શુભ શરૂઆતનું ચિંતન

પ્રભાતે અને સંધ્યાસમયે

રાજા પોતાની વીંટી જુએ છે.

પ્રશ્નો અને મુશ્કેલીઓ વચ્ચે પણ

રાજા પોતાની વીંટી જુએ છે.

આનંદમાં અને સંતાપમાં

રાજા પોતાની વીંટી જુએ છે.

આ રાજા કોણ છે? રાજા પોતાની વીંટી પર શું જુએ છે? કવિશ્રી થિયોડોર ડિલટને (Theodore Dilton) રચેલી ‘રાજાની વીંટી’ નામની કવિતામાં રાજાનું નામ નથી, પણ રાજા પોતાની વીંટી પર કોતરેલો સંદેશ જુએ છે. એ સંદેશ છે કે, “આ પણ પસાર થઈ જશે.”

નૈસર્ગિક પ્રકૃતિમાં ઘણાં વૃક્ષો પોતાનાં પાંદડાંઓ આંશિક રીતે કે સંપૂર્ણપણે છોડીને નવાં પાંદડાં ધારણ કરે છે. જેમ વૃક્ષ પરથી પાંદડાં ખરે છે તેમ એક વર્ષ પસાર થાય છે. વર્ષની સાથે માનવજીવનમાંથી સમય સાથે ઘણુંબધું ખરી પડે છે. ઘણુંબધું પસાર થાય છે.

નાનામોટા સુખના અને આનંદના પ્રસંગો પસાર થાય છે. દુઃખ અને વેદનાના અનુભવો પણ રાજાની વીંટી પરના સંદેશ મુજબ આપણા જીવનમાંથી પસાર થાય છે. એમાં કેટલાક પ્રસંગો અને અનુભવો જીવનભર યાદ રાખવા આપણને ગમે છે. તો આપણા જીવનમાં એવા પ્રસંગો અને અનુભવો પણ બન્યા છે કે, એને સદંતર ભૂલી જવા આપણે ઇચ્છીએ છીએ. સુખના અને દુઃખના અનુભવોને તથા સ્મરણ કરવા યોગ્ય અને ભૂલી જવા યોગ્ય આપણા જીવનના પ્રસંગો આપણા વૈયક્તિક ઇતિહાસનો ભાગ છે. આ બધાં સારાંનરસાં પાસાંને વર્ષને અંતે અનાસક્ત દ્રષ્ટિથી મૂલવીએ અને એમાંથી યોગ્ય પાઠ શીખીને નવા વર્ષમાં પ્રવેશીએ. છેલ્લાં એક વર્ષના સારાંનરસાં અનુભવનો ખજાનો નવા વર્ષ માટેનાં આપણા આશા-અરમાનોને સાકાર કરવા આપણને મદદરૂપ થશે.

હું માનું છું કે, નવા વર્ષને સુખી અને સમૃદ્ધ બનાવવાનાં આપણાં આશા-અરમાનોમાં જીવનનાં કેટલાંક મૂલ્યો અને આદર્શોનું તથા વલણનું ખૂબ મહત્વ છે. આપણે અનુભવે જાણીએ છીએ કે, પ્રેમ, માફી, કરુણા, સેવા, સમાનતા તથા શાંતિ જેવાં મૂલ્યો અને આદર્શો આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે. બીજી બાજુ ધિક્કાર, વેરભાવ, અસમાનતા અને અસહિષ્ણુતા જેવી બાબતો આપણા જીવનમાં આનંદ અને શાંતિને હણી નાખે છે; દુ:ખ, તણાવ અને અશાંતિ સર્જે છે.

આપણા જીવનનું મૂળભૂત મૂલ્ય પ્રેમ હોય, આપણો આદર્શ પ્રેમ હોય, આપણું વલણ પ્રેમ હોય અને નવા વર્ષ માટેનાં આપણાં આશા-અરમાનો પણ પ્રેમપ્રેરિત હોય તો નવા વર્ષનું આપણું જીવન સુખી ને સમૃદ્ધ બનશે. એમાં કોઈ શંકાને અવકાશ નથી.

