પ્રેરણા અને હિંમતનો સ્ત્રોત

યશવંતભાઈની સિદ્વહસ્ત કલમે લખાયેલી પુસ્તિકા “ત્રણ વિરલ ઈસાઈ નારીઓ” વાંચવાથી મને ઘણો લાભ થયો. એ ત્રણેય પાત્રો વિશે જાણવાનો ખૂબ આનંદ મળ્યો. એમાંથી ખૂબ પ્રેરણા મળી. ત્રણેય પાત્રોની જેમ જરૂર પડે ત્યારે સાહસ કરવાની અને મુશ્કેલ સામ્પ્રત પ્રવાહો અને માન્યતાઓ સામે મારા જીવનને આગળ ધપાવવાની હિંમત મળી.

યશવંતભાઈની આ નાની પુસ્તિકામાં પોતપોતાના ક્ષેત્રે અનેક હાડમારીઓ વેઠીને ધ્યેયસિદ્ધિ માટે મથ્યા કરનાર અને સફળતાની ટોચે પહોંચનાર ત્રણ વિરલ મહિલાઓની કથા છે.

પ્રથમ પાત્ર પંડિતા રમાબાઈની વાત મને બાઇબલના એક પાત્રની યાદ દેવડાવે છે. બાઇબલના નવા કરારમાં વાચક્ને મુગ્ધ કરનાર એક સ્ત્રી પાત્ર છે. ઈસુના વખતમાં યહૂદીઓ જેમને અછૂત માનતા એ શમરુન લોકોમાંથી એ સ્ત્રી આવે છે. યહૂદી લોકો શમરુન લોકોથી અને તેમના વિસ્તારમાંથી દૂર રહેતા હતા. દાખલા તરીકે ગાલીલ પ્રાંતથી યરુશાલેમ જવા માટેનો ટૂંકો રસ્તો શમરુન લોકોના ગામથી જતો; પરંતુ યહૂદીઓ શમરુનથી જવાને બદલે યરુશાલેમ જવા માટે પ્રેયા થઈને જવાનો લાંબો રસ્તો પસંદ કરતા!

પણ એક વાર ઈસુ અને એમના શિષ્યો શમરુનથી જતા હતા. રસ્તામાં શમરુનના સૂખાર નામે ગામમાં ‘યાકોબનો કૂવો’ નામે એક પૌરાણિક કૂવો હતો. ઈસુના શિષ્યો ખાવાનું ખરીદવા માટે ગામમાં ગયા ત્યારે મુસાફરીથી થાકેલા ઈસુ એ કૂવા પાસે બેસી રહ્યા. ત્યાં પેલી શમરુનની એક સ્ત્રી આવી. શુભસંદેશકાર યોહાને નોંધ્યું છે તેમ, ઈસુએ તે સ્ત્રી પાસે પાણી માંગ્યું. એક યહૂદી થઈને ઈસુએ એની પાસે કરેલી માગણી તે સ્ત્રીને ખૂબ વિચિત્ર લાગી. કારણ યહૂદીઓ શમરુનના લોકો સાથે વહેવાર રાખતા નહોતા. એ સ્ત્રી સાથેના સંવાદમાં ઈસુએ કહ્યું, “‘મારે ધણી નથી’ એમ તું કહે છે એ સાચું છે, કારણ, તેં પાંચ પાંચ ધણી કર્યા હતા, અને અત્યારે તું જેની સાથે રહે છે એ તારો ધણી નથી. તારું કહેવું તદ્દન સાચું છે.”

