પાણીનું મહત્વ ખ્રિસ્તીધર્મમાં

પાણી અને ખ્રિસ્તીધર્મ અંતરગત રીતે સંકળાયેલા છે, જાણે એક જ સિક્કાની બે બાજુ. બાઇબલમાં પાણી શબ્દ ૭૨૨ વખત આવે છે. ઈશ્વર, આકાશ, ઈસુ અને પ્રેમ જેવા જૂજ શબ્દો પાણી શબ્દ કરતાં વધારે વાર બાઇબલમાં જોવા મળે છે. બાઇબલના પ્રથમ પ્રકરણમાં સર્જનની વાત છે.

બાઇબલના પ્રથમ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં આપણે વાંચીએ: “અથાગ જલરાશિ ઉપર અંધકાર છવાયેલો હતો, અને પાણી પર ઈશ્વરની શક્તિ ઘૂમતી હતી. … પછી ઈશ્વરે કહ્યું, ‘પાણીની વચ્ચે ઘુંમટ બની જાઓ અને પાણીથી પાણીને જુદાં પાડો,’ અને એમ જ થયું. … પછી ઈશ્વરે કહ્યું, ‘આકાશ નીચેનાં પાણી એક જગ્યાએ ભેગાં થાઓ’. … ઈશ્વરે કોરી જમીનને પૃથ્વી કહી અને ભેગાં થયેલાં પાણીને સાગર કહ્યો. … પછી ઈશ્વરે કહ્યું, ‘સાગર જળચરોથી ઊભરાઈ જાઓ.’ ” (જુઓ ઉત્પત્તિ ૧: ૨-૨૦).

એ જ રીતે બાઇબલના છેલ્લા પુસ્તક ‘દર્શન’ના છેલ્લા પ્રકરણમાં પણ પાણીની વાત આવે છે. “જે તરસ્યા હોય તે આવો, જેની ઇચ્છા હોય તે વિના મૂલ્યે જીવનજલ લો” (દર્શન ૨૨: ૧૭). આમ બાઇબલની શરૂઆતથી અંત સુધી પાણીની વાત આવે છે. એમાં ઈશ્વરની સર્જનની વાતથી માંડી, એમના મુક્તિદાયક આશીર્વાદ અને તારણ કાર્યોની વાત છે. બાઇબલની “સાગર જળચરોથી ઊભરાઈ જાઓ”ની વાતથી આપણે જાણીએ છીએ કે, જીવનની શરૂઆત પાણીમાં જ થઈ છે.

પાણી સ્વચ્છતાનું પ્રતિક છે, સ્વચ્છતાનું માધ્યમ છે. એટલે સંત પાઉલ એફેસસના પત્રમાં જણાવે છે, “તેમણે (ઈસુએ) ધર્મસભાને વાણી સહિતના જળસ્નાનથી શુદ્ધ કરી હતી.” (એફેસસ ૫: ૨૬).

ખ્રિસ્તી દેવળ કે પ્રભુ મંદિરમાં પ્રવેશ દ્વાર પાસે પાણીનો કુંડ હોય છે. દેવળમાં પ્રવેશ કરતાં પહેલાં ખ્રિસ્તીઓ પાણીમાં આંગળી બોળીને પોતાની જાત પર ક્રૂસનું નિશાન કરે છે. એ રીતે ખ્રિસ્તીઓ પોતાની જાતને શુદ્ધ કરવા અને આધ્યાત્મિક રીતે પવિત્ર બનવાની ઇચ્છા પ્રગટ કરે છે. વળી, ખ્રિસ્તી ધર્મની ઉપાસનાવિધિમાં દેવળમાં ભાગ થયેલા લોકો પર શુદ્ધિકરણ અને જીવનના પ્રતીકરૂપે પાણી છાંટવામાં આવે છે.

બાઇબલમાં પયગંબર હઝકિયેલ લોકોને ઈશ્વરની વાણી સંભળાવે છે, “હું તમારા ઉપર પાવક જળનો છંટકાવ કરીને તમને મૂર્તિપૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુક્ત કરીશ” (હઝકિયેલ ૩૬: ૨૫).

