નાતાલ: શાંતિનું પર્વ

  નાતાલ એટલે ખ્રિસ્ત જયંતીના સંદર્ભમાં મને બીજા વિશ્વયુદ્ધના સમયનો એક પ્રસંગ યાદ આવે છે. દુનિયાભરમાં ૧૯૪૪માં વિશ્વયુદ્ધ બરાબર જામ્યું હતું. તે વખતે અમેરિકન સૈન્યે જાપાનમાં છાવણી નાખી હતી. ડિસેમ્બર ૧૯૪૪માં નાતાલ નજીક આવતી હતી. અમેરિકન સૈન્યમાં ઘણા ખ્રિસ્તીઓ હતા. કેટલાક સૈનિકોએ નાતાલના દિવસે ઉપાસનાવિધિ અને પરમપૂજાની વાત સૈનિક વડાને જણાવી હતી. પણ પરમપૂજા કરે કોણ? કોઈકે કહ્યું કે, અટકમાં લીધેલા જાપાની કેદીઓમાં એક ખ્રિસ્તી પુરોહિત છે. લશ્કરી વડાએ ખ્રિસ્તી પુરોહિતને બોલાવીને ખ્રિસ્તી સૈનિકોની માગણી જણાવી. જાપાની કેદીએ સૌ સૈનિકો અને કેદીઓ માટે પરમપૂજા કરવાની તૈયારી બતાવી.

  નાતાલના પર્વના દિવસે યુદ્ધ છાવણીના બધા લોકો માટે જાપાની કેદી પુરોહિતે પરમપૂજા અર્પણ કરી. ઈસુના જન્મપ્રસંગના શુભસંદેશની ઘોષણા કર્યા પછી રાબેતા મુજબ પુરોહિતે ધર્મબોધ આપ્યો. એમાં એમણે ગમાણમાં સૂતેલા બાળ ઈસુને શાંતિના દૂત (Prince of Peace) તરીકે વર્ણવ્યા અને માતા મરિયમનું સ્તુતિગીત સમજાવ્યું. એ રીતે બધાને પ્રભુ ઈસુનાં પ્રેમ, માફી અને શાંતિનો સંદેશ આપ્યા. એટલું જ નહિ પણ પછીની પ્રાર્થનામાં પુરોહિતે વિશ્વશાંતિ માટે, સૌ ઝઘડાખોર લોકો વચ્ચે પ્રેમ, શાંતિ, માફી અને આનંદ સ્થપાય એ માટે વિશેષ પ્રાર્થના કરી. પરિણામે પરમપૂજા પછી અમેરિકન સૈનિકો અને જાપાની કેદીઓએ નાતાલને લગતી શાંતિ અને આનંદનાં ગીતો ગાયા અને સૌ શાંતિપ્રિય મિત્રો બન્યા!

  બે સહસ્ત્રાબ્દિ પહેલાં ઇસ્રાયલના બેથલેહેમ નગરના એક ગમાણમાં ઈસુનો જન્મ થયો. તે વખતે એક દેવદૂતે ખુલ્લા મેદાનમાં પોતાનાં ઘેટાંની ચોકી કરતા કેટલાક ભરવાડોને ભારે આનંદના શુભસમાચાર આપ્યા: “આજે દાવિદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે.” પલકવારમાં એ દેવદૂતની સાથે બીજા દૂતો ઈશ્વરની સ્તુતિ ગાતા નજરે પડ્યા: “પરમધામમાં ઈશ્વરનો મહિમા, અને પૃથ્વી ઉપર ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ.” (જુઓ લૂક ૨: ૮-૧૨)

  “માણસોમાં શાંતિ”ના આ શુભસમાચારથી લોકોમાં બે પ્રકારના પ્રતિભાવો જોઈ શકાય છે. ભરવાડોએ આતુરતાથી તાબડતોબ ગમાણમાં કપડામાં લપેટીને સુવાડેલા બાળ ઈસુને અને એનાં માબાપ મરિયમને  અને યોસેફને શોધી કાઢ્યા. બાળકને જોયા પછી ભરવાડોએ બાળક વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું. “…પછી ભરવાડોએ પોતે જે કંઈ સાંભળ્યું ને જોયું હતું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા.” (લૂક ૨:૧૬-૨૦)

  તે વખતે “યહૂદીઓનો નવો જન્મેલો રાજા”ના તારાને ઊગતો જોઈને પૂર્વમાંથી કેટલાક પંડિતો યરુશાલેમ આવ્યા અને પૂછવા લાગ્યા, “નવો જન્મેલો રાજા ક્યાં છે? …અમે તેને પગે લાગવા આવ્યા છે. એ સાંભળીને રાજા હેરોદ તેમ જ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા.” (માથ્થી ૨: ૧-૩)

  બાળ ઈસુના જન્મમાં રાજા હેરોદે એક પ્રતિસ્પર્ધીનો જન્મ જોયો! તેમણે બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરી જાણ્યું હતું કે, “ખ્રિસ્તનો જન્મ યહૂદિયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં” છે. પયગંબરોની એ મુજબની ભવિષ્યવાણી હતી. રાજા હેરોદે પોતાને મળેલી માહિતી મુજબ પંડિતોને બેથલેહેમમાં મોકલતાં કહ્યું, “જાઓ, અને એ બાળકની કાળજીથી ભાળ મેળવો. ભાળ મળે એટલે મને ખબર આપો.” પંડિતોએ “તે બાળકને તેનાં માતા મરિયમ પાસે જોયો. તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને પોતાની ગાંઠડી છોડીને એક રાજવી બાળકને શોભે એવાં સોનું, ધૂપ અને બોળ ભેટ ધર્યાં.” પછી તેમને મળેલા દૈવી સંકેત મુજબ તેઓ હેરોદને મળ્યા વિના બીજે રસ્તે પોતાના દેશ પાછ ગયા. (જુઓ માથ્થી ૨: ૮-૧૨)

  રાજા હેરોદનો પ્રતિભાવ કેવો છે? તેમનો રોષ એકદમ ભભૂકી ઊઠયો. તેમણે પંડિતો અને બીજાઓ પાસેથી મળેલી માહિતી મુજબ બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાંના બે વર્ષ અને તેથી નાના બધા છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડ્યો.

