એક વૈશ્વિક નીડર આગેવાનનાં પગલે

દુનિયાભરની કૅથલિક ખ્રિસ્તી આલમના આધ્યાત્મિક વડા તરીકે પોપ ફ્રાન્સિસની ચૂંટણીથી એક નવા યુગનો આરંભ થયો છે. નાનકડા રાષ્ટ્ર વૅટિકનના વડા તરીકે પણ ૧૩-૦૩-૨૦૧૩માં પોપ ફ્રાન્સિસની વરણી થયા પછી કેવળ ખ્રિસ્તીઓ જ નહિ પણ સમગ્ર દુનિયા પોપ ફ્રાન્સિસની આધ્યાત્મિક, નૈતિક અને ધાર્મિક આગેવાનીની કદર કરતી આવી છે. એટલે પોપ ફ્રાન્સિસની આગેવાનીના પ્રથમ વર્ષે જ ‘ટાઈમ’ સામયિકે એમને “મૅન ઑફ ધ ઈયર” (વર્ષની સૌથી પ્રખ્યાત વ્યક્તિ) તરીકે ઓળખાવ્યા છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ફક્ત ખ્રિસ્તી આલમ જ નહિ પણ સમગ્ર દુનિયા પોપ ફ્રાન્સિસની વાતો કાન દઈને સાંભળે છે. વૈશ્વિક પર્યાવરણના પ્રશ્નો, દેશવિદેશના સ્થળાંતરિત થયેલી પ્રજાની સમસ્યાઓ તથા આંતરરાષ્ટ્રીય સંઘર્ષો કે આધુનિક માણસના વૈયક્તિક, કૌટુંબિક અને સામાજિક તથા ધાર્મિક પ્રશ્નો અંગે પોપ ફ્રાન્સિસની વાતો સમગ્ર દુનિયાની ધ્યાન ખેંચે છે. એટલે લોકો એમની સાદગીભરી પણ નીડર આગેવાનીની કદર કરે છે.

આવા સંદર્ભમાં “પોપ  ફ્રાન્સિસ – એ મૅન ઑફ હિસ વર્ડ” (પોપ  ફ્રાન્સિસ – પોતાના વાંચનનો માણસ) નામે એક દસ્તાવેજી ફિલ્મ ડોક્યુમેન્ટરી ફિલ્મ) વૈશ્વિક નિરીક્ષણના સૌ પોતાનું ધ્યાન ખેંચે છે. ફિલ્મના નિર્માતા વીમ વેન્ડર્સ (Wim Wenders)ને કોઈએ ‘નામ કે વાસ્તે’ ખ્રિસ્તી તરીકે ઓળખાવ્યા છે. પણ તેઓ પ્રયોગશીલ ફિલ્મ નિર્માતા તરીકે ખાસ જાણીતા છે.

“પોપ ફ્રાન્સિસ – એ મૅન ઑફ હિસ વર્ડ” ફિલ્મ બનાવવા માટે વેન્ડર્સે  લાંબો સમય એક યા બીજી રીતે પોપ સાથે રહીને જાણે સહપ્રવાસી બન્યા છે. પોપ ફ્રાન્સિસે ફિલ્મના નિર્માતાને પરવાનગી અને પૂરો સાથસહકાર આપ્યાં છે. વેન્ડર્સે જાણે પોપ ફ્રાન્સિસના દૈનિક જીવનના એક સહયાત્રી રહીને આ દસ્તાવેજી ચલચિત્રનું નિર્માણ કર્યું છે. એમાં નિર્માતાએ ધર્મ અને દુનિયાના પ્રશ્નો વિશે પૂછેલા અનેક પ્રશ્નનો પોપ ફ્રાન્સિસ સચોટ જવાબ આપે છે.

