ઈસુએ અનુભવેલો પ્રેમ

પ્રેમ અંગેનું પ્રભુ ઈસુનું શિક્ષણ અજોડ છે. દુશ્મનો પર પ્રેમ રાખવાનું શિક્ષણ સૌ પ્રથમ પ્રભુ ઈસુએ આપણને આપ્યું છે. ઈસુના સમય સુધી લોકો દુશ્મનોને ધિક્કારવામાં માનતા હતા. દુશ્મનો સામે બદલો લેવાની પ્રથા હતી. બાઇબલના જૂના કરારમાં હિંસાકાર્યો વિશેના નિયમો હતા. ‘મહાપ્રસ્થાન’ ગ્રંથમાં આપણે વાંચીએ, માણસો વચ્ચે લડવામાં “ઈજા થઈ હોય તો જાનને સાટે જાન, આંખને સાટે આંખ, દાંતને સાટે દાંત, હાથને સાટે હાથ, પગને સાટે પગ, ડામને સાટે ડામ, ઉઝરડાને સાટે ઉઝરડો અને ઘાને સાટે ઘા – એ રીતે બદલો લેવો.” (મહાપ્રસ્થાન ૨૧: ૨૩-૨૫).

પ્રભુ ઈસુના શ્રોતાજન યહૂદીઓ બદલો લેવાની આ વાતથી બરાબર વાકેફ હતા. એટલે બદલો લેવાની વાતનો ઉલ્લેખ કરીને ઈસુ એમને સમજાવતાં કહે છે કે, “હું તમને કહું છું કે, તમારું બૂરું કરનારનો સામનો કરશો નહિ. બલકે, જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે, તો તેની આગળ બીજો ધરવો” (માથ્થી ૫: ૩૯).

પ્રભુ ઈસુ વધુમાં કહે છે કે, “‘તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ’ એમ કહેલું છે તે તમે જાણો છો. પણ હું તમને કહું છું કે, તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માંગો” (માથ્થી ૫: ૪૩-૪૪). દુશ્મનો ઉપર પ્રેમ રાખવા કહેનાર પ્રભુ ઈસુને કેવો અનુભવ થયો છે કે, તે શત્રુ ઉપર પ્રેમ રાખવાનો અનોખો, અજોડ સંદેશ આપી શક્યા?

દરેક માનવ-બાળકની જેમ બાળ ઈસુને પ્રેમનો પ્રથમ અનુભવ એમનાં માતા મરિયમ પાસેથી મળ્યો છે. મરિયમને ઈસુની માતા બનવાની હાકલ મળી તે પહેલાં તેઓ પેલેસ્ટાઈનના ગાલીલ પ્રાંતના નાસરેથ ગામની એક સામાન્ય કન્યા હતાં. તેઓ એક ભક્તિપરાયણ કુટુંબમાં જન્મેલી ઈશ્વરની કૃપાપૂર્ણ કુમારિકા હતાં. લૂકકૃત શુભસંદેશમાં આપણે વાંચીએ: “છઠ્ઠે મહીને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયેલને ગાલીલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવિદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, ‘પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઊતરી છે, પ્રભુ તારી સાથે છે.’

“આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યાં આને વિચાર કરવા લાગ્યાં કે, આ તે કેવા પ્રકારના પ્રણામ! ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ‘ગભરાઈશ નહિ મરિયમ, કારણ, ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે.’” (લૂક ૧: ૨૬-૩૧)

મરિયમને દેવદૂત ગાબ્રિયેલની વાતની ગતાગમ ન પડી. પણ જયારે દેવદૂતે મરિયમના પ્રશ્નનો જવાબ વાળીને એમની શંકાકુશંકાઓ દૂર કરી ત્યારે “મરિયમે કહ્યું, ‘હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારે વિશે સાચી પડો” (લૂક ૧: ૩૮).

માતા મરિયમે આમ પોતાના ગર્ભમાં ઈસુને ધારણ કર્યો તે જ ક્ષણથી ખૂબ પ્રેમ અને સમર્પણભાવથી ઈસુનું લાલનપાલન કર્યું હશે.

