીકે નિમણૂક મળી. તે વખતે ફાધર પરીઝા આમોદ મિશન તાબામાં સભા પુરોહિત હતા. તેમણે મને ડિસેમ્બર ૧૯૭૭માં નાતાલની ઉપાસનાવિધિઓમાં મદદ કરવા આમંત્રણ આપ્યું.

આમોદ મિશન ગુજરાત ખાતે ૧૯૧૨માં શરૂ કરેલું છઠ્ઠું મિશન મથક છે. ફાધર પરીઝાને ત્યાં ૧૯૬૯થી ૧૯૮૩સુધી બીજી વાર સભા પુરોહિત તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. તે વખતે આમોદ જવા માટે પેટલાદથી બળદગાડીનો આડોઅવળો રસ્તો હતો. પણ મારી મોટરસાઇકલ પર ૧૯૭૭ની નાતાલની ઉજવણી માટે હું પહેલી વાર આમોદ પહોંચી ગયો. હું એક બિનઅનુભવી યુવાન પુરોહિત હોવા છતાં ફાધર પરીઝાએ મને નાતાલની બધી ઉપાસનાવિધિ સોંપી. તેઓ ચર્ચમાં લોકો હોય ત્યારે આખો વખત લોકોનું પ્રાયશ્ચિત (પાપનો એકરાર) સાંભળવામાં અને લોકોને ખ્રિસ્તી જીવનનું માર્ગદર્શન આપવામાં વ્યસ્ત રહ્યા. હું પરમપૂજા ચઢાવવા, ધર્મબોધ આપવા અને બાળકોને તથા કોઈક વાર પુખ્ત વયના લોકોને પણ સ્નાનસંસ્કાર કરાવવા તેમ જ લગ્નનો આશીર્વાદ આપવા જેવાં વિધિવિધાનમાં વ્યસ્ત રહ્યો.

મને નાતાલની બધી ઉપાસનાવિધિ કરવામાં તેમ જ ફાધર પરીઝા સાથે લોકોના ઘરે એમની મુલાકાત લેવામાં ખૂબ આનંદ થતો કે, દર નાતાલે અને પાસ્ખાના પવિત્ર અઠવાડિયામાં મદદે જવાની મેં ફાધર પરીઝાને વાત કરી.

આમોદ તાબાની એક સદી ૨૦૧૨માં ઉજવવાની તૈયારી કરતાં તે વખતના સભાપુરોહિતે મને ફોન કરીને પૂછ્યું, “ફાધર, તમે કયા વર્ષે અહીં સભાપુરોહિત હતાં.  હું જોઉં છું કે, બાપ્તિસ્મા રજિસ્ટરમાં પાંચ-છ વર્ષ દરમિયાન તમારા નામની સહી છે!” ખરી વાત છે. ફાધર પરીઝા દર વર્ષે નાતાલ અને પાસ્ખાપર્વ (Christmas & Easter) વખતે કુટુંબોને તેમનાં નાનાં બાળકોના તેમ જ કેટલાક પુખ્ત વયની વ્યક્તિઓના સ્નાનસંસ્કાર આપવાની વિધિ મને સોંપતા. જ્યારે ફાધર પરીઝા પોતે લોકોને પ્રાયશ્ચિત સંસ્કાર કે મનમેળ સંસ્કાર કરાવવા અને ખ્રિસ્તી જીવન માટે અનુરૂપ માર્ગદર્શન આપતા. એટલે બાળકોને સ્નાનસંસ્કાર આપ્યા પછી હું બાપ્તિસ્મા રજિસ્ટરમાં સહી કરતો.

દેવળમાં પરમપૂજા ચઢાવવા, ધર્મબોધ આપવા અને સ્નાનસંસ્કાર કરાવવા જેવી ઉપાસનાવિધિઓ ચલાવવામાં મને ખાસ ગમતું હતું. વળી, ફાધર પરીઝા સાથે લોકોના ઘરની મુલાકાત લેવામાં પણ મને આનંદ હતો. હું જોતો હતો કે, ફાધર પરીઝા લોકોની વાત સાંભળવામાં અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં ખૂબ ડાહ્યા હતા. કુટુંબની મુલાકાત દરમિયાન ફાધર પરીઝા ફક્ત ઘરના બધા લોકોની ક્ષેમકુશળ પૂછવા સાથે ઘરથી દૂર ગયેલાં સગાંસંબંધીઓ અંગે પણ યાદ કરીને પૂછતા હતા! સંઘર્ષમાં આવેલાં યુગલો તેમ જ છૂટાછેડાના આરે આવેલાં પતિપત્નિઓને યોગ્ય માર્ગદર્શન આપી ખ્રિસ્તી જીવનમાં મક્કમ બનાવવામાં સફળ પ્રયત્ન કરતા હતા.

એક મિશનરી તરીકે અંગત રીતે ફાધર પરીઝા ખૂબ નમ્ર અને સાદગીભર્યું જીવન ગાળતા. તેમના પ્રાર્થના અને ત્યાગમય જીવન લોકોની સેવામાં સમર્પિત હતું. તેમની જરૂરિયાતો ખૂબ મર્યાદિત હતી. તેમની આરપાર જોઈ શકાય એવા જીવનની જેમ એમનું આમોદ મિશનમથક પણ બધાને માટે ખૂલ્લું હતું. કોઈ ચોર ઘરમાં પેસી જાય તો પણ એને ઉપાડી લેવા જેવી વસ્તુ ઘરમાં નહોય! મિશનમથકની સંભાળ રાખનાર ફાધર પરીઝાના એક મિસ્ત્રી હતા. છતાં ફાધર માટે કોઈ વિશેષ વાનગી નથી પણ છાત્રાલયનાં બાળકોના રસોડામાં જે બનાવે તે જ ખોરાક ફાધરને પણ જમવા મળતો.

આમોદ તાબા હેઠળ આમોદમાં તેમ જ બીજાં બે-ત્રણ ગામોમાં પણ પ્રાથમિક શાળાઓ હતી. જ્યારે આમોદ મિશનની સુવર્ણ જ્યુબિલી ૧૯૬૨માં ઉજવવામાં આવી ત્યારે ફાધરને મળેલી ભેટો અને દાનોમાંથી ફાધર પરીઝાએ આમોદ ખાતે પ્રાથમિક શાળાનું પાકું નવું મકાન બંધાવડાવ્યું.

આમોદ તાબા નીચેના પેટલાદ મિશન કેન્દ્રમાં ૧૯૨૮થી એક પ્રાથમિક શાળા હતી. જ્યારે એક તાલુકા મથક તરીકે પેટલાદનો વિકાસ થવા માંડ્યો, નવી નવી શરૂ થયેલી કાપડની મિલોમાં નોકરીની તક હતી. વળી પાક્કા રસ્તાઓ અને અન્ય સંદેશાવ્યવહારનાં માધ્યમોની સારી સગવડ હતી. શહેરના વિકાસ સાથે પેટલાદ મિશનકેન્દ્રનો પણ વિકાસ થતો રહ્યો. આમોદ તાબામાંથી લોકો પેટલાદમાં નોકરી માટે સ્થળાંતર કરતા હતા. એટલે પેટલાદની પ્રાથમિક શાળા સાથે ૧૯૬૦માં હાઇસ્કૂલ અને ૧૯૮૭માં હાયર સેકન્ડરી સ્કૂલની પણ શરૂઆત થઈ. જેમ પેટલાદ મિશન તાબાનો વિકાસ થતો રહ્યો તેમ આમોદ તાબાનો વિકાસ સ્થગિત રહ્યો. પણ જ્યારે ૧૯૯૧માં સંત ઉરસૂલાઈન સાધ્વીસંઘનાં સિસ્ટરો આવ્યાં અને તેમણે છોકરીઓ માટે હોસ્ટેલ અને દવાખાનું શરૂ કર્યું ત્યારે આમોદ મિશન તાબો ફરી વધુ જીવંત બની રહ્યો.

ફાધર પરીઝાના સમયના આમોદ પર પરત આવીએ. આમોદ મિશન તાબામાં ફાધર પરીઝા ઈસુસંઘમાં જોડાયાની સુવર્ણ જયંતી ૧૯૮૩માં ઉજવવામાં આવી અને એ જ વર્ષે એમની બદલી ગોઠડા (સાવલી) ખાતે ફાતિમા મરિયમ ધામમાં સભાપુરોહિત તરીકે થઈ. ફાધર પરીઝાનો જન્મ સ્પેનના બિલ્બાવ ખાતે ૧૯૧૭ મે ૧૩મી રોજ થયો હતો. એ જ દિવસે પોર્ટુગલ ફાતિમા ધામે માતા મરિયમે ત્રણ બાળકોને –  ફ્રાન્સિસ્કો, જાસીન્તા અને લુસિયાને – દર્શન દીધાં હતાં.

એક અગ્રગણ્ય પહેલ કરનાર મિશનરી તરીકે ફાધર પરીઝાએ ગોઠડામાં ફાતિમા ઉત્તર બુનિયાદી શાળા શરૂ કરી હતી. જે સમય જતાં સામાન્ય હાઇસ્કૂલ અને હાયર સેકેન્ડરી સ્કૂલ પણ બની રહી. તેમણે ફાતિમા છાત્રાલય માટે નવું મકાન પણ બંધાવ્યું. દેખીતી રીતે ફાધર પરીઝા હમેશાં બાળકોના શિક્ષણને ખૂબ મહત્વ આપતા હતા. આમોદ તાબાના લોકોની જેમ ગોઠડા તાબાના ખ્રિસ્તી લોકોએ પણ ફાધર પરીઝા ઈસુસંઘમાં જોડાયાની સુવર્ણ જયંતી ૧૯૮૩માં ઊજવી હતી. ટૂંક સમયમાં એટલે ૧૯૮૭થી ફાધર પરીઝાએ ગોઠડા ખાતે સરકારી મદદવાળી (aided) હાઇસ્કૂલ પણ શરૂ કરી હતી. વળી તેમણે વાઘોડિયા તાલુકામાં વેજલપુર ખાતે ૧૫ વીઘાં જમીન પણ ખરીદીને નવું ઉપમિશન કેન્દ્ર પણ શરૂ કર્યું હતું. પણ જમીન ખરીદવા અને મકાનો બાંધવા કરતાં ફાધર પરીઝા હમેશાં ખ્રિસ્તી કુટુંબો અને સમાજ સદ્ધર કરવાના સેવાકામને અગ્રિમતા આપતા હતા.