ખ્રિસ્તીધર્મમાં પાણી જીવનનું પ્રતીક છે. નૈસર્ગિક રીતે પણ માનવજીવ માના ગર્ભાશયના પાણીમાં વિકાસ પામે છે. ગર્ભાશયમાંથી પાણી નિકળી ગયા પછી બાળકનો જન્મ થાય છે. આમ શારીરિક જન્મ પાણીમાંથી થાય છે તેમ ખ્રિસ્તીધર્મમાં આધ્યાત્મિક જન્મ પાણીથી થાય છે. ખ્રિસ્તીધર્મમાં બાળક કે વડીલ પ્રથમ સંસ્કાર – સ્નાનસંસ્કાર – દ્વારા ખ્રિસ્તી ધર્મસભામાં નવજન્મ લે છે. પ્રભુ ઈસુને જોર્ડન નદીના પાણીમાં ડુબાડીને સ્નાનસંસ્કાર આપવામાં આવ્યો હતો. પણ સામાન્ય રીતે પુરોહિત સ્નાનસંસ્કાર લેનારના માથા પર ક્રૂસના રૂપે પાણી રેડીને સ્નાનસંસ્કાર કે નવજીવન સંસ્કાર આપવામાં આવે છે.

પાણી વિના માનવજીવન શક્ય નથી. એકવાર હું ડાંગ જિલ્લાના સુબીર ખાતે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની મુલાકાતે ગયો હતો. જિલ્લામાં ઘણી બધી રીતે આગળ પડતી એ સ્કૂલની એક વિશેષતા સ્કૂલની આગળનો બહુ મોટો મંચ અને વિશાળ મેદાન છે. મને જાણવામાં સાનંદાશ્ચર્ય થયું કે, વિશાળ મંચ નીચે એક ખૂબ મોટી ટાંકી છે. વરસાદમાં એ મોટી સ્કૂલના છાપરા પર પડતું બધું પાણી એ ટાંકીમાં ભેગું કરી સાચવવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન ૫૨૧ની સંખ્યાવાળા છાત્રો અને સ્કૂલ માટે એ ટાંકીમાંથી પૂરતું પાણી મળી રહે છે!

એ જ રીતે ઉત્તર ગુજરાતમાં મેઘરજ ખાતે એક મોટું છાત્રાલય અને હાઇસ્કુલ છે. વર્ષોના વર્ષો ત્યાં પાણીની મોટી સમસ્યા હતી. એક વર્ષે ત્યાંનાં છાત્રાલય અને સ્કૂલની જવાબદારી સંભાળનાર મારા મિત્ર મિશનરી ફાધર પીતરે પાણીના પ્રશ્નનો ઉકેલ શોધી કાઢ્યો. એમણે સ્કૂલ પાછળના ડુંગર પર ઠેર ઠેર લાંબી સાંકડી ખાઈ ખોદાવી કે જેથી વરસાદનું પાણી એ ખાઈઓમાં ભરાય. વળી, ડુંગર પરથી નીચે આવતા પાણીને દોરીને સ્કૂલના વિશાળ મેદાનમાં લાવ્યાં અને મેદાનના અમુક ભાગોમાં પાળ બાંધીને વરસાદની મોસમમાં તળાવ બનાવી દીધું. પરિણામે સ્કૂલની વાવમાં પાણીની સપાટી ઊંચી આવી અને આખા વર્ષ માટે છાત્રાલય અને સ્કૂલ માટે પૂરતું પાણી મળી રહ્યું.

