માના મૃત્યુનો આનંદ

મૃત્યુ હંમેશાં દુઃખદ હોય છે. અત્યાર સુધી આ ફાની દુનિયામાં સાથે રહેલી કોઈ પણ વ્યક્તિની વિદાયમાં દિલની વ્યથા હોય છે. એમાં મા જેવી મમતા અને પ્રેમની મૂર્તિ દુનિયા છોડે ત્યારે દીકરા-દીકરીઓની આંખો ન રડે તો જ નવાઈ. છતાં મારી માના મૃત્યુમાં હું આનંદ પણ અનુભવું તો તમને કદાચ નવાઈ લાગશે.

૧૦૦ વર્ષની વયે મારી મા ૯ જૂન ૨૦૧૭ના રોજ એમના સર્જક પાસે પહોંચી ગઈ. તે દિવસે મારા ભાઈ વિન્સેન્ટે શોકાર્ત અવાજે મને એ સમાચાર આપ્યા. મેં તરત જ મારાં સંબંધીઓ અને મિત્રોને એક વોટ્સઍપ મેસેજ મોકલ્યો. “હું આનંદના સમાચાર આપું છું કે, મારી મા ઈશ્વરે એમને માટે તૈયાર રાખેલાં પરમ આનંદ અને શાશ્વત શાંતિ મેળવવા માટે સર્જક પાસે પહોંચી ગઈ છે. મારી બાનું જીવન અને ઈશ્વર તથા માનવબંધુઓ સાથેના એમનો પ્રેમસંબંધ એવો હતો કે, દયાળુ અને પ્રેમાળ ઈશ્વરની કૃપાથી મારી મા મૃત્યુમાંથી શાશ્વત જીવનમાં પહોંચી ગઈ છે.” મારી એ શ્રદ્ધા છે. પ્રભુ ઈસુનું એ વચન છે. (જુઓ યોહાન ૫: ૨૪). મૃત્યુ અને જીવન અંગેના પ્રભુ ઈસુના એ વચનમાં મને અડગ શ્રદ્ધા છે. એટલે જ મારી માના મૃત્યુમાં મને આનંદ છે.

મારી માનો જન્મ કેરલમાં એક મધ્યમ વર્ગીય જમીનદારને ઘેર ૩૦ ઍાક્ટોબર ૧૯૧૭માં થયો હતો. પોતાનાં પ્રેમાળ માબાપના પ્રથમ ખોળાના સંતાન અને ચાર ભાઈઓ અને બે બહેનોમાં સૌથી મોટી દીકરી તરીકે પોતાનાં માબાપ અને બહેન-ભાઈઓના અઢળક પ્રેમમાં મા ઊછરી હતી. બચપણમાં ગામના શિક્ષક (આશાન) પાસેથી તેમણે વાંચતાં-લખતાં અને ગણિતના મૂળ પાઠો શીખ્યાં હતાં. ગામથી દૂર દેવળ જોડેની સ્કૂલમાં મા કદી પોતાના ભાઈઓ સાથે ગઈ નહોતી. પણ મૂળભૂત શિક્ષણ જિંદગીભર એમને કામમાં આવ્યું.

મા સોળ વર્ષ સુધી પોતાના ઘરે પોતાની બા જોડે રહીને રસોડા અને ઘરના બધાં કામમાં કુશળ બની હતી. એટલે સોળ વર્ષની ઉંમરે લગ્ન કરીને પતિના ઘરે આવી ત્યારે પતિના મોટા સંયુક્ત કુટુંબમાં સાસુ-સસરા, એક દિયર અને ૬ નણંદો હતાં. બધાની સાથે કામ કરવાની માને કોઈ તકલીફ નહોતી. જોકે, ખૂબ મોટો પરિવાર હોવાથી માને ફાળે કમ્મરતોડ કામ હતું.

એક વાર માના બાપુજી માને મળવા આવ્યા. ત્યારે સ્કૂલમાં જતાં નણંદો અને દિયર માટે સમયસર ટિફિન તૈયાર કરીને પોતાના બાપુજીને મળવા અને આદરસત્કાર કરવા માટે માને વાર લાગી. પરિણામે બાના બાપુજી એટલે મારા નાનાએ પોતાને ઘેર પરત જઈને નાનીને અહેવાલ આપતાં કહ્યું કે. “આપણે ચોલ્લામડમ્ પરિવારમાં એક નોકરડી આપી છે!”

