સેવા અને નર્સિંગ સારવારના પર્યાયસમા પુષ્પાબહેન

“એક વાત ચોક્કસ કે હિન્દુસ્તાનને ‘સેવા’નો સાચો મર્મ ખ્રિસ્તી મિશનરીઓએ શીખવ્યો છે અને તે પણ પ્રત્યક્ષ આચરણ દ્વારા. નર્સિંગ કે મિડવાઇફરી જેવા કન્સેપ્ટ માત્ર અને માત્ર ક્રિશ્ચિયાનિટીએ આપ્યા છે. આ વસ્તુ આપણે ત્યાં હશે તોય એનો કોઈને ખ્યાલ નહોતો. સ્ત્રીની પ્રેમાળ વત્સલતા બીમાર માનવીની અડધી બીમારી તો માત્ર બે મીઠાં વેણ થકી, હળવા કોમળ સ્પર્શ થકી મટાડી શકે, એ સત્ય આપણા ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે?” આ વિધાનો જાણીતા સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈનાં છે. પત્રકાર અને લેખક મિત્ર નવીન મેકવાન જોડે મેં ૨૦૧૧માં સંપાદન કરેલા દળદારગ્રંથ “વિકાસના હમસફર – ગુજરાતના વિકાસમાં ખ્રિસ્તીઓનું પ્રદાન”માં ડૉ. કેશુભાઈએ પોતાના લેખમાં કરેલી આ વાત છે.

ડૉ. કેશુભાઈની વાતને સાર્થક કરનાર ખ્રિસ્તી નર્સોમાં પુષ્પાબહેન પાર્કરનું નામ મોખરે ગણી શકાય. પુષ્પાબહેન સેવા અને નર્સિંગ સારવારના પર્યાયસમા બન્યાં છે. મેં ઘણા બધા લોકો પાસે ખાસ તો સિવિલ હૉસ્પિટલમાં સારવાર પામેલા લોકો તથા તેમનાં સગાંસંબંધીઓ પાસેથી પુષ્પાબહેનની નિષ્ઠાભરી અને ભરોસાપાત્ર સેવાની વાત સાંભળી છે. એમની વાતમાં પુષ્પાબહેન ભલે સિવિલ હૉસ્પિટલની કિડની ઇન્સ્ટીટયુટમાં નિવૃત્ત પર્યંત સેવા આપી છે. છતાં નર્સોનાં મેટ્રન (Metron) તરીકે પુષ્પાબહેન સમગ્ર સિવિલ હૉસ્પિટલમાં પોતાની સમર્પિત સેવા માટે ખૂબ જાણીતી વ્યક્તિ છે.

હું જાણું છું કે એક પરિચારિકાની સમર્પિત સેવા સહેલું કામ નથી. પુષ્પાબહેને એમના પ્રથમ પુસ્તક “પરિચારિકા-દર્દી અને તબીબ વચ્ચેનો સેતુ”માં લખ્યું છે કે, “ભારતમાં અને તેમાંય ગુજરાતમાં શિસ્ત, વિવેકથી આભાર માનવો કે એવી કોઈ પ્રથા ભલે ના હોય પરંતુ ક્યારેક દિલને ચોટ પહોંચી જાય એવા શબ્દો પણ બોલતાં હોય છે!” (પૃ.૩૭). “ઘણાં (દર્દીઓ) પરિચારિકા બહેનોનું અપમાન પણ કરતા હોય છે.” (પૃ.૩૮). આવી વિકટ પરિસ્થિતિમાં પુષ્પાબહેન હસતા મોઢે નિવૃત્તિ પર્યંત સમર્પિત સેવા આપી છે, એ સરહનીય વાત છે.

મારી બે બહેનો નર્સો છે. બંને સાધ્વીબહેનો પણ છે. સિસ્ટર સેલીન પૉલ ભાવનગરમાં નર્સિંગ કૉલેજમાં ભણ્યાં હતાં અને તેઓ ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે પાસ થયાં હતાં. એ જ રીતે સિસ્ટર લીસી પૉલે બેંગલૂર ખાતે નર્સિંગ કર્યું હતું અને તેઓ કર્ણાટક રાજ્યમાંથી પ્રથમ નંબરે પાસ થયાં હતાં. બંને બહેનોએ RMP પણ કર્યું છે એટલે સ્વતંત્ર રીતે ડિસ્પેન્સરી ચલાવી શકે છે. બંનેના લાંબા ગાળાના નર્સિંગ સેવાથી હું બરાબર વાકેફ છું. સિસ્ટર સેલીનને તો આફ્રિકાના એરિત્રિયા રાજ્યમાં પાંચેક વર્ષ એક હૉસ્પિટલ ચલાવ્યાનો અનુભવ પણ ધરાવે છે. આફ્રિકામાં યોજેલી પત્રકારોની એક આંતરરાષ્ટ્રીય મિટિંગના પ્રસંગે મેં એરિત્રિયાની પણ મુલાકાત લઈને ત્યાંની હૉસ્પિટલમાં સેલીનનાં કાર્યક્ષમ સેવાકાર્યો મેં જોયાં છે.