લોકોને એમનાં કુટુંબમાં અને ગામમાં જઈને મળવામાં અને એમની સાથે પ્રાર્થના અને પરમપૂજા કરવામાં તેઓ પોતાનો સમય આપતા હતા. નજીકનાં ગામોમાં તેઓ સાઇકલ પર જતા હતા તો દૂરનાં ગામોમાં જવા માટે તેઓ મોટરસાઇકલ વાપરતા હતા. લોકોની ધાર્મિક સેવામાં પોતાની જાતને ન્યોછાવર કરવામાં ફાધર પરીઝા માનતા હતા. ગોઠડાના ખ્રિસ્તીજનોએ ૧૯૯૨ મેની ૧૩મીએ ફાધર પરીઝાના આયુષ્યના ૭૫ વર્ષની ઉજવણી ખૂબ ધામધૂમથી કરી હતી.

એના બે વર્ષ પછી ૧૯૯૪માં ફાધર પરીઝાની બદલી આણંદ ખાતે સેન્ટ ઝેવિયર્સ તાબામાં મદદનીશ પુરોહિત તરીકે થઈ. ત્યાં ફાધર પરીઝા ૧૯૬૩થી ૧૯૬૯ સુધી સભાપુરોહિત રહી ચૂક્યા હતા. પણ ફરી વાર આણંદ પરત આવ્યા ત્યારે આણંદ તાબો ઘણીબધી રીતે બદલાઈ ગયો હતો. આણંદ તાબામાંથી બીજા બે નવા તાબાઓ બન્યા; એટલું જ નહિ, પણ ચર્ચ પાસે ઘણી બધી ખ્રિસ્તી હાઉસિંગ સોસાયટીઓ આવવાથી ચર્ચમાં ઉપાસનાવિધિઓમાં આવનાર ખ્રિસ્તીઓની સંખ્યા વધી હતી અને નવું દેવળ પણ બંધાયું હતું. ફાધર પરીઝા દેવળમાં રોજ સૌથી પહેલી પરમપૂજા અર્પણ કરતા અને સવાર-સાંજ સાઇકલ પર લોકોની મુલાકાત લેતા હતા.

આણંદ તાબાના લોકોએ અને ઈસુસંઘે ફાધર પરીઝાના સો વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી ૨૦૧૭માં ભવ્ય રીતે કરી હતી. એ પ્રસંગે અનેક લોકોની શુભેચ્છા અને અન્ય લખાણો અને જાહેરાતો સાથે એક રંગીન સ્મરણિકા પણ બહાર પાડી હતી. સો વર્ષની ઊંમરે પણ ફાધર પરીઝા સાઇકલ પર સવાર થઈને લોકોની મુલાકાતે જતા હતા. જ્યારે સાઇકલ પર જવાની એમને તકલીફ પડવા લાગી ત્યારે આણંદના સભાપુરોહિતે એમને રોજ સવારે ને સાંજે લોકોની મુલાકાતે જવા માટે એક ઓટોરિક્ષાની વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે ૧૦૧ની વયે દૈનિક ક્રિયાઓ માટે બીજાની મદદની જરૂર પડવા લાગી ત્યારે ફાધર પરીઝાને વડોદરા ખાતે ‘જીવનદર્શન’માં એટલે નિવૃત્તિ અને માંદા ઈસુસંઘીઓના ઘરમાં મોકલવામાં આવ્યા. ત્યાં એકાદ વર્ષથી પણ ઓછા સમયમાં ફાધર પરીઝાનું મૃત્યુ થયું.

પણ જુદાજુદા સમયે પોતાના આયુષ્યનાં ત્રીસેક વર્ષ ફાધર પરીઝાએ આણંદ તાબામાં ગાળ્યાં હતાં. એટલે એમની અંતિમ સંસ્કાર અને દફનવિધિ માટે એમના મૃતદેહને આણંદ તાબામાં લાવવામાં આવ્યો. સેંકડો ફાધરો અને સિસ્ટરો તેમ જ હજારો ધર્મજનો ફાધર પરીઝાની દફનવિધિમાં ભાગ લેવા ઊમટ્યા. ચર્ચ-આંગણાના ખુલ્લા મેદાનમાં મંચ પર ત્રણ ધર્માધ્યક્ષોએ મૃતજન માટેની પરમપૂજા ચઢાવી. મેં ગુજરાતમાં ગાળેલા ૫૫ વર્ષ દરમિયાન કદી જોઈ ન હતી એટલી મોટી જનમેદનીએ ફાધર પરીઝાના વિદાયની ઉપાસનાવિધિમાં ભાગ લીધો હતો!

ફાધર પરીઝા મારે માટે એક આદર્શ મિશનરી ધર્મગુરુ રહ્યા છે. તેમણે ઈશ્વરનો માણસ માટેનો પ્રેમ સૌ પ્રથમ પોતાના સાદગીભર્યા તથા પ્રાર્થનામય અને ત્યાગપૂર્ણ જીવન દ્વારા તેમ જ લોકોની નિસ્વાર્થ સેવાચાકરી દ્વારા લોકો આગળ પ્રગટ કર્યા છે. તેમણે ધર્મ કે નાતજાતના ભેદભાવ રાખ્યા વિના બધા લોકોને વિશેષ તો ગરીબગુરબાંને – સૌને ઈશ્વર પિતાનાં સંતાનો તરીકે ઓળખાવ્યા છે. આ દિવસોમાં ફાધર પરીઝા વિશેની લોકોની જાતજાતની વાતો સાંભળું છું ત્યારે મને લાગે છે કે, ફાધર લોકોને મન તેઓ એક વૃત્તાંત-વ્યક્તિ (Legend) બન્યા છે.

 

Changed on: 01-07-2019

Next Change: 16-07-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

 

યુદ્ધખોર પુરુષભક્તિનું પ્રદર્શન

શેક્સપિયર જુલિયસ સીઝરમાં કહે છે, “પ્રિય બ્રુટ્સ, અપરાધ આપણા પ્રારબ્ધનો નથી પણ આપણામાં છે; આપણે યુદ્ધખોર નરાધમો છીએ.” (The fault, dear Brutus, is not our Stars, but in ourselves, that we are underlings).

નિર્ભયાસાથે ક્રૂર રીતે દુષ્કર્મો કરીને એને મારી નાખનાર બળાત્કારીઓની બાબતમાં શેક્સપિયરની વાત સો ટકા સાચી છે. એ જ રીતે પોતાના આચારવિચારથી યુદ્ધખોર પુરુષભક્તિમાં (Male chauvinism) માનતા દરેક માણસને પણ શેક્સપિયરની વાત લાગુ પડે છે.

મૃત નિર્ભયાનાં દુ:ખી માબાપે પોતાની વહાલસોયી દીકરીનું ખરું જ્યોતિ સિંહ આપ્યું છે. પિતા બદરીનાથ સિંહે કહ્યું છે કે, એમની દીકરી પર બનેલી દસ્તાવેજી ફિલ્મ દરેક જણે જોવી જોઈએ.

પોતાના શ્રેષ્ડ કામ માટે પારિતોષિક મેળવનાર લેસ્લી ઉડવીને BBC વતી જ્યોતિ સિંહ અંગે દસ્તાવેજી ફિલ્મ બનાવેલી છે અને BBC દ્વારા ૨૦૧૭ માર્ચની ચોથી તારીખે ઇન્ડિયાસ ડોટરનામે એનું પ્રસારણ પણ કરવામાં આવ્યું છે.

પરંતુ ભાજપ સરકારે ઇન્ડિયામાં એ દસ્તાવેજી ફિલ્મ પ્રસારણ કરવાની મનાઈ ફરમાવી છે. સરકારે એ દસ્તાવેજી ફિલ્મ સામે ફતવો બહાર પાડ્યો તે પહેલાં ઇન્ડિયાસ ડોટર યૂ ટ્યૂબમાં પ્રસારિત થઈ ચૂકી હતી. દેશવિદેશના મિત્રો વચ્ચે એની વહેંચણી પણ થઈ હતી.

સરકારના મનાઈહુકમે એ દસ્તાવેજી ફિલ્મને ખૂબ પ્રસિદ્ધિ અપાવી છે. ઇન્ડિયાસ ડોટરએક વાર જોયા પછી આ લેખ લખવાના હેતુથી મેં બીજી વાર પણ જ્યોતિ સિંહ અંગેની દસ્તાવેજી ફિલ્મ જોઈ. એમાં મુખ્યત્વે ત્રણ પાત્રોનો ચોટદાર સંવાદ છે. પાત્રો છે જ્યોતિનાં માબાપ બદરીનાથ સિંહ અને આશા દેવી. ત્રીજું પાત્ર બળાત્કાર યુવાન કેદી મુકેશ સિંહ છે.

સામાજીક અને કૌટુંબિક પરંપરાથી ભિન્ન મન:સ્થિતિ ધરાવતાં બદરીનાથ સિંહ અને આશા દેવી વિકાસાત્મક વિચારો અને સુધારાત્મક સંસ્કારો ધરાવે છે. એટલે તેમણે જ્યોતિના જન્મ વખતે છોકરાના જન્મ જેટલી ખુશી માની એની ઉજવણી કરી હતી. છોકરીને ભણાવવાનો વિરોધ વારસામાં મળેલી જમીન વેચી દઈને જ્યોતિના ઉચ્ચ તબીબી શિક્ષણની ફી ભરી હતી.

