દિવાળીનો પ્રકાશ

દિવાળીનો પ્રકાશ
ફાધર વર્ગીસ પૅાલ

happy-diwallli

આપણે દિવાળીમાં પેટાવતા પ્રકાશના દીવા વિશે એક પૌરાણિક કથા યાદ કરીએ. એક વાર મૃત્યુના રાજા યમરાજે પોતાના એક દાસને પૂછ્યું: “તમે માનવજગતમાં જાઓ છો અને કોઈનો જીવ છીનવી લો છો ત્યારે તમને કંઈક ખોટું લાગ્યું છે?”

“હાજી, મહરાજ,” દાસે કહ્યું અને ઉમેર્યું, “રાજા હઇમના દીકરાનો જીવ છીનવી લેતાં મને ખરેખર ખૂબ દુઃખ થયું. એ તેમના લગ્નનો ચોથો દિવસ હતો. બધા લોકો લગ્નના ઉત્સવમાં નાચગાન અને મોજમજા માણતા હતા. રાજકુમાર અને નવવધૂ તથા બધા લોકોની આનંદલહરી વચ્ચે મારે વરરાજાનો જીવ છીનવી લેવો પડ્યો! હવે હું આપને વિનંતી કરું છું કે, હવે પછી મને આવા અણધાર્યા મૃત્યુના કામ માટે કદી મોકલશો જ નહિ.”

happy-diwaliv-1

ખૂબ ધ્યાનથી દાસની વાત સાંભળીને યમરાજાએ કહ્યું, “બરાબર છે. આજે ધનતેરસ એટલે આસો મહિના અંધારાના અર્ધા ભાગનો તેરમો દિવસ છે. આજથી પાંચ દિવસ માટે પ્રકાશનનો તહેવાર ઉજવનાર માણસ કદી અકાળે મૃત્યુ પામશે નહી.”

યમરાજની આ વાતને લઈને અમુક લોકો પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવતા હશે. એમાં ધનતેરસથી ભાઈબીજ સુધી પાંચ દિવસ દીવો પેટાવી પ્રકાશ ફેલાવવામાં આવે છે. પણ દિવાળીમાં પાંચ દિવસ દીવો પેટાવવાથી અકાળ મૃત્યુને દૂર કરી શકાય એવું આપણે માનીએ તો એને અંધશ્રદ્ધા ગણવા જોઈએ. પરંતુ દિવાળીમાં દીવી પેટાવીને આપણે માણસમાત્રના ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રકાશનું અનેરું મહત્વ પ્રગટ કરીએ છીએ.

બાઇબલ પ્રમાણે માણસનું સર્જન થયું તે પહેલાં આદિકાળથી પ્રકાશનું સર્જન થયું છે. પણ દીવી પેટાવીને પ્રકાશ ફેલાવવામાં આવ્યો ત્યાર પછીની વાત કરીએ. સંશોધકો પથ્થરયુગ પહેલાં એટલે લાખો વર્ષ પહેલાં આગની શોધ થયાની વાત કરે છે. પથ્થરયુગમાં પથ્થર જોરથી ધસીને આગ પેટાવવાની પ્રથમ પ્રથા હતી. પ્રાગૈતિહાસિક સમયથી માંડી આગ અને પ્રકાશને રસ્તે માનવજાતે લાંબી મંજિલ કાપી છે. આજે અનેક રીતે આગ ને પ્રકાશ સર્જાય છે અને અગણિત રીતે આગ ને પ્રકાશનો ઉપયોગ થાય છે. એક જમાનો હતો જ્યારે શિયાળામાં ઝૂપડી કે ઘર બહાર પેટાવેલા આગની આસપાસ બેસીને લોકો પોતાના શરીરને ગરમ રાખતા. આજે ફાગણ પૂર્ણિમાના તહેવારે ખુલ્લા જગ્યા પર લાકડાંનો ઢગલો સળગાવીને લોકો હોળીની ઉજવણી કરે છે.

આગ અને પ્રકાશની આવી બધી ભૌતિક બાબતોથી પર જઈને અમુક શ્રદ્ધાળુ લોકો પ્રકાશને અને આગને અગ્નિદેવતા રૂપે પૂજે છે. કારણ, અગ્નિ દૈવીરૂપ પ્રકાશથી દુષ્ઠ તત્વોને ભસ્મીભૂત કરી નાશ કરે છે. દાખલા તરીકે પુરાણો અને ભગવત મુજબ કૃષ્ણના મામો કંસ બાળક કૃષ્ણને મારી નાખવા માગતા હતા. એટલે કંસે નાના બાળક કૃષ્ણ પાસે સ્ત્રી/માતાભૂત પુત્નાને મોકલે છે. કે, એથી માતાભૂતનો ઝેરીલું દૂધ પીને કૃષ્ણ મરી જાય. પરંતુ કૃષ્ણ સ્ત્રીભૂત પુત્નાના દૂધ સાથે એના રક્ત પણ પીને ઝેરને પચાવે છે અને પુત્નાને મારી નાખે છે. હોળીનિ રાતે અગ્નિ સળગાવીને લોકો અનિષ્ઠ ભૂત પુત્નાને મારી નાખે છે.

ખ્રિસ્તી ધર્મમાં પણ પ્રતીકરૂપે અગ્નિ અને પ્રકાશનું ખૂબ મહત્વ છે. પ્રભુ ઈસુના સાક્ષી પૂરનાર નવા કરારના પયગંબર યોહાન વિશે ઈસુ કહે છે, “યોહાન તો ઝળહળ ઝળહળ બળતો દીવો હતો, અને તમે થોડા સમય માટે તેના પ્રકાશમાં આનંદ માણવા રાજી હતા.” (યોહાન ૫:૩૫). વળી, ઈસુએ વારંવાર પોતાની જાતને જગતનો પપ્રકાશ કહ્યું છે, “હું જગતનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધારામાં નહિ ચાલવું પડે, પણ તે જીવનનો પ્રકાશ પામશે.” (યોહાન ૮:૧૨). એટલું જ નહિ પણ ઈસુએ પોતાને અનુસરતા લોકોને પણ પ્રકાશ કહ્યું છે. ગિરીપ્રવચનમાં ઈસુ પોતાને અનુસરતા લોકોને કહે છે, “તમે દુનિયાના દીવા છો… તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારાં સારાં કૃત્યો જોઈને તમારા પરમપિતાનાં યશોગાન ગાય” (માથ્થી ૫: ૧૪-૧૬).

ઈસુએ પોતાના શ્રોતાજનોને સંબોધીને કરેલી આ વાત નવજાત કે ધર્મસંપ્રદાયના કોઈ ભેદભાવ વિના દરેક માનવીને લાગુ પડે છે. ઈશ્વરે દરેક માનવીને પોતની પ્રતિમૂર્તિરૂપે સર્જ્યો છે. એટલે દરેક માણસ બીજાને માટે પ્રકાશરૂપ પ્રેરણા અને પ્રોત્સાહન આપી શકે છે. ગાંધીજીને પોતાના વિચારોથી પ્રભાવિત કરનાર અમેરિકન ફિલસૂફને લેખક હેનરી ડી. તોરો (Henry D. Thoreau)ની એક જાણીતી ઉક્તિ છે કે, નમ્રતા અંધારાની જેમ સ્વર્ગીય દૈવી પ્રકાશને પ્રગટ કરે છે.

હેનરી તોરોની જેમ અમેરિકાના ખૂબ જાણીતા ટૂંકી વાર્તાકાર ઓ હેનરી ઉર્ફે વિલ્યમ સિંહની પોર્ટરે સદાચારને પ્રેરતાં લખાણો માટે નામના કેળવી છે. જીવન અંગે સ્પષ્ટ જીવનર્દષ્ટિ ધરાવતો ઓ હેનરીએ પોતાની મૃત્યુશૈયાની આસપાસ ભેગા થયેલા સંબંધીઓ અને મિત્રોને દીવો પેતાવવાનું કહ્યું. આ અણધારી માગણીના હેતુ અંગે પૂછનાર માણસને ઓ હેનરીએ કહ્યું, “મારા પિતૃભવન તરફના પ્રયાણમાં હું અંધારામાં જવા ઇચ્છતો નથી.” ઓ હેનરી જાણતા હતા કે, તેઓ પ્રભુ ઈસુની જેમ સ્વયમ પ્રકાશ નથી; પણ દૈવી પ્રકાશનો પ્રતિબિંબિત પ્રકાશ છે. ચંદ્ર સૂર્યથી પ્રકાશિત થાય છે તેમ માણસ દૈવી પ્રકાશથી પ્રકાશ ઝીલી શકે છે, પ્રકાશમય બની શકે છે. પરંતુ નરી વાસ્તવિકતા એ પણ છે કે, માણસ પ્રકાશને બદલે અંધારું પણ પસંદ કરતો હોય છે. પ્રભુ ઈસુના શબ્દોમાં કહીએ તો, “લોકે પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો, કારણ, તેમનાં કૃત્યો દુષ્ટ હતાં” (યોહાન ૩:૧૯)

નિસ્વાર્થ સેવા માટે ૧૯૬૦માં નોબલ પ્રાઇઝ મેળવનાર અનોખી વ્યક્તિ વિશેષ છે આલ્બર્ડ ષ્વૈટ્ઝર (૧૮૭૫-૧૯૬૫). તેઓ એક દિવસ રેલગાડીનો મુસાફરી કરતા હતા. તેમની પાસે એક વયોવૃદ્ધ માણસ અને એક નવલોહિયો યુવાન બેઠા હતા. સાંયમસંધ્યાનો સમય હતો. ષ્વૈટ્ઝરે બંને વચ્ચેનો સંવાદ સાંભળ્યો.
યુવાને વયોવૃદ્ધ માણસને પૂછ્યું: વડીલ, આપ ક્યાં જાઓ છો?

વડીલે યુવાનને જવાબ આપતાં કહ્યું કે, પોતે શહેરમાં જાય છે.

“ત્યાં પહોંચો ત્યાં સુધીમાં રાત થઈ જશે અને ખૂબ અંધારું થશે. ખરુંને?”

“હા, ખરું. પરંતુ મારે ત્યાં પહોંચ્યા વિના છૂટકો નથી. શહેરની મોટી ઈસ્પિતાલમાં મારો દીકરો મૃત્યુમય પડ્યો છે. મારે તો દવાખાનાનું સ્થળ પણ શોધી કાઢવું પડશે”
યુવાને કહ્યું, “હું આપને મદદ કરીશ. પછી હું પાછો આવી શકું છું.”

એ યુવાનના જવાબ અને પ્રતિભાવથી આલ્બર્ડ ષ્વૈટ્ઝર ખૂબ પ્રભાવિત થયા. પછી એમણે નોંધ્યું છે કે, તેમને જરૂરિયાતમંદોની વહારે થવાની આંતરિક પ્રેરણા મળી.
અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક અજાણ્યા યુવાનનું સત્કર્મનો પ્રકાશ આલ્બર્ડ ષ્વૈટ્ઝરમાં આંતરિક પ્રેરણારૂપ પ્રકાશને પેટવે છે. દરેક માણસ સદાચાર અને સત્કર્મો દ્વારા બીજાને માટે ઝળહળ ઝળહળ બળતો દીવો બની શકે છે. દિવાળીની ઉજવણીનું આ આમંત્રણ છે.
#
Last change : 01-11-2016
Next change on : 16-11-2016
Copyright Fr. Varghese Paul, SJ 2016

પ્રેમનું પ્રથમ વિદ્યાલય

પ્રેમનું પ્રથમ વિદ્યાલય
ફાધર વર્ગીસ પૅાલ

Laudato Si

ફેસબુકમાં મારા ત્રણેક હજાર મિત્રો છે અને એમાં મોટા ભાગના લોકો યુવક-યુવતીઓ છે. વખતોવખત એમની ખુશીના એક સમાચાર મને મળે છે. એના પ્રતિભાવરૂપે મને ઘણી વાર એક સંદેશ કે શુભેચ્છા પાઠવવાનો અવસર મળે છે: ‘નવા આંગતુકને આવકાર અને એનાં ગર્વી માબાપને અભિનંદન.’

ઈશ્વરની સર્જન યોજનામાં ભાગીદાર બનીને એક નવા જીવને અસ્તિત્વ આપવામાં મારા યુવાન મિત્રોની સિદ્ધિ આગળ મારી શુભેચ્છાના શબ્દો મને ફિક્કા લાગે. મારા ફિક્કા શબ્દોમાં મારા દિલનો પ્રેમ અને ઉમળકો ઉમેરીને એ ત્રણેય વ્યક્તિઓ માટે હું પ્રાર્થના પણ કરું છું કે, ઈશ્વર ત્રણેય જણ ઉપર પોતાના અઢળક આશીર્વાદ વરસાવે અને સારી તંદુરસ્તીથી તેમને સાચવે.

પોપ ફ્રાન્સિસે પોતાના એક વૈશ્વિક પરિપત્ર ‘પ્રેમનો આનંદ’માં કુટુંબ કે પરિવારને બાળકનું પ્રથમ વિદ્યાલય કહ્યું છે. બાળક એની માતાના ઉદરમાં અસ્તિત્વમાં આવે એ પળથી બાળઉછેર શરૂ થાય છે. પોપ ફ્રાન્સિસે કુલ નવ પ્રકરણના પોતાના વૈશ્વિક પરિપત્રમાં એક આખું પ્રકરણ બાળઉછેર અને બાળકોના બેહતર શિક્ષણ અંગે ચર્ચાવિચારણા માટે ફાળવ્યું છે. એક બાળકને પોતાના ઘરમાં મળતા શિક્ષણને પોપ ફ્રાન્સિસ સૌથી અગત્યનું શિક્ષણ કહે છે.

new-jescy

આ દુનિયામાં આવતા દરેક નવજાત શિશુનું પ્રથમ વિદ્યાલય એનું કુટુંબ છે અને એની માતા તથા એના પિતા બાળકના પ્રથમ શિક્ષિકા-શિક્ષક છે. બાળકનું મન કોરા પાટિયા જેવું છે. બાળકને સારી કે ખરાબ બાબતોનું ભાન નથી. એમાં સારા-નરસા ખ્યાલથી માંડી બાળકને ઘણુંબધું કૌટુંબિક વારસામાં મળે છે.

એક બાળક પોતાના કુટુંબમાંના જીવનથી માંડી સમાજ અને રાષ્ટ્રના જીવન અંગે પોતાનાં માબાપ અને પરિવારના અન્ય વડીલો પાસેથી પાઠ ભણે છે. એમાં પોપ ફ્રાન્સિસ કહે છે કે, માબાપની દેખરેખ અને એમનું માર્ગદર્શન ખૂબ અગત્યનાં છે.

પોતાના સંતાનના ઉછેરમાં માબાપને ઘણાંબધાં નાનાં નાનાં પગલાં લેવાનાં હોય છે. એમાં પોતાનું બાળક આખો દિવસ શું શું કરે છે, કોને મળે છે, આરામના સમયમાં શું કરે છે, એને કોણ મનોરંજન પૂરું પાડે છે. રમતગમતમાં કોણ કોણ સાથીદારો છે, ઇન્ટરનેટ ને ઇલેક્ટ્રૅાનિકમાં આવતાં કેવા કેવા કાર્યક્રમો જુએ છે – આવી બધી બાબતો માબાપે જાણવી જોઈએ. તેમણે એ બધામાં પ્રેમ અને સમજણથી યોગ્ય માર્ગદર્શન બાળકને આપવું જોઈએ.

માબાપે એ માટે બાળક સાથે સમય વિતાવવો જોઈએ. પરંતુ બાળકને સુરક્ષાનું વધુ પડતું કવચ આપીને સ્વતંત્ર રીતે વિકાસ પામવાનો એના હકનો અનાદર ન થાય એ પણ જોવાનું હોય છે. બાળકની દેખરેખની હંમેશાં જરૂર છે. પણ મુશ્કેલીઓ અને અડચણોનો સામનો કરવા અને દુર્ગુણો તથા ખરાબ સોબત તેમ જ કેફી પદાર્થોથી દૂર રહેવા બાળકને એનાં માબાપનું માર્ગદર્શન અને સલાહસૂચનની ખાસ જરૂર છે.

હું એક પિતાને ઓળખું છું કે, તે પોતાની કિશોરાવસ્થાએ પહોંચેલી દીકરીની દેખરેખ ને સંભાળ રાખવા માટે પોતાની નોકરીમાંથી નિવૃત્તિ લીધી છે અને દીકરીને સ્કૂલે લેવા-મૂકવા ને સ્કૂલેથી પાછી લાવવા જેવાં કામમાં સમય ગાળે છે અને જે સમય બચે ત્યારે પરચૂરણ કામ કરીને ઘર ચલાવે છે. પોપ ફ્રાન્સિસ કહે છે કે, માબાપે પોતાના બાળકની દરેક હલનચલન સાથે રહેવું, એ મહત્વનું નથી. પણ બાળકની ર્દઢ માન્યતાઓ, એના આદર્શો તથા એનાં સ્વપ્નોને સમજવા અને એને યોગ્ય સલાહસૂચનથી માર્ગદર્શન આપવું જોઈએ.

પોપ ફ્રાન્સિસ કહે છે કે, પ્રેમ અને સ્વતંત્રતા માણતાં બાળકો પોતાના આચારવિચારથી આપણને નવાઈ પમાડશે. એમના અણધાર્યા વિચારો ને ખ્યાલો આપણા માટે પડકારરૂપ છે અને આપણને આપણાં મૂલ્યો અને આદર્શોનો પૂર્નવિચાર કરવા પ્રેરશે. આ ખૂબ સારી બાબત છે. કારણ, ખરું શિક્ષણ તો સમજણવાળા ને બુદ્ધિપૂર્વક સ્વતંત્રતાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

બાળકનું નૈતિક ઘડતર ખૂબ મહત્વનું છે. બાળકોમાં સારી ટેવો પાડવા અને ભલાઈ તરફી સ્વભાવ ઘડતર કરવા માબાપની જવાબદારી છે. બાળકને સમજાવવું જોઈએ કે, જે સાચું છે, જે ખરું છે તે જ કરવામાં અને ખરાબ બાબતોથી દૂર રહેવામાં ખુદ બાળકનું હિત સમાયેલું છે. બાળકોમાં સારી ટેવો વિકસાવવાની જરૂર છે. એથી બાળક સારાં મૂલ્યો અપનાવી શકે અને એ મુજ પોતાના જીવનમાં વર્તી શકે. બાળકના નૈતિક ઘડતરમાં માબાપના તથા અન્ય વડીલોના નમૂના તથા સારા દાખલાઓ ખૂબ મહત્વની બાબતો છે.

