પુનરુત્થાન પર આધારિત શ્રદ્ધા

ઘણા ખ્રિસ્તીઓ પરમપૂજાની ઉપાસનાવિધિમાં એક નાની પ્રાર્થના બોલે છે: “ઈસુ મરણ પામ્યા, ઈસુ સજીવન થયા. ઈસુ ફરી પધારશે.” શ્રદ્ધાની આ પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં પ્રભુ ઈસુ પરનો સંપૂર્ણ ભરોસો છે. આ શ્રદ્ધા પર ખ્રિસ્તી ધર્મનો પાયો નખાયો છે. આ શ્રદ્ધા અને ભરોસો વિનાનો માણસ ખ્રિસ્તી નથી.

ઈસુનું મૃત્યુ એક ઐતિહાસિક ઘટના છે. રોમન સામ્રાજ્યના ઇતિહાસમાં ઈસુને રીઢા ગુનેગારોને ખાસ તો રાજકીય વિદ્રોહીઓને અને કાવતરાખોરોને લાગે એવી શિક્ષા કર્યાની એટલે ક્રૂસ પર ચડાવીને મારી નાખ્યાની વાત નોંધાઈ છે. પણ ત્યાં ઈસુના નવજીવન કે પુનરુત્થાનની વાત નથી. ‘ઈસુ સજીવન થયા’ કે ‘નવજીવન પામ્યા’ એ શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધાની આ વાત કપોળકલ્પિત કહાની નથી. કેવળ વિવેક્બુદ્ધિમાં માનનારા લોકો માટે પણ શ્રદ્ધા પ્રેરિત પુરાવાયુક્ત માન્યતા છે.

ઈસુના ત્રણ વર્ષના જાહેરજીવન દરમિયાન એમના અંતેવાસી તરીકે એમની સાથે રહેલા શિષ્યોએ સાક્ષી આપી છે કે, ઈસુએ ત્રણ ત્રણ વાર પોતાના મૃત્યુ અને પુનરુત્થાનની આગાહી કરી હતી. એટલે શિષ્યો ઈસુના પુનરુત્થાનમાં એમની આગાહીની પરિપૂર્તિ જુએ છે. ઈસુના એક શિષ્ય પીતર પોતાના ઇસ્રાયલી ભાઈઓને સંબોધતા છાતી ઠોકીને કહે છે: “જીવનના માર્ગે લઈ જનાર નાયકની તમે હત્યા કરી, પણ ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા – એના અમે સાક્ષી છીએ.”

ઈસુની હત્યા કરનાર-કરાવનાર-વિરોધીઓને ઈસુએ કરેલી નવજીવન પામવાની આગાહીની ખબર હતી. એટલે ઈસુના મૃત્યુના બીજા દિવસે ઈસુના વિરોધીઓ પિલાત પાસે જઈને એની વાત કરી. પિલાતે ઈસુના વિરોધીઓની માગણી મુજબ ઈસુની કબરને ત્રણ દિવસ સુધી પૂરા જાપ્તામાં રાખવા માટે ચોકીદારોને આપ્યા. શુભસંદેશકાર માથ્થીના શબ્દોમાં, “તે લોકોએ જઈને કબરને જાપ્તામાં રાખી; શિલા ઉપર મહોર મારી અને પહેરો ગોઠવી દીધો.”

ઈસુની આગાહીની પરિપૂર્તિના આ પુરાવાની જેમ, એમના નવજીવનનો બીજો શ્રદ્ધાપ્રેરિત પુરાવો એમની ખાલી કબર છે. ઈસુના મૃત્યુના ત્રીજા દિવસે ચોકીદારોનો પહેરો હોવા છતાં કબર ખાલી જોવામાં આવી! ઈસુના વિરોધીઓ ઈસુને દફનાવેલી ખાલી કબરની વાસ્તતિક્તા નકારી ન શક્યા. એટલે ખાલી કબરની વાત લાવનાર ચોકીદાર “સૈનિકોએ સારી એવી લાંચ આપીને ઈસુના વિરોધીઓને કહ્યું, ‘તમે એમ કહેજો કે, તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા.’”

ઈસુના પુનરુત્થાનના ઘણા પુરાવા છે. એમાં એક ત્રીજા પુરાવા તરીકે ઈસુના શિષ્યોમાં આવેલ પરિવર્તન ગણી શકાય. ઈસુને કેદ પકડીને એમની સામે સૂબા પિલાતના ન્યાયાલયમાં કેસ ચાલ્યો અને એમને ક્રૂસ પરના મૃત્યુની સજા થઈ તે સમય દરમિયાન ઈસુના લગભગ બધા શિષ્યો ડરના માર્યા ભાગી છૂટીને સંતાઈ ગયા હતા. પરંતુ ઈસુ નવજીવન પામ્યા પછી એ જ જેરુસાલેમના મંદિરમાં પણ શિષ્યો ઈસુના મૃત્યુ અને નવજીવનની સાક્ષી પૂરવા લાગ્યા. શિષ્યોમાં ઈસુને ખાતર ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આવી. તેઓ ઈસુના જીવન અને સંદેશની નિડરતાથી ઘોષણા કરવા લાગ્યા અને દેશપરદેશમાં જઈને પ્રચાર-ફેલાવ કરવા લાગ્યા.