ઈસુની આવી બધી વાતોથી પ્રભાવિત થયેલી સ્ત્રી પોતાનો ઘડો ત્યાં કૂવા પર મૂકીને ગામમાં ચાલી ગઈ અને તેણે લોકોને ઈસુની વાત કરી. યોહાનકૃત શુભસંદેશના ચોથા અધ્યાયમાં શમરુનની સ્ત્રીની આ વાત વાંચીને પંડિતા રમાબાઈએ “એ ટેસ્ટીમની” નામની પોતાની આત્મકથામાં નોંધ્યું છે કે, “હું ભાગ્યે જ એ આનંદનો ઉમળકો મારામાં સમાવી શકું કે મારા પૂરતો મર્યાદિત રાખી શકું. મને પેલી શમરુનની બાઈની જેમ લાગે છે કે, પોતાનો ઘડો કૂવા પાસે છોડીને પોતાના ગામમાં પાછી જાઉં અને લોકોને કહું: “આવો, મેં જે જે કર્યું છે તે બધું કહી આપનાર માણસને જોવો હોય તો આવો. એ ખ્રિસ્ત તો નહિ હોય? મેં ૧૮૯૧થી હંમેશા ખ્રિસ્તની સાક્ષી બનવાનો પ્રયત્ન કર્યો છે; અને અનુભવે હું જાણું છું ખ્રિસ્તી જીવનમાં લોકોને ખ્રિસ્ત વિશે તથા પાપીઓ માટેના અસીમ પ્રેમ વિશે બોલવામાં સૌથી વધારે આનંદ હોય છે.”

પંડિતા રમાબાઈ વિશે જુદાં જુદાં પુસ્તકોમાં વાંચ્યા પછી યશવંતભાઈ જોડે હું સો ટકા સહમત છું કે, “ઓગણીસમી સદીનું હિન્દનું સૌથી નોંધપાત્ર નારીચરિત્ર પંડિતા રમાબાઈનું છે” (પૃ. ૧). છેક જન્મથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીને અને પોતાના સમાજ અને મૂળ ધર્મ તથા સગાંસંબંધીઓના વિરોધ સામે સતત સામે પ્રવાહે તરતાં રહીને જનજાગૃતિ અને મહિલા-ઉત્કર્ષ માટે રમાબાઈએ કરેલી અનન્ય સેવાને કારણે જ હું એમને ઓગણીસમી સદીની સર્વશ્રેષ્ઠ નારી ગણું છું. એમનું અનન્ય સેવાકાર્ય તેમજ સમગ્ર જીવન બતાવે છે કે, અસંખ્ય યાતનાઓ વચ્ચે સામે તરવા જેવા એમના સેવાકાર્ય પાછળનું પ્રેરક બળ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો એમનો અસીમ પ્રેમ અને ખ્રિસ્ત પરની એમની અડગ શ્રદ્ધા હતી.

યશવંતભાઈએ અહીં વર્ણવેલ બીજું સ્ત્રીપાત્ર બેગમ સમરૂનું છે. મેં વર્ષો પહેલાં સરધાનાની મારી મુલાકાત વખતે બેગમ સમરૂ વિશે સાંભળ્યું હતું, વાંચ્યું હતું. એમને જાણવાનું મારે માટે એક ખાસ કારણ હતું. એમણે સરધાનાનું ભવ્ય અને વિશાળ દેવળ બંધાવ્યું હતું. ઈસુનાં માતા મરિયમને નામે બંધાવેલું એ દેવળ ફક્ત ઉત્તર પ્રદેશમાં જ નહિ પણ આખા ભારતમાં માતા મરિયમના તીર્થધામ તરીકે ખૂબ જાણીતું છે.

ઇતિહાસની દ્રષ્ટિએ સરધાના ખાતે દેવળ બંધાવવાનું બેગમ સમરૂનું કામ હું નાનુંસૂનું ગણું છું. મારી દ્રષ્ટિએ એમણે કુલ ૬૦ વર્ષ અંગ્રેજો-મરાઠા-શીખ લાલચુઓ સામે પોતાના રાજ્યને સુરક્ષિત રાખ્યું અને અજોડ શાસન કર્યુ, એ જ મોટી વાત છે.

છતાં ગુજરાતમાં ભાગ્યે જ કોઈ બેગમ સમરૂ વિશે જાણે છે કે, એમના વિશે ગુજરાતીમાં કોઈ લખાણ મળે છે. અહીં યશવંતભાઈનું તારણ યોગ્ય જ છે, “વિખ્યાત ઇતિહાસકાર જદુનાથ સરકારે નોંધ્યું છે કે, ઉત્તર-મધ્યકાલીન હિન્દના ઇતિહાસનાં પ્રખરતમ પાત્રોમાં બેગમની ગણના કરવી પડે.” (પૃ. ૨૬).

