સૌને માટે એક અનુકરણીય દાખલો

પોપ તરીકે ત્યાગપત્ર આપીને પોપ બેનેડિક્ટ સોળમાએ ઇતિહાસ સર્જ્યો છે. કારણ, એમનાં પહેલાં ૧૪૧૫માં નિવૃત્તિ લેનાર પોપ ગ્રેગોરી બારમા છેલ્લા પોપ હતા. પોપ બેનેડિક્ટ સોળમા વિશે કંઇક લખવાનો વિચાર કરું છું ત્યારે મને લાઓ ત્ઝુનું એક અવતરણ યાદ આવે છે.

“બીજાને જાણવામાં બુદ્ધિ છે.

પોતાને જાણવામાં ખરું જ્ઞાન છે.

બીજા ઉપર કાબૂ મેળવવામાં શક્તિ છે.

પોતાની જાત પર કાબૂ મેળવવામાં ખરી સત્તા છે.”

પોપનો હોદ્દો આજીવન ગણાય છે. છેલ્લાં છસો વર્ષમાં પોપ બેનેડિક્ટ સોળમાની જેમ કોઈ પોપે નિવૃત્તિ લીધી નહોતી. પરંતુ પોપ બેનેડિક્ટ સોળમાએ ફેબ્રુઆરીની ૧૧મીએ પોતાને ચૂંટી કાઢનાર કાર્ડિનલોને પત્ર લખીને ફેબ્રુઆરીની ૨૮મીએ પોપના હોદ્દા પરથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. સમગ્ર વિશ્વને વિસ્મય પમાડનાર ત્યાગપત્રમાં એમણે લખ્યું કે, “વધેલી ઉંમરને કારણે મારી શક્તિઓ (ઈસુના શિષ્ય) સંત પીતરના ઉત્તરાધિકારી તરીકે યોગ્ય જવાબદારીઓ અદા કરવામાં પૂરતી નથી”. પોપ બેનેડિક્ટની ચૂંટણી એપ્રિલ ૧૯, ૨૦૦૫માં ૭૮ વર્ષની ઉંમરે થઈ હતી.

આખી દુનિયા માટે ખાસ તો ખુરસી-પ્રેમીઓ માટે વડાધર્મગુરુ (પોપ) બેનેડિક્ટ સોળમાએ એક અનુકરણીય દાખલો બેસાડ્યો છે. તેમણે ફેબ્રુઆરી ૨૦૧૩, ૨૮મીએ સાંજે આઠ વાગ્યે (યુરોપિયન સમય મુજબ) ઉંમર અને નબળી તબિયતને કારણે પોતાનો હોદ્દો છોડ્યો છે. દુનિયાભરના એક અબજ વીસ કરોડ (૧.૨ બિલિયન) કૅથલિક ખ્રિસ્તીઓનું આધ્યાત્મિક સર્વોચ્ચ વડપણ અને વૅટિકનની રાજસત્તાનો હોદ્દો છોડવાની ઘટના વિરલમાં વિરલ છે, અસાધારણ છે. ઈસુના પટ્ટ શિષ્ય પીતરના ૨૬૫માં ઉત્તરાધિકારી પોપ બેનેડિક્ટે ફેબ્રુઆરીની નવમીએ પોતાના હોદ્દાનો ત્યાગ કરવાની કરેલી જાહેરાત ખ્રિસ્તીઓ તેમ જ બીજા બધા લોકો માટે પણ આઘાત અને આશ્વર્યજનક હતી.

આ આઘાત અને આશ્વર્યથી મુક્ત રહીને અમુક લોકોએ વડાધર્મગુરુના ત્યાગપત્રના કારણ તરીકે એમના પર કેટલાક આક્ષેપો મૂક્યા છે! બીજાનાં સરાહનીય પગલાંમાં સારું જોઈ કે સારું સમજી ન શકનાર અમુક લોકોનું કહેવું છે કે, પોતાની જવાબદારીથી છટકવા માટે પોતાની સામેના જટિલ પ્રશ્નોથી ભાગવા માટે વડાધર્મગુરુ બેનેડિક્ટે ત્યાગપત્ર આપ્યો છે!

દેખીતી રીતે વડાધર્મગુરુ સામે કેટલાક અટપટા પ્રશ્નો અને પડકારો છે જ. પરંતુ પોતાના ત્યાગપત્રમાં જણાવ્યા મુજબ પોપ બેનેડિક્ટ સોળમાએ પોતાની વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરવાનું શાણપણ દાખવ્યું છે. ઇતિહાસ પુરવાર કરે છે કે, કૅથલિક ખ્રિસ્તી ધર્મસભાના સર્વોચ્ચ હોદ્દા પર રહેનાર વડાધર્મગુરુઓએ હાલના જેવા કે એથીય જટિલ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કર્યો છે. આખી દુનિયામાંથી પસંદ કરેલા કાર્ડિનલો પાસેથી કે એમના દ્વારા સમસ્ત દુનિયામાંથી પોપ કોઈ પણ ક્ષેત્રના પંડિત્મ અને નિષ્ણાતો સેવા લઈ શકે છે.

