મહેનત અને અનુભવની સિદ્ધિ

પાબ્લો પિકાસો વીસમી સદીના ઉચ્ચ કોટિના એક ચિત્રકાર છે. એમને યુગલક્ષી સ્પેનિશ ચિત્રકાર કહેવામાં આવે છે. પેરિસના લુબ્ર મ્યુઝિયમમાં, મડ્રિડના પ્રાટો મ્યુઝિયમમાં, બાર્સેલોનાના નેશનલ મ્યુઝિયમમાં તેમ જ ફ્લોરેંસના ઉફિચ્ચી મ્યુઝિયમમાં, લંડનના મ્યુઝિયમમાં તથા યુએસના ન્યુયોર્ક, શિકાગો, વોશિંગ્ટનના અને સાન ફ્રાંસિસ્કો જેવાં મોટાં સંગ્રહાલયોમાં પિકાસોના નયનરમ્ય ચિત્રો નિહાળવાનું મને સદભાગ્ય મળ્યું છે.

તાજેતરમાં પાબ્લો પિકાસો વિશે મલયાલમ ભાષાના મારા એક પ્રિય મિત્ર અને લેખક ફાધર જોસ પંતપ્લામ્તોટ્ટિઇલનો લેખ ‘દીપિકા’ દૈનિકના ૨૩ એપ્રિલ ૨૦૧૭ના અંકમાં વાંચ્યો. મારા આ લેખમાં પિકાસો અને એક સ્ત્રીની વાત મને ફાધર જોસના લેખમાંથી મળી.

એક દિવસ પિકાસો રસ્તામાં ચાલતા હતા ત્યાં એક સ્ત્રી એમને સામે મળી. એક ખૂબ જાણીતા ચિત્રકાર તરીકે પિકાસોને એ સ્ત્રીએ ઓળખી કાઢ્યાં. એટલે એણે પિકાસો પાસે જઇને કહ્યું: “સર, હું આપનાં ચિત્રોની આરાધક છું. હું આપની ‘ફેન’ છું. આપનાં બધાં ચિત્રો મને ખૂબ ગમે છે.”

એ સ્ત્રીની સદભાવના અને વખાણ માટે આભાર માનીને પિકાસો આગળ ચાલવા લાગ્યા. ત્યાં પેલી સ્ત્રીએ ખૂબ નમ્રતાથી પિકાસોને વિનંતી કરી: “સર, આપને મળ્યાની યાદગીરીમાં આપ મને કંઈક દોરી આપો.”

“આ રસ્તા વચ્ચે હું આપને શું દોરી આપું? કોઈ ચિત્ર દોરવા માટે મારી પાસે કાગળ, રંગ અને પીંછી નથી. કઈ રીતે ચિત્ર દોરી આપું?

પણ એ સ્ત્રી પિકાસોના ઇન્કારથી સહેલાઈથી પીછેહઠ કરનારી નહોતી. એટલે એણે ફરી આગ્રહભરી વિનંતી કરતાં કહ્યું: “સર, આપ મને કાગળના ટુકડા પર સ્મૃતિરૂપે કંઈક લીટી દોરી આપો તો સારું.”

એ સ્ત્રીની આગ્રહભરી વિનંતીથી પીગળી જઈને પિકાસોએ પોતાના ખિસ્સામાંથી કાગળનો એક ટુકડો અને પેન્સિલ લઈને પેલી મહિલાને એક નાનું ચિત્ર દોરી આપીને કહ્યું: “આ લો. આની કિંમત દસ લાખ ડોલર છે.”

એ ચિત્ર દોરવામાં પિકાસોને દસેક સેકન્ડ પણ લાગી નહોતી. એટલે એ ચિત્રની કિંમત દસ લાખ ડોલર થશે એવું એ મહિલા માની શકતી નહોતી! છતાં પિકાસોને ફરી ને ફરી આભાર માનીને સ્ત્રી પિકાસોથી છૂટી પડી.

થોડા વખત પછી એ સ્ત્રી પેલું ચિત્ર લઈને એનું મૂલ્ય આંકવા માટે ચિત્રકલાના એક નિષ્ણાત પાસે પહોંચી. ચિત્રકલાના નિષ્ણાતે કહ્યું કે, “પિકાસોના આ ચિત્રની કિંમત દસ લાખ ડોલરથી વધારે થાય.”

આ પ્રસંગના થોડા સમય પછી પેલી સ્ત્રીને પિકાસોનો ફરી એક વાર ભેટો થયો. તેણે પિકાસોને કહ્યું, “સર, આપે મારા માટે દોરી આપેલા ચિત્રની કિંમત દસ લાખ ડોલર છે એવું મને જાણવા મળ્યું. હવે હું આપની શિષ્યા બનવા ઇચ્છું છું. એથી હું પણ ખૂબ ટૂંકા સમયમાં આપની જેમ ખૂબ કીમતી ચિત્રો દોરી શકું.”

પિકાસોએ પેલી સ્ત્રીને કહ્યું, “મેં દસ સેકન્ડમાં દોરેલા ચિત્રનું મૂલ્ય દસ લાખ ડોલર છે, પરંતુ મારા ચિત્રમાં મૂલ્ય લાવવા પાછળ મારી ત્રીસ વર્ષની નિષ્ઠાભરી લાંબી મહેનત તથા અમૂલ્ય અનુભવ છે. મારી જેમ આપ પણ લાંબા સમય માટે સખત મહેનત કરવા અને જાતઅનુભવ મેળવવા તૈયાર છો?”