લેખકે ચીતરે ચીતરેલું ત્રીજું ઈસાઈ સ્ત્રી-પાત્ર કૉર્નેલિયા સોરાબજી છે. યશવંતભાઈએ એમને હિન્દનાં પ્રથમ મહિલા બેરિસ્ટર તરીકે તથા જિંદગીમાં “સખત ગૂંચવાડા અને હૃદયદાહ અને ઝંઝાવાતોમાંથી પસાર થનાર” મૂળ પારસી પરિવારથી ખ્રિસ્તી ધર્મ અપનાવનાર વિરલ સ્ત્રી તરીકે ચીતર્યાં છે. પણ ઇતિહાસમાં ભાગ્યે જ કૉર્નેલિયા વિશે નોંધ મળે!

યશવંતભાઈએ નોંધ્યું છે તેમ, સ્ત્રીશિક્ષણનો વિરોધ કરતા સમાજ અને ખુદ પોતાના પરિવાર સાથે સંઘર્ષ કરીને કૉર્નેલિયા “સમગ્ર પશ્ચિમ હિન્દનાં પ્રથમ મહિલા સ્‍નાતક (ગ્રેજ્યુએટ) થયાં” (પૃ. ૨૮). એટલું જ નહિ, કુટુંબ અને સમાજમાં સ્ત્રીઓને વેઠવા પડતા અન્યાય અને જાતજાતની સતામણી સામે લડવા માટે કૉર્નેલિયાએ બેરિસ્ટર બનવાનો નિર્ણય કર્યો. દેશવિદેશમાં અનેક અડચણો અને મુશ્કેલીઓનો સામનો કરીને કાનૂન ભણવા માટે તેઓ બ્રિટન પહોંચ્યાં. અંગ્રેજોની રૂઢિચુસ્તતા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિઘ્નકર્તાઓને ગણકાર્યા વિના કૉર્નેલિયા બેરિસ્ટર બનીને જંપ્યાં.

કૉર્નેલિયા બેરિસ્ટર થયા પછી સોરાબજી પરિવારના શુભેચ્છકોએ ભારતની “આ લાડલી દિકરીને ‘કોટૅ ઓફ વોર્ડઝ’ માટેનાં લેડી લીગલ એડવાઈઝર તરીકેની જગા ગોઠવી આપી” (પૃ. ૩૦). ભારતમાં અંગ્રેજી શાસનની એક અધિકારી, કાયદાની નિષ્ણાત, નિ:સહાય વિધવાઓ તથા જાતજાતનાં અન્યાય અને અનીતિનો ભોગ બનેલી સ્ત્રીઓને ન્યાય અને હક્ક અપાવવા માટે હમદર્દીથી લડનાર તરીકે કૉર્નેલિયાને સારી સફળતા મળી.

કૉર્નેલિયાને રજવાડાંની તરછોડાયેલી રાણીઓ અને ગરીબ માણસ જેવા સૌ હકવંચિત લોકોનાં હામી બનીને એમને ન્યાય અને જરૂરી બધી મદદ કરવા સાથે સામાજિક દૂષણો અને અંધશ્રદ્ધા સામે સામાજિક પરિવર્તન લાવવામાં મથતાં રહ્યાં. આ રીતે સતત ઝઝૂમનાર કૉર્નેલિયા આપણને પ્રેરણા અને આદર્શ પૂરાં પાડે છે.

આવી ત્રણ વિરલ નારીઓ વિશેની યશવંતભાઈની પુસ્તિકા ગુજરાતી વાંચતા સૌ લોકોની અને ખાસ તો આજની યુવા પેઢીની વિરલ સેવા છે. મને ખાતરી છે કે આ પુસ્તિકા વાંચનાર સૌ એનાથી મારી જેમ પ્રભાવિત થશે અને બહોળા વાચક વર્ગ સુધી એને પહોંચાડવામાં ધન્યતા માનશે.

(“ત્રણ વિરલ ઈસાઈ નારીઓ”, યશવંત મહેતા, ગાર્ગી વૈદ્ય, પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧4, નવેમ્બર ૨૦૧૧4, પાનાં : ૫૨, કિંમત: રૂ.૩૫/-)

Changed On: 01-11-2018

Next Change: 16-11-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018