ઈશ્વર જે જુએ છે તે તમે જુઓ છો?

હું ૧૯૭૫ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે એટલે નાતાલના ઋતુકાળમાં રોમ થઈને લંડન પહોંચ્યો હતો. પરદેશની મારી એ પ્રથમ યાત્રા હતી. બરફની વર્ષા અને કડકડતી ઠંડી જ નહિ પણ બધું જ મારે માટે નવું હતું. પણ રોજ સવારે અંગ્રેજીમાં થતી ઉપાસનાવિધિથી હું ટેવાયેલો હતો. ભાષા બદલાય પણ લૅટિન ક્રમ મુજબની ઉપાસનાવિધિ આખી દુનિયામાં પ્રચલિત છે. પરંતુ અંગ્રેજીમાં નાતાલ દરમિયાન ગવાતું એક લોકપ્રિય ગીત મારે માટે નવું હતું. એ ગીત નાતાલના સંદર્ભમાં મને યાદ આવ્યું. ઈન્ટરનેટમાંથી એ ગીત વિશે આપણે જાણવા જેવી કેટલીક રસપ્રદ માહિતી પણ મને મળી. ખૂબ સાદા લાગતા ગીતમાં સમાયેલ ઊંડી અનુભૂતિ અને વિચાર વૈભવ સમજવા જેવાં છે.

એક યુગલ નામે નોયલ રેગની અને ગ્લોરિયા ષાઈન રસ્તે ચાલતાં હતાં ત્યારે તેમને એક દ્રશ્ય જોયું. બે સ્ત્રીઓ પોતાના નાનાં બાળકને બાબાગાડીમાં બેસાડીને ચાલતી હતી. બંને નાનાં બાળકો એકબીજાને જોઈને હસતાં હતાં અને હાવભાવની ભાષાથી એકબીજાને કંઈક કહેતાં હતાં. ઓક્ટોબર ૧૯૬૨નો સમય હતો. ટૂંક સમયમાં આવનાર નાતાલના સંદર્ભમાં એક નાતાલગીત લખવા માટે નોયલ રેગનીને નિયુક્તિ મળી હતી. પણ સમય તો ખૂબ ખરાબ અને ભયાનક હતો. Cuban Missile Crisisનો સમય હતો. રશિયાએ અમેરિકા સામે ક્યુબાના કિનારે ખૂબ રહસ્યમય રીતે અણુનાશક મિસાઈલ ખડી કરી હતી. અમેરિકાને એ મારક અણુ હથિયારનો ખ્યાલ આવ્યો ત્યારે અમેરિકાના તે વખતના પ્રમુખ જોન એફ. કેનેડીએ રશિયાને અમુક નિશ્ચિત સમયની અંદર ક્યુબાથી અણુ હથિયાર ખસેડી લેવાનો અંતિમ પ્રસ્તાવ (ultimatum) આપ્યો હતો.

આખી દુનિયા તે વખતની બંને મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ થશે કે શાંતિ સ્થપાશે એની ચિંતામાં હતી! જાપાનના હિરોશિમા અને નાગાસાકી નગરોમાં પડેલા અણુબોમ્બનાં ભયંકર દ્રશ્યો બધાના માનસપટ પર ઉપસી આવતાં હતાં. એ સંદર્ભમાં દેવદૂત સમાં બે નાનાં બાળકોનું સ્મિત તથા તેમના હાવભાવની ભાષા જોઈને રેગની કહે છે કે, એમના અસ્વસ્થ મનમાં શાંતિની અનુભૂતિ થઈ. તેમણે ગમાણમાં જોવા મળતા ઘેટાનું નાનું બચ્ચું અને ભરવાડના બાળકનું દ્રશ્ય પોતાના માનસપટ પર જોયું. અને પછી પોતાની પત્ની ગ્લોરિયા ષાઈન જોડે નાતાલનું નવું ગીત રચ્યું: “હું જે સાંભળું છું તે તમે સાંભળો છો?” પ્રસ્તુત કાવ્યનો મેં અછંદ પદ્યમાં ભાવાનુવાદ કર્યો છે:

રાતના પવને ઘેટાનાં બચ્ચાંને કહ્યું,

જે હું જોઉં છું તે તું જુએ છે?

નાનું બચ્ચું ઊંચા આકાશમાં

જે હું જોઉં છું તે તું જુએ છે?

એક તારો, એક તારો.

સમડીની જેવી લાંબી પૂંછડીથી

સમડીની જેવી લાંબી પૂંછડીથી

રાતમાં તે નાચે છે.

