ઇસ્ટર એટલે સર્વાંગી પરિવર્તન

ઇસ્ટર એટલે સર્વાંગી પરિવર્તન

ફાધર વર્ગીસ પૉલ
એક પ્રેમાળ પિતા અને વહાલસોયા પુત્રની આ વાર્તા છે. પણ હું માનું છું કે આ કોઈ કલ્પનિક વાર્તા નથી; પણ જીવાતા જીવનની સાચુકલી વાર્તા છે. આપણને ઊંડાણથી સ્પર્શે એવી આ વાર્તામાં રશિયાના આલ્ફ્રેટ અને એમનો એકનો એક દિકરો ગ્રેકની વાત છે. યુવાન પાણીદાર ગ્રેક રશિયાના સૈન્યમાં જોડાયા.

એના બે વર્ષ પછી આલ્ફ્રેટને દીકરા ગ્રેકના સેનાપતિનો પત્ર મળ્યો. “હું દિલગીર છું કે મારે આપને દુઃખના સમાચાર આપવા પડે છે. આપનો પાણીદાર દિકરો યુદ્ધમાં મરી ગયા છે. ગ્રેક ઉત્તમ કોટિના સૈનિક હતા. અમે બધા એમની ખૂબ કદર કરતા હતા. તેમણે ખૂબ હિંમતથી લડત આપીને મરી ગયા છે. એ શૂરવીર લડવૈયા માટે આપ ગૌરવ લઈ શકો છો.”

પોતાના વહાલસોયા દીકરાના અકાળ મૃત્યુના સમાચારથી આલ્ફ્રેડ પડી ભાગ્યા. થોડા જ દિવસમાં જાણે એમની ઉંમર ખૂબ વધી ગઈ. રાતોરાત એમના બધા વાળ ધોળા થઈ ગયા. એમની યાદશક્તિ પણ ઘટવા માંડી. તનમનથી તેઓ માંદા અને નબળા પડી ગયા. તેઓ પોતાના દીકરા માટે પોતાનું આખું જીવન જીવતા હતા.હવે તો તેઓ વધુ જીવનની આશા પણ ખોઈ બેઠા. તેમણે પોતાના બધાં સંબંધીઓ અને મિત્રો સાથે મૃત દીકરાની સદ્‌ગતિ માટે દફનવિધિની પ્રાર્થનાઓ કરી. પણ એમને કોઈ સાંત્વન મળતું નહોતું. તેમનું જીવન માનસિક, શારિરીક અને બધી રીતે દુઃખમય બન્યું હતું.

દીકરાના મૃત્યુના સમાચાર મળ્યાના તેરમા દિવસે ફરી એક વાર દીકરાના સેનાપતિનો બીજો પત્ર મળ્યો. એમાં એક અદ્‌ભુત સમાચાર હતા. “તમારો દીકરો મરી ગયો નથી; પણ જીવે છે. યુદ્ધમાં ખૂબ ઘવાયેલો દીકરો મરી ગયા છે એમ માનવામાં આવ્યું હતું. પરંતુ ગ્રેક ઘતકી જખમથી બેભાન થયા હતા. પણ સભાન થતાં તેઓ પોતાના એક જખમી સૈનિકને લઈને પૂરા ચાર કિલોમીટર જેમતેમ ઘસડતાંધસડતાં સૈનિક છાવણીમાં આવી પહોંચ્યા અને હવે તેઓ સૈનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખરેખર તમારો દીકરો શૂરવીર છે અને એમને રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ અવૉર્ડ ‘સેન્ટ જોર્જનો ક્રોસ’ આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સાજોનરવો થઈને તેઓ પોતાના કુટુંબમાં પાછા આવશે.”

વહાલસોયા દીકરો જીવતો છેના સમાચારથી પિતા આલ્ફ્રેટમાં નોંધપાત્ર પરિવર્તન આવવા માડ્યું. એમણે એ પત્ર શહેરના મુખ્ય ચોક પર લઈ જઈને બધાને વાંચી સંભળાવા માડ્યું. તેમણે બૂમ પાડીને બધાને કહ્યું, “સાંભળો, મારો દીકરો ગ્રેક જીવતો છે. તેમને બહાદૂરી માટેના રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ અવૉર્ડ આપવામાં આવ્યો છે.”

મૃત્યુના મોંમાંથી પાછા આવવાની ગ્રેકની વાત સાથે ઈસુના પુનરુત્થાનની વાતને સરખાવી ન શકાય. છતાં એને એક ફિકા પ્રતિક તરીકે લઈ શકાય. ગ્રેક મરી ગયા નહોતા પણ બેભાન અવસ્થામાંથી જીવતા થયા હતા. જ્યારે ઈસુ ક્રૂસ પર મરી જઈને એને દફનાવ્યામાં આવ્યા હતા અને ત્રીજા દિવસે તેઓ સજીવન થયા હતા. ખરેખર મૃત્યુમાંથી ત્રીજા દિવસે એમનું પુનરુત્થાન થયું હતું. ઈસુનું પુનરુત્થાન ખરેખર ચમત્કારોનો ચમત્કાર કહેવાય છે. મૃત બનેલો પોતાનો દીકરો ખરેખર મરી ગયા નથી, એવા સમાચારથી એમના પિતા આલ્ફ્રેટમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું.