ઈસુના જન્મના આઠ દિવસ પછી યહૂદી ધર્મના રીતરિવાજ પ્રમાણે બાળ ઈસુને એમનાં માબાપ યરુશાલેમ લઈ આવ્યાં. માથ્થીકૃત શુભસંદેશ જણાવે છે કે, “કારણ, પ્રભુની ધર્મસંહિતામાં લખ્યું છે કે, પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો.” (માથ્થી ૨: ૨૩). પોતાના રાજસિંહાસન છીનવી શકે એવા બાળકનો જન્મ થયો, એવી વાત જાણીને રાજા હેરોદે બેથલેહેમનાં બે વર્ષનાં અને તેથી નાનાં બધાં બાળકોને મારી નાખવાનો હૂકમ કર્યો. એ વાતની જાણ થતાં મરિયમ અને (એના પતિ) યોસેફ બાળ ઈસુને લઈને રાતોરાત મિસર ચાલ્યાં ગયાં હતાં. અને હેરોદના મૃત્યુ પછી તેઓએ પાછાં ઇસ્રાયેલ ભૂમિમાં પરત આવીને નાસરેથ નામના ગામમાં વાસ કર્યો.

આમ, આપણે જોઈ શકીએ કે, બાળ ઈસુને માતા મરિયમ અને પાલકપિતા યોસેફનો સમર્પિત બિનશરતી, અનહદ પ્રેમનો અનુભવ એમના બાળપણમાં થયો હતો.

ઈસુનાં માબાપ દર વર્ષે યહૂદી ધર્મનો રીતરિવાજ મુજબ યરુશાલેમ જતાં હતાં. જયારે ઈસુ બાર વર્ષના થયા ત્યારે પણ તેઓ દર વર્ષની જેમ જાત્રાએ ગયાં. ઉત્સવ પૂરો થતાં તેઓ પાછાં ઘેર આવવા નીકળ્યાં. પણ બાળ ઈસુ યરુશાલેમમાં રહી પડ્યાં. ઈસુ સંઘમાં છે, એમ ધારીને તેઓ એક દિવસની યાત્રા કાપ્યા પછી પોતાનાં સગાંસંબંધીઓ અને ઓળખીતાં-પાળખીતાઓમાં ઈસુની શોધ કરી, પણ કિશોર ઈસુનો પત્તો લાગ્યો નહિ! એટલે ઈસુને શોધતાં શોધતાં તેઓ પાછાં યરુશાલેમ આવ્યાં. છેક ત્રીજે દિવસે મંદિરમાંથી તેમની ભાળ લાગી. બાળ ઇસુ તો ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા! (જુઓ લૂક ૨: ૪૧-૪૭).

ઈસુનાં માતાએ તેમને કહ્યું, “બેટા, તેં આમ કેમ કર્યું? જો, તારા બાપુ અને હું તો તને શોધી શોધીને અરધાં થઈ ગયાં.” (લૂક ૨: ૪૮). લૂકે વધુમાં નોંધ્યું છે કે, “પછી ઈસુ તેમની સાથે પાછા નાસરેથ આવ્યા અને તેમના કહ્યામાં રહ્યા. ઈસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગયા અને ઈશ્વરના અને માણસોના વધુ ને વધુ પ્રીતિપાત્ર બનતા ગયા” (લૂક ૨: ૫૦).

બાળપણની જેમ ઈસુના જાહેરજીવન દરમિયાન પણ એમને માણસોમાં સમર્પિત અને બિનશરતી પ્રેમને અનુભવ થયો છે. એક વાર ઈસુના સંદેશ ખૂબ કઠિન લાગતાં એમના કેટલાક અનુયાયીઓએ ઈસુને અનુસરવાનું છોડી દીધું. તે વખતે ઈસુએ પસંદ કરેલા બાર શિષ્યોને પૂછ્યું, “તમારે પણ જતા રહેવું નથી?”