પોપ ફ્રાન્સિસ કહે છે, બાળક ભૂલ કરે ત્યારે કોની ભૂલ સમજાવવા અને સુધારવામાં એને મદદ કરવાનું કામ ખૂબ મહત્વનું છે. ભૂલોમાં માફી માગવા અને કોઈનું નુકસાન કર્યું હોય તો વળતર આપી પરિસ્થિતિને સુધારવા જેવી બાબતો બાળકે શીખવી જોઈએ. એમાં બાળકને પોતાનાં માબાપનાં ભરોસા અને ધીરજનો અનુભવ થવાની જરૂર છે. પણ બાળક પર લદાતી શિસ્તે એને કદી નિરાશ ન કરવું જોઈએ. પરંતુ એના વિકાસમાં પ્રોત્સાહક બનવું જોઈએ. માનવમૂલ્યો અને સ્વતંત્રતાનો યોગ્ય ઉપયોગ શીખવા બાળક માટે કુટુંબ જ પ્રથમ શાળા છે. એમાં માબાપે બાળક પર આપખુદી સત્તા ચલાવવી ન જોઈએ. પણ બાળક માટે માબાપ હંમેશાં પ્રેમાળ ને ભરોસાપાત્ર રહેવાં જોઈએ.

કુટુંબમાં બાળકોના જાતીય શિક્ષણ ઉપર પણ પોપ ફ્રાન્સિસે ખાસ ભાર મૂક્યો છે. તેઓ કહે છે કે, આપણી શૈક્ષણિક સંસ્થાઓ જાતીય શિક્ષણનો પડકાર ઝીલ્યો નથી. કારણ, એ કામ સહેલું નથી. જાતીય શિક્ષણનું કામ તો પ્રેમ અને જાતસમર્પણના શિક્ષણ સાથે લેવાનું હોય છે. વળી બાળકો અને યુવક-યુવતીઓ જાતીય બાબતમાં પરિપક્વતા પામેલાં નથી, એ વાત પણ ધ્યાનમાં લેવાની હોય છે. એટલે જાતીય બાબતો અંગેની માહિતી બાળકની ઉંમરને અનુરૂપ હોવી જોઈએ. યુવાન લોકોએ જાતીય આકર્ષણને ખરો પ્રેમ સમજવાની ભૂલ કરી બેસવી ન જોઈએ. શરીરની ભાષા સમજવી જોઈએ કે, આખરે તે યુવક-યુવતીને ખરા પ્રેમ અને અરસપરસના આત્મસમર્પણ તરફ દોરી જનાર પરિબળ છે.

પોપ ફ્રાન્સિસ કહે છે કે, જાતીય શિક્ષણમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના તફાવત પ્રત્યે આદર અને કદરનો પણ સમાવેશ થવો જોઈએ. યુવાન લોકો પોતાની જાતને સમજવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. છતાં તેઓ પોતાના શરીરને સ્ત્રી કે પુરુષ તરીકેની ભિન્ન્તા સાથે તેને સર્જનહારની અમૂલ્ય ભેટરૂપે સ્વીકારવાની જરૂર છે. વળી દરેક જણે જાણવું જોઈએ કે માણસમાં સ્ત્રી કે પુરુષ તરીકેના તફાવત સિવાય પણ એના કૌટુંબિક ઇતિહાસ, સંસ્કૃતિ, અનુભવ, શિક્ષણ, મિત્રો, સગાંસંબંધીઓ તથા ઉછેરના સંદર્ભ જેવી ઘણીબધી બાબતોની અસર પણ હોય છે.

છેલ્લે, પોપ ફ્રાન્સિસ કહે છે કે, બાળકના શિક્ષણ અને ઉછેરમાં વારસારૂપે બાળકના ધાર્મિક ઘડતરનો પણ સમાવેશ થાય છે. અહીં કોઈ આદર્શ કુટુંબની વાત નથી પણ કુટુંબમાં અરસપરસના પ્રેમ-સંબંધને પોષવા અને દરેકની શક્તિ વિશેષતાને વિકસાવવાની વાત છે.

Last change : 01-09-2016
Next change on :16-09-2016
Copyright Fr. Varghese Paul 2016

ન્યુ જર્સીમાં મિત્રોની વચ્ચે

ન્યુ જર્સીમાં મિત્રોની વચ્ચે
ફાધર વર્ગીસ પૅાલ

zzzzVickyOctober2013

મારી મૂળ યોજનામાં ન્યુ જર્સીની મુલાકાત નહોતી. પણ વિક્ટર અને અલબીના, કેતન અને ઈલા, જગદીશ ક્રિશ્ચિયન જેવા મિત્રોના આગ્રહભર્યા આમંત્રણથી હું લલચાયો. હું ‘દૂત’નો તંત્રી હતો ત્યારે સંપર્કમાં આવેલા બીજા ઘણા મિત્રોને પણ ત્યાં મળવાની તક હતી. છેલ્લે, હું ખરેખર ખુશ થયો છું કે ન્યુ જર્સી સિટી અને આસપાસમાં રહેતા જૂના અને નવા મિત્રોની સોબતમાં હું ત્રણ દિવસ ગાળી શક્યો છું.

હું ભારતમાંથી ૨૮ મે, ૨૦૦૭ના દિવસે કૅનેડા જવા ઉપડ્યો ત્યારે પેન્સિલવેનિયાના ફિડેદલ્ફિયામાં મારી ભત્રીજી ષિજી અને તેના પતિ તથા મારા યુવાન મિત્ર સેલ્વિન જોડે અઠવાડિયું રહેવાની મારી યોજના હતી. પણ ષિજી અને સેલ્વિન સાથે ફક્ત ચાર દિવસ રહીને અમેરિકાથી પરત આવવાના ત્રણ દિવસ પહેલાં હું ન્યુ જર્સી પહોંચ્યો. ફિડેદલ્ફિયાથી ન્યુ જર્સીની ચાર કલાકની મુસાફરી રેલવે કે બસમાં કાપવાની મારી તૈયારી હતી. પરંતુ મારી ના હોવા છતાં સેલ્વિન અને ષિજી ખૂબ આગ્રહ કરીને એમની કારમાં ન્યુ જર્સી સિટીમાં વિક્ટર અને અલબીનાને ઘરે મને મૂકવા આવ્યાં.

new-jescy

વિક્ટર અને એમનો યુવાન દીકરો મયૂર એમના ઘર આગળ રસ્તા પર જ અમારી રાહ જોઈને ઊભા હતા. વિકટરના ઘરમાં અમને ખૂબ ઉમળકાભર્યો આવકાર મળ્યો. વિક્ટરના કુટુંબ સાથે વિતાવેલા એકાદ કલાકમાં સેલ્વિન અને ષિજી ખૂબ પ્રભાવિત થયાં. સેલ્વિનને બીજે દિવસે સવારે એમની નોકરીને લગતા કામ માટે બિજિલિંગ જવાનું હતું. એટલે સેલ્વિન અને ષિજી ઉતાવળે પરત ફર્યા. મહેમાનનોની વિદાય પછી વિક્ટરના કુટુંબ જોડે હું હડસન નદી કિનારેના ઉદ્યાનમાં ફરવા ગયો. સામી બાજુ ન્યુયોર્કની ગગનચુંબી ઇમારતો સમીસાંજના અંધારામાં વીજળીના ઝળહળતા દીવાઓથી અત્યંત સુંદર લગતી હતી.

વિક્ટરના કુટુંબ સાથે વાળુ કર્યા પછી અમે આડીઅવળી વાતો કરતા હતા ત્યારે મને ખબર પડી કે વિક્ટરે મારે માટે પાસેની એક મોટેલમાં સૂવા માટે ઓરડીની વ્યવસ્થા કરી છે. મેં કહ્યું કે મારે ખાસ સૂવાની ઓરડીની જરૂર નથી. પણ અમે બેસીને જ્યાં વાતો કરતા હતા એ જ ઓરડીના સોફામાં સૂવાની મારી તૈયારી મેં બતાવી. પછી મયૂરે મારો બિસ્તરો તૈયાર કર્યો ત્યારે મને ખબર પડી કે પેલો સોફા ફક્ત સોફા નહોતો પણ સોફા કમ બેડ હતો. અને હું ઘસઘસાટ ઊંઘી ગયો.

બીજા દિવસે વહેલી સવારે વિક્ટર જોડે પાસેના ઉદ્યાનમાં હું કસરત માટે ફરવા ગયો. વિક્ટર અને અલબીના રોજ તે ઉદ્યાનમાં જતાં હતાં. ઉદ્યાન પાસે દેવળ હતું. પણ દેવળ વહેલી સવારે બંધ હતું. પાછા ઘરે આવીને નાસ્તો કયો પછી મયૂરે મને સાઉથ પ્લેઈનફીલ્ડમાં રહેતાં ઈલા અને કેતનને ઘેર પહોંચાડ્યો. મારા કાર્યાલયમાં એકાદ વર્ષ કામ કરનાર ઈલાના ખાસ આગ્રહથી મેં ઈલા અને કેતનના લગ્નમાં પરમપૂજા અર્પણ કરીને લગ્નનાં આશીર્વાદ આપ્યા હતા. તે શુભ પ્રસંગના પંદરેક વર્ષ પછી પહેલી વાર અમે મળતા હતા. છતાં મને ઈલા અને કેતનને મળવામાં લાંબા સમયથી ખોવાયેલા મિત્રોને મળવા જેવો આનંદ થયો. એમનાં ત્રણ બાળકોને હું પહેલી વાર મળતો હતો. પરંતુ મને એમના ઘરમાં અવારનવાર મળતા મિત્રોના ઘરમાં જતો હોઉં એવી અનુભૂતિ થઈ, કારણ, નાતાલ જેવા પ્રંસગે અમે પત્રવ્યવહાર દ્વારા સંપર્કમાં રહ્યાં છીએ અને ઈલા તો દર નાતાલે એમના કુટુંબનો ફોટો પણ મોકલતી હતી. અમુક વાર તો તેઓ મારા કાર્યાલયમાં વર્ષો પહેલાં કામ કર્યાના સુખદ અનુભવોની વાત પણ પત્ર દ્વારા તાજી કરાવતાં રહે છે.

બપોરે જમવા માટે ઈલાએ ગુજરાતી વાનગી સાથે સરસ ભોજન તૈયાર કર્યું હતું. કેતન, ઈલા અને બાળકો ક્રિસ્ટીન, સ્ટેફની અને સીડની સાથે ભોજન માણ્યા પછી કેતન અમને બધાને એમના ભાઈઓ કલ્પેશ અને જગદીશને ઘરે મુલાકાતે લઈ ગયા. ગુજરાતમાં પતિ-પત્ની સાથે હોય ત્યારે પતિદેવ જ ગાડી ચલાવે છે. પરંતુ તે દિવસે ઈલાને જ ગાડી ચલાવતી જોઈને અમેરિકામાં આપણા લોકો વચ્ચે સ્ત્રી-પુરુષ સમાનતાનાં દર્શનથી મને આનંદ થયો.

તે જ દિવસે વહેલી સવારે વિક્ટરના ઘરેથી મેં જોસેફ પરમારને ફોન કર્યો. હું ધારતો હતો કે જોસેફ એમના દીકરા કેતન જોડે રહેતા હશે અને મેં એમને જણાવ્યું પણ હતું કે હું એમને એ જ સવારે મળીશ. હું જોસેફને મળવા આતુર હતો. મેં એમના વિશે ઘણું સાંભળ્યું હતું અને એમના લેખો પણ ન્યુયોર્કથી પ્રગટ થતા ‘ગુજરાત ટાઈમ્સ’માં વાંચ્યા છે. પરંતુ હું એમને એ દિવસે સાંજે મળી શક્યો. જોસેફ અને તેમનાં પત્ની સુશીલા એમના મોટા દીકરા જગદીશ સાથે રહે છે. તેઓ કેતનના ઘર સાઉથ ‘પ્લેઇનફીલ્ડ’થી દૂર કોલોનિયામાં રહે છે.

ગુજરાતમાં જોસેફ બેડા નામે જાણીતા જોસેફ પરમારને જર્સી સિટીના મેયર તરીકે ચાર ચાર વાર સામાજિક સેવા માટે એવોર્ડો મળ્યા છે. ચાર વર્ષ માટે તો તેઓ હુડસન કાઉન્ટીના શરીફ પણ રહી ચૂક્યા છે. વળી, તેઓ હુડસન કાઉન્ટીમાં ‘ઇન્ડો-અમેરિકન સિનિયર સિટીઝન એસોસિયેશન’ના જનરલ સેક્રેટરી તરીકેની સામાજિક સેવાઓ માટે તેઓ ખૂબ જાણીતા થયા છે. જોસેફે મને એમનું પુસ્તક ‘સોશિયલ દર્પણ’ ભેટમાં આપ્યું. એમાં ફેડરલ ગવર્નમેન્ટ અને અન્ય સંસ્થાઓ તરફથી યુ.એસ.એ.ના સિનિયર સિટિઝનોને મળતા બધા લાભોની વિગતવાર માહિતી આપવામાં આવે છે.

ન્યુ જર્સીની મુલાકાતનું એક સીમાચિહ્ન ત્યાંના ગુજરાતી મિત્રો અને એમનાં કુટુંબીજનો સાથેની પરમપૂજા હતી. જગદીશ ક્રિશ્ચિયને વેબસાઈટમાં અને ઇ-મેલ દ્વારા યુનિયન સિટીના હોલી સ્પિરિટ દેવળમાં થનારી પરમપૂજાની ન્યુ જર્સી અને આસપાસના વિસ્તારમાં રહેતા સૌ ગુજરાતી ભાઈબહેનોને જાણ કરી હતી. એટલે આશરે સોએક માણસો ગુજરાતી ભાષામાં પઢાવેલી પરમપૂજામાં આવ્યા હતા. એની અગલી સાંજે કેતન અને ઈલાને ઘેર પરમપૂજાનાં ગીતો તૈયાર કરવા માટે ગાયકો ભેગા મળ્યા હતા અને તેમણે કેતને પસંદ કરી રાખેલાં ગાયનો ગાઈને પરમપૂજાની સારી તૈયારી કરી હતી. મધરાત સુધીમાં હું થાકી ગયો હતો એટલે હું સૂવા ગયો. પણ ક્વાયર પ્રેક્ટીસ તો ચાલુ હતી! કેતને પોતાના લેપટોપમાં પરમપૂજાની પ્રાર્થનાઓ તથા વાંચનનું છ પાનાનું રંગીન ચોપાનિયું તૈયાર કર્યું હતું. આગળના પાના પર મારો ફોટો અને વ્યક્તિ પરિચય પણ આપેલાં હતાં. તે રવિવારે સવારે મેં આગાઉ વિચાર કરી રાખેલા બોધને નવેસરથી તૈયાર કરવામાં સમય ગાળ્યો હતો.

મારા બોધમાં તે રવિવારના વાંચનને ધ્યાનમાં લઈને મેં માફીનો મધ્યવર્તી વિચાર લીધો હતો અને એમાં ખૂબ અઘરા સંયોગોમાં પણ પ્રતિસ્પર્ધીઓને માફી આપનાર ઈસુનો દાખલો મારી સમક્ષ હતો. મેં તો મારાં પુસ્તકોમાં માફીનાં વિવિધ પાસાંને લઈને ચાર લેખ લખ્યા છે. એમાં ‘તમારું હૃદય ગાશે’ પુસ્તકમાં લખેલો લેખ મારા ધ્યાનમાં આવ્યો. એમાં મેં કેળવણીકાર તથા પત્રકાર ટાઈમ્સ બ્રાત્માનો દાખલો આપ્યો હતો. બ્રાત્માએ ઈસુની માફીના દાખલાથી પ્રેરાઈને નાઝી લોકોની યુદ્ધ-છાવણીમાં પોતે રંજાડનાર ક્રૂર નાઝી લોકોને દિલથી માફી આપી હતી. એટલે મારી પાસે માફી અંગે જરૂર કરતાં વધારે દાખલા-દલીલો હતાં જેથી હું દૈનિક જીવનમાં માફીની જરૂરિયાત અને અગત્ય સમજાવવાની તૈયારી ધરાવતો હતો. પણ મારા બોધના કેન્દ્રમાં ખૂબ અઘરા વિરોધ અને સતામણીની પરિસ્થિતિમાં પણ શાંતિ અને સમતુલાથી જીવનાર અને માફીની ઘોષણાથી ક્રૂસે મરી જનાર ઈસુ જ હતા.

પરમપૂજા પછી એકબીજાને મળવા અને ચા-નાસ્તા માટે અમે પૅરીશ હોલમાં ભેગાં થયાં. એમાં મિત્રોએ મુખત્વે બે વાતો કરી. તેમણે કહ્યું કે નર્સિંગ અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ તો ગણિત અને વિજ્ઞાન ભણાવવામાં તેમજ કમ્પ્યુટર ટૅકનોલોજીની દુનિયામાં અમેરિકામાં નોકરીની પુષ્કળ તકો છે. તેઓ કહેતા હતા ગુજરાતી ધર્મસભાએ આ ક્ષેત્રોમાં નોકરીઓ મેળવવા માટે યુવક-યુવતીઓને તૈયાર કરવા જોઈએ. મેં એમને જણાવ્યું કે ગુજરાતમાં ઘણા લોકોને અંગ્રેજી ભાષા નડે છે. આજકાલ ગુજરાતી ધર્મસભાએ ઘણી અંગ્રેજી મીડીયમ સ્કૂલો શરૂ કરી.

એમની બીજી વાત અમેરિકામાં એમની વચ્ચે એક ગુજરાતી ધર્મગુરુની જરૂરિયાત હતી. એમની ર્દષ્ટિએ ગુજરાતીમાં પરમપૂજા કરાવવામાં તેમજ યુવાનોને નૈતિક માર્ગદર્શન અને તાલીમ આપવા તથા સૌને માટે જુદાં જુદાં જૂથમાં આધ્યાત્મિક સાધના (રિટ્રીટ) ચલાવવા માટે એક ગુજરાતી ધર્મગુરુની તાતી જરૂર છે. મેં એમને કહ્યું કે આવી બધી બાબતો હું અમદાવાદના ધર્માધ્યક્ષ બિશપ થોમસ મેકવાનને જણાવીશ. પરંતુ એથી વિશેષ તો તેઓ પોતે આવાં ક્ષેત્રોમાં શું શું કરી શકે એનો વિચાર કરવાની જરૂર છે.

એકાદ કલાકની મીટીંગ પછી ફિલીસબહેન પોતની કારમાં બ્લુમફીલ્ડ ખાતે એમના ઘરે મને લઈ ગયાં. તેમને ઘેર એમના ભાઈ શાંતિલાલ પરમાર અને તેમનું કુટુંબ મારી રાહ જોઈ બેઠાં હતાં. તેઓ શહેરના પરા વિસ્તારમાં બે માળના સુંદર બંગલામાં રહે છે. અને ઘરની પાછળ પણ પુષ્કળ જમીન છે. ત્યાં તેમનું વૈવિધ્યસભર શાકભાજીનું ગાર્ડન છે. શાંતિલાલ તો ખેતીવાડીના નિષ્ણાંત ફાર્મ ટેકનોલોજિસ્ટ છે. તેઓ પોતાના કિચન ગાર્ડનમાં જાતજાતની અને ભાતભાતની શાકભાજીઓ અને નાનાં છોડવાઓનો ઉછેર કરે છે. એમના કિચન ગાર્ડનમાં ફરતાં મને ખ્યાલ આવ્યો કે જાણકાર અને મહેનતુ માણસ અમેરિકામાં પણ ભારતની ઘણી શાકભાજી ઉછેરી શકે છે.