બદરીનાથ અને આશાદેવીની વાતચીતમાંથી માની શકાય છે કે, તેમના ને તેમની દીકરી વચ્ચે નિખાલસ પ્રેમસંબંધ હતો. ઊંડી સમજૂતી હતી. પરસ્પર આદર હતો. તેઓએ પોતાની દીકરી જ્યોતિ સાથે મિત્રભાવ રાખ્યો હતો.

બીજી બાજુ બળાત્કાર કેદી મુકેશની વાતચીતમાં પુરુષ-પ્રાધાન્ય મન:સ્થિતિ (Patriarchal mentality) જ નહિ પણ યુદ્ધખોર પુરુષ-ભક્તિની ઘોષણા થાય છે. મુકેશની વાતમાં “બાળકો અને ગધેડાની જેમ સ્ત્રીઓને પણ તાડનને પાત્ર” મનાતી આપણી મન:સ્થિતિ છતી થાય છે. એને એક નારી વાસ્તવિકતા તરીકે સ્વીકારવા અને એને બદલવા તરફ વિચાર કરવાને બદલે ગૃહમંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું કે, બળાત્કારી મુકેશની વાત સ્ત્રીઓનાં ગૌરવ અને અસ્મિતાની પૂરેપૂરાં અપમાનજનક અને હાનિકારક છે” (Highly derogatory and an affront to the dignity of women).

ખરું છે કે, ‘ઇન્ડિયાસ ડૉટરેભારતમાં સ્ત્રીઓને સામનો કરવો પડતી ખતરનાક પરિસ્થિતિ અને ભયાનક મન:સ્થિતિને વાચા આપી છે. પણ ભારતના આ નગ્ન સત્યને છુપાવવાથી કે એને બળાત્કારી મુકેશ જેવા કેટલાક પકડાયેલા ગુનેગારો પૂરતું મર્યાદિત ગણવાથી કશુંય વળવાનું નથી. વાસ્તવિકતા શી છે? ‘ઇન્ડિયાસ ડૉટરફિલ્મ જણાવે છે કે, “ભારતમાં દર વીસ મિનિટે એક બળાત્કાર થાય છે!”

ભાજપ સરકારના એમ મંત્રી એમ. વેંકૈયા નાઈડુએ કહ્યું છે કે, ‘ઈન્ડિયાસ ડૉટરદસ્તાવેજી ફિલ્મ “ઇન્ડિયાની બદનક્ષી કરવાનું એક કાવતરું (a conspiracy to defame India) છે.

જ્યોતિના પિતા બદરીનાથે કહ્યું કે, “દરેક જણે આ ફિલ્મ જોવી જોઈએ.” જ્યોતિનાં માતા આશા દેવીએ કહ્યું કે, બળાત્કારી કેડી મુકેશ જેવો વિચાર કરનાર ફક્ત મુકેશ એકલો નથી. મુકેશની વાત સ્પષ્ટ કરે છે કે, સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારનાર ઘણા બધા છે. પણ બળાત્કારના ગુના માટે પકડાનાર ખૂબ ઓછા છે. આવી બઘી વાતમાં બદનક્ષી છે? બળાત્કારના ગુના માટે પકડાયેલા અપરાધીઓએ ઘણા બધા બળાત્કારો કર્યા છે, પણ એમાં ખૂબ ઓછાં દુષ્કૃત્યો માટે કેસ અને શિક્ષા થાય છે. આવી બધી વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરવા અને એ અંગે વાત કરવામાં ઇન્ડિયાની બદનક્ષી છે?

મુકેશે કહ્યું કે, જ્યોતિએ રાત્રે બહાર નીકળવું નહોતું જોઈતું, બળાત્કાર સામે લડવું નહોતું જોઈતું। મુકેશની આ વાતથી ઇન્ડિયાની બદનક્ષી થાય છે? બળાત્કારનો બચાવ કરનાર એક વકીલ કહે છે કે, સંસદમાં બળાત્કાર, હત્યા જેવા ગુનાઓ કરનાર 250 જેટલા આરોપીઓ અને ગુનેગારો છે. તેમની બધાની સામે કેમ કાયદાકીય પગલાં લેવામાં આવતાં નથી? બળાત્કારી મુકેશ પૂછે છે કે, કેમ ફક્ત તેમને ફાંસીની શિક્ષા થાય છે; બીજાને કેમ નહિ? બધા બળાત્કારીઓને કાયદા મુજબ શિક્ષા થવી જોઈએ. શું આવી હકીકતો કે આવી હકીકતો સામેના પ્રશ્નોથી ઇન્ડિયાની બદનક્ષી થાય છે?

બચાવ પક્ષે એક વકીલ કહે છે કે, “આપણી સંસ્કૃતિ ઉત્તમ છે. એમાં સ્ત્રીઓ માટે કોઈ સ્થાન નથી.” આવી વાતથી સરકારની નામોશી થાય છે કે સરકારે ઇન્ડિયાસ ડૉટરપર પ્રતિબંધ મુકાવ્યો છે?

ખરી વાત એ છે કે, જ્યોતિ સિંહ ઇન્ડિયાસ ડૉટરનથી. ઇન્ડિયાની દીકરી કહ્યાગરી હોય છે. તેને કુપોષણનો ભોગ બનવું પડે છે. તેને શિક્ષણનો કોઈ અધિકાર નથી. બાળપણમાં તેનું લગ્ન કરી દેવામાં આવે છે. દહેજ માટે એને મારી નાખવામાં આવે છે. એની પોતાની કોઈ ઇચ્છા કે અરમાનો નથી. એને મન ગર્ભમાં સ્ત્રી-ભ્રુણ હત્યા હોવાને કારણે મારી નાખવામાં આવે છે. એ દસ્તાવેજી ફિલ્મમાં કહેવામાં આવે છે કે, એકવાર મહારાષ્ટ્રના મુંબઈમાં કાઢી નાખેલા 10,000 ગર્ભમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એમાં 9,999 ગર્ભ સ્ત્રી-ભ્રુણ હતા! જ્યોતિ સિંહ આ પ્રકારની ઇન્ડિયાસ ડૉટરનહોતી। જ્યોતિનો જન્મ એનાં માબાપે ખૂબ આનંદથી વધાવ્યો હતો. છોકરો જન્મ્યા જેટલા ઉમંગથી તેઓએ જ્યોતિના જન્મની ઉજવણી કરી હતી.

લેસ્લી ઉડવીનની દસ્તાવેજી ફિલ્મ તો મુકેશ, એમના ભાઈ રામ, વિનય, અક્ષય અને પવન જેવા ઇન્ડિયાસ સન્સ (ભારતના દીકરાઓ) અંગે છે. તેઓ નાનામોટા શહેરોના ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં રહે છે. તેઓ હંમેશ માટે સમાજના તિરસ્કૃત લોકો છે. તેઓ શહેરોમાં રખડીને ચોરી, લૂંટફાટ જેવા ગુનાઓ કરે છે. ગુંડાઓ, ગુનેગારો, સમાજનાં અન્ય અસામાજિક તત્ત્વો સાથે તેમની ગણતરી થાય છે. તેમના પ્રારબ્ધમાં ગરીબાઈ છે. ઝઘડો અને દાદાગીરી તેમનો રોજિંદો અનુભવ છે.

ઇન્ડિયાસ સન્સકોઈ જંગલનાં પ્રાણીઓ નથી. ખરું છે કે, તેમને સમાજનાં હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે. પરંતુ તેઓ જીવનનાં બધાં આશા-અરમાનોએ છોડી દીધેલા સામાન્ય માનવીઓ છે.

એક વાર એક ગરીબ છોકરો જ્યોતિની નાની થેલી છીનવી લઈને ભાગ્યો હતો. પોલીસે એને પકડીને મારપીટ કરતા જોઈને જ્યોતિએ એને બચાવીને પૂછ્યું, “બેટા, તું કેમ આવું કરે છે?” છોકરાએ કહ્યું કે, “મારે પણ તમારા જેવાં સારાં કપડાં પહેરવાં ને પગે ચંપલ પહેરવાં અને સારું ખાવાની ઈચ્છા છે.” જ્યોતિએ એને માટે સારાં કપડાં, ચંપલ અને ખાવાનું ખરીદી આપ્યું; અને સમજાવ્યું કે ચોરી કરવી ન જોઈએ। આવી વાતો ભાજપ સરકારની દ્રષ્ટિએ બદનક્ષીનું કારણ હોઈ ન શકે.

ઇન્ડિયાની બદનક્ષીનું ખરું કારણ ઇન્ડિયાસ સન્સની મન:સ્થિતિ છે. ભારતની પુરુષપ્રધાન સંસ્કૃતિમાં પુરુષોનું અમુક પ્રકારનું માનસિક વલણ છે. એ વલણ, એ મનોદશા બળાત્કારી કેદી મુકેશની વાતમાં, બળાત્કારોનો બચાવ કરનાર વકીલોની વાતમાં સ્પષ્ટ થાય છે. એ મન:સ્થિતિમાં સ્ત્રીઓનો આદર નથી. સ્ત્રીઓને સમાનતા કે એવો કોઈ હક નથી. સ્ત્રીઓ હંમેશાં પુરુષોની આધીનતામાં રહેવી જોઈએ, પુરુષોના કહ્યામાં રહેવી જોઈએ!

ઇન્ડિયાસ સન્સની આ મન:સ્થિતિ એક માંદા સમાજનું લક્ષણ છે. એ વલણ એક અસ્વસ્થ અને રોગિષ્ઠ સમાજની વ્યાધિ છે, બીમારી છે. એને નકારવાથી કે એના પ્રદર્શન પર ફતવા કાઢવાથી પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. રોગિષ્ઠ સમાજમાં સુધારો થતો નથી. માણસમાત્રની બીમારી દૂર થતી નથી. આ મન:સ્થિતિ બદલવા માટે વાસ્તવિકતાનો સૌ પ્રથમ સ્વીકાર થવો જોઈએ। બીમાર માનસિકતા બદલવાના માર્ગો શોધવા જોઈએ। ભૂખમરો હટાવો. ગરીબી દૂર કરવાનાં પગલાં લો. વિકાસને નામે ગુજરાતની જેમ ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવવાથી સુધારો થતો નથી. વિકાસ થતો નથી, પણ ગરીબોને શિક્ષણ આપો. સમાન તક આપો. સમાન હક આપો. રોજી, કપડાં ને મકાન જેવી લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાનાં કામમાં અધિકારીઓની નિષ્ક્રિયતા હટાવો. રિશ્વતખોર રાજકારણીઓ અને સરકારી બાબુઓને કેદખાનાના સળિયા પાછળ ધકેલી દો.

