સ્મિત કરીને આનંદ ફેલાવો

હું સ્કૂલમાં હતો ત્યારે મારા મિત્રો અને અપરિચિત લોકો પણ મને ‘ચિરીકુટુકકા’ કહીને બોલાવતા હતા. હું વર્ગમાં કે બહાર પણ કોઈ ભૂલ કરું અને તરત જ મને મારી ભૂલનો ખ્યાલ આવે ત્યારે હું અનાયાસે સ્મિત કરતો. એટલે જ લોકો મને ‘ચિરીકુટુકકા’ એટલે ‘સ્મિત વેરતું બાળક’ કહેતા. ‘ચિરી’ એટલે સ્મિત, હાસ્ય અને ‘કુટુકકા’ એટલે નાનું મોં વાળું ગોળ વાસણ.

હું અમદાવાદ ખાતે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાયો ત્યારે મેં લખેલો મારો પ્રથમ નિબંધ સ્મિત વિશે હતો. અનુભવે હું જાણું છું કે, નાનીસૂની ભૂલો અને ગેરસમજ વચ્ચે પણ નિખાલસ સ્મિત દિલને શાંતિ આપે છે. સવારે હું કોઈને સામે મળું ત્યારે સ્મિત સાથે ગુડ મોર્નિંગ કહું છું. ઘણી વાર સ્મિતમાંથી મળતો દિલનો આનંદ સામેવાળાના સ્મિત અને નમસ્કારથી બમણો થાય છે.

સ્મિત કરીને સામેવાળાને આનંદ આપવા સાથે જાતે આનંદ માણવાની મારી બાળપણની ટેવ હજી મારી પાસે છે. ચાર રસ્તાની લાલબત્તી સામે હું ગાડી ઊભી રાખું છું અને મને ખ્યાલ આવે છે કે, પાસેનો માણસ મારી સામે જુએ છે તો હું તરત જ સ્મિત કરીને મારા આનંદમાં એને ભાગીદાર બનાવું છું.

એક વાર અમદાવાદના ઈન્ક્મટેક્ષના ચાર રસ્તા પાસે લાલબત્તી સામે મેં મારી ગાડી ઊભી રાખી. મારી ગાડીની બિલકુલ પાસે ત્રણ યુવાનોની સવારીવાળી મોટરસાઇકલ ઊભી રહી. અનોખી રીતે વાળ કપાવેલા એક યુવાનની હેરસ્ટાઇલથી મારું સ્મિત એમને વિચિત્ર લાગ્યું હશે. એટલે એક યુવાને મને પૂછ્યું, “કાકા, કેમ હસો છો?” મેં કહ્યું, “જુઓ ભગવાને કેવો અન્યાય કર્યો છે! બે પૈડાંવાળા બાઈક પણ આપ ત્રણ જણ છો અને ચાર પૈડાંવાળી મારી ગાડીમાં હું એકલો સવારી કરું છું! એ અન્યાય નથી તો શું?”

મારા જવાબથી ખુશ થયા હોય તેમ હસતા હસતા તેઓ જતા રહ્યા. મને લાગ્યું કે, મારું સ્મિત અને અમારી વચ્ચેના ટૂંકા સંવાદથી અમે ચોમેર ખુશીનો રેલો ફેલાવ્યો.

સામાન્ય રીતે તમે સ્મિત કરો ત્યારે સામેવાળો માણસ પણ સ્મિત વેરે. પણ એક વાર સ્ટેડિયમ છ રસ્તાની લાલબત્તી આગળ મારી ગાડી પાસે એક ઓટોરિક્ષા આવી ઊભી. હું સ્મિત સાથે પેલા રિક્ષાવાળાની સામે જોતો રહ્યો. ખૂબ ગંભીર દેખાતા એ ભાઈએ મને પૂછ્યું, “સાહેબ, શું જુઓ છો? કેમ હસો છો?” મેં કહ્યું, “ભાઈસાહેબ, આપ આપની રિક્ષા ખૂબ સ્વચ્છ અને સાફ રાખો છો. મુસાફરોને આપની રિક્ષામાં બેસવાનું ગમશે.” એ રિક્ષાવાળાની ભારેખમ મુખછાયા તરત જ બદલાઈ ગઈ અને જાણે એમના મોં પર ખુશીનું પતંગિયું આવીને બેઠું. સાચે જ સ્મિતથી માણસનો દેખાવ વધુ પ્રભાવશાળી બને છે.