પણ ૧.૨ બિલિયન કૅથલિક ખ્રિસ્તીઓને તેમ જ યોગ્ય આગેવાની પૂરી પાડવા માટે યોગ્ય શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક શક્તિઓની ખૂબ જરૂર છે. એટલે પોતાની કથળતી જતી તબિયતને ધ્યાનમાં લઈને પોપ બેનેડિક્ટ સોળમાએ પોતાના ત્યાગપત્રમાં જણાવ્યું કે, “ઈશ્વર આગળ ફરી ફરી આત્મનિરીક્ષણ કરીને હું એ તારણ પર આવ્યો છું કે, વધેલી ઉંમરને કારણે મારી નબળી તબિયત સંત પીતરના ઉત્તરાધિકારી તરીકેની સેવા બજાવવા માટે પૂરતી નથી.”

પોપ બેનેડિક્ટની આ સાદી વાતમાં આપણે એમની નિખાલસતા તથા તેમનું ‘ખરું જ્ઞાન’ જોઈ શકીએ. વળી, સ્વાર્થથી મુક્ત રહીને કૅથલિક ધર્મસભાનો સર્વોચ્ચ સત્તાવાળો હોદ્દો છોડવામાં પોપ બેનેડિક્ટે ખુદ પોતાની જાત પર કાબૂ મેળવીને ‘ખરી સત્તા’નું પ્રદર્શન કર્યું છે.

ત્રણેક વર્ષ પહેલાં ૨૦૧૦માં પોપ બેનેડિક્ટ સોળમાએ પત્રકાર પીતર સિવાલ્ડને એક મુલાકાતમાં કહ્યું હતું કે, “જો એક પોપને ખ્યાલ આવે કે પોતાના હોદ્દાની જવાબદારીઓ અદા કરવામાં પોતે શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે સક્ષમ ન હોય તો પોતાના હોદ્દાનો ત્યાગ કરવાનો એમને હક્ક છે અને અમુક પરિસ્થિતિમાં એ ફરજ પણ બને છે.”

સત્યાસી વર્ષની ઉંમરે પોપ બેનેડિક્ટ સોળમાને પોતાની ક્ષીણ થતી શારીરિક, માનસિક અને બૌદ્ધિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. એટલે એમણે ત્યાગપત્રમાં લખ્યું છે તેમ, ઈશ્વર આગળ ખૂબ પ્રાર્થના, ધ્યાનમનન અને આત્મનિરીક્ષણ કર્યા પછી તેમણે પોપના હોદ્દાનો ત્યાગ કરવાનો અસામાન્ય નિર્ણય લીધો છે. પોપ બેનેડિક્ટ સોળમાના આ અસાધારણ પગલામાં આપણે એમની નમ્રતા, નિખાલસતા અને સચ્ચાઈ જોઈ શકીએ. દુનિયાના ૧.૨ અબજ કૅથલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ આધ્યાત્મિક અધિકારીના હોદ્દાનો સ્વેચ્છાએ, કોઈ બાહ્ય દબાણ વિના, ત્યાગ કરવાના નિર્ણયમાં અજોડ માનસિક સ્વતંત્રતા અને દિલનું પ્રમાણિકપણું દેખાય છે.

પોપ તરીકેની ચૂંટણી પહેલાં જોસેફ કાર્ડિનલ રાતસિન્ગરે ઈશ્વરવિદ્યાના પ્રખર પંડિત તરીકે અને જર્મનીના મ્યુનિચ અને ફ્રેઇસિંગ વડા ધર્મપ્રાન્તના આર્ચબિશપ (મહાધર્માધ્યક્ષ) તરીકે નામના કેળવી હતી. એમણે એંસીથી વધારે પુસ્તકો લખ્યાં હતાં. પોપ જોન પૉલ બીજાએ કાર્ડિનલ રાતસિન્ગરને કૅથલિક ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધાનું પ્રતિપાદન કરનાર સંગઠનના અધ્યક્ષ નીમ્યા હતા.

લોકો એમને ખ્રિસ્તી ધર્મસભાના સિદ્ધાંતોને રૂઢિચુસ્તપણે વળગી રહેનાર આગેવાન ગણતા હતા. એટલે ૨૦૦૫માં પોપ તરીકે કાર્ડિનલ રાતસિન્ગરની ચૂંટણી થઈ ત્યારે અમુક લોકોએ એમની આગેવાની વિશે શંકાકુશંકાઓ સેવી હતી. પરંતુ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન પોપના હોદ્દા પર રહીને બેનેડિક્ટ સોળમા સમગ્ર ખ્રિસ્તી આલમને, અને કહો કે આખા વિશ્વને નૈતિક અને આધ્યાત્મિક આગેવાની આપવામાં મોખરે રહ્યા છે.