સિમોન પીતરે જવાબ આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? આપની વાણી શાશ્વત જીવનની વાણી છે.” (યોહાન ૬: ૬૭-૬૮). અહીં આપણે જોઈ શકીએ કે, પ્રભુ ઈસુએ પોતાના શિષ્યો પાસેથી પણ સમર્પિત, બિનશરતી પ્રેમનો અનુભવ કર્યો છે. પોતાના બાર શિષ્યોમાંથી ત્રણ શિષ્યો પાસેથી પ્રભુ ઈસુને પ્રેમનો વિશેષ અનુભવ થયો હતો. એટલે જ પોતાના દિવ્યરૂપ દર્શન વખતે, યાઈરની દીકરીને મૃત્યુમાંથી પુનર્જીવિત કરતી વખતે તેમ જ ગેથશેમાને નામની જગ્યાએ અનુભવેલી મહાવ્યથા વખતે પ્રભુ ઈસુએ પોતાના ત્રણ શિષ્યોને  – પીતર, યોહાન અને યાકોબને – પોતાની પાસે ખાસ રાખ્યા હતા.

ઈસુને અનુસરતા લોકોમાં કેટલીક સમર્પિત સ્ત્રીઓ પણ હતી. તેઓ પોતાના ખિસાંનું ખર્ચીને ઈસુની સેવાચાકરી કરતી હતી. ઈસુના અનુયાયીઓમાં ત્રણ સ્ત્રી-પાત્રોને અલગ તારવી શકાય. એ છે ઈસુના મિત્ર લાઝરસની બે બહેનો માર્થા અને મરિયમ તથા ત્રીજાં સ્ત્રી મિત્ર છે મગ્દલાની મરિયમ.

બેથાનિયા ગામમાં રહેતી બે બહેનો માર્થા અને મરિયમના સાંનિધ્યમાં ઈસુએ અનુભવેલા પ્રેમ અને મિત્રતાની વાત આપણે લૂક અને યોહાનકૃત શુભસંદેશમાં વાંચીએ છીએ. લૂકના અહેવાલમાં માર્થા ઈસુને પોતાના ઘરમાં આવકાર્યાની અને મરિયમ ઈસુનાં ચરણ આગળ બેસીને તેમનાં વચન સાંભળ્યાની વાત છે. પણ યોહાને વર્ણવેલા બે પ્રસંગોમાં ઈસુએ બંને બહેનોના સાંનિધ્યમાં અનુભવેલો પ્રેમ વધુ પ્રગટ થાય છે. યોહાને સ્પષ્ટ લખ્યું છે કે, “ઈસુને માર્થા અને તેની બહેન (મરિયમ) તેમ જ (તેમના ભાઈ) લાઝરસ ઉપર પ્રેમ હતો” (યોહાન ૧૧: ૫).

લાઝરસની માંદગી વખતે બંને બહેનોએ ઈસુને કહેવડાવ્યું કે, “પ્રભુ તમારો વહાલો મિત્ર માંદો પડ્યો છે.” આ સમાચાર સાંભળ્યા પછી ઈસુ તેમના ગામ બેથાનિયા આવ્યા ત્યાં સુધીમાં લાઝરસના મૃત્યુના ચાર દિવસ વીતી ચૂક્યા હતા. પણ માર્થા અને મરિયમ સાથેના ઈસુના સંવાદમાં ત્રણેય જણ વચ્ચેના અરસપરસના ઊંડા પ્રેમનો આપણને સ્પષ્ટ ખ્યાલ મળે છે.

પોતાના મિત્ર લાઝરસને દફનાવેલી જગ્યા પર પહોંચતાં ઈસુ રડી પડ્યા. એટલે યહૂદીઓ કહેવા લાગ્યા, “જુઓ, એમને તેના ઉપર કેટલો પ્રેમ હતો!”

ઈસુને મળતાં જ માર્થાએ કહ્યું, “પ્રભુ આપ જો અહીં હોત તો મારો ભાઈ મરણ ન પામત” (યોહાન ૧૧: ૨૧). એ જ રીતે મરિયમે પણ કહ્યું, “ગુરુદેવ, આપ જો અહીં હોત તો મારો ભાઈ મરી ગયો ન હોત” (યોહાન ૧૧: ૩૨).