આધ્યાત્મિક ગુરુઓ કહે છે કે, સ્મિતથી તમારી અને તમારી આસપાસની દુનિયા બદલી શકાય છે. ઉપર જણાવેલા મારા અનુભવના પ્રસંગો આ વાતને પુરાવારૂપ ગણી શકાય છે. મોં પરના સ્મિતથી તમે સામેવાળાને આકર્ષક લાગશો. તમે સ્મિત વેરો ત્યારે ખુશીનો રેલો જ ફેલાય છે. તમારા શરીર અને મન પર ‘બધું સારું’ હોવાની અસર થાય. તમારી નાનીસૂની ભૂલ સામે ગુસ્સે થયેલા માણસનો ગુસ્સો તમારા સ્મિતથી આપોઆપ ઊતરી જાય છે. તમે સ્મિત કરો ત્યારે સામેનો માણસ પણ આપોઆપ સ્મિત કરવા પ્રેરાય છે.

ખુશીથી જીવવા માટેનો એક ટૂંકો રસ્તો છે દિલનું એક સરળ સ્મિત. સામેવાળાનું સ્મિત તમને નિઃશબ્દપણે જણાવે છે કે તમે પ્રેમાળ છો; પ્રીતિપાત્ર છો. તમારા સ્મિતથી તમે સામેવાળી વ્યક્તિને એ જ વાત જણાવો છો કે, તેઓ પ્રેમાળ છે; પ્રીતિપાત્ર છે. એટલે સ્મિતથી સંબંધ બંધાય છે; સંબંધ પોષાય છે. દિલથી સ્મિત કરીએ ત્યારે આપણે આપણાં દુઃખો, ચિંતાઓ ભૂલી જઈએ છીએ; જીવનનો આનંદ માણીએ છીએ.

સ્મિત ચેપી છે. તમે દિલથી સ્મિત કરો ત્યારે તમારી સામે હોય એવા પરિચિત અને અપરિચિત માણસ પણ સ્મિત કરશે જ અને જીવનની ખુશાલી ચોમેર ફેલાશે. સ્મિતથી અપરિચિત લોકો પણ આપણા મિત્ર બની શકશે. સામસામેનું સ્મિત બંને માણસોમાં આત્મવિશ્વાસ પેદા કરશે. બંને વ્યક્તિત્વ એકબીજા મારે આકર્ષક બનશે. બંને વચ્ચેના સંબંધની એ શરૂઆત છે. ક્રિસ્તી બ્રિનકલે નામના એક લેખક અનુરોધ કરે છે: “દુનિયાને તમારા સ્મિતના ભાગીદાર બનાવો. સ્મિત એ મિત્રતા અને શાંતિનું પ્રતીક છે.”

સ્મિત વિશે ઘણા નામી-અનામી મહાત્માઓએ ખૂબ પ્રેરણાત્મક વાતો કરી છે. વિવિધ સ્ત્રોતોથી ભેગા કરેલા કેટલાક દાખલાઓ અહીં આપું છું.

વિશ્વ વિખ્યાત ચિત્રકાર લિયોનાર્દો દા વિન્ચી કહે છે કે, “આનંદદાયક સ્મિત માનવીય નથી પણ દૈવી છે.”

સ્મિત વિશેની મધર ટેરેસાની વાતો ખૂબ જાણીતી છે:

“દરેક વખત તમે કોઈની સામે સ્મિત વેરો છો ત્યારે તે પ્રેમનું કામ કરે છે.”

“તમારું સ્મિત તમારા સામેના માણસ માટેની સુંદર ભેટ છે.”

“આપણે હંમેશાં સ્મિતથી એકબીજાને મળીએ. કારણ, પ્રેમની શરૂઆત સ્મિતથી થાય છે.”

વિલિયમ અર્થર વાર્ડ કહે છે કે, “હૂંફાળું સ્મિત દયાની વૈશ્વિક ભાષા છે.”

તિનય નાત હાના (Thinch Nhat Hanah) કહે છે કે, “તમે તમારા સ્મિતથી જીવનને વધુ સુંદર બનાવો છો.”

છેલ્લે, પરમહંસ યોગાનંદ કહે છે કે, “મારા આત્માને મારા હ્રદય દ્વારા સ્મિત કરવા દો. મારું હ્રદય તમારી આંખો દ્વારા સ્મિત કરશે કે, હું દુ:ખી હ્રદયોમાં ભવ્ય સ્મિતો વેરી શકું.”

તમારું સ્મિત ફક્ત તમારા પૂરતું સીમિત રાખશો તો તેવું સ્મિત નકામું છે. બીજાને માટે સ્મિત કરો છો ત્યારે જ તમારું સ્મિત જાણે ફળવંત બને છે. એટલે બીજાને માટે સ્મિત આપવાનું ભૂલશો નહીં. બીજાને માટે સ્મિત વેરીને જીવનનો આનંદ ફેલાવો. ગુજરાતી કહેવત છે કે, “હસો અને દુનિયા તમારી સાથે હસશે.”

#

Changed on: 01-09-2019

Next Change: 16-09-2019

Copyright Fr. Varghese Paul, SJ – 2019