મૃત્યુની મારી પસંદગી

સૌ માણસો માટે વહેલા મોડા મૃત્યુ તો એક દિવસ આવવાનું છે, એટલે ગમે તે રીતે ગમે ત્યાં મારવાની મારી તૈયારી છે. ટૂંકા કે લાંબા-ગાળાની માંદગીથી મારવાનું મારે ફાળે આવે તો તે મને સ્વીકાર્ય છે. પણ હું ઈચ્છું કે મારું જીવન કૃત્રિમ રીતે જીવતું રાખવામાં ન આવે. મધ્યમ વર્ગના લોકોને ના પોષાય એવી દવાઓ અને વેન્ટિલેટર જેવાં યંત્રોથી મારું જીવન લંબાવવામાં ન આવે. ઈચ્છા-મૃત્યુથી પણ મારા જીવનનો અંત આણવામાં પણ હું માનતો નથી. કારણ, હું દ્રઢપણે માનું છું કે, મારું જીવન મારા માટેની ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. હું મને કે અન્ય કોઈને જીવન આપી શકતો ન હોઉં તો મને મારું જીવન લેવાનો પણ અધિકાર નથી. એટલે હું માંદગીથી, અણધાર્યા અકસ્માતથી કે કોઈપણ કુદરતી રીતે મરણને આવકારવા તૈયાર છું.

સ્વેચ્છા-મૃત્યુ કે ગૌરવપૂર્ણ મૃત્યુની વાત હાલમાં ખૂબ જોરશોરથી ચાલે છે. રેશનલ સમાજના માસિક ‘વિવેકપંથી’ના જાન્યુઆરી 2015ના અંકમાં “સ્વેચ્છા-મૃત્યુનો અબાધિત આજન્મ અધિકાર” નામે ધનસુખ ઢિમ્મરે પોતાના લેખમાં ભૌતિકચંદ્ર ભૂતનાથની વાત કરી છે. લેખકે ભૌતિકચંદ્ર વિશે કહ્યું છે કે, “ભૌતિકચંદ્રનો એવો દાવો હતો કે આ સંસારની તમામ ક્રાંતિકારી યોજનાઓની મૂળ શોધ તેઓએ કરેલી.” દુનિયાભરમાં ઘણાં બધાં ક્ષેત્રે ક્રાંતિકારી યોજનાઓ અને સુધારો કરવામાં આવે છે. એ બધી યોજનાઓના મૂળમાં પોતે હોવાનો દાવો કરનાર માણસનું મગજ ઠેકાણે હોય એવું મને લાગતું નથી. એટલે ધનસુખ ઢિમ્મરે ભૌતિકચંદ્રની સ્વેચ્છા-મૃત્યુ વિશે કરેલી વાતથી મને નવાઈ લાગતી નથી.

ધનસુખ ઢિમ્મર લખે છે: “સર્વ પ્રથમ તો ભૌતિકચંદ્રે પોતાની સ્વેચ્છા-મૃત્યુની જાહેરાત કરી. એમણે જણાવ્યું કે પથારીમાં કાગડા-કૂતરાની જેમ રિબાઈ રિબાઈને મરવા હું માગતો નથી. હું માણસ છું અને માણસ તરીકે જીવવા ઇચ્છું છું. એ જ રીતે માણસ તરીકે જ ગૌરવથી મરવા કટિબદ્ધ છું. મને ઇચ્છા થાય ત્યારે માણસ તરીકે સ્વેચ્છાએ મરવાનો અધિકાર કુદરતે જ આપેલો છે. એમાં માનવીની દખલગીરી હું સ્વીકારતો નથી. તેમણે ભાષણો કર્યાં, લેખો લખ્યા, ગૌરવપૂર્ણ મૃત્યુ વિશે એક દળદાર પુસ્તક પણ તેઓએ લખ્યું.”

