મૃત્યુદંડને જાકારો આપો

એક વાર મુરબ્બી મિત્ર લેખક – બાળસાહિત્યકાર શ્રી યશવન્ત મહેતા અને કવિ તથા બાળસાહિત્યકાર યોસેફ મેકવાન મારી ગાડીમાં સાથે આવ્યા. હું ગાડી ચલાવતો હતો. યશવન્તભાઈએ અમને બંનેને વારાફરતી પ્રશ્ન કર્યો, “ફાધર, તમે ફાંસીની સજામાં માનો છો?” “યોસેફભાઈ, તમે મૃત્યુદંડમાં માનો છો?” અમારા નકારાત્મક જવાબથી અને મૃત્યુદંડ સામેના વિરોધથી યશવન્તભાઈને સંતોષ થયો. એટલે એમણે જણાવ્યું કે, તેઓ પોતે પણ મૃત્યુદંડનો સખત વિરોધ કરનાર છે. વળી, તેમણે જણાવ્યું કે, તેમણે દૈનિક “ગુજરાત ટુડે”ના તેમના સ્તંભ ‘સહચિંતન’માં સળંગ નવ અઠવાડિયા સુધી ‘મૃત્યુદંડ: એક ચર્ચા’ શીર્ષકથી મૃત્યુદંડનાં ભિન્નભિન્ન પાસાં અને દલીલોનું નિરૂપણ કર્યું છે.

એના થોડા દિવસ પછી અમે – યોસેફભાઈ અને હું – યશવન્તભાઈના પંચોતેરમા જ્ન્મદિવસે એમના ઘરે શુભેચ્છા પાઠવવા પહોંચી ગયા. પ્રેમ અને મિત્રતાના પ્રતીકરૂપે અમે ગુલાબનાં ફૂલ લઈને એમને ‘સરપ્રાઇઝ’ આપવા માટે વહેલી સવારે એમના ઘરનો દરવાજો ખખડાવ્યો. પણ યશવન્તભાઈએ “મૃત્યુદંડ-એક ચર્ચા”ની સુંદર પુસ્તિકા ભેટમાં આપીને અમને ‘સરપ્રાઈઝ’ આપી દીધું! યજ્ઞ પ્રકાશને ‘વિજ્ઞાન પોથી’ની પાંચમી પુસ્તિકા તરીકે પ્રકાશિત કરેલી સુંદર પુસ્તિકા જોતાં અમને સાનંદાશ્વર્ય થયું.

ફાંસી માટેના દોરડાનો ગાળિયો અને કલામય અક્ષરોથી ‘મૃત્યુદંડ-એક ચર્ચા’નું રંગીન મુખપૃષ્ઠ આકર્ષક છે. એનાં આઠ પ્રકરણોમાં યશવન્તભાઈએ મૃત્યુદંડ અને ફાંસી કે વીજળી-ખુરસીની સજાનાં લગભગ બધાં પાસાંઓની ચર્ચા-વિચારણા કરી છે.

પ્રથમ પ્રકરણ ‘ચારેબાજુ ચર્ચા માત્ર ફાંસીની!”માં યશવન્તભાઈએ દેશભરમાં ચાલેલીમૃત્યુદંડ અને ફાંસીની સજાની ચર્ચાને વાચા આપી છે. એમાં, એક બાજુ આંતકવાદીઓને ફાંસીની સજા આપવા કેસરિયા લોકોની ઉતાવળ અને સરકાર પર દબાણની વાત છે. તો બીજી બાજુ માનવતાવાદી હોય, ન્યાયવાદી હોય, રેશનાલિસ્ટ હોય, એવા અનેક લોકોએ કરેલી મૃત્યુદંડ અને ફાંસીના વિરોધની વાત છે. એમાં મૃત્યુદંડની શિક્ષામાં માનવતા નથી, એ વાત સાથે નિર્દોષ માનવીઓને ફાંસીની ખોટી સજા થયાના ઐતિહાસિક દાખલાઓ પણ છે.

