મારું બ્રહ્મચર્ય

વર્ષો પહેલાં એક મિત્ર મેહુલ મને ઘણીવાર મળવા આવતા. એ યુવાન સાથે મેં ઘણાબધા વિષયોની ચર્ચાવિચારણા કરી. પણ વર્ષો પછી થોડા વખત પહેલાં તાજેતરમાં તેઓ મારા કાર્યાલયમાં મને મળવા આવ્યા. ત્યારે, એક તો હું એમને ઓળખી શક્યો નહીં અને બીજું હું કામમાં ખૂબ વ્યસ્ત હતો. તેમણે ખૂબ ઉત્સાહથી આવતાંવેંત મને એક ખૂબ કીમતી બોલપેન ભેટમાં આપી અને વાતે વળગ્યા. સામાન્ય રીતે કોઈ મને મળવા આવે ત્યારે મારું બધું કામ બાજુમાં પડતું મૂકીને મિત્ર કે અન્ય કોઈ પણ આગુંતક પ્રત્યે મારું પૂરું ધ્યાન આપું છું. કોણ જાણે કેમ, પણ તે દિવસે હું એમ કરી શક્યો નહીં.

કદાચ આવતાંવેંત એમણે પૂછેલો પ્રશ્ન મને અયોગ્ય લાગ્યો હશે. એમનો પ્રશ્ન હતો: “ફાધર તમને શું લાગે છે, માણસ સેક્સ વિના જીવી શકે?”

મેં એમને કહ્યું, “સેક્સ માણસમાં રહેલી નૈસર્ગિક બાબત છે. સ્ત્રી ને પુરુષ પોતાના યોગ્ય સાથીદાર સાથે યોગ્ય સમયે સેક્સ માણે અને બંનેનું જીવન આનંદમય અને ફળપ્રદ બનાવે, એ એક નૈસર્ગિક ક્રમ છે. પરંતુ ઈશ્વરની પ્રેરણાથી અને દૈવી કૃપાથી માણસે પોતાના માટે પસંદ કરેલા બ્રહ્મચારી જીવનમાં સેક્સથી એટલે જાતીય સંબંધથી દૂર પણ રહી શકાય.”

વળી, મેં મારા જેવા ખ્રિસ્તી બ્રહ્મચારીઓની પસંદગી અને લાંબી તાલીમની વાત કરી. પછી મેં એમને કહ્યું કે, તાલીમ દરમિયાન કે પછી પણ કોઈને લાગે કે આ બ્રહ્મચારી જીવન પોતાને માટે નથી, પોતે સેક્સ વિના જીવી ન શકે, તો તેવા માણસ બ્રહ્મચારી જીવન છોડીને અને પોતાના જીવનસાથીને પસંદ કરીને સંસારી જીવન માંડી શકે છે.

બ્રહ્મચર્ય અંગેના મારા આ પ્રકારના ટૂંકા ખુલાસાથી મેહુલને સંતોષ થયો હોય એવું મને ન લાગ્યું. ખુદ મને સંતોષ નહોતો થયો. કારણ, બ્રહ્મચારી જીવન અંગેની હિન્દુઓ અને ખ્રિસ્તીઓની માન્યતા અને જીવનર્દષ્ટિ ખૂબ ભિન્ન છે. પણ એ દિવસે બ્રહ્મચારી જીવન અંગે મેહુલને સમજાવવા મારી પાસે સમયસગવડ નહોતાં.

લગ્નજીવન અને બ્રહ્મચારી જીવન બંને પ્રકારના જીવન પાછળનું પ્રેરક તત્વ પ્રેમ છે. માણસમાત્રના જીવનમાં પ્રેમ એક સશક્ત પરિબળ છે. પ્રેમ વિના કોઈ માણસ જીવી ન શકે. લગ્નજીવન કે સંસારી જીવન અને બ્રહ્મચારી જીવન બંને પ્રકારના જીવનને દોરનાર પ્રેરકબળ પ્રેમ છે. પરંતુ પ્રેમમય જીવન લગ્નજીવનમાં અને બ્રહ્મચારી જીવનમાં અલગ પ્રકારનું હોય છે. ભિન્ન ભિન્ન રીતે પ્રગટ થાય છે. પણ ખ્રિસ્તી જીવનર્દષ્ટિમાં એકને બીજાથી ચડિયાતું કે ઊતરતું જીવન ગણાતું નથી. બંને ઉત્તમ પ્રકારના જીવન છે. બંને પ્રકારના જીવનમાં માણસનો ઈશ્વર સાથેનો પ્રેમસંબંધ છે.