અઠવાડિયાના પહેલા દિવસે ઈસુના શબને લગાડવા માટે સુગંથ દ્રવ્યો સાથે મગ્દલાની મરિયમ અને બીજી સ્ત્રીઓ કબર આગળ આવીને જુએ છે તો એમને ઈસુની કબર ખાલી જોવા મળી! મરિયમ સાથેની બીજી સ્ત્રીઓ ખાલી કબરની વાત કરવા માટે ઈસુના શિષ્યો પાસે દોડી ગઈ હશે. પણ સંત યોહાન કહે છે તેમ, “મગ્દલાની મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી.” (યોહાન ર૦ઃ ૧૧) ત્યાં પુનરુત્થાન પામેલા ઈસુએ મરિયમને દર્શન દીધાં અને કહ્યુંઃ “મારા ભાઈઓને જઈને કહેજે કે, હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે જઈ રહ્યો છું.” (યોહાન ર૦ઃ ૧૭) પણ “ઈસુની કબર ખાલી છે”, “ઈસુ પુનર્જીવન પામ્યા છે”, એવી મગ્દલાની મરિયમ અને બીજી સ્ત્રીઓની વાત ઈસુના શિષ્યોને “અક્કલ વગરની લાગી અને તેમણે માની નહિ.” (લૂક ર૪: ૧૧)

ઈસુને પકડીને ક્રૂસે ચડાવી મારી નાખવામાં આવ્યા ત્યારે એમના બધા શિષ્યો જીવ લઈને નાસી ગયા હતા. પણ પુનરુત્થાન પછી બંધ બારણા પાછળ સંતાઈ રહેલા શિષ્યોને ઈસુએ દર્શન દઈને શાંતિની શુભેચ્છા પાઠવી અને શિષ્યોના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું. તેઓ હિંમતથી પુનર્જીવન થયેલા ઈસુનાં જીવન અને સંદેશની જરુશાલેમ મંદિરથી માંડી સર્વત્ર ઘોષણા કરવા લાગ્યા.

ઈસુના ક્રૂસ પરના મૃત્યુથી હતાશ થઈને બે શિષ્યો જરુશાલેમથી પોતાના ગામ એમ્માઉસ જતા હતા. ઈસુ અજાણ્યા પ્રવાસીરૂપે તેમની સાથે રસ્તામાં જોડાયા અને બંને શિષ્યોના આગ્રહથી ઈસુ તેમની સાથે ગામમાં જઈને જમવા બેઠા. ઈસુએ રોટલીના “ટુકડા કરીને તેમને આપ્યા ત્યારે તે લોકોની આંખ ઊઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા.” (લૂક ર૪ઃ ૩૧)

હતાશામાં ડૂબેલા શિષ્યોમાં ઈસુને મળવાથી અનેરું પરિવર્તન આવ્યું. તેઓ તાબડતોબ ઊઠીને પુનર્જીવન પામેલા ઈસુને મળ્યાના સમાચાર બીજા શિષ્યોને આપવા માટે રાતોરાત યરુશાલેમ પાછા ફર્યા. ત્યાં તેમને ખબર પડી કે ઈસુએ બીજા કેટલાક શિષ્યોને અને અનુયાયીઓને પણ દર્શન દીધાં છે. ઈસુના પુનરુત્થાનથી તેઓ બધામાં અમૂલ પરિવર્તન આવ્યું છે. તેઓ બધાં ખૂબ હિંમતવાન બન્યા અને ઉત્સાહ અને ઉમંગથી ઈસુની ઘોષણા કરવા લાગ્યા.

એક ચુસ્ત ફરોશી પાઉલ ઈસુના અનુયાયીઓને કેદ કરવા અને તેમના પંથનો સર્વનાશ કરવા નીકળી પડ્યા હતા. પરંતુ દમસ્કના રસ્તા પર પાઉલને પુનરુત્થાન પામેલા ઈસુનો ભેટો થયો.

ઈસુએ પાઉલને પોતાની ઓળખ આપતા કહ્યુંઃ “હું ઈસુ છું, જેને તુ રંજાડે છે.” (પ્રેષિતોનાં ચરિતો ૯ઃ પ) ઈસુ સાથેના એ મેળાપથી પાઉલ એકદમ નવા માણસ બની ગયા.

ઈસુના અનુયાયીઓને રંજાડનાર અને સતામણી કરનાર પાઉલ ઈસુપંથના કટ્ટર વિરોધીમાંથી ઈસુના સંદેશને દેશવિદેશમાં ફેલાવનાર ઈસુના શિષ્ય બન્યા. પાઉલ લાંબી લાંબી મુસાફરીઓ અને અનેક હાડમારીઓ વેઠીને ખ્રિસ્તી બનેલા લોકોના ઘણા ધર્મસંઘો સ્થાપનાર પ્રથમ પંક્તિના પ્રેષિત બની ગયા! એમાં એમને પારાવાર દુઃખો અને મુશ્કેલીઓના સામના કરવા પડ્યા છે. પરંતુ પાઉલે ઈસુને ઓળખવાના લાભ ખાતર પોતાની બીજી બધી સિદ્ધિઓને અને હાડમારીઓને તૃણ સમાન ગણી છે.

