ઈસુદાસ ક્વેલી: બાઇબલના અનુવાદક ઓલિયો

ફાધર ઈસુદાસ ક્વેલીએ બાઇબલના અનુવાદનું કામ શરૂ કર્યુ એ જ વર્ષે ૧૯૬૪માં હું ઈસુસંઘમાં દાખલ થયો હતો. પરંતુ ફાધર ઈસુદાસ સાથેનો મારો સબંધ હું અમદાવાદ ખાતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતો હતો ત્યારથી શરૂ થાય છે. હું મુંબઈ ખાતે એક વર્ષ માનવવિદ્યાનો એટલે મુખ્યત્વે અંગ્રેજી સાહિત્ય, લૅટિન અને ગ્રીક ભાષાઓનો અભ્યાસ અને ત્યાર બાદ  માઉન્ટ આબુ ખાતે સાધનાભવનમાં એક વર્ષ ગુજરાતી ભાષાના અભ્યાસ પછી જૂન ૧૯૬૮માં કૉલેજમાં દાખલ થયો હતો.

કૉલેજમાં મુખ્ય વિષય તરીકે ગુજરાતી ભાષા પસંદ કરવામાં ફાધર ઈસુદાસનો પ્રભાવ હતો. પ્રથમ વર્ષે હું અને મારા જેવા બ્રધરો ફાધર ઈસુદાસ સાથે પ્રેમલ જ્યોતિમાં રહીને ભણતા હતા. પછી એક વર્ષ અમે કૉલેજ હૉસ્ટેલ અને બહાર રાજહંસ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહીને કૉલેજમાં જતા હતા.  પછી કૉલેજમાં ભણતા મારા જેવા બધા બ્રધરો માટે જૂન ૧૯૭૦માં શેફાલી એપાર્ટમેન્ટના ત્રીજા માળના જોડાજોડ બે ફ્લેટમાં રહેવાની સગવડભરી વ્યવસ્થા થઈ. ત્યાં ફાધર ઈસુદાસ ક્વેલી અમારા ઉપરી હતા. ઉપરી કરતાં ફાધર ઈસુદાસ અમારા મોટા ભાઈ તરીકે અમારી સાથે રહેતા હતા.

ફાધર ઈસુદાસનું જીવન જ એમનું ઉપરીપણું હતું. પોતાના અનુવાદના કામ પ્રત્યે એમની અજબગજબની નિષ્ઠા હતી. શેફાલીમાં જ પરમપૂજા અને નાસ્તો કર્યા પછી બરાબર આઠ વાગે તેઓ પોતાનું કામ લઈને બેસી જાય. એમની ટેબલ પાસે ખાસ બનાવેલું એક ફરતું પુસ્તક સ્ટેન્ડ હતું. એમાં વિવિધ ભાષાઓની બાઇબલની નકલો અને ભાષ્યગ્રંથો તથા ચાર-પાંચ ભાષાઓના શબ્દકોશ, વગેરે હતાં. ફાધર ઈસુદાસ કામ પર બરાબર આઠ વાગે બેસે ત્યારે અમારે સમજવાનું કે, કૉલેજમાં સવા આઠના ક્લાસમાં જવાનો સમય થયો છે.

ફાધર ઈસુદાસનો જન્મ ૧૯૩૦, ડિસેમ્બરની ૨૪મી તારીખે સ્પેઇનમાં થયો હતો. થોડા જ દિવસની અંદર એમને ખ્રિસ્તી ધર્મનો મૂળભૂત સંસ્કાર બેપ્ટિઝમ (સ્નાનસંસ્કાર) આપવામાં આવ્યો અને એમનું નામ ‘હેસુસ’ એટલે ઈસુ પાડવામાં આવ્યું. તેઓ ૧૯૪૯માં ઈસુસંઘ નામે સંન્યસ્તસંઘમાં પ્રવેશ્યા અને ૧૯૫૧ વર્ષની ડિસેમ્બર ૨૧મીએ ઇન્ડિયાના મુંબઈ બંદરે ઊતર્યા.