ભૌતિકચંદ્ર વિશે લેખક ધનસુખ ઢિમ્મરે વધુમાં કહ્યું છે કે, “એમને અનુયાયીઓ બહુ જ ઓછા મળ્યા! કદાચ એમને એકપણ અનુયાયી મળ્યો ન હોય. કારણ, ભૌતિકચંદ્ર સ્વેચ્છા- મૃત્યુને વરવા માગતા હતા. પરંતુ એમાં એમને મદદ કરવા માટે એકપણ અનુયાયી મળ્યો નથી. એટલે ધનસુખ ઢિમ્મરે છેલ્લે કહ્યું છે કે, “ઘોર નિરાશાથી તેઓ વ્રુદ્ધાવસ્થાનો સામનો કરી રહ્યા હતા. ત્યાં ઘડપણના રોગોએ હુમલો શરૂ કર્યા. અંતે ભૌતિકચંદ્ર નિરાશ થયા અને પથારીવશ પણ થયા.”

આત્મહત્યા કાયદાકીય ગુનો છે. એટલે છેલ્લાં થોડાં વર્ષોમાં સ્વેચ્છા-મૃત્યુ માટે કેટલાક માણસો કોર્ટ-કચેરીનાં પગથિયાં ચઢ્યાં છે. સ્વેચ્છા-મૃત્યુના ચારેક પ્રકાર છે. એમાં આત્મહત્યા ફક્ત એક જ પ્રકાર છે. બીજા પ્રકારમાં સ્વેચ્છા-મૃત્યુ ઇચ્છ્નાર વ્યક્તિ બીજાની મદદથી મૃત્યુને વરી શકે. ત્રીજા પ્રકારમાં માણસની સ્થિતિ ખૂબ કફોડી હોય, જીવવાની આશા ન હોય અને અસહ્ય દુ:ખથી રિબાતો હોય, એવી સ્થિતિમાં બીજો માણસ દયા ખાઈને ચોક્ક્સ પગલાં લે છે કે જેથી માણસનું મૃત્યુ થાય. હજી એક ચોથા પ્રકારનું મૃત્યુ છે. એ પણ કુદરતી મૃત્યુ નથી. એમાં માણસને એની ચોક્ક્સ પરિસ્થિતિમાં એના કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર માટે “કોઈ કામના નથી” એમ માનીને એને મારી નાખવામાં આવે છે. માણસના આવા અંતને સ્વેચ્છા-મૃત્યુ કે દયાવધ પણ ન કહી શકાય. કારણ, માણસની ઇચ્છા વિરુદ્ધ એને મારી નાખવામાં આવે છે. એને તો નરી માનવહત્યા જ કહેવી જોઈએ. જર્મનીના અડોલ્ફ હિટલરે લાખો માણસોને સમાજ અને રાષ્ટ્ર માટે નકામા માનીને ‘ગેસ ચેમ્બર’માં (વાયુકોટડીમાં) બંધ કરીને ઝેરી વાયુથી મારી નાખ્યા. એ રીતે એમણે નરી માનવહત્યા જ કરી હતી.

અહીં આપણે બીજાની મદદથી સ્વેચ્છા-મૃત્યુને વરવા માગતા માણસોની વાત કરીએ છીએ. એને આપણે દયાવધ કહીએ. બે કારણોથી આ પ્રકારના સ્વેચ્છા-મૃત્યુ લોકોનું ધ્યાન ખેંચતા રહે છે. એક, વડી અદાલતે (સુપ્રીમ કોર્ટ) ૧૬ જુલાઈ ૨૦૧૪માં બધાં રાજ્યોને નોટિસ આપીને દયાવધ (mercy killing or euthanasia) અંગે અભિપ્રાય માગ્યો છે. બે, થોડાં વર્ષ પહેલાં ૭ માર્ચ ૨૦૧૧માં વડી અદાલતે એક નોંધપાત્ર ચુકાદામાં દયાવધ અંગેના એક અરજદારનો કેસ કાઢી નાખ્યો હતો. એમાં એક પત્રકાર પિન્કી વિરાણીએ વડી અદાલત સમક્ષ અરુણા રામચંદ્ર સાનબાગની દયાવધ માટે માગણી કરી હતી. પિન્કીની અરજી કાઢી નાખતાં વડી અદાલતે કહ્યું કે, જીવન ચાલુ રાખવા માટે આપણે કૃત્રિમ સાધનો દૂર કરવાની વાત અને ખોરાક-પાણી બંધ કરવાની વાત બિલકુલ સરખી નથી. અરુણાનો દયાવધ એટલે વર્ષો સુધી એમનું જીવન ચાલુ રાખવા માટે કે.ઈ.એમ., મુંબઈ હોસ્પિટલનાં નર્સો અને ડોક્ટરોએ લીધેલા બધા પ્રયાસો ઊંધા કરવા જેવા છે. કૃત્રિમ  સાધનો દૂર કરવાથી માણસનું મૃત્યુ થાય કે ન પણ થાય. પરંતુ ખોરાક-પાણી હંમેશાં માટે બંધ કરવાથી બધી ઇંદ્રિય-શક્તિઓથી એક પ્રકારની ક્ષતિ થાય છે; અને બધી ઇંદ્રિય-શક્તિઓ ખોઈ બેઠેલા માણસનું મૃત્યુ થાય જ.

