પ્રકાશનું પર્વ દિવાળી

દિવાળી અંગે કેટલીક દંતકથાઓ છે. એમાં એક પરંપરાગત કથા મહાવીર સ્વામીના નિર્વાણ સાથે સંકળાયેલી છે. મહાવીર સ્વામી વિશેના ‘ગુજરાતી વિશ્વકોશ’ના લેખમાં મેં વાંચ્યું કે, “ભગવાન મહાવીરના નિર્વાણનો સંકેત મળતાં દેવો અને માનવોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જે રાત્રિએ ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું તે રાત્રે ઇન્દ્રરાજે મોહની દારુણ પળો પર વિજય મેળવીને સ્વસ્થ થઈને દીપક પેટાવવાનું કહેલું. અમાવાસ્યાની એ રાત અનેક દીપકોથી ઝળહળી ઊઠી. વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ (ઈ.સ.પૂર્વે. ૫૨૭)માં લોકોએ દીપકો પ્રગટાવી પ્રભુ મહાવીરના નિર્વાણનો ઉત્સવ રચ્યો. ત્યારથી દીપાવલિ પર્વ ઊજવવાની પરંપરા છે” (ગુજરાતી વિશ્વકોશ, ખંડ-૧૫, પૃ.૪૬૬).

દીપાવલિના ઉત્સવ પ્રસંગે શ્રી બુદ્ધના અનુયાયીઓ તેમ જ શીખ ધર્મના અનુયાયીઓ વચ્ચે વિવિધ પ્રાચીન કથાઓ પ્રચલિત છે. શીખ લોકો દિવાળી ખાસ ઉજવે છે. કારણ, એ જ દિવસે તેમના છઠ્ઠા ગુરુને – ગુરુ હરગોવિંદને – કેદખાનામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. શીખ ધર્મની પરંપરા જણાવે છે કે, સમ્રાટ જહાંગીરે ૧૬૧૯માં ગુરુ હરગોવિંદ અને તેમની સાથે રાજવીઓને કેદ કર્યા હતા.

કેદખાનામાંથી મુક્ત થઈને ગુરુ હરગોવિંદજી સીધા અમૃતસર ખાતે ગોલ્ડન ટેમ્પલ (સુવર્ણ મંદિર) ગયા. એટલે દિવાળીના દિવસને શીખ લોકો ગુરુ હરગોવિંદજીના ‘ઘર વાપસી’ તરીકે ઉજવે છે. એ દિવસે સુવર્ણ મંદિરને ભવ્ય રીતે સજાવીને શોભાવવામાં આવે છે અને બધા શીખ લોકો ખૂબ ઉમળકાથી દિવાળી ઉજવે છે.

બૌદ્ધ ધર્મીઓ માટે દિવાળી ભવ્ય રીતે ઉજવવા પાછળનો હેતુ ભિન્ન છે. એમને માટે દિવાળી એટલે અનિષ્ટ ઉપર ભલાઈ કે સારપનો વિજય. સમ્રાટ અશોકે યુદ્ધ અને લોહી રેડવાનો પથ છોડીને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. એટલે બૌદ્ધો માટે દિવાળીનું વિશેષ મહત્વ છે. છતાં પારંપરિક રીતે દિવાળીની ઉજવણીમાં બૌદ્ધો અને હિન્દુઓ વચ્ચે ખાસ ફેર નથી.

હિન્દુઓ દિવાળીની ઉજવણીમાં વધારે ધાર્મિકતા દાખવે છે. હિન્દુ ધર્મમાં અસત પર સતનો, કે અંધકાર ઉપર પ્રકાશના વિજય પર્વ તરીકે દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળી હિન્દુ ધર્મ સાથે નિકટપણે સંકળાયેલું પર્વ છે કે, દેશવિદેશમાં હિન્દુ ધર્મને અનુસરતા બધા લોકો દિવાળી આનંદપ્રમોદથી ઉજવે છે.