બંને બહેનો અને ભાઈ લાઝરસના મૃત્યુમાં એમને દિલાસો આપવા આવેલા યહૂદીઓની હાજરીમાં ઈસુએ લાઝરસને દફનાવ્યાના ચોથા દિવસે પુનર્જીવિત કર્યાની વાત યોહાને વિગતવાર વર્ણવી છે.

ઈસુના મૃત્યુના થોડા દિવસ પહેલાં યરુશાલેમને રસ્તે ઈસુ બેથાનિયા પહોંચ્યા. ત્યાં પોતે સજીવન કરેલા લાઝરસને ત્યાં એમના મિત્રે ગોઠવેલા ભોજન સમારંભમાં ઈસુને પોતાના ત્રણેય મિત્રોના – લાઝરસ અને એમનાં બે બહેનો માર્થા અને મરિયમના – ગહન પ્રેમનો અનુભવ થયો.

ઈસુના બધા નિકટતમ મિત્રોમાં મગ્દલાની મરિયમનું પાત્ર સૌથી આગળ પડતું ગણી શકાય છે. પ્રભુ ઈસુને માટે મગ્દલાની મરિયમનો પ્રેમ અજોડ છે. માતા મરિયમ બાદ ઈસુના જાહેર જીવનની શરૂઆતથી ઈસુના ક્રૂસ પરના મૃત્યુ તથા દફન સુધી મગ્દલાની મરિયમ ઈસુના પડખે રહ્યાં છે. ઈસુના બીજા બધા શિષ્યો ભાગી ગયા હતા ત્યાં માતા મરિયમ સાથે મગ્દલાનાં મરિયમ જૂજ અનુયાયીઓ સાથે ક્રૂસ પાસે ઊભાં હતાં. ત્યાર બાદ વિશ્રામવાર પછી યોહાને નોધ્યું છે તેમ, “અઠવાડિયાના પહેલે દિવસે વહેલી સવારમાં, હજી અંધારું હતું ત્યાં જ મગ્દલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ખાલી હતી. મરિયમે તરત જ ખાલી કબરની વાત પીતર અને યોહાનને પહોંચાડી. તેઓ બંને આવીને ખાલી કબર જોઈને પરત ગયા. પરંતુ મરિયમ કબર આગળ રડતી ઊભી રહી. ત્યાં પુનરુત્થાન પામેલા ઈસુએ મરિયમને દર્શન દીધાં અને પોતાના પુનર્જીવનની વાત શિષ્યોને પહોંચાડવાની જવાબદારી મરિયમને સોંપી. એટલે બાઇબલના પંડિતો મગ્દલાની મરિયમને “પ્રેષિતોનાં પ્રેષિત” કહીને ઓળખાવે છે. આલ્બર્ટ નોલન અને બીજા પંડિતો કહે છે તેમ, ઈસુ અને મગ્દલાની મરિયમ લગ્ન કરેલા હોવાની ક્યાંય કોઈ સાબિતી નથી.

ઈસુએ અનુભવેલા માનવ-પ્રેમમાં આલ્બર્ટ નોલન કહે છે કે, ઈસુ પર સૌથી વધારે પ્રભાવ પાડનાર પ્રેમ એમનાં માતા મરિયમનો પ્રેમ છે. વળી આપણે જાણીએ છીએ કે, ઈસુએ અનુભવેલા ઈશ્વરપિતાના પ્રેમની કોઈ સરખામણી નથી. ઈસુએ ઈશ્વરપિતાનો પ્રેમ ‘અબ્બા’ શબ્દથી (એટલે વહાલસોયા પિતાજી/બાપુજી) શબ્દથી પ્રગટ કર્યો છે. ‘ઈસુએ અનુભવેલા પેમ’ વિશેનો આ નિબંધ હું બાઇબલના પંડિત આલ્બર્ટ નોલનને અર્પિત કરું છું. એમના ખૂબ જાણીતા પુસ્તકે (“ઈસુ આજે”) આ લેખ માટેની પ્રેરણા અને માહિતી મને પૂરી પાડી છે.

#

 

Changed On: 16-12-2017

Next Change: 01-01-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2017