‘કેવી કંપાવનારી છે આ સજા!’ નામના બીજા પ્રકરણમાં યશવન્તભાઈ સ્પષ્ટ કહે છે કે, “મોતની સજા અને એમાં ફાંસીની સજા મોત નિપજાવવાની એક અતિ ક્રૂર, ઠંડા કલેજાની, ગણતરીપૂર્વકની અને કંપાવનારી રીત છે” (પૃ.૧૦). ફાંસીની પ્રક્રિયાની ઝીણી ને લાંબી વિગતો કંપાવનારી હોવાથી ખુદ લેખકે વાચકોની ક્ષમા માગી છે અને કહ્યું છે, “અમારો હેતુ એક જ છે : તમારા દિલમાં આ ભયંકર પ્રથા સામે આક્રોશ પેદા કરવો” (પૃ.૧૨).

પ્રકરણ ત્રણનું શીર્ષક ‘૧૪૦ જેટલા દેશોમાં મૃત્યુદંડ નથી’ સૂચવે છે તેમ મૃત્યુદંડ નાબૂદ કરેલા ૧૪૦ દેશોની વાત સાથે મૃત્યુદંડ અમલમાં હોવા છતાં ૫૮ રાષ્ટ્રોમાં છેલ્લાં વીસ વર્ષ દરમિયાન ૩૦ જેટલાં રાષ્ટ્રોએ કોઈ ગુનેગારને મૃત્યુદંડ ન આપ્યાની વાત પણ છે. દુનિયાના મોટા ભાગના દેશોમાંથી મૃત્યુદંડને દેશવટો આપવામાં આવ્યો છે. પણ લેખક નોંધે છે કે, “સંસ્કૃતપણાનો દાવો કરતા ભારતમાં આદિમ સંસ્કારના વારસારૂપ આ દંડ હજુ નાબૂદ નથી થયો તે શોચનીય હકીકત છે” (પૃ.૧૬).

‘બળાત્કાર બદલ મૃત્યુદંડ’ શીર્ષકવાળા ચોથા પ્રકરણમાં યશવન્તભાઈએ નોંધ્યું છે કે, રાજધાની દિલ્હીમાં ‘નિર્ભયા’ પરના ક્રૂર બળાત્કાર પછી ‘બળાત્કારીઓને ફાંસીની માગણી સર્વત્ર થઈ છે. આ સંદર્ભમાં લેખક કહે છે કે, “બળાત્કાર બદલ મૃત્યુદંડની જોગવાઈનો વિરોધ કરવાનાં તો ખૂબ વાજબી અને માનવતાપૂર્ણ કારણો છે” (પૃ. ૨૦).

”માનવપ્રાણ હરવાની રીતો આ અનેક’ નામનું પાંચમું પ્રકરણ ખૂબ માહિતીપ્રધાન છે. એમાં ગુનેગારોને જુદા જુદા દેશોમાં ભિન્નભિન્ન સમયે મૃત્યુ આપવાની વિવિધ રીતોની માહિતી છે. છેલ્લે લેખકે તારણ કર્યું છે કે, “મૃત્યુદંડ સ્વયં એક અમાનવીય ચીજ છે” (પૃ. ૨૬).

છઠ્ઠા પ્રકરણમાં, શીર્ષક જણાવે છે તેમ, યશવન્તભાઈએ સચોટ અને અણીશુદ્ધ દાખલાદલીલથી પૂરવાર કર્યું છે કે “રાજ્ય જીવ આપતું નથી; રાજ્ય જીવ હરી ન શકે” (પૃ.૨૭). એમાં મૃત્યુદંડની તરફેણ કરતા લોકોની દલીલો સામે લેખકે મૃત્યુદંડના વિરોધનાં માનવતાભર્યાં કારણો પણ આપ્યાં છે.