ઈસુસંઘી ઉપરીના જણાવ્યા મુજબ યુવાન હેસુસ ક્વેલીને કર્મભૂમિ તરીકે ગુજરાતમાં મિશન-સેવા કરવાની હતી. એની તૈયારીરૂપે ગુજરાતી ભાષા શીખીને મુંબઈ ખાતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ ભણીને મુંબઈ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયા. ગુજરાતી સંસ્કૃતિમાં ઊંડા ઉતરેલા બ્રધર હેસુસ ક્વેલી ગુજરાતીકરણમાં ઈસુદાસ નામ અપનાવ્યું. પછી પુરોહિતની તાલિમરૂપે પૂણે ખાતે ફિલોસોફી ભણ્યા અને ઈશ્વર વિદ્યામાં અનુસ્નાતક થયા. ફાધર ઈસુદાસે ૧૯૬૨માં માર્ચની ૨૪મીએ પુરોહિત દીક્ષા લીધી.

ઈસુસંઘની છેલ્લી તાલિમ માટે તેઓ ૧૯૬૩માં તમિલનાડુના શેમ્પગન્નુર ખાતે સિક્રેટ હાર્ટ કૉલેજમાં હતા. તે વખતે જાન્યુઆરી ૧૯૬૪માં ફાધર ઈસુદાસે કદી કલ્પી નહોતી એવી નિમણૂંક તેમણે ઈસુસંઘની સમાચાર-પત્રિકા દ્વારા મળી! ગુજરાતી ભાષાના મૂર્ધન્ય–ભગીરથ અનુવાદક નગીનદાસ પારેખ જોડે અદ્યતન ગુજરાતી ભાષામાં બાઈબલનો અનુવાદ કરવા માટે તેમની નિમણૂંક થઈ છે!

વિવિધ ભાષાઓ શીખવાની ફાધર ઈસુદાસની વિશિષ્ટ ફાવટ હતી. વળી, તમને પોતાની માતૃભાષા સ્પેનિશ સિવાય લૅટિન, ગ્રીક અને હિબ્રૂ ભાષાઓ થોડીઘણી આવડતી હતી. પરંતુ અનુવાદનું કામ એમને ભયજનક લાગ્યું. છતાં ઉપરીએ આપેલ અનુવાદનું અત્યંત કઠીન કામ એમણે ઉત્સાહથી માથે લીધું. તે વખતે તેમને જાણવા મળ્યું કે, ભારતની વિવિધ ભાષાઓમાં બાઇબલનો અનુવાદ કરનાર વિદ્વાન લોકો માટે તમિલનાડુના ઊટ્ટી ખાતે એક આંતરરાષ્ટ્રીય શિબિર યોજાય છે. એક ધાર્મિક ગ્રંથ તરીકેની બાઇબલની વિશિષ્ટતાઓ, અનુવાદના સિદ્ધાંતો, જે ભાષામાં અનુવાદ કરવાના છે તે ભાષાની ખૂબીઓ, અનુવાદમાં નડતા પ્રશ્નો, વગેરે અંગે ત્રણેક મહિનાની તાલિમ શિબિરમાં ભાગ લઈને ફાધર ઈસુદાસ અમદાવાદ પરત આવ્યા અને ૧૯૬૪થી નગીનદાસ પારેખ સાથે અનુવાદના કામમાં ઝંપલાવ્યું.

અનુવાદના કામમાં ફાધર ઈસુદાસની મદદ માટે ફાધર વાલેસ, ફાધર હેરેદરો, ફાધર જોન ખેંગાર અને ફાધર જો લોબોની એક ઈસુસંઘી સમિતિ હતી. સમિતિનું કામ ફાધર ઈસુદાસે નગીનદાસ પારેખ જોડે તૈયાર કરેલા અનુવાદ અંગે પોતાના પ્રતિભાવ, સુધારાવધારાનાં સૂચનો આપવાનું હતું.