વળી, પુષ્પાબહેને નર્સિંગ સેવામાંથી નિવૃત્ત થયા પછી લેખન અને સંપાદન કરેલું પુસ્તક “પરિચારિકા – દર્દી અને તબીબ વચ્ચેનો સેતુ” મેં વાંચ્યું છે. બીજું, શિક્ષણકાર્યના અનુભવ સાથે નર્સિંગનો પણ થોડો અભ્યાસ કરીને મધર ટેરેસાએ ગરીબોની અનોખી સેવા અને પોતાના સાધ્વીસંઘની શરૂઆત નર્સિંગ સેવાથી અને ગરીબ બાળકોને ભણાવવાના કામથી કરી હતી. બીજા શબ્દોમાં કહું તો લાગતીવળગતી વ્યક્તિઓના સંપર્કથી અને વધુમાં મારા વાંચનથી હું જાણું છું કે, નર્સિંગ સેવા સહેલું કામ નથી પણ ખૂબ નિષ્ઠાભરી મહેનતનો વ્યવસાય છે.

પુષ્પાબહેને પોતાના પુસ્તકમાં કહ્યું પણ છે તેમ, “દેશમાં રહી દવાખાનાઓમાં સેવા કરવી એ કઠિન કાર્ય છે.” પુષ્પાબહેનને નર્સિંગ સેવાના એકત્રીસ વર્ષના લાંબા ગાળાનો અનુભવ છે. એ અનુભવમાં એમણે પોતાનાં સેવાકાર્યો દરમિયાન અનુભવેલી હાડમારીઓની નોંધ પણ પોતાના પુસ્તકમાં ગણી છે. કુટુંબમાં કે સમાજમાં વિશેષ પ્રસંગ હોય, પોતાની ગેરહાજરીથી નુકશાન થશે તો પણ એક દવાખાનામાં સેવા કરતી નર્સ બહેન ગમે ત્યારે રજા લઈ શકતી નથી. કોઈક વાર અનિવાર્ય સંજોગોમાં નર્સને બે કે ત્રણ પાળી સળંગ કરવી પડે છે. પુષ્પાબહેને પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે, “૧૯૯૦માં બે વખત ૨૪ કલાકની નોકરી કરી છે. મતલબ છે કે, એમને એક વર્ષમાં સળંગ ત્રણ પાળી બે વાર કરવી પડી છે.”

વળી, દર્દીઓ જાતજાતના અને ભાતભાતના સ્વભાવવાળાં હોય છે. ઝઘડાખોર, ગુસ્સો અને ચીડિયાવાળા દર્દી સારવાર આપનાર માટે શિરદર્દસમા છે. આવા દર્દીઓની નર્સિંગ સેવા કરવા માટે પુષ્પાબહેન કહ્યું છે તેમ, “ધીરજ, સાદગી, સહનશીલતા તથા ગુસ્સા પર કાબુ હોવો અનિવાર્ય છે” (પૃ.૧).

મારી બંને બહેનોની નર્સિંગ સેવાને નજીકથી નિરીક્ષણ કરવાની મને તક મળી છે. તેઓ દર્દીને નિ:સ્વાર્થ પ્રેમ અને મમભાવ અને સમાનતા તથા કરુણાથી મળે છે. દર્દીને દવા આપતાં પહેલાં તેઓએ પોતાની આત્મીય ભાવથી દર્દીનાં દિલ અને ભરોસો જીતી લીધાં હોય છે. હું સમજું છું કે, એક સમર્પિત નર્સ તરીકે પુષ્પાબહેનના પણ એવા અનુભવ થયા છે. એટલે જ તેમણે લખ્યું છે કે, “માંદા અને જરૂરિયાતમંદ રોગીની સેવા કરીને મેળવેલો આત્મસંતોષ જીવનનાં છેલ્લા શ્વાસ પર્યંત રહેશે .”

સામાન્ય રીતે સમાજ અને લોકો નર્સિંગ સેવાની નોકરીની યોગ્ય કદર કરતા નથી. છતાં મને આનંદ છે કે, પુષ્પાબહેન પોતાની નર્સિંગ સેવાને હકારાત્મક રીતે જુએ છે અને એમના પ્રથમ પુસ્તકમાં લખ્યું છે કે, “આવા સારા વ્યવસાય સાથે જોડાવવાનો મારો આશય સાફ છે: “સેવા, સેવા અને સેવા.” પુષ્પાબહેનને આ સેવાની ભાવના પોતાના શિક્ષિકા-બા અને ધર્મશિક્ષકની સેવા બજાવતા પિતાજી પાસેથી વારસામાં મળી છે.

છેલ્લે એક સારા સમાચાર છે કે સેવાની દેવીસમા પુષ્પાબહેન હવે પોતાની નિવૃત્તિના સમયે આત્મકથા લખી રહ્યાં છે. હું એમને એમાં બધી શુભેચ્છાઓ પાઠવું છું. (લેખક સાથે સંપર્ક: cissahd@gmail.com મો. 09428826518)

#

Changed On: 01-03-2018

Next Change: 16-03-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018