ગુડ ફ્રાઇડેનો પ્રશ્નઃ આ માણસ કોણ છે?

ગુડ ફ્રાઇડેનો પ્રશ્નઃ આ માણસ કોણ છે?
ફાધર વર્ગીસ પૉલ

ગુડ ફ્રાઇડે કે શુભ શુક્રવાર એટલે બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુએ ક્રૂસ પરના નામોશીભર્યા મૃત્યુને વરેલો દિવસ. ઈસુના જાહેર જીવનની શરૂઆતથી લોકોના મનમાં એક પ્રશ્ન હતોઃ “આ માણસ કોણ છે?” નવો કરારમાં શુભસંદેશનું એક મુખ્ય પાત્ર સ્નાનસંસ્કારક યોહાન છે. તેઓ ઈસુના માસી એલિસાબેતના પુત્ર છે. યોહાન પોતાની જાતને ઈસુના છડીદાર તરીકે ઘોષણા કરે છે અને ઈસુ વિશે કહે છે કે, “મારી પાછળ મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છેઃ હું તો નીચે નમીને તેના પગરખાંની વાધરી છોડવાને પણ લાયક નથી.” (માર્ક ૧, ૭)
વખત જતાં સ્પષ્ટબોલા યોહાને રાજા હેરોદને કહ્યું હતું કે, “તમારા ભાઈની સ્ત્રી સાથે રહો છો એ અધર્મ છે” (માર્ક ૬, ૧૮). પરિણામે હેરોદે પત્ની હેરોદિયાસને ખાતર યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યા હતા. કેદખાનાની સળીઓ પાછળ રહેલા યોહાનને કે એમના શિષ્યોને શંકા થઈ કે ઈસુ ખરેખર કોણ છે? ઈસુ ઈશ્વરના રાજ્યની ઘોષણા કરે છે. બધાનું ભલું કરતા ફરે છે. પણ ખરેખર તેઓ ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા છે?
પોતાની કે પોતાના આ શિષ્યોની શંકા દૂર કરવા યોહાને પોતાના બે શિષ્યોને ઈસુ પાસે મોકલ્યા. “જેમનું આગમન થવાનું છે તે આપ જ છો કે અમારે બીજાની રાહ જોવાની છે?” (માથ્થી ૧૧, ૩)
ઈસુ ખરેખર કોણ છે? યોહાનનો આ પ્રશ્ન વજૂદ છે. એમાં દમ છે. કારણ, ધરતી પર ઈસુના આગમન પહેલાં પણ ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા તરીકે બીજાઓ આવ્યા હતા. બાઇબલના ‘પ્રેષિતોનાં ચરિતો’ ગ્રંથમાં એવા બે માણસોની વાત છે. “થોડા સમય પહેલાં થ્યુદાસ આવ્યો હતો અને પોતે પણ કંઈક છે એમ કહેતો હતો. આશરે ચારસોક માણસો એની સાથે જોડાયા હતા, પણ તે માર્યો ગયો અને તેના અનુયાયીઓ બધા વેરવિખેર થઈ ગયા અને શૂન્યમાં મળી ગયા. એ પછી વસ્તીગણતરીના અરસામાં ગાલીલનો યહૂદા આવ્યો; તેણે કેટલાક લોકોને પોતાની પાછળ ખેંચ્યા. પણ તેનો પણ અંત આવ્યો અને તેના અનુયાયીઓ પણ બધા વેરણછેરણ થઈ ગયા.” (પ્રે.ચ. ૫, ૩પ-૩૭)
આવા સંદર્ભમાં યોહાનના શિષ્યો આગળ ઈસુ પોતે કંઈક છે એવો કોઈ દાવો કરતા નથી. પણ આવનાર મસીહ કે મુક્તિદાતા વિશે બાઇબલના જૂના કરારમાં જે કેટલાક ઉલ્લેખો છે, ભવિષ્યવાણી છે, તેના સંદર્ભમાં ઈસુ યોહાનના શિષ્યોને કહે છે, “તમે જે સાંભળો છો અને જુઓ છો તે યોહાનને જઈને કહોઃ આંઘળાં દેખતાં થાય છે, લંગડાં ચાલે છે, કોઢિયાં સાજાં થાય છે, બહેરાં સાંભળે છે, મરેલાં સજીવન થાય છે, અને દીનજનોને શુભસંદેશ સંભળાવવામાં આવે છે. અને મારે નામે જેની શ્રદ્ધા ડગતી નથી તે પરમસુખી છે.” (માથ્થી ૧૧, ૪-૬)
