નીતિ અને નિયમ મારા માટે શું કરી શકે?

હું માનું છું કે, નીતિનાં મૂળ માણસના અંત:કરણમાં પડેલાં છે. માણસ પોતાના અંત:કરણમાં પોતાના ઈશ્વર કે ભગવાન સાથે એકલો હોય છે. કાયદાકાનૂનના મૂળમાં માણસ છે, માણસનો નિર્ણય છે. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષો ચર્ચાવિચારણા કરીને (નાગરિક) નિયમ બનાવે છે.

નીતિ અને નૈતિકના મૂળભૂત ખ્યાલો દરેક માણસના અંત:કરણમાં હોય છે. માણસના અંત:કરણમાં રહેલા મૂળભૂત ખ્યાલોને વિકસાવવાની જવાબદારી દરેક માણસની પોતાની હોય છે. એ રીતે માણસ ધાર્મિક રીતે માન્ય હોય અને સામાજિક રીતે સ્વીકાર્ય હોય એવી વિવેકબુદ્ધિને ઘડે છે, આચારવિચારને અપનાવે છે. માણસનું અંત:કરણ, અંત:કરણના મૂળભૂત ખ્યાલો, એની વિવેકબુદ્ધિ – બધું માણસની આંતરિક બાબત છે. તો બીજી બાજુ નિયમ કે કાયદાકાનૂન આંતરિક નહિ પણ બાહ્ય બાબત છે. કાયદાકાનૂન એક માણસને સામાજિક પ્રાણી તરીકે બીજા બધા માણસો અને સમગ્ર પર્યાવરણ સાથે વર્તવા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે; એના વાણીવર્તનને નિયંત્રિત કરે છે.

માણસ ઇચ્છે તો નિયમ કે કાયદાકાનૂનથી દૂર જઈ શકે છે.  માણસ માનવસર્જિત નિયમોથી મુક્ત બની શકે છે. પરંતુ કોઈ માણસ નીતિથી એટલે અંત:કરણથી મુક્ત થઈ શકે નહી. માણસમાં જીવન છે ત્યાં સુધી તેણે અંત:કરણને એટલે અંતરાત્માના અવાજને હોંકારો ભરવો પડશે.

હિમાલયની કોઈ ગુફામાં દુનિયાથી અલિપ્ત થઈને કોઈ સાધુસંત એકલાઅટૂલા જીવતા હોય, તો તેવા સાધુસંતને દુનિયાના કોઈ નિયમ લાગુ ન પડે. તે બધા કાયદાકાનૂનથી મુક્ત છે. પરંતુ નીતિ, અંત:કરણ કે અંતરાત્માના અવાજથી તે ક્યાંય દૂર ભાગી ન શકે. તે જ્યાં હોય ત્યાં, હા, તેનામાં જ તેનું અંત:કરણ છે.

આધુનિક માણસ પાસે નીતિ અને નિયમને લગતો એક ચોક્ક્સ દાખલો છે અમેરિકન નિબંધકાર અને કવિ હેન્રી ડેવિડ થોરો (૧૮૧૭-૬૨). તેમણે પોતાના કુટુંબ અને સમાજથી દૂર ગીચ વનમાં એક નદી કિનારે એકલાઅટૂલા રહેવાનો સફળ અખતરો કર્યો. એનું પરિણામ છે એમનું પુસ્તક ‘વાલ્ડન’ એટલે ‘જંગલમાંનું જીવન’.

ફિલસૂફ ફ્રેડ્રિક નિત્શેની એક જાણીતી ઉક્તિ છે કે, “સત્તાઓને નાબૂદ કરવામાં આવી છે, સામાન્ય માણસની નૈતિકતાનો વિજય થયો છે.” મતલબ છે કે, સત્તા ન હોય, કાયદાકાનૂન બતાવનાર કોઈ અધિકારી ન હોય, ત્યારે માણસે ખુદ પોતાની નૈતિકતાને આધારે જીવવાનું હોય છે. નૈતિકતા માણસના સ્વભાવને સ્પર્શે છે. અંગત આચારવિચારને સ્પર્શે છે.  કોઈ એક માણસનાં નૈતિક આચારવિચાર કે વાણીવર્તનને આધારે આપણે કહીએ છીએ કે, “તે સારો માણસ છે” કે “તે ખરાબ માણસ છે.”