મધ્યમ વર્ગીય ખેડૂતના કુટુંબ તરીકે અમારી પાસે ડાંગર અને શાકભાજીના વિશાળ ખેતરો હતાં. એટલે સમગ્ર કુટુંબને ખવડાવવામાં ચોખા અને શાકભાજી કદી ખૂટે નહિ. નાળિયેર, મરી, આદુ જેવા અન્ય ખેત પેદાશોમાંથી ઘર ચલાવવામાં કોઈને કોઈ તકલીફ નહોતી. પણ અમારી બાજુ હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યાં સુધી વીજળી ન હતી. ડાંગરમાંથી ચોખા કાઢવા કોઈ યંત્ર કે ‘મશીન’ નહોતું. એટલે રોજેરોજ ઘરની સ્ત્રીઓ જમીનના ખાડામાં ભરેલા ડાંગરને સાંબેલાઓ વડે મારીમારીને ડાંગર ચોખા કાઢવા કમ્મરતોડ કામ કરતી હતી.

વળી સ્ત્રીઓને રસોડા માટે બળતણના લાકડાં પોતાના વિશાળ ખેતરમાં ફરીફરીને ભેગું કરવાનું હતું. મારી માને પોતાની બધી નણંદો સાથે સારો સંબંધ હતો. એટલે બધી સ્ત્રીઓ સાથે ઘરનું બધું કામ કરતી. પણ બધાને ફાળે વહેલી સવારથી રાત સુધી કમ્મરતોડ કામ રહેતું. વળી બધાને દિવસમાં ત્રણ વાર ભોજન પીરસવામાં દાદી અને મારી માનો વારો છેલ્લો હતો. બધાને પીરસ્યા પછી જે વધે તે દાદી અને મા સરખી રીતે વહેંચીને ખાતાં. કોઈક વાર પેટ ભરવા પૂરતો ખોરાક મળ્યો ન હોય એવું પણ બનતું. મારી મા તો બધું જ ખૂબ સમજૂતીથી ચલાવી લેતી. પણ પૂરતા ખોરાકના અભાવની વાત પિયર પહોંચી. મારા પિતાજીએ માને એ વિશે પૂછ્યું.

માએ બાપુજીને જવાબ આપતાં કહ્યું, “એમાં મારે ફરિયાદ કરવાની શી જરૂર છે? મારા પિયરના લોકો જુએ છે કે, અહીં મારું વજન ઘટે છે. પણ હું એકાદ અઠવાડિયા માટે ઘરે જઈને આવું ત્યારે મારું વજન વધે છે!”

માના જવાબથી ગુસ્સે થઈને બાપુજી રસ્તા પાસેના છોડવાઓમાંથી માને મારવા માટે એક સોટી કાઢી. પણ પાસે ઊભેલી એક નણંદે “મોટાભાઈ, આ શું કરવા ધાર્યું છે?” પૂછીને બાપુજીના હાથમાંથી સોટી છીનવી લીધી. અમે નવ સંતાનોએ અમારાં માબાપને કદી ઝઘડતા કે મોટે અવાજે બોલતાં પણ સાંભળ્યાં નથી. પરંતુ ઉપરની વાત મેં માના મોઢે સાંભળી છે.

જીવનમાં કદી વિખૂટા પાડી ન શકાય એવો મનમેળ અને મીઠડો સંબંધ મારાં બા-બાપુજી વચ્ચે હતો. એમના એ સંબંધના ઉમળકામાં સશક્ત થઈને તેઓ પોતાનાં બધાં સગાંસંબંધીઓ તેમ જ આડોશીપડોશી, નોકરો તથા ખેતમજૂરો અને તેમનાં કુટુંબીજનો સાથે પણ સારો સંબંધ રાખતાં. હું ખૂબ નાનો હતો ત્યારે અમારે માટે દાદાએ બાંધી આપેલા નવા ઘરમાં અમે જુદા રહેવા લાગ્યા. ત્યારે પણ મારી મા પોતાના ઘરનું બધું કામ પતાવીને મારી દાદી અને કાકીઓને ઘરનાં કામોમાં મદદ કરવા માટે જતી. એનાં થોડાં વર્ષ પછી મારા કાકાનું લગ્ન થયું અને જૂના ઘરમાં દાદી અને નણંદોના કામમાં કાકી આવી.