ઇન્ડિયાસ ડૉટરફિલ્મમાં જ્યોતિના પિતા બદરીનાથ કહે છે: “અમારી દીકરીએ સમાજને પોતાના ખરા ચહેરાનું દર્શન કરાવ્યું છે. તેમને ઘણી યુવાન છોકરીઓનું જીવન બદલી નાખ્યું છે. પોતાના મૃત્યુ પછી પણ જ્યોતિ બીજા માટે પ્રેરણાસ્રોત બની રહી છે. તેઓ એ સેતાન બળાત્કારીઓ સામે લડી છે. અમારી દીકરી માટે અમે ગર્વ લઈએ છીએ.”

યુદ્ધખોર પુરુષભક્તિ (Male chauvinism)ને આધીન રહેતા લોકો માટે, ખાસ તો ભાજપ સરકારના સત્તાધારીઓ માટે ઇન્ડિયાસ ડૉટરએક પડકાર છે. પુરુષપ્રધાન મન:સ્થિતિના પ્રવાહ સામે તરવાનો પડકાર છે. ઊઠો, જાગો. આપણે પુરુષપ્રધાન મન:સ્થિતિથી સભાન બનીને બધા માણસોને, વિશેષ તો સૌ સ્ત્રીઓને આદર આપીએ. બધાની સમાનતાઓનો સ્વીકાર કરીએ. બધાનો સમાન હક માન્ય રાખીએ. આમ, જ્યોતિના મૃત્યુને એળે જવા ન દઈએ. ચાલો, ‘ઇન્ડિયાસ ડૉટરસામેનો પ્રતિબંધ ઉઠાવી લઈએ.

#

Changed on: 16-06-2019

Next Change: 01-07-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

દયાવધ કે ઇચ્છામૃત્યુ ઇચ્છનીય છે?

સર્વોચ્ચ અદાલતે ૨૦૧૮ માર્ચ ૧૯મીએ મારી દ્રષ્ટિએ એક વિવાદાસ્પદ કાયદો ઘડ્યો છે. એના બીજા દિવસે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જેવાં છાપાંઓ અને સામયિકોમાં એના અહેવાલ આવ્યા છે. “ઇચ્છામૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટનો આવકાર્ય ચુકાદો”ના શીર્ષક હેઠળ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું આપણું પાક્ષિક નયા માર્ગલખે છે, “હવે ઇચ્છામૃત્યુ અંગેની માર્ગદર્શિકા માટે સંસદમાં કાયદો ઘડાશે અને ભારતમાં અમલી બનશે. અસાધ્ય રોગથી પીડાતા દર્દીને સાચા અર્થમાં મુક્તિ મળશે.”

ઇચ્છામૃત્યુનો અહેવાલ અને નયા માર્ગની વાતથી મારું મન ચકડોળે ચડ્યું છે. ઇચ્છામૃત્યુ અંગે ઘણાં દાખલાઓ અને દલીલો સાથે મેં અગાઉ બે લેખો કર્યા છે. એમાં એક લેખ મધુર જિંદગીઅને બીજો લેખ પ્રેમ અને પ્રસન્નતાનો પ્રવાહનામનાં પુસ્તકોમાં પ્રકરણરૂપે સંગ્રથિત પણ થયા છે. છતાં મને લાગે છે કે, આ ખૂબ ચર્ચાતા વિષય અંગે સાંપ્રત પરિસ્થિતિમાં વધુ છણાવટ કરવાની જરૂર છે.

ઇચ્છામૃત્યુ અને દયાવધની વાત કરતાં પહેલાં આપણે માનવજીવન પ્રત્યેનું આપણું વલણ તપાસીએ. લોકો સામાન્ય રીતે માનવજીવન પ્રત્યે બે પ્રકારનું વલણ દાખવે છે. માણસનું માનવજીવન પ્રત્યેનું વલણ એની દ્રષ્ટિ પર આધારિત છે. માણસની દ્રષ્ટિ બે પ્રકારની હોય છે. એક, માનવજીવન પ્રત્યે ગુણવત્તાવાળી જીવનદ્રષ્ટિ અને બે, માનવજીવન પ્રત્યે પવિત્રતાવાળી જીવનદ્રષ્ટિ.

માનવજીવનની ગુણવત્તામાં માનનાર લોકો માનવજીવનને, કોઈ માણસના જીવનને, કેવળ ગુણવત્તાને આધારે મૂલવે છે. મતલબ કે, ગુણવત્તા વિનાના માનવજીવનનું કોઈ મૂલ્ય નથી! માનવજીવનની પવિત્રતામાં માનનાર લોકો માને છે કે, માનવજીવન પવિત્ર છે; માનવજીવન ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. જીવન પવિત્ર છે એટલે કોઈ પણ રીતે કે કોઈ પણ કારણથી માનવજીવનો નાશ કરી ન શકાય. માણસનું અકુદરતી મૃત્યુ થાય એવું કોઈ પગલું કદી લઈ ન શકાય.

અંગ્રેજીમાં આપણે જેને યુથનેશિયાકહીએ તેને માટે ગુજરાતીમાં બે શબ્દો છે: ઇચ્છામૃત્યુકે દયાવધ’. બંને ગુજરાતી શબ્દોમાં નોંધપાત્ર ફેર છે. ઇચ્છામૃત્યુમાં માણસ અમુક ચોક્ક્સ સંજોગોમાં મૃત્યુને વરવાની પોતાની ઇચ્છા વસિયતનામામાં કે અન્ય રીતે પ્રગટ કરે છે. માણસનું ઇચ્છામૃત્યુ બે રીતે થઈ શકે. એક, માણસે ઇચ્છેલું મૃત્યુ થવામાં માણસનું જીવન ચાલુ રાખનારાં કૃત્રિમ તબીબી સાધનો બંધ કરવાથી માણસનું મૃત્યુ થાય છે. બીજી રીતમાં માણસે ઇચ્છેલું મૃત્યુ થાય એ માટે જે ચોક્ક્સ પગલું લેવામાં આવે છે એનાથી માણસનું મૃત્યુ થાય છે. દાખલા તરીકે માણસે ઇચ્છેલું મૃત્યુ થાય એ માટે એને આપેલી  દવાથી માણસનું મૃત્યુ થાય. અથવા તો બિલકુલ નિ:સહાય વ્યક્તિને આપતાં ખોરાક-પાણી બંધ કરવાથી એનું મૃત્યુ થાય.

દયાવધ એટલે માણસ ચોક્કસ સંજોગોમાં પોતાનું મૃત્યુ થાય એવું ઇચ્છ્યું પણ ન હોય છતાં પણ માણસનું મૃત્યુ થાય એ માટે લાગતાવળગતા માણસે લીધેલું પગલું. દાખલા તરીકે જીવન ટકાવી રાખવા માટેનાં તબીબી સાધનો દર્દીથી દૂર કરવાથી થતું માણસનું મૃત્યુ. કોમાની સ્થિતિમાં માણસનું જીવન ટકાવી રાખવા માટે ટ્યૂબ ધ્વારા દર્દીને ખવડાવવાથી એનું જીવન ટકી રહે છે. પણ એ રીતે દર્દીને ખવડાવવાનું બંધ કરવામાં આવે ત્યારે જરૂરી ખોરાકપાણીના અભાવે દર્દીનું મૃત્યુ થાય છે.

દયાવધ બીજા પ્રકારમાં ચોક્ક્સ પગલાં લેવાથી માણસનું મૃત્યુ થાય છે. દાખલા તરીકે કોઈ માણસનું દુ:ખ જોઈને એને મારી નાખવા માટે એના પર દયા ખાઈને એના શરીરમાં પ્રવાહી ઝેર દાખલ કરીને એને મારી નાખવામાં આવે છે. મૃત્યુની શિક્ષા પામેલી વ્યક્તિને મારી નાખવા માટે લેવાતા પગલાને પણ કાયદાકીય દયાવધ કહી શકાય.

ઇચ્છામૃત્યુ કે દયાવધ આખરે ખૂન છે, નરી હત્યા જ છે. હું દઢપણે માનું છું કે, જે માણસ માનવજીવન સર્જી ન શકે તે માણસ કોઈ પણ કારણસર પોતાનો કે બીજાનો જીવ લઈ ન શકે. ઇચ્છામૃત્યુને ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર કહેનાર માણસ સાચો, નિ:સ્વાર્થ પ્રેમ તથા ઊંડી આંતરિક શાંતિ પણ કદી અનુભવ્યાં જ ન હોય. તેમને જીવનનાં છેલ્લાં વર્ષોમાં નિ:સહાય અવસ્થામાં પોતાને નિ:સ્વાર્થ પ્રેમાળ સેવાચાકરી મળી રહેશે એવી કોઈ ખાતરી નથી. દેખીતું છે કે આવા માણસો માનવજીવનને પવિત્ર અને સર્વશ્રેષ્ડ મૂલ્ય તરીકે આંકી શકતા નથી.

