મારો જન્મ કેરળના એરનાકુલમ જિલ્લામાં એનાનલ્લૂર ગામે 1943 મે 31 ના રોજ થયો હતો.કેરળમાં જૂનું 11 ધોરણ પાસ કરીને હું 1963 માં અમદાવાદ ખાતે ઈસુસંઘની સાધુ સંસ્થામાં દાખલ થયો. સંસ્થાની તાલીમ સાથે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા પછી હું સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં જોડાયો અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ સાથે 1972 માં સ્નાતક થયો.પૂણે ખાતે જ્ઞાનદીપ વિધાપીઠમાંથી ફિલસૂફીમાં અને રોમ (ઈટલી) ખાતે ગ્રિગોરિયન યુનિવર્સિટીમાંથી બાઈબલ અને ધર્મશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રીઓ મેળવી.વળી, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં લેખન અને પત્રકારત્વનો અભ્યાસ કરવાની તક પણ મને મળી છે. મને રોમ ખાતે 1977 માં પુરોહિતદીક્ષા મળી.

ફરી  1984માં  ‘દૂત’ ના તંત્રી તરીકે  ત્રીજી  વાર મારી નિમણૂંક થઈ. વળી, જાન્યુઆરી 1984માં અમદાવાદના ધર્માધ્યક્ષશ્રી ચાર્લ્સ ગોમ્સના  વડપણ હેઠળ કેથલિક ઇન્ફરમેશન સર્વિસ સોસાયટી (CISS) ના સ્થાપક -ડાયરેક્ટર તરીકે જવાબદારી ઉપાડી અને આશ્રમ રોડ પાસે નવું કાર્યાલય વસાવ્યું. પાંચેક વર્ષ  ‘દૂત’  નું કામ પણ CISS કાર્યાલયમાંથી કર્યા પછી 1989માં મેં ઈસુસંઘના નામે  ‘દૂત ‘ માટે અલગ, સ્વતંત્ર કાર્યાલય ખરીદ્યું.

‘દૂત’ ના સાતેક દાયકાના ઇતિહાસમાં પ્રથમ વાર પત્રકારત્વની વ્યવસાયી તાલીમ પામેલ ‘ફુલ-ટાઇમ’ તંત્રી તરીકેની મારી નિમણૂંક 1977માં થયા પછી 1989માં ‘દૂત’ માટે પ્રથમ વાર સ્વતંત્ર કાર્યાલયનો પ્રબંધ કરવાનો મને આનંદ થયો. એટલું  જ નહિ પણ પુસ્તક કદના ‘દૂત’ ને 1987માં સામાન્ય સામાયિકના કદમાં ફેરવીને વધતા જતા વાચકવર્ગને વધુ સાહિત્ય પીરસવાની મને તક મળી. તે વર્ષો દરમિયાન સાર ન્યૂઝ અને યુસીપ સાથેના મારા નિકટના સંપર્કને કારણે દેશવિદેશમાં ફરવાનો અને ત્યાંનાં સામયિકો અને એના તંત્રીઓ પાસેથી ઘણું શીખવાનો મને મોકો મળ્યો અને એનો લાભ ‘દૂત’ ને મળ્યો. પરિણામે ‘દૂત’ ની ગ્રાહક સંખ્યા વધતી રહી અને લવાજમ ભરેલા 5000થી વધુ ગ્રાહકો સાથે 1994માં ‘દૂત’ માંથી હું ફરેહ થઈ શક્યો છું.

સી.આઈ.એસ.એસ. અને ‘દૂત’નાં  કામો સાથે દક્ષિણ એશિયાના ઈસુસંઘનાં સંચાર માધ્યમોમાં રોકાયેલા ઈસુસંઘીઓની સંસ્થા JESCOM ના સેક્રેટરી તરીકે આઠ વર્ષથી જવાબદારી નિભાવતો હતો તેમાંથી પણ 1994માં મુક્ત થયો અને નવી દિલ્હી ખાતે એક નવી જવાબદારી મળી.

