ફાધર પરીઝા – મારા આદર્શ, પારદર્શક મિશનરી

ઈસુસંઘી પીઢ મિશનરી ફાધર પરીઝા પરમ સુખ અને શાશ્વત શાંતિ માટે ૨૦૧૯ જૂનની ૨૦મીએ ૧૦૨ વર્ષની ઉંમરે પોતાના સર્જક પાસે પહોંચી ગયા છે. લોકો એમને પવિત્ર પરીઝાના હુલામણા નામથી ઓળખાવે છે. હું મારી જાતને સદ્દભાગી ગણું છું કે, મને ફાધર પરીઝા સાથે આમોદ અને ગોઠડા ખાતે કામ કરવાની ઘણી તક મળી છે.

લન્ડનમાં પત્રકારત્વનો અભ્યાસ અને રોમ ખાતે ગ્રિગોરિયન યુનિવર્સિટીમાં ઈશ્વરવિદ્યા ને બાઇબલનો અભ્યાસ અને પુરોહિત દીક્ષા પછી હું ગુજરાતમાં પરત આવ્યો ત્યારે ૧૯૭૭માં મને ‘દૂત’ના તંત્રી તરીકે નિમણૂક મળી. તે વખતે ફાધર પરીઝા આમોદ મિશન તાબામાં સભા પુરોહિત હતા. તેમણે મને ડિસેમ્બર ૧૯૭૭માં નાતાલની ઉપાસનાવિધિઓમાં મદદ કરવા આમંત્રણ આપ્યું.

આમોદ મિશન ગુજરાત ખાતે ૧૯૧૨માં શરૂ કરેલું છઠ્ઠું મિશન મથક છે. ફાધર પરીઝાને ત્યાં ૧૯૬૯થી ૧૯૮૩સુધી બીજી વાર સભા પુરોહિત તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. તે વખતે આમોદ જવા માટે પેટલાદથી બળદગાડીનો આડોઅવળો રસ્તો હતો. પણ મારી મોટરસાઇકલ પર ૧૯૭૭ની નાતાલની ઉજવણી માટે હું પહેલી વાર આમોદ પહોંચી ગયો. હું એક બિનઅનુભવી યુવાન પુરોહિત હોવા છતાં ફાધર પરીઝાએ મને નાતાલની બધી ઉપાસનાવિધિ સોંપી. તેઓ ચર્ચમાં લોકો હોય ત્યારે આખો વખત લોકોનું પ્રાયશ્ચિત (પાપનો એકરાર) સાંભળવામાં અને લોકોને ખ્રિસ્તી જીવનનું માર્ગદર્શન આપવામાં વ્યસ્ત રહ્યા. હું પરમપૂજા ચઢાવવા, ધર્મબોધ આપવા અને બાળકોને તથા કોઈક વાર પુખ્ત વયના લોકોને પણ સ્નાનસંસ્કાર કરાવવા તેમ જ લગ્નનો આશીર્વાદ આપવા જેવાં વિધિવિધાનમાં વ્યસ્ત રહ્યો.

મને નાતાલની બધી ઉપાસનાવિધિ કરવામાં તેમ જ ફાધર પરીઝા સાથે લોકોના ઘરે એમની મુલાકાત લેવામાં ખૂબ આનંદ થતો કે, દર નાતાલે અને પાસ્ખાના પવિત્ર અઠવાડિયામાં મદદે જવાની મેં ફાધર પરીઝાને વાત કરી.

આમોદ તાબાની એક સદી ૨૦૧૨માં ઉજવવાની તૈયારી કરતાં તે વખતના સભાપુરોહિતે મને ફોન કરીને પૂછ્યું, “ફાધર, તમે કયા વર્ષે અહીં સભાપુરોહિત હતાં.  હું જોઉં છું કે, બાપ્તિસ્મા રજિસ્ટરમાં પાંચ-છ વર્ષ દરમિયાન તમારા નામની સહી છે!” ખરી વાત છે. ફાધર પરીઝા દર વર્ષે નાતાલ અને પાસ્ખાપર્વ (Christmas & Easter) વખતે કુટુંબોને તેમનાં નાનાં બાળકોના તેમ જ કેટલાક પુખ્ત વયની વ્યક્તિઓના સ્નાનસંસ્કાર આપવાની વિધિ મને સોંપતા. જ્યારે ફાધર પરીઝા પોતે લોકોને પ્રાયશ્ચિત સંસ્કાર કે મનમેળ સંસ્કાર કરાવવા અને ખ્રિસ્તી જીવન માટે અનુરૂપ માર્ગદર્શન આપતા. એટલે બાળકોને સ્નાનસંસ્કાર આપ્યા પછી હું બાપ્તિસ્મા રજિસ્ટરમાં સહી કરતો.