બીજી બાજુ યહૂદી પુરોહિતો અને આગેવાનો ઈસુને નામે બોલવા સામે મના ફરમાવતા હતા. ઈસુના અનુયાયીઓની સતામણી કરતા હતા. છતાં તે વખતે ઈસુપંથ નામે ઓળખાતા ઈસુના શિષ્યો અને અનુયાયીઓની સંખ્યા સતત વધતી રહી! પ્રલય સામે બંધ કરવા જાય તો તે નિષ્ફળ થાય એ રીતે ઈસુ સામેના વિરોધ, મનાઈ ફરમાન અને સતામણી ઈસુપંથ વિકાસ અને પ્રચાર-ફેલાવને કોઈ રોકી શક્યા નથી. વિરોધ અને સતામણી વચ્ચે પણ ઈસુપંથનો વિકાસ, હા ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને ફેલાવનો ઇતિહાસ, આજે પણ ચાલુ છે. દર વર્ષે રોમથી પ્રગટ થતી ખ્રિસ્તી ધર્મની આંકડાકીય માહિતી પૂરવાર કરે છે કે, દુનિયાભરમાં વધુ ને વધુ લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. સમગ્ર દુનિયામાં ખ્રિસ્તી ધર્મના મૂળભૂત પ્રથમ સંસ્કાર બાપ્તિસમ કે જળસંસ્કાર લઈને પ્રભુ ઈસુને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકારનાર વિવિધ વંશોના, નાતજાતના લોકોની સંખ્યા સતત વધતી રહે છે.

બીજી બાજુ આપણે કદાચ માનીએ કે, આપણે ઈસુના સમયમાં જીવ્યા હોત તો આપણે પિલાત, યહૂદા કે પીતર જેવું વર્તન કર્યું ન હોત. પિલાતે નિર્દોષ ઈસુને સ્વાર્થ માટે એટલે પોતાના હોદ્દો અને સત્તા સાચવવા માટે અન્યાયી ચુકાદો આપીને ક્રૂસે ચડાવ્યો હતો. યહૂદાએ ત્રીસ ચાંદીના સિક્કા માટે ઈસુને દગો દીધો હતો. પીતરે અણિના સમયે ઈસુને ઓળખવાની ચોખ્ખી ના પાડી હતી! એક વાર નહિ પણ ત્રણ ત્રણ વાર ઈસુને ઓળખવા સુદ્ધાં ના પાડનાર પીતર ઈસુના અંતેવાસી તરીકે, ઈસુના નિકટતમ મિત્ર તરીકે ઈસુના ખાસ પસંદગી પામેલા શિષ્ય તરીકે ઈસુ સાથે રહ્યા-ફર્યા હતા. ઈસુએ કરેલા ચમત્કારોના સાક્ષી બન્યા હતા. એમના પ્રેમ, માફી, સેવા ને કરુણાનો સંદેશ સાંભળ્યા હતા. છતાં પોતાનું જીવન વહાલું માનીને પોતાના જીવનદાતાને ઓળખવાની પીતરે ચોખ્ખી ના પાડી. તેમણે માણસની દ્રષ્ટિએ અક્ષમ્ય ઘોર પાપ કર્યું. પણ જ્યારે પીતરને પોતાની નબળાઈ અને ઈસુના પ્રેમ તથા તેમની માફીની યાદ આવી ત્યારે તેમણે નમ્રતાથી છાતીફાટ રોઈને પશ્ચાતાપ કર્યો અને તેમણે ઈસુની અપાર કરુણા અને માફીનો આશરો લીધો અને જિંદગીભર ઈસુના વફાદાર શિષ્ય બની રહ્યા.

પણ નરી વાસ્તવિક્તા એ છે કે, આજે પણ નાણાની લોલુપ્તામાં, લાંચરુશ્વતના મોહમાં કે ડરના માર્યા પિલાતની જેમ અન્યાયી ચુકાદો આપનાર કે અનૈતિક રીતે વર્તનાર લોકો આપણી વચ્ચે છે. નિર્દોષ માણસોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. ગોમાતાનું બહાનું કાઢીને કે પોતાના ધર્મને બચાવવાની વાત લઈને વિવેકબુદ્ધિઓ અને ભિન્ન તથા સ્વતંત્ર વિચારસરણીવાળા માણસોની હત્યા કરવામાં આવે છે. નાના-મોટા લાભ મેળવવા માટે સ્વાર્થબુદ્ધિથી કે ટોળાશાહીથી આપણે અનીતિ અને અન્યાય કરી બેસીએ ત્યારે આપણે ખરેખર પિલાત, યહૂદા અને પીતરની જેમ ઘોર પાપ કરીએ છીએ. અદલ ઈન્સાફ કરનાર ઈશ્વર પ્રભુ ઈસુને જ આપણે ક્રૂસે ચડાવીએ છીએ.