ખ્રિસ્તી લોકો બરાબર સમજે છે કે પાણી એટલે ઈશ્વરનો આશીર્વાદ છે. બાઇબલ અને પાણી માણસ પર ઈશ્વરના આશીર્વાદની વાત કરે છે. પ્રભુ ઈસુએ પોતાનો પ્રથમ ચમત્કાર પાણીના માધ્યમ દ્વારા કર્યો હતો. “કાના ગામે લગ્ન હતાં. ઈસુનાં મા ત્યાં હતાં. ઈસુને અને તેમના શિષ્યોને પણ લગ્નમાં નોતર્યા હતા. ત્યાં દ્રાક્ષાસવ ખૂટી ગયો. હવે યહૂદીઓની રીત પ્રમાણે દેહશુદ્ધિ માટે પાણી ભરવાની પથ્થરની છ કોઠીઓ ત્યાં પડેલી હતી. ઈસુએ નોકરોને કહ્યું, ‘આ કોઠીઓ પાણીથી ભરી કાઢો.’ એટલે તેમણે છલોછલ ભરી કાઢી. ઈસુએ તેમને કહ્યું, ‘હવે એમાંથી થોડું કાઢીને ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ’. … વ્યવસ્થાપકે હવે દ્રાક્ષાસવ બની ગયેલું પાણી ચાખી જોયું. … વ્યવસ્થાપકે વરરાજાને બોલાવીને કહ્યું, … તે તો અત્યાર સુધી સારા દ્રાક્ષાસવ રાખી મૂક્યો!” (યોહાન ૨ : ૧-૧૦).

પાણી અને બાઇબલ વચ્ચેનો આ સંબંધ આપણે ઠેરઠેર બાઇબલમાં વાંચી શકીએ છીએ. અહીં આપણે વધુ બેએક દાખલાઓ જોઈએ. બાઇબલના મહાપ્રસ્થાન ગ્રંથમાં સીનના રણમાંથી જતાં ઇસ્રાયલીઓની વાત છે. પણ રણમાં લાખો ઇસ્રાયલીઓ અને તેમના જાનવરોને પીવા માટે પાણી નહોતું. આથી લોકો આગેવાન મોશે સાથે ઝઘડવા અને બોલવા લાગ્યા. ‘અમને પાણી આપો’. … ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, … જે લાકડીથી તે નીલ નદી ઉપર ઘા કર્યો હતો તે લાકડીથી હોરેબ પર્વતના એક ખડક પર ઘા કરજે એટલે એમાંથી પાણી નીકળશે. એવું જ બન્યું. લોકોને અને તેમના જાનવરોને પીવાનું પાણી મળ્યું (જુઓ મહાપ્રસ્થાન ૧૭: ૫-૭).

સર્વકાલીન વિશ્વસાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતો બાઇબલનો ગ્રંથ ‘યોબ’માં યોબ કહે છે, “હું ઈશ્વરને શરણે જાઉં, હું ઈશ્વરની આગળ ઘા નાખું. … એ પૃથ્વી પર વરસાદ વરસાવે છે, ખેતરોને પાણી પહોંચાડે છે.” (યોબ ૫: ૮-૧૦).

છેલ્લે પોતાના આચાર-વિચારથી વિશ્વગુરુ બનેલા પોપ ફ્રાન્સિસના શબ્દોથી આ લેખ સમેટી લઉં છું. ૨૦૧૮ ફેબ્રુઆરી ૨૩ અને ૨૪મીએ રોમમાં મળેલા              Pontifical Academy of Sciences (પોન્તિફિકલ અકૅડમી ઍાફ સાયન્સ) વિશ્વસ્તરના ૯૦ પ્રતિનિધિઓને સંબોધતા પોપ ફ્રાન્સિસે કહ્યું, “બધા લોકોને પીવા લાયક સ્વચ્છ પાણી માટે હક્ક છે.” પરંતુ આ હક્કની આજે ખાતરી નથી. યુનો (UNO)ના આંકડા ટાંકતાં પોપે કહ્યું કે, પાણી સંબંધી માંદગીથી રોજ એક હજાર બાળક મરી જાય છે અને લાખો લોકો પ્રદુષિત પાણી પીએ છે! પોપ ફ્રાન્સિસે વધુમાં કહ્યું કે, પાણી માટે માણસનો મૂળભૂત હક્ક છે. એ હક્ક પ્રત્યે આદરમાનથી જ માણસ બીજા બધા માનવહક્કો પાળી શકે છે.    (લેખક સાથેનો સંપર્ક: cissahd@gmail.com મો. 09428826518)

(શબ્દો ૮૯૬)

#

Changed On: 01-04-2018

Next Change: 16-04-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018