પોપ ફ્રાન્સિસ રોજેરોજ દેશવિદેશનાં જાતજાતના અને ભાતભાતના લોકોને મળે છે. તેમનું સાદું જીવન, નિખાલસ વર્તન તથા અઘરા લાગતા પ્રશ્નો અંગે પણ સ્વાભાવિક વાતો ફિલ્મના પ્રેક્ષકોને જાણે ફિલ્મમાં મંત્રમુગ્ધ રાખે છે! ફિલ્મમાં પોપનું કોઈ વિશેષ વસ્ત્રાભૂષણ નથી. કોઈ ‘મેકઅપ’ નથી પણ સહજતા છે. પોપ ફ્રાન્સિસ જેમ છે તેમ, ફિલ્મના કેમેરા પોતાને અનુસરે છે એનો ખ્યાલ પણ રાખતા નથી. તેમનું જીવન તેઓ પોતાની સ્વભાવગત સાદગીથી આગળ વધારે છે. એમને લગતી બધી બાબતો પારદર્શક છે. કોઈ કૃત્રિમતા કે દેખાવ નથી. સાદા જીવન અને ઉચ્ચ વિચારનો જાણે પર્યાય હોય એ રીતે પોપ ફ્રાન્સિસને આપણે દસ્તાવેજી ફિલ્મમાં મળીએ છીએ.

“પોપ ફ્રાન્સિસ – એ મૅન ઑફ હિસ વર્ડ” ફિલ્મની ઘણી ટ્રેલરો – એટલે પ્રસ્તુત ફિલ્મની જાહેરાત માટેની ટૂંકી ફિલ્મ (ટ્રેલર) યુ-ટ્યૂબમાં છે. એમની એકેક ટૂંકી ફિલ્મ ખૂબ અસરકારક રીતે પ્રેક્ષકના મનમાં લાંબો સમય રમ્યા કરે છે. ટૂંકા ગાળામાં પોપ ફ્રાન્સિસ અંગેની કેટલીક નાની ફિલ્મોની પ્રેક્ષકગણની સંખ્યા લાખો ઉપર પહોંચી ગઈ છે!

દેખીતી રીતે આ દસ્તાવેજી ફિલ્મનું મુખ્ય પાત્ર કે ફિલ્મનો હીરો પોપ ફ્રાન્સિસ પોતે છે. એમાં નિર્માતા વેન્ડર્સે પોપ ફ્રાન્સિસના જીવનની પ્રાર્થના, કપડાંલત્તા જેવી ખૂબ અંગત બાબતોની પણ નોંધ લીધી છે! વળી, દ્રશ્યો અને પ્રસંગો સતત બદલાતાં રહે છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવેલા પ્રસંગો એટલા બધા રસપ્રદ છે કે, પ્રેક્ષકને ફિલ્મની અંદરની ટૂંકી ફિલ્મ ફરી ને ફરી જોવી ગમે છે.

આખી ફિલ્મમાં મને વિશેષ આકર્ષનાર કેટલીક બાબતો છે. જુદા જુદા પ્રસંગે મળતા નાનામોટા માણસો સાથેનું પોપ ફ્રાન્સિસનું મિલન ખાસ નોંધનીય છે. પોપ ફ્રાન્સિસ દરેક વ્યક્તિને એવી રીતે મળે છે, સાથે સંવાદ કરે છે કે, જાણી આખી દુનિયામાં જે તે માણસ અને તેઓ પોતે એકલા જ હોય! મેં પ્રસ્તુત ફિલ્મની કેટલીક ટ્રેલરો બે-ત્રણ વાર જોઈ છે.

પોપ ફ્રાન્સિસ અંગેની આ દસ્તાવેજી ફિલ્મમાં નિર્માતા વેન્ડર્સ કહે છે તેમ, આ પ્રકારની સામાન્ય દસ્તાવેજી ફિલ્મોની જેમ પ્રસ્તુત ફિલ્મમાં પોપનું જીવનચરિત્ર નથી. પણ પ્રસ્તુત ફિલ્મના કેન્દ્રસ્થાને પોપ ફ્રાન્સિસના વિચારો અને એમના સંદેશાને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ટ્રેલરમાં એક મોટી મેદની આગળ પોપ ફ્રાન્સિસ કહે છે કે, “આપણે ઘણુંબધું કરવાનું છે; પણ આપણે સાથે કરીશું.”