ફાધર ઈસુદાસ અને નગીનદાસ પારેખના નિષ્ઠાભર્યા પ્રયત્નથી ૧૯૬૫માં ‘શુભસંદેશ’ શીર્ષક હેઠળ બાઇબલના ઉત્તરાર્ધ ‘નવો કરાર’ના પહેલા પાંચ ગ્રંથનું ગુજરાત સાહિત્ય પ્રકાશ, આણંદ દ્વારા પ્રકાશન થયું. ત્યાર પછી ‘પત્રાવલિ’ના નામથી નવા કરારના બાકીના ગ્રંથોનું પ્રકાશન ૧૯૬૮માં કરવામાં આવ્યું. શુભસંદેશની નવી આવૃત્તિ ૧૯૭૪માં પ્રકાશિત થયા પછી ૧૯૭૬માં પ્રથમ વાર સમગ્ર નવો કરાર સળંગ પુસ્તકરૂપે પ્રગટ થયો.

નવો કરારના પ્રકાશન પછી ફાધર ઈસુદાસ હિબ્રૂ અને અરામેઈક  (Hebrew & Aramaic) ભાષાના સધન અભ્યાસ માટે રોમની ગ્રિગોરીયન યુનિવર્સીટી સાથેના ‘બિબ્લીકુમ’ અને ઇસ્રાયેલના યેરૂશાલેમ ખાતેના ‘બિબ્લીકુમ’માં જઈ આવ્યા. ઈસુના વખતમાં મુખ્ય બે ભાષાઓ હતી. ત્રીજી ભાષા ગ્રીક હતી. ઈસુની તળપદી ભાષા અરામેઈક ભાષાઓમાં લખેલો ગ્રંથ છે.

યેરૂશાલેમથી પરત આવીને ફાધર ઇસુદાસે ફરી જૂના કરારના અનુવાદના કામમાં ઝંપલાવ્યું. જૂના કરારના ત્રણ ગ્રંથો પદ્યમાં છે: યોબનો ગ્રંથ, સર્વોત્તમ ગીત તથા સ્તોત્રસંહિતા. એના અનુવાદ માટે ઈસુદાસે અનુક્રમે નિરંજન ભગત, ચંદ્રકાંત શેઠ અને યૉસેફ મેકવાન જેવા ગુજરાતના સુપ્રસિદ્ધ કવિઓનો સાથસહકાર લીધો. એક દિવસ સર્વોત્તમ ગીતને પદ્યરૂપ આપનાર ચંદ્રકાંત શેઠે એક મુલાકાત વખતે મને કહ્યું, “ફાધર ઈસુદાસ ડોલે ત્યારે સમજવાનું કે મારો અનુવાદ બરાબર છે.”

સેંટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્યના મારા માનનીય અધ્યાપક આર. આર. પરમારે સમગ્ર બાઇબલનાં શીર્ષકો બાંધ્યાં છે. એટલું જ નહિ પણ અનુવાદની શરૂઆતથી છેલ્લે સુધી ઝીણવટ અને નિષ્ઠાથી આખા બાઇબલનું પ્રૂફવાચન કરીને તેને ક્ષતિરહિત કરવાની જવાબદારી બજાવી છે, તે અહી ખાસ નોંધપાત્ર છે.

અનુવાદના સોળેક વર્ષ દરમિયાન વખતોવખત બાઇબલના વિવિધ અંશોનું પ્રકાશન કરાયું હતું. ‘જૂના કરાર’માં સૌ પ્રથમ સ્વતંત્ર કાવ્યગ્રંથ તરીકે ‘પ્રાચીન સ્તોત્રો’ નામે ‘સ્તોત્રસંહિતા’ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, પછી સ્તોત્રસંહિતાના સ્વતંત્ર પુસ્તક પણ પ્રકાશિત થયું બંનેની નકલો આજે પણ મારી પાસે છે.