તે દિવસે મોડી સાંજે જમવા માટે મને જર્સી સિટીમાં રહેતા કિરીટ અને રીટાનું આમંત્રણ હતું. શાંતિલાલ પોતની કારમાં મને કિરીટને ત્યાં લઈ ગયા. મને આનંદ થયો કે કિરીટ અને રીટાબહેન ખૂબ આગ્રહ કરીને શાંતિલાલને પણ બધા સાથે જમાડ્યા. એમની દીકરી કિમબરલીએ થોડા વખત પહેલાં ખ્રિસ્તપ્રસાદ સૌપ્રથમ વાર ગ્રહણ કર્યો હતો. એ પ્રસંગના આમંત્રણ પત્રમાં કિરીટભાઈએ ખાસ જણાવ્યું હતું કે, ઉજવણીના પ્રસંગે મિત્રો અને શુભેચ્છકો પાસેથી ભેટ-ઈનામનાં ફક્ત નાણાં જ સ્વીકારવામાં આવશે અને એ નાણાં ગુજરાતનાં ગરીબ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની યોજનામાં મોકલી આપવામાં આવશે. મને એ વાતની જાણ કરીને કિરીટે મને જમ્યા પછી અમદાવાદ ધર્મપ્રાન્તના નામે યુ.એસ. ડૅાલર ૪૦૦૦/-નો ચેક તથા ધર્માધ્યક્ષ થોમસ મેકવાનને પહોંચાડવા માટે શિષ્યવૃત્તિ અંગેનો પત્ર પણ આપ્યો. જમ્યા પછી કિરીટ મને વિક્ટર અને અલબીનાને ત્યાં લઈ જવાના હતા. પરંતુ શાંતિલાલે પહેલ કરીને તેમને કહ્યું કે તેઓ પોતે પાછા પોતાને ઘરે જતાં પહેલાં મને વિક્ટરને ત્યાં પહોંચાડશે.

મોડી રાત્રે વિકટરને ઘેર પહોંચ્યો ત્યારે એમણે મને કહ્યું કે બીજા દિવસ માટે મારા કેટલાક મિત્રોએ એક અંગ્રેજી અને એક ગુજરાતી અખબારને માટે મારે મુલાકાત આપવા માટે ગોઠવ્યું છે. વિક્ટર અને પરિવારે મારા એ છેલ્લા દિવસ માટે ‘ગ્રાઉન્ડ ઝીરો’ની મુલાકાતે જવા માટે પણ ગોઠવ્યું હતું. સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧માં આતંકવાદીઓના હુમલાથી જમીનદોસ્ત થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનિ જગ્યા જોવા હું ઈચ્છતો હતો. અમેરિકાના મારા અગાઉના પ્રવાસમાં મેં એ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઊંચા મિનારા પર ચઢીને ન્યુયોર્કનું દર્શન કર્યું હતું. એટલે ત્યાં જવામાં મને ખાસ રસ હતો.

અખબારને મુલાકાત આપવાની વાત સાંભળીને મેં વિક્ટરને કહ્યું કે મને એમાં ખાસ રસ નથી. કારણ, હું મિત્રોને મળવા માટે એક અંગત મુલાકાતે આવ્યો છું. અંતે એવું નક્કી કર્યું કે, બીજા દિવસે સવારે ન્યુયોર્કથી પ્રકાશિત થતા ‘ગુજરાત ટાઈમ્સ’ને ટેલિફોન દ્વારા મુલાકાત આપ્યા પછી વિક્ટર અને એમનું કુટુંબ મને ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર લઈ જશે.

‘ગ્રાઉન્ડ ઝીરો’ની મુલાકાત યાદગાર રહી. વિક્ટર અને અલબીના તથા તેમના સંતાનો – મયૂર અને મેધા આવ્યાનો વિશેષ આનંદ થયો. અનુભવી મિત્રોની દોરવણીથી ‘ગ્રાઉન્ડ ઝીરો’ની મુલાકાત આગવી અનુભૂતિ થઈ. હું સૌપ્રથમ ૧૯૭૭માં અમેરિકા ગયો હતો ત્યારે મેં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની મુલાકાત લીધી હતી.તે વખતે પત્રકારત્વના અભ્યાસની તૈયારીરૂપે એક મહિનો હું બ્રોન્ઝ ખાતે સેન્ટ કૅથરિન ચર્ચમાં રહ્યો હતો. તે વખતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ૧૦૦મા માળે લિફ્ટ દ્વારા પહોંચ્યો હતો, એટલે કે આકાશ તરફ એકાદ કિલોમીટર ત્રણેક મિનિટમાં ચઢ્યો હતો અને પછી લિફ્ટ બદલીને વધુ ઊંચા મિનારે ચઢવાનો રોમાંચક અનુભવ મેળવ્યો હતો.

આ વખતની મુલાકાત ૯-૧૧-૨૦૦૧ના ઇતિહાસમાં પાછા ફરવા જેવી હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટર અંગેની માહિતી, આતંકવાદના ફોટાઓ, ભોગ બનેલા લોકોની યાદી, આસપાસ ફરતા દેશવિદેશના પ્રવાસીઓ – સમગ્ર વાતાવરણ આતંકવાદની ભયાનકતાની અનુભૂતિ કરાવતું હતું. અમે ન્યુ જર્સીથી ‘પાથ મેટ્રો’ દ્વારા ત્યાં પહોંચ્યાં હતા. એટલે એના છેલ્લા સ્ટેશન ‘ગ્રાઉન્ડ ઝીરો’ના ભાગમાં નવી ઇમારતોનું બાંધકામ ચાલતું હતું, તે જોઈ શકતાં હતાં.

‘ગ્રાઉન્ડ ઝીરો’ની બાજુમાં ૧૭૬૦ના દાયકામાં બાંધેલું સંત પાઉલનું દેવળ છે. અમેરિકન રેવોલ્યુશન (રાજકીય ચળવળ) પહેલાં બાંધેલું એ દેવળ આજ દિન સુધી લોકોની સતત પ્રાર્થનાનું અને ધાર્મિક ઉપાસનાવિધિનું કેન્દ્ર બની રહ્યું છે. અમે દેવળમાં દાખલ થયાં ત્યારે ત્યાં વિશ્વશાંતિ માટેની પ્રાર્થના ચાલતી હતી. એક સ્વયંસેવકે અમને શાંતિ માટેની પ્રાર્થનાનાં કાર્ડ આપ્યાં. એમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ જેવા જુદા જુદા ધર્મોની શાંતિ માટેની પ્રાર્થના હતી. અમે પણ થોડી વાર ઊભા રહીને લોકોની પ્રાર્થનામાં જોડાયાં અને સમગ્ર દુનિયામાં શાંતિ માટે પ્રાર્થના કરી.

‘ગ્રાઉન્ડ ઝીરો’ની મુલાકાતથી પાછાં વળતાં મયૂર એક જંગી પીત્ઝા લઈ આવ્યો, જે અમે બધાંએ ઘેર ટેસથી માણી. ત્યાં સુધીમાં ટેલિફોન ઇન્ટરવ્યુનો સમય થયો હતો. ‘ગુજરાત ટાઈમ્સ’, ન્યુ યોર્કથી રમેશભાઈનો ફોન આવ્યો. ઇન્ટરવ્યુના પ્રશ્નો અંગે મને અગાઉથી કંઈ ખ્યાલ નહોતો. અમેરિકામાં ટેલિફોન દ્વારા હું પહેલી વાર ઇન્ટરવ્યુનો જવાબ આપતો હતો. છતાં મારા જવાબને ખૂબ ધ્યાનથી સાંભળનાર વિક્ટરભાઈએ કહ્યું કે મેં ફોન પર બધી વાતો કરી છે તે બરાબર છે. મને પ્રશ્ન પૂછનાર પત્રકાર રમેશભાઈથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. એમના પ્રશ્નોથી મને લાગ્યું કે રમેશભાઈ મને કદી મળ્યા નથી, છતાં તેમની તૈયારીને કારણે તેઓ મારા વિશે વિશેષ તો મારાં સાહિત્યિક લખાણો અને પુસ્તકો વિશે સારી રીતે જાણતા હતા. બીજું મને લાગ્યું કે રમેશભાઈના વૈવિધ્યસભર પ્રશ્નોનો અગાઉથી મને ખ્યાલ હોત તો હું વધારે ચોક્કસાઈપૂર્વક જવાબો આપી શકત.

બપોરે જમીને મને વિમાનમથકે મૂકવા માટે વિક્ટર અને તેમનું સમગ્ર કુટુંબ મારી સાથે આવ્યું. રસ્તામાં અમે અલબીનાનાં માબાપને ઘેર તેમજ તેમની બહેનના ઘરની મુલાકાત લીધી. વર્ષો પહેલાં વીસમી સદીની વચ્ચે પહેલ કરીને અમેરિકામાં જઈ વસેલા વડીલો સાથેનું મિલન ખૂબ આનંદદાયક રહ્યું.

એરપોર્ટનાં રસ્તા પર અમને ભરચક ટ્રાફિકનો અનુભવ થયો. રોડ પર ભારે ગિરદી હોવાની શક્યતાને કારણે અમે વહેલાં નીકળ્યાં હતાં. મયૂર ગાડી ચલાવતો હતો. ગાડી ચલાવવાની એમની પ્રવીણતાથી પ્રભાવિત થઈને વિક્ટર, અલબીના, મેધા અને હું શાંતિથી વાતો કરતાં હતાં. એટલે ભરચક ટ્રાફિકમાં પણ અમે આરામથી વિમાની મથકે પહોંચ્યાં. મારાં બધાં યજમાનોએ મેં સામાન ચેક કરાવીને બોર્ડિંગ પાસ મેળવ્યો ત્યાં સુધી મારી સાથે રહીને એમનાં પ્રેમ અને ઉદાર મહેમાનગીરીથી સૌએ મને ભીંજવ્યો અને ન્યુ જર્સીની મારી મુલાકાત બધી રીતે યાદગાર બનાવી દીધી.

Last change : 16-08-2016
Next change on : 01-09-2016
Copyright Fr. Varghese Paul 2016

મારું લખાણ ચોરાઈ જશે?

મારું લખાણ ચોરાઈ જશે?
ફાધર વર્ગીસ પૅાલ

Copyright

આજે વ્યાપકપણે લેખકોમાં એક ભય પ્રવર્તે છે: “મારું લખાણ ચોરાઈ જશે?” મેં એક ધનિક ને મોભાદાર સ્ત્રીની વાત સાંભળી છે. એમને ‘મોલ’ની મોટી દુકાનોમાં જઈ કિંમતી વસ્તુઓ સીફતથી ચોરી લેવાની ટેવ હતી. અંગ્રેજીમાં એને માટે ‘ક્લેપ્ટોમેનિયા’ કહેવામાં આવે છે. એમનાં કુટુંબીજનોને એમની આ કુટેવની ખબર હોવાને કારણે કોઈ ને કોઈ એમની સાથે મોલમાં જાય. તે સંબંધી ધનિક સ્ત્રી કુશળતાથી જે વસ્તુ ચોરી લે છે એનું ખૂબ જીણવટથી ધ્યાન રાખીને અને યાદી બનાવીને આખરે દુકાનના માણસને પૂરાં નાણાં ચૂકવી આપે છે. આ જ રીતે લેખન ક્ષેત્રે આદતથી અજાણપણે ચોરી કરનાર જૂજ લેખકો હશે. પણ પોતે પકડાશે નહિ એવી ધારણાથી જાણીજોઈને બીજાના લખાણની ચોરી કરનાર નકલી સર્જકો વધારે છે. એને કારણે બધા પ્રકારના લેખકોમાં ભય પેસ્યો છે કે, “મારું લખાણ ચોરાઈ જશે?”

Gujarati Lekhak Mandal

જાણીજોઈને ચોરી કરનાર લોકો હોંશિયાર છે. બુદ્ધિમાન છે. ચતુર છે. ને ચાલાક પણ છે. એટલે તેઓ સામાન્ય રીતે લોકપ્રિય લેખકોના લખાણની ચોરી કરતા નથી. પણ ઘણુંખરું આપણે જેને કલાસિક કહીએ એવાં જૂનાં લખાણોમાંથી નકલ કરે છે. મરેલા લેખકોની કૃતિઓમાંથી ચોરી કરે છે. કારણ, ફ્રેન્ચ નવલકથાકાર જોર્જ સાન્ટે કહ્યું છે તેમ, તેઓ જાણે છે કે, “વિસ્મૃતિનું ફૂલ કબર પર ખૂબ સારી રીતે ઊગે છે.”

આવા ચાલાક લોકો પકડાય તો કહે છે કે, તેમણે કલાસિક કૃતિઓ ખૂબ વાંચી છે. એટલે અજાણપણે એમની લેખની દ્વારા જૂની કૃતિઓનું થોડું લખાણ અનાયાસે ઊતરી આવ્યું છે. વળી, તેઓ જાતનો બચાવ કરશે કે, નાનીશી ભૂલ માટે એમને ચોર કહેવો યોગ્ય નથી પણ અન્યાય છે. પણ સજાગ વાચકો અને સત્યનિષ્ઠ સાહિત્યકારો બીજાના કામમાંથી ઉઠાંતરી કરનાર ચોરને ચોર જ કહેવામાં ડરતા નથી.

કહેવાય છે કે સ્ટૅલિનના વખતમાં રશિયામાં દરેક માણસ ડરતો હતો કે, કોઈ પણ ઘડીએ પોતાના ઘરનું બારણું પોલીસ ખખડાવશે અને પોતાને લઈ જઈને હતો ન હતો કરી નાખશે. આજે ઘણાખરા સાહિત્યકારો અને સ્ક્રિપ્ટ લખનારાં પોતાનાં લખાણની ચોરીથી ડરે છે.

ગુજરાતી લેખક મંડળ (જી.એલ.એમ) પોતાના સભ્યોનાં લખાણોને ‘કોપી રાઈટ’થી બચાવવા રજિસ્ટ્રેશન કરી આપે છે. ‘કોપી રાઈટ’નું રજિસ્ટ્રેશન કરનાર લેખકોની સંખ્યા વર્ષેવર્ષે સતત વધતી રહે છે. ગુજરાતી લેખક મંડળે સર્જકના લખાણના દરેક પાના પર મારેલી ‘કોપી રાઈટ’ની સિક્કા જોઈને ચોર ચેતી જશે અને ચોરીના કામથી દૂર રહેશે. પોતાના લખાણની ચોરી કરવામાં આવે તો સર્જક કોર્ટકચેરીમાં પોતાના લખાણનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરી શકે છે અને પોતાને થયેલા નુકશાનનું વળતર ચોર પાસેથી મેળવવા દાવો કરી શકે છે.

થોડા વખત પહેલાં એક લેખિકાબહેને પોતાની સ્વરચિત નવલકથાની કાચી નકલનું રજિસ્ટ્રેશન માટે જી.એલ.એમ.ના કાર્યાલયમાં આવ્યાં ત્યારે મેં એમને કહ્યું કે, તમે તમારી નવલકથાની કાચી નકલનું રજિસ્ટ્રેશન કરાવવાને બદલે તમારી નવલકથાની પ્રકાશકને આપવાની પાકી નકલ તૈયાર કરીને રજિસ્ટ્રેશન કરાવો. એ રીતે તમારે ‘કાચા’ અને ‘પાકા’ એમ બે નકલોના રજિસ્ટ્રેશન કરવાના બમણા ખર્ચથી તમે બચી શકો છો. પણ એમણે મને કહ્યું કે, એમની કાચી નકલ પાકી કરતાં પહેલાં કેટલાક લેખકોને આપીને એમનાં સલાહસૂચનો લેવાનાં છે. એટલે ‘કાચા’ નકલની પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર છે. આમ, અપ્રકાશિત કૃતિનો પણ દુરુપયોગ કરવામાં આવે તો રજિસ્ટ્રેશનથી મૂળ કૃતિ એના લેખકની છે, એવો પુરાવો બને છે.

ફક્ત લેખકો પાસેથી જ નહિ પણ વિવિધ ક્ષેત્રે સંશોધન કરીને યુનિવર્સિટીના સર્વોચ્ચ ડિગ્રી ડોક્ટરેટ કે પીએચ.ડી.નો શોધનિબંધ સ્વીકારાય તે પહેલાં સંશોધનકારનાં લખાણની ચોરી એમના માર્ગદર્શક (ગાઈડ) જ શોધનિબંધના ભાગોમાંથી કરે છે અને પોતાના લખાણરૂપે છાપા-સામાયિકોમાં પ્રકાશિત કરીને નામના મેળવે છે અને સંશોધક વિદ્યાર્થીને જ ઉલ્લુ બનાવે! એટલે હોંશિયાર વિદ્યાર્થી પોતાના માર્ગદર્શક અંગે કોઈ શંકાકુશંકા હોય તો પોતાની શોધનાં તારણો જેવા ખાસ અગત્યના ભાગો સ્વતંત્ર રીતે ‘કોપી રાઈટ’થી સુરક્ષિત કરે છે કે પછી છાપાં-સામાયિકમાં પ્રકાશિત કરીને પોતાની માલિકી ઠરાવે અને પછી એને પોતાના શોધનિબંધનો ભાગ તરીકે રજૂ કરે.

સામાન્ય રીતે લેખકો ખૂબ વાંચનારા હોય છે. વળી ઘણા લેખકો પોતાને ગમતી ખાસ પસંદગીની કૃતિઓ વારંવાર વાંચતા પણ હોય છે. દાખલા તરીકે રવીન્દ્ર ઠાકોરની કૃતિ ‘ગીતાંજલિ’, ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” અને ખલિલ જિબ્રાનની કૃતિ ‘ધ પ્રોફટ’ વારંવાર વાંચવામાં આવતી કૃતિઓમાં સમાવેશ થાય છે. એટલે લેખકોને સાવધાન રહેવાની જરૂર છે કે, અજાણ્યેપણે પણ પોતાના સ્વતંત્ર લખાણમાં બીજાનાં લખાણનો કોઈ ભાગ ઊતરી ન આવે. ખૂબ વાંચનાર લેખકો કે અન્ય પ્રબુદ્ધ માણસો પાસે પોતાના સ્વતંત્ર સર્જનનું લખાણ વંચાવીને એમાં કોઈ પ્રકારની ભેળસેળ કે નકલ નથી એની ખાતરી કરાવે છે. વિચાર માટે કોપી રાઈટ નથી; પરંતુ વિચારના ચોક્કસ અભિવ્યક્તિ માટે લખનારની કોપી રાઈટ છે.