છતાં જયારે સાસુ માંદાં પડ્યાં ને પથારીવશ થયાં ત્યારે મા રોજેરોજ એમને નવડાવવાં જતાં હતાં. અલગ ઘરમાં રહેવા છતાં દાદા-દાદીની માંદગીમાં મારી મા એમના મૃત્યુ સુધી એમની પ્રેમાળ સેવા કરતી રહી. મને આનંદ છે કે, જયારે મા પોતે જિંદગીના છેલ્લા થોડા મહિનામાં પથારીવશ હતી, એકીબેકી કરવા અને નાહવા માટે માને બીજાની જરૂર પડી ત્યારે મારી ભાભી આનીસ અને જુદાં રહેવાં ગયેલાં એમના દીકરાની પત્ની દીપા પણ પ્રેમ ને હૂંફથી માની સેવા કરતાં રહ્યાં હતાં. પોતાના દૈનિક જીવનમાં માએ યથાસમયે પોતાની ત્રણ વહુઓ સાથે તેમ જ બીજાં બધાં સગાંસંબંધીઓ સાથે ખૂબ સારો સંબંધ નિભાવ્યો હતો. અને માને એનું સારું પ્રતિફળ મળ્યું.

એ જ રીતે નોકરો, ખેતરનાં કામદારો તેમ જ મદદ માટે ઘરના ઓટલે આવતા ગરીબો પ્રત્યે પણ મારી મા મીઠડો ને દયાળુ સંબંધ રાખતી. ઘરે આવતાં સગાંસંબંધીઓ અને અન્ય મહેમાનો પણ માની પરોણાચારથી પ્રભાવિત થતાં. મારા બાળપણમાં મહેમાનો ઘેર આવે ત્યારે મને ખૂબ ગમતું. કારણ, મહેમાનો ઘરે હોય ત્યારે મા બધા માટે વિશેષ વાનગીઓ અને મીઠાઈઓ બનાવે અને બધાંને ખુશીથી ખવડાવે.

ઘરે આવતા મહેમાનો માના પ્રેમ અને હૂંફની કદર કરતા. માના મૃત્યુના સમાચાર જાણ્યા પછી ફાધર એલેક્ષ તન્નિપારાએ મને એક પત્ર લખ્યો. “ખૂબ સ્નેહી ફાધર વર્ગીસ, હું માને યાદ કરું છું. અને એક વાત કહેવા હું હિંમત કરું છું કે, તમારા આમંત્રણથી મે ૧૯૭૨માં હું સૌ પ્રથમ વાર તમારે ઘેર આવ્યો હતો. ત્યારે મને અનાયાસે લાગ્યું કે, મને કુટુંબનો વધુ એક દીકરા તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ફાધર વગીસ, તમે અને તમારાં ભાઈ-બહેનો આ બા-બાપુજીનાં સંતાનો તરીકે જન્મ પામવામાં ખૂબ આશીર્વાદિત છો!”

ફાધર એલેક્ષના હાથથી લખેલા બે પાનાંના લાંબા પત્રમાં એમણે મારી મા અને કુટુંબના દરેકની ખૂબ પ્રશંસા કરી છે. એમાં ફાધર એલેક્ષને એમનાં કુટુંબના લોકો અને એમની મિશન-પ્રવૃત્તિઓ વિશે માએ દાખવેલા રસની વાત છે. સાથે બાપુજીના હકારાત્મક વલણની કદર સાથે ફાધર એલેક્ષના પત્રમાં બાપુજીને મળેલી દૈવી આશિષો તથા સારાં સંતાનો, પ્રેમાળ વહુઓ તેમ જ બધાં સારી રીતે જીવી શકે એટલી સાધનસંપત્તિ માટે ઈશ્વર પ્રત્યે બાપુજીના દિલના આભારની વાત પણ છે.