માણસનો ઈશ્વર સાથેનો આ પ્રેમસંબંધ લગ્નજીવનમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમસંબંધ કહો કે, સેક્સ યા જાતીયસંબંધ દ્વારા પ્રગટ થાય છે. જયારે બ્રહ્મચારી જીવનમાં એક વ્યક્તિના એટલે સ્ત્રી કે પુરુષમાં ઈશ્વર સાથેના પ્રેમસંબંધમાં બીજી વ્યક્તિ આડે આવતી નથી. બ્રહ્મચારી માણસ માટે ઈશ્વર જ સર્વેસર્વા બની રહે છે. બ્રહ્મચારી જીવન અને સંસારી જીવનને એકબીજાથી ચડિયાતું કે ઊતરતું જીવન ગણવાને બદલે એકબીજાના પૂરક જીવન ગણી શકાય છે.

પણ લોકો ઘણી વાર સંસારી જીવન અને બ્રહ્મચારી જીવનની સરખામણી કરતા હોય છે. અને એ તુલનામાં બ્રહ્મચારી જીવનને લગ્નજીવન કરતાં ચડિયાતું માને છે. તમે તમારા જમણા હાથ અને તમારા ડાબા હાથ વચ્ચે સરખામણી કરશો તો તમને કેવું લાગે! તમારા બંને હાથ સરખા હોય છે. એકને બીજાથી ચડિયાતો કે ઊતરતો ન ગણી શકાય. સંસારી જીવન અને બ્રહ્મચારી જીવનની વાત પણ એવી જ છે. કોઈક વાર માણસના જમણા હાથની ક્ષમતા એના ડાબા હાથ કરતાં વધારે હોઈ શકે. તો કોઈક માણસમાં ડાબા હાથની ક્ષમતા જમણા હાથ કરતા વધારે હોઈ શકે. પરંતુ હાથ તરીકે બંને સરખા છે. સંસારી જીવન ગાળનાર માણસ દુન્યવી બાબતોમાં વધારે પરોવાયેલો રહે છે જયારે બ્રહ્મચારી માણસ ઈશ્વરીય બાબતોમાં વધારે પરોવાયેલા રહે છે. પણ એક કે બીજાને ચડિયાતો કે ઊતરતો ગણવો યોગ્ય નથી.

અંગત વાત કહું તો, હું પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારથી, એટલે વિચાર કરવા માંડ્યો ત્યારથી, ખ્રિસ્તી ધર્મગુરુના (બ્રહ્મચારી) જીવન પ્રત્યે આકર્ષણ લાગ્યું હતું. હું એને દૈવી પ્રેરણા ગણું છું. આ આકર્ષણ સામે ઘણા અડચણો અને વિરોધ આડે આવ્યાં છે. ઘરના સૌથી મોટા દીકરા તરીકે માબાપ ઇચ્છતાં નહોતાં કે, હું મિશનરી ધર્મગુરુ બનવા માટે ઘરથી દૂર જાઉં. મારે ધર્મગુરુ બનવું જ હોય તો નાછૂટકે તેઓ મને મારા વતન કેરળમાં જ એક ધર્મગુરુ બનવા પરવાનગી આપવા તૈયાર હતાં. કારણ, તેઓ ઇચ્છતાં હતાં કે, મારા એક ખૂબ કાર્યક્ષમ અને આદર્શ ધર્મગુરુ મામાની જેમ હું પણ કેરલમાં ત્યાંના ધર્મપ્રાન્તમાં એક બ્રહ્મચારી ધર્મગુરુ બની રહું.

આખરે મારા ર્દઢ નિર્ણયને માન આપીને અને મારા બાળપણના ‘મિત્ર’ મારા દાદાના કહેવાથી મારાં ખૂબ પ્રેમાળ માબાપે મને નાછૂટકે ગુજરાતમાં એક મિશનરી ધર્મગુરુ બનવા પરવાનગી આપી હતી. હું ૧૯૬૩માં ગુજરાતમાં આવ્યો ત્યારથી લાંબી તાલીમ પછી રોમ (ઈટલી) ખાતે ૧૯૭૫ જૂન ૨૧મીએ એક (બ્રહ્મચારી મિશનરી) ધર્મગુરુની મને દીક્ષા મળી. ગુજરાતમાં સૌ પ્રથમ વાર પગ મૂક્યો ત્યારથી મને લાગ્યું છે કે, આ ધરતી પર મારા માટેના લક્ષ્ય સ્થાને હું આવી પહોંચ્યો છું અને છેલ્લાં ત્રેપન વર્ષથી ખૂબ ખુશીમિજાજમાં બ્રહ્મચારી મિશનરી ધર્મગુરુ તરીકે જીવન ગાળું છું. એમાં મારી કોઈ શક્તિ કે સિદ્ધિ નહિ, પણ દૈવી શક્તિ અને પ્રેરણા મને દોરતી રહે છે, એમ હું માનું છું.