અરુણા રામચંદ્ર સાનબાગની ૨૪ વર્ષની નર્સ સિસ્ટર હતી. તેઓ મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં કામ કરતાં હતાં. એ હોસ્પિટલમાં ઝાડુંપોતું મારનાર સોહનલાલે ૨૭ નવેમ્બર ૧૯૭૩ના રોજ અરુણા પર ઘાતકી બળાત્કાર ગુજાર્યો. એમને મૃત્યુ સમા વેજિટેટિવ સ્થિતિ (vegetative state)માં મૂકી દીધાં. એ જ સ્થિતિમાં કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલનાં નર્સ સિસ્ટરો અને દાક્તરો અરુણાની ખૂબ પ્રેમથી સેવાચાકરી કરતાં રહ્યાં. આવી સ્થિતિમાં રોજેરોજ ફક્ત દ્રવ્યપદાર્થરૂપે અરુણાને ખવડાવવાથી માંડી એમની ખૂબ સમર્પિત સેવાચાકરી કરતાં હતાં કે સતત પથારીમાં પડી રહેવાથી થતાં કોઈ પરું, વ્રણ કે ઘા એમના શરીર પર ન થાય એની કાળજી રાખતાં હતાં.

પણ પિન્કી વિરાણીએ અરુણાની વેજિટેટિવ સ્થિતિ જોઈને ૨૦૦૯માં એટલે ઘાતકી બળાત્કારના ૩૬ વર્ષ પછી વડી અદાલતમાં અરુણા સાનબાગ માટે દયાવધ માટે અરજી કરી. તેમણે વડી અદાલતને જણાવ્યું કે, આ રીતે ફક્ત દ્રવ્યરૂપે ખવડાવીને અરુણાને વેજિટેટિવ સ્થિતિમાં જીવતાં રાખવાને બદલે એમને ખવડાવવાનું બંધ કરીને અરુણાને શાંતિથી મૃત્યુને વરવા દેવાં જોઈએ. કારણ, માણસ સામાન્ય રીતે જીવવો જોઈએ, એવું જીવન કે એવી હયાતી અરુણાની નથી. એટલે અરુણા હકીકતમાં મરેલાં (virtually dead) છે.

પિન્કી વિરાણીની આ અરજી સામે હૉસ્પિટલમાં અરુણાનાં સાથીદાર નર્સો અને દાક્તરોએ વડી અદાલતમાં સોગંધનામું આપ્યું કે, અમે અરુણાને ખોરાક દ્રવ્યરૂપે ખવડાવીએ છીએ. અમે કદી એમને કૃત્રિમ સાધનોની મદદથી ખવડાવતાં  નથી. અરુણાને સંગીત સાંભળવાનું ગમે છે. તેઓ પોતાની રીતે પોતાનો આનંદ એન્ડ આભારની લાગણી પ્રગટ કરે છે. આટલાં  બધાં  વર્ષોમાં અરુણા પથારીવશ હોવા છતાં એમને પરુ કે વ્રણ પણ થયું નથી. KEM હૉસ્પિટલના અમારાં બધાં નર્સ સિસ્ટરો અને તબીબી દાક્તરો માટે અરુણા ખૂબ પ્રિય વ્યક્તિ છે. એમની સારસંભાળ રાખવામાં અમને કોઈ પ્રશ્ન કે સમસ્યા નથી. અમે સમજતાં નથી કે અરુણા સાથે કોઈ લેવાદેવા નથી એવી ત્રીજી વ્યક્તિ શા માટે એમની ચિંતા કરીને એમને માટે દયાવધ માંગે.