પણ આજે દિવાળીની ઉજવણી એક સામાજિક તહેવાર બન્યો છે. બધા ધર્મોના અનુયાયીઓ તેમ જ કોઈ પણ ધર્મમાં માનતા ન હોય એવા લોકો પણ પોતાના હિન્દુ પડોશીઓ સાથે મળીને દિવાળી ઉજવે છે. એ જ રીતે દિવાળી આપણી ભારતીય સંસ્કૃતિનો ભાગ બની ગયો છે. એટલે દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીય નાગરિકો છે ત્યાં બધેય દિવાળી ઊજવવામાં આવે છે.

દિવાળીની આપણી ઊજવણીમાં આપણે ઘણુંખરું નવાં કપડાં ખરીદવાં, દીવો સળગાવવા અને મિજબાની કરવી જેવી બાહ્ય બાબતોને ખૂબ મહત્વ આપીએ છીએ. દિવાળીના આ બાહ્ય આચારવિચાર સાથે આપણે આંતરિક રીતે કે આધ્યાત્મિક રીતે પણ દિવાળી ઉજવવાનો વિચારી કરી શકીએ.

અહીં મારી વાત સમજાવવા માટે આપણે ઇન્ડિયામાં જન્મેલા અંગ્રેજી કવિ અને લેખક રુડિયાર્ડ કીપ્લિંગની વાત લઈએ. રુડિયાર્ડ અને એમની પત્ની શહેર બહાર એક ટેકરીના ઢોળાવ પર એક ખેડૂતનું ઘર ખરીદીને ત્યાં રહેવા ગયાં. એમના ઘરની સામેની ટેકરીના ઢોળાવ પર એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. એક દિવસ રુડિયાર્ડ અને પત્ની પેલી વૃદ્ધ સ્ત્રીની મુલાકાતે ગયાં. તેઓ ઢોળાવથી નીચે ઊતરીને ખીણની સામે ટેકરીના ઢાળ પર આવેલા વૃદ્ધ સ્ત્રીના ઘરે પહોંચ્યાં. નવાં આવેલાં આગંતુકોને પેલી સ્ત્રીએ સ્મિત સાથે ઉમળકાથી આવકાર્યાં. પછી પેલી સ્ત્રીએ રુડિયાર્ડ અને પત્નીને પૂછ્યું: “રાતે આ ખીણમાં સામેના મકાનની બારી પરથી જે પ્રકાશ ફેલાય છે તે જ મકાન તમારું ઘર છે ને?”

પછી પેલી વૃદ્ધાએ વધુમાં કહ્યું, આપની બારી પરથી આવતો પ્રકાશ મારી એકલતા દૂર કરે છે. મારી સાથે કોઈ હોવાની મને અનુભૂતિ થાય છે. એટલે મારે મન એ પ્રકાશનું અનોખું મહત્વ છે. વૃદ્ધાને મળ્યા પછી પોતાના ઘરની બારીમાંથી પ્રકાશ બરાબર ખીણમાં પડે એ રીતે પડદા ખેંચી રાખ્યાની વાત કીપ્લિંગે કહી છે.

કીપ્લિંગની વાતમાં આપણે જોઈ શકીએ કે, કીપ્લિંગ યુગલના અંતરમાં જે પ્રકાશ છે, જે પ્રેમ છે, જે શાંતિ છે તે બારી પરના દીવાના પ્રકાશની જેમ ચોમેર ફેલાય છે. ખીણમાં ફેલાયેલો પ્રકાશ જોઈને પેલી વૃદ્ધ સ્ત્રીનું હૃદય ઝળહળી ઊઠે છે.

અનુભવે આપણે જાણીએ છીએ કે, આપણામાં જે પ્રકાશ છે, કે જે અંધકાર છે, તે આપણી જાણ બહાર પણ સામેના માણસ પર અસર કરે છે. આપણામાંનો પ્રકાશ દીવાદાંડીની જેમ બીજાને માટે રસ્તો ચીંધે છે. એ જ રીતે આપણામાંનો અંધકાર બીજાને ગેરરસ્તે દોરી શકે છે.

