પ્રભુ ઈસુની આધ્યાત્મિકતા

આધ્યાત્મિકતા એટલે શું? મારી ર્દષ્ટિએ આધ્યાત્મિકતા એક શક્તિ છે, એક મૂળ સ્રોતની શક્તિ, આંતરિક સભાનતાની શક્તિ. એ શક્તિ માણસને પોતાના જીવનમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. એ શક્તિ કે આધ્યાત્મિકતાને જોરે માણસ પોતાના જીવનને દોરે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી માણસ ભગવાન, ઈશ્વર કે અલ્લાહ પરની શ્રદ્ધા તથા મંદિર, મસ્જિદ અને ગિરજાઘરને તેમ જ બધા ધાર્મિક ગ્રંથોને એક બાજુ તિલાંજલિ આપી છે; તો બીજી બાજુ આંતરિક શાંતિ અને જીવનની ખરી દિશાની શોધમાં માણસ આધ્યાત્મિકતા તરફ વળ્યો છે. આધ્યાત્મિકતાની શોધમાં જ કેટલાક લોકો યોગ તરફ વળ્યા છે. કેટલાક લોકો ધાર્મિક કથાઓ સાંભળ્યા કરે છે. અમુક લોકો તીર્થધામોની યાત્રાઓ કરે છે.  તો બીજાઓ ‘ગોડમેન’ કહેવાતા સંતોનું શિષ્યત્વ અપનાવે છે. આવી બધી શોધો મરુભૂમિના મૃગજળ જેવી ભૂલભૂલામણી પૂરવાર થાય છે.

ખરી આધ્યાત્મિકતાની મારી શોધમાં હું પ્રભુ ઈસુની આધ્યાત્મિકતાની શોધતપાસ કરું છું. બાઇબલના નવા કરારના ગ્રંથો રચાયા, ખ્રિસ્તીધર્મ સઘન સ્વરૂપ પામ્યો તે પહેલાં ઈસુના દુન્યવી જીવન દરમિયાન એમને દોરનાર આધ્યાત્મિકતા સમજવા અને સમજાવવા અહીં મારો પ્રયન્ત છે.

ઈસુની આધ્યાત્મિકતાના પાયામાં પોતાના પિતા સાથેનો એમનો સંબંધ છે. ઈસુ પોતાના ઈશ્વરપિતા માટે ‘અબ્બા’ શબ્દ વાપરે છે. ‘અબ્બા’ એટલે વહાલસોયા બાપુજી. નવા કરારમાં સંત પાઉલે રોમ પ્રત્યેના પત્રમાં ‘અબ્બા’ શબ્દ અસલ અરામી ભાષામાં વાપર્યો છે. સંપૂર્ણ બાઇબલે ‘અબ્બા’ શબ્દના પાદટીપમાં સરસ ખુલાસો આપ્યો છે. “અબ્બા. હિબ્રુ, ફારસી, અરબી આદિ સેમિટિક ભાષાઓમાં પિતા માટે વપરાતો શબ્દ. આપણા ગુજરાતી શબ્દકોશમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસુ એ જ શબ્દથી ઈશ્વરને સંબોધતા હતા. એમાં જાણે એમના અનુભવ અને સંદેશનો નિચોડ સમાયેલો છે. એ શબ્દમાં આદર અને પ્રેમનો ભાવ છે. ઈશ્વર આપણા વહાલસોયા પિતાજી, આપણા ‘અબ્બાજાન’ છે એવો ભાવ એમાં રહેલો છે.” (જુઓ પાદટીપ રોમ ૮: ૧૫).

બાળ ઈસુએ પોતાનાં માતા મરિયમ પાસેથી બચપણમાં જ પોતાના જન્મની વાત સાંભળી હશે. દેવદૂતે કુમારી મરિયમને વધામણી આપતાં કહ્યું હતું કે, “ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો, તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે” (લૂક ૧: ૩૦-૩૨).

શુભસંદેશકાર લૂકે ચીતરેલા ઈસુના બાળપણની વાતથી આપણને માલુમ પડે છે કે, ઈસુનાં માબાપ મરિયમ અને યોસેફ ખૂબ ધર્મપરાયણ હતાં. તેઓ મોશેની ધર્મસંહિતા અનુસાર બાળ ઈસુને પ્રભુને સમપર્ણ કરવા માટે યરુશાલેમ લઈ ગયાં હતાં.

બાળ ઈસુએ પોતાના ઘરમાં માબાપ પાસેથી અને દર વિશ્રામવારે યહૂદી મંદિર ‘સિનાગોગ’માંથી યહૂદી ધર્મસંહિતાનું પઠન અને એનો ખુલાસો સાંભળ્યાં હશે. ઈશ્વરપિતા ખુદ પોતાના પિતા હોવાનો ખ્યાલ ઈસુને બચપણમાં જ થયો હતો. ત્યાર બાદ ત્રીસેક વર્ષની ઉંમરે જયારે ઈસુ યોહાન પાસેથી સ્નાનસંસ્કાર લઈને પાણીમાંથી બહાર આવ્યા ત્યાં આકાશવાણી સંભળાઈ કે, “આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે; તેના ઉપર હું પ્રસન્ન છું” (માથ્થી ૩: ૧૩-૧૭).