  એટલામાં પોતાને મળેલા દૈવી સંદેશ મુજબ યોસેફ બાળ ઈસુ અને તેનાં માતા મરિયમને લઈને મિસર (ઇજિપ્ત)માં ભાગી ગયા હતા અને હેરોદે કરાવેલી બાળહત્યાઓમાંથી બાળ ઈસુ બચી ગયા. બેથલેહેમ અને આસપાસના પ્રદેશનાં બાળકોની રાજકીય હત્યા ઈસુના જન્મના સમયનો આપણને ખ્યાલ આપે છે. એ નૈતિક અધ:પતનનો સમય હતો. એ સ્વચ્છંદી રાજાશાહીનો સમય હતો. આવા કળિયુગમાં જન્મ લઈને ઈસુએ પૂરવાર કર્યુ છે કે, પોતે શાંતિના દૂત છે, શાંતિદાતા છે.

  ઈસુના જીવનના ત્રીસ-ત્રીસ વર્ષ ઈસુ એક સર્વસામાન્ય બાળક, કિશોર અને યુવાન તરીકે, એમનાં માબાપના પ્રીતિપાત્ર વ્યક્તિ તરીકે જીવ્યા. ઈસુની કિશોરાવસ્થા વિશે બાઇબલ કહે છે, “ઈસુ તેમનાં (માબાપના) કહ્યામાં રહ્યા… ઈસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગયા અને ઈશ્વરના અને માણસોના વધુ ને વધુ પ્રીતિપાત્ર બનતા ગયા.” (લૂક ૨: ૫૧-૫૨)

  ઈસુનું આ છૂપું, ગુપ્ત જીવન એમના જાહેરજીવનની, શાંતિના દૂત અને શાંતિદાતા તરીકેના જીવન અને સંદેશની તૈયારી હતી. ઈસુના સમયથી માંડી આજ સુધી સૌ ભલમનસાઈવાળા લોકો ‘શાંતિદૂત’ના પ્રતાપે આંતરિક અને બાહ્ય શાંતિનો અનુભવ કરતા આવ્યા છે.

  અંગ્રેજી કવિ અને નિબંધકાર જી. કે. ચેસ્ટરટન (૧૮૭૪-૧૯૩૬)નું એક આનંદનું ગીત (Carol) અહીં પ્રસ્તુત છે. નાનાં બાળકો પણ સમજી શકે એવા આ ગીતનો ભાવાર્થ રજૂ કરું છું:

  “બાળ ઈસુ માતાના ખોળામાં સૂએ છે,

  એના બધા વાળ પ્રકાશમય છે.

  (એ થાકેલીપાકેલી દુનિયા હતી,

  અહીં તો બધું બરાબર છે).

  બાળ ઈસુ માતાની છાતી પર સૂએ છે,

  એના વાળ આકાશના તારાસમા છે.

  (એ રાજાઓ કેવા ચાલાક ને કઠોર છે

  પણ સાચા બે હૃદયો અહીંયાં છે).

  બાળ ઈસુ માતાના હૃદય પર સૂએ છે,

  એના વાળ જલતી મશાલસમા છે.

  (એ થાકેલીપાકેલી દુનિયા છે

  પણ અહીંયા છે દુનિયાની મન:કામના).

  બાળ ઈસુ માતાના ઘૂંટણ પર ઊભા છે,

  એના વાળ તો મુગટસમા હતા.

  અને બધાં ફૂલો એના જ જેવાં છે

  અને આકાશના બધા તારાઓએ નીચે નજર કરી છે.”

  એ નાતાલને લગતા આ આનંદનું ગીત આપણને બાળ ઈસુ અને એની માતા પાસે લઈ જાય છે. એનું કવિત્વ એની સાદગીમાં છે. કવિ ચેસ્ટરટન આપણને બાળક અને એનાં માતા વિશે કંઈ માહિતી આપતા નથી. પરંતુ બાળ ઈસુના અને આપણી આસપાસની દુનિયાનો ચોક્કસ ખ્યાલ આપે છે. દુનિયામાં અરાજકતા અને અંધાધૂંધી છે.

  પણ વચ્ચે છે શાંતિના દૂત! અહીંયા છે દુનિયાની મન:કામના. ખરા હૃદયોની શાંતિ અહીં સૂએ છે! અહીં સમગ્ર દુનિયાની વાત છે. બાળ ઈસુ ફૂલોના પ્રતીક દ્વારા સમગ્ર દુનિયાને પોતા તરફ ખેંચે છે અને સૌને શાંતિ પ્રદાન કરે છે.

  છેલ્લે ફાધર આરોગ્યદાસ દાનિયેલની પંક્તિને આધારે બાળ ઈસુની મારી પ્રાર્થના રજૂ કરું છું:

  “તું મુજ હૈયે શાંતિ ભરે

  તું સૌ હૃદયે શાંતિ ધરે.”