મારા ‘પટાવાળા’ પ્રિન્સિપાલ

હું હાઇસ્કૂલમાં હતો ત્યારે અમારા પ્રિન્સિપાલ જ દસમા ધોરણમાં અમને ગણિત ભણાવતા હતા. તેઓ પ્રથમ વાર અમારા વર્ગમાં ગણિત ભણાવવા માટે આવ્યા તે દિવસનો એક પ્રસંગ મને યાદ છે. પ્રિન્સિપાલ ફાધર ઓસ્વાલ્ડનો પ્રિય વિષય ગણિત હતો. તેઓ અમને ભણાવવામાં પણ ખૂબ હોશિયાર હતા. ગણિતની અટપટી વાત બરાબર સમજાવવા માટે તેઓ પાટિયાનો પૂરો ઉપયોગ કરતા. વર્ગના અંતે પાટિયું તો લખાણોથી ભરેલું જ હોય.

અધ્યાપન વર્ષના પ્રથમ દિવસે વર્ગનો સમય પૂરો થતાની ઘંટડી વાગી ત્યારે પ્રિન્સિપાલ ફાધર ઓસ્વાલ્ડ પોતે પાટિયું બરાબર સાફ કરતાં કહ્યું, “હવે પછી આવનાર અધ્યાપક મારા પટાવાળો નથી કે, હું આ પાટિયું સાફ કરવાનું કામ એમને સોંપી શકું.” કોઈક વાર વર્ગ પતે ત્યારે અમુક વિદ્યાર્થીઓને પાટિયા પરના ગણિતના દાખલા કૉપી કરવાનું બાકી હોય તો, દાખલાની નકલ કર્યા પછી પાટિયું ડસ્ટર વડે બરાબર સાફ કરવાનું કામ મૉનિટર કે કોઈ વિદ્યાર્થીને ખાસ સોંપીને જ પ્રિન્સિપાલ વર્ગખંડની બહાર જતા.

ફાધર પ્રિન્સિપાલનો જાતે પાટિયું બરાબર સાફ કરવાનો દાખલો મારે માટે પ્રેરણારૂપ અને અનુકરણીય રહ્યો છે. એટલે હું પત્રકારત્વની કાર્યશાળા ચલાઉં કે કોઈ સેમિનારમાં પાટિયાનો ઉપયોગ કરું તો એને વર્ગને અંતે બરાબર સાફ કરવાનું આગ્રહ રાખું છું. વર્ગને અંતે પાટિયા પરના લખાણની નકલ કરવાનું કામ કોઈ વિદ્યાર્થી માટે બાકી હોય તો પાટિયું સાફ કરીને બરાબર સ્વચ્છ કરવાનું કામ મૉનિટર કે અન્ય કોઈને સોંપીને હું વર્ગખંડ બહાર જાઉં છું.

દેશવિદેશમાં હું પાટિયું સાફ કરવાનું કામ હું જાતે કરું કે મારા વકતવ્યનો લાભ લેનાર કોઈને પણ સોંપી શકું છું. પરંતુ ગુજરાતની કોઈ કૉલેજમાં હું પત્રકારત્વનું વક્તવ્ય આપતો હોઉં અને પાટિયું સાફ કરવાનું કામ કોઈને સોંપવું પડે તો હું ખૂબ સાવધાન બનું છું. કારણ, આપણે ત્યાં જાતિભેદ અને ઊંચનીચનો ભેદભાવ બહુ પ્રબળ હોય છે. એટલે અમુક લોકોને જાતમહેનતનાં કેટલાંક કામો કરવા સામે વાંધો છે! અમુક કામો કરવામાં એમને ઓછપનો અનુભવ થાય છે! તેઓ લઘુતાગ્રંથી અનુભવે છે!

ફાધર વાલેસને એમના કામની શરૂઆતમાં આવી બધી બાબતોનો ખ્યાલ ન હતો. ગાંધીજી વિશેના એમના એક અંગ્રેજી લેખમાં ફાધર વાલેસે આ અંગે લખ્યું છે. ‘ગાંધી’ અંગેના ફાધર વાલેસના અંગ્રેજી પુસ્તકનું એક પ્રકરણ ‘સતત કાર્યરત’નો અનુવાદ ડંકેશ ઓઝાએ કર્યો છે. ‘શાશ્વત ગાંધી’ના જુલાઈ ૨૦૧૯ના અંકમાં પ્રકટ કરેલા પ્રસ્તુત લેખમાંથી અહી ફાધર વાલેસની વાતનું અવતરણ આપું છું.

“ભારતમાં જાતે કામ કરવાની વાતને કદી સન્માનપૂર્વક જોવામાં આવી જ નથી. કામ તો નીચલા વર્ગના લોકો કરે. અંતે, તેથી પણ નીચેના વર્ગ પર કામ આવે, જેમને કામ કરવાનું કલંક લાગેલું છે. ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે મેં પહેલી વાર ગણિત ભણાવ્યું ત્યારે હું એ પાઠ શીખ્યો જેની કિંમત મારે ચૂકવવી પડી. વર્ગખંડમાં દાખલ થયો અને મેં જોયું કે પાટિયું તો લખાણથી ભરેલું છે તેથી અમારે સ્પેનમાં સ્કૂલ અને કૉલેજના શિક્ષકો આવી સ્થિતિમાં જે કરતા તેવું મેં કર્યું. સ્વાભાવિકપણે પહેલી હરોળમાં બેઠેલા વિદ્યાર્થીને ડસ્ટર પકડાવ્યું અને પાટિયું સાફ કરવા જણાવ્યું. ત્યાં તો આભ તૂટી પડ્યું! વિદ્યાર્થી શરમાઈ ગયો અને ડસ્ટર લેવાની તેણે ના પાડી. આખો વર્ગ પેલા વિદ્યાર્થીના ટેકામાં ઊભો થઈ ગયો. યુનિવર્સિટીના રેક્ટર સમક્ષ વાત પહોંચી. મારી પર આરોપ મૂકવામાં આવ્યો કે, મેં બધાની હાજરીમાં કોઈ સારા ઘરના છોકરાને આવું કામ કરવાની ફરજ પાડી. રેક્ટર ભલો હતો. એમને મારું અજ્ઞાન સમજાયું. અને ફરી આવું ન કરવા મને તેમણે ચેતવ્યો. જાતે કામ કરવું એ નીચાજોણું છે, આખા વર્ગની હાજરીમાં કોઈ વિદ્યાર્થીને પાટિયું સાફ કરવા કહેવું એ તો જાહેર અપમાન છે. જોકે અંતે તો આ અયોગ્ય મનાતું કાર્ય શિક્ષકના ફાળે જાય છે, સિવાય કે તે પટાવાળાને તે કામ માટે બોલાવવાનું શીખી ન લે. હું પણ સમય જતાં એમ જ કરતો થઈ ગયો.”