ઈશ્વર પિતાના પ્રિયતમ પુત્ર તરીકે પોતાની ઓળખાણ પછી ઈસુ જાહેરમાં તેમ જ એકાંતમાં પ્રાર્થના દ્વારા ઈશ્વર પિતાના પ્રિયતમ પુત્ર તરીકેનો પોતાનો સંબંધ સતત પોષતા રહ્યા. માથ્થી અને લૂક બંનેએ નોંધ્યું છે તેમ, એક વાર ઈસુ પ્રાર્થનામાં બોલી ઊઠ્યા: “હે પિતા, સકલ સૃષ્ટિના માલિક! આ બધી વાતો તેં ડાહ્યા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરી છું. સાચે જ, પિતાજી, તને એ જ રચ્યું.”

પછી ઈશ્વર પિતા સાથેના પોતાના સંબંધને વધુ સ્પષ્ટ કરતાં ઈસુ બોલ્યા: “મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે, અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતા કોણ છે એ પુત્ર, અથવા તો પુત્ર જેને જણાવવા ઇચ્છે તેના સિવાય કોઈ જાણતું નથી.” (લૂક ૧૦: ૨૧-૨૨)

પોતાના અંતેવાસી તરીકે પોતાના અનુયાયીઓમાંથી ૧૨ શિષ્યોને પસંદ કરતાં પહેલાં ઈસુએ આખી રાત પ્રાર્થનામાં ગાળી. લૂકે નોંધ્યું છે. “તે અરસામાં ઈસુ પ્રાર્થના કરવા માટે ડુંગર પર ચાલ્યા ગયા, અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાળી”. (લૂક ૬: ૧૨)

ચાર દિવસથી મૃત્યુમાં પોઢી ગયેલા લાઝરસને પુનર્જીવિત કરવા જેવા અગત્યના પ્રસંગોમાં ઈશ્વર પિતાની પ્રાર્થનાનો આશરો લઈને ઈસુએ ઈશ્વર પિતા પરનો પોતાનો ભરોસો પ્રગટ કર્યો છે. (જુઓ યોહાન ૧૧: ૧-૫) આમ, ઈસુની આધ્યાત્મિકતાના પાયામાં ઈશ્વર પિતા સાથેના એકમાત્ર પુત્ર તરીકેનો એમનો સંબંધ હતો. ઈસુની આધ્યાત્મિકતા બે રીતે પ્રગટ થતી હોય છે. એક, ઈસુની સ્વતંત્રતામાં અને બે એમની પ્રેમમાં.

એક, ઈસુની સ્વતંત્રતા. ઈસુ એક યહૂદી તરીકે જન્મ્યા અને એક યહૂદી તરીકે જીવ્યા. સમગ્ર જીવન દરમિયાન એમને કુટુંબનું, સમાજનું કે ધર્મનું કોઈ બંધન નડ્યું નહોતું. તેઓ સંપૂર્ણ રીતે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે આ ધરતી પર જીવ્યા છે.

બે, ઈસુનો પ્રેમ. ઈસુ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધા માણસો પર ઊંડા પ્રેમથી જીવ્યા છે. તેમણે પોતાના જીવનમાં પાપીઓ અને પૂણ્યશાળીઓને આવકાર્યા છે. ધનવાનો અને ગરીબો સાથે સરખા પ્રેમથી વર્ત્યા છે. તેમણે પોતાના શિષ્યો પર તેમ જ પોતાની જાતને ઈસુના દુશ્મન ગણતા લોકો પર પણ કોઈ ભેદભાવ વિના સરખો પ્રેમ વર્ષાવ્યો. બધા જ પ્રકારના લોકોની મહેમાનગીરી ઈસુએ ખુશીથી માણી છે. ઈસુના શિષ્યોમાં તેમ જ તેમના અનુયાયીઓમાં કેટલાક ખાસ મિત્રો હતા. એમના દિવ્યરૂપ દર્શન, યાઇરની દીકરીને બક્ષેલું પુનર્જીવન જેવા ત્રણ વિશેષ પ્રસંગો ઈસુ પીતર, યોહાન અને યાકૂબ એમ ત્રણ શિષ્યોને પોતાની પાસે રાખીને વિશેષ પ્રેમ કે મિત્રતા પ્રગટ કરી છે. એ જ રીતે ઈસુના સંપર્કમાં આવેલા અને જાહેર જીવન દરમિયાન એમને અનુસરતા સ્ત્રીમિત્રોમાં લાઝરસની બે બહેનો માર્થા અને મરિયમ જોડે મગ્દલાનાં મરિયમ પણ હતાં. ઘણા શિષ્યો ઈસુના ક્રૂસારોહણ અને મૃત્યુ વખતે ભાગી ગયા હતા. પણ હિંમતથી ઈસુના ક્રૂસ પરના મૃત્યુના સાક્ષી તરીકે ઈસુનાં માતા સાથે મગ્દલાનાં મરિયમ હતાં. કેટલાક શિષ્યો અને કેટલીક શિષ્યાઓ સાથેના ઈસુના નિકટના પ્રેમ-સંબંધમાં ઈસુને કોઈની સાથે પતિ-પત્ની તરીકેનો એકાકી પ્રેમ કે સંબંધ નહોતો.