સામાન્ય રીતે ઇચ્છામૃત્યુકે દયાવધના શબ્દો વચ્ચે લોકો કોઈ તફાવત કરતા નથી. સાધારણ વાતચીતમાં દયાવધ કે ઇચ્છામૃત્યુ બે રીતે થાય છે. માણસ મરી જાય એવા હેતુથી લેવાતાં પગલાંથી માણસનું મૃત્યુ થાય અથવા જીવન ચાલુ રાખવા માટે જરૂરી પગલાં ન લેવાથી માણસનું મૃત્યુ થાય છે. આ પ્રકારના મૃત્યુમાં મરનાર માણસની ઇચ્છા હોય એવું બને. ઇચ્છા ન હોય છતાં કોઈ માણસ મરનાર માણસની દયા ખાઈને એમનું મૃત્યુ થાય એવા હેતુથી ચોક્ક્સ પગલું લેતો હોય એવું પણ બને. દાખલા તરીકે માણસને ઝેરી પદાર્થ ખવડાવવાથી કે એના શરીરમાં ઝેર દાખલ કરવાથી માણસનું મૃત્યુ થાય છે. બીજી રીતે નિ:સહાય માણસને જીવવા માટેનાં જરૂરી દવાદારૂ કે ખોરાકપાણીથી દૂર રાખવાથી માણસનું મૃત્યુ થાય.

આ બંને પ્રકારના દયાવધ કે ઇચ્છામૃત્યુ સદાચાર અને નૈતિક્તાની વિરુદ્ધમાં છે. એમાં માનવતા કે માણસાઈ નથી. ઇચ્છામૃત્યુ કે દયાવધનો કાયદો બને ત્યારે ફક્ત ઉપભોગમાં માનતા લોકો માણસને કેવળ ઉપયોગિતાની દ્રષ્ટિએ મૂલવશે. એટલે જે માણસ એના કુટુંબ કે સમાજના કામના ન હોય; ઊલટું, ભારરૂપ લાગે ત્યારે કેવળ નકામી વસ્તુની પેઠે એને એક યા બીજી રીતે મારી નાખવામાં આ કાયદાનો ટેકો મળશે!

ધારો કે ઘરમાં એક વડીલ માણસ ભારે માંદગીમાં ખૂબ દુ:ખ વેઠે છે અને મરી જવાની ઇચ્છા પ્રગટ કરે છે. અથવા એવા માણસના નજીકનો સંબંધી વડીલની દયા ખાઈને કે દવાદારૂના ખર્ચની ચિંતા કરીને માંદો ને દુ:ખી માણસ મરી જાય એવું પગલું લેવા તબીબને જણાવે છે.

આવા સંદર્ભમાં કાયદાની દ્રષ્ટિએ દયાવધ કે ઇચ્છામૃત્યુ યોગ્ય ગણાશે, પરંતુ સદાચાર અને નૈતિક્તાની દ્રષ્ટિએ દયાવધ કદી યોગ્ય નથી. ઇચ્છનીય નથી. ઘણીવાર પથારીવશ દુ:ખી દર્દી ઇચ્છામૃત્યુ માગે ત્યારે એની પાછળ જરૂરી મદદ, પ્રેમ, હમદર્દી અને અનુકંપા મેળવવા માટેની તીવ્ર ઇચ્છા હોય છે. હું માનું છું કે, જે દર્દી દુ:ખો વચ્ચે પ્રેમ અને આંતરિક શાંતિનો અનુભવ કરતો હોય એવો માણસ કદી ઇચ્છામૃત્યુ ન માગે. એટલે ઇચ્છામૃત્યુ માટે માગનાર માણસની ખરી માગણી અને ઝંખના ખરો પ્રેમ, સમજણભરી સેવા અને શાંતિ માટેની છે.

સામાન્ય રીતે મરવા બહાને ખૂબ યાતના અને દુ:ખ વેઠીને જીવતા માણસને જોઈને માણસ બૌદ્ધિક દ્રષ્ટિએ વિચાર કરે છે કે, મારા જીવનનો અંત આ રીતે ન થાય તો સારું. ચાલો, હું ઇચ્છામૃત્યુનું વસિયતનામું બનાવું.

એક બીજા દ્રશ્યની કલ્પના કરીએ. ધારો કે, એક વડીલ દર્દી પારાવાર દુ:ખો વેઠે છે, પણ એમનાં દુ:ખો અને અપાર પીડા વચ્ચે એનાં નજીકનાં સગાંસંબંધીઓ અને મિત્રો ખૂબ પ્રેમથી અને સંવેદનાથી ખડે પગે એમની સેવાચાકરી કરે છે. એ વડીલ દર્દી અને ખડે પગે એમની સેવાચાકરી કરતા પ્રેમાળ લોકોને જોઈને એમની મુલાકાતે આવનાર માણસ શું વિચારશે? હું માનું છું કે, એ સહ્રદયી મુલાકાતી કદી ઇચ્છામૃત્યુનો વિચાર ન કરે. પરંતુ એ દર્દીને મળેલી સેવાચાકરીથી ખુશ થઈને એ વડીલ દર્દીને આવી નિ:સ્વાર્થ ને પ્રેમાળ સેવાચાકરી મેળવવામાં ભાગ્યશાળી માનશે, પ્રેમાળ સેવાચાકરી કરનાર લોકોની દિલથી કદર કરશે.

#

Changed On: 01-06-2019

Next Change: 16-06-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

 

 

અંત:કરણના અવાજને અનુસરવાનો મારો ઠરાવ

          દરેક નવા વર્ષે આપણે જાણે ચાર રસ્તા પર ઊભા હોઈએ છીએ. એક, આળસ ને અકર્મનો રસ્તો છે. બે, અવિવેકનો અને નીતિવિહીન નેતાને અનુસરવાનો રસ્તો છે. ત્રણ, અસત્ય અને અન્યાયનો રસ્તો છે. ચાર, સત્ય અને નીતિન્યાયનો રસ્તો છે. આપણે કયો રસ્તો પસંદ કરીશું? એ એક પ્રાણપ્રશ્ન છે.

મને લાગે છે કે, હું મારા માટે પસંદ કરું છું એ રસ્તે મક્કમતાથી મંડ્યા રહેવા માટે નવા વર્ષનો એક ઠરાવ મને મદદરૂપ નીવડશે. તો વળી બીજો પ્રશ્ન છે કે, આ નૂતન વર્ષનો કયો ઠરાવ મને યોગ્ય પ્રેરણા ને પ્રોત્સાહન આપશે? નૂતન વર્ષનો મારો ઠરાવ મારા અંત:કરણના અવાજને અનુસરવાનો છે. મને ખાતરી છે કે, આ નવા વર્ષે જીવનના ચાર રસ્તે ઊભેલા મને પસંદ કરવા માટે ફક્ત એક જ રસ્તો વધુ યોગ્ય છે. મારો અંતરાત્મા મને પ્રેરે છે કે, મારા માટે યોગ્ય રસ્તો સત્ય અને નીતિન્યાય્ને અનુસરવાનો ચોથો રસ્તો છે. ભલે, બીજા રસ્તાઓ આકર્ષક લાગે તોપણ આખરે એ ત્રણેય રસ્તાઓ વિનાશના રસ્તાઓ છે. દુ:ખ અને અશાંતિના રસ્તાઓ છે.

અંત:કરણના અવાજને અનુસરવાના મારા ઠરાવ પાછળ મારી અનુભવ કથાઓ છે. ઓક્ટોબર ૨૦૧૬માં હું ન્યૂઝિલેન્ડના પ્રવાસે જઈ આવ્યો. ન્યૂઝિલેન્ડમાં રહેતા મારા ભત્રીજા ષાજુ વર્ષોથી મને એમની મુલાકાતનું આમંત્રણ આપતા હતા. પરંતુ આ વખતે મને ફિલિપાઇન્સના તગતાય ખાતે આંતરરાષ્ટ્રિય અખબાર પરિષદના વિશ્વસંમેલનમાં Resource Person તરીકે જવાનું આમંત્રણ મળ્યું હતું. આ વાત જાણીને ષાજુએ તરત જ મારે માટે ફિલિપાઇન્સ થઈને ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડ પહોંચવા ને અમદાવાદ પરત આવવાની ટિકિટ મોકલી આપી. મેં ષાજુના કુટુંબ સાથે ઓક્ટોબર ૧૬મીથી ૧૧ દિવસ ન્યૂઝિલેન્ડમાં ગાળ્યા.

ન્યૂઝિલેન્ડના મારા પ્રવાસ દરમિયાન ત્યાંના લોકોની બે બાબત મને ઊંડાણથી સ્પર્શી ગઈ અને માર નવા વર્ષના ઠરાવ માટે મને પ્રેરણા મળી. ઓકલેન્ડ ખાતે સરકારના તબીબી સેવા ડિપાર્ટમેન્ટમાં ષાજુ સામાજિકસેવા (Social Service)ના વિભાગમાં સર્વિસ કરે છે. એની પત્ની મીની પણ કેંદ્રિય સરકારી દવાખાનામાં નર્સ તરીકે નોકરી કરે છે. બંનેની વાતો તથા તેમના અનુભવોમાંથી મને ન્યૂઝિલેન્ડના લોકો વિશે બે બાબતો ખાસ જાણવા મળી. એક, માનવજીવનની કદર અને બે, લોકોની વિશ્વસનીયતા.

એક, માનવજીવનની કદર તથા જીવનને સાચવવા માટેની દરકાર અને સેવાચાકરી. થોડાં વર્ષ પહેલાં ન્યૂઝિલેન્ડમાં કોલસા ખોદવાની ખનીજની ખાણમાં અકસ્માતથી કેટલાક લોકો મરી ગયા ત્યારે આખા ન્યૂઝિલેન્ડના લોકો ખૂબ વ્યથિત થયા હતા. અકસ્માત પછીના દિવસો અને અઠવાડિયાંઓ અને મહિનાઓ પછી પણ લોકોના મુખે તેમ જ જાહેરસંચાર માધ્યમોમાં ખનીજ ખાણમાં મરી ગયેલા લોકોની જ વાત હતી. ખનીજ ખાણમાં મરણ પામેલા માણસોનાં સગાંસંબંધીઓ જ નહીં પણ સમગ્ર ન્યૂઝિલેન્ડના લોકો અત્યંત શોક પામ્યા. ષાજુના પત્રો અને ફોન-સંવાદથી મને ત્યાં માનવજીવ પ્રત્યેનું લોકોનું વલણ તથા માનવજીવનની દરકાર ને માનવજીવનને સાચવવા માટેની લોકોની સેવાચાકરી વિશે જાણવા મળ્યું.