ઈસુનું પુનરુત્થાન ફક્ત એમના શિષ્યો અને અનુયાયીઓમાં જ નહિ પણ સમગ્ર દુનિયાના પરિવર્તનનું નિમિત્ત કે કારણ બન્યું છે. ઈસુના મહિમાવંત પુનરુત્થાનથી સમગ્ર દુનિયાનાં બધાં કોમના અને નાતજાતના તથા બધાં વંશો અને દેશોના લોકોમાં જડમૂળથી પરિવર્તન આવ્યું છે. અને આ પરિવર્તન આજે પણ ચાલુ છે. એટલે જ ઘણા બધા લોકો ઈસુનાં મૂલ્યો અને આદર્શોને અનુસરવામાં અને એમના સંદેશની ઘોષણા કરવામાં પોતાની જાતની આહુતિ આપવા પણ તૈયાર થાય છે. ઈસુને પગલે ચાલવા માટે પોતાનાં સગાંસંબંધીઓ અને દેશને પણ છોડી દે છે અને ગરીબ-ગુરબાની સેવાચાકરીમાં પોતાની જાતને સમર્પી દે છે.

આજે પણ પુનરુત્થાન પામેલા ઈસુ સાથે લોકોનો મેળાપ થાય છે. લોકો ઈસુ સાથેના મેળાપથી અનેરો પરિવર્તન અનુભવે છે. એમાં ખાસ નોંધપાત્ર વાત એ છે કે ઈસુનો ભેટો કે ઈસુ સાથેનો મેળાપ ફક્ત એમના શિષ્યો અને અનુયાયીઓ પૂરતા મર્યાદિત નથી. પણ કોઈ ભેદભાવ વિના બધા જ યુગોના અને બધી સંસ્કૃતિના તથા બધી જ નાતજાતના લોકોને ઈસુનો ભેટો થાય છે. એટલે કોઈ પણ ધર્મ, શ્રદ્ધા, વંશ કે કોમના લોકો ઈસુથી દૂર નથી. ઈસુના પ્રેમની બહાર નથી.

આપણા સમયમાં ઈસુનાં મૂલ્યો, આદર્શો અને વલણો ઘણાબધા લોકોને દોરતા રહે છે. તેઓ પોતાની જાતને ઈસુનાં પગલે ચાલવામાં સંપૂર્ણપણે સમર્પી દે છે. તેઓ ઈસુની જેમ જ ગરીબગુરબાની સેવાચાકરીમાં મંડ્યા રહે છે. તેઓ હિંમતથી પોતાની આ સમર્પિત સેવામાં બધી મુશ્કેલીઓ અને અડચણોનો ધીરજથી સામનો કરે છે.

આનો એક બોલતો દાખલો મિશનરી ડૉ. ગ્રેગામ સ્ટેઇન્સ, એમની પત્ની એડિત અને તેમનાં ત્રણ બાળકો છે. તેઓ ઓસ્ટ્રેલિયાથી પોતાના દેશ, કુટુંબીજનો અને મિત્રોને છોડીને ભારતમાં આવ્યા. તેઓ બિહારમાં કુટુંબ અને સમાજે તરછોડેલા કુષ્ઠરોગીઓની અને અન્ય ગરીબ લોકોની ખૂબ સમર્પિત સેવા કરતાં રહ્યાં. પરંતુ ધર્માંત કોમવાદીઓએ ડૉ. ગ્રેગામ અને એમના બે માસુમ દીકરાઓ ફિલિપ (૧૦) અને તિમોથી (૬)ને આગ ચાંપીને નિર્દયપણે મારી નાખ્યા. છતાં પત્ની એડિત અને દીકરી એસ્તેર પોતાના વહાલસોયા સ્વજનોને મારી નાખનાર હત્યારાઓને દિલથી માફી આપી છે; એટલું જ નહિ પણ તેઓ ગરીબગુરબાનો પોતાની સમર્પિત સેવામાં પોતપોતાની રીતે મંડ્યા રહે છે. આમાં પુનરુત્થાન પામેલા ઈસુ જ એમની પ્રેરણા તથા શક્તિસ્ત્રોત છે.

ઈસુને તીવ્રપણે શોધનાર બધા લોકોને ઈસુનો ભેટો થાય છે. ઈસુએ કહ્યું છે, “માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલી જશે.” (માથ્થી ૭ઃ ૭) તમે અને હું પુનરુત્થાન પામેલા ઈસુનાં મૂલ્યો, આદર્શો અને વલણો અપનાવી શકીએ. ઈસુએ ચીંધેલા ગરીબગુરબાના પ્રેમ ને સેવાને માર્ગે ચાલવામાં ઈસુનો ભેટો થયાનું પરિવર્તન અનુભવી શકીએ.