ધર્મનું કૅન્સર એટલે કોમવાદી આતંક

વીસમી સદીના એક પ્રબુદ્ધ ચિંતક કાર્લ માર્ક્સે કહ્યું હતું કે, “ધર્મ લોકોનું અફીણ છે.” બધા ધર્મોને ઉદ્દેશીને ખાસ તો ધર્મનો દુરુપયોગ કરતા ધાર્મિક આગેવાનોના વિરોધમાં કાર્લ માર્ક્સે આ વાત કરી હશે. મને લાગે છે કે, કાર્લ માર્ક્સની વાત આજે પણ પ્રસ્તુત છે. ધર્મનો દુરુપયોગ કરતા કહેવાતા ભગવાનો (Godmen) અને ભગવતીઓ  (Goddess) અને તેમના વધતા જતા અનુયાયીઓ પૂરવાર કરે છે કે, ધર્મ ખરેખર માણસ માટે અફીણસમું છે.

આનો એક બોલતો દાખલો છે, ડેરાના દુષ્કર્મી તરીકે હરિયાણાની હાઇકોર્ટે જાહેર કરેલા ગુરુમીત રામરહીમ અને તેમના લાખો અનુયાયીઓ. હાઇકોર્ટની ફૂલ બેન્ચે સતત ત્રણ દિવસની સુનાવણી પછી આપેલા ચુકાદાથી રામરહીમના અનુયાયીઓ ભડક્યા અને એમણે આચરેલા આતંકી હુમલામાં એકલા પાંચકુલા અને સિરસામાં ૩૭ મૃત્યુ અને ૨૬ લોકો ઘાયલ થયાના અહેવાલ મેં ૨૭ ઍાગસ્ટ, ૨૦૧૭ના રોજના ‘નવગુજરાત સમય’માં વાંચ્યું.

દુનિયાભરમાં આ રીતે એક બાજુ ધર્મને નામે આપમતલબી લોકો છે, જેઓ ધર્મ અને ભગવાનને નામે આતંક મચાવે છે; અને એવી બાબતોને ખૂબ પ્રસિદ્ધિ કે કુપ્રસિદ્ધિ પણ મળે છે. ત્યારે બીજી બાજુ ધર્મને નામે નિ:સ્વાર્થી લોકો કોઈ પ્રસિદ્ધિ વિના ખૂબ સારાં કામો કરે છે અને બીજાનું જીવન ઊર્ધ્વગામી બનાવે છે, બીજાને માટે સફળ જીવનના રસ્તો ચીંધે છે.

અહીં એવી એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંગટનની વાત કરવા હું ઈચ્છું છું. “રિલિજિયસ સમિટ” એટલે ધાર્મિક ઉચ્ચ કક્ષાનું મિલન” નામે છેલ્લાં ૩૦ વર્ષથી જાપાનમાં એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંમેલન વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવા મળે છે. સૌ પ્રથમ રિલિજિયસ સમિટ ૧૯૮૭માં જાપાનમાં માઉન્ટ હિયેઈ (Hiei) ખાતે મળ્યું હતું. ત્યાર પછી દર વર્ષે રિલિજિયસ સમિટ મળે છે. બૌદ્ધધર્મીઓના આગેવાનીથી જાપાનમાં મળતી આ રિલિજિયસ સમિટ પાછળ એક વારસો છે. એ વારસો એટલે ૧૯૮૬માં વડાધર્મગુરુ હવે સંત પોપ જોન પૉલ બીજાએ યોજેલ શાંતિ માટેની પ્રાર્થનાનો વિશ્વદિન. આંતરધર્મીય કક્ષાએ સીમાચિહ્ન સમા શાંતિ માટેના પ્રથમ વિશ્વ દિન ઇટલીના અસિસી નગરીમાં યોજવામાં આવ્યું હતું.

હવે દર વર્ષે ઓગસ્ટની ત્રીજી અને ચોથી તારીખે વિશ્વ શાંતિ માટે આંતરધર્મીય રિલિજિયસ સમિટ યોજવામાં આવે છે. આ વર્ષે ‘મંદિર-નગર’ તરીકે ઓળખાતા કિયોટો શહેરમાં અને માઉન્ટ હિયેઈમાં યોજાયેલ આંતરધર્મીય શાંતિ માટેના વિશ્વ પ્રાર્થના દિનની રિલિજિયસ સમિટમાં ૧૮ દેશોના ૨૪ પ્રતિનિધિઓ સાથે આશરે ૨૦૦૦ લોકોએ ભાગ લીધો હતો.

જાપાનમાં હિરોશિમા અને નાગાસાકીમાં ૬ ઓગસ્ટ ૧૯૪૭માં સર્વપ્રથમ અતિવિનાશક અણુબોમ્બ ફેંકાયો હતો. એની યાદગીરીમાં, અને હવે પછી દુનિયામાં ક્યાંય કદી ભયંકર વિનાશક અણુબોંબનો પ્રયોગ ન થાય એના માટે, રિલિજિયસ સમિટ યોજવામાં આવે છે. આ વર્ષની રિલિજિયસ સમિટમાં બૌદ્ધધર્મ, શિન્ટો ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, યહૂદી ધર્મ, હિન્દુધર્મ અને જર થુષ્ટ ધર્મના પ્રતિનિધિઓ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરવા ભેગા થયા હતા.