દેવળમાં પરમપૂજા ચઢાવવા, ધર્મબોધ આપવા અને સ્નાનસંસ્કાર કરાવવા જેવી ઉપાસનાવિધિઓ ચલાવવામાં મને ખાસ ગમતું હતું. વળી, ફાધર પરીઝા સાથે લોકોના ઘરની મુલાકાત લેવામાં પણ મને આનંદ હતો. હું જોતો હતો કે, ફાધર પરીઝા લોકોની વાત સાંભળવામાં અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં ખૂબ ડાહ્યા હતા. કુટુંબની મુલાકાત દરમિયાન ફાધર પરીઝા ફક્ત ઘરના બધા લોકોની ક્ષેમકુશળ પૂછવા સાથે ઘરથી દૂર ગયેલાં સગાંસંબંધીઓ અંગે પણ યાદ કરીને પૂછતા હતા! સંઘર્ષમાં આવેલાં યુગલો તેમ જ છૂટાછેડાના આરે આવેલાં પતિપત્નિઓને યોગ્ય માર્ગદર્શન આપી ખ્રિસ્તી જીવનમાં મક્કમ બનાવવામાં સફળ પ્રયત્ન કરતા હતા.

એક મિશનરી તરીકે અંગત રીતે ફાધર પરીઝા ખૂબ નમ્ર અને સાદગીભર્યું જીવન ગાળતા. તેમના પ્રાર્થના અને ત્યાગમય જીવન લોકોની સેવામાં સમર્પિત હતું. તેમની જરૂરિયાતો ખૂબ મર્યાદિત હતી. તેમની આરપાર જોઈ શકાય એવા જીવનની જેમ એમનું આમોદ મિશનમથક પણ બધાને માટે ખૂલ્લું હતું. કોઈ ચોર ઘરમાં પેસી જાય તો પણ એને ઉપાડી લેવા જેવી વસ્તુ ઘરમાં નહોય! મિશનમથકની સંભાળ રાખનાર ફાધર પરીઝાના એક મિસ્ત્રી હતા. છતાં ફાધર માટે કોઈ વિશેષ વાનગી નથી પણ છાત્રાલયનાં બાળકોના રસોડામાં જે બનાવે તે જ ખોરાક ફાધરને પણ જમવા મળતો.

આમોદ તાબા હેઠળ આમોદમાં તેમ જ બીજાં બે-ત્રણ ગામોમાં પણ પ્રાથમિક શાળાઓ હતી. જ્યારે આમોદ મિશનની સુવર્ણ જ્યુબિલી ૧૯૬૨માં ઉજવવામાં આવી ત્યારે ફાધરને મળેલી ભેટો અને દાનોમાંથી ફાધર પરીઝાએ આમોદ ખાતે પ્રાથમિક શાળાનું પાકું નવું મકાન બંધાવડાવ્યું.

આમોદ તાબા નીચેના પેટલાદ મિશન કેન્દ્રમાં ૧૯૨૮થી એક પ્રાથમિક શાળા હતી. જ્યારે એક તાલુકા મથક તરીકે પેટલાદનો વિકાસ થવા માંડ્યો, નવી નવી શરૂ થયેલી કાપડની મિલોમાં નોકરીની તક હતી. વળી પાક્કા રસ્તાઓ અને અન્ય સંદેશાવ્યવહારનાં માધ્યમોની સારી સગવડ હતી. શહેરના વિકાસ સાથે પેટલાદ મિશનકેન્દ્રનો પણ વિકાસ થતો રહ્યો. આમોદ તાબામાંથી લોકો પેટલાદમાં નોકરી માટે સ્થળાંતર કરતા હતા. એટલે પેટલાદની પ્રાથમિક શાળા સાથે ૧૯૬૦માં હાઇસ્કૂલ અને ૧૯૮૭માં હાયર સેકન્ડરી સ્કૂલની પણ શરૂઆત થઈ. જેમ પેટલાદ મિશન તાબાનો વિકાસ થતો રહ્યો તેમ આમોદ તાબાનો વિકાસ સ્થગિત રહ્યો. પણ જ્યારે ૧૯૯૧માં સંત ઉરસૂલાઈન સાધ્વીસંઘનાં સિસ્ટરો આવ્યાં અને તેમણે છોકરીઓ માટે હોસ્ટેલ અને દવાખાનું શરૂ કર્યું ત્યારે આમોદ મિશન તાબો ફરી વધુ જીવંત બની રહ્યો.