ઈસુએ લોકોને દુશ્મનો પર પ્રેમ રાખવાનો અને પોતાને રંજાડનાર માટે દુઆ માગવાનો ઉપદેશ આપ્યો છે. એટલું જ નહિ, પણ ક્રૂસ પર મૃત્યુ પામતાં પહેલાં ઈસુએ દુશ્મનોને માફી આપીને એમના માટે ઈશ્વર પિતાને પ્રાર્થના કરી હતી: “હે પિતા, આ લોકોને માફ કર; પોતે શું કરે છે એનું એમને ભાન નથી” (લૂક ૨૩: ૩૪)

ઈસુ પૂરેપૂરા સ્વતંત્ર હતા. એટલે તેઓ કોઈ બીક રાખતા નહોતા. મિત્ર લાઝરસ માંદો છે એવા સમાચાર મળ્યા પછી એમને મળવા માટે ઈસુએ પોતાના શિષ્યોને યહૂદિયા જવાની વાત કરી. ત્યારે શિષ્યોએ વાંધો ઉઠાવતાં કહ્યું, “યહૂદીઓ આપને પથ્થરે મારી નાખવા તૈયાર થયા હતા, છતાં પાછા આપ ત્યાં જાઓ છો?” પણ પથ્થરમારા કે મૃત્યુથી ડર્યા વિના ઈસુ પોતાના શિષ્યો સાથે બેથાનિયા ગામે પહોંચ્યા હતા અને લાઝરસના મૃત્યુના ચોથા દિવસે એને પુનર્જીવિત કર્યો હતો.

એક વાર ઈસુ યરુશાલેમ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યાં કેટલાક ફરોશીઓએ તેમને કહ્યું, “તમે અહીંથી નીકળીને ચાલ્યા જાઓ, કારણ, હેરોદ તમને મારી નાખવા માગે છે. “ઈસુએ તેમને કહ્યું, એ શિયાળવાને જઈને કહો કે, ‘આજે અને આવતી કાલે તો હું અપદૂતો કાઢવાનું અને લોકોને સાજા કરવાનું ચાલુ રાખવાનો છું, અને પરમ દિવસે મારું કામ પૂરું થશે’” (લૂક ૧૩: ૩૧-૩૨).

ઈસુની આધ્યાત્મિકતાના પાયામાં ઈશ્વર પિતા સાથેનો એમનો ગાઢ સંબંધ હતો. એ એક એવો નિકટનો સંબંધ હતો કે, ઈસુ ખુદ પોતાની જાતને ઈશ્વર પિતા સાથે એક જ ગણતા હતા. ઈશ્વર પિતા સાથેનો આ સંબંધ જ ઈસુની આધ્યાત્મિકતાનું પ્રેરક બળ હતું.

હું જોઉં છું કે, મારી આધ્યાત્મિકતા પ્રભુ ઈસુ સાથેના મારા સંબંધ પર આધારિત છે. હું ઈસુને મારું સર્વસ્વ ગણું છું. આ ‘સર્વસ્વ’ને સમજાવતા હું મારા મિત્રોને કહું છું કે, ઈસુ, મારો ‘બેસ્ટ ફ્રેન્ડ’ એટલે સર્વોત્તમ મિત્ર છે. મારી આધ્યાત્મિકતાના સ્રોતમાં ઈસુ પરની મારી શ્રદ્ધા છે, ઈસુ પરનો મારો ભરોસો છે. પ્રભુ ઈસુ હરહમેશાં મારી સાથે છે. એવી સભાનતા છે. મારી આધ્યાત્મિકતામાં હું માનું છું કે, હું સભાન હોઉં કે ન હોઉં, પણ હરહમેશાં, મારા જીવનની દરેક પળે પ્રભુ ઈસુ મારું પરિપાલન કરે છે. એટલે મારી આધ્યાત્મિકતામાં મને પ્રભુ ઈસુની આધ્યત્મિકતા જેવી જ સંપૂર્ણ શાંતિ છે.

#

 

Changed On: 01-01-2018

Next Change: 16-01-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2017