આ વખતે ષાજુએ મને એમના એક અનુભવની વાત કહી. ષાજુની નોકરીના એક ભાગરૂપે એમના કાર્યાલયની વૅન ગાડીમાં ષાજુ માનસિક રોગમાંથી હૉસ્પિટલની સારવારથી સાજા થઈને ઘેર ગયેલા લોકોને એમના ઘરે મળવા જાય છે. દરદી નિયમિત દવા લે, શારિરીક કસરત કરે એવી બાબતોનું ધ્યાન તેઓ રાખે છે. વળી, તેમાંની આઠ-દસ વ્યક્તિઓને કાર્યાલયની વૅન ગાડીમાં લઈને રમતગમત અને અન્ય મનોરંજનના કાર્યક્રમો કરાવે છે.

એક દિવસે ષાજુ વૅન ગાડીમાં એક દરદીને ત્યાં જતો હતો. ત્યાં રસ્તાની બાજુમાં આવેલા બંગલામાંથી એક ગાડી ચાલકે સ્પીડમાં આવીને ષાજુની વૅનને જોરથી અથડાવી. ષાજુની વૅન પલટી ખાઈ ગઈ. બંને ગાડીને ખૂબ નુકસાન થયું. સદભાગ્યે ષાજુ ને પેલા ગાડીચાલક આબાદ બચી ગયા. ષાજુએ તરત જ પોતાના કાર્યાલયમાં ફોન કરીને અકસ્માતની જાણ કરી.

તબીબી તપાસ પછી ષાજુના ઉપરીએ ઘરે જઈને બે-ત્રણ દિવસ આરામ કરવાનું કહ્યું. પણ ષાજુએ કહ્યું કે, મને માનસિક કે શારિરીક રીતે કોઈ નુકસાન થયું નથી. એટલે હું મારી નોકરીએ ચાલુ રહી શકું છું. તેઓ ઑફિસની બીજી ગાડી લઈને જેને મળવા જતા હતા ત્યાં ગયા. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, પેલો ડ્રાઈવર ડ્રગની અસર નીચે હતો ને એને અવિચારીપણે ગાડી ચલાવવા માટે અગાઉ બે વાર જેલની સજા થયેલી છે. આ સમગ્ર પ્રસંગમાં ષાજુએ કહ્યું કે, પોતે પરદેશની એક વ્યક્તિ ત્યાં નોકરી કરે છે, એવી કોઈ ગણતરી કે કોઈ ભેદભાવ વિના તેમના ઉપરી અને બીજા બધા લોકો પણ માણસના જીવનની કદરની સાથે એકબીજા સાથે સાથસહકારથી વર્તે છે.

કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ન્યૂઝિલૅન્ડના લોકોના જીવનની કદર સાથે મને પ્રભાવિત કરનાર બીજી બાબત ત્યાંના લોકોની વિશ્વસનીયતા છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકો સત્યનિષ્ઠ છે, સત્યભાષી છે. એક દાખલો આપું. હું ઑકલૅન્ડમાં હતો ત્યારે ષાજુના દીકરા જોબિનના જીવનમાં એક ઘટના બની હતી. ટ્રાફિક સિગ્નલ ‌– લાલબત્તી – સામે ઊભી રાખેલી તેની ગાડીને પાછળથી આવીને એક ગાડીચાલકે જોરથી અથડાવી. બંને ચાડીચાલકો બચી ગયા, બંને વાહનોને થોડું નુકસાન થયું.

ષાજુએ યુનિવર્સિટીમાં ભણતા દીકરાને કહ્યું, “ગાડીનો વીમો છે. વીમાવાળાને ફોન પર વાત કરજે.” બીજા દિવસે કૉલેજ જતી વખતે ષાજુએ જોબિનને કહ્યું કે, વીમાવાળાએ જણાવ્યા મુજબ કૉલેજ જતી વખતે ગાડી ગૅરેજમાં આપી જજો. સાંજે યુનિવર્સિટીના મુખ્ય દરવાજેથી હું તને પીક-અપ કરીશ.

ત્રીજા દિવસે ષાજુ પર વીમાવાળાનો ફોન આવ્યો. ગાડી રિપેર કરવા જેવી નથી. ગાડીના વીમાનાં પૂરાં નાણાં એના બીજા દિવસે સીધેસીધાં તમારા બેંકખાતામાં જમા થશે.

ષાજુએ મને કહ્યું, “અંકલ, કોઈપણ બાબતોમાં અહીંના લોકો કોઈ છેતરપિંડી કે કોઈ જુઠાણું ના ચલાવે. આપણે લોકોમાં અને લોકો આપણી બોલીમાં પરસ્પર વિશ્વાસ રાખે છે. અહીં ઇન્ડિયાની જેમ કોઈ વાટાઘાટો કે વાદવિવાદની જરૂર પડતી નથી.”

કોઈ શેહશરમ વગર જૂઠું બોલતા અને નિ:સંકોચ લાંચરુશ્વત આપતા ને લેતા આપણા લોકો વચ્ચે અંત:કરણના અવાજને અનુસરવાનો આ ઠરાવ મારા માટે ને બધાને માટે પડકારરૂપ છે. પણ આવા પડકારોનો સામનો કરવા માટે અને લાંબાગાળે આપણા જીવનને વધુ પ્રેમાળ, શાંતિમય અને આનંદકારી બનાવવા માટે આપણે આવો અઘરો ઠરાવ પણ કરીએ અને એને વળગી રહેવા મક્કમ નિર્ણય કરીએ. આખરે આપણને જીવનમાં શાંતિ ને એકબીજા પ્રત્યે આદરમાન જોઈએ તો આપણા અંત:કરણને અનુસર્યા વિના છૂટકો નથી.

મને ખાતરી છે કે, નવા વર્ષે અંત:કરણના અનુસરવાના આપણા ઠરાવથી, એક પૌરાણિક ગીતકારે ગાયું છે તેમ,

“થશે પ્રેમનો ભેટો સત્યની સાથે,

ન્યાય ને શાંતિ એકમેકમાં ભળી જશે સંગાથે.”

#

Changed On: 16-05-2019

Next Change: 01-06-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

 

 

માનવતા એ જ માનવધર્મ

          માનવધર્મને કોઈ અપવાદ વિના બધા માણસોનો ધર્મ કહી શકીએ. કારણ, બધા માણસોમાં ઓછાવત્તા પ્રમાણમાં માનવતા હોય છે. છતાં દેખીતું છે કે બધા માણસો હંમેશાં માનવતાથી વર્તતા નથી. મોટા ભાગના માણસો માનવતાથી વર્તે છે. પરંતુ અમુક લોકોનું વર્તન જોતાં એમનામાં માનવતા છે કે નહીં એવો પ્રશ્ન થાય છે. રાજસ્થાનમાં એક ગરીબ કામદારને લવ જિહાદને નામે નિર્દયપણે ચપ્પુથી મારી નાખીને બાળી નાખતા જોઈને મને પ્રશ્ન થાય છે કે, એ ખૂનીની માનવતા મરી પરવારી છે? માનવ જેવા માનવને મારી નાખીને એ ક્રૂર કૃત્યનો વીડિયો કરાવી સોશ્યલ મીડિયા પર મૂકવામાં માનવતા નથી, પૈશાચિક્તા છે, અમાનવતા કે અમાનવીયતા છે.

અહીં મારે માનવતા કે માણસાઈ એટલે માનવધર્મની વાત કરવી છે. દેશવિદેશના પત્રકારો સાથે તેર આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભાગ લેવાની તથા પત્રકારત્વને લગતાં કામકાજોને માટે ૩૫ દેશોની મુલાકાત લેવાની મને તક મળી છે. પાંચેય ખંડોમાં ઘણા આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, સેમિનાર અને કાર્યશાળાઓમાં ભાગ લેવાને કારણે, હું દુનિયાના ઘણાબધા દેશોના ઘણા પત્રકારોને મળી ચૂક્યો છું, એમાંથી હું જાણું છું કે, માણસોનો રંગ જુદો હોય, વંશ ભિન્ન હોય, ભાષા-સંસ્કૃતિમાં વૈવિધ્ય હોય, આચારવિચારમાં વિવિધતા હોય, ધર્મ અને સંસ્કૃતિ ભિન્ન હોય, પણ માણસ તરીકે બધા માણસો સરખા છે. વૈવિધ્ય, વિવિધતા, ભિન્નતા અને જુદાઈ કરતાં બધા માણસો મૂળભૂત રીતે સરખા છે. વૈવિધ્યમાં એક્તા માણી શકે છે.

બધા માણસો માણસાઈથી વર્તે છે. બધા માણસોમાં માનવધર્મ છે. મારી દ્રષ્ટિએ માનવધર્મની કેટલીક લાક્ષણિક્તાઓમાં સમાનતા પ્રથમ સ્થાને છે. માનવ બાળક જન્મે ત્યારે તેનો કોઈ ધર્મ, સંસ્કાર કે ભાષા હોતાં નથી. પરંતુ એ બધું એને એનાં માબાપ અને એના સંપર્કમાં આવતા અન્ય લોકો દ્વારા મળે છે. ગળથૂથીમાંથી બાળકને વારસામાં ઘણુંબધું મળે છે. માતૃભાષાથી માંડી સંસ્કૃતિ અને નાતજાત બાળકને જન્મથી વારસામાં મળે છે.

    માનવધર્મમાં મૂળભૂત રીતે પ્રેમ હોય છે. એકબીજા માટે દરકાર હોય, એકબીજાની સોબત શોધતા હોય. વળી, દરેક માણસમાં એક અતૃપ્ત ઝંખના હોય. માનવધર્મ કે માણસાઈની આવી બધી બાબતોને સુપેરે દીપાવનાર કેટલાક મહામાનવો છે. માનવધર્મને સારી પેઠે દીપાવનારાઓમાં આપણે રાષ્ટ્રપિતા ગાંધીજી, નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન, માર્ટિન લૂથરકિંગ (જુનિયર), મધર ટેરેસા, વગેરે મહામાનવો ગણી શકાય.