આઠ વર્ષના ટૂંકા ગાળામાં પોપ બેનેડિક્ટ સોળમાએ ૨૫ દેશોની મુલાકાત લીધી છે. ઈશ્વર પ્રેમસ્વરૂપ (૨૦૦૬), શ્રદ્ધા દ્વારા મુક્તિ (૨૦૦૭) અને સત્યમાં પ્રેમ કે પરોપકાર (૨૦૦૯) જેવા ત્રણ વૈશ્વિક ખતપત્રો દ્વારા પણ તેમણે સમગ્ર ખ્રિસ્તી જગતને અને દુનિયાને બૌદ્ધિક અને આધ્યાત્મિક આગેવાની પૂરી પાડે છે.

એટલું જ નહિ, પણ ઈસુ વિશે એમના ત્રણ દળદાર ગ્રંથો વિશ્વ-વિખ્યાત છે અને દસેક વૈશ્વિક ભાષાઓમાં ત્રણેય પુસ્તકોની લાખો નકલો વેચાઈ છે. એમાં એમણે ૨૦૦૬માં લખેલા ‘નાસરેથના ઈસુ’ ગ્રંથમાં ઈસુના સ્નાનસંસ્કારથી એમના દિવ્યરૂપદર્શન સુધીની વાત છે. બીજો ગ્રંથ ૨૦૧૧માં બહાર પાડ્યો હતો. એમાં ઈસુના યરુશાલેમ મંદિરમાં પ્રવેશ કરવાથી માંડી એમના પુનરુત્થાન સુધીની વાત છે. એમનો ત્રીજો ગ્રંથ (૨૦૧૨) ઈસુના જ્ન્મ અને બાળપણ વિશે છે.

આવાં વિપુલ અને સત્વશીલ લખાણો સાથે પણ પોપ બેનેડિક્ટ સોળમાએ ધર્મસભાને ખૂબ સક્ષમ આગેવાની પૂરી પાડી છે. એટલું જ નહી પણ કૅથલિક ખ્રિસ્તીઓ અને ભિન્ન ખ્રિસ્તી સંપ્રદાયો કે મંડળો વચ્ચે સારો સંબંધ બાંધવામાં અને એવા સંબંધોને પોષવામાં પોપ બેનેડિક્ટ સોળમા સક્રિય રહ્યા છે. તેમણે બધા ખ્રિસ્તીઓ વચ્ચે એકતા સ્થાપવા તરફ ખાસ ધ્યાન આપ્યું છે. તેઓ ૨૦૦૬માં ઇસ્તંબુલ જઈને ત્યાંના ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓના વડા પેટ્રિઆર્ડ બાર્તોલોમિયુને મળ્યા હતા.

વિવિધ ધર્મો વચ્ચે સમજૂતી અને એખલાસ સ્થાપવા માટે પણ તેઓએ ચોક્કસ પગલાં લીધાં છે. રોમમાં તેમ જ જર્મની અને યુ.એસ.એ.ની મુલાકાત દરમિયાન તે દેશોનાં યહૂદી મંદિરો (સિનેગોગ)માં જઈને ધાર્મિક આગેવાનો સાથે સંવાદ અને પ્રાર્થના કરી હતી. તેમણે ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓ તેમ જ ઍન્ગ્લિકન ખ્રિસ્તીઓના વડાઓને રોમ ખાતે ધર્માધ્યક્ષોની પરિષદોમાં સંબોધવા માટે બોલાવ્યા છે.

અંતે, પોપ બેનેડિક્ટ સોળમાએ પોપ તરીકે કરેલી છેલ્લી વાતને ધ્યાનમાં લઈએ. ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૩મીની સાંજે આઠ વાગ્યે સેન્ટ પીટર્સ પ્રાંગણમાં ભેગા થયેલા હજારો શુભેચ્છકો અને પ્રવાસીઓને સંબોધતાં પોપ બેનેડિક્ટ સોળમાએ કહ્યું, “હવે હું પોપ નથી. હું ફક્ત એક યાત્રાળુ છું. આ ધરતી પરની મારી તીર્થયાત્રાના છેલ્લા તબક્કાની હું શરૂઆત કરું છું.” આમ, જનમેદની આગળ પોતાના પોપ તરીકેનો હોદ્દો છોડતાં પહેલાં પોપ બેનેડિક્ટ સોળમાએ નવા પોપની ચૂંટણી માટે રોમમાં ભેગા થયેલા કાર્ડિનલોને પોતાના માટે અને નવા થનાર પોપ માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી અને તેમને વચન આપ્યું હતું કે, પોતે પોતાના ઉત્તરાધિકારી પોપની આમન્યા રાખશે અને તેમની આજ્ઞાધીનતામાં રહેશે.

આજે દુનિયાની અમૂલ્ય જાહેર સેવા બાદ નિવૃત્તિ લેનાર પૂર્વ પોપ બેનેડિક્ટ સોળમા જેવા આગેવાનો અને નેતાઓની જરૂર છે કે, જેઓ પોતાની ક્ષીણ થતી શક્તિઓનો એકરાર કરે અને પોતાના ઉત્તરાધિકારીની આમન્યા રાખીને તેમને બિનશરતી પ્રેમ અને ટેકો જાહેર કરે.

#

Changed on: 16-02-2020

Next Change: 01-03-2020

© Fr Varghese Paul, SJ – 2020