દયાવધ કે ઈચ્છામૃત્યુ ઈચ્છનીય છે?

સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટે) ૨૦૧૮ માર્ચ ૯મીએ મારી દ્રષ્ટિએ એક વિવાદાસ્પદ કાયદો ઘડ્યો છે. એના બીજા દિવસે ટાઈમ્સ ઑફ ઇન્ડિયા જેવાં છાપાંઓ અને સામયિકોમાં એના અહેવાલ આવ્યા છે. “ઈચ્છામૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટનો આવકાર્ય ચુકાદો” ના SHIIRSHKશીર્ષક હેઠળ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું આપણું પાક્ષિક ‘નયા માર્ગ’ લખે છે, “હવે ઈચ્છામૃત્યુ અંગેની માર્ગદર્શિકા માટે સંસદમાં કાયદો ઘડાશે અને ભારતમાં અમલી બનશે… અસાધ્ય રોગથી પીડાતા દર્દીને સાચા અર્થમાં મુક્તિ મળશે…”

ઈચ્છામૃત્યુનો અહેવાલ અને ‘નયા માર્ગ’ની વાતથી મારું મન ચકડોળે ચડયું છે. ઈચ્છામૃત્યુ અંગે ઘણાં દાખલાઓ અને દલીલો સાથે મેં અગાઉ બે લેખો કર્યા છે. એમાં એક લેખ ‘મધુર જિંદગી’ અને બીજો લેખ ‘પ્રેમ અને પ્રસન્નતાનો પ્રવાહ’ નામનાં પુસ્તકોમાં પ્રકરણરૂપે સંગ્રહિત પણ થયા છે. છતાં મને લાગે છે કે આ ખૂબ ચર્ચાતા વિષય અંગે સાંપ્રત પરીસ્થિતિમાં વધુ છણાવટ કરવાની જરૂર છે.

ઈચ્છામૃત્યુ અને દયાવધની વાત કરતા પહેલાં આપણું વલણ તપાસીએ, લોકો સામાન્ય રીતે માનવજીવન પ્રત્યે બે પ્રકારનું વલણ દાખવે છે. માણસનું માનવજીવન પ્રત્યેનું વલણ એની દ્રષ્ટિ પર આધારિત છે. માણસની દ્રષ્ટિ બે પ્રકારની હોય છે. એક, માનવજીવન પ્રત્યે ગુણવત્તાવાળી જીવનદ્રષ્ટિ અને બે, માનવજીવન પ્રત્યે પવિત્રતાવાળી જીવનદ્રષ્ટિ.

માનવજીવનની ગુણવત્તામાં માનનાર લોકો માનવજીવનને કોઈ માણસના જીવનને કેવળ ગુણવત્તાને આધારે મૂલવે છે. મતલબ કે, ગુણવત્તા વિનાના માનવજીવનનું કોઈ મૂલ્ય નથી! માનવજીવનની પવિત્રતામાં માનનાર લોકો માને છે કે, માનવજીવન પવિત્ર છે; માનવજીવન ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. જીવન પવિત્ર છે એટલે કોઈ પણ રીતે કે કોઈ પણ  કારણથી માનવજીવનનો નાશ કરી ન શકાય. માણસનું અકુદરતી મૃત્યુ થાય એવું કોઈ પગલું કદી લઇ ન શકાય.

અંગ્રેજીમાં આપણે જેને ‘યુથનેશિયા’ કહીએ તેને માટે ગુજરાતીમાં બે શબ્દો છે: ‘ઈચ્છામૃત્યુ’ અને ‘દયાવધ’. બંને ગુજરાતી શબ્દોમાં નોધપાત્ર ફેર છે. ‘ઈચ્છામૃત્યુ’માં માણસ અમુક ચોક્કસ સંજોગોમાં મૃત્યુને વરવાની પોતાની ઈચ્છા વસિયતનામામાં કે અન્ય રીતે પ્રગટ કરે છે. માણસનું ઈચ્છામૃત્યુ બે રીતે થઇ શકે. એક, માણસે ઈચ્છેલું મૃત્યુ થવામાં માણસનું જીવન ચાલુ રાખનારાં કુત્રિમ તબીબી સાધનો બંધ કરવાથી માણસનું મૃત્યુ થાય છે. બીજી રીતમાં માણસે ઈચ્છેલું મૃત્યુ થાય એ માટે જે ચોક્કસ પગલું લેવામાં આવે છે એનાથી માણસનું મૃત્યુ થાય છે. દાખલા તરીકે માણસે ઈચ્છેલું મૃત્યુ થાય એ માટે એને આપેલી ‘દવા’થી માણસનું મૃત્યુ થાય. અથવા તો બિલકુલ નિ:સહાય વ્યક્તિને આપતાં ખોરાક-પાણી બંધ કરવાથી એનું મૃત્યુ થાય.