મારી ર્દષ્ટિએ બળાત્કાર કે ત્રાસવાદી ગુના માટે મૃત્યુદંડનો નાશ પોકારતા દરેક માણસે વાંચવું જોઈએ એવું પ્રકરણ છે “બે ખૂન બરાબર શૂન્ય ખૂન?”. એ સાતમા પ્રકરણમાં યશવન્તભાઈએ ગાંધીજી, વિનોવા ભાવે, જયપ્રકાશ નારાયણ વગેરે રાજકીય નેતાઓ તેમ જ ઇટલીના સીઝર બેકેરિયા, ફ્રાન્સના આર્થ કોબેસલર જેવા ચિંતકો તથા જેઠમલાણી, યશવંતરાય વી, ચંદ્રચૂડ અને વી. આર. કૃષ્ણ ઐયર જેવા ન્યાયવિદોના મતો ટાંક્યા છે. એને આધારે છેલ્લે લેખક કહે છે કે, ઘોર અપરાધ કરતા ગુનેગારોને મૃત્યુદંડ દેવાને બદલે “વર્ષોનાં વર્ષો સુધી કારાવાસની ભીંતો સાથે માથાં પછાડીને પસ્તાવો કરવા દેવો, એ અમારે મન વધારે આકરી સજા છે” (પૃ. ૩૫).

છેલ્લા આઠમા પ્રકરણ ‘મોતનો ખેલ’ જોવાની મજા!’માં યશવન્તભાઈએ મૃત્યુદંડ વિશેની વિખ્યાત સર્જક આલ્ફ્રેડ હિચકોક દ્વારા સંપાદિત એક વાર્તાસંગ્રહમાંથી ‘મારા પુત્રે પૂછેલો પ્રશ્ન’ નામે એક વાર્તા આપી છે. વાર્તા અને પુસ્તિકાને અંતે લેખકે પોતાની પુસ્તિકાનો સારાંશ એક જ વાક્યમાં આપતાં કહ્યું છે કે, “મૃત્યુદંડને અસ્વીકાર્ય ગણવો એ માનવતાનો તકાજો છે.”

યશવન્તભાઈની સાદી અને સરળ શૈલી તથા દાખલા-દલીલવાળી પ્રેરક રજૂઆત ‘મૃત્યુદંડ – એક ચર્ચા’ના વાચકોમાં ચોક્ક્સ પ્રકારનું પરિવર્તન લાવી શકે છે. મૃત્યુદંડની તરફેણ કરનાર લોકો મૃત્યુદંડ પ્રત્યેની પોતાની ર્દષ્ટિ તથા વલણ તપાસવા પ્રેરાશે અને મૃત્યુદંડનો વિરોધ કરનાર તરીકે પરિવર્તન પામી શકે છે. તો મૃત્યુદંડનો વિરોધ કરનાર લોકો પોતાની માન્યતાઓમાં વધુ ર્દઢ બનીને બીજાઓને પોતાના પક્ષમાં  આકર્ષવા પ્રેરાશે. ટૂંકમાં મૃત્યુદંડ એટલે સુસંસ્કૃત ગણાતા ભારતની અણધડ સજા. હું માનું છું કે, ભારતમાંથી તેમજ સમગ્ર દુનિયામાંથી મૃત્યુદંડને જાકારો આપવાનો સમય આ યુગને અતિક્રમી રહ્યો છે.

આજે ફક્ત ‘સુસંસ્કૃત’ કહેવાતા ભારતભરમાંથી જ નહિ પણ સમગ્ર વિશ્વમાંથી મૃત્યુદંડની નાબૂદી કરવા માટે એક ચળવળ ચલાવવાની જરૂર છે. એમાં મને ખાતરી છે કે યશવન્તભાઈની પુસ્તિકા ‘મૃત્યુદંડ – એક ચર્ચા’ જરૂરી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડશે.

#

Changed on: 16-01-2020

Next Change: 01-02-2020

© Fr Varghese Paul, SJ – 2020