વાચકો પણ વાચનક્ષેત્રે સજાગ રહેતા હોય છે. ચીનના લેખક લીન યુટાંગે ‘The Art of Reading” નામના નિબંધમાં કહ્યું છે તેમ, “વાંચન એક કલા છે અને એનો પરમ લક્ષ્ય આનંદ છે.” હાસ્ય નિબંધો વાંચીને આપણે હસતા હોઈએ છીએ; તો કરુણાંત લખાણો આપણને રડાવી પણ શકે છે. છતાં બંને પ્રકારનાં લખાણનો પરમ લક્ષ્ય તો આનંદ જ હોય છે. વાચકના કે લેખકના વાંચનનું લક્ષ્ય પણ આનંદ મેળવવાનું છે.

આજકાલ લેખકો અને અન્ય સર્જકો પોતાનાં લખાણની ચોરી ન થાય એ માટે સાવધાન બન્યા છે. એ જ રીતે કોઈ લેખક ચોરેલા લખાણથી વાચક-રસિકને ગેરરસ્તે દોરી ન જાય એ તરફ સાવધાન રહેવાની જરૂર છે. વાચક ગુનાશોધક નથી. છતાં ચોરેલું લખાણ કોઈ લેખકના સર્જનમાં આવે તો તેને જાહેર કરવું જોઈએ. આ રીતે આપણે સાહિત્યના ચોરને જણાવીએ કે, જે કંઈ ગુપ્ત છે તે જાહેરમાં પ્રગટ થશે. જે કંઈ છૂપું છે તે વહેલામોડા ખુલ્લું થશે.

આ રીતે લોકો નીતિન્યાયની ભાવનાથી ન હોય તો ઓછામાં ઓછું બે આબરૂ થવાના ભયને કારણે બીજાના લખાણમાંથી ચોરી કરવાની લાલચથી દૂર રહેશે.
#
Last Changed: 01-08-2016
Next Change: 16-08-2016
Copyright Fr. Varghese Paul SJ, 2016

કરુણામય જીવનનું પ્રેરકબળ

કરુણામય જીવનનું પ્રેરકબળ
ફાધર વર્ગીસ પૅાલ

mother-teresa-feeding1

 

 

 

 

મારાં એક મિત્ર દક્ષાબહેન સંઘવી કહે છે કે, તેમણે સવારે છાપું વાંચવાનું છોડી દીધું છે! કારણ, છાપામાં રોજેરોજ ખરાબ સમાચારો આવે છે. એ બધા નકારાત્મક સમાચારો વાંચીને વહેલી સવારે દક્ષાબહેન પોતાની મન:સ્થિતિને દુઃખના સમાચારોથી વ્યથિત કરવા ઇચ્છતાં નથી.

શેક્સપિયરે કહ્યું છે કે, આપણાં સૌથી વધારે પ્રિય ગીતોમાં સૌથી વધારે દુઃખદ વાત હોય છે (Our sweetest songs are those that tell of saddest thoughts). રોજ સવારે દેશના અને દુનિયાભરના માઠા સમાચારો છાપાંઓમાં વાંચીએ ત્યારે શેક્સપિયરની વાત આપણને સ્વાભાવિક રીતે યાદ આવે છે.

પરંતુ આ વાતનો અપવાદ હોય તેમ એક નાના સમાચાર ફેઇસબુક જેવા સોશ્યલ મીડિયામાં ખૂબ વ્યાપકપણે ફેલાયા. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ કરેલા ગોળીબારથી પેરિસના એક રેસ્ટોરન્ટમાં ઘણા નિર્દોષ લોકો મરાયા હતા. એમાં પેરિસના એક યુવાન આન્ટવા લોરીસની પત્ની પણ આતંકવાદી હુમલાનો ભોગ બની હતી. પોતાની પત્નીની હત્યા કરનાર આતંકવાદીઓને આન્ટવા લોરીસે પત્ર લખ્યો:

અહીં એક વાત ખાસ નોંધપાત્ર છે કે, આન્ટવા લોરીસ પોતાના પત્નીને ગોળીથી વીંધી નાખનાર આતંકવાદીઓને ધિકારતા નથી. પણ પોતાની પત્નીને સ્વર્ગનગરીમાં મળવાની શ્રદ્ધા સાથે આતંકવાદીઓને ચેતવણી આપે છે કે તેઓ આતંગના રસ્તે ત્યાં પહોંચી શકવાના નથી. લોરીસની આ ચેતવણીમાં આતંકવાદીઓ પ્રત્યેનાં એમનાં પ્રેમ ને કરુણા આપણે જોઈ શકીએ.

“તમને હું ધિક્કારું છું એમ તમે માનતા હો તો એમાં તમારી ભારે ભૂલ છે. ખરું છે કે મારી પત્નીના મૃત્યુએ મને દુઃખસાગરમાં ડુબાડ્યો છે. પરંતુ તમારો વિજય લાંબા ગાળા સુધી ટકે એમ નથી. કારણ, તમે કદી ન પહોંચી શકો એવી સ્વર્ગનગરીમાં અમે ફરી ભેગાં મળીશું”.

ક્રૂર હત્યા અને બળાત્કાર જેવા ભૂંડા ગુનાઓમાં પકડાયેલા કેદીઓ સામે લોકો સામાન્ય રીતે દ્વેષ અને અનાદરનો ફિટકાર વરસાવતા હોય છે. લોકો એવા ગુનેગારો માટે ફાંસી અને મૃત્યુદંડની સજા માગતા હોય છે. આવા લોકો માટે આન્ટવા લોરીસનો પ્રતિભાવ એક પડકાર છે.

બાઇબલમાં ઉત્પત્તિ ગ્રંથના ૩૪મા પ્રકરણમાં નોંધાયેલો બળાત્કારનો એક પ્રસંગ અહીં યાદ કરવા જેવો છે. યાકોબને પત્ની લિયાથી જન્મેલી દીકરી છે દીના. પોતાના સંબંધીને મળવા ગયેલી દીના પર યાત્રામધ્યે તે દેશના ઠાકોર હિવ્વી હામોરના દીકરા શખેમે બળાત્કાર કર્યો અને એની સાથે લગ્ન કરવાના મોહમાં દીનાને પોતાને ત્યાં સંતાડી રાખી. પછી હામોર અને શખેમે દીનાના પિતા યાકોબ અને ભાઈઓની મુલાકાત લઈને દીનાને કોઈ દહેજ વિના પોતાના દીકરા શખેમ સાથે લગ્ન કરાવી આપવાની માગણી કરી.

શખેમે યાકોબ અને દીનાના ભાઈઓ માગે એટલું પલ્લું અને કન્યાદાન આપવાની તૈયારી પણ બતાવી. પરંતુ દીનાના ભાઈઓએ શખેમને કપટભર્યો જવાબ આપ્યો. જેણે સુન્નત કરાવી નથી એવા માણસને અમારી બહેન આપવી એ તો અમારાથી બને જ નહિ. પછી તેમણે પોતાની જેમ હામોરને અને દીકરાને તેમ જ તેમની કોમના સૌ પુરુષોને સુન્નત કરવશો તો પોતાની બહેનને શખેમ સાથે પરણાવવાનો વાયદો આપ્યો.

હામોર અને દીકરા શખેમને દીનાના ભાઈઓની વાત પસંદ પડી. કારણ, શખેમ દીનાને ખૂબ ચાહતો હતો. તેઓ અને તેમની કોમ અને શહેરના બધા પુરુષોની સુન્નત કરાવવામાં આવી. પણ એના ત્રીજા દિવસે પુરુષોની સુન્નતની બળતરા શમી નહોતી ત્યાં દીનાના સગાભાઈઓ એટલે યાકોબના બે દીકરા શિમયોન અને લેવીએ તલવાર લઈને ઓચિંતો શહેર પર હુમલો કર્યો અને શખેમ સાથે બધા પુરુષોને તલવારને ઘાટ ઉતાર્યા. અને શહેરને લૂંટી લઈને પોતાની બહેનને મુક્ત કરી. પણ યાકોબને પોતાના દીકરાઓનું બદલો લેવાનું કૃત્ય ગમ્યું નહીં. એટલે યાકોબ પોતાનાં સંતાનો, માણસો અને માલમતા લઈને ત્યાંથી બેથેલ ચાલ્યા ગયા.

વર્ષો પછી પોતાની મૃત્યુશય્યા પર પોતાના બધા દીકરાઓને બોલાવીને દરેક વિશે પોતાના મનની વાત કરી. શિમયોન અને લેવી એટલે બે સગાભાઈઓ વિશે યાકોબે કહ્યું કે, એમની તલવાર હિંસાનું હથિયાર છે. હું એમની સંતલસમાં નહિ ભળું, એમનો સંગ નહિ કરું. કારણ, ક્રોધને વશ થઈને તેઓ માણસનો વધ કરે છે. ધિક્કાર હો તેમના ક્રોધ ઉપર; કારણ, તે ભયંકર છે. હું યાકોબના દેશમાં તેમને ફેલાવી દઈશ, ઇસ્ત્રાયેલમાં તેમને વિખેરી નાખીશ.

યાકોબની સમગ્ર વાતમાં આપણે જોઈ શકીએ કે, પોતાની દીકરી દીના પરના બળાત્કારથી યાકોબ ખૂબ વ્યથિત છે. છતાં પોતાના બે દીકરાઓએ તલવાર ઉગામીને બળાત્કારીને અને એમની કોમના બધા પુરુષોને મારી નાખ્યાની વાતથી યાકોબ વધારે વ્યથિત છે. એટલે જ એમના ક્રોધને અને વેરવૃત્તિને ધિક્કારે છે અને તેમનો સંગ નહિ કરવાનો નિર્ણય કરે છે (જુઓ ઉત્પત્તિ ૪૯:૬).

અહીં યાકોબનાં વાણી-વર્તનમાંથી આપણે એક પાઠ લઈ શકીએ. પ્રતિકાર કે બદલો એ માણસનો નથી, પણ ઈશ્વરનો છે. માણસને તો ફક્ત માફી અને કરુણા શોભે. યાકોબનાં વાણીવર્તન ઈસુના સંદેશ તરફ આંગળી ચીંધે છે. ઈસુનો સંદેશ છે કે, “તમારે તમારા શત્રુઓ ઉપર પ્રેમ રાખવાનો છે, અને તેમનું ભલું કરવાનું છે” (લૂક ૬:૩૫). આપણા શત્રુ ઉપર પ્રેમ રાખવાના અને એમનું ભલું કરવાના ઈસુના સંદેશમાં આપણે માનવજાત પરની ઈશ્વરની કરુણા જોઈ શકીએ છીએ.

ગુનેગારને ધિક્કારનાર અને એમને ભારે શિક્ષા મળે કે એમની મળેલી શિક્ષા અપૂરતી છે એમ માનનાર આપણી મન:સ્થિતિ કરુણા-વિહોણું માનસિક વલણ પ્રગટ કરે છે. આ મન:સ્થિતિ ધિક્કાર અને વેરવૃત્તિની મન:સ્થિતિ છે. ખૂની મન:સ્થિતિ છે. આ ખૂની મન:સ્થિતિ ઈસુના જન્મની વાત સાથે યહૂદિયાના રાજા હેરોદની વાતમાં પણ આપણે જોઈ શકીએ. ઇતિહાસે રાજા હેરોદની ખૂની મન:સ્થિતિ ચીતરી છે. રાજા હેરોદ પોતાના પાલકપિતા તેમ જ તેમની માતા સાથે ખૂબ ક્રૂર રીતે વર્ત્યા છે, એટલું જ નહિ, પણ તેમણે ખુદ પોતાનાં ઘણાં સગાંસંબંધીઓને મારી નંખાવડાવ્યાં છે! વળી એ જ રાજા હેરોદના હુકમથી બાળ ઈસુને મારી નાખવાની પેરવીમાં તેમણે “બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાંના બે વર્ષના અને તેથી નાના બધા છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડ્યો” (માથ્થી ૨:૧૬). આમ, રાજા હેરોદ સેંકડો નિર્દોષ બાળકોના ખૂની ઠર્યા.

રાજા હેરોદને ડર હતો કે, બાળ ઈસુ એક દિવસ યહૂદીઓનો રાજા બનશે અને પોતાની ગાદીને ઉથલાવશે! આ ખૂની રાજા હેરોદ પર પણ પ્રેમ રાખનાર ઈસુનો જન્મ આપણે નાતાલ તરીકે ઊજવીએ છીએ. ઈસુએ ઉદબોધેલા એ પ્રેમમાં દિલથી માફી અને કરુણા છે. ધિક્કાર અને વેરવૃત્તિથી તદ્દન ભિન્ન માફી, પ્રેમ અને કરુણાની મનોવૃત્તિનાં દર્શન આપણને ઈસુનાં જીવન અને સંદેશમાં થાય છે. તો, વેર વાળવા અને ભારે અનિષ્ટ અને અત્યાચાર કરનારનો બદલો લેવાની વાત ઈશ્વર પર છોડીએ. આપણા જીવનમાં વેર અને ધિક્કારને છોડીને ઈસુએ ચીંધેલા પ્રેમ, માફી અને કરુણાને માર્ગે ચાલીએ. એ રીતે આપણું જીવન ખુશીથી માણીએ અને બીજાને પણ આ જ રસ્તે જીવન માણવા પ્રેરણારૂપ બનીએ.

સંપર્ક: ફાધર વર્ગીસ પૅાલ
cissahd@gmail.com
Last change : 16-07-2016
Next change on : 01-08-2016
Copyright Fr. Varghese Paul, SJ 2016

મેં કરેલી એ મોટી ભૂલ હતી

મેં કરેલી એ મોટી ભૂલ હતી
ફાધર વર્ગીસ પૅાલ

Joseph-Macwan9

નૅશનલ સાહિત્ય અકાદમી ઍવૅાર્ડ મેળવનાર નવલકથાકાર જોસેફ મેકવાનના મૃત્યુ (૨૮-૩-૨૦૧૦)ના થોડા વખત પહેલાંની આ વાત છે. મારા મિત્ર જોસેફભાઈએ મને ફોન કર્યો અને કહ્યું કે, પોતે ખૂબ માંદા છે અને એમને મને મળવું છે. મેં જોસેફભાઈને કહ્યું કે, મારે પણ તેમનું ખાસ કામ છે. કારણ, એમની અમૃત મહોત્સવ સમિતિની માગણીથી હું એમના વિશે એક લેખ લખી રહ્યો છું અને મારે એમને મારો લેખ વાંચી સંભળાવવો છે. છેલ્લે મેં કહ્યું: “જોસેફભાઈ, બે-ત્રણ દિવસમાં હું ખાસ તમને મળવા માટે આણંદ આવું છું.”

પણ મારા કહ્યા મુજબ બે ત્રણ દિવસમાં જોસેફભાઈને મળવા ન જવાની મારી મોટી ભૂલ હતી. એક તો, એમના વિશેનો મારો લેખ પૂરો કરવામાં મારે વધારે સમય લાગ્યો. બીજું, મેં આણંદ જવા માટે તૈયાર થઈને ફોન કર્યો ત્યારે એમણે મને કહ્યું કે, “હું મિત્રો સાથે મહેસાણા આવ્યો છું અને ત્રણેક દિવસ પછી આણંદ પરત પહોંચવાનો છું.” મને એ સમાચાર ખૂબ સારા લાગ્યા અને મેં માની લીધું કે, જોસેફની તબિયત ખૂબ સારી થઈ છે કે, તેઓ ‘ફરવા’ માટે મહેસાણા પહોંચી ગયા છે. એટલે મેં મારા મનમાં ધાર્યું કે, હવે ઉતાવળ કર્યા વિના આરામથી જોસેફભાઈને મળવા આણંદ ખાતે એમના ઘરે પહોંચી જઈશ.

હું ૧૯૬૮માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં દાખલ થયો. તે વખતે હું ‘દૂત’ માસિકના સંપાદન કામમાં જોડાયો હતો અને લેખક જોસેફ સરને ઓળખતો થયો હતો અને ૧૯૬૯થી ‘દૂત’નો તંત્રી બન્યો ત્યારથી જોસેફ સર સાથેનો મારો સંપર્ક અને સંબંધ વિકસતો રહ્યો. મેં ૧૯૮૪માં ત્રીજી વાર ‘દૂત’ના તંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી ત્યારથી જોસેફભાઈ સાથેનો મારો સંબંધ વધારે ગાઢ બનતો ગયો. એક લેખક તરીકે જોસેફભાઈ ખૂબ જાણીતા થયા હતાં. એટલે હું ઇચ્છતો હતો કે, જાણીતા લેખક જોસેફભાઈનાં લખાણ ‘દૂત’માં વખતોવખત આવે.

‘દૂત’માં અવારનવાર લખનારાઓમાં જોસેફભાઈના પ્રતિસ્પર્ધીઓ પણ હતા; અને જોસેફભાઈને એની બરાબર ખબર હતી. એટલે મારી એક મુલાકાતમાં જોસેફભાઈએ મને કહ્યું, “વર્ગીસ, વર્ષ દરમિયાન તમે ‘દૂત’માં મારા ત્રણ કે ચાર લેખ છાપો તો પૂરતા રહેશે. મારા વધારે લેખો ‘દૂત’માં છાપીને તમારે મારે કારણે બીજાની દુશ્મનાવટ નોતરવી નહિ.”

જોસેફભીની વાત સાચી હતી. એમની રાષ્ટ્રીય સાહિત્ય એકેડમી ઍવૅાર્ડ, ૧૯૮૯ સર્વશ્રેષ્ઠ કૃતિ ‘આંગળિયાત’ માટે મળ્યો ત્યારે મેં એમની મુલાકાત લઈને ‘દૂત’માં એક લાંબો મુલાકાત-લેખ પ્રશ્નોત્તરીરૂપે છાપ્યો હતો. એના સંદર્ભમાં મેં મારા મિત્ર જોસેફને વધુ પડતું મહત્વ આપીને પક્ષપાત કર્યાની ફ્દારીયાદ મારી સામે થઈ હતી. એમાં મારો જવાબ હતો કે, “તંત્રી તરીકે નિર્ણય લેવામાં હું મિત્રતાનો માપદંડ નહિ પણ ધંધાકીય પત્રકારત્વનો માપદંડ વાપરવો છે.”

હું ૧૯૮૦નાં અને ૧૯૯૦નાં વર્ષોમાં એક આંતરરાષ્ટ્રીય કૅથલિક અખબાર પરિષદનો કારોબારી સભ્ય રહ્યો હતો. એને કારણે દર વર્ષે એક યાં બીજી મિટિંગ માટે હું પ્રદેશ જતો હતો. જોસેફભાઈની આગ્રહભરી ઇચ્છા હતી કે, હું એમણે અખબાર પરિષદના એક વિશ્વસંમેલનમાં લઈ જાઉં અને સાથે પુણ્યભૂમિ ઇસ્ત્રાયેલની મુલાકાત પણ કરાવું.