“પોપ ફ્રાન્સિસ – એ મૅન ઑફ હિસ વર્ડ” ફિલ્મ એના નામ પ્રમાણે ખુદ પોપ ફ્રાન્સિસ વિશે છે. એમાં પોપ ફ્રાન્સિસ જ મુખ્ય પાત્ર છે, ફિલ્મના ‘હીરો’ છે. છતાં એમાં ક્યાંય ‘હું પણું’ નથી. પોપ ફ્રાન્સિસ પોપ તરીકે ચૂંટાઈ આવ્યા તે પહેલાં તેઓ કૅથલિક ખ્રિસ્તી ધર્મસભામાં ‘ઈસુસંઘ’ નામે એક સંન્યસ્તસંઘના સભ્ય હતા. ઈસુસંઘના એક પ્રખ્યાત વડા ઉપરી (Superior General) ફાધર પીતર અરૂપ્પેએ દરેક સભ્યને ઈસુની જેમ બીજાને માટે થઈને જીવવાની હાકલ કરી હતી. ફાધર અરૂપ્પેની આ વાત પોપ ફ્રાન્સિસે પોતાનાં આચારવિચારમાં સો ટકા ઉતારી છે.

પોપ ફ્રાન્સિસે પોતાનો હોદ્દો સ્વીકારવા સાથે એક ક્રાન્તિકારી સંત ફ્રાન્સિસનું નામ સ્વીકારીને પૂરવાર કર્યું છે કે, તેઓ એક સુધારાવાદી પોપ છે. અંગ્રેજીમાં કહેવત છે કે, “ચેરિટી બિગીન્સ એટ હોમ.” મતલબ કે, માણસનાં દાનધર્મ પોતાના ઘરથી શરુ થાય છે. પોપ ફ્રાન્સિસે મધ્યકાલીન ધર્મસભામાં નોંધપાત્ર પરિવર્તન લાવનાર સંત ફ્રાન્સિસનું નામ ધારણ કર્યું અને સાથે સંત ફ્રાન્સિસની જેમ ધર્મસભાની અંદરથી સુધારાનું કામ હાથ ધર્યું છે.

સૌ પ્રથમ તેમને સમગ્ર ધર્મસભાના આધ્યાત્મિક સત્તાના કેન્દ્રસમા વૅટિકનનાં રૂઢિચુસ્ત કાર્યાલયોમાં પરિવર્તન લાવવા માટે દુનિયાભરની ધર્મસભાના વરિષ્ઠ સભાસદો (Cardinals)માંથી વરિષ્ઠ સભાસદોને પસંદ કરી ધર્મસભાના સુધારા માટે એક ઉચ્ચ કક્ષાની સમિતિ નીમી. એ સમિતિની ભલામણો મુજબ પોપ ફ્રાન્સિસ ખ્રિસ્તી ધર્મસભામાં સતત સુધારાનાં પગલાં લઈ રહ્યા છે. એમાં પરંપરાગત રૂઢિઓ અને રીતરિવાજોને વળગી રહેનાર લોકો તથા સુધારાના હિમાયતીઓ વચ્ચેના સંઘર્ષથી ડર્યા વિના પોપ ફ્રાન્સિસ નીડરતાથી જરૂરી પગલાં લઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે પોપ ફ્રાન્સિસના ટેકેદારો અને સુધારાના વિરોધીઓ હોય એવા રૂઢિચુસ્ત લોકો વચ્ચે સંઘર્ષ છે. પણ આવા કોઈ સંઘર્ષથી પણ ડર્યા વિના પોપ ફ્રાન્સિસ નીડરપણે પોતાના નિર્ધારિત રસ્તે ચાલ્યા કરે છે.