આપણા સમયમાં માનવધર્મના એક અનોખા પ્રણેતા છે પોપ ફ્રાન્સિસ. વિશ્વભરમાં જાણીતા અંગ્રેજી સામયિક્ક ટાઇમ (Time) મેગેઝિને ૨૦૧૩ ડિસેમ્બરમાં એમને Man of the Year (વર્ષના સૌથી પ્રખ્યાત મહામાનવ) તરીકે નવાજ્યા છે. એમાં પોપ ફ્રાન્સિસને કોઈ ધાર્મિક વડા તરીકે નહીં પણ કોઈ ધર્મ-સંપ્રદાય કે જાત-વંશના ભેદભાવ વિના બધા માણસો માટે માણસાઈની મશાલચી તરીકે પોંખવામાં આવ્યા છે.

સૌ જાણે છે કે, પોપ ફ્રાન્સિસ પોતાના આચારવિચારથી કોઈ જાહેરાત વિના બધા લોકોને માટે પ્રેમ અને શાંતિના શુભસંદેશની ઘોષણા કરે છે. દેશવિદેશના એમના સંદેશમાં આધ્યાત્મિક, ધાર્મિક અને નૈતિક મૂલ્યોનું જતન કરવાનું આહવાન હોય છે. એમનાં કાર્યો પણ એ જ પ્રકારનાં હોય છે. દાખલા તરીકે તેઓ સમગ્ર ચેતન-અચેતન સૃષ્ટિ પર પ્રેમ રાખતા સંત ફ્રાન્સિસ અસિસીનું નામ ધારણ કરીને, એક ખૂબ વિકૃત માથાવાળા માણસને ચુંબન કરીને, એક મુસ્લિમ યુવતીના પગ ધોઈને તેમ જ વારેઘડીએ ગરીબો અને નિરાધારોની વહારે થઈને પોપ ફ્રાન્સિસ લોકલાડિલા બનવા સાથે કોઈ જાહેરાત વિના માનવધર્મના પ્રણેતા બન્યા છે. એટલું જ નહીં પણ પ્રેમ, સત્ય, ન્યાય, માફી, સમાનતા, દયા, હમદર્દી જેવાં માનવધર્મનાં મૂલ્યો પોતાના જીવનમાં જીવી બતાવ્યાં છે. પોપ ફ્રાન્સિસનું જીવન અને સંદેશ ઘોષણા કરે છે કે, માનવતા એ જ માનવધર્મ છે.

પોપ ફ્રાન્સિસને હું માનવધર્મના એલચી કહું છું. વળી, હું એમને નિરાશ્રિતો અને સત્તામણીનો ભોગ બનેલા દરેક માનવીના પ્રણેતા કે વકીલ ગણું છું. એટલે તેઓ દેશવિદેશનાં યુદ્ધો, આતંકી હુમલા અને લોકોને ઘરવિહોણા, નિરાશ્રિત કરનાર બધી બાબતોને વખોડી કાઢતા રહે છે. એટલું જ નહીં, પણ અપાર કરુણાથી નિરાશ્રિત થયેલા સૌને આશ્રય આપવા લાગતાવળગતા બધા માણસોને વિશેષ તો સત્તાધારી રાજકારણીઓને સમજાવતા રહે છે. પોપ ફ્રાન્સિસની આજીજીભરી વિનંતીથી યુરોપના કેટલાક દેશો નિરાશ્રિત અને વિસ્થાપિતો માટે પોતપોતાના રાજ્યની સરહદો ખોલી છે. રાજકીય સત્તાધારીઓએ અગાઉ નક્કી કરેલાથી પણ વધારે નિરાશ્રિતોને પોતાના રાજ્યમાં આશરો આપ્યો છે.

હું કેવળ પોપ ફ્રાન્સિસનો કદરદાર જ નહીં પણ તેઓ મારે માટે અનુકરણીય દ્રષ્ટાંત છે. મારો આદર્શ છે. તેઓ લોકોને નાતજાતના ભેદભાવ વિના પ્રેરણાદાયી સંદેશો આપે છે. પણ ખુદ પોતાના આચારથી અનુસરી શકાય એવો રસ્તો પણ ચીંધે છે. દાખલા તરીકે તેઓ ગરીબો અને દલિતોની સેવા કરવાનું સમજાવે છે. એટલું જ નહીં પણ ખુદ પોતાની રીતે નિરાશ્રિતોને, ઘર વિનાના લોકોને વેટિકનમાં આશરો આપીને સેવા કરે છે. દાખલા તરીકે રોમ શહેરની કાતિલ ઠંડીમાં રસ્તા પર, પુલોની નીચે કે બંધ દુકાનોના ઓટલા પર સૂતા ગરીબો માટે આરામદાયક રાતવાસો કરવાની વ્યવસ્થા પોપ ફ્રાન્સિસે રોમમાં કરી છે. આ રીતે મારા માટે તેમ જ દરેક માણસ માટે બીજા પ્રત્યે વિશેષ તો જરૂરિયાતમંદો પ્રત્યે માયાળુ અને દયાળુ બનવાનો આદર્શ પોપ ફ્રાન્સિસ પૂરો પાડે છે.

હું જોઉં છું કે, પોપ ફ્રાન્સિસનું સમગ્ર જીવન અને સંદેશ મારા માટે અને સમગ્ર માનવજાત માટે માયાળુ અને દયાળુ બનવાની વિનંતી કરે છે.

#

Changed On: 01-05-2019

Next Change: 16-05-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019

 

પુનરુત્થાન પર આધારિત શ્રદ્ધા

ઘણા ખ્રિસ્તીઓ પરમપૂજાની ઉપાસનાવિધિમાં એક નાની પ્રાર્થના બોલે છે: “ઈસુ મરણ પામ્યા, ઈસુ સજીવન થયા. ઈસુ ફરી પધારશે.” શ્રદ્ધાની આ પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં પ્રભુ ઈસુ પરનો સંપૂર્ણ ભરોસો છે. આ શ્રદ્ધા પર ખ્રિસ્તી ધર્મનો પાયો નખાયો છે. આ શ્રદ્ધા અને ભરોસો વિનાનો માણસ ખ્રિસ્તી નથી.

ઈસુનું મૃત્યુ એક ઐતિહાસિક ઘટના છે. રોમન સામ્રાજ્યના ઇતિહાસમાં ઈસુને રીઢા ગુનેગારોને ખાસ તો રાજકીય વિદ્રોહીઓને અને કાવતરાખોરોને લાગે એવી શિક્ષા કર્યાની એટલે ક્રૂસ પર ચડાવીને મારી નાખ્યાની વાત નોંધાઈ છે. પણ ત્યાં ઈસુના નવજીવન કે પુનરુત્થાનની વાત નથી. ‘ઈસુ સજીવન થયા’ કે ‘નવજીવન પામ્યા’ એ શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધાની આ વાત કપોળકલ્પિત કહાની નથી. કેવળ વિવેક્બુદ્ધિમાં માનનારા લોકો માટે પણ શ્રદ્ધા પ્રેરિત પુરાવાયુક્ત માન્યતા છે.

ઈસુના ત્રણ વર્ષના જાહેરજીવન દરમિયાન એમના અંતેવાસી તરીકે એમની સાથે રહેલા શિષ્યોએ સાક્ષી આપી છે કે, ઈસુએ ત્રણ ત્રણ વાર પોતાના મૃત્યુ અને પુનરુત્થાનની આગાહી કરી હતી. એટલે શિષ્યો ઈસુના પુનરુત્થાનમાં એમની આગાહીની પરિપૂર્તિ જુએ છે. ઈસુના એક શિષ્ય પીતર પોતાના ઇસ્રાયલી ભાઈઓને સંબોધતા છાતી ઠોકીને કહે છે: “જીવનના માર્ગે લઈ જનાર નાયકની તમે હત્યા કરી, પણ ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા – એના અમે સાક્ષી છીએ.”

ઈસુની હત્યા કરનાર-કરાવનાર-વિરોધીઓને ઈસુએ કરેલી નવજીવન પામવાની આગાહીની ખબર હતી. એટલે ઈસુના મૃત્યુના બીજા દિવસે ઈસુના વિરોધીઓ પિલાત પાસે જઈને એની વાત કરી. પિલાતે ઈસુના વિરોધીઓની માગણી મુજબ ઈસુની કબરને ત્રણ દિવસ સુધી પૂરા જાપ્તામાં રાખવા માટે ચોકીદારોને આપ્યા. શુભસંદેશકાર માથ્થીના શબ્દોમાં, “તે લોકોએ જઈને કબરને જાપ્તામાં રાખી; શિલા ઉપર મહોર મારી અને પહેરો ગોઠવી દીધો.”

ઈસુની આગાહીની પરિપૂર્તિના આ પુરાવાની જેમ, એમના નવજીવનનો બીજો શ્રદ્ધાપ્રેરિત પુરાવો એમની ખાલી કબર છે. ઈસુના મૃત્યુના ત્રીજા દિવસે ચોકીદારોનો પહેરો હોવા છતાં કબર ખાલી જોવામાં આવી! ઈસુના વિરોધીઓ ઈસુને દફનાવેલી ખાલી કબરની વાસ્તતિક્તા નકારી ન શક્યા. એટલે ખાલી કબરની વાત લાવનાર ચોકીદાર “સૈનિકોએ સારી એવી લાંચ આપીને ઈસુના વિરોધીઓને કહ્યું, ‘તમે એમ કહેજો કે, તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા.’”