પેરિસ ખાતે સપ્ટેમ્બર ૨૦૦૧માં યોજાયેલા આંતરરાષ્ટ્રીય અખબાર પરિષદના (UCIP)ના વિશ્વસંમેલનમાં જોસેફભાઈ સાથે ભાગ લેવા અને ત્યાર પછી દસેક દિવસ માટે યરુશાલેમ જવાની મેં વ્યવસ્થા કરી અને રૂમેનિયમ એરલાઈન્સમાં જવા-આવવાની વિમાની ટિકિટ પણ ખરીદી પરંતુ મુસાફરીના થોડા જ દિવસ પહેલાં એમની એક દીકરીનું પરદેશગમન આડે આવ્યું. અને મારે એકલાએ મુસાફરી કરવી પડી! યરુશાલેમની મારી એ બીજી મુલાકાત પણ સફળ ગઈ. એની બધી વિગતો “યાદગાર અનુભવો” નામના મારા પુસ્તકમાં “પુણ્યભૂમિ ઇસ્રાયેલ” શીર્ષક હેઠળનાં ૩૦ પાનાંના પ્રકરણમાં વાંચવા મળશે.

એના એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર ૨૦૦૦માં જોસેફભાઈ દસેક દિવસની રજા ગાળવા અને મારા બાપુજીની પ્રથમ પુણ્યતિથિએ હાજરી આપવા મારી સાથે કેરલમાં મારે ઘેર આવ્યા હતા. એ પ્રવાસ અમને બંનેને ખૂબ નજીક લાવ્યો. મારા ભાઈ વિન્સેન્ટે એમ્નીગાડી અને ડ્રાઈવર અમારે માટે આપ્યા હતા. કેરલની રાજધાની તિરુવનન્તપુરમ અને કોવાલમ બીચની ત્રણેક દિવસની અમારી મુલાકાત પછી ડ્રાઈવર ભાઈએ મારા ભાઈને અહેવાલ આપ્યો: “આખી મુસાફરી દરમિયાન આપણા મોટા ભાઈ અને જોસેફ સરની વાતચીતનો કોઈ અંત નહોતો આવતો!”

અમારા કેરલના પ્રવાસ દરમિયાન એક દિવસ હું જોસેફને કેરલના બીજા નંબરનું લોકપ્રિય દૈનિક ‘દીપિકા’ના કાર્યાલયમાં લઈ ગયો હતો. ત્યાં એક પત્રકાર સિજીમોન સી.આઈ.એ ‘દીપિકા’ વતી જોસેફની મુલાકાત લીધી હતી. એ મુલાકાતનો લેખ ‘દીપિકા’ના ૨૦૦૦ ઍાક્ટોબર ૧૫મીની રવિવાર પૂર્તિના અર્ધા પાનામાં જોસેફના મોટા ફોટો સાથે છપાયો હતો. એમાં જોસેફભાઈએ બે નવલકથા ;લખવાની પોતાના વિચારોને વાચા આપી હતી. એક, ગુજરાતમાં મિશનરીઓના આગમનથી ગામડાંઓમાં આવેલું આશ્ચર્યજનક પરિવર્તન વિશે એક નવલકથા લખવાની એમની ઇચ્છા પ્રગટ કરી હતી અને બે, ૧૯૯૯માં અકસ્માતમાં મરી ગયેલા અને ઘણી સિદ્ધિઓ મેળવેલા ‘ફ્રી લીગલ એઇડ’ના પ્રણેતા ફાધર જોસેફ ઈડિયાકુન્નેલ વિશે જોસેફભાઈ બીજી નવલકથા લખવાનો પોતાનો વિચાર જણાવ્યો હતો.

કેરલમાં મારે ઘેર રહ્યા પછી ફક્ત મને જ નહિ પણ મારા જેવા દેશવિદેશના મિશનરીઓને જોસેફભાઈ એક નવી ર્દષ્ટિએ, કોઈ ગેરસમજ કે પૂર્વગ્રહ વિના જોવા લાગ્યા. આમ મિત્રો તરીકેનો અમારો સંબંધ ખૂબ ગાઢ બન્યો હતો. છતાં જોસેફ માંદગીમાં મને મળવા બોલાવ્યા ત્યારે હું તરત જ મળવા જઈ શક્યો નથી અને પછી એમના અકાળ મૃત્યુને કારણે એમની સાથે પછી કદી વાતચીત કરી શક્ય નથી, એ મારી મોટી ભૂલનો વસવસો મારી સાથે હમેશાં રહેશે.
#
Last change : 01-07-2016
Next change on : 16-07-2016
Copyright Fr. Varghese Paul, SJ, 2016

સત્યમેવ જયતે (ટૂંકીવાર્તા)

હિરણ્યવન પ્રદેશમાં વનરાજ સિંહ ખૂબ જ વ્યાકુળ હતો. ઘનઘોર જંગલમાં આવેલી પોતાની ગુફામાં તેણે વાઘ, ચિત્તો, દિપડો, જરખ અને વરુ જેવાં માંસાહારી વન્ય પ્રાણીઓના મંત્રીઓ તથા ચુનંદા અધિકારીઓની એક ખૂબ રહસ્યમય બેઠક બોલાવી. તેણે આમ અણધારી રીતે કેમ ખાસ બેઠકનું આયોજન કર્યું છે તે જાણવાની આતુરતામાં મંત્રીઓ અને ચુનંદા અધિકારીઓ વનરાજ સિંહની ગુફામાં ભેગા મળ્યા.

બેઠકની શરૂઆત કરતાં વનરાજ સિંહે કહ્યું, “મિત્રો, આ પ્રકારની આપણી આ પહેલી ખૂબ રહસ્યમય મિટિંગ છે. તમે બધા જાણતા હશો તેમ આપણી સામે કેટલાક પડકારો ઊભા થયા છે. એક મુખ્ય પડકાર એ છે કે શાકાહારી પ્રાણીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. એટલે હવે એમના સંખ્યાબળ અને સંઘબળ સામે આપણું કશું ચાલે તેમ નથી!

“થોડા દિવસ પહેલાં મેં જોયું કે, મારો એક જાતભાઈ, એટલે એક ઘરડો ભૂખ્યો સિંહ એક જંગલી ભેંસના નાના બચ્ચા પાછળ પડ્યો હતો. પરંતુ બચ્ચાની મા અને બીજી સાથીદાર ભેંસોએ શિંગડાં મારીને એને ભગાડ્યો. એટલું જ નહીં પણ એના પ્રદેશમાં જ એને મારી નાખ્યો અને કોઈને પણ જાણ ન થાય એ રીતે એક ખૂબ ઊંડા ખાડામાં ફેંકી દીધો. જંગલી ભેંસોના ટોળાનો રોષ અને સિંહને મારી નાખ્યાનો એમનો ગર્વ જોતાં હું ખરેખર બી ગયો હતો. સારું થયું કે, હું જે ટેકરીના ઘાસમાં સંતાઈને એમને જોતો હતો ત્યાં એમની નજર પડી નહોતી.”

gir-national-big-11

કેટલાંક વન્ય પ્રાણીઓએ એકીસાથે કહ્યું, “હા, હા. આપની વાત સો ટકા સાચી છે. અમને ખબર છે કે, પેલી સિંહણ ખૂબ ચિંતા કરતી હતી કે સિંહ થોડા દિવસથી ખોવાયા છે. હવે અમને ખ્યાલ આવ્યો કે, આપણા સિંહ દાદાને ખરેખર શું થયું છે.”

“તો, મિત્રો આપણે શાકાહારી મૃગોના સંખ્યાબળને અટકાવવા માટે કંઈક કરવું પડશે. આપણે એક કામ કરીએ. કેટલાક વૃદ્ધ સિંહો, વાઘો અને એમની નબળી માદાઓ અને ખૂબ નાનાં બચ્ચાંને આપણે આપણી કુળદેવીની ગુફામાં ભક્તિ માટે લઈ જઈએ. વળી, એ લોકો શાકાહારી વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આપણાં કામમાં ન આવે. તો એમને ખ્યાલ ન આવે એ રીતે આપણી કુળદેવીને ત્યાં આપણા ‘અરણ્ય’ નામના જંગલમાં આપણે એમને લઈ જઈએ અને આપણી ભવિષ્યની યોજનાઓને સફળ બનાવવા માટે એમનો ભોગ ચઢાવીએ. પણ આ વાત આજની મિટિંગમાં હાજર રહેલા આપણા સિવાય કોઈને ખબર પડવી ન જોઈએ.”

વનરાજ સિંહે ચારેકોર નજર ફેરવીને જોયું કે પોતાની વાતનો ધાર્યો પ્રભાવ પડ્યો છે. દરેક પ્રાણી-આગેવાને હકારમાં માથું હલાવીને સહમતી દર્શાવી. “હવે, ધ્યાનથી સાંભળો.” બધાને સંમત થતાં જોઈને વનરાજે ઉમેર્યું, “ઘોર જંગલમાં આગ લગાડવાનું કામ આપણામાંથી કોઈ એક મરણિયાએ કરવું પડશે. એ મરણિયો આપણાં બધાંના વંશોના જીવન માટે પોતાના જીવની આહુતિ આપી શહીદ થવા તૈયાર હોવો જોઈએ. આપણે એને શહીદનું બિરુદ આપીને સ્મારક બાંધીશું અને એના કુટુંબને પાલનપોષણ કરીશું. યાદ રહે, આ બધું જ કામ યોજનાબદ્ધ રીતે કરવાનું છે. અને જયારે જંગલને આગ લાગે અને આપણાં માંસાહારી પ્રાણીઓ મરી જાય તે દિવસે રાત્રે આપણે મારા આ નિવાસસ્થાને ફરી મળીએ છીએ. ભૂલતા નહિ.”

વનરાજ સિંહ અને તેમના ચુનંદા મંત્રીઓ અને અધિકારીઓની બેઠક પછી એક દિવસ બધાં જાહેરમાધ્યમોમાં ભડકતા સમાચાર આવ્યા કે, “ઉનાળાની ધખધખતી બપોરે કોણ જાણે કેવી રીતે પણ ‘અરણ્ય’ જંગલમાં આગ લાગી છે. એમાં કેટલાક સિંહો, વાઘ અને તેમનાં સ્ત્રીઓ અને બાળબચ્ચાં જીવતાં જ ભડથું થઈ ગયાં! જે કેટલાંક જાનવરો જીવ લઈને ભાગી ગયાં તે બચી જવા પામ્યાં છે.”

આગ લાગ્યાની એ રાત્રે જંગલના રાજા સિંહે અને એમના સાથીદાર માંસાહારી વન્ય પ્રાણીઓ ફરી ભેગાં મળ્યાં અને એકબીજાને કહેવા લાગ્યાં કે, આપણે બધાં આજથી ઢંઢેરો પિટાવીએ કે, બીજા શાકાહારી હરણ, જિરાફ, ઝીબ્રા, જંગલી ભેંસ વગેરે પ્રાણીઓએ જ ભેગા મળીને આપણને મારી નાખવા માટે કાવતરું કરીને ‘અરણ્ય’ જંગલને આગ લગાડી છે; તેથી આપણે મોટા ભાગનાં શાકાહારી પ્રાણીઓને મારી નાખવાં જોઈએ. પછી ફરી અરણ્ય જંગલને આગ લગાડીને કે અન્ય કોઈ રીતે આપણને નુકસાન કરવાનો કોઈ પ્રાણી વિચાર સુધ્ધાં કરશે નહીં. તો આપણે યોજનાબદ્ધ આપણું કામ પાર પાડવાનું છે.

સુરક્ષા મંત્રી બુલડૉગે કહ્યું, “વનરાજ સિંહ, આપની વાત બરાબર છે. અમને પણ શિકારમાં અમુક વંશના શાકાહારી પ્રાણીઓનું સંખ્યાબળ નડ્યું છે. પણ તેમ છતાં આપણે સસલાં, ઘેટાં-બકરાં, ઉંદર, સાપ જેવાં બધા જ વંશોનાં પ્રાણીઓને મારી નાખવાની કંઈ જરૂર નથી. આપણે ફક્ત ખૂબ વધી રહેલા અમુક વંશનાં પ્રાણીઓનો નાશ કરીએ.”

બધાં માંસાહારી પ્રાણીઓને શાંત કરીને વનરાજ સિંહે કહ્યું, “સુરક્ષા મંત્રીની વાત બરાબર છે. એવું કરીએ કે, જે શાકાહારી પ્રાણીઓ આપણને પડકારે, આપણને સાથસહકાર ના આપે એવાંની જ કતલ કરવા માટે ચોક્કસ યોજના કરીએ. પછી કોણ, ક્યાં, ક્યારે કેવું કામ કરશે એ નક્કી કરીશું. તો અંગે વિચાર કરીને આપણે બધાં ફરી એકવાર કાલે સવારે આ જ સમયે અહીં મારી ગુફામાં મળીએ. એ પહેલાં યોજનાના અમલીકરણની તૈયારીરૂપે તમારે ખૂબ ખાનગી રીતે કોઈને ખબર ન પડે એ રીતે આપણને પડકારનાર શાકાહારી વન્ય જાનવરોનાં નામ, સરનામાં અને એમનો ઈતિહાસ બધું સર્વે કરીને આવતી મિટિંગમાં લાવવાનું રહેશે.”

બીજા જ દિવસે સવારે વન્ય પ્રાણીઓના ચુનંદા આગેવાનોએ કહ્યું, “વનરાજ સિંહ, આપે કહ્યું તેમ અમે જંગલોમાં ઠેર ઠેર ફરીને આપણને પડકારનાર અને આપણને સાથસહકાર ન આપનાર શાકાહારી પ્રાણીઓનાં નામ-સરનામાં ભેગાં કર્યાં છે અને એમને મારી નાખવાનાં જાતજાતનાં શસ્ત્રો પણ લાવ્યા છીએ.”

પોતાના મંત્રીઓ અને ચુનંદા આગેવાનોનો પ્રતિભાવ જોઈને વનરાજ સિંહ ખૂબ ખુશ થયા અને બધાંને શાબાશી આપતાં કહ્યું,
“વહાલા મિત્રો, તમે બધાંએ ખૂબ સારાં કામો કર્યાં છે, એ જાણવામાં મને આનંદ છે. હું બધાંને શાબાશી આપું છું. સારાં કામોમાં કોઈ વિલંબ કરવાનો ના હોય. આપણે આજથી જ આપણું કામ શરૂ કરીએ. સૌ પ્રથમ આપણો હેતુ તો સ્પષ્ટ છે કે આપણને કામમાં ન આવે એવાં, આપણો સામનો કરી શકે એવાં મોટાભાગનાં શાકાહારી પ્રાણીઓને મારી નાખવાનાં છે. હવે આપણે એ કામ વહેંચી લઈએ. શાકાહારી પ્રાણીઓને મારવાનો રસ્તો, હથિયારો અને હેરફેરની જવાબદારી હું આપણા ગૃહમંત્રી સેપર્ડ શ્વાનને સોંપું છું. બને ત્યાં સુધી આપણે પડદા પાછળ રહીને બીજાઓ પાસેથી કામ લેવાનાં છીએ, કામ કરાવવાનાં છીએ. અત્યારે એ માટેનું ઉત્તમ વાતાવરણ છે. ‘અરણ્ય’ જંગલની આગથી અને મરી ગયેલાં માંસાહારી પ્રાણીઓના સમાચારથી સમગ્ર પ્રાણીજગત ઉશ્કેરાયેલું છે. આપણે એનો લાભ લઈએ. તો ચાલો, હિંમતથી આગળ વધો, ફતેહ છે આગે. મિત્રો મારે આપણા ગૃહમંત્રી સેપર્ડ શ્વાન, જાસુસી વડા શિયાળ અને પોલીસના વડા બુલડૉગ સાથે એક-બે વાત કરવી છે. આ ત્રણ સિવાય બધાં પોતપોતાનાં કામે લાગી જાઓ.”

બધાં વિખરાયા એટલે પોતાના વિશ્વાસુ ત્રણ પ્રાણી અધિકારીઓ સાથે વાત કરતાં વનરાજ સિંહે કહ્યું, “આજે આપણી ત્રીજી બેઠક થઈ. બેઠકમાં ભાગ લેનાર એક માંસાહારી પ્રાણી વરુને ગળે આપણી વાત બરાબર ઊતરી હોય, એવું મને ન લાગ્યું!”

પોલીસના વડા બુલડૉગે કહ્યું, “હા, વનરાજ. મને પણ વરુભાઈની બાબતમાં શંકા થાય છે. આપણી આ યોજનામાં એ મંત્રી ઉત્સાહથી ભાગ લેશે એવું મને નથી લાગતું.”
જાસુસી અધિકારીએ કહ્યું, “ખરી વાત છે. મને પણ એવું જ લાગે છે. આ પરિસ્થિતિમાં તેઓ આપણને દગો દેશે તો આપણી યોજનાઓ પાર નહીં પડે અને આપણે બધાં જંગલ સામે કાવતરું કરવાના કાયદા હેઠળ જેલમાં ધકેલાઈ જઈશું અને કદાચ આપણને આજીવન કેદ કે મૃત્યુદંડની સજા પણ થઈ શકે!”

વનરાજ સિંહે કહ્યું, “જાસુસી વડા શિયાળની વાત બરાબર છે. આ પરિસ્થિતિ એટલી વિકટ હોય તો આપણે કંઈક કરવું પડશે.”

જાસુસી વડાએ કહ્યું, “આ કંઈ આપણી ગૂઢ યોજનાની હાર-જીતનો પ્રશ્ન નથી, પણ જીવન-મરણનો પ્રશ્ન છે! આપણે એને મારી નાખીને આપણી યોજનાને બચાવવી જોઈએ. બાઇબલમાં કહ્યું છે કે, “પ્રજાની ખાતર એક જણ મરી જાય એ તમારા હિતમાં છે”.

પોલીસના વડા બુલડૉગે કહ્યું, “જાસુસી વડા શિયાળ સાહેબ, આપ સાચું કહો છો. પણ આપ ચિંતા ના કરો. આપણા વનમાં તેમજ પડોશી વનમાં ગુનાખોરીના નિષ્ણાત એવાં કેટલાંક અંત્યંત ક્રૂર, ખૂંખાર પ્રાણીઓને હું ઓળખું છું. આપણે એ ખૂંખાર પ્રાણીઓને સારી એવી સવલતો આપીને એ દગાખોરનું નામોનિશાન આ દુનિયામાં રહેવા ન દઈએ.”

વનરાજ સિંહે કહ્યું, “પોલીસવડા બુલડૉગની વાત બરાબર છે. સુખ-સગવડોની ચિંતા ના કરો. અંડરવર્લ્ડના ખૂંખાર પ્રાણી માગે એટલી કરોડોની રકમ આપવાની આપણી તૈયારી છે.”
જાસુસી વડા શિયાળે કહ્યું, “વનરાજ, તો સમજો કે આપનું કામ પતી ગયું! હવે બધું જ મારા ઉપર છોડી દો. કોઈને કોઈના ઉપર શંકા ન જાય એ રીતે હું એને પતાવી નંખાવીશ.”
વનરાજ સિંહે કહ્યું, “તો ચાલો, આપણે બધાં નિર્ધારિત કામે લાગી જઈએ. આપણા રાજાશાહી પક્ષે જંગલી આગ અને પ્રાણીઓના મૃત્યુ સામે કાલે હડતાળ જાહેર કરી છે. અને આપણને આપણી યોજનાનો અમલ કરવા માટે આપણા પક્ષે સોનેરી તક પૂરી પાડી છે!”