પિકાસોનો પ્રશ્ન સાંભળીને પેલી મહિલા મૌન થઈ ગઈ.

પિકાસોના પિતા પણ એક સિદ્ધહસ્ત કલાકાર હતા. પરંતુ પિકાસોનો જન્મ ચિત્રકલાથી અનોખી સિદ્ધિ સાથે થયો નહોતો. બલકે, લાંબાગાળાની સખત મહેનત અને અમૂલ્ય જાતઅનુભવથી પિકાસો એક જગપ્રસિદ્ધ ચિત્રકાર બન્યા.

લાંબાગાળાની સખત મહેનત અને જાતઅનુભવથી મોટી સિદ્ધિ મેળવનાર એક અન્ય વ્યક્તિની વાત પણ અહીં કરવા ઇચ્છું છું. પુના ખાતે મિલિટરી એન્જીનિયરિંગ કોલેજ છે. ત્યાં ઇલેક્ટ્રોનિક એન્જીનિયરિંગમાં અનુસ્નાતક ડિગ્રી માટે એક યુવાન ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યો. આખા દેશમાંથી સેંકડો યુવક-યુવતીઓ ઇન્ટરવ્યુ માટે આવ્યાં હતાં. ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન હતો; તમારા માટે આદર્શ વ્યક્તિ કોણ છે? પેલા યુવાનના કહ્યા મુજબ એમના ઘણા ઉમેદવાર મિત્રોએ દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રે, ખાસ તો રાજકારણમાં ખૂબ જાણીતી વ્યક્તિઓનાં નામ લીધાં.

પેલા યુવાનનો વારો આવ્યો. એણે કહ્યું, “મારે માટે આદર્શ વ્યક્તિ મારા પપ્પા છે.”

“તમારા પપ્પા તમારે માટે કેમ આદર્શ વ્યક્તિ છે?” ઇન્ટરવ્યુ લેનારે ફરી પૂછ્યું.

“મારા પપ્પાએ એરફોર્સમાં પંદર વર્ષ સર્વિસ કર્યા પછી એમનાં વડીલ માબાપની સેવામાં રહેવા માટે વહેલી નિવૃતિ લીધી અને ‘જવાન’ નામે એક ઓટોમોબાઇલ ગેરેજ શરૂ કર્યું. ચાર કામદારોથી શરૂ કરેલા જવાન ઓટોમોબાઇલ ગેરેજમાં આજે મારા પપ્પાએ ચુંમાળીસ કામદારોને સારા પગાર સાથે નોકરીએ રાખ્યા છે. મારા પપ્પા લાંબાગાળાની જાતમહેનત તથા અનુભવથી ઘણુંબધું શીખ્યા. આજે એમના ક્ષેત્રમાં આગેવાન તરીકે તેઓ જાણીતા છે. એમની એ મોટી સિદ્ધિ પાછળ એમની નિષ્ઠાભરી મહેનત છે.”

મારે કહેવાની જરૂર નથી કે, એ યુવાનની પસંદગી થઈ. છેલ્લાં બે વર્ષમાં એણે ત્યાં M.Tec કર્યું અને આ વર્ષે ‘કેમ્પસ સિલેક્શન’માં પસંદગી મેળવીને મુંબઈમાં નોકરી કરે છે. જવાન ઓટોમોબાઇલ્સના માલિક વિન્સેન્ટ મારા નાનાભાઈ છે અને પેલો યુવાન સન્ની મારો ભત્રીજો છે. મને આનંદ છે કે, જવાન ઓટોમોબાઇલ્સના માલિક વિન્સેન્ટ અને સંતુષ્ઠ કામદારો અને તેમના કુટુંબીજનોના જીવનમાં અમીરસ સીંચતા રહે છે.

લાંબાગાળાની મહેનત અને જાતઅનુભવથી નાની મોટી સિદ્ધિ મેળવનાર પિકાસો અને વિન્સેન્ટ જેવા માણસો આપણી આસપાસ છે. એમનું જીવન અને સિદ્ધિ પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. કારણ, તેઓ સિદ્ધિના એલચીઓ છે, મશાલચીઓ છે.

અંગ્રેજીમાં કહેવત છે અને હું એ વાતને સો ટકા માનું છું કે, કોઈ પણ મોટી સિદ્ધિ પાછળ ૯૯ ટકા પરસેવો (મહેનત) અને ૧ ટકો પ્રેરણા હોય છે. ગુજરાતી ભાષામાં સમાનાર્થ કહેવત છે. બાઇબલ માણસમાત્રને સાચું જ કહે છે, “તું ધરતીમાંથી પેદા થયો છે એટલે પાછા ધરતીમાં મળી જાય ત્યાં સુધી તારે માથાનો પસીનો ઉતારીને રોટલો ખાવો પડશે.”

અમેરિકાના પ્રમુખ લીન્ટન જોનસન (૧૯૦૮-૭૩)ના શબ્દો અહીં યાદ કરીએ. “What is written without effort is in general read without pleasure” મતલબ છે કે, કોઈ ખાસ મહેનત વિના લખેલું લખાણ વાંચવામાં સામાન્ય રીતે કોઈ મજા આવતી નથી.

#

Changed On: 16-02-2019

Next Change: 01-03-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019