સ્વેચ્છા-મૃત્યુ ઇચ્છનાર અને દયાવધ  માગનાર લોકો પાસે જાતજાતની અને ભાતભાતની દલીલો હોય છે. બીજી બાજુ માનવજીવનની પવિત્રતા અને માનવ-ગરિમામાં માનનારની  તરફેણમાં દેશનો કાયદો છે. એમાં સ્વેચ્છા-મૃત્યુ અને દયાવધ  માટે કોઈ સ્થાન નથી. પરંતુ આવા કાયદાના વિરોધીઓ કહે છે કે, એ અંગ્રેજી કાયદાકાનૂનનો જૂનોપુરાણો વારસો છે. આધુનિક ભારતમાં એવા કાયદાને વળગી રહેવાની કોઈ જરૂર નથી. વળી, તેઓ માને છે કે આપણો  જમાનો લોકમત અને લોકશાહી શાસનતંત્રનો જમાનો છે અને લોકશાહી પોતે જાતનિર્ણય પર આધારિત છે. એટલે લોકોને પોતાનું ગૌરવભર્યું મૃત્યુ – સ્વેચ્છા-મૃત્યુ – પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.

આવી દલીલો સામે વડી  અદાલતે વારંવાર જણાવ્યું છે કે માનવજીવન પવિત્ર છે. આપણે હંમેશાં  જીવનની પવિત્રતાના સમર્થકો બનવું જોઈએ। એટલે કોઈને ગમે તેમ પોતાના જીવનને કાઢી નાખવાનો અધિકાર નથી. માનવજીવનને હણી  નાખવાનો કોઈપણ પ્રયત્ન મૂળભૂત માનવહક્ક સામેનો ગુનો છે. એટલે સ્વેચ્છા-મૃત્યુ વાસ્તવમાં માનવહત્યનો ગુનો છે. વળી, સ્વેચ્છા-મૃત્યુમાં જાત પર  પ્રેમ રાખવાની માનવસહજ વૃત્તિનો ઇન્કાર છે. માનવજીવનને ગમે તે ભોગે વળગી રહેવાની માનવસહજ વૃત્તિનો દયાવધમાં  નિષેધ છે. એટલું જ નહીં, પણ એમાં પોતાના ઘરપરિવાર પ્રત્યેની જવાબદારીઓથી માણસનું પલાયન છે.

દરેક માણસ માટે મૃત્યુ અનિવાર્ય છે. આપણે કહી શકીએ કે, દરેક માણસને ગૌરવપૂર્ણ મૃત્યુનો હક્ક છે. પરંતુ એમાં સીધી કે આડકતરી રીતે સ્વેચ્છા-મૃત્યુને વરવા કે બીજાનો દયાવધ  કરવા કોઈને હક્ક નથી, અધિકાર નથી. મૃત્યુનો હક્ક એટલે શાંતિથી ને માનવગરીમાથી મરવાનો અધિકાર છે. એમાં લાંબી માંદગી હોઈ શકે; અસહ્ય દુઃખ અને વેદના હોઈ શકે. મારે ફાળે આવું બધું આવે તો તે ખુશીથી સ્વીકારવાની મારી તૈયારી છે. મારી માન્યતા છે કે, પ્રભુ ઈસુએ સમગ્ર માનવજાતના તારણ માટે ખૂબ રિબાઈને અને અસહ્ય દુઃખો વેઠીને ક્રૂસ પર મૃત્યુને પસંદ કર્યું હતું. એમાં હું માનવગરીમા જોઈ શકું છું. એવા માનવગરિમાવાળા મૃત્યુની જ મારી પસંદગી છે.

#

Changed on: 16-09-2019

Next Change: 01-10-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019