પોપ ફ્રાન્સિસ કૅથલિક ખ્રિસ્તીઓના વડાધર્મગુરુ તરીકેનો હોદ્દો ધારણ કરવા સાથે ગરીબોના હિમાયતી બની રહ્યા છે. તેરમી સદીના સંત ફ્રાન્સિસ અસિસીના બે વિશિષ્ટ ગુણો હતા. ગરીબો પ્રત્યેની હમદર્દી કે સમભાવ તથા સમગ્ર પર્યાવરણ પ્રત્યેનો પક્ષપાત. તે સંતે ભરયુવાનીમાં પોતાનાં રેશમી કપડાં એક ભિખારી માણસને આપ્યા અને પોતે ભિખારીનાં કપડાં પહેર્યાં. આમ, કપડાંની અદલાબદલી કરીને નિર્ધન માણસની જેમ ખૂબ સાદગીભર્યું જીવન ગાળ્યું હતું. એ જ રીતે તેમણે પર્યાવરણની બધી ચેતન-અચેતન વસ્તુઓને પોતાના ભાઈ કે બહેન સમજીને બધાંની સાથે પ્રેમ અને સમભાવથી વર્ત્યા છે. પોપ ફ્રાન્સિસ પણ એ જ મધ્યકાલીન સંતનું નામ ધારણ કરીને પોતાના જીવનમૂલ્યો અને આદર્શોથી આજે લોકમાનસ પર છવાઈ ગયા છે. આ રીતે પોપ ફ્રાન્સિસે બધા માણસો અને સમગ્ર જગત સાથેના પોતાના સંબંધની જાણ્યેઅજાણ્યે ઓળખાણ કરી હતી.

“પોપ ફ્રાન્સિસ – એ મૅન ઑફ હિસ વર્ડ”ના નિર્માતા વેન્ડર્સના એક પ્રશ્નના જવાબમાં પોપ ફ્રાન્સિસે સ્પષ્ટ કહ્યું હતું કે, “ગરીબ લોકો અને ધરતી હંમેશાં સાથે હોય છે. જો તમે મને પ્રશ્ન પૂછો કે, આજે ગરીબોમાં સૌથી વધારે ગરીબ કોણ છે તો હું કહીશ: ધરતી માતા! આપણે ધરતી માતાને લૂંટયાં છે! આપણે ધરતીમાતાનો દુરુપયોગ કર્યો છે!”

વીમ વેન્ડર્સ સાથેની એક મુલાકાતમાં પોપ ફ્રાન્સિસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ધરતી માતાની ગરીબાઈ અને દુરુપયોગ માટે આપણે બધા જવાબદાર છીએ. એટલે કોઈપણ માણસ કહી ન શકે કે, “ધરતી માતાની આ પરિસ્થિતિ માટે હું જવાબદાર નથી!”

પ્રાર્થના અને ધ્યાનમનન માટે રોજ નિયમિત સમય ગાળનાર પોપ ફ્રાન્સિસ બિચારી ધરતી માતાના નિ:સહાય પરિસ્થિતિનાં સ્પષ્ટ કારણો આપ્યાં  છે. તેઓ કહે છે કે, સમગ્ર દુનિયાના લોકો આજે બહેરા બન્યા છે. આપણા ધર્મગુરુઓમાં પણ ઘણા બહેરા બન્યા છે. આપણે પોતાના જીવનમાં રસ દાખવવો જોઈએ. “હું લોકો સાથે નજીકના સંબંધની વાત કરું છું. ઓછું બોલો; પણ ખૂબ ધ્યાન દઈને સાંભળો. એટલું જ પૂરતું નથી પણ લોકોની આંખમાં જુઓ,” પોપ ફ્રાન્સિસ આ રીતે બધા સાથે વિશેષ કરીને ગરીબ લોકો સાથે હમદર્દી અને સમભાવથી વર્તવાની વાત કરી છે.

“પોપ ફ્રાન્સિસ – એ મૅન ઑફ હિસ વર્ડ” દસ્તાવેજી ફિલ્મનાં ઘણાંબધાં દ્રશ્યો દુનિયાભરનાં ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમોએ જે તે સમયે પ્રસારિત કરેલાં છે. પરંતુ દરેક દ્રશ્યના સંદર્ભમાં પોપ ફ્રાન્સિસના વિચારો અને સંદેશ આગવી રીતે આપણને સ્પર્શે છે.