મુક્તિદાતાની વધામણીરૂપે જુના કરારના ‘યશાયા’ ગ્રંથમાં પયગંબરે ઈશ્વરના અભિષિક્ત અંગે લખવામાં આવ્યું છે કે, “ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે, અને બહેરાંઓના કાન ખૂલી જશે. ત્યારે લૂલાં હરણાંની જેમ ઠેકડા મારશે, અને મૂંગાંની જીભ હર્ષથી ગાવા માંડશે.” (યશાયા ૩પ, પ-૬)
ઈસુના જાહેર જીવન દરમિયાન ઘણાં લોકોએ એમના વિશે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “આ માણસ કોણ છે?” ઈસુએ કરેલા ચમત્કારો અને એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થયેલા લોકો કહેતા હતા કે, “તેઓએ લોકોના શાસ્ત્રીઓ પેઠે નહિ, પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા.” (માથ્થી ૭ઃ ર૯)
એક વાર ઈસુ અને એમના શિષ્યો હોડીમાં બેસીને તિબેરિયાસના સરોવર પાર કરી રહ્યા હતા. ત્યાં “પવનનું ભારે તોફાન જાગ્યું, અને મોજાં હોડી ઉપર એવાં પછડાવા લાગ્યાં કે હોડી ભરાઈ જવા લાગી. છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકે માથું મૂકીને ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, “ગુરુજી, અમે તો મરી ગયા! આપને એની પડી નથી?” ઈસુએ ઊઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું, “ચૂપ! શાંત થઈ જા!” તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ. આથી ભયભીત થયેલા શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા, “તો આ માણસ કોણ છે? તે વાયુ અને સાગરને સુધ્ધાં આજ્ઞા કરે છે, અને તે એનું કહ્યું કરે છે!” (માર્ક ૪, ૩પ-૪૧)
ઈસુના ટૂંકા જાહેર જીવન દરમિયાન એક બાજુ, એમના શિષ્યો અને અનુયાયીઓ હતા; તો બીજી બાજુ એમના વિરોધીઓ અને કટ્ટર દુશ્મનો પણ હતા. આ બંને તરફના લોકોની સંખ્યા સતત વધતી રહી.
શુભ શુક્રવારના આગળના રવિવારને ખ્રિસ્તી લોકો તાડપત્રનો રવિવાર તરીકે ઓળખાવે છે. એ રવિવારે ઈસુ પોતાના શિષ્યો સાથે યરુશાલેમ પહોંચ્યા ત્યારે લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઈસુની વધામણી કરી હતી. તે દિવસ અંગે પયગંબર ઝખરિયાએ ભાખ્યું હતું તેમ, “વિજયવંત થઈને આવે છે, પણ નમ્રપણે, ગઘેડા પર સવારી કરીને,” (ઝખરિયા ૮ઃ ૯) ઈસુએ યરુશાલેમ નગરમાં પ્રવેશ કર્યો હતો અને લોકોએ “દાવિદના પુત્રનો જયજયકાર હો!”, “પ્રભુને નામે આવનાર ઉપર આશીર્વાદ ઊતરો!”, “પરમ ધામમાં જયજયકાર હો!” એવા પોકારોથી ઈસુને આવકાર્યા હતા. શુભસંદેશકાર માથ્થી આ પ્રસંગનું વર્ણન કરતાં લખે છે, “ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે આખું શહેર ખળભળી ઉઠ્યું, અને લોકો પૂછવા લાગ્યા, “આ કોણ છે?’ અને ટોળાએ જવાબ આપ્યો, “એ તો ગાલીલમાંના નાસરેથના પયગંબર ઈસુ છે!” (જુઓ માથ્થી ર૧, ૧-૧૦)
