પર્યાવરણમાં છુપાયેલો ખતરો

પર્યાવરણમાં છુપાયેલો ખતરો
ફાધર વર્ગીસ પૅાલ

જાણો કે ના જાણો, પર્યાવરણનો ખતરો આપણા ઘર સુધી પહોંચ્યો છે. જૈવવિજ્ઞાનીઓ અને આરોગ્યશાસ્ત્રીઓ કહે છે કે, આપણા ખોરાકમાં ઝેરી પદાર્થો ગણનાપાત્ર રીતે વધ્યા છે કે, આપણી તબિયતને નુકસાન કરી રહ્યા છે. વિવિધ પ્રકારનાં શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં જંતુનાશક દવાને નામે વપરાતાં ઝેરી રસાયણો ખતરનાક રીતે આપણી તબિયત પર અસર કરે છે.

થોડા વખત પહેલાં હું એક મિત્ર સાથે શાકભાજીના ખેતર પાસેથી પસાર થતો હતો. ખેતરમાં ટીનના કેટલાક ડબ્બા જોઈને મેં મારા મિત્રને પૂછ્યું, “શાકભાજીના આ ખેતરમાં આ ટીનના ખાલી ડબ્બાઓ ક્યાંથી?

મારા પ્રશ્નના જવાબમાં મારા મિત્ર એમના એક પડોશીની વાત કરી. એ પડોશી કેટલાંક ખેતરો ભાગીદારીમાં રાખીને ત્યાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડે છે અને શહેરમાં શાકભાજીની ઘણી બધી દુકાનોને શાકભાજી પૂરી પાડે છે. તેઓ શાકભાજીનાં એમનાં ખેતરોમાં જંતુનાશક રાસાયણિક દવાઓ, ખરેખર ઝેરી રસાયણો, વાપરીને શાકભાજીની ખેતી કરે છે. આ ખાલી ડબ્બાઓ એમણે વાપરેલા જંતુનાશક દવાના છે. એમનો ધંધો કે શાકભાજીની ખેતી ધમધોકાર ચાલે છે. પરંતુ તેઓ પોતાના ઘરના વપરાશ માટે રાખેલ શાકભાજીના ખેતરમાં આ ઝેરી દવાઓ બિલકુલ વાપરતા નથી!

હું ખોરાકમાં આવતા ઝેરી પદાર્થોની વાત કરતો હતો ત્યારે એક ભાઈએ મને પોતાના અનુભવની વાત કરી. તેઓ એકવાર બજારમાંથી જુદાં જુદાં ફળો અને શાકભાજી લઈ આવ્યા. બધું જ ગાડીમાંથી ઉતારીને ગેરેજમાં મૂક્યું. પછી ઘરના રસોડામાં બધું લઈ ગયા. બે અઠવાડિયા પછી એમને ખાલી પ્લાસ્ટિકની થેલીની જરૂર પડી અને ગેરેજના ખૂણામાં પડેલી થેલીઓ તપાસતા હતા ત્યાં એમને બે અઠવાડિયા પહેલાં ખરીદેલી નારંગી સાથેની થેલી હાથમાં આવી. થેલી ખોલીને જોયું તો તેમને નવાઈ લાગી. બે અઠવાડિયાં પહેલાં ખરીદેલી નારંગી ગરમીની મોસમમાં સડી જવાને બદલે બિલકુલ બગડી ગઈ નહોતી! નારંગી બજારમાંથી લીધેલી હતી તેવી જ સ્થિતિમાં એ નારંગીઓ તાજી જ લાગતી હતી! નારંગી ખોલીને જોયું તો નારંગીનો અંદરનો ભાગ સડેલો લાગતો નહોતો! એમને ખ્યાલ આવ્યો કે નારંગીની ખેતીમાં વાપરેલી ઝેરી જંતુનાશક દવાને કારણે નારંગી તાજી રહી છે. એટલે એમણે એ નારંગી ખાવાને બદલે સીધી કચરાપેટીમાં ખાલી કરી.

આજે ખેતરમાં શાકભાજી ઊગે ત્યારે, છોડ પર કે ઝાડ પર ફૂલ થાય ત્યારે, ફળ આવે ત્યારે, એના પર વિવિધ પ્રકારની ઝેરી દવાઓ અને અન્ય રાસાયણિક દ્રવ્યો છાંટવામાં આવે છે. ફળ થાય ત્યારે એમાં જીવજંતુઓ પેસી ન જાય કે ખાઈ ન જાય તે માટે પણ દવાને નામે ઝેરી રસાયણો છાંટવામાં આવે છે. વળી, ફળ જલલ્દી પાકું થાય અને પાકેલું ફળ સડી ન જાય તે માટે પણ ઝેરી દવાઓ છાંટવામાં આવે છે કે, રસાયણના દ્રવ્યમાં ડૂબાડીને ‘ધોઈ’ નાંખવામાં આવે છે. આવાં ફળો અને શાકભાજી સાથે આપણા પેટમાં જતા ઝેરથી આપણે નાનામોટા રોગોનો ભાગ બનીએ છીએ.

અંગ્રેજીમાં કહેવત છે કે, જરૂરિયાત નવી શોધની માતા છે. ઝેરી દવાઓ કે અન્ય રીતે મલિન થયેલી શાકભાજી કે ફળને સ્વચ્છ કરવા માટે અને ઝેરી દવાઓ કે અન્ય ગંદકી દૂર કરવા માટે સંશોધકોએ ‘વેજ વાષ’ નામે એક પદાર્થ બજારમાં મૂક્યો છે. એની જાહેરાત કહે છે કે, આપણે સાબુથી હાથ સ્વચ્છ કરીએ છીએ એ જ રીતે ‘વેજ વાષ’થી બજારમાંથી લાવેલાં શાકભાજી અને ફળો ધોઈને સાફ કરી શકાય છે, ઝેર મુક્ત કરી શકાય.

બીજી બાજુ, ઘણા લોકો જૈવિક ખેતી તરફ વળ્યા છે. કોઈ ઝેરી દવા કે અન્ય રસાયણો વાપર્યા વિના પેદા કરેલા શાકભાજી અને ફળોની અલગ દુકાનો હવે બજારમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. રસોડામાંથી જે જૈવિક કચરો નીકળે છે તેને ખાતર તરીકે વાપરીને લોકો માટીના કુંડામાં ફૂલછોડ અને શાકભાજી ઉગાડતા હોય છે. આવી બધી બાબતો બતાવે છે કે, આપણે તબિયત સાચવવા માટે આપણે આપણા ખોરાકની બાબતમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.

આમ, ફક્ત ખોરાક અને તબિયતની બાબતમાં જ નહિ પણ આપણા સમગ્ર જીવનમાં આપણા પર્યાવરણને સાચવવા અને પર્યાવરણ પોષક પગલાં લેવાની તાતી જરૂર છે.