ઘેટાના નાના બચ્ચાએ ભરવાડના છોકરાને કહ્યું,

હું જે સાંભળું છું તે તું સાંભળે છે?

ભરવાડના છોકરા, આકાશની આરપાર

રણકારતો મધુર અવાજ

હું જે સાંભળું છું તે તું સાંભળે છે?

એક ગીત, એક ગીત

વૃક્ષો ઉપર ખૂબ ઊંચાઈએ

સાગર જેવો પ્રચંડ સૂર

સાગર જેવો પ્રચંડ સૂર.

ભરવાડના છોકરાએ શક્તિશાળી રાજાને કહ્યું,

હું જે જાણું છું તે તમે જાણો છો?

મહેલમાં રહેનાર શક્તિશાળી રાજા

હું જે જાણું છું તે તમે જાણો છો?

એક બાળક, એક બાળક

ઠંડીમાં થરથરે છે.

આપણે એના માટે સોનું અને ચાંદી લાવીએ

આપણે એના માટે સોનું અને ચાંદી લાવીએ

રાજાએ સમગ્ર સામ્રાજ્યના લોકોને કહ્યું,

હું જે કહું તે સાંભળો

લોકોને સર્વત્ર શાંતિ મળે

તે માટે પ્રાર્થના કરો

હું જે કહું તે સાંભળો

એક બાળક, એક બાળક

રાતમાં ઊંઘે છે.

તે આપણા માટે ભલાઈ અને પ્રકાશ લાવશે

તે આપણા માટે ભલાઈ અને પ્રકાશ લાવશે

તે આપણા માટે ભલાઈ અને પ્રકાશ લાવશે.

ક્યુબાના કિનારે અત્યંત રહસ્યમય રીતે સ્થાપેલા અણુઆયુધના કારણે બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા વચ્ચે અણુયુદ્ધનાં વાદળાં ખોરંભાયાં હતાં ત્યારે નાતાલગીત રચનાર નોયલ રેગની અને ગ્લોરિયા ષાઈન યુવાન યુગલે આપણને બેથલેહેમમાં જન્મેલા બાળ ઈસુ આગળ શાંતિ માટે પ્રાર્થના કરવા અનુરોધ કરે છે.

ગમાણમાં સૂતેલા બાળ ઈસુ આગળ શાંતિ માટે પ્રાર્થના કરવા સાથે આપણી જાતને  નાતાલગીતના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો પૂછીએ.

“દેવદૂતોએ ભરવાડો આગળ ગીત ગાયું હતું કે, “પરમધામમાં ઈશ્વરનો મહિમા, પૃથ્વી ઉપર પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ!” આ ગીત સાંભળીને ગમાણમાં આવેલા પેલા ભરવાડના બાળકે જે જોયું તે હું જોઉં છું? ભરવાડના બાળકે ગમાણમાં બાળ ઈસુ સાથે બેઠેલાં માતા મરિયમને જે કહ્યું હતું તે હું સાંભળું છું? ભરવાડનું બાળક મહેલમાં રહેનાર શક્તિશાળી રાજાને પૂછે છે, ગમાણના બાળક વિશે જે હું જાણું છું તે આપ જાણો છો? ભરવાડનું બાળક આજે આપણને પૂછે છે, બેથલેહેમના બાળક વિશે જે હું જાણું તે તમે જાણો છો?”

દૂરથી લાંબી મજલ કાપીને આવેલા પંડિતો કે રાજાઓએ ગમાણમાં સૂતેલા બાળ ઈસુ આગળ સોનું, ધૂપ અને બોળ દ્વારા પોતાની જાતનું સમર્પણ કર્યું તે રાજાઓ આપણને પૂછે છે, અમે જે સોનું, ધૂપ અને બોળ દ્વારા પોતાની જાતનું સમર્પણ કર્યું તેવું સમર્પણ તમે કરો છો?

છેલ્લે, ગમાણમાં સૂતેલા બાળ ઈસુ આગળ આ નાતાલગીત વારંવાર ગાઈને ખાતરી રાખીએ કે, તે આપણા માટે ભલાઈ અને પ્રકાશ લાવશે. નાતાલ ભલાઈ અને પ્રકાશનું પર્વ છે. શ્રદ્ધા અને આશાનો તહેવાર છે. સૌને આનંદી નાતાલ.

#

Changed on: 16-12-2019

Next Change: 01-01-2020

Copyright Fr. Varghese Paul, SJ – 2019