સુખી થવાની જડીબુટ્ટી

કોઈકે કહ્યું છે કે, જિંદગી એટલે “સુખ પાછળની દોડ.” છતાં વિરોધાભાસની વાત એ છે કે, તમે પોતે સુખની પાછળ દોડીને તમે કદી સુખી ન બની શકો! પણ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ, તમારે સુખી થવાની એક જડીબુટ્ટી છે.

સૌ પ્રથમ, જડીબુટ્ટીને કામે લગાડતા અમુક લોકોની વાત કરીએ. ઇન્ડિયાના પૂર્વપ્રમુખ અબ્દુલ કલામ એક ખૂબ સુખી માણસ હતા. એમના આચારવિચારમાં એમનું આંતરિક સુખ એમના પ્રસન્ન વતન પર છડી પોકારતા હતા. એક વાર એક પત્રકારે અબ્દુલ કલામને પૂછ્યું, “ડૉ. કલામ, આપ હંમેશાં પ્રસન્ન દેખાવો છો. બધી પરિસ્થિતિમાં ખૂબ ઉત્સાહથી વર્તો છો. બધા પ્રશ્નોનો ઉમંગથી પ્રતિભાવ આપો છો. તમારી આ પ્રસન્નતા અને ઉત્સાહનું રહસ્ય શું છે?” ડૉ. કલામના પ્રતિભાવે એમના બધા શ્રોતાજનોને આશ્ચર્યચકિત કરી દીધા. તેમણે કહ્યું, “હું તો બધા સંયોગોમાં એક જ બાબતનો વિચાર કરું છું: હું બીજાને શું આપી શકું? જયારે હું છોકરાઓને મળું ત્યારે મારો વિચાર એ બાળકોને હું શું આપી શકું?” કેવો જવાબ! કેવું હકારાત્મક વલણ! કેવો આદર્શ!

ડૉ. કલામની જેમ મધર ટેરેસા પણ એક લોકપ્રિય અને વિશ્વવિખ્યાત વ્યક્તિ હતાં. ગરીબ માટેનાં એમનાં નિ:સ્વાર્થ પ્રેમ અને કરુણા સૌ લોકો પોંખે છે. એમણે પોતાના જીવનમાં અસંખ્ય પ્રશ્નો અને સમસ્યાઓનો પણ સામનો કર્યો છે. છતાં આપણે જાણીએ છીએ કે, મધર ટેરેસા આંતરિક રીતે એક સુખી વ્યક્તિ રહ્યાં હતાં. દેશવિદેશના એમના આચારવિચાર એનો પુરાવો છે. મધર ટેરેસાની હકારાત્મક વૃત્તિથી અને એમની ઉદારતાથી સૌ પરિચિત છે. મધર ટેરેસાની ત્રણ જાણીતી ઉક્તિઓ અહીં પ્રસ્તુત છે. (૧) “ખુદને ખૂંચે ત્યાં સુધી આપ્યા કરો – સ્મિત સાથે, પ્રસન્ન વદને.” (૨) “પ્રબળ પ્રેમ માપ જોતો નથી; તે તો બસ આપ્યા જ કરે છે.” (૩) “આપણે ખરો પ્રેમ રાખવો હોય, તો ક્ષમા આપતાં શીખવું જોઈએ.”

મધર ટેરેસા તા.૧૦-૧૦-૧૯૭૯માં સ્વિડનના ઓસ્લો ખાતે નોબેલ પીસ પ્રાઈઝના વિશ્વ ફલક પર સંબોધતા પોતાના શ્રોતાજનોને કહ્યું હતું: “પ્રેમ આપવો અને પ્રેમ મેળવવા માટે આપણું સર્જન થયું છે.” એમની બધી વાતો માનવ જિંદગીને પોષનાર રહી છે.

અબ્દુલ કલામ અને મધર ટેરેસાની જેમ જાણીતી ન હોય તો પણ મારે અહીં એક ત્રીજી વ્યક્તિની વાત કરવી છે. ઘણા વખત પહેલાં મેં એમના વિશે કોઈ છાપા-સામયિકમાં વાંચ્યું છે. એમને યુ.એસ.એ.ની સરકારે મૅન ઍાફ મિલેનિયમ (Man of Millennium) ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા ત્યાં સુધી એમના વર્તુળ બહાર કોઈ એમને ઓળખતા નહોતા! મૅન ઍાફ મિલેનિયમ ઍવૉર્ડ સાથે મળેલા પૂરા ૩૦ કરોડ રૂપિયા જરૂરિયાતમંદ લોકોને આપેલા એ દાનવીર છે પાલમ કલ્યાણસુંદરમ્.

તેમણે એક ગ્રંથપાલ તરીકે ત્રીસ વર્ષ નોકરી કરી છે અને ત્રીસેત્રીસ વર્ષનો પોતાનો પૂરો પગાર એમણે જરૂરિયાતમંદોને વહેંચી આપ્યો છે અને પોતાની આજીવિકા માટે એમણે રોજ સાંજે એક હૉટલમાં કામ કરીને ખુદ પોતાનું પાલનપોષણ કર્યું છે. તાજેતરમાં મને મળેલા એક વૉટસ એપ મેસેજમાં મેં વાંચ્યું છે કે, નિવૃત્તિ વેળાએ એમને મળેલા દસ લાખ રૂપિયા પણ પાલમ કલ્યાણસુંદરમે જરૂરિયાતમંદોને વહેંચી આપ્યા છે! હું માનું છું કે, ખુદ પોતાને માટે નાણાં અને સાધનસંપત્તિ ભેગી કરવાને બદલે પાલમ કલ્યાણસુંદરમે જરૂરિયાતમંદોની વહારે થવામાં જ પોતાની સમગ્ર જિંદગીનું સુખ માન્યું છે.

ડૉ. અબ્દુલ કલામ, મધર ટેરેસા અને પાલમ કલ્યાણસુંદરમ્ – ત્રણેય મહાનુભાવો આપવામાં જ આનંદ માનનારા નિ:સ્વાર્થ વ્યક્તિઓ છે. એમના જેવા ઉદાર અને નિ:સ્વાર્થ માણસો આપણને સુખી થવાની જડીબુટ્ટી જણાવે છે. બીજાને વિશેષ તો જરૂરિયાતમંદોને નિ:સ્વાર્થપણે આપવામાં સુખની જડીબુટ્ટી છે. નિ:સ્વાર્થપણે આપવામાં અનેરું સુખ માણી શકાય છે. અનન્ય આનંદ અનુભવી શકાય છે.

#

 

Changed On: 01-11-2017

Next Change: 16-11-2017

Copyright Fr. Varghese Paul, SJ – 2017