ધારો કે, સૂર્ય અઠવાડિયા સુધી હડતાલ પાડે છે. મને લંડન અને રોમમાં સૂર્યની હડતાલની જેમ ખૂબ ઠંડી શીતળ ઋતુનો અનુભવ થયો છે. દિવસો સુધી સૂરજ દેખાશે નહિ. પણ વરસાદ અને બરફ વરસ્યા કરશે. સમગ્ર વાતાવરણ તમને ગમગીન અને ખિન્ન બનાવશે. ઘરમાંથી તમને બહાર નીકળવાનું બિલકુલ ગમશે નહિ.

રોમ ખાતે ડિસેમ્બર મહિનાના એક અઠવાડિયામાં મને લાગ્યું હતું કે, સૂર્યદેવ ખરેખર હડતાલ ઉપર ઊતર્યો છે! પણ એ જ અઠવાડિયામાં મારે વિમાન માર્ગે સ્પેન જવાનું થયું. મેં વિમાનની બારી પાસેની બેઠક લીધી. વિમાન ઊડવા માંડ્યું. રન-વે પરથી વરસતા અને કાળા ઘનઘોર વાદળો ભેદીને વિમાન ઉપર ચઢ્યું. ત્યાં મેં કલ્પના પણ ન કરી હતી એવી રીતે સૂરજ સોળે કળાએ પ્રકાશીને બધેય શીતળ પ્રકાશ ફેલાવતો હતો. જોતજોતામાં મારા અંતરની ગમગીની ક્યાંય અલોપ થઈ અને ત્યાં ઉષ્માભર્યા પ્રકાશે બેઠક જમાવી લીધી!

ખૂબ ઠંડી મોસમ અને અણગમતું વાતાવરણ તમારા જીવનને અંધકારમય બનાવી શકે છે. એ જ રીતે તમારા જીવનને અંધકારમય બનાવનાર બીજાં પરિબળો પણ છે. અદેખાઈ, ધિક્કાર, વેરભાવ, જુઠ્ઠાણું ફિકરચિંતા જેવાં પરિબળો તમારા જીવનમાં અંધકાર ફેલાવશે. એથી ઊલટું, તમારા દિલનાં પ્રેમ, શાંતિ, આનંદ, માફી જેવી બાબતો તમારા ને આસપાસના લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે. તો આપણે આંતરિક રીતે આપણે માટે તથા બીજાને માટે પણ દિવાળીની ઊજવણીને પ્રકાશમય કરવા મથીએ.

 

છેલ્લે અંગ્રેજી કવિ અને લેખક રુડિયાર્ડ કીપ્લિંગની ખૂબ જાણીતી એક કાવ્યપંક્તિ છે:

“Teach us delight in simple things

And mirth that has no bitter springs;

Forgiveness free of evil done

And love to all men heath the sun”

 

“સાદી બાબતોમાં અમને આનંદ પ્રમોદ કરતા શીખવાડો

અને અમારા આનંદવિનોદમાં કોઈ કડવો ઝરો ન નીકળે;

ક્ષમા દ્વારા અમે કરેલા બધા અનિષ્ટોથી અમને મુક્ત કરો

સૂર્યપ્રકાશની જેમ બધા માણસોને પ્રેમાર્દ્વ કરી દો”

 

ઉપરોક્ત પંક્તિમાં રુડિયાર્ડ કીપ્લિંગ આપણને બે બાબતો જણાવે છે. એક, સાદી બાબતોમાં કોઈ અડચણ વિના અમને આનંદપ્રમોદ કરવા દો; અને બે, બધા અનિષ્ટો વચ્ચે એકબીજાને આપેલી માફીને રસ્તે દુનિયાભરના બધા માણસોને પ્રેમાર્દ્વ કરી દો.

અહીં રુડિયાર્ડ કીપ્લિંગે પોતાની કાવ્યપંક્તિમાં દર્શાવેલા ભાવ મુજબ દિવાળીની આપણી ઉજવણીમાં જીવનની સાદી બાબતોમાં આનંદપ્રમોદ કરીએ અને બધાં અનિષ્ટો વચ્ચે એકબીજાની માફી આપીને આપણા જીવનને પ્રેમાર્દ્વ બનાવીએ.

#

 

Changed On: 16-10-2017

Next Change: 01-11-2017

Copyright Fr. Varghese Paul, SJ – 2017