આપણા જીવનમાં આમ જોઈએ તો ઘણુંબધું વૈવિધ્ય છે. ઘણીબધી જુદાઈ છે, ઘણોબધો વિરોધાભાસ છે, પરંતુ ખરો પ્રેમ બધું જ સમજે છે. બધાં પ્રત્યે સમાનતાની દ્રષ્ટિ કેળવે છે. બધાં પ્રત્યે કરુણા અને દયા દાખવે છે. માફી અને સહિષ્ણુતા પ્રેમનો માર્ગ છે.

પ્રેમની ઊંડી સમજૂતીમાં આપણે જાણીએ છીએ કે, આપણે બધા માનવબાળ તરીકે સરખાં છીએ. દરેક જણ નિ:સહાય જન્મે છે, મૃત્યુ આગળ પણ આપણે એટલે દરેક જણ સરખાં છીએ. આપણે નિ:સહાય છીએ, પરંતુ આપણા દૈનિક જીવનમાં આવી બધી બાબતો સ્વીકારવા આપણે તૈયાર નથી. અંગ્રેજી લેખક જી. કે. ચેસ્ટેરટન કહે છે તેમ, માણસમાત્રને સૌથી વધારે ડરાવનાર બાબત એ છે કે, બધા માણસો એક જ ઈશ્વરનાં સંતાનો છે. ફ્રેન્ચ ક્રાંતિના ‘આદર્શવાક્ય’માં સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાની વાત છે. એમાં આપણે ફફ્ત ફ્રાંસનાં જ નહીં પન ભૂતલ પરનાં બધાં માણસોની સમાનતાનો સ્વીકાર કરી શકીએ. એટલે આજની પ્રચલિત અસમાનતા અને  અસહિષ્ણુતા આપણા માટે પડકારરૂપ છે.

આપણે ઈશ્વરમાં માનીએ કે,  માનવબાળ તરીકે બધાં માણસ  ઉદરમાંથી સરખા જન્મ્યાં છે, મૃત્યુ આગળ પણ બધાં માણસો સરખાં છે એ તો સમજીએ. આવી બાબતો નિર્વિવાદિત છે. આપણે જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને વિશેષ તો આ નવા વર્ષને સુખી ને સમૃદ્ધ બનાવવામાં સમાનતાની ભાવનાથી પ્રેમને રસ્તે ચાલવાનો સંપર્ક કરીએ. સંઘર્ષ ને અસહિષ્ણુતાને પ્રેમથી શાંતિનાં કાર્યો કરતાં રહેવાનો સંકલ્પ કરીએ. એમાં, કોઈકવાર ભૂલ થાય, ગેરસમજ થાય, તો પ્રેમ અને કરુણાથી માફીના માર્ગે આપણા જીવનને સુખી ને સમૃદ્ધ બનાવવામાં મંડ્યા રહીએ.

ઈસુના નવા વર્ષ 2016ના ઉંબરે પગ મૂકતાં આપણે સૌ પ્રથમ સ્વીકારીએ કે, આપણું જીવન ક્ષણભંગુર છે. એટલે આપણને મળતા એકેક દિવસને આપણા માટે તેમ જ બીજાને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે આપણે પ્રેમને રસ્તે ચલાવતો સંકલ્પ કરીએ. પ્રેમને આડે આવતાં બધાં પરિબળો સામે સાવચેત રહીને આપણાથી ભૂલ થાય, કોઈ ભૂલ કે ગુનાનો ખ્યાલ આવે, ત્યારે સમયસંયોગ પ્રમાણે માફી આપવાનો કે માફી માગવાનો નિર્ણય કરીએ. કોઈને માફી આપવા માટે દિલની ઉદારતા જોઈએ અને કોઈ પાસેથી માફી માગવા માટે ખરી નમ્રતા જોઈએ. પ્રેમ અને માફી આપણને ધિક્કાર અને વેરભાવથી મુક્ત કરે છે, આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે. નૂતન વર્ષ તમારા માટે સુખ ને સમૃદ્ધિનું અનોખું વર્ષ બની રહે એ જ શુભેચ્છા.

#

Changed On: 16-10-2019

Next Change: 01-11-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019