આ પ્રસંગના થોડા જ દિવસ પછી શુભ શુક્રવારના દિવસે આ જ ટોળાના લોકો પોતાના ધાર્મિક આગેવાનોના ઉશ્કેરવાથી ઈસુ સામે જોરશોરથી પોકારી ઊઠશે, “એને ક્રૂસે ચડાવો!”, “એને ક્રૂસે ચડાવો!” (માથ્થી ર૭, રર-ર૩)
ઈસુના વખતમાં પોન્તિયસ પિલાત યહૂદીયાનો સૂબો હતો. ચારેય શુભસંદેશકારોએ નોંધ્યું છે તેમ, પિલાતે ઈસુની ઊલટતપાસ કરી હતી. અને “પિલાતે મુખ્ય પુરોહિતોને અને ટોળાના લોકોને કહ્યું પણ ખરું કે, ‘મને આ માણસનો (ઈસુનો) કોઈ દોષ દેખાતો નથી.’” (લૂક ર૩, ૪)
એટલું જ નહિ પણ પિલાતે ઈસુની યહૂદી આગેવાનો તથા લોકોના આાક્ષેપોમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમણે કહ્યું પણ ખરું કે, “હું તો એને (ઈસુને) થોડી સજા કરીને છોડી દઈશ” (લૂક ર૩, ૧પ-૧૬). છતાં અંતે પોતાના સ્વતંત્ર મત કે અંતરાત્માના અવાજને પણ અવગણીને, આપણા ઘણા રાજકારણીઓની જેમ જ પોતાના સ્વાર્થ સાધવા માટે, પિલાતે “ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધા.” (માથ્થી ર૭, ર૬)
રોમના કાયદા મુજબ રાજદ્રોહ, બળવો, ખૂન જેવા ભયંકર ગુનાઓ માટે જાહેરમાં કેદીઓને ક્રૂસે ચડાવીને મારી નાખવામાં આવતા હતા. પણ ઈસુએ એવો કોઈ મૃત્યુપાત્ર ગુનો કર્યો નહોતો. ઈસુને સાથે બે ગુનેગારોનો પણ ક્રૂસ પર લટકાવવામાં આવ્યા હતા. એમને ઈસુની નિર્દોષતાનો ખ્યાલ હતો. એટલે લૂકે નોંધ્યું છે તેમ, એક ગુનેગારે તેમને ટોણો માર્યો, “તું મુક્તિદાતા નથી? તો તારી જાતને અને અમને બચાવ.” પણ બીજા ગુનેગારે પહેલા ગુનેગારને ઠપકો આપીને કહ્યું, “આપણી સજામાં
પૂરો ન્યાય છે, કારણ, આપણે આપણાં કાર્યો ભોગવીએ છીએ. પણ એ માણસે તો કશું ખોટું કર્યું નથી.” (જુઓ લૂક ર૩, ૪૩)
પશ્ચાતાપ કરનાર ગુનેગારની જેમ ઈસુને ઓળખનાર અને ‘આ માણસ કોણ છે’નો જવાબ આપવા માટે એક સક્ષમ વિધર્મી માણસ પણ ત્યાં ઈસુના ક્રૂસ પાસે હતો. ઈસુને ક્રૂસ પર મરી જતા જોઈને રોમન ન સૂબેદાર ઈશ્વરની સ્તુતિ કરતાં બોલ્યા, “સાચે જ એ માણસ ધર્માત્મા હતો.” (લૂક ર૩, ૪૭)
ગુડ ફ્રાઇડેનો પ્રશ્નઃ “આ માણસ કોણ છે?”નો સ્પષ્ટ અને એકવારકો જવાબ પ્રભુ ઈસુનું પુનર્જીવન છે. એટલે જ ઈસુના શબને સુગંધી દ્રવ્યો અને અત્તર લગાડવા ગયેલી સ્ત્રીઓને ફક્ત ખાલી કબર જ જોવા મળી. પણ ત્યાં અચાનક પ્રગટ થયેલા ઝળહળતાં વસ્ત્રોમાં બે માણસોએ તેમને કહ્યું, “તમે જીવતાને મરેલાંમાં કેમ શોધો છો? તેઓ અહીં નથી. તેઓ તો સજીવન થયા છે.” (જુઓ લૂક ર૪, ૧-૬) ક્રૂસ પરનું ઈસુનું મૃત્યુ પુનરુત્થાનમાં પરિણમે છે. એટલે જ ઈસુના મૃત્યુના શુક્રવારને ગુડ ફ્રાઇડે કે શુભ શુક્રવાર કહેવામાં આવે છે.