સોળ વર્ષની પ્રતિબદ્ધ જહેમત પછી ૧૯૮૧ માર્ચની ૧૭મીએ પાલડી, અમદાવાદ ખાતે ટાગોર હૉલમાં પ્રતિષ્ઠિત વ્યકિતઓની હાજરીમાં સંપૂર્ણ બાઇબલનું લોકાર્પણ થયું. તે અરસામાં સાર ન્યૂઝનો પ્રથમ અંક ફેબ્રુઆરી ૨૮, ૧૯૮૧માં પ્રથમ સમાચાર તરીકે અદ્યતન ગુજરાતી ભાષામાં સંપૂર્ણ બાઇબલ ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે એવા ‘એડવાન્સ’ સમાચાર આપ્યા હતા. પછી સાર ન્યૂઝના માર્ચ ૨૧માં અંકમાં સંપૂર્ણ બાઈબલના લોકાર્પણના સમાચાર આપવામાં આવ્યા. ત્યાર પછી આણંદ, વડોદરા અને સુરતમાં પણ જાહેર જનતાની મોટી હાજરીમાં સંપૂર્ણ બાઇબલના લોકાર્પણ સમારંભ થયા. વળી, ટૂંક સમયમાં સંપૂર્ણ બાઇબલના ૧૦,૦૦૦થી વધારે નકલો છાપીને વહેંચવામાં આવી ત્યારે ગુજરાતી બાઇબલ ‘બેસ્ટ સેલ્લર’ તરીકે પણ એક સમાચાર લખ્યા અને સાર ન્યૂઝ દ્વારા સમગ્ર દક્ષિણ એશિયાના ખ્રિસ્તી સમાચારપત્રો એ સામયિકોમાં આ ગૌરવભર્યા સમાચાર પહોંચાડ્યાનો મને ગર્વ અને આનંદ છે.

બાઇબલ અને બીજા અંગ્રેજી સાહિત્યના અનુવાદ સાથે કર્મિષ્ઠ/કામઢા ફાધર ઈસુદાસ ક્વેલીએ એક યા બીજી જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. પણ એમના બધા જ પ્રકારના કામકાજો અને જવાબદારીઓમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ સાથેની એમની પ્રતિબદ્ધતા ખાસ નોંધપાત્ર છે. ફાધર ઈસુદાસ ગુજરાતમાં બધી રીતે એક ગુજરાતી બનીને જીવવામાં માનતા હતા અને એમના હાથ નીચેના બધા યુવાન ઈસુસંઘી બ્રધરોને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિમાં પ્રભુત્વ મેળવવા માટે ખુદ પોતાના જીવનથી પ્રેરણા અને પ્રોત્સાહન આપતા હતા. એમનું સહૃદયી માર્ગદર્શન મારા જેવા બધા યુવાન ઈસુસંઘીઓને સર્વદા સ્વીકાર્ય હતું.

પણ આજીવન અનુવાદના કામમાં જ પરોવાઈ રહેનાર ફાધર ઈસુદાસની એક અવિસ્મરણીય સેવા કૅથલિક ખ્રિસ્તી ધર્મની ઉપાસના-વિધિઓનું સંપૂર્ણ ગુજરાતીકરણ છે. ફાધર ઈસુદાસની આગેવાની અને તેમના પ્રયત્નથી આજે દૈનિક અને રવિવારની પરમપૂજામાં વપરાતા ધર્મગ્રંથો, ઉપાસના વિધિમાં વપરાતા પ્રાર્થના-ગ્રંથો શુદ્ધ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. આર. આર. પરમાર સાથે ફાધર ઈસુદાસે “ઉપદેશમાળા” (The Word of God) નામે ચાર દળદાર ગ્રંથોનો અનુવાદ કર્યો છે. દરેક ગ્રંથનાં ૬૦૦-૭૦૦ પાનાં છે. ‘બીજી વેટીકન દસ્તાવેજો” નામે પરિષદના ખ્રિસ્તી ધર્મજનોને ખાસ લાગુ પડે એવા દસ્તાવેજોનું એક દળદાર પુસ્તક પણ ફાધર ઇસુદાસે આર. આર. પરમાર સાથે અનુવાદ કરી પ્રકાશિત કર્યુ છે. વખતોવખત ખ્રિસ્તી કૌટુંબિક માસિક ‘દૂત’માં પણ એમણે મૌલિક પ્રાસંગિક લેખો પ્રકાશિત કર્યા છે.