માણસોને અને કામોને ઊંચનીચ ગણવાની આપણી માનસિકતા આપણા ભારત પૂરતી મર્યાદિત છે. આખા દુનિયામાં ૩૭ દેશોની મુલાકાત લેવાની અને ત્યાંના લોકોનો સંપર્ક સાધવાની મને તક મળી છે. જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં મને ગુજરાતી મિત્રોને એમના ઘરમાં અને વેપારધંધાને ક્ષેત્રે મળવાનો લહાવો માણ્યો છું. ઇંગ્લૅન્ડ, અમેરિકા અને કૅનેડામાં વસતા ગુજરાતી મિત્રો સાથે મારો સારો સંબંધ છે. એમના ઘરે જાઉં, સાથે ભોજન માણું અને સંડાસ બાથરૂમનો ઉપયોગ કરું ત્યારે હું જોઉં છું કે, ગાંધીજીના આદર્શ મુજબ ગીતા પણ વાંચી શકાય એવી રીતે સંડાસ-બાથરૂમ ચળકાટ મારે એવું સ્વચ્છ છે.

અહીંની જેમ સંડાસ-બાથરૂમની સાફસૂફી માટે કોઈ કહેવાતા નીચલા વર્ગના માણસો ત્યાં નથી. અહીં પોતાના ઘરની કે સંસ્થાનું સંડાસ-બાથરૂમ સાફ કરવામાં લજવાય, નીચું જોવું પડે એવા જ લોકો પરદેશમાં ખુશીથી પોતાના ઘરની બાથરૂમ-સંડાસની સાફસૂફી કરે, એટલું જ નહિ પણ જાહેર સંસ્થાની સાફસૂફીની નોકરી પણ સ્વીકારે. કારણ, પરદેશમાં કોઈ પણ માણસને અને કામને ઊંચનીચ ગણવાની માનસિકતા નથી. બધાં કામો સન્માનથી જોવામાં આવે છે.

મારી પાસે એક અંગ્રેજી ગ્રંથ છે. ઇન્ડિયામાં અછૂત કે અસ્પૃશ્ય તરીકે ઉછેર પામેલી અને મદ્રાસ આઈ. આઈ. ટી. સુધી ભણેલી અને જાતિભેદને કારણે ખૂબ દુ:ખો વેઠેલી સુજાતા ગિડલાએ લખેલા ગ્રંથનું નામ છે: Ants among Elephants અર્થાત ‘હાથીઓ વચ્ચે કીડીઓ’. મેં પ્રસ્તુત પુસ્તકની વાત મારા પુસ્તક “જેની આંખમાં અમી તેને દુનિયા નમી”માં કરી છે. અમેરિકામાં પ્રકાશિત થયેલા ‘હાથીઓ વચ્ચે કીડીઓ’ ગ્રંથ વાંચવાથી આપણને આપણી ઊંચનીચ ભેદભાવવાળી માનસિકતાનો ખ્યાલ આવશે. એટલું જ નહિ, પણ ઊંચનીચ ભેદભાવવાળી માનસિકતાને સમજવા સાથે એ માનસિકતાને બદલવા પ્રેરણા પણ મળશે.

મારા ‘પટાવાળા’ પ્રિન્સિપાલની વાત પર પરત આવીએ. અમારી વચ્ચે ગુરૂશિષ્ય સંબંધથી પર જઈને અમે હાઇસ્કૂલનાં તે વખતનાં ચાર વર્ષ દરમિયાન એકબીજાના ઓળખતા ને સ્વીકારતા સારા મિત્રો બન્યા હતા. એક સાધુસંઘના સભ્ય તરીકે તેઓ વિદ્યાર્થીઓ સાથે ધર્મ, નાતજાતના કોઈ ભેદભાવ વિના સમાનતા અને આદરમાનથી વર્તતા હતા. તેઓ પોતાના શિક્ષકો તેમ જ અમારી મોટી સ્કૂલની સાફસૂફી કરતા અભણ પટાવાળાઓ સાથે પ્રેમ અને આદરમાનથી કામ લેતા હતા. એટલે વર્ગખંડમાં પટાવાળાના એમના ઉલ્લેખમાં કોઈ શારીરિક મહેનતના કામને નિમ્ન ગણવાની ભાવના કે વૃત્તિ નહોતી, પરંતુ ભણવાના સમયમાં અભણ રહેનાર આળસુના પીરને કોઈ ખાસ વળતર વિના મજૂરની કે પટાવાળાની નોકરી જ કરવી પડશે, એવી જાણે અમારે માટે ચેતવણી હતી.

#

Changed on: 16-07-2019

Next Change: 01-08-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019