પણ ફાધર એલેક્ષના પત્રમાં મને સૌથી નવાઈ પમાડનાર વાત બીજી હતી. આધ્યાત્મિક સાધના અને લોકોને માર્ગદર્શન આપવાની વાતોમાં તેઓ મારી માને અને કુટુંબને આદર્શ કુટુંબ તરીકે અને દૈનિક કૌટુંબિક પ્રાર્થનાના નમૂના તરીકે લોકો આગળ રજૂ કરતા. તેમણે આપેલી ઘણી આધ્યાત્મિક સાધના-શિબિરોમાં કુટુંબને લગતા કોઈ ગુણવિશિષ્ટતાઓની વાત કરવાની હોય ત્યારે તેઓ હંમેશાં ‘ચોલ્લામડમ્’ કુટુંબને એટલે મારા પરિવારને નમૂના તરીકે વર્ણવ્યા છે!

હવે માનું છું કે, મારી માના મૃત્યુના પ્રસંગે દયાળુ ઈશ્વર પિતાએ મારી માને બક્ષેલાં શાશ્વત શાંતિ અને અખંડ આનંદમાં મેં દાખવેલો આનંદ તમે સમજી શકો.

ઈશ્વરે મારી માને ૯૯ વર્ષ ૭ મહિના અને ૧૧ દિવસનું દીર્ધાયુષ્ય બક્ષ્યું હતું. મા પરના ઈશ્વરનો આશીર્વાદ એમના મૃત્યુ પછી પણ ચાલુ રહ્યો છે. એમનું મૃત્યુ જ પોતાના ઘરે ખૂબ શાંતિપૂર્ણ થયું હતું. મૃત્યુના દિવસે સવારે મારી ભાભી આનીસે માને રાબેતા મુહબ આગ્રહ કરી કરીને ચા-પાણી ને નાસ્તો કરાવ્યાં. દસેક વાગે માની ઓરડી સાફ કરતી બહેને જોયું કે, માના દાંતનું ચોકઠું બહાર નીકળ્યું છે. આનીસે દાંતનું ચોકઠું માના મોંમાં બરાબર બેસાડ્યું. સવારે માનું મૂત્ર પ્રમાણમાં ઓછું હતું. એટલે આનીસે માને ખાસ ફાવતું ચોખાનું પાણી પીવડાવ્યું. સવારે સાડા આઠ વાગે ઘરના વડીલ એટલે મારા ભાઈ વિન્સેન્ટ અને સાડા નવ વાગે ઘરેથી બસો મીટર દૂર રહેતા મારા નાના ભાઈ થોમસ માને ‘ગુડ મોર્નિંગ’ કહીને પોતપોતાને કામે ગયા. અગિયારેક વાગે આનીસને લાગ્યું કે, માનું પ્રાણપંખીડું ઊડી જવામાં છે. એટલે એમણે તરત જ વિન્સેન્ટને બોલાવ્યા. દસ-બાર મિનિટમાં વિન્સેન્ટ આવ્યા ત્યાં સુધીમાં મા શાંતિથી પોતાના સંર્જ્ક પિતા પાસે પહોંચી ગઈ હતી. એમણે મને તરફ જ ફોન કર્યો. “મોટાભાઈ, મા આપણી વચ્ચે નથી; બે મિનિટ પહેલાં માનું મૃત્યુ થયું છે.”

ત્યાં વિન્સેન્ટને સામેથી મારી બહેન સેલિનનો અરુણાચલ પ્રદેશમાંથી ફોન આવ્યો. એ જ રીતે ન્યૂઝીલૅન્ડમાંથી મારા ભાઈ જોસનો પણ માની તબિયત જાણવા ફોન આવ્યો. અરુણાચલના એક કુગ્રામમાં સેવા બજાવતી સિસ્ટર સેલિન પાસે ફોન કે મોબાઈલ વાપરવાની વ્યવસ્થા નથી. એટલે બે કલાક દૂર આવેલા શહેરમાં કંઈ ખરીદવા જાય ત્યારે સેલિન ઘરે ફોન કરી શકે છે. એ રીતે માના મૃત્યુ પછી તરત જ સેલિનનો ફોન આવ્યો હતો. માના મૃત્યુના સમાચાર સાંભળીને સેલિને તરત જ આસામમાં રહેતા મારા ભાઈ ફાધર મેથ્યુનો સંપર્ક સાધ્યો. બંનેએ બને તેમ જલદી વિમાનમાં ઘરે પહોંચવાની વ્યવસ્થા કરી. બીજા દિવસે શનિવારે બપોરે તેઓ બંને ઘરે પહોંચ્યાં અને ગુજરાતમાંથી હું અને મારી નાની બહેન સિસ્ટર લીસી પણ શનિવારે મોડી સાંજે ઘરે પહોંચ્યાં. ન્યૂઝીલૅન્ડથી ભાઈ જોસ શનિવારે મોડી રાત્રે ઘેર પહોંચ્યા.