ફાધર પરીઝાના સમયના આમોદ પર પરત આવીએ. આમોદ મિશન તાબામાં ફાધર પરીઝા ઈસુસંઘમાં જોડાયાની સુવર્ણ જયંતી ૧૯૮૩માં ઉજવવામાં આવી અને એ જ વર્ષે એમની બદલી ગોઠડા (સાવલી) ખાતે ફાતિમા મરિયમ ધામમાં સભાપુરોહિત તરીકે થઈ. ફાધર પરીઝાનો જન્મ સ્પેનના બિલ્બાવ ખાતે ૧૯૧૭ મે ૧૩મી રોજ થયો હતો. એ જ દિવસે પોર્ટુગલ ફાતિમા ધામે માતા મરિયમે ત્રણ બાળકોને –  ફ્રાન્સિસ્કો, જાસીન્તા અને લુસિયાને – દર્શન દીધાં હતાં.

એક અગ્રગણ્ય પહેલ કરનાર મિશનરી તરીકે ફાધર પરીઝાએ ગોઠડામાં ફાતિમા ઉત્તર બુનિયાદી શાળા શરૂ કરી હતી. જે સમય જતાં સામાન્ય હાઇસ્કૂલ અને હાયર સેકેન્ડરી સ્કૂલ પણ બની રહી. તેમણે ફાતિમા છાત્રાલય માટે નવું મકાન પણ બંધાવ્યું. દેખીતી રીતે ફાધર પરીઝા હમેશાં બાળકોના શિક્ષણને ખૂબ મહત્વ આપતા હતા. આમોદ તાબાના લોકોની જેમ ગોઠડા તાબાના ખ્રિસ્તી લોકોએ પણ ફાધર પરીઝા ઈસુસંઘમાં જોડાયાની સુવર્ણ જયંતી ૧૯૮૩માં ઊજવી હતી. ટૂંક સમયમાં એટલે ૧૯૮૭થી ફાધર પરીઝાએ ગોઠડા ખાતે સરકારી મદદવાળી (aided) હાઇસ્કૂલ પણ શરૂ કરી હતી. વળી તેમણે વાઘોડિયા તાલુકામાં વેજલપુર ખાતે ૧૫ વીઘાં જમીન પણ ખરીદીને નવું ઉપમિશન કેન્દ્ર પણ શરૂ કર્યું હતું. પણ જમીન ખરીદવા અને મકાનો બાંધવા કરતાં ફાધર પરીઝા હમેશાં ખ્રિસ્તી કુટુંબો અને સમાજ સદ્ધર કરવાના સેવાકામને અગ્રિમતા આપતા હતા.

લોકોને એમનાં કુટુંબમાં અને ગામમાં જઈને મળવામાં અને એમની સાથે પ્રાર્થના અને પરમપૂજા કરવામાં તેઓ પોતાનો સમય આપતા હતા. નજીકનાં ગામોમાં તેઓ સાઇકલ પર જતા હતા તો દૂરનાં ગામોમાં જવા માટે તેઓ મોટરસાઇકલ વાપરતા હતા. લોકોની ધાર્મિક સેવામાં પોતાની જાતને ન્યોછાવર કરવામાં ફાધર પરીઝા માનતા હતા. ગોઠડાના ખ્રિસ્તીજનોએ ૧૯૯૨ મેની ૧૩મીએ ફાધર પરીઝાના આયુષ્યના ૭૫ વર્ષની ઉજવણી ખૂબ ધામધૂમથી કરી હતી.