ચર્ચાવિચારણા કર્યા પછી માણસે ઘડેલા નિયમ કે કાયદાકાનૂન માણસના અંત:કરણમાં રહેલી નીતિનો ખ્યાલ કે નૈતિક નિયમથી ખૂબ ભિન્ન છે. કારણ, નીતિનો ખ્યાલ કે નૈતિક નિયમ દરેક માણસના અંત:કરણમાં હોય છે. ભગવાનમાં શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ તરીકે હું માનું છું કે, ઈશ્વરે દરેક માણસના અંત:કરણમાં નીતિ કે નૈતિકતાનો ખ્યાલ એના મૂળરૂપમાં રોપ્યો છે. કાયદાકાનૂન તો સત્તામાં હોય એવા કોઈ માણસે કે માણસોએ બનાવેલી બાબત છે. એમાં સત્તામાં રહીને કાયદાકાનૂન ઘડનાર કુટુંબનો વડીલ હોય, રાજ્યનો રાજા હોય કે લોકશાહીમાં ચૂંટાયેલા સાંસદો હોય. સત્તામાં બિરાજમાન લોકો ઘણુંખરું પોતાની સત્તા હેઠળના સૌ માણસોની ભલાઈ માટે નિયમ ઘડે છે અને એનો અમલ કરે ને કરાવે છે.

પોતાના અંત:કરણને અનુસરીને એટલે પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને જીવનાર માણસ સુખી છે. તેઓ માનસિક શાંતિ અનુભવે છે. એમનાં મૂલ્યો અને આદર્શો તેમ જ તેમના આચારવિચાર તેમના અંતરાત્માના અવાજને આધીન રહે છે. ભલે, બાહ્ય રીતે તેમને દુ:ખ પડતું હોય, તેમની સતામણી કરવામાં આવે, તોપણ તેઓ આંતરિક રીતે આનંદ અનુભવે છે.

પોતાના આંતરિક અવાજને અનુસરવાના આનંદમાં તેમના પર કરવામાં આવતા અત્યાચારો અને શારીરિક યાતનાઓ તેઓ ખુશીથી વેઠી શકે છે. કારણ, તેઓ પ્રભુ ઈસુ અને ભગવાન બુદ્ધે ચીંધેલા માર્ગે અક્રોધથી ક્રોધને જીતી શકે છે, ભલાઈથી બૂરાઈને જીતી શકે છે, શત્રુ ઉપર પ્રેમ રાખી શકે છે, રંજાડનાર માટે દુઆ માગી શકે છે.

એથી ઊલટું, બીજાને ખુશ કરવા માટે કે કોઈ બાહ્ય દુ:ખોથી અને સતામણીથી બચવા માટે પોતાના અંત:કરણને છેતરતા હોય, કે અંતરાત્માના અવાજ સાથે વિશ્વાસઘાત કરતા હોય, તો તેવા માણસો દિલની શાંતિ અનુભવી શકતા નથી. જાણીજોઈને કરેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત માણસને કદાચ બાહ્ય લાભ મેળવી આપશે. પરંતુ એના અંતરાત્માનો અવાજ એને જોડામાં પેસી ગયેલી કાંકરીની જેમ સતત ખટકશે. મનદુ:ખ એને ઘેરી વળશે. ‘મેં ખોટું કર્યું, ‘મેં વિશ્વાસઘાત કર્યો’, એવા વિચારથી માણસ હેરાનપરેશાન થશે. અંત:કરણની વિરુદ્ધ જનાર આવા માણસો કદી શાંતિથી ઊંઘી ન શકે. જે માણસનું અંત:કરણ પવિત્ર છે, જે માણસ પોતાના અંતરાત્માના અવાજને અનુસરે છે તેઓ ગમે તે વિકટ પરિસ્થિતિમાં આંતરિક શાંતિ અનુભવશે, માનસિક સુખથી જીવી શકશે.

છેલ્લે હું માનું છું કે, માનવસર્જિત બધા કાયદાકાનૂનો માણસની નીતિ કે નૈતિકતાને અનુરૂપ હોવા જોઈએ. નીતિ અને નિયમ વચ્ચેનો સુમેળ માણસને સુખ અને શાંતિ બક્ષે છે.

#

Changed on: 01-02-2020

Next Change: 16-02-2020

© Fr Varghese Paul, SJ – 2020