દાખલા તરીકે, પોપ ફ્રાન્સિસ કહે છે કે, ભોગવાદ, ભ્રષ્ટાચાર, આ દોષીલી હરીફાઈ, પૈસાના ગુલામીપણા જેવાં અનિષ્ટો અને અત્યાચારોથી દૂર રહેવાનો ચોક્કસ માર્ગ નિષ્ઠાભર્યા કામની સ્પષ્ટ વાસ્તવિકતા છે. અંગ્રેજીમાં કહેવત છે કે, આળસાઈ એ સેતાનની કાર્યશાળા છે (Idleness is the workshop of the devil). પોપ ફ્રાન્સિસનું કહેવું છે કે, નિષ્ઠાભર્યું કામ માણસને બધા પ્રકારનાં અનિષ્ટો અને અત્યાચારોથી દૂર રાખશે.

“પોપ ફ્રાન્સિસ – એ મૅન ઑફ હિસ વર્ડ” ફિલ્મનાં નિર્માતા વીમા વેન્ડર્સને તેમ જ સમગ્ર દુનિયાને પોપ ફ્રાન્સિસ તરફ આકર્ષનાર એક બાબત છે એમની પ્રામાણિકતા, પોતાની જાત અને માન્યતા પ્રત્યેની  તેમની અનોખી વફાદારી. તેમને કોઈ અભિનેતા કે અભિનેત્રીઓની જેમ ખોટો ઢોંગ કે ડોળ કરવાની જરૂર નથી પડતી. કોઈ દંભ કે બહાના વિના પોતાની વાત નીડરપણે, ખૂબ જ સહજ રીતે લોકો આગળ રજૂ કરે છે.

પોપ ફ્રાન્સિસ સાથેની ઘણી મુલાકાતો અને દેશવિદેશના અસંખ્ય પ્રશ્નોની ચર્ચાવિચારણા પછી ફિલ્મ નિર્માતા વેન્ડર્સે પોપ ફ્રાન્સિસને કહ્યું કે, આપણને આ દસ્તાવેજી ફિલ્મનો કોઈ યોગ્ય અંત મળતો નથી! પ્રસ્તુત ફિલ્મ અંગે “સ્માર્ટ કંપેનિયન ઇન્ડિયા” નામના એક અંગ્રેજી માસિકમાં ઈસુસંઘી લેખક કુરુવિલ્લા પાંડિકાટ્ટે નોંધ્યું છે તેમ, પોપ ફ્રાન્સિસે વેન્ડર્સને કહ્યું, “અભિનેતા-અભિનેત્રી સૌંદર્યના એક કલાકાર છે. તેઓ બીજાંને જીવન આગળ ધપાવવામાં મદદ કરે છે. આવી સિદ્ધિઓ મેળવનાર કલાકારોનો આપણે વિચાર કરીએ. સાથે આપણા બધાનો પણ વિચાર કરીએ.”

પોપ ફ્રાન્સિસે વધુમાં કહ્યું કે, “આપણા દૈનિક જીવનને આ રીતે સુખી અને સમૃદ્ધ બનાવનાર સૌંદર્યનો કોઈ દાખલો માગશો તો મારા મનમાં બે બાબતો છે: સ્મિત અને વિનોદવૃત્તિ.” પછી ખુદ પોતાનો જ દાખલો આપતાં પોપ ફ્રાન્સિસે ઉમેર્યું, “દરરોજ મારી સવારની પ્રાર્થનાના અંતે હું સંત થોમસ મોરની પ્રાર્થના યાદ કરું છું. એમની પ્રાર્થના વિનોદવૃત્તિ માટે હતી. તેઓ રમુજીમાં પ્રાર્થના કરતા કે, “હે ભગવાન મને પાચનશક્તિ આપજે અને સાથોસાથ પચાવવા માટે કંઈક ખાવાનું પણ આપજે.”

#

Changed on: 01-12-2019

Next Change: 16-12-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019