પેલા દિવસે મારી મુલાકાતે આવનાર મેહુલે મને જયારે પ્રશ્ન કર્યો હતો કે, માણસ સેક્સ વિના એટલે જાતીય સંબંધ વિના જીવી શકે કે નહિ, ત્યારે મેહુલને મારી અંગત વાત કરવાનું મને યોગ્ય લાગ્યું નહોતું. કારણ, હું બરાબર જાણું છું કે, હું આજીવન બ્રહ્મચારી ધર્મગુરુનું જીવન જીવું તો એમાં મારી નહિ પણ ઈશ્વરની કૃપા અને શક્તિ છે.

બાઇબલની ર્દષ્ટિએ આ વાત બરાબર સમજી શકાય છે. બાઇબલની સર્જનકથામાં કહેવામાં આવ્યું છે કે, “માણસ એકલો રહે એ સારું નથી.” ઈશ્વરે માણસને કામવાસના સહીત સર્જ્યો છે. એટલે સેક્સ કે જાતીય સંબંધથી મુક્ત જીવન ઈશ્વરે માણસ માટે બક્ષેલી નૈસર્ગિક કામવાસના સામેનું પગલું ગણાય. સામા પ્રવાહે તરવા જેવી આ વાત છે. આ તો કેવળ માણસ માટે અશક્ય છે.

અહીં બાઇબલની વાત બરાબર સમજવાની જરૂર છે. ઈસુ પોતાના શિષ્યોને જાતીય સંબંધથી મુક્ત જીવનની વાત કરતા કહે છે: “આ વાતનો સ્વીકાર કરવાની બધા માણસોની શક્તિ નથી. જેમને ઈશ્વર તરફથી શક્તિ મળેલી છે તેઓ જ તેનો સ્વીકાર કરી શકે છે” (માથ્થી ૧૯:૧૧). પછી ઈસુએ ત્રણ પ્રકારના માણસોની વાત કરી છે. “કેટલાક માના ગર્ભમાંથી જ લગ્ન કરવાને અસમર્થ અવતરે છે. કેટલાકને માણસો એવા બનાવે છે, એટલે કેટલાક ઈશ્વરના રાજ્ય ખાતર પોતે તેવા બને છે. જેમનામાં શક્તિ હોય તે એનો સ્વીકાર કરે” (માથ્થી ૧૯:૧૨).

મારી જેમ ઈશ્વરના રાજ્ય ખાતર બ્રહ્મચર્ય જીવન ગાળતા દરેક ખ્રિસ્તી સ્ત્રી અને પુરુષને એટલે સાધ્વીબહેનને અને સંન્યાસી પુરુષને ખબર છે કે, લગ્નમુક્ત સંન્યસ્ત જીવન ઈશ્વરની ભેટ છે. એટલે માણસની પોતાની શક્તિથી પણ દૈવી શક્તિથી તે સંન્યસ્ત જીવન ગાળી શકે છે. ઈશ્વરના રાજ્ય ખાતર સમર્પિત થયેલા સ્ત્રી અને પુરુષને ઈસુ કહે છે: “તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે” (૧૫:૧૬).

બાઇબલ જૂના કરારમાં ઈશ્વરે વૈવિધ્યસભર રીતે પયગંબરોને પસંદ કર્યા છે, એ જ ભિન્ન ને આગવી રીતે ઈશ્વરે દરેક સંન્યસ્ત વ્યક્તિને પસંદ કરી છે, એ વાત મારા જેવા દરેક ખ્રિસ્તી સંન્યસ્ત વ્યક્તિ જાણે છે. એટલે દરેક સંન્યસ્ત વ્યક્તિ ખૂબ નમ્રતાથી અને પૂરેપૂરા સમર્પણભાવથી પોતાની જાતને ઈશ્વરનાં ચરણે સમર્પી દે છે અને ઈશ્વર જ ખ્રિસ્તી સંન્યસ્ત વ્યક્તિના જીવનનો સર્વેસર્વાં બની રહે છે. સંન્યસ્ત વ્યક્તિએ કોઈ એક દિવસે પોતાની જાતને જાહેરમાં ઈશ્વરના ચરણે સમર્પી દીધી છે. પણ એ આજીવન સમર્પણને દૈનિક જીવનમાં ઉતારવા માટે તે વ્યક્તિ નિયમિત પ્રાર્થના, ધ્યાનમનન અને અન્ય આધ્યાત્મિક સાધનાનો આશરો લે છે. એમાં ત્યાગમય જીવન અને અનુભવી વડીલ આધ્યાત્મિક સાધકોનું માર્ગદર્શન પણ હોય છે.