દયાવધ એટલે માણસે ચોક્કસ સંજોગોમાં પોતાનું મૃત્યુ થાય એવું ઈચ્છ્યું પણ ન હોય છતાં પણ માણસનું મૃત્યુ થાય એ માટે લાગતાવળગતા માણસે લીધેલું પગલું. દાખલા તરીકે જીવન ટકાવી રાખવા માટેનાં તબીબી સાધનો દર્દીથી દૂર કરવાથી થતું માણસનું મૃત્યુ. કૉમાની સ્થિતિમાં માણસનું જીવન ટકાવી રાખવા માટે ટ્યૂબ દ્વારા દર્દીને ખવડાવવાથી એનું જીવન ટકી રહે છે. પણ એ રીતે દર્દીને ખવડાવવાનું બંધ કરવામાં આવે ત્યારે જરૂરી ખોરાક્પાણીના અભાવે દર્દીનું મૃત્યુ થાય છે.

દયાવધના બીજા પ્રકારમાં ચોક્કસ પગલાં લેવાથી માણસનું મૃત્યુ થાય છે. દાખલા તરીકે કોઈ માણસનું દુ:ખ જોઇને એને મારી નાખવા માટે એના પર દયા ખાઈને એના શરીરમાં પ્રવાહી ઝેર દાખલ કરીને એને મારી નાખવામાં આવે છે. મૃત્યુની શિક્ષા પામેલી વ્યક્તિને મારી નાખવા માટે લેવાતા પગલાને પણ કાયદાકીય દયાવધ કહી શકાય.

ઈચ્છામૃત્યુ કે દયાવધ આખરે ખૂન છે, નરી હત્યા જ છે. હું દ્રઢપણે માનું છું કે, જે માણસ માનવજીવન સર્જી ન શકે તે માણસ કોઈ પણ કારણસર પોતાનો કે બીજાનો જીવ લઇ ન શકે. ઈચ્છામૃત્યુને ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર કહેનાર માણસે સાચો, નિ:સ્વાર્થ પ્રેમ તથા ઊંડી આંતરીક શાંતિ પણ કદી અનુભવ્યાં જ ન હોય. તેમને જીવનનાં છેલ્લાં વર્ષોમાં નિ:સહાય અવસ્થામાં પોતાને નિ:સ્વાર્થ પ્રેમાળ સેવાચાકરી મળી રહેશે એવી કોઈ ખાતરી નથી. દેખીતું છે કે આવા માણસો માનવજીવનને પવિત્ર અને સર્વશ્રેષ્ઠ મૂલ્ય તરીકે આંકી શકતા નથી.

સામાન્ય રીતે ‘ઈચ્છામૃત્યુ’ કે ‘દયાવધ’ના શબ્દો વચ્ચે લોકો કોઈ તફાવત કરતા નથી. સાધારણ વાતચીતમાં દયાવધ કે ઈચ્છામૃત્યુ બે રીતે થાય છે. માણસ મરી જાય એવા હેતુથી લેવાતાં પગલાંથી માણસનું મૃત્યુ થાય અથવા જીવન ચાલુ રાખવા માટે જરૂરી પગલું ન લેવાથી માણસનું મૃત્યુ થાય છે. આ પ્રકારના મૃત્યુમાં મરનાર માણસની ઈચ્છા હોય એવું બને. પણ ઈચ્છા ન હોય છતાં કોઈ માણસ મરનાર માણસની દયા ખાઈને એમનું મૃત્યુ થાય એવા હેતુથી ચોક્કસ પગલું લેતો હોય એવું પણ બને. દાખલા તરીકે માણસને ઝેરી પદાર્થ ખવડાવવાથી કે એના શરીરમાં ઝેર દાખલ કરવાથી માણસનું મૃત્યુ થાય છે. બીજી રીતે નિ:સહાય માણસને જીવવા માટેનાં જરૂરી દવાદારૂ કે ખોરાકપાણીથી દૂર રાખવાથી માણસનું મૃત્યુ થાય.