એક દિવસ ફાધર ઈસુદાસના એક ઈસુસંઘી યુવાન મિત્રે એમના વિવિધ વિષયોનું અગાધ જ્ઞાન, ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ પરનું એમનું પ્રભુત્વ તથા એમના લેખાનકલાથી પ્રભાવિત થઈને એમને પૂછ્યું, “ફાધર ઈસુદાસ, સર્જનાત્મક મૌલિક સાહિત્ય પેદા કરવાની આપની પાસે બધી શક્તિઓ અને ક્ષમતા છે. તો આપ કેમ મૌલિક સર્જનાત્મક લેખન-સાહિત્યમાં જંપલાવતા નથી?”

“અનુવાદના કામમાં મૂળ લખાણ પ્રત્યેની વફાદારી ખૂબ મહત્વની છે. એટલે એક અનુવાદ કરવાના મૂળ સાહિત્ય પ્રત્યે વફાદાર રહેવા માટે પોતાની કલ્પનાશક્તિ અને સર્જન-ક્ષમતાનો ત્યાગ કરે છે,” ફાધર ઈસુદાસે  પ્રશ્ન પૂછનાર ફાધર કેઇથ અબ્રાનચેસને કહ્યું.

ફાધર ઈસુદાસની આધ્યાત્મિકતા એમના વ્યકિતત્વનો અવિભાજ્ય ભાગ હતો. રોજની પ્રાર્થના અને ધ્યાનમનનમાં ફાધર ઈસુદાસ મારા જેવા એમની જવાબદારી હેઠળના યુવાન ઈસુસંઘીઓ માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ હતા. એમને સોપેલું  કોઈ પણ કામ સંપૂર્ણપણે કરવામાં તેઓ માનતા હતા. એટલે અમે એમને “સંપૂર્ણ” ફાધર ઈસુદાસ કહેતા.

વાર્ધક્યસહજ માંદગીને કારણે ૮૮ વર્ષની જૈફ ઉમરે ૨૦૧૮ ઓગસ્ટ ૧૬મીએ ફાધર ઈસુદાસનું મૃત્યુ થયું. બીજા દિવસે સવારે વડોદરાના રોઝરી કેથેડ્રલ દેવળમાં યોજાયેલી પરમપૂજા અને અંતિમવિધિમાં આખા ગુજરાતમાંથી ગુજરાતના ત્રણ ધર્માધ્યક્ષો, ઈસુસંઘના ઉપરીઓ સાથે એક હજારથી વધુ લોકો ફાધર ઈસુદાસને અલવિદા કહેવા માટે તથા તેમની અનન્ય સેવા બદલ એમની કદર કરવા તથા એમનો આભાર માનવા ભેગા મળ્યા હતા.

અદ્યતન ગુજરાતીમાં કરેલા બાઈબલની ગુજરાતી અનુવાદ દ્વારા તથા ગુજરાતીકરણના ભાગરૂપે પરમપૂજા અને ઉપાસનાવિધીઓના અન્ય પુસ્તકોના અનુસર્જન દ્વારા, ફાધર ઈસુદાસ, આપ અમારી વચ્ચે અમર બન્યા છો.

#

Changed On: 01-10-2018

Next Change: 16-10-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018