ઈસુના પુનરુત્થાનના ઘણા પુરાવા છે. એમાં એક ત્રીજા પુરાવા તરીકે ઈસુના શિષ્યોમાં આવેલ પરિવર્તન ગણી શકાય. ઈસુને કેદ પકડીને એમની સામે સૂબા પિલાતના ન્યાયાલયમાં કેસ ચાલ્યો અને એમને ક્રૂસ પરના મૃત્યુની સજા થઈ તે સમય દરમિયાન ઈસુના લગભગ બધા શિષ્યો ડરના માર્યા ભાગી છૂટીને સંતાઈ ગયા હતા. પરંતુ ઈસુ નવજીવન પામ્યા પછી એ જ જેરુસાલેમના મંદિરમાં પણ શિષ્યો ઈસુના મૃત્યુ અને નવજીવનની સાક્ષી પૂરવા લાગ્યા. શિષ્યોમાં ઈસુને ખાતર ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આવી. તેઓ ઈસુના જીવન અને સંદેશની નિડરતાથી ઘોષણા કરવા લાગ્યા અને દેશપરદેશમાં જઈને પ્રચાર-ફેલાવ કરવા લાગ્યા.

બીજી બાજુ યહૂદી પુરોહિતો અને આગેવાનો ઈસુને નામે બોલવા સામે મના ફરમાવતા હતા. ઈસુના અનુયાયીઓની સતામણી કરતા હતા. છતાં તે વખતે ઈસુપંથ નામે ઓળખાતા ઈસુના શિષ્યો અને અનુયાયીઓની સંખ્યા સતત વધતી રહી! પ્રલય સામે બંધ કરવા જાય તો તે નિષ્ફળ થાય એ રીતે ઈસુ સામેના વિરોધ, મનાઈ ફરમાન અને સતામણી ઈસુપંથ વિકાસ અને પ્રચાર-ફેલાવને કોઈ રોકી શક્યા નથી. વિરોધ અને સતામણી વચ્ચે પણ ઈસુપંથનો વિકાસ, હા ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને ફેલાવનો ઇતિહાસ, આજે પણ ચાલુ છે. દર વર્ષે રોમથી પ્રગટ થતી ખ્રિસ્તી ધર્મની આંકડાકીય માહિતી પૂરવાર કરે છે કે, દુનિયાભરમાં વધુ ને વધુ લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. સમગ્ર દુનિયામાં ખ્રિસ્તી ધર્મના મૂળભૂત પ્રથમ સંસ્કાર બાપ્તિસમ કે જળસંસ્કાર લઈને પ્રભુ ઈસુને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકારનાર વિવિધ વંશોના, નાતજાતના લોકોની સંખ્યા સતત વધતી રહે છે.

બીજી બાજુ આપણે કદાચ માનીએ કે, આપણે ઈસુના સમયમાં જીવ્યા હોત તો આપણે પિલાત, યહૂદા કે પીતર જેવું વર્તન કર્યું ન હોત. પિલાતે નિર્દોષ ઈસુને સ્વાર્થ માટે એટલે પોતાના હોદ્દો અને સત્તા સાચવવા માટે અન્યાયી ચુકાદો આપીને ક્રૂસે ચડાવ્યો હતો. યહૂદાએ ત્રીસ ચાંદીના સિક્કા માટે ઈસુને દગો દીધો હતો. પીતરે અણિના સમયે ઈસુને ઓળખવાની ચોખ્ખી ના પાડી હતી! એક વાર નહિ પણ ત્રણ ત્રણ વાર ઈસુને ઓળખવા સુદ્ધાં ના પાડનાર પીતર ઈસુના અંતેવાસી તરીકે, ઈસુના નિકટતમ મિત્ર તરીકે ઈસુના ખાસ પસંદગી પામેલા શિષ્ય તરીકે ઈસુ સાથે રહ્યા-ફર્યા હતા. ઈસુએ કરેલા ચમત્કારોના સાક્ષી બન્યા હતા. એમના પ્રેમ, માફી, સેવા ને કરુણાનો સંદેશ સાંભળ્યા હતા. છતાં પોતાનું જીવન વહાલું માનીને પોતાના જીવનદાતાને ઓળખવાની પીતરે ચોખ્ખી ના પાડી. તેમણે માણસની દ્રષ્ટિએ અક્ષમ્ય ઘોર પાપ કર્યું. પણ જ્યારે પીતરને પોતાની નબળાઈ અને ઈસુના પ્રેમ તથા તેમની માફીની યાદ આવી ત્યારે તેમણે નમ્રતાથી છાતીફાટ રોઈને પશ્ચાતાપ કર્યો અને તેમણે ઈસુની અપાર કરુણા અને માફીનો આશરો લીધો અને જિંદગીભર ઈસુના વફાદાર શિષ્ય બની રહ્યા.

પણ નરી વાસ્તવિક્તા એ છે કે, આજે પણ નાણાની લોલુપ્તામાં, લાંચરુશ્વતના મોહમાં કે ડરના માર્યા પિલાતની જેમ અન્યાયી ચુકાદો આપનાર કે અનૈતિક રીતે વર્તનાર લોકો આપણી વચ્ચે છે. નિર્દોષ માણસોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. ગોમાતાનું બહાનું કાઢીને કે પોતાના ધર્મને બચાવવાની વાત લઈને વિવેકબુદ્ધિઓ અને ભિન્ન તથા સ્વતંત્ર વિચારસરણીવાળા માણસોની હત્યા કરવામાં આવે છે. નાના-મોટા લાભ મેળવવા માટે સ્વાર્થબુદ્ધિથી કે ટોળાશાહીથી આપણે અનીતિ અને અન્યાય કરી બેસીએ ત્યારે આપણે ખરેખર પિલાત, યહૂદા અને પીતરની જેમ ઘોર પાપ કરીએ છીએ. અદલ ઈન્સાફ કરનાર ઈશ્વર પ્રભુ ઈસુને જ આપણે ક્રૂસે ચડાવીએ છીએ.

પિલાત, યહૂદા અને પીતરને પોતાનાં ઘોર પાપનો ખ્યાલ આવ્યો. ઘોર પાપના ભારથી ઉંડી નિરાશામાં પિલાત અને યહૂદા આત્મહત્યાના રસ્તે મોતને શરણે ગયા. પરંતુ પીતરને પોતાના ઘોર અપરાધનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓ છાતીફાટ રોઈને પશ્ચાતાપ કર્યો. સિત્તેર વખત સાત વાર માફી આપવા કહેનાર પ્રભુ ઈસુ પર ભરોસો રાખીને જીવન તરફ વળ્યા. બીજા બે પાત્રોની જેમ નિરાશાના સાગરમાં ડૂબી મરવાને બદલે પીતર નમ્રતાથી દયાનિધાન ઈસુ પાસે ગયા. પીતરે પોતાની શેષ જિંદગીમાં સતત પોતાની નબળાઈના ખ્યાલ સાથે ઈશ્વરની દયા અને ક્ષમા પર ભરોસો રાખતા રહ્યા અને એટલું જ નહિ પણ હકારાત્મક રીતે ઈશ્વરનો મહિમા કરતા રહ્યા.

પીતરના નખશિખ પરિવર્તન પાછળ એક જ પરિબળ છે: એ છે: પ્રભુ ઈસુના પુનરુત્થાન પરની શ્રદ્ધા. પશ્ચાતાપી પાપીને માફી આપનાર પ્રભુ ઈસુના બિનશરતી પ્રેમ અને કૃપાનો ભરોસો. આ શ્રદ્ધા અને ભરોસાથી પીતર પોતાની જાતને સંપૂર્ણપણે પુનરુત્થાન પામેલા ઈસુના ચરણમાં સમર્પી દે છે. હવે પીતર સંત પાઉલ સાથે કહી શકે છે કે, હવે હું નથી જીવતો પણ પ્રભુ ઈસુ મારામાં જીવે છે.”

પીતરના પાપ માટેનો પશ્ચાતાપ અને હ્રદયપલટો પછી પુનરુત્થાન પામેલા ઈસુએ પીતરને અને પોતાના અગિયાર શિષ્યોને દર્શન આપ્યાં અને પીતરને પોતાના પટ્ટશિષ્ય તરીકે પસંદ કર્યા. ઈસુના બધા અનુયાયીઓની સંભાળ રાખવાની આ મોટા હોદ્દામાં પીતરે બિલકુલ ગર્વ કર્યો નથી. પીતર બરાબર જાણતા હતા કે, ખુદ પોતાની ગુણવિશિષ્ટતાઓ અને શક્તિને કારણે નહિ પણ ઈસુના અસીમ પ્રેમ અને કૃપાથી ઈસુએ પોતાને મોટો હોદ્દો અને સત્તા આપી છે.

પીતરે કરેલા એક ચમત્કારમાં આપણને એમની નમ્રતાનો તથા તેમની ઈસુદત્ત શક્તિનો ખ્યાલ આવે છે. આ ચમત્કાર દ્વારા પીતરે પોતાનો નહિ પણ ઈસુના નામનો મહિમા કર્યો છે. એક દિવસ ઈસુના સંદેશની ઘોષણા કરવા માટે યોહાન સાથે પીતર મંદિરમાં જતા હતા. મંદિરના સુંદર નામના દરવાજે રોજેરોજ દાન માગવા બેસતા એક લૂલા માણસને મળ્યા. મંદિરમાં જતા પીતર પાસેથી કંઈક મળવાની આશાથી લૂલા માણલ પીતર અને યોહાન તરફ તાકી રહ્યા. પણ પીતર બોલ્યા, “સોનું કે રૂપું તો મારી પાસે નથી. પણ મારી પાસે જે કંઈ છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તને નામે હું કહું છું કે, ચાલ.”

પછી પીતરે તેનો જમણો હાથ પકડીને ઊભો કર્યો અને તરત જ તેના પગમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું; તે કૂદતાકને ઊભો થઈ ગયો અને ચાલવા લાગ્યો. આ જોઈને મંદિરમાં આવેલા બધા લોકો આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. પુનરુત્થાન પામેલા ઈસુ આજે પણ આવા નાના‌-મોટા ચમત્કારો આપણી વચ્ચે કર્યા કરે છે. પણ આ ચમત્કારોને જોવા-પારખવા અંતરદ્રષ્ટિ જોઈએ. શ્રદ્ધા જોઈએ.

#

Changed On: 16-04-2019

Next Change: 01-05-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019