ઍસોસિયેશન ઑફ કૅથલિક ઇન્કવાયરી સેન્ટર્સ ઇન્ડિયા (ACECI)ના કાર્યવાહક સેક્રેટરી તરીકે ૧૯૯૪માં મારી નિમણૂંક થઈ.મારું મુખ્ય કામ નવી દિલ્હી ખાતે ACECIનું કેન્દ્રીય કાર્યાલય સ્થાપવાનું અને ચલાવવાનું હતું. નવી દિલ્હીમાં SAR Newsનું કાર્યાલય સ્થાપવા અને ચલાવવાનો અનુભવ હતો.૧૯૯૪ થી ૨૦૦૩ સુધીના નવ વર્ષ દરમિયાન દર મહિને દસેક દિવસ નવી દિલ્હીમાં ગાળીને હું મારું કામ કરતો હતો.૨૦૦૩માં ACECI National Office ના સ્થાપક-કાર્યવાહક સેક્રેટરી તરીકે ACECIની માલિકીમાં ખરીદેલું ૧૮૦૦ ચો.મી. કાર્યાલય ફુલ-ટાઇમ કાર્યવાહક સેક્રેટરીને સોંપીને હું દિલ્હીના કામમાંથી ફરેહ થઈ શક્યો છું.

‘દૂત’ની જવાબદારી છોડ્યા પછી લેખનકાર્યનો મારો શોખ જાણનાર મિત્રોએ મને બહારનાં અખબારો અને સામયિકોમાં લખતો કર્યો. જુદાં જુદાં અખબારોમાં કટાર લેખો લખતો રહ્યો.૧૯૯૯માં મારા મુરબ્બી મિત્ર જોસેફ મેકવાન એમના પ્રકાશક પાસે લઈ ગયા અને તે વર્ષે આર. આર. શેઠ એન્ડ કું.ના ભગતભાઈએ મારાં બે પુસ્તકો પ્રકાશિત કર્યાં. ત્યારથી લેખન અને પુસ્તકોનું પ્રકાશન અવિરત ચાલે છે. ૨૦૦૯માં CISS ના રજત મહોત્સવ પ્રસંગે પ્રકાશિત થયેલાં મારાં ત્રણ પુસ્તકો સાથે કુલ ૩૫ પુસ્તકો પ્રગટ કરવાનો મને લહાવો મળ્યો છે.એમાં મારાં ગુજરાતી પુસ્તકોમાંથી મેં અનુવાદ કરેલાં બે અંગ્રેજી પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. બંને અંગ્રેજી પુસ્તકોનો મલયાલમમાં અનુવાદ ૨૦૧૦માં પ્રકાશિત થશે.

મને આનંદ છે કે અત્યાર સુધીની મારી ‘નોકરીઓ’ અને જવાબદારીઓ મારા શોખ – વાંચન, લેખન અને પ્રવાસ – ને પોષનારી રહી છે.અભ્યાસ, આંતરરાષ્ટ્રીય સંમેલન અને પત્રકાર તરીકેની સેવા અર્થે મને આખા ભારતની મુલાકાત લેવા સાથે યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એશિયા ખંડના તેત્રીસ દેશોની મુલાકાત લેવાની તક મળી છે અને એનાથી મારું લેખનકાર્ય પણ સમૃદ્ધ બન્યાનો મને આનંદ છે.

જ્યારે એપ્રિલ ૨૦૦૪માં મારી અંગત વેબ સાઈટનું નવપ્રસ્થાન કર્યું ત્યારે મારા જીવનનો એક નવો દરવાજો ખોલવામાં આવ્યો. મિત્રો, ઓળખીતાઓ અને અપરિચિત લોકોએ પણ હજારોની સંખ્યામાં મારી વેબ સાઈટની મુલાકાત લેવા માંડી ત્યારે મારાં કામોમાં મને પ્રોત્સાહન અને પ્રેરણાં મળ્યાં. અંગત વેબ સાઈટની સફળતાથી પ્રેરાઈને એપ્રિલ ૨૦૦૬માં મારા કાર્યાલયની
વેબ સાઈટ “www.biblegujarat.org” બનાવી અને તેનું સી.આઈ.એસ.એસ.ના પ્રમુખ બિશપ થોમસ મેકવાને ઉદ્‌ઘાટન કર્યું.

અમદાવાદ દૂરદર્શને ૨૦૦૯માં લીધેલી મુલાકાત ફિલ્મ ક્લિપિંગ્સ માટે ફાધર વર્ગીસ પર ક્લિક કરો.

ગુર્જરવાણીએ CISS ની ઉતારેલી ફિલ્મ ક્લિપિંગ્સ માટે CISS પર ક્લિક કરો.

આખરે હું ઈચ્છું છું કે મારી ઓળખ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક અદના શિષ્ય તરીકે થાય.