પિલાત, યહૂદા અને પીતરને પોતાનાં ઘોર પાપનો ખ્યાલ આવ્યો. ઘોર પાપના ભારથી ઉંડી નિરાશામાં પિલાત અને યહૂદા આત્મહત્યાના રસ્તે મોતને શરણે ગયા. પરંતુ પીતરને પોતાના ઘોર અપરાધનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓ છાતીફાટ રોઈને પશ્ચાતાપ કર્યો. સિત્તેર વખત સાત વાર માફી આપવા કહેનાર પ્રભુ ઈસુ પર ભરોસો રાખીને જીવન તરફ વળ્યા. બીજા બે પાત્રોની જેમ નિરાશાના સાગરમાં ડૂબી મરવાને બદલે પીતર નમ્રતાથી દયાનિધાન ઈસુ પાસે ગયા. પીતરે પોતાની શેષ જિંદગીમાં સતત પોતાની નબળાઈના ખ્યાલ સાથે ઈશ્વરની દયા અને ક્ષમા પર ભરોસો રાખતા રહ્યા અને એટલું જ નહિ પણ હકારાત્મક રીતે ઈશ્વરનો મહિમા કરતા રહ્યા.

પીતરના નખશિખ પરિવર્તન પાછળ એક જ પરિબળ છે: એ છે: પ્રભુ ઈસુના પુનરુત્થાન પરની શ્રદ્ધા. પશ્ચાતાપી પાપીને માફી આપનાર પ્રભુ ઈસુના બિનશરતી પ્રેમ અને કૃપાનો ભરોસો. આ શ્રદ્ધા અને ભરોસાથી પીતર પોતાની જાતને સંપૂર્ણપણે પુનરુત્થાન પામેલા ઈસુના ચરણમાં સમર્પી દે છે. હવે પીતર સંત પાઉલ સાથે કહી શકે છે કે, હવે હું નથી જીવતો પણ પ્રભુ ઈસુ મારામાં જીવે છે.”

પીતરના પાપ માટેનો પશ્ચાતાપ અને હ્રદયપલટો પછી પુનરુત્થાન પામેલા ઈસુએ પીતરને અને પોતાના અગિયાર શિષ્યોને દર્શન આપ્યાં અને પીતરને પોતાના પટ્ટશિષ્ય તરીકે પસંદ કર્યા. ઈસુના બધા અનુયાયીઓની સંભાળ રાખવાની આ મોટા હોદ્દામાં પીતરે બિલકુલ ગર્વ કર્યો નથી. પીતર બરાબર જાણતા હતા કે, ખુદ પોતાની ગુણવિશિષ્ટતાઓ અને શક્તિને કારણે નહિ પણ ઈસુના અસીમ પ્રેમ અને કૃપાથી ઈસુએ પોતાને મોટો હોદ્દો અને સત્તા આપી છે.

પીતરે કરેલા એક ચમત્કારમાં આપણને એમની નમ્રતાનો તથા તેમની ઈસુદત્ત શક્તિનો ખ્યાલ આવે છે. આ ચમત્કાર દ્વારા પીતરે પોતાનો નહિ પણ ઈસુના નામનો મહિમા કર્યો છે. એક દિવસ ઈસુના સંદેશની ઘોષણા કરવા માટે યોહાન સાથે પીતર મંદિરમાં જતા હતા. મંદિરના સુંદર નામના દરવાજે રોજેરોજ દાન માગવા બેસતા એક લૂલા માણસને મળ્યા. મંદિરમાં જતા પીતર પાસેથી કંઈક મળવાની આશાથી લૂલા માણલ પીતર અને યોહાન તરફ તાકી રહ્યા. પણ પીતર બોલ્યા, “સોનું કે રૂપું તો મારી પાસે નથી. પણ મારી પાસે જે કંઈ છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તને નામે હું કહું છું કે, ચાલ.”

પછી પીતરે તેનો જમણો હાથ પકડીને ઊભો કર્યો અને તરત જ તેના પગમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું; તે કૂદતાકને ઊભો થઈ ગયો અને ચાલવા લાગ્યો. આ જોઈને મંદિરમાં આવેલા બધા લોકો આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. પુનરુત્થાન પામેલા ઈસુ આજે પણ આવા નાના‌-મોટા ચમત્કારો આપણી વચ્ચે કર્યા કરે છે. પણ આ ચમત્કારોને જોવા-પારખવા અંતરદ્રષ્ટિ જોઈએ. શ્રદ્ધા જોઈએ.

#

Changed On: 16-04-2019

Next Change: 01-05-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019