વડાધર્મગુરુ પોપ ફ્રાન્સિસે રિલિજિયસ સમિટના સંદર્ભમાં જાપાનના બૌદ્ધધર્મીઓનું સૌથી પવિત્ર ધામ તેનડાઈના બૌદ્ધધર્મીઓના વડા કોયેઈ મોરિકાવાને એક પત્ર પાઠવ્યો હતો. રિલિજિયસ સમિટમાં વાંચેલા એ પત્ર દ્વારા પોપ ફ્રાન્સિસે વિવિધ ધર્મોના પ્રતિનિધિઓને આંતરધર્મીય સંવાદ, મિત્રતા અને શાંતિ માટે પ્રાર્થના કરવા અને ચોક્કસ કામ કરવા અનુરોધ કર્યો છે.

આ વર્ષની રિલિજિયસ સમિટની ચર્ચાવિચારણા કરવા માટે સાત વક્તાઓ હતા. એમાં પોપ ફ્રાન્સિસના પ્રતિનિધિ અને વૅટિકન ખાતે આંતરધર્મીય સંવાદ સમિતિના સેક્રેટરી ધર્માધ્યક્ષ માઇકલ એન્જેલ અયુસો ગુઈક્યોત પણ એક વક્તા હતા. આતંકવાદ અને ધર્મ વિશે બોલતાં એમણે બધા ધર્મો વચ્ચે આંતરધર્મીય સંવાદ ઉપર ભાર મૂક્યો હતો. “ખરા ધર્મના નીતિન્યાય સાથે કોઈ પણ પ્રકારનું યુદ્ધ અસંગત હોવાની વાતથી આપણે વધુ ને વધુ સભાન બનવું જોઈએ,” ધર્માધ્યક્ષ માઇકલ એન્જેલે કહ્યું. “આજે આંતરધર્મીય સંવાદ સૌની એક જરૂરિયાત છે, વિકલ્પ નથી” ધર્માધ્યક્ષ માઇકલ એન્જેલે ઉમેર્યું.

રિલિજિયસ સમિટના એક વક્તા જાપાનના ધર્માધ્યક્ષ સમિતિના પ્રમુખ મહાન ધર્માધ્યક્ષ મિથ સુઆકી તકામી હતા. તેમણે વિશ્વધર્મોના પ્રતિનિધિઓને સંબોધતા કહ્યું કે, હિરોશિમાના અણુબૉમ્બ આક્રમણથી પોતાની માતા બચી ગઈ હતી અને તે વખતે પોતે માતાના ઉદરમાં ત્રણ મહિનાનો ભ્રૂણ હતો. તેઓએ બધા જ પ્રકારના અણુસાધનોનો સમગ્ર વિશ્વમાંથી સદંતર દૂર કરવા અને શાંતિને પોષવા જોરદાર અનુરોધ કર્યો હતો.

બે વર્ષ પહેલાં ૨૦૧૫માં હિરોશિમા અને નાગાસાકી ખાતે સૌથી કરુણાંત અણુવિસ્ફોટના ૭૦માં વાર્ષિક દિનની સમગ્ર દુનિયાએ યાદ કરી હતી. એ પ્રસંગે પોપ ફ્રાન્સિસે સામૂહિક વિનાશના અણુઆયુધોથી દુનિયાને મુક્ત કરવાની આજીજી કરી હતી. એટલું જ નહિ, પણ તેમણે સૌ લોકોને પ્રાર્થના કરવા અને શાંતિનાં કાર્યો કરવા તથા બધા જ વંશો અને કોમોના લોકોને સંપસુમેળભર્યા સહઅસ્તિત્વને પોષવાનો અનુરોધ કર્યો હતો.

છેલ્લે મારે કહેવાની જરૂર નથી કે, રિલિજિયસ સમિટ દ્વારા બધા જ ધાર્મિક વડાઓએ સમગ્ર વિશ્વના લોકોને પ્રાર્થના અને આંતરધર્મીય સંવાદ દ્વારા શાંતિને પોષવાનો અનુરોધ કર્યો છે. પ્રાર્થના અને આંતરધર્મીય સંવાદ દ્વારા શાંતિ માટેના આપણી ધાર્મિક વડાઓની હાકલ કે આજીજીને આપણા જીવનમાં સાર્થક કરવા આપણે કેટલાક ચોક્કસ પગલાં લઈ શકીએ. આપણા આડોશપડોશના તેમ જ આપણા સંપર્કમાં આવતા લોકોનો સંપર્ક સાધીએ. નાત-જાત, કોમ-વંશ કે ધર્મ-સંપ્રદાયનો કોઈ ભેદભાવ કર્યા વિના લોકોને ઓળખવા મથીએ.

એમનાં ધર્મો અને માન્યતાઓ વિશેના આપણા મનના પૂર્વગ્રહો અને ગેરસમજ દૂર કરીને સાચી માહિતી મેળવીએ. બધા લોકો સાથેની મિત્રતા તથા સંવાદ તથા આંતરધર્મીય પ્રાર્થના દ્વારા આપણા દિલમાં આપણા કુટુંબ અને સમાજમાં તથા આપણા સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપીએ, શાંતિના વાહકો બનીએ.

#

 

Changed On: 01-12-2017

Next Change: 16-12-2017

Copyright Fr. Varghese Paul, SJ – 2017