એના બે વર્ષ પછી ૧૯૯૪માં ફાધર પરીઝાની બદલી આણંદ ખાતે સેન્ટ ઝેવિયર્સ તાબામાં મદદનીશ પુરોહિત તરીકે થઈ. ત્યાં ફાધર પરીઝા ૧૯૬૩થી ૧૯૬૯ સુધી સભાપુરોહિત રહી ચૂક્યા હતા. પણ ફરી વાર આણંદ પરત આવ્યા ત્યારે આણંદ તાબો ઘણીબધી રીતે બદલાઈ ગયો હતો. આણંદ તાબામાંથી બીજા બે નવા તાબાઓ બન્યા; એટલું જ નહિ, પણ ચર્ચ પાસે ઘણી બધી ખ્રિસ્તી હાઉસિંગ સોસાયટીઓ આવવાથી ચર્ચમાં ઉપાસનાવિધિઓમાં આવનાર ખ્રિસ્તીઓની સંખ્યા વધી હતી અને નવું દેવળ પણ બંધાયું હતું. ફાધર પરીઝા દેવળમાં રોજ સૌથી પહેલી પરમપૂજા અર્પણ કરતા અને સવાર-સાંજ સાઇકલ પર લોકોની મુલાકાત લેતા હતા.

આણંદ તાબાના લોકોએ અને ઈસુસંઘે ફાધર પરીઝાના સો વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી ૨૦૧૭માં ભવ્ય રીતે કરી હતી. એ પ્રસંગે અનેક લોકોની શુભેચ્છા અને અન્ય લખાણો અને જાહેરાતો સાથે એક રંગીન સ્મરણિકા પણ બહાર પાડી હતી. સો વર્ષની ઊંમરે પણ ફાધર પરીઝા સાઇકલ પર સવાર થઈને લોકોની મુલાકાતે જતા હતા. જ્યારે સાઇકલ પર જવાની એમને તકલીફ પડવા લાગી ત્યારે આણંદના સભાપુરોહિતે એમને રોજ સવારે ને સાંજે લોકોની મુલાકાતે જવા માટે એક ઓટોરિક્ષાની વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે ૧૦૧ની વયે દૈનિક ક્રિયાઓ માટે બીજાની મદદની જરૂર પડવા લાગી ત્યારે ફાધર પરીઝાને વડોદરા ખાતે ‘જીવનદર્શન’માં એટલે નિવૃત્તિ અને માંદા ઈસુસંઘીઓના ઘરમાં મોકલવામાં આવ્યા. ત્યાં એકાદ વર્ષથી પણ ઓછા સમયમાં ફાધર પરીઝાનું મૃત્યુ થયું.

પણ જુદાજુદા સમયે પોતાના આયુષ્યનાં ત્રીસેક વર્ષ ફાધર પરીઝાએ આણંદ તાબામાં ગાળ્યાં હતાં. એટલે એમની અંતિમ સંસ્કાર અને દફનવિધિ માટે એમના મૃતદેહને આણંદ તાબામાં લાવવામાં આવ્યો. સેંકડો ફાધરો અને સિસ્ટરો તેમ જ હજારો ધર્મજનો ફાધર પરીઝાની દફનવિધિમાં ભાગ લેવા ઊમટ્યા. ચર્ચ-આંગણાના ખુલ્લા મેદાનમાં મંચ પર ત્રણ ધર્માધ્યક્ષોએ મૃતજન માટેની પરમપૂજા ચઢાવી. મેં ગુજરાતમાં ગાળેલા ૫૫ વર્ષ દરમિયાન કદી જોઈ ન હતી એટલી મોટી જનમેદનીએ ફાધર પરીઝાના વિદાયની ઉપાસનાવિધિમાં ભાગ લીધો હતો!

ફાધર પરીઝા મારે માટે એક આદર્શ મિશનરી ધર્મગુરુ રહ્યા છે. તેમણે ઈશ્વરનો માણસ માટેનો પ્રેમ સૌ પ્રથમ પોતાના સાદગીભર્યા તથા પ્રાર્થનામય અને ત્યાગપૂર્ણ જીવન દ્વારા તેમ જ લોકોની નિસ્વાર્થ સેવાચાકરી દ્વારા લોકો આગળ પ્રગટ કર્યા છે. તેમણે ધર્મ કે નાતજાતના ભેદભાવ રાખ્યા વિના બધા લોકોને વિશેષ તો ગરીબગુરબાંને – સૌને ઈશ્વર પિતાનાં સંતાનો તરીકે ઓળખાવ્યા છે. આ દિવસોમાં ફાધર પરીઝા વિશેની લોકોની જાતજાતની વાતો સાંભળું છું ત્યારે મને લાગે છે કે, ફાધર લોકોને મન તેઓ એક વૃત્તાંત-વ્યક્તિ (Legend) બન્યા છે.

 

Changed on: 01-07-2019

Next Change: 16-07-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019