આ બંને પ્રકારના દયાવધ કે ઈચ્છામૃત્યુ સદાચાર અને નૈતિકતાની વિરુધમાં છે. એમાં માનવતા કે માણસાઈ નથી. ઈચ્છામૃત્યુ કે દયાવધનો કાયદો બને ત્યારે ફ્ક્ત ઉપભોગમાં માનતા લોકો માણસને કેવળ ઉપયોગિતાની દ્રષ્ટીએ મૂલવશે. એટલે જે માણસ એના કુટુંબ કે સમાજના કામના ન હોય; ઊલટું, ભારરૂપ લાગે ત્યારે કેવળ નકામી વસ્તુની પેઠે એને એક યા બીજી રીતે મારી નાખવામાં આ કાયદાનો ટેકો મળશે!

ધારો કે ઘરમાં એક વડીલ માણસ ભારે માંદગીમાં ખૂબ દુ:ખ વેઠે છે અને મરી જવાની ઈચ્છા પ્રગટ કરે છે. અથવા એવા માણસના નજીકનો સંબંધી વડીલની દયા ખાઈને કે, દવાદારૂના ખર્ચની ચિંતા કરીને માંદો ને દુ:ખી માણસ મારી જાય એવું પગલું લેવા તબીબને જણાવે છે.

આવા સંદર્ભમાં કાયદાની દ્રષ્ટીએ દયાવધ કે ઈચ્છામૃત્યુ યોગ્ય ગણાશે. પરંતુ સદાચાર અને નૈતિકતાની દ્રષ્ટિએ દયાવધ કદી યોગ્ય નથી. ઇચ્છનીય નથી. ઘણીવાર પથારીવશ દુ:ખી દર્દી ઈચ્છામૃત્યુ માગે  ત્યારે એની પાછળ જરૂરી મદદ, પ્રેમ, હમદર્દી અને અનુકંપા મેળવવા માટેની તીવ્ર ઈચ્છા હોય છે. હું માનું છું કે, જે દર્દી દુ:ખો વચ્ચે પ્રેમ અને આંતરિક શાંતિનો અનુભવ કરતો હોય એવો માણસ કદી ઈચ્છામૃત્યુ ન માગે. એટલે ઈચ્છામૃત્યુ માટે માગનાર માણસની ખરી માંગણી અને ઝંખના ખરો પ્રેમ, સમજણભરી સેવા અને શાંતિ માટેની છે.

સામાન્ય રીતે  મરવાની અણીએ ખૂબ યાતના અને દુ:ખ વેઠીને જીવતા માણસને જોઇને માણસ બૌદ્ધિક દ્રષ્ટિએ વિચાર કરે છે કે, મારા જીવનનો અંત આ રીતે ન થાય તો સારું. ચાલો, હું ઈચ્છામૃત્યુનું વસિયતનામું બનાવું.

એક બીજા દ્રશ્યની કલ્પના કરીએ. ધારો કે એક વડીલ દર્દી પારાવાર દુ:ખો વેઠે છે. પણ એમનાં દુ:ખો અને અપાર પીડા વચ્ચે એનાં નજીકનાં સગાંસંબંધીઓ અને મિત્રો ખૂબ ખૂબ પ્રેમથી અને સંવેદનાથી ખડે પગે સેવાચાકરી કરે છે. એ વડીલ દર્દી અને ખડે પગે એમની સેવાચાકરી કરતા પ્રેમાળ લોકોને જોઇને એમની મુલાકાતે આવનાર માણસ શું વિચારશે? હું માનું છું કે એ સહૃદયી મુલાકાતી કદી ઈચ્છામૃત્યુનો વિચાર ન કરે. પરંતુ એ દર્દીને મળેલી સેવાચાકરીથી ખુશ થઈને એ વડીલ દર્દીને આવી નિ:સ્વાર્થ ને પ્રેમાળ સેવાચાકરી મેળવવામાં ભાગ્યશાળી માનશે, પ્રેમાળ સેવાચાકરી કરનાર લોકોની દિલથી કદર કરશે.

#

Changed On: 01-06-2018

Next Change: 16-06-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018