લગ્નજીવનમાં પતિ-પત્ની પોતપોતાની જાતીયવૃત્તિ કે કામવાસનાના આવેગને પરસ્પર એકબીજાને સંતોષવા ને સંતાનોત્પત્તિ કરવા તરફ ખર્ચે છે. એથી ભિન્ન રીતે સંન્યસ્ત વ્યક્તિ પોતાની જાતીયવૃત્તિ કે કામવાસનાને પોતાના સમર્પિત જીવનમાં પોતાને સોંપાયેલાં સેવાકાર્યોની સિદ્ધિમાં ખૂબ ત્યાગ ને નિષ્ઠાથી ખર્ચી નાખે છે. એમાં સમર્પિત સંન્યસ્ત વ્યક્તિ બરાબર જાણે છે ને દિલથી સ્વીકારે છે કે, પોતાની નહિ પણ દૈવીશક્તિ જ કાર્યરત છે. એટલે એક સંન્યસ્ત વ્યક્તિનું જીવન પૂરેપૂરું ઈશ્વર પર આધારિત છે.

સંન્યસ્ત જીવનને વરેલી વ્યક્તિનો એક આદર્શ છે, એક નમૂનો છે, એક લક્ષ્ય છે અને તે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ઈસુ એ પોતાના દુન્યવી જીવન દરમિયાન સંપૂર્ણપણે પોતાના ઈશ્વર પિતાને સમર્પિત જીવન ગાળ્યું હતું. બાઇબલના બીજા ભાગ નવો કરાર શુભસંદેશ વાંચનારને ખબર પડે છે કે, પ્રભુ ઈસુના જીવનનો એકમાત્ર ધ્યેય પોતાના ઈશ્વર પિતાની ઇચ્છાને પૂર્ણ કરવાનો હતો. ઈશ્વર પિતાની ઇચ્છાને સંપૂર્ણપણે આધીન રહીને પ્રભુ ઈસુ ક્રૂસ પરના નામોશીભર્યા મૃત્યુને ભેટ્યા છે. ઈસુના વિરોધીઓએ માન્યું હતું કે, ક્રૂસ પરના મૃત્યુથી ઈસુ અને એમણે ફેલાવેલા સંદેશનો અંત જ આવ્યો છે. પરંતુ ઈસુના મૃત્યુના ત્રીજા દિવસે ભવ્ય પુનરુત્થાનમાં પરિણમ્યું. પોતાના દુન્યવી જીવન દરમિયાન તેમ જ પોતાના પુનરુત્થાન અને ત્યાર પછી શિષ્યોને આપેલાં દર્શનથી ઈસુએ માણસને મૃત્યુથી પર એક જીવનનો ખ્યાલ આપ્યો છે. ખ્રિસ્તી સંન્યસ્ત વ્યક્તિ પુરુષ કે સ્ત્રી માણસના મૃત્યુથી પરના જીવનને સ્વીકારનારા અને આ દુનિયામાં જ એ જીવન જીવવામાં માનનારા છે.

અહીં સંત પાઉલના શબ્દો મારા બ્રહ્મચર્ય વિશેનું ચિંતનમાં પ્રસ્તુત છે. “જે અપરિણિત છે તે પ્રભુની બાબતોમાં ચિંતા કરે છે કે, કેવી રીતે પ્રભુને પ્રસન્ન કરવા; પણ જે પરિણિત છે તે સાંસારિક બાબતોની ચિંતા કરે છે કે, શી રીતે પોતાના પતિને રીઝવશે” (૧ ૩૨-૩૪).

અંતે મેહુલને મારો જવાબ છે કે, માણસ સેક્સ એટલે પ્રેમ વિના જીવી ન શકે. પરંતુ એ સેક્સ કે પ્રેમ પ્રભુકેન્દ્રિત હોય ત્યારે સેક્સ વિના એટલે કામવાસનાને તાબે થયા વિના ખ્રિસ્તી સંન્યસ્ત માણસ સંપૂર્ણ સમર્પિત જીવન જીવી શકે.

#

Changed On: 16-03-2017

Next Change: 01-04-2017

Copyright Fr. Varghese Paul, SJ – 2017