શનિવાર સવારે અને રવિવાર સવારે કેરલના બે મુખ્ય દૈનિકોમાં ફોટા સાથે માના મૃત્યુના સમાચાર વાંચીને અમારા સંબંધીઓ, મિત્રો અને આડોશી-પડોશીઓ મા માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પવા ઘેર આવતાં રહ્યાં. અમારા કોતમંગલમ્ ધર્મપ્રાન્તના નિવૃત્ત ધર્માધ્યક્ષ જોર્જ પુન્નકોટિલે અને હાલના ધર્માધ્યક્ષ જોર્જ મઠત્તીકંડાતીલે, મારા મામા એટલે માના ભાઈ મોનસિંજ્ઞોર (ફાધર) મેથ્યુ પાસેથી મા વિશે સારી પેઠે જાણ્યું હશે. એટલે નિવૃત્ત ધર્માધ્યક્ષ જોર્જે ફોન કરી માના શબને ઘરેથી ઉપાડતાં પહેલાંની પ્રાર્થના માટે આવ્યા. તેઓએ પ્રાર્થના પહેલાં ઘરના આંગણે ભેગા થયેલા ત્રણસો ઉપર માણસોને માના પ્રેમ અને ધર્મનિષ્ઠા અંગે પ્રેરણાત્મક સંદેશ આપ્યો.

એ જ રીતે મા માટે દેવળમાં અને સ્મશાનમાં પ્રાર્થના કરવા-કરાવવા માટે હાલના ધર્માધ્યક્ષ જોર્જે આગેવાની લીધી. પચાસેક ધર્મગુરુઓ અને એથીય વધુ સાધ્વીબહેનો સાથે દેવળમાં ભરેલા લોકોને ધર્માધ્યક્ષ જોર્જે પ્રાર્થના વિધિ પછી સંદેશ આપતાં મારી માના સદગુણો વર્ણવ્યા. ધર્માધ્યક્ષ જોર્જે કહ્યું કે, મારી મા અને બાપુજીએ એક આદર્શ ખ્રિસ્તી કુટુંબ રચ્યું હતું. તેમણે વધુમાં માની મહેમાનગીરી, માબાપના પ્રાર્થનામય અને ધર્મિષ્ઠ જીવનને પોંખ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ચોલ્લામડમ્ કુટુંબનાં પાઈલી અને અન્નાફૂટ્ટીએ પોતાનાં નવા બાળકોને ઉછેર્યાં છે. એટલે જ એમનાં પાંચ સંતાનો પ્રભુ ઈસુમાં સમર્પિત જીવન તરફ વળ્યાં છે અને લગ્ન કરીને કુટુંબ જીવન ગાળતાં ચાર સંતાનો પણ સારું ને ધર્મમય ખ્રિસ્તી જીવન ગાળે છે.

મારી માને સ્મશાનની કૌટુંબિક કબર (જૂન ૧૧, ૨૦૧૭)માં દફનાવ્યા પછી મેં દેવળમાં મારા ભાઈ મેથ્યુ અને ભત્રીજો ફાધર ષૈજુ સાથે દફનવિધિમાં આવેલાં બધા લોકો સાથે પરમપૂજા અર્પણ કરી. દફનવિધિ પતાવીને અમે બધા કુટુંબીજનો ઘરે પહોંચ્યાં. માના મૃત્યુ પછી, મોસમ પ્રમાણે, વખતોવખત વરસાદ વરસતો હતો. છતાં માની દફનવિધિ ખૂબ સારી રીતે પતી ગયાનો આનંદ બધાંનાં દિલમાં હતો.

 

#

Changed On: 16-11-2017

Next Change: 01-12-2017

Copyright Fr. Varghese Paul, SJ – 2017