અરણ્યવનમાંના દાવાગ્નિ અને એમાં માંસાહારી પ્રાણીઓ જીવતા સળગી ગયાના સમાચાર સાંભળીને દેશવિદેશના પત્રકારો ‘હિરણ્યવન’ પ્રદેશમાં ઊતરી આવ્યા. અમેરિકા, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ વગેરે સ્થળોએથી ગરુડ, ગીધ, કાગડો, કલકલિયો, સમડી વગેરે આકાશમાં વિહરતાં પત્રકાર-પ્રાણીઓ ‘હિરણ્યવન’ પર ઊતરી આવ્યાં. સૌ પ્રથમ આ પત્રકારોએ દાવાગ્નિના કેન્દ્રસ્થાન ‘અરણ્ય જંગલ’ની મુલાકાત લીધી. માંસાહારી પ્રાણીઓના અગ્નિમાં હોમાઈ જવાની ઘટનાથી તેમને ભારે આઘાત લાગ્યો. બીજા દિવસે તેમણે આખા હિરણ્યવનમાં ઠેર ઠેર ઊડી-ઊડીને પોતાના પરિચયના સ્થાનિક પત્રકાર-પક્ષીઓનો સંપર્ક કર્યો અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો. તેમને લાગ્યું કે, દાવાગ્નિના બીજા દિવસે પરિસ્થિતિ શાંત છે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અંગે કશુંય કહેવાય નહિ. કારણ, એ ધરતી હેઠળ છૂપા લાવારસ જેવી શાંતિ છે. વળી, પછીના દિવસે સિંહના રાજાપક્ષે આખા હિરણ્યવનમાં બંધનું એલાન આપ્યું છે.

પત્રકારોએ ત્રીજા દિવસે સવારે ઊઠીને બી.સી.સી. રેડિયો ચાલુ કર્યો. તેમને વહેલી સવારથી જ હિરણ્યવનમાં ઠેર ઠેર આગ લાગ્યાના અને હુલ્લડ ફાટી નીકળ્યાના સમાચાર સાંભળવા મળ્યા.
વનરાજ સિંહના પ્રવકતા શુકરાજના જણાવ્યા મુજબ રાજાએ આતંક અને હુલ્લડને અટકાવવા માટે પડોશી રાજ્યોમાંથી સૌન્યોને બોલાવી લીધાં છે. પરંતુ પત્રકારોના વિશ્વાસુ સ્થાનિક વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે વનરાજ સિંહ દેખાડા માટે બહારથી સૈનિકોને બોલાવી લાવ્યા છે ખરા, પરંતુ એમને માટે હેરફેરની વ્યવસ્થા કરીને હજી ક્યાંય કામે લગાડ્યા નથી! ઊલટું, રાજાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૌખિક આદેશ આપ્યો છે કે, દાવાગ્નિથી ઉશ્કેરાયેલાં સૌ જંગલી પ્રાણીઓનો રોષ ભભૂકી ઊઠ્યો છે તો તેમને રોકવાં નહિ. ‘હિરણ્યવન’ના મોતીનગર અને રાજનગર જેવા વિસ્તારો પ્રમાણમાં શાંત રહ્યાં છે; કારણ, ત્યાંના અલશેષ્યન પોલીસ વડા રાજાના મૌખિક નિર્દેશોને ગણકાર્યા વિના સમયસર કાયદાને રસ્તે યોગ્ય પગલાં લઈને હિંસક પ્રાણીઓને અટકાવીને શાંતિ જાળવી રાખવામાં સફળ રહ્યા છે!

પત્રકારો આખા ‘હિરણ્યવન’નાં શહેરો અને ગામોમાં ઊડ્યા ત્યારે તેઓએ ઠેર ઠેર “સાલાઓને મારો”, “કાપો”ના નારા સાંભળ્યા. અમુક ખાસ જાતનાં પ્રાણીઓની બોડ, ગુફાઓ, હરવા-ફરવાનાં સ્થળો, તેમના પરિવારો બધું જ નષ્ટ થતું રહું. હિરણ્યવનના રાજનગરમાં ફરતાં પત્રકાર ગરુડે જોયું કે સિંહો અને વરુઓનાં કેટલાંક જૂથો ઠેર ઠેર ફરીને બધું બંધ કરાવે છે. એક જૂથના આગેવાન તો પોતાના મોબાઈલ પર વાત કરીને ટોળા સાથે એક હોટલને બાળી નાખતા જોવા મળ્યા. હોટેલને બાળવા સાથે એના ઉપરના માળમાં આવેલ ‘રેડીમેઈડ’ કપડાંની દુકાન પણ બાળીને ભસ્મ થઈ હતી. બધું જ બળી જતાં પહેલાં અમુક આતંકવાદી પ્રાણીઓએ દુકાનની ‘રેડીમેઈડ’ કપડાં અને અન્ય વસ્તુઓની લૂંટ પણ ચલાવી હતી. એટલામાં વનરાજ સિંહના પોલીસ-કૂતરાઓ ત્યાંથી પોતાની જીપગાડીમાં પસાર થયાં. પણ તે રોકાયા નહિ, જાણે કશું જ બન્યું નથી એવી રીતે તેઓ જતા રહ્યા!

પત્રકારોને ખબર પડી કે અરણ્ય જંગલકાંડના ત્રીજા દિવસના બંધના એલાનથી શરૂ કરેલા અમુક વંશોના પ્રાણીઓ સામે વ્યવસ્થિત રીતે ચાલી રહેલા આતંક અને પોગ્રોમ કે જિનોસાઈડ (વંશહત્યા) પાછળ કોઈ ભેજાનું રીતસરનું કાવતરું છે. બહારથી આવેલી વાનરસેનાના જણાવ્યા મુજબ જ્યાં જ્યાં વનર સેનાએ ફ્લેગ માર્ચ કર્યું છે ત્યાં શાંતિ પ્રવર્તે છે. પરંતુ, સમગ્ર હિરણ્યવનમાં કોઈ રોકટોક વગર ત્રણ દિવસ અમુક કોમનાં પ્રાણીઓ સામે વંશહત્યા ચાલી છે. હવે પ્રાણી જગતને એકબીજા પર ભરોસો રહ્યો નથી! જે પ્રાણીઓની વંશ હત્યા થઈ રહી છે તેમની વંશહત્યાથી બચેલાં પ્રાણીઓ હજારોથી સંખ્યામાં રાહત છાવણીઓમાં ભેગાં થયાં છે.

તો બીજી બાજુ વંશહત્યા અને આતંકવાદી હુમલો સમગ્ર હિરણ્યવનનાં નાનાંમોટાં શહેરો અને ગામડાંઓમાં ફેલાયો છે. પોતાની વાનરસેના પાસેથી આવા બધા સમાચારો સાંભળીને વાનરસેનાને મોકલનાર પડોશી સમ્રાટે વનરાજ સિંહને સલાહ આપી કે તેમનું હિરણ્યવન ભગવાન રામના વનવાસથી પવિત્ર ગણાય છે, રામરાજ્ય ગણાય છે. પરંતુ રામરાજ્યની વાતથી વનરાજ સિંહ અને એમના મળતિયાઓ ઉપર કોઈ અસર થઈ નહીં.

બીજી બાજુ, ‘અરણ્ય’ જંગલમાં જ નહિ પણ આખા ‘હિરણ્યવન’માં શાંતિ પ્રવર્તે છે, પોતાની દેખરેખ હેઠળનું આખું હિરણ્યવન ખૂબ રળિયામણું બની ગયું છે, વિકાસના પંથે કૂદકેને ભૂસકે આગળ વધ્યું છે અને બીજાં બધાં જંગલ પ્રદેશો કરતાં ‘હિરણ્યવન’ મોખરે છે, એવાં અર્ધસત્યો અને નર્યા જુઠ્ઠાણાની જાહેરાત વનરાજ સિંહ દેશવિદેશમાં કરતા રહ્યા! પણ પત્રકારોએ નજરે જોયું અને સ્વૈચ્છિક સેવા ચલાવતા હંસો અને ઘેટાંઓ પાસેથી સાંભળ્યું પણ ખરું કે, વનરાજ સિંહની હકૂમત હેઠળ શાકાહારી પ્રાણીઓ ઉપર લૂંટફાટ, અત્યાચાર અને શોષણે માઝા મૂકી છે!
વનરાજ સિંહના હિરણ્યવનમાં અરણ્ય જંગલકાંડ અને અનુઅરણ્ય જંગલકાંડનાં દસેક વર્ષ પછી પણ એનો ભોગ બનેલાં ઘણાં શાકાહારી પ્રાણીઓને કોઈ ન્યાય મળ્યો નથી! પણ ન્યાય અને સત્ય માટે સંઘર્ષ કરતાં શિયાળ ને સસલાં જેવાં શાંત પ્રાણીઓની બનેલી કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ તથા અશ્વ, ખચ્ચર અને વૈશાખનંદન જેવાં કેટલાંક કર્મશીલોના અથાક પરિશ્રમને કારણે વંશહત્યા કરાવનાર અમુક માથાભારે ગુનેગાર અને આતંકવાદી પ્રાણીઓને આજીવન કેદની સજા થઈ છે. અને પોલીસોએ બંધ કરેલા ઘણા કેસો ફરી ખોલીને એ અંગેની તપાસ નવેસરથી ચાલુ કરવામાં આવી છે.

જાણકાર પત્રકાર પક્ષીઓ અને સ્થાનિક કર્મશીલ અશ્વો કહે છે કે સમયના વહેણમાં ‘અરણ્ય’ જંગલકાંડ અને ‘અનુઅરણ્ય’ જંગલકાંડના બધાં ગુનેગાર પ્રાણીઓ પકડશે. હિરણ્યવનનો કે આંતરરાષ્ટ્રીય કાયદો એમને છોડશે નહિ. એક ચીની કહેવત કહે છે તેમ તેઓ માને છે કે, “ખાડો ખોદનાર જ એમાં પડશે”. બાઇબલમાં ભગવાન ઈસુએ કહ્યું છે કે, “જે કોઈ તલવાર ઉગામશે તે તલવારથી નાશ પામશે”. વળી, ભારતીય સંસ્કૃતિમાં માનનાર સૌ ભલમનસાઈવાળાં પ્રાણીઓ અને તેમનું વિશ્વ જાણે છે કે વહેલોમોડો સત્યનો જ જય થાય છે. “સત્યમેવ જયતે”.

પર્યાવરણમાં છુપાયેલો ખતરો

પર્યાવરણમાં છુપાયેલો ખતરો
ફાધર વર્ગીસ પૅાલ

જાણો કે ના જાણો, પર્યાવરણનો ખતરો આપણા ઘર સુધી પહોંચ્યો છે. જૈવવિજ્ઞાનીઓ અને આરોગ્યશાસ્ત્રીઓ કહે છે કે, આપણા ખોરાકમાં ઝેરી પદાર્થો ગણનાપાત્ર રીતે વધ્યા છે કે, આપણી તબિયતને નુકસાન કરી રહ્યા છે. વિવિધ પ્રકારનાં શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં જંતુનાશક દવાને નામે વપરાતાં ઝેરી રસાયણો ખતરનાક રીતે આપણી તબિયત પર અસર કરે છે.

થોડા વખત પહેલાં હું એક મિત્ર સાથે શાકભાજીના ખેતર પાસેથી પસાર થતો હતો. ખેતરમાં ટીનના કેટલાક ડબ્બા જોઈને મેં મારા મિત્રને પૂછ્યું, “શાકભાજીના આ ખેતરમાં આ ટીનના ખાલી ડબ્બાઓ ક્યાંથી?

મારા પ્રશ્નના જવાબમાં મારા મિત્ર એમના એક પડોશીની વાત કરી. એ પડોશી કેટલાંક ખેતરો ભાગીદારીમાં રાખીને ત્યાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડે છે અને શહેરમાં શાકભાજીની ઘણી બધી દુકાનોને શાકભાજી પૂરી પાડે છે. તેઓ શાકભાજીનાં એમનાં ખેતરોમાં જંતુનાશક રાસાયણિક દવાઓ, ખરેખર ઝેરી રસાયણો, વાપરીને શાકભાજીની ખેતી કરે છે. આ ખાલી ડબ્બાઓ એમણે વાપરેલા જંતુનાશક દવાના છે. એમનો ધંધો કે શાકભાજીની ખેતી ધમધોકાર ચાલે છે. પરંતુ તેઓ પોતાના ઘરના વપરાશ માટે રાખેલ શાકભાજીના ખેતરમાં આ ઝેરી દવાઓ બિલકુલ વાપરતા નથી!

હું ખોરાકમાં આવતા ઝેરી પદાર્થોની વાત કરતો હતો ત્યારે એક ભાઈએ મને પોતાના અનુભવની વાત કરી. તેઓ એકવાર બજારમાંથી જુદાં જુદાં ફળો અને શાકભાજી લઈ આવ્યા. બધું જ ગાડીમાંથી ઉતારીને ગેરેજમાં મૂક્યું. પછી ઘરના રસોડામાં બધું લઈ ગયા. બે અઠવાડિયા પછી એમને ખાલી પ્લાસ્ટિકની થેલીની જરૂર પડી અને ગેરેજના ખૂણામાં પડેલી થેલીઓ તપાસતા હતા ત્યાં એમને બે અઠવાડિયા પહેલાં ખરીદેલી નારંગી સાથેની થેલી હાથમાં આવી. થેલી ખોલીને જોયું તો તેમને નવાઈ લાગી. બે અઠવાડિયાં પહેલાં ખરીદેલી નારંગી ગરમીની મોસમમાં સડી જવાને બદલે બિલકુલ બગડી ગઈ નહોતી! નારંગી બજારમાંથી લીધેલી હતી તેવી જ સ્થિતિમાં એ નારંગીઓ તાજી જ લાગતી હતી! નારંગી ખોલીને જોયું તો નારંગીનો અંદરનો ભાગ સડેલો લાગતો નહોતો! એમને ખ્યાલ આવ્યો કે નારંગીની ખેતીમાં વાપરેલી ઝેરી જંતુનાશક દવાને કારણે નારંગી તાજી રહી છે. એટલે એમણે એ નારંગી ખાવાને બદલે સીધી કચરાપેટીમાં ખાલી કરી.

આજે ખેતરમાં શાકભાજી ઊગે ત્યારે, છોડ પર કે ઝાડ પર ફૂલ થાય ત્યારે, ફળ આવે ત્યારે, એના પર વિવિધ પ્રકારની ઝેરી દવાઓ અને અન્ય રાસાયણિક દ્રવ્યો છાંટવામાં આવે છે. ફળ થાય ત્યારે એમાં જીવજંતુઓ પેસી ન જાય કે ખાઈ ન જાય તે માટે પણ દવાને નામે ઝેરી રસાયણો છાંટવામાં આવે છે. વળી, ફળ જલલ્દી પાકું થાય અને પાકેલું ફળ સડી ન જાય તે માટે પણ ઝેરી દવાઓ છાંટવામાં આવે છે કે, રસાયણના દ્રવ્યમાં ડૂબાડીને ‘ધોઈ’ નાંખવામાં આવે છે. આવાં ફળો અને શાકભાજી સાથે આપણા પેટમાં જતા ઝેરથી આપણે નાનામોટા રોગોનો ભાગ બનીએ છીએ.

અંગ્રેજીમાં કહેવત છે કે, જરૂરિયાત નવી શોધની માતા છે. ઝેરી દવાઓ કે અન્ય રીતે મલિન થયેલી શાકભાજી કે ફળને સ્વચ્છ કરવા માટે અને ઝેરી દવાઓ કે અન્ય ગંદકી દૂર કરવા માટે સંશોધકોએ ‘વેજ વાષ’ નામે એક પદાર્થ બજારમાં મૂક્યો છે. એની જાહેરાત કહે છે કે, આપણે સાબુથી હાથ સ્વચ્છ કરીએ છીએ એ જ રીતે ‘વેજ વાષ’થી બજારમાંથી લાવેલાં શાકભાજી અને ફળો ધોઈને સાફ કરી શકાય છે, ઝેર મુક્ત કરી શકાય.

બીજી બાજુ, ઘણા લોકો જૈવિક ખેતી તરફ વળ્યા છે. કોઈ ઝેરી દવા કે અન્ય રસાયણો વાપર્યા વિના પેદા કરેલા શાકભાજી અને ફળોની અલગ દુકાનો હવે બજારમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. રસોડામાંથી જે જૈવિક કચરો નીકળે છે તેને ખાતર તરીકે વાપરીને લોકો માટીના કુંડામાં ફૂલછોડ અને શાકભાજી ઉગાડતા હોય છે. આવી બધી બાબતો બતાવે છે કે, આપણે તબિયત સાચવવા માટે આપણે આપણા ખોરાકની બાબતમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.

આમ, ફક્ત ખોરાક અને તબિયતની બાબતમાં જ નહિ પણ આપણા સમગ્ર જીવનમાં આપણા પર્યાવરણને સાચવવા અને પર્યાવરણ પોષક પગલાં લેવાની તાતી જરૂર છે.

ભાષા અને ભાષાવાર રાજ્યરચના વિશે ડૉ. આંબેડકરના વિચારો

ભાષા અને ભાષાવાર રાજ્યરચના વિશે ડૉ. આંબેડકરના વિચારો
ફાધર વર્ગીસ પૅાલ

ડૉ. ભીમરાવ આંબેડકરની ઘણી ઓળખ છે. એમાં કેટલીક ઓળખ ખાસ નોંધપાત્ર છે. ભારતીય બંધારણના ઘડવૈયા, સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રિમ સેનાની, દલિતોદ્વારના મસીહા, અસ્પૃશ્યતા-નિવારણના લડવૈયા. પણ મને ડૉ. આંબેડકરને વૈચારિક આગેવાનીના મશાલચી તરીકે ઓળખવા ખાસ ગમે છે. પરંતુ આંબેડકરનું ચિંતન તથા એમનાં દર્શન અને દીર્ધર્દષ્ટિ એટલાં બધાં વિશાળ છે; એમની કુશાગ્ર બુદ્ધિ અને આગવી સૂઝબૂઝ અજોડ છે કે એમને કોઈ એક ઓળખમાં મર્યાદિત કરી ન શકાય. છતાં ભાષા અને ભાષાવાર રાજ્ય રચનાના એમના વિચારો તપાસીએ ત્યારે વૈચારિક આગેવાનીના મશાલચી તરીકેની ડૉ. આંબેડકરની ઓળખ છતી થાય છે.

dr-ambedkar4

આપણે જાણીએ છીએ તેમ આંબેડકર ભારતીય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. ભારતની સ્વતંત્રતા અને બંધારણની રચના વખતે ભાષાવાર રાજ્યરચના કરવાની માગણી હતી. પરંતુ આંબેડકર “ભાષાવાર રાજ્યો પરના વિચારો” (થોટ્સ ઍાન લિન્ગ્વિસ્ટિક સ્ટેટ્સ – Thoughts on Linguistic States) પુસ્તકમાં જણાવે છે તેમ તે વખતે પ્રશ્નનો ઉકેલ શોધવાનો પૂરતો સમય નહોતો. એટલે આંબેડકર જેવા બંધારણના ઘડવૈયાઓએ બંધારણની રચના વખતે ભાષાવાર રાજ્યોની વિભાજનની જરૂરિયાત જોઈ હતી અને બંધારણના ઘડતરમાં સમયના અભાવે ભાષાવાર રાજ્યોની રચના કરવાને બદલે એ દિશામાં બંધારણનો માર્ગ ખૂલ્લો મૂક્યો છે. બંધારણ કલમ (article) ૩ મુજબ સંસદને નવાં રાજ્યોથી રચના કરવા માટેની સત્તા આપવામાં આવી છે. કારણ, ડૉ. આંબેડકર કહે છે તેમ, ભાષાવાર રાજ્યો પુનર્રચના કરવાની ખૂબ માગણી હોવા છતાં બંધારણ સમિતિ પાસે રાજ્યોની ભાષાવાર પુનર્રચના કરવાનો સમય નહોતો.

જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળની ભારતની પ્રથમ સરકારે ભાષાવાર રાજ્યરચનાના સળગતા પ્રશ્નને લઈને ૧૯૫૨માં રાજ્ય પુનર્રચના પંચ (“સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન કમિશન” – State Reorganization Commission)ની રચના કરી. પણ એ સમિતિની ચર્ચાવિચારણામાં આંબેડકર માંદગીને કારણે ભાગ લઈ શકયા નહોતા.

આ સંદર્ભમાં ડૉ. આંબેડકરને લાગ્યું કે ભાષાવાર રાજ્યરચનાનો સળગતો પ્રશ્ન ખૂબ મહત્વનો છે. એટલે ૧૯૫૫માં ભાષાવાર રાજ્યરચના સમિતિનો અહેવાલ બહાર પાડ્યા પછી એ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એમણે “ભાષાવાર રાજ્યો પરના વિચારો” (“Thoughts on Linguistic States”) નામે એક પુસ્તક લખ્યું અને મુખ્યત્વે એ જ પુસ્તકને આધારે આ લેખ લખું છું.

ડૉ. આંબેડકરનો મત સ્પષ્ટ હતો કે, ભાષાવાર રાજ્યની પુનર્રચના કોઈ ઝઘડાખોર માણસોના લાભાર્થે કે કોઈ રાજકીય પાર્ટીના ફાયદા માટે કરવી ન જ જોઈએ. પણ cold blooded reasoningને આધારે, ઠંડા કલેજે કરેલી બૌદ્ધિક દલીલોને આધારે, હા, એટલે નક્કર વિચારશક્તિને આધારે ખરાખોટા ગણીને ભાષાવાર રાજ્ય પુનર્રચના પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.

પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ. આંબેડકર લખે છે: “ભાષાવાર રાજ્યની રચના એક સળગતો પ્રશ્ન છે. મને ખેદ છે કે સંસદમાં એની ચર્ચામાં હું ભાગ લઈ શક્યો નથી. દેશભરની વિવિધ રાષ્ટ્રીય પાર્ટીઓએ પોતપોતાના મતની તરફેણમાં એની ચળવળ ચલાવી હતી ત્યારે પણ હું એમાં ભાગ લઈ શક્યો નથી. ભાષાવાર રાજ્યની રચના ખૂબ મહત્વની બાબત છે કે એ અંગે મૌન રાખી શકાય નહીં. પણ કારણ જાણ્યા વિના ઘણા લોકોએ તો મારી ટીકા કરી છે કે હું આ બાબતમાં મૌન રહ્યો! એટલે મારા વિચારોને હું લેખિત સ્વરૂપે આપું છું.”

ડૉ. આંબેડકરે Thoughts on Linguistic Statesમાં સૌપ્રથમ સાંપ્રત બંધારણ મુજબનાં રાજ્યોની યાદી આપ્યા પછી રાજ્ય પુનર્રચના સમિતિનો અહેવાલ ટૂંકમાં સમજાવ્યો છે. એ અહેવાલનાં સારાં પાસાંનો ઉલ્લેખ કર્યા પછી આંબેડકરે એની ખામીઓ અને ઊણપો તરફ આંગળી ચીંધી છે. રાજ્ય પુનર્રચના સમિતિએ “એક ભાષા એક રાજ્ય”ના સિદ્ધાંતને અનુસરીને રાજ્ય પુનર્રચનાની દરખાસ્ત મૂકી હતી. એ દરખાસ્ત મુજબ ૮ રાજ્યોમાં એકથી બે કરોડની વસ્તી હતી. બીજાં ચાર રાજ્યોની વસ્તી બે કરોડ અને ચાર કરોડ વચ્ચે હતી. વળી, એક રાજ્યની વસ્તી ચાર કરોડ ઉપર છે ને છેલ્લે સૌથી વધારે વસ્તીવાળા રાજ્યમાં ૬ કરોડથી વધારે લોકો હતા.

ભાષાવાર “એક ભાષા એક રાજ્ય” ને આધારે કરેલી પુનર્રચના સમિતિની આ દરખાસ્તને ડૉ. આંબેડકરે ‘ફનટાસ્ટિક’ એટલે ‘વિલક્ષણ’ કે ‘અતિશય કાલ્પનિક’ કહ્યું છે. સમિતિની ર્દષ્ટિએ રાજ્યોના નાનામોટા કદ તરફ કોઈ ધ્યાન આપવા જેવું નહોતું. પરંતુ ડૉ. આંબેડકરની ર્દષ્ટિએ ભાષાવાર રાજ્યોનું કદ ઘણી રીતે ખૂબ મહત્વ ધરાવતું હતું.

ડૉ. આંબેડકર માનતા હતા કે, રાજ્ય પુનર્રચનામાં રાજ્યોનાં ખૂબ નાનાં કે ખૂબ મોટાં કદ વાસ્તવિક અને પ્રાયોગિક નહોતાં. વળી, ચાર કે છ કરોડથી ઉપર વસ્તીવાળાં ખૂબ મોટાં રાજ્યો સરકારી વહીવટ અને વ્યવસ્થાપનની ર્દષ્ટિએ જટિલ પ્રશ્નો ઊભા કરશે.
ડૉ. આંબેડકરની ર્દષ્ટિએ રાજ્ય પુનર્રચના સમિતિના અહેવાલમાં હજી એક ખાસ નોંધપાત્ર ઊણપ રહી ગઈ હતી. સમિતિએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેના સંબંધને ધ્યાનમાં લીધો જ નહોતો. સમિતિની ર્દષ્ટિએ નિરુપદ્રવી લાગતો આ પ્રશ્ન ડૉ. આંબેડકરને મન ખૂબ ઝેરીલો હતો અને આ ઝેરને તરત જ કાઢી નાખવાની જરૂર હતી.

ડૉ. આંબેડકરે આવાં બધાં વિધાન કર્યાં છે ત્યારે યોગ્ય દાખલા-દલીલોથી પોતાનાં વિધાનોનું સમર્થન પણ કર્યું છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેના સંબંધોમાં આંબેડકર ‘યુનાઇટેડ સ્ટેટસ ઍાફ અમેરિકા’ (USA)નો દાખલો આપીને કહે છે કે, “ભારતને ‘યુનાઇટેડ સ્ટેટસ ઍાફ ઇન્ડિયા’ પણ કહી ન શકાય. કારણ, આપણે એવી ભાવનાથી ખૂબ દૂર છે. સશક્ત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં છૂટાંછવાયાં રાજ્યો દ્વારા આપણે કદી એક અને અખંડ ભારતના ધ્યેયને પહોંચી ન શકીએ?”

ડૉ. આંબેડકરે Thoughts on Linguistic Statesના બીજા ભાગમાં ભાષાવાર રાજ્યોની પુનર્રચનાની તરફેણમાં અને એના વિરોધમાં દાખલા-દલીલો રજૂ કર્યાં છે.

યુરોપના દેશોનાં અને અમેરિકાનાં બંધારણોના દાખલાઓ આપીને ડૉ. આંબેડકર કહે છે કે, એ બધા દેશોમાં સાર્વત્રિક રીતે “એક રાજ્ય, એક ભાષા”ના સિદ્ધાંતને અપનાવવામાં આવ્યાં છે. જૂના ઍાસ્ટ્રિયન સામ્રાજ્ય અને જૂના તુર્કી સામ્રાજ્યના દાખલા આપીને આંબેડકરે જણાવ્યું છે કે, બહુભાષીય રાષ્ટ્રો વહેલાંમોડાં છિન્નભિન્ન થયાં છે. એટલે આંબેડકરનું કહેવું હતું કે, બહુભાષીય રાજ્યરચના કરવામાં આવે તો ભારતની પણ એવી દશા થશે. ફક્ત એક જ ભાષાવાળા રાજ્યમાં સ્થિરતા છે; જયારે બહુભાષીય રાજ્યમાં અસ્થિરતા અને ભાગલા છે.

ડૉ. આંબેડકરના મતે રાજ્યની રચના સંગાથ-ભાવનાને આધારે થતી હોય છે (“A state is built on fellow feeling”). સંગાથ ભાવના એટલે એકતાની સામુદાયિક લાગણી. આ સંગાથ ભાવનાથી બધા લોકો એકબીજાનાં સગાંસંબંધીઓ લાગે. પણ આ લાગણી બે ધારની તલવાર જેવી છે. કારણ, એક બાજુ પોતાના બધા લોકો માટે સગાંસંબંધી જેવી સંગાથ ભાવના હોય છે તો બીજી બાજુ બીજા બધા લોકોને માટે સંગાથ ભાવનાની બહાર અન્ય હોવાની લાગણી ને ભાવના છે. કારણ, તેઓ સંગાથ વર્તુળ બહારના અન્ય લોકો છે.

રાજ્ય પુનર્રચના પંચે પોતાના અહેવાલમાં “એક ભાષા, એક રાજ્ય”ના સિદ્ધાંતને અનુસરવાની દરખાસ્ત મૂકી હતી. રાજ્ય પુનર્રચના સમિતિ માનતી હતી કે, ભાષાવાર એક રાજ્યની રચનામાં એ ભાષા બોલતા બધા લોકો આવી જાય. પરંતુ એની સામે ડૉ. આંબેડકરે “એક રાજ્ય, એક ભાષા” સિદ્ધાંત રજૂ કર્યો. “એક રાજ્ય, એક ભાષા”ની વાત શું કહેવા માગે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. આંબેડકર લખે છે: ભાષાવાર રાજ્ય એટલે બે પ્રકારના હોઈ શકે. એક, એક ભાષા બોલતા બધા લોકો એક જ રાજ્ય વહીવટની અંદર આવી જાય. બે, ભાષાવાર રાજ્યનો અર્થ એ પણ હોઈ શકે કે, એક જ ભાષા બોલનાર લોકો એકથી વધારે રાજ્યોમાં વહેંચાઈ શકે; પણ એ દરેક રાજ્ય વહીવટની અંદર એક જ ભાષા બોલનાર લોકો હોય.

“એક રાજ્ય, એક ભાષા”ના સિદ્ધાંત મુજબ સરકારી વહીવટ અને વ્યવસ્થાપનને ધ્યાનમાં લઈને એક જ હિન્દી ભાષાવાળા ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ જેવાં મોટાં રાજ્યોને એક જ હિન્દી ભાષાના જુદાંજુદાં રાજ્યોમાં વિભાજિત કરવા ડૉ. આંબેડકરે દરખાસ્ત મૂકી હતી. દાખલા તરીકે આંબેડકર ઉત્તર પ્રદેશને ત્રણ રાજ્યોમાં વિભાજિત કરવા માગતા હતા.

“એક રાજ્ય, એક ભાષા”ના સિદ્ધાંતને આધારે રાજ્યની પુનર્રચના કરવા પાછળ આંબેડકરે ચાર કારણો રજૂ કર્યાં છે: (૧) કાર્યક્ષમ વહીવટની ક્ષમતા, (૨) વિવિધ વિસ્તારોની આગવી જરૂરિયાતો, (૩) વિવિધ વિસ્તારના લોકોનો મનોભાવ અને (૪) લઘુમતી અને બહુમતી લોકોની વસ્તીની ર્દષ્ટિએ તુલનાત્મક પરિસ્થિતિ. વંશીય અને સંસ્કૃતિય સંઘર્ષમાંથી લોકોને બચાવવા માટે પણ “એક રાજ્ય, એક ભાષા”ના સિદ્ધાંતને ડૉ. આંબેડકરે અનિવાર્ય ગણ્યો છે.

રાજ્ય પુનર્રચના સમિતિએ તે વખતના બૅાબ્બે રાજ્યને મિશ્ર રાજ્ય (Mixed State) તરીકે એટલે મરાઠી અને ગુજરાતી લોકોના સંયુક્ત રાજ્ય તરીકે રહેવા દીધું હતું. પરંતુ ડૉ. આંબેડકરને મન સંયુક્ત બૅાબ્બે રાજ્ય તરીકે રહેવા દેવાની દરખાસ્ત જ વિચિત્ર હતી. કારણ, ગુજરાતીઓ અને મરાઠી લોકો વચ્ચે કોઈ સંપસુમેળ નહોતો; પરંતુ દુશ્મનાવટ હતી. એટલે ડૉ. આંબેડકર માટે સંયુક્ત બૅાબ્બે રાજ્ય નિષ્ફળ લોકશાહીનો બોલતો દાખલો હતો. જૂથવાદી રાજકીય પક્ષોની અથડામણ અને સરકારી વહીવટદારોનું ભેદભાવયુક્ત વર્તન સંસ્કૃતિ કે મિશ્ર ભાષાવાળા રાજ્યમાં હંમેશાં હાજર હોય છે કે, લોકશાહી ત્યાં નિષ્ફળ જાય. ડૉ. આંબેડકરે મિશ્ર રાજ્યનો સખત વિરોધ કરતાં એકરાર કર્યો છે કે, કેનેડા, સ્વિટ્ઝરલૅન્ડ અને સાઉથ આફ્રિકા જેવાં રાષ્ટ્રોમાં બે કે વધારે ભાષાઓ હોય છે. પરંતુ કહે છે કે આ દેશોના લોકોની આજન્મ માનસિક શક્તિ (genius) અને ભારતીય લોકોની આજન્મ માનસિક શક્તિ વચ્ચે મોટો ભેદ છે. ભારતના લોકોની આજન્મ માનસિક શક્તિ વિભાજિત કરનારી છે તો બીજાની એ શક્તિ એકતાવાળી છે.

ડૉ. આંબેડકરે રજૂ કરેલાં કારણોને લઈને તેઓ ઉત્તર પ્રદેશની જેમ મધ્ય પ્રદેશને ઉત્તર પ્રદેશ અને દક્ષિણ મધ્ય પ્રદેશ એમ બે રાજ્ય રચવા ઇચ્છતા હતા. એ જ રીતે બિહારને પટના અને રાંચી એમ બે પાટનગરો બનાવીને બે રાજ્ય કરવા માગતા હતા.

ડૉ. આંબેડકરની દરખાસ્તના ૪૫ વર્ષ પછી ૨૦૦૦માં ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્ય અને બિહારમાંથી ઝારખંડ રાજ્ય અલગ તારવવામાં આવ્યાં. આમ, આંબેડકર સાચા ઠર્યા અને ભારતના રાજકીય પક્ષોને આંબેડકરની દીર્ધર્દષ્ટિનો ખ્યાલ આવ્યો. એ જ રીતે ૨૦૧૪માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણ રાજ્યની રચના થઈ છે. એક જ તેલગુ ભાષામાં બે રાજ્યો થયાં. રાજ્યોની આ પુનર્રચનામાં ડૉ. આંબેડકરે આપેલા ‘એક રાજ્ય, એક ભાષા’ના સિદ્ધાંતનાં ચાર કારણોનું વજૂદ આપણે જોઈ શકીએ છીએ.

‘એક રાજ્ય, એક ભાષા’નો સિદ્ધાંત આંધ્ર પ્રદેશ જેવાં ખૂબ મોટાં રાજ્યોમાં ૪૫ વર્ષ માટે ટક્યો હોય તો એનું કારણ, ડૉ. આંબેડકરે જણાવ્યું છે તેમ, કોંગ્રેસ પાર્ટી અને એની શિસ્ત છે. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી નબળી પડી ત્યારે એનું વિભાજન થયું અને આંબેડકરની આગાહી સાચી પડી.
‘એક રાજ્ય, એક ભાષા’ના સિદ્ધાંતને આધારે ૧૯૬૦માં બૅાબ્બે સંયુક્ત રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્ય થયાં ત્યારે ફરી એક વાર ડૉ. આંબેડકરના વિચારો અમલમાં મુકાયા અને લોકશાહી શાસનતંત્રનો વિજય થયો.

‘એક રાજ્ય, એક ભાષા’ને આધારે ભારતની પુનર્રચના કરવાની દરખાસ્તનાં ફાયદાઓ અને જરૂરિયાતો (આવશ્યકતા) વિશે દાખલાદલીલથી સમજાવ્યા પછી એમાં સમાયેલા ખતરાઓ અંગે પણ આંબેડકરે વાત કરી છે.

ભાષાવાર રાજ્યમાં જયારે પોતાની પ્રાન્તીય ભાષા રાજ્યની અધિકૃત ભાષા બને છે ત્યારે તે રાજ્ય સ્વતંત્ર રાષ્ટ્ર બનવા તરફ જઈ શકે. ડૉ. આંબેડકર કહે છે કે, સ્વાધીન રાજ્ય અને સ્વતંત્ર રાષ્ટ્ર વચ્ચેનો માર્ગ સાંકડો છે. એટલે સ્વાધીન રાજ્યો સ્વતંત્ર રાષ્ટ્ર બની જાય તો ભારત અત્યાધુનિક રાષ્ટ્ર બનવાને બદલે મધ્યયુગીય બનશે અને રાજ્યો વચ્ચે ચડસાચડસી અને યુદ્ધો ચાલ્યા કરશે!

એક જ ભાષા લોકોને એક કરી શકે છે. બે ભાષાથી લોકોમાં ભાષાવાર ભાગલા પડી શકે છે. આ તો નમતું ન આપે એવો નિષ્ઠુર નિયમ છે. ભાષા દ્વારા જ સંસ્કૃતિ સચવાય છે. ભારતના નાગરિકોની એકતા અને એના દ્વારા એક સામાન્ય સંસ્કૃતિ વિકસાવવા માગતા હોવાથી ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, હિન્દી ભાષાને પોતાની રાષ્ટ્રભાષા તરીકે અપનાવવાની બધા ભારતીયજનોની પવિત્ર ફરજ છે.

હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે અપનાવવાની દરખાસ્ત સામે દક્ષિણના લોકોનો ખાસ વિરોધ હતો. ભારત સ્વતંત્ર થયાના સમયે અંગ્રેજી શાસનના વારસારૂપે વહીવટ અને કોર્ટકચેરીની ભાષા અંગ્રેજી રહી હતી. પરંતુ આંબેડકરે નોંધ્યું છે તેમ દેશના ૪૮ ટકા લોકો હિન્દી ભાષી હતા કે હિન્દી સમજતા હતા. એટલે રાષ્ટ્રભાષાની ચર્ચા અને ચળવળને અંતે લાંબે ગાળે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની દરખાસ્ત હતી.

પરંતુ ‘રાષ્ટ્રભાષા’ના સળગતા પ્રશ્નના તત્કાલીન ઉકેલ તરીકે દરેક રાજ્યની સ્થાનિક ભાષા સાથે અંગ્રેજી અને હિન્દીનો સમાવેશ કરીને ત્રણ ભાષાનો સિદ્ધાંત સમગ્ર રાષ્ટ્ર માટે સ્વીકારવામાં આવ્યો. એટલે જ્યાં હિન્દી માતૃભાષા નથી તે બધાં રાજ્યોમાં પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસક્રમમાં હિન્દી ભણાવવામાં આવે છે. વળી, સિનેમા જેવા માધ્યમો દ્વારા હિન્દીભાષા સમગ્ર દેશમાં પ્રભાવ પાડી શકી છે. છતાં, આજ સુધી રાષ્ટ્રભાષા તરીકે હિન્દી દેશભરમાં સર્વવ્યાપક બની શકી નથી, એ એક નરી વાસ્તવિકતા છે.

છેલ્લે યાદ કરીએ કે, મહાગુજરાત આંદોલન અને ચળવળમાં ડૉ. આંબેડકરનો વૈચારિક અને સૈદ્ધાંતિક ફાળો હતો. એટલે ગુજરાત દીર્ધદ્રષ્ટા ડૉ. ભીમરાવ આંબેડકરનું ઋણી છે.

#
Last change: April 16, 2016
Next change on: May 1, 2016
Copyright Fr. Varghese Paul, SJ, 2016

Mistric Kaviyitri Sister Benigna

મિસ્ટિક કવયિત્રી સિસ્ટર બેનીજ્ઞા
ફાધર વર્ગીસ પૅાલ
એક સાહિત્યકાર માટે મોટામાં મોટો ઍવોર્ડ એક જ છે. એમનું સાહિત્ય સમય અને કાળની મર્યાદાઓ ઓળંગીને હંમેશાં વંચાય. મલયાલમ ભાષાની એવી એક મિસ્ટિક કવયિત્રી છે મેરી જોન તોટ્ટમ્ ઉર્ફે સિસ્ટર મેરી બેનીજ્ઞા.
વર્ષો પહેલાં મેં મલયાલમ ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલી નવલકથા ‘એક સ્તોત્રગાનની જેમ…’ના લેખક પેરુમ્પડવમ્ શ્રીધરન પાસેથી પહેલી વાર કવયિત્રી સિસ્ટર બેનીજ્ઞાનું નામ સાંભળ્યું હતું. એ નવલકથાના આમુખમાં મેં નોંધ્યું છે તેમ શ્રીધરન પોતાના ગામ પાસે ઈલજ્ઞી ખાતે હાઇસ્કૂલમાં ભણવા ગયા ત્યારે તેમને સ્કૂલનાં અધ્યાપિકા અને મલયાલમ ભાષાનાં એક ખૂબ જાણીતાં કવયિત્રી મેરી જોન તોટ્ટમ્ ઉર્ફે સિસ્ટર મેરી બેનીજ્ઞાને મળવાનું સદભાગ્ય મળ્યું. સિસ્ટર બેનીજ્ઞાને મળતાં પહેલાં બાળક શ્રીધરનને એમના કાવ્યગ્રંથો ‘કવિતારામ’ (૧૯૨૭), ‘ગીતાવલી’ (૧૯૨૯), વગેરે વાંચ્યા હતા. સિસ્ટર બેનીજ્ઞાને પ્રથમ વાર મળ્યા ત્યારે એમને જોતાં જ રહી ગયાની વાત લેખકે ક્યાંક નોંધી છે.
આ રીતે નવલકથાકાર શ્રીધરનની ર્દષ્ટિએ સિસ્ટર બેનીજ્ઞાને મળ્યા પછી હું મલયાલમમાં અને અંગ્રેજીમાં એમનાં કાવ્યો વાંચતો આવ્યો છું. પરંતુ આ નિબંધ લખવામાં મને ચાનક ચઢાવનાર એક સમાચાર છે. આન્ધ્રપ્રદેશમાં કુપ્પ્મ ખાતે એક દ્રવિડ યુનિવર્સિટી છે. એ યુનિવર્સિટીમાં પાંચ ભાષાઓનો અભ્યાસ તથા સંશોધન ચાલે છે. ભાષાઓ છે, તેલુન્ક, તમિલ, કન્નડ, તુલુ અને મલયાલમ. એ દ્રવિડ યુનિવર્સિટીએ એક નવું અભ્યાસકેન્દ્ર સ્થાપવાનો નિર્ણય લીધો અને એનું નામ પાડ્યું ‘સિસ્ટર મેરી બેનીજ્ઞા સેન્ટર ફોર મલયાલમ સ્ટડિઝ’. કેરલ બહાર મલયાલમના અભ્યાસના કેન્દ્ર માટે સિસ્ટર મેરી બેનીજ્ઞાનું નામ આપતું હોય તો એવાં નામંકિત કવયિત્રી વિશે જાણવા ગુજરાતના સાહિત્યપ્રિય વાચકોને સ્વાભાવિક રીતે રસ હોય.
ભારતીય પરંપરાની જીવનવ્યવસ્થામાં ચાર આશ્રમો છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. નવોદિત કવયિત્રી તરીકે નામના મેળવનાર મહિલા મેરી જોન તોટ્ટમ્ મલયાલમ અને સંસ્કૃત ભાષાસાહિત્યોમાં પ્રભુત્વ મેળવ્યા પછી ‘મધર કાર્મેલ’ સાધ્વીસંઘમાં ૨૯ વર્ષની ઉંમરે જોડાયાં. એટલે યુવાન કવયિત્રી મેરી જોન તોટ્ટમ્ બ્રહ્મચર્યાશ્રમથી કૂદકો મારીને સીધાં સંન્યસ્તાશ્રમમાં પહોંચી ગયાં.
તે વખતે લોકોનો પ્રતિભાવ હતો કે એક કોમળ પંખીને શિકારીના પીંજરામાં બંધ કરી દેવામાં આવ્યું છે! સંન્યસ્ત જીવનને કેવળ ભૌતિક ર્દષ્ટિથી જોનાર લોકોનો એ પ્રતિભાવ હતો. એની સામે સિસ્ટર બેનીજ્ઞાના પ્રતિભાવમાં એમનો મિસ્ટિસિસમ (Mysticism) કે આધ્યાત્મિક રહસ્યવાદ જોઈ શકાય છે. સિસ્ટર બેનીજ્ઞાએ લખ્યું, “એ કોયલ કોઈ પણ શિકારીની જાળમાં કદી ફસાશે નહિ. કોઈ પીંજરામાં કદી બંધ થશે નહિ. પર્વતો અને ઊંચાં ગિરિશિખરોથી પાર ટોચ પર વિરાજતી મેઘમાળાઓથી દૂર લટકાયેલા બાબિલોન ઉદ્યાનમાં એમનો વાસ છે.”
પોતાના આધ્યાત્મિક જીવનના સ્વર્ગીય આનંદને ફક્ત એક મિસ્ટિક કવયિત્રી સિસ્ટર બેનીજ્ઞાની જ આવી રીતે વર્ણવી શકે કે (એમનું આનંદમય સંન્યસ્ત જીવન પર્વતો અને ઊંચા ગિરિશિખરોથી પાર ટોચ પર વિરાજતી મેઘમાળાઓથી દૂર લટકાયેલા બાબિલોન ઉદ્યાનમાં છે.) ગુજરાતીમાં એક ગીત છે કે, ‘ઈશ્વર પ્રેમસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, શાંતિસ્વરૂપ છે.’ મિસ્ટિક કવયિત્રી સિસ્ટર બેનીજ્ઞાની આવી પ્રેમસ્વરૂપ-આનંદસ્વરૂપ-શાંતિસ્વરૂપ ઉદ્યાનની અનુભૂતિ એક સામાન્ય માણસ કે કવિ પણ સહેલાઈથી સમજી ન શકે.
આપણા ગુજરાતી કવયિત્રી મીરાંની કાવ્યપંક્તિઓમાં ભગવાન સાથે તાદાત્મય સાધ્યાની તેમની આવી અનુભૂતિ આપણે પારખી શકીએ. “મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ, મુને લહે લાગી રે હરિ નામની રે”.
સિસ્ટર બેનીજ્ઞાના દસથી વધારે કાવ્યસંગ્રહો છે. એમના સાહિત્યમાં બે મહાકાવ્યો, દસેક ખંડકાવ્યો, ૩૫૦થી ઉપર કવિતાઓ સાથે ‘વાનમ્પાડી’ નામે આત્મકથાનો પણ સમાવેશ થાય છે. એમાં કદાચ સિસ્ટર બેનીજ્ઞાનું સૌથી વધારે પ્રસિદ્ધ પામેલું એક કાવ્ય ‘લોક્મે યાત્રા’ (હે દુનિયા, આવજો) છે. મધર કાર્મેલ સાધ્વીસંઘમાં દાખલ થતી વખતે યુવાન કવયિત્રી મેરી જોન તોટ્ટમે લખેલી એ કવિતા ઇન્ટરનેટ પર વાંચી અને એનું કાવ્યપઠન પણ મેં મલયાલમમાં સાંભળ્યું. અંગ્રેજીમાં પણ એનો અનુવાદ થયો છે. કવયિત્રીએ લખેલા એ છંદોબદ્ધ કાવ્યની એક પંક્તિનો મેં કરેલો અછાંદસ અનુવાદ અહીં આપું છું:
“મારા જન્મના દિવસથી લાડ લડાવીને
ખૂબ સારસંભાળથી મને જોઈતી
બધી વસ્તુઓ મને આપીને
મારું આદરમાન કરનાર
હે દુનિયા, હું તને વંદન કરું છું…”
આ કવિતામાં કવયિત્રી મેરી જોન મધર કાર્મેલ સાધ્વીસંઘમાં દાખલ થતી વખતે પોતાના કુટુંબનાં, ગામનાં, સ્કૂલનાં માણસોથી માંડી ઘણા બધા લોકોને અને પોતાના દેશને પણ ‘આવજો’ કહે છે. એમાં એમની કવિતાની મનોહારિતા અને સૌન્દર્ય જ નહિ પણ જીવન અંગેની વિશાળ ર્દષ્ટિ, સમગ્ર સૃષ્ટિ પરનો પ્રેમ, ભગવાન પરની શ્રદ્ધા, ફિલસૂફી વગેરે ઘણી બાબતો વાચા પામે છે. અહીં કોઈ પ્રત્યે ધિક્કાર નથી પણ બધા પ્રત્યેના પ્રેમ સાથે પોતાની ત્યાગ-ભાવના અને ભગવાનની અનુભૂતિ પ્રગટ થતી જોઈ શકાય છે.
વળી ‘આવજો’માં સાહિત્યના પ્રતિકરૂપ પોતાની કલમનો પણ સમાવેશ થાય છે. ‘કલમ’ને ‘આવજો’ કરવાની વાતમાં સ્વાભાવિક રીતે મને પ્રખર અંગ્રેજ કવિ જોન હોપ્કિનની યાદ આવે છે. યુવાન જોને કિશોરાવસ્થામાં ખૂબ કાવ્યો લખ્યાં હતાં. પરંતુ તેઓ ઈસુસંઘ નામના સંન્યસ્ત સંઘમાં દાખલ થયા તે પહેલાં તેમણે લખેલાં પોતાનાં બધાં કાવ્યો બાળી નાખ્યાં! તે વખતે અને તેમના સમગ્ર જીવન દરમિયાન ખૂબ ઓછાં કાવ્યો છાપાં-સામયિકોમાં છપાયાં હતાં. પરંતુ એમના મૃત્યુ પછી એમનાં કાવ્યોના સંગ્રહો બહાર પડ્યા અને અંગ્રેજી ભાષાના ઉચ્ચ કોટિના કવિ તરીકે તેમને નામના મળી. આજે ઉચ્ચ કોટિનાં ગણાતાં એમનાં મોટા ભાગનાં કાવ્યો એમના મૃત્યુ પછી પ્રકાશિત થયાં છે.
કવયિત્રી બેનીજ્ઞાની બાબતમાં તેઓ ૧૯૨૯માં દાખલ થયાં તે પહેલાં પ્રકાશિત થયેલા એમના પ્રથમ બે કાવ્યસંગ્રહોમાં ‘ગીતાવલી’ (ગીતોનું આકર્ષણ) ૧૯૨૭માં બહાર પડ્યું હતું. અને પછી ૧૯૨૯માં બીજો કાવ્યસંગ્રહ ‘કવિતારામ’ (કવિતાઓનું ઉદ્યાન) પ્રગટ થયો.
ત્યાર પછી પ્રગટ થયેલા સિસ્ટર બેનીજ્ઞાના કાવ્યસંગ્રહ ‘લીલાવતી’ની પ્રસ્તાવના મલયાલમ ભાષાના કવિવર ઉલ્લૂરે લખી આપી છે. એમાં કવિવર ઉલ્લૂર કહે છે, “મેરી’ નામે ઓળખાતી આ કોમલ છોકરી કેવળ એક ખ્રિસ્તીવનીતાથી કંઈક વધારે છે. તેઓ કેરલની અને ભારતની સંસ્કારિત પરંપરાના મુખ્ય પ્રવાહમાં સ્થાન મેળવેલી કોઈ પણ હિન્દુ યુવતી કરતાં વધારે મનોહર કવિતા-ગુણો ધરાવતી એક શક્તિ છે.”
મલયાલમ સાહિત્યના એક વિવેચક વી. જી. તમ્પીએ અઠવાડિક સામયિક ‘સત્યદીપમ્’ના જૂન ૧૮, ૨૦૧૪ના લેખમાં સિસ્ટર બેનીજ્ઞાનાં કાવ્યોને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચ્યાં છે. એક, પોતે અને પોતાના આત્મા સાથેનો સંબંધ; બે, પોતે અને દુનિયા સાથેનો સંબંધ; અને ત્રણ, પોતે અને બીજા બધા લોકો સાથેનો સંબંધ. પ્રસ્તુત લેખમાં તમ્પીએ સિસ્ટર બેનીજ્ઞાએ મધર કાર્મેલ સાધ્વીસંઘમાં જોડાયાં તે પહેલાં ‘આત્માવિન્ટે સ્નેહગીત’ (આત્માનું પ્રેમગીત) નામે લખેલી એક કવિતાની વાત કરી છે.
‘આત્માવિન્ટે સ્નેહગીત’ એક પ્રણયકાવ્ય છે. આત્માના પ્રેમની કવિતા. એમાં છે આત્માનો આનંદ. એમાં છે મિસ્ટિક પ્રેમનું સૌન્દર્ય. એ જ રીતે એમાં પોતાના પ્રિય વતનને છોડવાનું દુઃખ છે. એ સંબંધ છોડી દેવાની વિરહ-વેદના છે. આત્માની શૂન્યતામાંથી પ્રેયસી કેવી રીતે પોતાના પ્રિયતમાને શોધી નીકળે છે તે આ કવિતામાં જોઈ શકાય છે. આ કવિતા ‘આત્માવિન્ટે સ્નેહગીત’ પૂરી કરવામાં યુવાન કવયિત્રીને દસ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યાની વાત એમની આત્મકથામાં છે. કવયિત્રીએ ૧૯૨૬માં શરૂ કરેલી કવિતા ૧૯૩૬માં પૂરી કરી હતી.
વી. જે. તમ્પી જેવા વિવેચકો ‘આત્માવિન્ટે સ્નેહગીત’ને સિસ્ટર બેનીજ્ઞાનાં બધાં કાવ્યોના કેન્દ્રસ્થાને મૂકે છે. કવયિત્રીએ કહ્યું છે કે પોતાને માટે કવિતા એ શ્રદ્ધાની પ્રવૃત્તિ છે. આ શ્રદ્ધા શી છે? પોતાનાથી દૂર થયેલી પૂર્ણતાને પકડી પાડવાની તીવ્ર ઇચ્છાશક્તિનું નામ છે શ્રદ્ધા. તમ્પી કહે છે કે આત્માના આનંદથી છલકાતી આ પ્રકારની કવિતા મલયાલમ ભાષામાં વિરલ છે. દેખીતું છું કે, પોતાની શ્રદ્ધાને વળગી રહીને કાવ્યો લખનાર અંગ્રેજી કવિ મિલ્ટનની જેમ સિસ્ટર બેનીજ્ઞાએ પોતાની શ્રદ્ધાની સરહદો અંદર રહીને કાવ્યો લખ્યાં છે.
તમ્પી વધુમાં કહે છે તેમ, ખ્રિસ્તી શ્રદ્ધાને વળગી રહીને સિસ્ટર બેનીજ્ઞાએ રચેલાં કાવ્યો મલયાલમ સાહિત્યને વધુ વિશાળતા અર્પે છે. બાઇબલના સિદ્ધાંતો જ એમની કવિતાના વિષયોના કેન્દ્રસ્થાને છે. એમાં ઊંડો આધ્યાત્મિક પ્રેમસંબંધ છે, જે ક્રૂસને શોધી નીકળે છે અને ક્રૂસ સાથે નિકટનો પ્રેમસંબંધ રાખે છે. આ પ્રેમકહાની જ સિસ્ટર બેનીજ્ઞા પોતાની સર્જનાત્મક કૃતિઓથી પીરસે છે. આમ જોઈએ તો, ફરી વિવેચક તમ્પીના શબ્દોમાં “મલયાલમ કાવ્યસાહિત્યની આત્મીયતા અને ખ્રિસ્તી આધ્યાત્મિકતાની મોટામાં મોટી સિદ્ધિ છે કવયિત્રી સિસ્ટર બેનીજ્ઞા”.
ભારતીય સાહિત્યમાં રવીન્દ્રનાથ ટાગોર જેવા વિરલ સાહિત્યકારોમાં જોવા મળતી ઊંડી આધ્યાત્મિક કે આત્માનંદ (મિસ્ટિસિસમ – Mysticism) સિસ્ટર બેનીજ્ઞાનાં કાવ્યોમાં પારખી શકાય છે. એમનાં કાવ્યોમાં વ્યક્ત થતો આ આત્માનંદ જ એમને શાશ્વતતા કે અનંતતા બક્ષે છે. એટલે જ આપણે સિસ્ટર બેનીજ્ઞાને મિસ્ટિક કવયિત્રી તરીકે ઓળખીએ છીએ.

(Last Changed : 1-4-2016)
(Next Change : 15-4-2016)
Fr. Varghese Paul © Copyright 2016